સમાજનો સેતુ બનતી હું મજાની ખિસકોલી

મમ્મટાચાર્યે પોતાના ‘કાવ્યપ્રકાશ’ નામના ગ્રંથમાં કાવ્યના જે છ પ્રયોજન ગણાવ્યા છે તે પ્રમાણે સાહિત્ય માત્રનું પ્રયોજન આનંદ આપવાનું તો છે જ. આનંદ સાથે ભાવકના અમંગળનો નાશ થાય‚ તેનું કલ્યાણ થાય તથા તેને વાર્તા રસ સાથે વ્યવહારજ્ઞાન પણ મળી રહે એ અનિવાર્ય નહીં પણ આવશ્યક તો ખરું જ. દરેક યુગનો સમર્થ સર્જક શબ્દ દેહે જેતે સમયની આવશ્યકતા અને પોતાની સર્જક પ્રતિભા અને સજ્જ્તા અનુસાર  ભાવકની ગાંઠે ભાથુ બંધાવે છે પણ ખરો.

આ લેખમાં જેમના વાર્તા સંગ્રહની મારે વાત કરવી છે એ આધુનિક વાર્તાકાર સ્મિતા ભાગવતે પણ સમાજની નાડ પારખીને એની સમસ્યાઓના ઉકેલ કાઉન્સેલરની હેસીયતથી લાવીને એમને વાર્તા દેહે અહીં આકારિત કર્યા છે. દીર્ઘકાલીન સમાજ નિરીક્ષણ દરમ્યાન સ્મિતા ભાગવતે શહેરીકરણની હોડમાં ગામડાના ચોરા અને કૂવા કાંઠે ઠલવાતા હૈયાને શહેરના ટોળા વચ્ચે બિડાતા જોયા. આસપાસના સમાજને વિભક્ત કુટુંબોમાં વહેંચાતો જોયો. સમયના પલટાતા પ્રવાહ સાથે તાલ મેળવવાની મથામણમાં વિવિધ માનસિક સમસ્યાઓનો ભોગ બની ઉપચારના અભાવે  પિડાતા પતિ-પત્નીને એકબીજાથી અલગ થતા અને બન્ને વચ્ચે વહેરાતા બાળકોને જોયા પોતાની ક્યાંક અહંની આડમાં પોતાની સંવેદનશીલતા ન વ્યક્ત કરી શકતા પુરુષને પોતાના વ્યક્તિત્વની છિન્નભિન્નતાને સંતાડતો જોયો‚ તો ક્યાંક ભણેલી ગણેલી સ્રીને બે છેડા ભેગા કરવા ઘરકામ સાથે નોકરી કરી ત્રાજવાના બે પલ્લુમાં પગ રાખી તેની  સ્થિરતા જાળવા મથ્યા કરતી અને પરિણામે પોતાની જાત‚ પતિ ‚બાળકોને સમય ન આપી શક્યાના અપરાધભાવ હેઠળ પિલાતી જોઈ‚ ક્યાંક ભણેલી પણ ગણેલી ન હોય એવી સ્ત્રીની અળપાતી સંવેદના જોઈ. આથી એમણે સમાજની નાડ પારખી તેને તંદુરસ્ત‚ સરળ અને રસાળ કરવાના પ્રયત્ન રુપે ‘કલમ અને કાઉન્સેલિંગ’ હેઠળ કૉલમના માધ્યમ વડે કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરેલ.. આ પ્રક્રિયા અંતર્ગત સાતસો જેટલા કેસ પર કામ કરેલ. એમાંથી છ સત્ય ઘટનાઓને વાર્તારસે રસાળ બનાવીને  ‘હું મજાની ખિસકોલી!’ (પ્રથમ આવૃતિ -૨૦૦૫) શીર્ષક હેઠળ મૂકી આપી છે.

‘નહેલે પે પહેલા’માં પિતાની મિલકત માટે જ ઓછું ભણેલી વંદના સાથે પરણીને પોતાનો હેતુ સધાઈ જતા માત્ર ‘કંકુ ચોખા ઉડાડ્યાથી લગ્ન થઈ ગયેલા માની ન શકાય’ એમ કહી એની સાથેના લગ્ન નકારી પોતાની પહેલી પત્નીને સાથે રાખી તેના પર અસહ્ય શારીરિક, માનસિક ત્રાસ ગુજારી એને અર્ધ પાગલ બનાવી નાખતા ડૉક્ટર પતિ અરુણની હેવાનિયતનો ભોગ વંદના એ કારણે બની રહી હતી કે તે એક સંસ્કારી પુત્રી હતી.પિયર પાછી જઈ પોતાના નાના ભાઈ પર બોજ બનવા ઈચ્છતી ન હતી.  આથી વંદના પતિની સ્વાર્થ પૂર્તિ નું સાધન માત્ર બનીને રહી જાય છે .

‘હાથના કર્યા હૈયે વાગ્યા’માં પત્ની હંસા જેવી આધુનિક યુગની નારી પુરુષ સાથે ખભે ખભા મેળવી પોતાના કુંટુંબને ઉંચુ લાવવાની ધખનામાં ઘર અને નોકરીની બેવડી જવાબદારીનો બોજો ઉપાડતી થાય છે  ત્યારે પતિ  પોતાનો ખભો હળવેથી સેરવી લે  છે. એટલું પૂરતું ન  હોય એમ  પતિ તરીકે પત્ની પાસેથી તમામ હકની આશા રાખી તેમાં ઉણી ઉતરતી પત્નીને અમમાનિત કરી ઘર માંથી  કાઢી મૂકતા પણ અચકાતો નથી. પત્નીની પરસેવાની કમાણી અન્ય સ્રી પર લૂંટાવી દઈ પાછળ થી પેટ ભરીને પસ્તાવામાં જાણે પોતાનું પુરુષાતન સાબિત કરતો હોય એમ લાગે છે.

‘ઊગી અક્ક્લદાઢ’માં સ્ત્રીનું શોષણ વધારે મીઠા આવરણો હેઠળ લપેટાઈને કરવામાં આવ્યું છે.  સંસ્કારી ઘરની દેખાવડી અને કમાતી યુવતીને જ પ્રેમની માયાજાળમાં ફસાવી ઠાલા વચનોથી ભરમાવી દઈ પત્ની બનાવી દેવામાં આવે છે. પરણ્યાના પરિણામરુપે પ્રેમિકામાંથી પત્ની બનેલી અને પતિ કરતા પણ વધારે કમાઈને લાવતી સ્ત્રીના ભાગે આવે છે બાળકની જવાબદારી સાથે   ઘરના અને નોકરીના ઢસરડાબોળ કામ કર્યા કરવાની ફરજ. પતિ તરીકેના પોતાના હક્ક  મેળવતા રહેતા પુરુષ અને એના કુટુંબના ચરણે પોતાનો પગાર પ્રેમથી ધરી દેતી સ્ત્રી પાસે બચે છે    પોતાની જન્મદાતા માની દવા માટે  માત્ર દુવા.

‘નર્તકીનો પગ ખાડામાં પડ્યો’માં બાલ્યાવસ્થાથી જ ઘુંઘરુને પ્રેમ કરતી અને નૃત્ય જગતમાં જેની બોલબાલા હતી એવી ધનવાન પિતાનું એક માત્ર સંતાન ઉર્વશીને પોતાના સુરીલા કંઠ અને રૂપથી આંજી નાંખી  એની આંખ પર પ્રેમના પાટા બાંધી દઈ એને લગ્ન નામના ખાડામાં ઉતારવામાં  ઉદયન નામનો સામાન્ય શાયર પોતાના મધ મીઠા વ્યવહારથી સફળ થાય છે.પરણ્યા પછી  પોતાની પ્રગતિ માટે ખ્યાતનામ પત્નીનો સીડી તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન આદરે છે.પણ  અણઆવડત અને કામચોર સ્વભાવને કારણે એને એમાં સફળતા નથી મળતી. એથી એ પોતાના કરતાં વધારે કમાતી પત્નીના પૈસે જ તાગડધીન્ના કરતા કરતા પત્નીને સમાજ  માં નીચી દેખાડવાના પ્રયત્નો આદરે છે. અને એક દિવસ નશામાં ધૃત પતિની હેવાનતનો ભોગ બનેલી નર્તકીને પોતાની જાતે ચાલવા માટે કૃત્રિમ પગનો સહારો લેવાનો સમય આવ્યો.

‘ખેલંદાએ ખેલી ભવની ભવાઈ’ની અંજુના ચેલેન્જ ઉપાડી એને પાર પાડવાના સ્વભાવનો ઉપયોગ મિત્ર સાથે સહસંબંધ રાખતા પુત્રના પુરુષાતનને જગાડનારી પત્ની તરીકે કરવામાં આવ્યો. તો ‘મનસ્વિની’ની નાયિકા પ્રાધ્યાપિકા મિનાક્ષી પદ્મનાભન અપરિણીત અવસ્થામાં મા બનવા જઈ રહી હોઈ કાયદાકિય રીતે મળતી મેટરનીટી લીવની હકદાર હોવા છતાં સીધી રીતે પોતાનો હક મેળવી શકતી નથી. નોકરીના સ્થળે મિનાક્ષીની કાર્યદક્ષતાજ જોવાને બદલે એના મા બનવાના નિજી નિર્ણય પર કાદવ ઉછાળવામાં આવે છે.

આ વાર્તા સંગ્રહની વાર્તાઓ રુપે મુકાયેલી સત્ય ઘટનાઓ વાંચતા ખ્યાલ આવે છે કે પુરુષ પ્રધાન સમાજમાં સદીઓથી સ્ત્રીનું એક યા બીજી રીતે શોષણ થતું જ આવ્યું છે. આજની ભણેલી ગણેલી નોકરી કરતી સ્ત્રીની  હોશિયારી‚ શિક્ષણ‚ સ્વાવલંબન પણ એને શોષણની ચુંગાલમાંથી બચાવવામાં  બુઠ્ઠા સાબિત થયા છે. સ્ત્રીની આંખમાં શિક્ષણે આંજેલા સપના લગ્ન નામની વેદી પર બળેલા હૈયાની આગની વરાળે ધોવાઈ જાય  છે. રજિસ્ટર ન થયેલા લગ્ન નકારી પતિ તરીકે અમાનુષી વ્યવહાર આચરતા ડૉક્ટર પતિ પાસેથી કાયદાકિય રીતે એની મિલકત મેળવવામાં એની સારવારમાં  વંદનાને‚ પોતાના પગારની પાઈ પાઈ એકઠી કરી પતિને નામે બનાવેલ મકાનથી હાથ ધોઈ બેઠેલી દક્ષાને એ પાછું અપાવવામાં‚ અપરિણીત સ્ત્રીના બાળકને જન્મ આપવાના નિર્ણયનો યુવાવર્ગ અને એ રીતે સમાજ પાસે સહર્ષ સ્વીકાર કરાવવામાં‚ ઉર્વશીને પોતાના પર ત્રાસ ગુજારતા પતિથી છુટાછેડા લેવાના નિર્ણયમાં બળ પૂરવામાં‚ વૈશાલીને સાપ બની દંશ ન દેવો પણ ફૂંફાડો અવશ્ય રાખવો પડે એ વાત સમજાવી‚ પોતાના પગારના ઉપયોગનો નિર્ણય પોતે જ કરવો જોઈએ એનું ભાન કરાવીને અને અંજુને એના સાસરીયાની મદદથી પોતે ઉપાડેલી ચેલેન્જ માં એને સફળતા અપાવવામાં કાઉન્સેલીંગની પ્રક્રિયાએ મહત્વની ભૂમિકા ભજવી.

આજે વધી રહેલા હત્યા‚ આત્મહત્યા અને છુટાછેડાના કિસ્સાઓ યોગ્ય કાઉન્સેલીંગનો અભાવ સૂચવે છે. લોકોનો લગ્ન નામનાં પવિત્ર બંધન પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ’હું મજાની ખિલકોલી‘  અનેક નંદવાઈ રહેલા હૈયાને બાંધવામાં સેતુ રુપ બની શકે તેમ છે.સમાજની વંદના‚ દક્ષા‚ વૈશાલી‚ ઉર્વશી‚ મિનાક્ષી જેવી અનેક બહેનોને કાઉન્સેલીંગની ઉપયોગિતા સમજાવતી અને જિદંગીના રાહ પર દીવાદાંડીની ગરજ સારતી વાર્તાઓ વાંચવા ભલામણ અવશ્ય કરીશ.


ડૉ. અર્ચના જી. પંડ્યા
ગુજરાતી વિભાગ
એસ. એલ. યુ આટર્સ & એચ & પી.ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર વિમેન
એલિસબ્રિજ અમદાવાદ

Leave a Comment