ક.મા.મુનશીની આત્મકથા- કેટલાક વિલક્ષણ ઉન્મેષો

કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્વતંત્ર ભારતના આરંભકાળના અગ્રણી રાષ્ટ્રપુરુષ તેમજ પ્રાણવાન સર્જકપ્રતિભા ધરાવતા આપણા પ્રથમ પંક્તિના યુગદર્શી સાહિત્યકાર છે. નવલકથા, નાટક, ટૂંકીવાર્તા, નિબંધ, ચરિત્ર જેવા અનેક સ્વરૂપોમાં સમૃદ્ધ ખેડાણ કરીને એમણે  જે તે સ્વરૂપોમાં નવાં સ્થિત્યંતરો આણ્યાં છે. આત્મકથાક્ષેત્રે પણ એમનું અર્પણ એટલું જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગુજરાતી આત્મકથાનું સ્વરૂપ આમેય અલ્પ પ્રમાણમાં ખેડાયું છે અને રસપૂર્ણ-મનોહારી આત્મકથાકૃતિઓની ખોટ રહી છે ત્યારે સમૃદ્ધ, રસભર અને સંકુલ જીવનંગો ધરાવતી મુનશીની આત્મકથા એની કથનશૈલીની વૈવિધ્યપૂર્ણ છટાઓ, નિખાલસ અને પ્રામાણિક આત્મનિવેદન તેમજ કલાત્મક – રસપૂર્ણ આલેખનના કારણે સૌને આકર્ષે એ સ્વાભાવિક  છે.

ર.વ.દેસાઈએ પોતાની આત્મકથા ગઈકાલ માં નોંધ્યું છે-

આત્મકથા તો કોઈ નર્મદ લખે. જેના જીવનમાં પ્રેમશૌર્ય છલકતા હોય. આત્મકથા તો કોઈ મણિલાલ નભુભાઈ લખે જેના જીવનમાં અભેદમાર્ગ-પ્રવાસની કેડીઓ પડી હોય. આત્મકથા કોઈ ગાંધી લખે જેણે જીવનની ક્ષણેક્ષણ સત્યના પ્રયોગોમાં જ વિતાવી હોય. આત્મકથા કોઈ મુનશી લખે જેનું જીવનરંગ સાહસ અને કલ્પનાના કંપ અનુભવી રહ્યું હોય..

નર્મદ, મણિલાલ દ્વિવેદી, ગાંધીજી, ઈન્દુલાલ યાજ્ઞિક, ચંદ્રવદન મહેતા, ક.મા.મુનશી જેવા પ્રથિતયશ માનવોનું આત્મપ્રગટીકરણ એમના અસાધારણ વ્યક્તિત્વના રંગબેરંગી અંશોને કારણે સંમોહક તથા પ્રેરક બની રહે એ સહજ છે. વિચક્ષણ રાજપુરુષ, વિરલ સારસ્વત, કેળવણીકાર, વહીવટકર્તા, બાહોશ ધારાશાસ્ત્રી, કેન્દ્રીય પ્રધાન, બંધારણના ઘડવૈયા, કુલપતિ, સુધારક, પત્રકાર, કલાવિધાયક – એમ વિધવિધ પાસાંઓથી મુનશીનું જીવન-વ્યક્તિત્વ ભર્યુંભર્યું રહ્યું છે. આવી વિરાટ પ્રતિભાના સમગ્ર જીવનચક્રમાં સંગોપાયેલાં સૂક્ષ્મ જીવન-રહસ્યો, શ્રેય-પ્રેયના સંઘર્ષો, મનોમંથનો, આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ ઉપરાન્ત જીવનપ્રસંગો સાથે વણાઈ ગયેલા તત્કાલીન સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક સંદર્ભોનું આત્મકથાન સૌ કોઈની જિજ્ઞાસાને સંકોરનાર નીવડે. એવા આત્મસાક્ષાત્કારમાં આત્મકથાના સ્વરૂપને અપેક્ષિત અને ઈષ્ટ નિખાલસ-પ્રામાણિક-સત્યનિષ્ઠ અને તાટસ્થ્યભર્યું આત્મનિવેદન રસપૂર્ણ અને કલાત્મક નીવડે એ માટે વળી સવ્યસાચી સર્જકપ્રતિભાનો આવિષ્કાર જરૂરી બને છે. મુનશી આવા સવ્યસાચી સર્જક છે એની પ્રતીતિ એમની આત્મકથામાંથી પસાર થતા અનુભવાય છે.

(2)

‘અડધે રસ્તે..’

ઈ.સ. 1942માં પ્રકાશિત થયેલ મુનશીની આત્મકથાનો પ્રથમ ભાગ અડધે રસ્તે ઇ.સ. 1932-33ના ગાળામાં કૌમુદીની લેખશ્રેણીરુપે પ્રગટ થતો રહ્યો હતો. જેના ત્રણ ખંડ છે. 1. ટેકરાના મુનશીઓ.   2. બાલ્યકાળ    3. વડોદરા કોલેજ

30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં જન્મેલા મુનશી ભરૂચમાં આવેલા ‘મુનશીના ટેકરા’ નિમિત્તે પોતાના ભાર્ગવ પૂર્વજોના ઈતિહાસને વિનોદ તથા નર્મમર્મપૂર્ણ શૈલીમાં ધબકતો કરે છે. એમના કુળમાં થઈ ગયેલા નંદલાલ પાઠક પોતાની કવિતાકળાથી દિલ્હીના બાદશાહને રિઝવીને ભરૂચ પરગણાની મુનશીગીરી મેળવે છે. નંદલાલના પુત્ર હરિવલ્લભ આ મુનશીગીરી દીકરીને કન્યાદાનમાં આપી દે છે. જમાઈ કીશનદાસ ન્યાતમાં યશસ્વી જીવન જીવી ગયા. એમના પુત્ર નરભેરામ કનૈયાલાલ મુનશીના દાદા થાય. તેઓ સુરત અદાલતમાં ડિસ્ટ્રિક્ટ જજના શિરસ્તેદાર બન્યા. એમના પુત્રો પૈકી માણેકલાલ મુનશી એ કનૈયાલાલના પિતા. માણેકલાલ અમદાવાદની કલેક્ટર ઑફિસમાં માસિક પંદર રૂપિયાના પગારથી કારકૂન થઈ કારકિર્દી શરુ અને સ્વબળે આગળ વધ્યા. એમને હૉંશ હતી દીકરા કનુને સિવિલિયન કરવાની. પિતાનો પોતાના ઉપર પડેલા પ્રભાવને મુનશીએ અહીં ભાવપૂર્વક આલેખ્યો છે. પિતા સૂરત પાસે સચીનમાં દીવાનપદે નિમાયા. અહીંના વસવાટ દરમ્યાન કનુને આઠ-નવ વર્ષની એક બાળા તરફ નૈસર્ગિક આકર્ષણ જાગે છે. એ ગૌરવર્ણી તોફાની તેજસ્વી અને હેતાળ બાળા મુનશીની હ્ય્દયસ્થ ‘દેવી’ સ્વરૂપે અંકાય છે.

તેર વર્ષના મુનશી મેટ્રિકમાં આવ્યા. ભરૂચની હાઈસ્કૂલમાં ‘રિફર્મેશન’ ઉપરનું વ્યાખ્યાન સાંભળતાં એમની પુરાણી શ્રદ્ધા ડગમગી ઊઠે છે. નવ વર્ષની અતિલક્ષ્મી પાઠક સાથે એમનાં લગ્ન કરાવવામાં આવે છે. 1901માં પ્રથમ પ્રયત્ને મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેઓ પિતાજીને રાજી કરી દે છે. કૉલેજના અભ્યાસાર્થે વડોદરા જવાનું થતાં પ્રો. જગજીવન શાહ તથા પ્રો. અરવિંદ ઘોષનો પ્રભાવ ઝીલે છે. 1903માં પિતા માણેકલાલનું હ્યદયરોગના હુમલાથી અવસાન થતાં આખા કુટુંબની જવાબદારી મુનશી ઉપર આવી રહે છે. આર્થિક ભીસ અને કટોકટીના વર્ષમાં પણ તેઓ ‘અંબાલાલ સાકરલાલ પારિતોષિક’ મેળવી ઇન્ટરની પરીક્ષા પાસ કરી શક્યા. અરવિંદ ઘોષની પ્રેરણાથી વિવેકાનંદની કૃતિઓ વાંચે છે. પતંજલિના યોગસૂત્રનું ઊંડું પરિશીલન કરે છે. જેના કારણે પશ્ચિમી સંસ્કારો પ્રત્યેનો મુનશીનો મોહ ઓસરતો જાય છે. બી.એ.માં ઉત્તીર્ણ થઈ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક સાથે ‘એલિયેટ પારિતોષિક’ મેળવે છે.

દીકરાની પ્રગતિથી માતા તાપીબાનું હૈયું હરખે છે. અતિલક્ષ્મી સાથે લગ્ન કરવામાં સમાધાન કરી દુઃખી રહેતા કનુનું હૈયું માતા પારખી શકી છે. એ અતિલક્ષ્મીને કેળવીને ઘરરખ્ખુ કુશળ ગૃહિણી બનાવવા બધો જ યત્ન કરી છૂટે છે.

અડધે રસ્તેમાં આલેખાયેલાં વ્યક્તિચિત્રો આત્મકથાનું મહત્ત્વનું પાસું છે.  ફરસરામ મુનશી, અદ્ધુભાઈ સરકાર, ધીરજકાકા, રામજીભાઈ મુનશી, કાશીરામ મુનશી, વિજકોરકાકી, રૂખીબા, મહમદ શફી ઉપરાંત હ્યદયના નિર્મળ ભાવથી પરિપ્લાવિત બનેલાં પિતા માણેકલાલ અને તાપીબાનાં ચરિત્રો આલેખવામાં મુનશીના આત્મકથાકાર તરીકેનું નિરાળું સર્જક વ્યક્તિત્વ ઊપસી રહે છે.

મિજાજી, જિદ્દી, ઉગ્ર, આપમતિયા છતાં મોટા દિલના, મોટાઈના શોખવાળા, રાગ-દ્વેષ અને મહત્ત્વકાંક્ષાથી પ્રેરાયેલા, પોતાની મોજમાં મસ્ત એવા નરભેરામ મુનશીનું ચરિત્ર ઊપસાવતા મુનશીની ચિત્રાત્મક વર્ણનકલાનું નિદર્શન જુઓઃ

અત્યંત ગૌરવર્ણ, ઘણું જાડું અને ઠીંગણું શરીર, ગળું પણ દેખાય નહીં એવી હડપચીઓ, ટૂંકા જાડા હાથ ને પગ, ઝીણી, તેજસ્વી, ઉગ્રતાભરી આંખો, ગર્વ ફૂલેલું નાનું નાક, પહોળા ચોંટેલા મોટા કાન, મિજા અને સત્તાથી ઝબકતું લાગે એવું મુખ, કસવાળો લાંબો કાશ્મીરી કારીગરીનો અસલી કોટ, મોટી ઘણા પેચની વાંકી મૂકેલી મુગલાઈ પાઘડી, નાગપુરી ધોતી જોટો, રંગીન મોજાં, લાંબી ચાંચના નવાબી જોડા…

આત્મશ્રદ્ધા પ્રેરતા સજીવ સાંસ્કારિક પરિબળ સમાન અને પિતૃજીવનની એક સમૃદ્ધિરૂપ તેમજ દંતકથાના પાત્ર જેવી પ્રેરણામૂર્તિ એવા ભાર્ગવ કુળના બાહોશ વકીલ કીશનદાસ મુનશીના પ્રતાપી વ્યક્તિત્વથી પણ મુનશી અભિભૂત થાય છેઃ

મરી ગયેલા એ વડદાદા નથી. જીવતાજાગતા પિતા છે. પિતૃલોકમાં રહી  એ મારામાં રસ લે છે. મારા તર્પણની વાટ જુએ છે.

 આવા ચરિત્રોના નિરુપણમાં મુનશી કુળપ્રશસ્તિ કરે છે તો Self-motivation દ્વારા સ્વનિર્ભરપણે વિકસવાની દિશા પણ કેવી આંકી છે એનો નિર્દેશ મળે છે. અડધે રસ્તે-માં ભાર્ગવ પૂર્વજોની ગૌરવગાથા નિરૂપવા વિશે તથા એમાં મુનશીના અહંવૃત્તિ કે આત્મશ્લાઘા વિશે ટીકાઓ થઈ છે. વાસ્તવમાં, મુનશીએ ભાર્ગવકુળના મુત્સદી પૂર્વજોની અહમવૃત્તિ, વેરઝેર, ન્યાતની પટલાઈ, મિલકત ને વસ્તુઓની વહેંચણીમાં થતા કારસ્તાન, ઝઘડા, છેતરપિંડી, ગાળાગાળી, રડારોડ, બાથંબાથી, મારામારી, ઘાંટાઘાંટ – વગેરેનાં વિનોદી અને નર્મમર્મપૂર્ણ દૃશ્યચિત્રો આંકી બતાવ્યાં છે. ટેકરાના મુનશીઓનો પ્રખર પ્રતાપ ભાર્ગવોની પટલાઈમાં અને ટેકરાના સ્વામિત્વમાં અપમાન-તિરસ્કાર-નાહકનો વિગ્રહમાં વેડફાઈ ગયો એનું કડક વિશ્લેષણ મુનશીએ કર્યું છે એ ધ્યાનથી બહાર ન રહી શકે.  હઠે ચડેલા વરઘોડા, રામજણીના સંગીત જલસા તેમજ શાળા-કોલેજજીવનના રંગરસભર્યા સંસ્મરણોનું આલેખન મુનશીની સર્જકતાની આગવી મુદ્રા પ્રગટાવે છે.

 આત્મકથામાં અનિવાર્ય એવું આત્મકથાકાર મુનશીનું આત્મનિરીક્ષણ તથા સ્વ-પરીક્ષણ અડધે રસ્તે-માં અનેક સ્થળે-પ્રસંગે અનુભવાય છે.

  • બુદ્ધિના બડેખાં હોવાનું મારું અભિમાન ઓછું નહોતું.
  • જેઓ ઓછી બુદ્ધિના હતા તેમના તરફ હું તિરસ્કારની નજરે જોતો હતો.
  • પાશ્ચાત્ય સંસ્કારોના સેવનથી હું પૂરેપૂરો આત્મકેન્દ્રી બની ગયો હતો.
  • ઊર્મિ, ઘેલછા અને અભિમાનમાં બહેકેલો હું સ્ત્રીની બાબતમાં તે વખતે સમાધાન કરવા યોગ્ય નહોતો.
  • મારી રહેણીકરણીની ટેવો ઘણી જ ખરાબ હતી.
  • હું અવ્યવસ્થિત ને તદ્દન બેદરકાર હતો.
  • બે સ્ત્રીઓ – એક અનુભવી ને બીજી ઉત્સાહી- એક જંગલી વરુને વશ કરી રહી હતી.

 કૉલેજકાળમાં કલ્પનાવિલાસમાં રાચતા પોતાના ભીતરનું મુનશીએ સૂક્ષ્મ અવલોકન કર્યું છેઃ

ધીમે ધીમે હું બદલાતો હતો. પણ મારા અંતરનો એક ભાગ તો હતો તેવો રહ્યો હતો. જ્યારે હું કૉલેજની અગાશીમાં એકલો ફરતો ત્યારે સચીનમાં મળેલી બાલાની કલ્પનામૂર્તિ મારી આગળ ખડી થતી અને હું વિહ્વળ બની આંસુ સારતો. જ્યારે હું નવલકથા વાંચતો ત્યારે તેનાં નાયક-નાયિકાના અનુભવો અમારા જ હોય એવો મને ભાસ થતો. કલ્પનાવિલાસની આ મારી સૃષ્ટિ મારે મન તો જીવંત હતી.

આત્મહત્યા કરવાની જીવનની એક સંવેદનશીલ ક્ષણ પણ નિરૂપાઈ છે. ઉદાસી, ખિજાતા તથા વિષાદની પળોમાં દોલાયમાન કિશોરવયની ચેતનાનાં વિવર્તોને મુનશીએ પારદર્શક રીતે ઝડપ્યા છે. દ્વન્દ્વાત્મક મનોસ્થિતિમાં પોતે જ અર્જુન અને પોતે જ કૃષ્ણ એવી બેવડી ભૂમિકા રચીને, તેઓ સ્વયં પ્રેરણા મેળવતા રહે છે. પોતાના આત્માને સંબોધીને લખેલી નોંધ એનું નિદર્શન છેઃ

‘વહાલા આત્મા,

તું ક્યા ગયો..? તારી શક્તિ ફરી કેમ નથી પ્રગટતી.? એક વખત તું સશક્ત હતો. અત્યારે તારી ઘણી જરૂર છે ત્યારે આવીને કેમ તું મદદ નથી કરતો ?  એક વખત હાર્યો એટલે તું રણ છોડશે.? તારાં સંસારી સુખો નષ્ટ થયાં. હ્ય્દય ભલે અસંતુષ્ટ બન્યું, પણ યુદ્ધમાં મચ્યા રહેવા માટે તું કેમ કમ્મ કસતો નથી..? તારા હ્ય્દયની ઈચ્છા ન પુરાઈ તેમાં શું ? કાયર ? શું રણમાં તું પૂંઠ બતાવશે ?’

સ્વ-નિરીક્ષણ તથા સ્વ-પરીક્ષણની દૃષ્ટિએ અડધે રસ્તે-માં આત્મકથાકારની તટસ્થ સર્જદૃષ્ટિ ધ્યાનાર્હ બની છે.

(3)

સીધાં ચઢાણ -માં 1907થી 1922 દરમ્યાનના વકીલાતના વ્યવસાયના મુંબઈ જીવનના સંસ્મરણો તથા સાહિત્યસર્જનના આરંભ તથા યશસ્વી લેખનની યાત્રાના અનુભવો વર્ણવામાં છે. 1907થી 1913 દરમ્યાન મુંબઈની શેરીઓમાં- તથા 1913થી 1922 દરમ્યાન હાઈકૉર્ટ એવા શીર્ષકો હેઠળ મુનશીની આર્થિક ભીંસમાંથી યશસ્વી ધનપ્રાપ્તિની દિશામાં વિકસતી જીવનગતિનો આલેખ મળે છે. છેલ્લા ખંડમાં 1913થી 1922 દરમ્યાન જીવનના મધુર અને સમૃદ્ધ અનુભવખંડોનું બયાન મધુર અરણ્ય-મધ્વારણ્ય-શીર્ષક હેઠળ થયું છે.

એલ.એલ.બી. થવા મુંબઈગરા થયેલા મુનશી આર્થિક ભીંસ વચ્ચે પણ અભ્યાસની સમાંતરે ત્યાંની નાટ્યપ્રવૃત્તિ સાથે ઘરોબો કેળવે છે. ઝેરી સાપ- તથા ફાંકડો ફિતુરી- જેવા નાટકો, અમૃત કેશવ નાયક તથા ગૌહર જેવા નટ-નટીઓના અભિનયના કામણ, નાટકનાં ગીતોની રસિકતા ઉપર ફિદા થયેલ મુનશીને રંગભૂમિનો જબરો નાદ લાગ્યો છે.

ચંદ્રશંકર પંડ્યા જેવાનો પરિચય  એમની સાહિત્યની સુષુપ્ત વૃત્તિને સંકોરનારું મહત્વનું પરિબળ બને છે. ચંદ્રશંકર અને મિત્રમંડળ રવિવાર થાય એટલે આર્યસમાજ મંદિરમાં એકત્ર થાય. ઉત્તમલાલ ત્રિવેદી, નગીનદાસ માસ્તર, મનસુખલાલ, કાંતિલાલ પંડ્યા, અંબાલાલ જાની, નૃસિંહ વિભાકર- વગેરે મિત્રો મળીને – ગૂર્જર સભા-ની શરુઆત કરે છે. મુનશી જેના મંત્રી બને છે.

એલ.એલ.બી.માં ઉત્તીર્ણ થતાં વકીલાતની વ્યવસાયી કારકિર્દીનો રાજમાર્ગ સામે ખુલે છે. આરંભનો કાળ મુનશીના અપ્રતિમ પરિશ્રમ તથા ખંતપૂર્વકના સ્વાધ્યાયનો છે. સવારે દસ વાગે ઘરેથી નીકળી હાઈકોર્ટની લાઈબ્રેરીમાં વાચન-મનન ચાલે. એ પછી સાંજે ભૂલાભાઈ દેસાઈ જેવા મુબઈ હાઈકોર્ટના પ્રખર તેજસ્વી ધારાશાસ્ત્રીનું ધ્યાન ખેચવા ધીરજપૂર્વકના પ્રયત્નો થાય. લાંબા સમય પછી એકાદ કામ મળતાં કોર્ટમાં પહેલી અપીલ ચલાવવાની આવે છે. થાણાની કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સર બેસિલસ્કોટની સમક્ષ અને એ વખતના સમર્થ પ્રતાપી ઍડવૉકેટ જનરલ સ્ટ્રંગમેન સામે કેસ લડવાનો અનુભવ મુનશીએ રસપૂર્ણ તથા નાટ્યાત્મક રીતિએ આલેખ્યો છે. આરંભકાળના વકીલાતના દિવસોમાં અનુભવેલા ક્ષોભ-સંકોચ, ભીરુતા, દૈન્યતા, ખિન્નતા અને અવસાદને એમણે ભાવવાહી શૈલીમાં શબ્દસ્થ કર્યા છે. પોતાની મર્યાદાનું સ્વ-નિરીક્ષણ કરી ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓની પ્રસ્તુતિનું અધ્યયન કરી આકરાં વર્ષોની વિકસ તપશ્ચર્યાને અંતે ધારી સફળતા મેળવતા રહે છે. 1913ના અંતે મુનશી સાડાનવ મહિનામાં અગિયારસો રૂપિયા કમાયા. પ્રથમ યુરોપિયન યુદ્ધ વખતે જાપાનીઝ લોન્ગ ક્લોથ સટ્ટાને કારણે સેંકડો દાવા અરજીઓ થઈ. મુનશીનું ભાગ્ય ઊઘડી ગયું. તેઓ નોંધે છે.

1922ના ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરની મારી આવક વિશુદ્ધ બ્રાહ્મણને તો રૌરવ નરકના અધિકારે બનાવે એટલી મોટી હતી.

સમાંતરે ક્રમશઃ વિકસતી સાહિત્યલેખન પ્રવૃત્તિમાં પણ મુનશી એવા જ યશસ્વી નીવડે છે. મિત્રોની પ્રેરણાથી લખેલી વાર્તા ‘સ્ત્રીબોધ’માં ‘ઘનશ્યામ વ્યાસ’-ના તખલ્લુસથી છપાય છે. ગુજરાતી-સામયિકમાં ચૌદ આનાના મહેનતાણાના આકર્ષણથી લખાયેલી ‘વેરની વસુલાત’ મુનશીની પ્રથમ નવલકથા છે. ઈન્દુલાલ યાજ્ઞિક સાથે નવજીવન-માસિકનો આરંભ થાય છે. ‘કોનો વાંક ?’ તથા ‘પાટણની પ્રભુતા’  જેવી નવલકથાઓ આ જ પ્રકારે લખાતી જાય છે. ‘વીસમી સદી’-ના હાજી મહમ્મદ અલ્લારખિયા તથા રણજિતરામ મહેતા સાથેનો પરિચય અને મૈત્રી એમની સાહિત્ય યાત્રાને અત્યંત પ્રેરક નીવડે છે. ‘ગુજરાતનો નાથ’ અને ‘પૃથિવીવલ્લભ’- ‘વીસમી સદી’માં જ પ્રકાશિત થાય છે. 1922માં સાહિત્ય સંસદની સ્થાપના કરી મુનશી- ગુજરાત-સામયિક શરુ કરે છે. તનમન- વાર્તા વાંચી મુનશી પ્રત્યે આકર્ષાયેલાં લીલાવતી શેઠમાં એમની સચીનની ‘દેવી’ના દર્શન થાય છે.  પછી તો જીવનનો એ વિરલ સંબંધ નાટ્યાત્મક દોર રૂપે વિકસે છે.

સીધાં ચઢાણ -એ અડધે રસ્તેની તુલનામાં કંઈક શિથિલ બંધ ધરાવે છે છતાં એ કાળના મંબઈના ન્યાયતંત્રની ગતિવિધિ, હાઈકોર્ટના વકીલો અને ન્યાયાધીશો વિશે પ્રમાણભૂત વિગતો અહીં મળે છે, જેનું ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય પણ ઊભું થાય છે. છોટુંભાઈ તથા ભૂલાભાઈ જેવાનાં ચરિત્રો પ્રભાવ પાથરનારાં બન્યાં છે. ડેપ્યુટી કલેક્ટર માણેકલાલ મુનશીનો છોકરો કનુ મુંબઈની ચાલીમાં રહેવાને માટે ફાંફાં મારે, એ ભીંસનું વાસ્તવિક ચિત્રણ મળે છે. ભાડૂઆતોની સમસ્યાઓનું ચિત્રણ મુંબઈના જીવનના લાક્ષણિક અનુભવરૂપે આકાર પામે છે.

એકલવાયા જીવનની અકળામણ ઉદ્વેગ અને અવસાદનું શમન કરવા મોટાભાગનો સમય મુનશી પિટિટ લાઈબ્રેરીમાં વાચન કરવામાં વીતાવી દે છે. તો વિષાદમાંથી પલાયન સાધવા ‘દેવી’ સાથેના કાલ્પનિક સાહચર્યને સેવતા રહે છે. ઉદ્વેગભરી અવસ્થામાં ગુતાનાં સૂત્રોનું રટણ કરતા રહે છે. પોતાની ઉદ્દેગપૂર્ણ, રોતલ અસ્વસ્થ અનોદશા ઉપર નિયંત્રણ મેળવવાની મથામણનું નિરપણ મુનશીના અસીમ મંથનનું પરિચાયક છે.

સમાજસુધારાના ધખારા પણ મુનશીએ અનુભવ્યા છે. એના બયાનમાં એમની ‘અહમ’નું તત્ત્વ માનવસહજ લાક્ષણિકતા રૂપે જ નિહાળીએ. આત્મનિવેદનની આ ક્ષતિ ક્ષમ્ય થાય એટલા માટે છે કે મુનશી વ્યંગ તથા ઉપહાસ થકી જાત ઉપર જ હસીને, પોતાના જ ઉપહાસ દ્વારા અહમ્-વૃત્તિને હળવી કરી મૂકે છે. આત્મકથાકાર મુનશીના સર્જક વ્યક્તિત્વનું આ નોંધપાત્ર લક્ષણ ગણાવું રહ્યું.

‘સીધા ચઢાણ’માં આલેખાયેલાં અનેક ચરિત્રો–પ્રસંગોમાં વિલક્ષણ ચરિત્ર યોગીરાજની શિષ્યાનું પણ છે. અતિલક્ષ્મી વિશે મુનશીએ ભાવપૂર્ણ તાટસ્થ્ય દાખવ્યું છે. દામ્પત્યજીવનની અપૂર્ણતાએ એમને હંમેશા ખિન્નતાનો તથા અધૂરપનો અનુભવ કરાવ્યો છે. લક્ષ્મીના અવિકસિત માનસને પારખનારી જીજીમા પૂત્રવધુને લાયક કરવાને ભરપૂર મથામણ કરે છે. પોતાના મૂક આત્મસમર્પણ તથા નિઃશબ્દ અને નિરપેક્ષ સેવાવૃત્તિથી લક્ષ્મીએ પતિના હ્ય્દયને જીતવાના કરેલા પ્રયાસો મુનશીને ભીતરથી સ્પર્શી શક્યા છે. અણગમતી લક્ષ્મી એમની સહધર્મચારિણી તથા વામાંગ બની શકી છે. એની પ્રતીતિ મુનશી વર્ણવે છેઃ

મારા નિર્બળ શરીરની એ રખેવાળ બની રહી હતી. મારી નિર્ધનતાની એ ભાગીદાર મારી સમૃદ્ધિ હતી. હું કોઈવાર બહારથી જળેલો, અકળાયેલો કે અપમાનિત થઈ આવ્યો હોઉં, ત્યારે વિશ્વાસથી મારી ટોપી લેવા એ સામે આવતી ને જગતથી ઘવાયેલો હું તદ્દન સાજો થઈ જતો. ઘેર આવતાં જ એ મને હસતે મુખે સત્કારતી. તેથી મારામાં પૂર્ણ આત્મશ્રદ્ધા પણ પ્રગટતી..

મારે સદ્-ભાગ્યે મારી કસોટીને સમયે મને લક્ષ્મી મળી. એણે મારી શક્તિમાં પોતાનું સર્વસ્વ જોયું. મારું બખતર સજનારી એ, મારી અભેદ્યતાની સરજનહાર હતી. એ ન હોત તો મારું શરીર કયારનું યે ભાંગી ગયું ગોત.

આવાં નિત્યકર્મોથી અમારી ભાગીદારી નવી તાંતે બંધાવા લાગી. મારા જીવનમાં લક્ષ્મી આમ આવી, મારી થઈ રહી-એના આત્મસમર્પણના અદ્-ભુત જાદુથી-  એનું બારી પર આડું પડેલું ગોળ રૂપાળું મુખ, અધીરી આંખે નીચે રસ્તા પર મને ખોળતું, આજે પણ મારી આંખ સામે તરવરે છે.

‘સીધાં ચઢાણ’-ના અંતભાગે,  લીલાવતી શેઠનો પ્રવેશ થાય છે.  ‘તનમન’-ની વાર્તા વાંચી એના સર્જકને રૂબરૂ મળવાની હોંશ રાખતી લીલાવતી પોતે લખેલાં –‘રેખાચિત્ર’ મુનશીને સોંપવા આવે છે. એમાં મુનશીના મેધાવી વ્યક્તિત્વનું પારદર્શક વિશ્લેષણ કરતું રેખાચિત્ર પણ છે. બાવીસ વર્ષની લીલાવતી પોતાના શબ્દો અને ભાવથી ત્રીસ વર્ષના મુનશીની સ્વસ્થતાને આરપાર વીંધી શકે છે. લીલામાં મુનશીને ‘ભવેભવની સખી’- ‘તનમન’- ‘ભાવનાની ભાગિયણ’- દેખાય છે. ગુજરાતમાં લેખો મેળવવા નિમિત્તે શરૂ થયેલો એમનો પત્રવ્યવહાર મુનશી કબૂલે છે તેમ, માનસિક સહજીવન જીવવાનો પ્રથમ પ્રયત્ન છે. પ્રથમ સાનિધ્યની વિહ્વવળતાને મુનશીએ અંતે આમ વ્યક્ત કરી છેઃ

તે રાતે હું ઊંઘ્યો નહીં. આ સાન્નિધ્યના દૂરગામી ભયંકર પરિણામો હું જોઈ શક્યો. વિપત્તિનાં વાદળ ચઢી આવ્યાં હતાં એ ચોક્કસ. જે પળે જીવનનાં સીધાં ચઢાણ ચઢી મેં ઉપલી કોર જેમ તેમ ઓળંગી, તે જ ક્ષણે સામેની સપાટ ધરતીમાં ફાટ પડી. ભમરીઓથી ભયાનક એવો દુરસ્ત નદીનો ઘૂઘવતો પટ મારા પગ આગળ વિસ્તર્યો..!! છતાં મારી રગો તાંડવ ખેલતી રહી. તેર વર્ષની સમાધિને પરિણામે સાક્ષાત્કાર પામેલી ‘દેવી’ પટને પેલે પાર – છતાં નિકટ- જીવતી ઊભી હતી…!!’

અને મારો અડધો રસ્તો પૂરો થયો.’

( સીધાં ચઢાણ- પૃ-226, ચોથી આવૃત્તિ-2003)

મુનશી નિશાળમાં ગુજરાતી ભણ્યા નહોતા. ચંદ્રશંકર અને બીજા મિત્રો એમને ગુજરાતીમાં લખવા પ્રેરતા રહે છે. ગુજરાતીમાં એક સારો પત્ર પણ લખવાનું એમના માટે દુષ્કર હતું. મુનશી મનુકાકા ઉપર ગુજરાતીમાં કાગળો લખવાની શરૂઆત કરે છે. પોતાને થતા ઉદ્વેગને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની એમને ટેવ હતી. એવા જ ઉદ્વેગના નિમિત્તે 1912ના જૂન-જૂલાઈમાં ‘મારી કમલા’ -વાર્તા લખે છે. ‘સ્ત્રીબોધ’માં છપાયેલી એ વાર્તા (ઘનશ્યામ વ્યાસ-ના ઉપનામે) વાંચીને નરસિંહરાવ દિવેટિયા એમનું પગેરું કાઢતા આવી ચઢે છે.  અણધારી મુલાકાત સાહિત્યસર્જન માટે ખૂબ પ્રેરક પુરવાર થાય છે. પોતાની એ સમયની લેખનપ્રવૃત્તિ વિશેની મુનશીની કેફિયત મહત્ત્વપૂર્ણ છેઃ

મારી કમલા– લખવાથી મને નવું ભાન થયું. અંગ્રેજીને હું મારા કથનનું વાહન બનાવતો ત્યારે મારી સર્જકતા શબ્દાડંબરથી ગૂંગળાઈ જતી. મારો આત્મા સહેલાઈથી પ્રગટ થઈ શકતો નહીં. જાજરમાન શબ્દોના પ્રવાહમાં કથનની સરલતા ને ભાવની સૂક્ષ્મતા દબાઈ જતાં. મારી કમલા- લખતાં મારા અણકસાયેલા ગુજરાતીમાં પણ શબ્દો ગૌણ બની ગયા. ઊર્મિ ને કલ્પનાચિત્ર મારો કબજો લઈ મને શબ્દો પ્રેરવા લાગ્યાં. મને સત્ય સમજાયું કે આપણું જીવન આપણી માતૃભાષા દ્વારા જ ખરેખરું વ્યક્ત થાય છે. સર્જન સરલ, સચોટ અને કલાત્મક પણ ત્યારે જ બને છે.  (સીધાં ચઢાણ- પૃ.144)

મુનશીની માતૃભાષાની મહત્ત્તા સ્વીકારતી આ આત્મપ્રતીતિ આજના સંદર્ભે પણ કેટલી બધી પ્રસ્તુત છે !!


(આ લેખનો આગળનો ભાગ આવતા અંકે પ્રકાશિત કરવામાં આવશે- સંપાદક )


જગદીશ ગૂર્જર
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

Leave a Comment