Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
કાતોર- આંતરિક અસ્પૃશ્યતાની પીડાનું સંયમિત આલેખન
અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક, નારીવાદી સાહિત્યની સાથે દલિત સાહિત્ય એક સશક્ત ધારારૂપે આપણી સામે આવ્યું છે. નવલકથા, આત્મકથા, નાટક, કવિતા, અને ટૂંકી વાર્તાક્ષેત્રે માતબર પ્રદાન કરી દલિત સર્જકોએ આ ધારાને સશક્ત બનાવી છે. જેમાં દલપત ચૌહાણ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર તરીકે ઉભરતા સર્જક છે. સવર્ણો દ્વારા દલિતો પર વર્ષોથી કરવમાં આવતાં અત્યાચારો, અપમાનો, અસ્પૃશ્યતા, શોષણ, દલિતોના આઘાત-પ્રત્યાઘાતો વગેરે દલિત સાહિત્યના મુખ્ય વિષયો છે. નવલકથા, કવિતાની સાથે ટૂંકી વાર્તામાં આ સંવેદનો સઘનતાપૂર્વક ઝીલાયા છે. ટૂંકી વાર્તા ક્ષેત્રે વિષયવૈવિધ્યતા અને અભિવ્યક્તિની નવીનતા સંદર્ભે દલપત ચૌહાણનું પ્રદાન મહત્વનું છે. વિષયોની બાબતમાં સવર્ણોના અત્યાચારો, અપમાનો અને શોષણ જેવા મુખ્ય વિષયોનું આલેખન પ્રમાણમાં સારું થયું છે પરંતુ તેની સાથે દલિતોની પોતાની નબળાઈઓ, તેમનો આંતરિક કુસંપ અને અસ્પૃશ્યતાનું આલેખન ઓછું થયું છે. આ સંદર્ભે ‛કાતોર’ વાર્તા નોંધી શકાય. સવર્ણો દ્વારા તો એક દલિતને અપમાન અને અવગણના વેઠવા જ પડે છે પરંતુ એક પોતાની જ હરોળના વ્યક્તિ દ્વારા પણ તેની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવામાં આવે છે. જેના કારણે જન્મતી વેદનાના ‛કાતોર’ વાર્તાનો મુખ્ય વિષય છે.

સમગ્ર વાર્તા બે ખંડમાં વહેંચાયેલી છે. પહેલા ખંડમાં શનિયો અને હઠોજી દ્વારા રાવણાં માટે કરવામાં આવતો સસલાનો શિકાર અને બીજા ખંડમાં બોયડીવાળા ખેતરે સસલાના શાક અને દારૂનું રાવણું. જેમા હેમરાજ, હઠોજી, વેલજી, શનિયો અને કચરો સામેલ છે. સસલાને કોઈ જાનવર ઉપાડી જતા હેમરાજના મનસૂબા પર પાણી ફરી વળે છે. ત્યારે કચરો પોતે લાવેલ કાંકણિયો બતાવે છે. જેના કારણે કાંકણિયો અને દારૂની ઉજાણી થાય છે. જેમાં કચરાને જ ભૂલી જવામાં આવે છે. અને વાઘરી શનિયા દ્વારા એની જ કાંકણિયો તેને ‛ઉપરથી’ આપવામાં આવે છે! ત્યારે કચરાની અનુભૂતિ સ્વરૂપાંતરની પ્રયુક્તિ દ્વારા સંયમિત રીતે વાચા પામી છે. આમ વાર્તાને અંતે કચરાનું સસલામાં થતું રૂપાંતર, પોતાની કાતોર દ્વારા જ થતો તેનો શિકાર સસલા અને કચરાનું સહસંવેદન રચે છે. તો આરંભિક પરિસ્થિતિમાં સસલાનો શિકાર અને અંતે કચરારૂપી સસલાનો શિકાર એ વાર્તાનો વિકાસ છે. આ આરંભ અને અંતને સંતુલિત કરે છે પાત્રની નાની નાની ક્રિયાઓ. જેમા શનિયાનું કચરાના ઘેર કાતોર લેવા જવું, ત્યારે કચરાની પત્નિનું કચરાને ટોકવું અને કહેવુ- ‛‛ઇન્ન હાઁહલાં તેતરાં મારવા અસી. કાંક હારા માણહ બાજુ લમણો રાખો. આપણ કોળી વાઘરી નહીં!’’ (પૃ.240) જે દલિતોના આંતરિક કુસંપનો સંકેત કરે છે. હઠાજી દ્વારા શનિયાને કૂવામાંથી પાણી પીવડાવવું, શનિયા દ્વારા હેમરાજને દિયોર કહેતા હેમરાજની શનિયાને રાવણું ઉલી જવાની ધમકી, કચરાનું નામ સાંભળતા શનિયાનું ચમકવું અને કહેવું- ‛‛રાતી દિયોર ભસ્યો જ નઈ! આ રાવણામઅ મેલા દેવની જેમ હાજરાહજુર’’, કચરા દ્વારા રાવણાં માટે તેલ, મીઠું, ડુંગળી, મસાલા અને વધારામાં કાંકણિયોનું લાવવનું, હનરમાનું આગમન, હનરમાનો શનિયાને જોતા- ‛‛આ ગામનો દિયોર આંય ચ્યાંથી?’’ એવો પ્રશ્ન અને તરત જ કચરા સાથે તેને કારેગડા લેવા મોકલવું, સસલાને કોઈ જાનવરનું ઉપાડી જવું, કચરા દ્વારા પોતે લાવેલી કાંકણિયો શેકવી, એને જોતા કચરો કાંકણિયો સેકસે તો ખાહે કોણ? એવું હેમરાજનું કથન, કચરા દ્વાર કાંકણિયોની પોટલીને પટકવું અને ખિસ્સામાંથી પોતાની વાટકી કાઢીને બાજુ પર મૂકવી, હેમરાજ દ્વારા કચરા તરફ ડુંગળી ફેકવી, કચરાનું તે ઝીલવું, એ કાંકણિયો પર શનિયા દ્વારા છાંટ નાખવી સેકવી અને કચરા તરફ જોયા વગર જ તેનું હેમરાજ તરફ ચાલ્યા જવું, અને આખરે વેલજીના યાદ અપાવતા હેમરાજના કથનથી દૂર બેઠેલા કચરાને શનિયા દ્વારા ઢીંચણે થઈ ઉપરથી કાંકણિયો આપવી. આ બધી જ ક્રિયાઓ વાર્તાનાં અંતને સંતુલિત કરે છે. આ ક્રિયાઓમાં એક તરફ હેમરાજ અને હનોરમાં દ્વારા શનિયા અને કચરાનું અપમાન અને અવગણના થાય છે તો સાથે સાથે શનિયા અને કચરા વચ્ચે પણ આંતરિક કુસંપ અને અવગણના જોવા મળે છે. આ જ પ્રકારનું વસ્તુ હરીશ મંગલમની ‛દાયણ’ અને મોહન પરમારની ‛કોહ’ વાર્તામાં છે. પોતાનો સ્વાર્થ સરી જતા સવર્ણો જન્મદાતાને જ તેને સ્પર્શવાનો અધિકાર આપતા નથી પરંતુ અહીં સર્જકે સવર્ણો દ્વારા દલિતોના થતા અપમાન અને અવગણનાનું તો આલેખન કર્યું જ છે, સાથે શનિયા અને કચરાની ક્રિયાઓ દ્વારા આંતરિક કુસંપ અને અસ્પૃશ્યતાનું આલેખન પણ વણી લીધું છે. આ વાતની તિવ્ર પ્રતીતિ શનિયાનું ઢીંચણે થઈ કચરાને ઉદ્દેશીને થયેલું કથન કરાવે છે કે- ‛‛વાટચી ધર’લ્યા, મું કાંકણિયો આલું! અહીં ‛મું’ વજનદાર છે. જેમાં શનિયાનો કચરા પ્રત્યેનો તિરસ્કાર અછતો રહેતો નથી.

એક દલિત હોવા છતાં તે ઢોર માટે ખેતરમાંથી કારેગડા વીંણી લાવી શકે પરંતુ તેની ભારી હનરમાંને ન ચડાવી શકે, શાક માટેના તેલ, મશાલા, ડુંગળી અને કાંકણિયો લાવી શકે પણ કાંકણિયો સેકી ન શકે કે કુંડાણામાં બેસી તેની જ લાવેલી કાંકણિયો ખાય ન શકે, તેનાથી વધારે પોતાના જ ગોત્રના ગણાતા વાઘરી શનિયા દ્વારા તે ‛ઉપરથી’ આપવામાં આવે! આ રીતે આ વાર્તા સવર્ણોનું દોગલું વર્તન, સ્વાર્થીવૃતિ અને તેમનાં દ્વારા થતા દલિતોના અપમાન અને અવગણનાને સ્પષ્ટ કરે છે. વાર્તા બહું સંયમિત રીતે આગળ વધે છે. સસલાનો શિકાર, રાવણાંની તૈયારી, રાવણા માટેના સસલાની ચોરી, રાવણમાં દારૂ સાથે કામ આવતી કચરાની કાંકણિયો કામે લાગે છે. અને પોતાની જ કાંકણિયો શનિયા દ્વારા ઉપરથી આપવામાં આવે છે. એની વેદનાના કારણે સસલામાં તેનું સ્વરૂપાંતર થાય છે, અને શનિયા દ્વારા જ તેનો શિકાર થાય છે! જે વાર્તાની ચોટને વધારે છે.

ચાક્ષુસ અને ચિત્રાત્મક વર્ણનો, વાર્તાની કળાકીયતામાં વધારો કરે છે. ઉ.દા. તરીકે "શનિયો મર્માળું હસ્યો અને સસલાની નજીક ગયો. સસલાએ ઊઠવા જાણે છેલવેલ્લો પ્રયત્ન કર્યો. એ સહેજ હાલ્યું. એની રાતી આંખ શનિયા તરફ ફરી. એક આંચકા સાથે પેટ હાલતું બંધ થઈ ગયું. ઊંચો થયેલો કાન ઢળી પડ્યો... આંખોમાં આકાશ સ્થિર થઈ ગયું" (પૃ. 236-237) સસલાના તડફડાટના આ ચાક્ષુસ વર્ણનના કારણે જાણે આ ઘટના વાચકની સામે બનતી હોય એવું લાગે છે. એવો જ તડફડાટ કચરાના સસલામાં થતાં સ્વરૂપાંતરમાં અનુભવાય છે- "કચરાને લાગ્યું કે પોતે કશું જ જોતો નથી, સાંભળતો નથી. બધું ભૂલી ગયો છે. એની આંખોમાં ધીરે ધીરે રતાશ ઊતરી આવી. બધું લાલ લાલ. કોઈક પ્રાણી ઢીંચણે થઈ એની સામે ઘુરકાટ કરવા માંડ્યું. એ ઊભો થવા માંડ્યો, જાણે એ ધરતી સાથે ચોટી ગયો. એને દોડવાની ઇચ્છા થઈ. પગ હાલ્યા નહીં, હાથ ઊંચા થયા. ત્યાં તો એના હાથે પગે રુંવાટી નીકળી, ધોળી ધોળી બાસ્તા જેવી. જાણે હાથ, પગ થઈ ગયા. પેલું ઢીંચણે ચાલતું પ્રાણી ઊંભું થઈ, હાથમાં કાતોર લઈ એની તરફ ધસી રહ્યું છે. વધારે નજીક; વધારે... એ કાતોર વીંઝે છે. એની જ કાતોર.
"હગગગ... હગગગ... " કાતોર વછૂટી.
"ખરરર... ખટ્ટ ધબ્બાક... " એ પડ્યો. " (પૃ.248).
આ વર્ણનોમાં સર્જકની ભાષાશક્તિ અને વર્ણનશક્તિ જોઈ શકાય છે. સ્વરૂપાંતર સાથે કપોળકલ્પના પણ ભળેલી છે. કારણ કે કચરાને શનિયો મનુષ્ય મટી કોઈ પ્રાણી લાગવા માંડે છે. પાત્રોના સંવાદોમાં જ્ઞાતિગત આરોહ- અવરોહને કારણે પાત્રો જીવંત બન્યા છે. જેમકે હેમરાજની દલિત સામેની અહમપૂર્ણ અને અપમાનજનક વાણી- દિયોર વાઘરા, તારું ડાચું બાળ, દિયોર, તમારા કૉમ જ એવાં?, લુંડિયાના ગોર જેવી ગાળો વારંવાર આવે છે. જે તેના માનસને પ્રગટ કરે છે. હેમરાજની જ ડાંટી સામે કચરા અને શનિયાનું ઊંચુ માથું કરવા જતાં ઢીલા પડી જવું વગેરે.

કચરાની વેદનાને વાચા આપવા માટે પ્રયોજાયેલી સ્વરૂપાંતરની પ્રયુંક્તિ કારગત નીવડી છે. સસલાનો શિકાર અને અંતે પોતે લાવેલી કાંકણિયો પોતાને સેકવા ન મળતા તથા પોતાની જ કાંકણિયો પોતાને શનિયા દ્વારા ઉપરથી આપવામાં આવે છે. તે સમયે કચરો જે વેદના-પીડા અનુભવે છે તેને સર્જકે સામાન્ય શબ્દોમાં ન વર્ણવતા સ્વરૂપાંતરની પ્રયુક્તિ પસંદ કરી છે અને તેની જ કાતોર વડે શનિયા દ્વારા કચરારૂપી સસલાનો શિકાર થાય છે. ત્યારે સર્જકે એક તીરે બે નિશાન સાધ્યા હોય એવું લાગે છે. કચરાની વેદનાને વ્યક્ત કરવાનું અને આંતરિક અસ્પૃશ્યતાને વ્યક્ત કરવાનું. માટે જ ‛કાતોર’ શીર્ષક પણ સાર્થક લાગે છે.

સર્વજ્ઞ કથનકેન્દ્રની પસંદગીના કારણે સમગ્ર ઘટના અને પ્રસંગોનું ચાક્ષુસ વર્ણન કરીને કથક આપણને એક પછી એક દૃશ્ય બતાવતા જતા હોય તેવું લાગે છે. જેમકે સસલાના શિકારના પહેલા ખંડ બાદ સ્થળ બદલાય છે અને કેમેરો બોયડીવાળા ખેતર પર મૂકાય છે: "હેમરાજ અને વેલજી બોયડીવાળામાં હતા. ખેતરના કૂવા પાસે ઘેઘૂર લીમડો હતો. લીમડા નીચે પાનનું વાણ ભરેલ ખાટલો ઢાળેલો હતો. થોડે દૂર એકઢાળિયું હતું બન્ને જણા લીમડા નીચે ઊભા ઊભા ઉચાટમાં હતા." (પૃ.237) જાણે સમગ્ર દૃશ્ય ભાવકની સામે ભજવાતું હોય તેવું લાગે છે. અને સંવાદો પણ નાના અને સચોટ હોવાને કારણે વાર્તામાં નાટ્યાત્મકતાનો ગુણ ઉમેરાય છે.

આમ, સમગ્ર દૃષ્ટિએ જોતા દલપત ચૌહાણની ‛કાતોર’ વાર્તામાં સવર્ણો અને દલિતની સાથે સાથે દલિતોની આંતરિક અસ્પૃશ્યતા પણ સંયમિત અને કળાકીય રીતે નીરૂપણ પામી છે.

સંદર્ભગ્રંથ:
  1. ઉજાણી: સં-સુમન શાહ, પ્ર.આ. 2004, પાશ્વ પબ્લિકેશન, અમદાવાદ
  2. પ્રતિબદ્ધ: ભરત મહેતા, પ્ર.આ. 2005.
ડૉ. સુશીલા વાઘમશી, મદદનીશ અધ્યાપક સહાયક, દીવ કૉલેજ, દીવ