ધરતી ખોળે પાછો વળે'માં મહામારીનું નિરૂપણ
ઇ.સ.૧૯૪૧માં કન્નડ ભાષામાં શિવરામ કારન્થે લખેલી નવલકથા ‘મરળી મણ્ણિગ્ગે'નો ગુજરાતી અનુવાદ ‘ધરતી ખોળે પાછો વળે’ શીર્ષકથી ૧૯૮૨માં પ્રગટ થયો. આ નવલકથા તેના બૃહદ્ કથાફલક, કાળબળની સામે બાથ ભરતાં પ્રતાપ સ્ત્રી પાત્રો થકી જાણીતી છે. રામ ઐતાળ, લક્ષ્મીનારાયણ અને રામ ઐતાળ (નાનો)એમ ત્રણ પેઢીની કથા દક્ષિણ કર્ણાટકનાં સમુદ્રતટીય પરિવેશનાં ગામો અને મૈસૂર, મેંગ્લોર, બેંગ્લોર, મદ્રાસ, કેરળ સુધીનાં ભૌગોલિક પ્રદેશોમાં વિહરે છે. વિલસે છે. ગ્રામસમૂહની આસમાની-સુલતાનીનાં અવનવીન ચિત્રો એમાં ઝીલાયાં છે. પણ હમણાં આપણે જે વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યાં છીએ તેવી એક મહામારીનું નિરૂપણ આ કથામાં થયું છે.. ઈ.સ.૧૯૧૮માં વ્યાપેલો ઇન્ફ્લુએન્ઝા મહારોગ આ નવલકથામાં ઝીલાયો છે.
એ વખતે આ મહારોગ ફેલાવાનાં કારણોમાંનું એક કારણ ત્યારની અંધશ્રદ્ધા એ શોધી કાઢેલું. ગામમાં એ વર્ષે નવી આવેલી રેશમી બંગડી- કાચની નવી ફેશનની બંગડીઓને કારણે આ રોગ ફેલાયો છે એવું ગામની સ્ત્રીઓ કહેતી અને એમાંની ઘણી તો એવી બંગડીઓ ઉતારી પણ નાખે છે. પાછળથી ખબર પડે છે કે એ બંગડીઓને તાવ સાથે કશો સંબંધ નથી !
કથાના આ ભાગમાં મહામારીની સાવરણી જે રીતે મોતનો સપાટો બોલાવે છે એનાં હ્રદયસ્પર્શી ચિત્રો છે, તો એનો ભોગ બનનાર લોકોની જદોજહદ, એમની પીડા, એમનો સંઘર્ષ અને નવલકથામાંથી બાદ થતાં થોડાં પાત્રોને કારણે એનાં ઘાટઘૂટ પર પણ અસરકર્તા બનતી મહામારીનું ચિત્રણ છે. એ વખતે કોઈ પૂર્વ આગાહી કરતું વિજ્ઞાન તો નહોતું. કથામાં આ રોગ વિશેની માંડણી કઇ રીતે થઇ છે, તે નોંધીએ :
‘‘ ગામ નો મેળો પૂરો થયો. મેળો પૂરો થયો તોય તેની વાતો તો ચાલતી હતી. મેળાની વાતો પૂરી થયા પછી એક દિવસ ખૂબ જ વિચિત્ર સમાચાર ગામમાં વહેતા થયા. કોડી,ઐરોડી,મણૂર,ઉડૂપી આ બધાં જ ગામોમાંથી મૃત્યુના સમાચાર આવવા લાગ્યા. ‘કોઈ એક પ્રકારનો તાવ આવ્યો છે. ક્યાંથી આવ્યો છે એ ખબર નથી ઘરનાં ઘર સાફ કરી જાય છે’ લોકો બોલતા. આ સાંભળીને બધાં જ એકદમ ભયભીત થઈ ગયાં’ (પૃ.૨૮૦)
આ રોગ બાબતે પાત્રોની પરસ્પરની પૃચ્છાનો ચકરાવો સરસ રીતે વ્યક્ત થયો છે :
‘નાગવેણીએ પૂછ્યું : સાસુમા આ સાચું છે ?’
‘સૂર ! આ સાચું છે ?’ સત્યભામાએ પૂછ્યું
સૂરે નાગવેણીને પૂછ્યું : ‘મા આ સાચું છે?’
સત્યભામાની પુત્રવધુ નાગવેણી, રામ ઐતાળની બીજીવારની પત્ની સત્યભામા અને ગામનો દાડિયો-મજૂર-ભાગિયો સૂર : આ ત્રણ વચ્ચે પ્રશ્નોની આપ-લે થઇ છે ને પછી કથક કહે છે :
‘‘આમ બધાં જ એક બીજાંને પૂછતાં હતાં, કયો તાવ છે ? કયો રોગ છે ? ઉત્તર મળતો - ઇન્ફ્લુએન્ઝા.
પ્રશ્નો કરનાર સૂર બે દિવસ પછી તાવમાં પટકાયાનાં સમાચાર આવે છે ને એ સમાચાર આપનાર એની વહુ અને ઘરનાં સહુ તાવમાં ઝડપાયા છે તે જાણીને સત્યભામા ખબર કાઢવા ગઈ ત્યાં જ સામે સૂરની સ્મશાનયાત્રા નીકળવાની તૈયારી થતી હતી. એની મોટી વહુ પણ બચે એવી આશા નહોતી. સત્યભામા ડરીને રડતી રડતી પોતાને ઘેર પાછી ફરે છે ને ડરતાં ડરતાં કહે છે : ‘આ તાવ શું આટલો બધો ભયંકર છે ? સનેપાત થાય તો પંદર દિવસ તાવ રહે છે. આ તો આજે તાવ ને કાલે મરણ’’ (પૃ. ૨૮૦)
-આવો ભય અનુભવનાર સત્યભામાનું શરીર તાવથી ધગધગી ઊઠયું છે. ત્યારે એની સારવાર શી રીતે થઈ છે ?..નાગવેણી ઘરના વાડામાંથી થોડાંક પાંદડાં લાવી ઉકાળીને કાઢો તૈયાર કરે છે ને ગામનાં સંપન્ન લોકો (શીનમપ્પાનો દીકરો અથવા સુબ્બરાય ઉપાધ્યાય)ના ઘરે દવા લેવા જાય છે તો ઉપાધ્યાયના ઘરમાંથી પણ રડવાનો અવાજ સાંભળી ત્યાંથી વળીને શીનમપ્પાને ઘેર પહોંચે છે. ઓસરીમાં એક વૃદ્ધા બેઠી છે અને સામે ચાર પથારીઓ પડી છે. નાગવેણી પૂછે છે ; ‘બા ! આમ કેમ રડો છો ?’ વૃદ્ધા જવાબ આપે છે : ‘આ તો ભગવાનની લીલા !'
નાગવેણી ધ્રૂજતી ધ્રૂજતી પોતાને ઘેર પાછી ફરે છે તે સાંજે એનો દીકરો પણ તાવમાં સપડાય છે. એને લીલી ચા અને બીજા ઉકાળા પાઇને સારવાર કરે છે ને પોતે પણ સપડાય છે ને બેભાન થઈ જાય છે. ચોથે દિવસે એની આંખો ઊઘડે છે તો એના કાકા દોડી આવેલા તે એને ચમચીથી કાંજી પાય છે. નાગવેણી પોતાનાં દીકરા અને સાસુમાની પૃચ્છા કરે છે. દીકરો સલામત છે કાકાને ગામ, ને સાસુમા ભગવાનને શરણે થયા છે એવા સમાચાર સાંભળી એ ફરી બેભાન થઈ જાય છે. એનો તાવ ઉથલો મારે છે ને ચાર-છ દિવસ તરફડતી રહે છે. કારમી ગરીબાઈમાં છેક સુધી સાથ આપનાર સાસુ(સત્યભામા)નું સ્મરણ એને થતું રહે છે. 'તેણે સાંભળેલી પછી અનુભવેલી અને જોયેલી રોગની ભયંકર વાતો તેની સામે આદિહીન, અંતહીન સમુદ્રની જેમ પ્રસરી રહી હતી' એવું કથક નોંધે છે.
પોતાની સારવાર કરતા કાકાને એણે પૂછ્યું ;
'શું આખું ગામને ગામ ખાલી થઈ ગયું ?... તમારા ઘરમાં ? નારણઅપ્પાએ મૃત્યુ પામેલી વ્યક્તિઓનાં નામ કહ્યાં.
તેણે પૂછ્યું : 'સુબ્બીના ઘરમાં ?' (સુબ્બી, નાગવેણીની નણંદ) ત્યાં જઈને કોણ સમાચાર લાવે?'
-શીનમપ્પાને ઘેર ત્રણ જીવો મૃત્યુના મુખમાં હોમાઇ ગયા હતા. અને એમનો દીકરો નરસિંહ ગભરાઈને બેંગ્લોરથી દોડી આવ્યો છે. નારણપ્પા એને આશ્વાસન આપતા કહે છે :
"નરસિંહઅપ્પા, આખા ગામ પર આપત્તિ તૂટી પડી છે. કોણ કોને આશ્વાસન આપે ?... મારા ઘરમાં પણ આવું બન્યું. કેટલાંક ગામોમાં તો શબ ઊંચકનારા પણ રહ્યા નથી. ઘરોનાં ઘરો ધૂળમાં મળી ગયાં છે" (પૃ.૨૮૩.)
મહારોગનું નિરુપણ નવલકથાનાં અંતરંગ વાતાવરણમાં મૃત્યુની મહાભયંકર વિનાશલીલાનું ચિત્ર આપે છે તો કથાનાં એક મહત્વપૂર્ણ પાત્રની પૃથ્વી પરથી વિદાયનું પણ કારણ બને છે. નરસિંહમપ્પા જે બેંગ્લોરથી દોડી આવ્યો છે એની પાસેથી સત્યભામાને પીંડદાન દેનાર એનો પુત્ર, નાગવેણીનો વંઠેલ ધણી લચ્ચાનાં સમાચાર મળ્યા છે. ઘર છોડીને જતો રહેલો આ નાલાયક પુત્ર નાગવેણીનાં પિયરિયાઓના તારથી માની ઉત્તરક્રિયા કરવા આવે છે ને એમ પછીની કથા કથાનાં તંતુ માટેની ભૂમિકા રચાય છે. મૃત્યુની ભયંકર થપાટ સામે ઝીંક ઝીલતી નાગવેણી અને એનું બચી ગયેલું ત્રીજું સંતાન રામ, એની સામે નફ્ફટ થઈને માની અંતિમક્રિયા બીજા કોઈકના ઘરે પતાવતો પતિ લક્ષ્મીનારાયણ આમ સામસામી અથડામણ રચી શકે છે એમાં પેલી મહામારીનું વાતાવરણ ધાર કાઢે છે.
આપત્તિઓ આવે છે ત્યારે એકસાથે ઘણુંબધું લઈને આવે છે. એમાં માનવ્યની કસોટી પણ પૂરેપૂરી થાય છે ને સમાજ 'જેવો છે તેવો' સામે આવે છે. સો વર્ષ પૂર્વેની આવી એક મહામારીનું પ્રતિબિંબ આ નવલકથાએ કળાત્મક રીતે ઝીલી બતાવ્યું છે.
મહેન્દ્રસિંહ પરમાર, ૨૦, ગૌરીશંકર સોસાયટી, જ્વેલ્સ સર્કલ પાસે, ભાવનગર. ફોન : ૯૪૨૯૪૦૬૩૧૪