છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત વાર્તાકાર મોહન પરમાર પાસેથી
આપણને ‘કોલાહલ’, ‘નકલંક’, ‘કુંભી’, ‘પોઠ’, ‘અંચળો’, ‘હણહણાતી’ અને ‘અચરજ’ જેવા ઉત્તમ
વાર્તાસંગ્રહો મળ્યા છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમના ઉત્તમ પ્રદાન માટે તેમને અનેક પારિતોષિકોથી
નવાજવામાં આવ્યા છે. ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે તેમણે નિજી મુદ્રા સ્થાપિત કરી છે. તેમની
વાર્તાઓમાનું વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચે છે. તેમણે માત્ર દલિત વાર્તાઓ જ લખી છે એવું નથી.
તેમણે બિનદલિત સમાજ, દાંપત્યજીવન, ગ્રામસમાજ અને તેમના પ્રશ્નો, તેમની પીડાને પણ
પોતાના સર્જનમાં સ્થાન આપ્યું છે. એવી જ રીતે તેમણે દલિત સ્ત્રીની પીડા, વેદના, સવર્ણો દ્વારા
થતા અન્યાય, શોષણનું વરવું સ્વરૂપ દર્શાવતી કળાત્મક વાર્તાઓ પણ આપી છે. જેમાં ‘થળી’,
‘ઉચાટ’, ‘પડળ’ અને ‘ખાડ’ જેવી ઉત્તમ દલિત વાર્તાઓનો સમાવેશ થાય છે.
દલિત સ્ત્રીઓ ઉપર સવર્ણ પુરુષો દ્વારા થતા બળાત્કારને વિષય બનાવતી વાર્તા છે ‘ખાડ’.
પ્રસ્તુત વાર્તા ‘પરબ’ના ઓક્ટોબર ૨૦૧૮ના અંકમાં પ્રગટ થઈ હતી. વાર્તાનો આરંભ થાય છે ત્યારે
વાર્તાનાયિકા મંજુ અમદાવાદથી આશાપુરા નામના ગામમાં જવા નીકળી છે. મંજુ ‘દલિતજીવન’
નામના અખબારની તંત્રી છે. તેને ખબર મળી છે કે, અશાપુરા નામના ગામમાં એક દલિત સ્ત્રી ઉપર
બળાત્કાર જેવું દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે. મંજુ પોતાની સહતંત્રી વિમળા સાથે આ ઘટનાની
સાચી માહિતી મેળવવા જઈ રહી છે. કારણ કે, તેણે આ ઘટનાનો અહેવાલ આવતા અઠવાડિયે
પોતાના છાપામાં પ્રગટ કરવાનો છે માટે.
વાર્તાનો આરંભા થાય છે ત્યારથી જ આપણે જોઈ શકીએ છીએ કે, વાર્તાનાયિકા મંજુનું
વર્તન જરા અજૂગતુ જણાય છે. મંજુને ન સમજાય એવો ઉચાટ થઈ રહ્યો છે. અંતરમાં ઊગી
નીકળેલા ઉચાટના વમળોને એ રોકી શકતી નથી. તે સાવ મૂક બની બળાત્કારનો ભોગ બનેલ
યુવતી વિશે તે સતત વિચારતી રહે છે. બસ ચાલુ થતા મંજુ બસમાં બેઠેલી રબારી સ્ત્રીઓ સાથે
વાત કરવાનું શરૂ કરે છે. આ સ્ત્રીઓ સાથેનો સંવાદ ઘણો સૂચક છે. આ સ્ત્રીઓ આશાપુરામાં બનેલ
બનાવની જે વિગતો આપે છે, તેમાં તેમની એક સ્ત્રી પ્રત્યેની લાગણી છતી થાય છે. રબારી સ્ત્રી કહે
છે,
“બધુંય સાચું...આ ચેવો વખત આયો છઅ. કોઈના પર ભરુહો બેહતો નથી. બૈ તો બચાડી
ખાડમાં માટી લેવા જઈ’તી. માટીનું ભરેલું તબકડું એનાથી ઊપડી શકાતું ન’તું. તાકડઅ ત્યાંથી
મખીનો છોરો નેકળ્યો. તબડકું ઉપાડવા બોલાયો નઅ...બઉ ખોટું થ્ય બુન ! બે દા’ડાથી આખું
આશાપર હિલ્લોળે ચડ્યું છઅ. અમદાદથી તમારા લોક બઉ આયા છઅ. મખીના છોરાને પોલીસે
પકડી લીધો છઅ...ના બઈ બચાડી દવાખાને છઅ...”(પૃ.નં.૧૬ ‘અચરજ’)
ઉપરોક્ત સંવાદ ઉપરથી ખ્યાલ આવે છે કે, ખાડમાં માટી લેવા ઉતરેલી દલિત યુવતિને
મદદ કરવાને બહાને મુખીના દીકરાએ એ યુવતિ ઉપર બળત્કાર ગુજાર્યો હતો. અહીં આપણને
સમાજની હાલની પરિસ્થિનો ચિતાર મળે છે. આજે સ્ત્રીઓ કોઈ પણ સ્થળે સુરક્ષિત નથી. તે બસમાં
હોય કે પોતાના ગામમાં હોય, એકલી હોય કે ભીડની વચ્ચે હોય. દરેક સ્થળે સ્ત્રીનું શારિરીક,
માનસિક શોષણ થાય છે. લેખકે પણ વાર્તામાં સ્ત્રીઓની થતી છેડતીની ઘટના મૂકી આપી છે. બસમાં
થતી ભીડ, આવી ભીડમાં થતી સ્ત્રીઓની શારિરીક છેડતી લેખકે તાદ્શ કરી આપી છે. એક ગામડિયો
પુરુષ મંજુને અડીને ઊભો રહે છે અને કુતૂહલભરી નજરે બંનેને જોઈ રહે છે. આખરે મંજુ મોટી આંખો
કરી ‘સીધા ઊભા રહો’ એમ કહી હડસેલો મારે છે. મંજુની મોટી આંખોથી ડરીને પુરૂષના પગ ધ્રુજવા
માંડે છે. આ ધ્રુજતા પગ એ વાતનો સંકેત કરે છે કે, સ્ત્રીઓ જો પોતાનો અવાજ ઉઠાવે તો આવી
નિમ્ન માનસિકતા ધરાવતા પુરૂષો સામે જરૂર જીતી શકે. બાકી સ્ત્રીઓએ તો આવી રીતે ઘણા જાહેર
સ્થળોએ પુરુષોની છેડતીનો ભોગ બનવું પડતું હોય છે.
બસમાંથી ઉતરીને આશાપુરા ગામમાં પ્રવેશતા જ મંજુ પીપળાના ઝાડ નીચે પાણીનું માટલું
લઈને બેઠેલાં માજી પાસે પાણી માંગે છે. બદલામાં મંજુ એ માજીને દસની નોટ આપે છે. માજી એ
નોટ તરત જ ઝૂંટવી લે છે. માજીનો સ્વાર્થી અને લુચ્ચો સ્વભાવ લેખકે અહીં દર્શાવ્યો છે. માજીને
પાણી આપ્યા પછી યાદ આવે છે એટલે તે પ્રશ્ન પૂછે છે, “તમે ચીયી નાતે સો ?” જવાબમાં વિમાળા
કહે છે, “પટેલ છીએ માજી.” પાણી પીનાર પટેલ છે, એ જાણી માજી મનોમન ખુશ થાય છે. પરંતુ,
માજી જે વળતો જવાબ આપે છે તેમાં તેની હીન માનસિકતા પ્રગટ થાય છે. તે કહે છે, “તો કાંઈ
વાંધો નઈ. હવઅ સાલું એવું થ્યું છઅ કઅ વોણિયા, બોમણ કઅ હરિજનોમાં કશો ફરક જ વરતાતો
નથી...”(પૃ.નં.૧૯ અચરજ) પાણી પીવા જેવી સાવ સામાન્ય ગણાતી બાબત સાથે જ્ઞાતિવાદને
જોડતા સવર્ણોની માનસિકતા અહીં પ્રગટ થાય છે.
માજી પોતે એક સ્ત્રી છે. એક સ્ત્રી હોવાને કારણે તેમણે દલિત યુવતિની વેદનાને, પીડાને
સમજવી જોઈએ. પણ, અહીં તો માજી બળાત્કારનો ભોગ બનેલ દલિત યુવતિ વિશે અપશબ્દો
બોલતાં પણ ખચકાતાં નથી. તે યુવતિનું દલિત હોવું જાણે કે એનો ગુન્હો બની જાય છે. માજી તો
આ ઘટના માટે દલિત યુવતીને જ દોષી ઠેરવે છે. માજીના શબ્દોમાં દલિત સ્ત્રી પ્રત્યેની ધૃણા સ્પષ્ટ
રીતે જોઈ શકાય છે. માજી કહે છે, “તમીં અમારાં સો એટલે કઉ સું...આ પૂંજીયાની છોડી જ નકૉમી
છઅ. મુખીના છોકરાનઅ ઈને જ ખાડમાં બોલાયો’તો. નઅ પછઅ કો’ક જોઈ જ્યું એટલી હોબાળો
કર્યો. બોલો, આ કમજાતને શું પોંચાય...” (પૃ.નં.૨૦ ‘અચરજ’) અહીં, ન્યાય-અન્યાયને જ્ઞાતિના
ત્રાજવે તોલતા આવા સવર્ણોની તુચ્છ વિચારધારાને લેખકે કોઈ પણ જાતના ખુલ્લા આક્રોશ કે
વિદ્રોહ વિના કળાત્મક રીતે રજૂ કરી છે. જ્યારે માજીને જાણ થાય છે કે, મંજુ છાપુ ચલાવે છે,
અન્યાય સામે સાચી હકીકત છાપે છે. ત્યારે માજી જે વાક્ય બોલે છે, તે વાર્તાનું હાર્દ સમાન બની
રહે છે. “તો તમારા છાપામઅ છાપજો કઅ હરિજનો બઉ ફાટી જ્યા છઅ. બે દા’ડાથી અમારઅ તો
આંય જીવવાનું હરૉમ કરી મેલ્યું છઅ ભાના હાહરાઓએ...”(પૃ.નં.૨૦ ‘અચરજ’) એક તરફ આ માજી
છે જે પોતાના જ ગામની યુવતિ ઉપર થયેલા અન્યાય સામે આંખ આડા કાન કરે છે. તો બીજી
તરફ બસમાં મળેલી રબારી સ્ત્રીઓ છે. જે બસમાંથી ઉતરતી વખતે મંજુને અન્યાયનો ભોગ બનેલ
યુવતિને ન્યાય અપાવવાની વાત કરે છે. કોઈ પણ જાતનો સબંધ ન હોવા છતાં, માત્ર સ્ત્રી હોવાને
કારણે આ રબારી સ્ત્રીઓ દલિત યુવતિની પીડાને સમજી શકે છે. લેખકે અહીં બે જુદાજુદા સમાજની
સ્ત્રીઓના વિરોધાભાસી વિચાર-વર્તન દ્વારા જ્ઞાતિવાદ અને અન્યાય કઈ રીતે એકબીજા સાથે
જોડાયેલા છે, એનો પરિચય કરાવ્યો છે. સાથે જ સમાજમાં ફેલાયેલ જ્ઞાતિવાદના ઊંડા મૂળીયાનો
પરિચય કરાવ્યો છે. સ્ત્રી કોઈ પણ સમાજની કે જ્ઞાતિની હોય, તેની ઉપર થતા અન્યાય સામે અવાજ
ઉઠાવવો એ આપણી નૈતિક ફરજ છે. પરંતુ, જ્યારે આવા અન્યાયને ઊંચ-નીચ જેવાં જ્ઞાતિના
ત્રાજવે તોલવામાં આવે, વ્યક્તિને માત્ર દલિત હોવાને કારણે દોષી સાબિત કરવામાં આવે, તે સવર્ણ
સમાજની નિમ્ન માનસિકતાનો પરિચય કરાવે છે.
લેખકે વાર્તામાં એક ઘટના સાથે બીજી ઘટનાનું અનુસંધાન સુચારુ રીતે કર્યુ છે. વાર્તાનાયિકા
મંજુ પોતે દલિત જ્ઞાતિની છે. ભૂતકાળમાં મંજુ સાથે પણ પોતાના ગામની ખાડમાં આ જ પ્રકારની
દુર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. એટલે જ તો એ ખાડ અને બળાત્કારની વાત સાંભળીને
અસ્વસ્થ થઈ જાય છે. જે સ્થળે બળાત્કાર થયો છે, એ ખાડનું નિરિક્ષણ કરતી મંજુને પોતાનો
ભૂતકાળ સામે દેખાય છે.
“ખાડ ચક્કરભમ્મર થતી ગોળ ગોળ ફરવા લાગી. એકાએક એના દેહમાંથી એક ઓળો છૂટો
પડીને તીરની જેમ ખાડમાં પ્રવેશતો એણે જોયો. કોદાળી ખાડની દીવાલ પર ઝીંકાવા લાગી.
માટીના ઢેંફાં ટપોટપ ભોંય પર. સૂમસામ વાતાવરણ. માત્ર કોદાળીના ઘા સંભળાયા કરતા હતા.
એકાએક સાવ નજીક કોઈનો પદસંચાર સંભળાયો. કોદાળી પર મજબૂત પક્ક્ડ. પાનબાવળને
આઘાંપાછાં કરતુંક કોઈ ખાડમાં ભૂસકો મારી બેઠું. ચીસાચીસ - વળગાઝૂમ.ચણિયા – બ્લાઉઝમાં
માટી ભરાવા લાગી. દેહ આખો માટીમાં રગદોળાયો.શરીર પર ભીંસ વધવા લાગી. ચીસ રોકવા મોં
પર મજબૂત પંજાનું દબાણ...પળવારમાં બધું રોળાઈ જશે તેવું લાગેલું...એમ તાબે કઈ રીતે થઈ
શકાય? કોદાળી પર ભીંસ વધી. જોશપૂર્વક કોદાળી ઊંચકાઈ...ને મરણચીસ સંભળાય તે પહેલાં તો
ભીંસ ઢીલીઢસ...સામેથી કશો જ પ્રતિકાર નહિ. જીવ બચાવીને કોઈ ભાગ્યું...પૂરા જોશથી ખાડની
દીવાલ પર કોદાળી ઝીંકાઈ. પાનબાવળની લીલીછમ ડાળિઓને ખસેડીને પરસેવે રેબઝેબ થતું-
હાંફતું ખાડમાંથી કોણ બહાર નીકળેલું ? તે વખતે ખાડ ઝૂકી ઝૂકીને કોને સલામો ભરી રહી હતી?”
(પૃ.નં.૨૧ ‘અચરજ’)
અહીં વર્ણનમાં દૃશ્યાત્મકતાનું તત્વ જોવા મળે છે. મંજુ સાથે ભૂતકાળમાં
બનેલી ઘટના આપણી સમક્ષ તાદ્શ્ય થતી જણાય છે.
નાયિકા મંજુ સાથે ભૂતકાળમાં બનેલ બનાવ અને તેણે બહાદુરી સાથે કરેલ તેના પ્રતિકાર
પ્રત્યે આપણને માન થાય છે. પરંતુ, બધી દલિત સ્ત્રીઓ મંજુ જેવી બહાદુર અને પ્રતિકાર કરી શકે
એવી હોતી નથી. મંજુ મનોમન બંને ખાડની તુલના કરે છે. આ ખાડ મંજુને બિચારી લાગે છે.
બળાત્કારનો ભોગ બનેલ યુવતિનો આર્તનાદ, ડુસકા મંજુને પોતાની તરફ આવતા ભળાય છે. મંજુ
વિમળાને તે સ્થળના ફોટા પાડતા રોકે છે. આડો હાથા કરીને જાણે કે ખાડની વેદનાના દૃશ્યોને
અધ્યાહાર રાખવા પ્રયત્ન કરે છે. અહીં, વાર્તાનાયિકા મંજુની મનોસ્થિતિ વધુ ઘેરી બનતી જાય છે.
વાર્તાનાયિકા મંજુ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી દલિત સ્ત્રીને પૂછાતો પ્રશ્ન ‘તું કેમ પાછી પડી?
તારી પાસે કોદાળી અને માટી હતી તોય...?’ પ્રશ્ન કરતી મંજુ નીચે બેસી પડે છે. નિ:સહાય રીતે
રગદોળાતી સ્ત્રીને ભાળતી મંજુ જાણે કે આ ખાડમાં સંભળાતી ચીસાચીસ અને બૂમાબૂમનો ભાર
પોતાની પીઠ ઉપર ઝીલી લે છે.
વાર્તાનો આરંભ અને અંત ઘણો સૂચક છે. વાર્તાના આરંભે અજૂગતું વર્તન કરતી મંજુના
આવા વર્તન પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ આપણે પામી શકીએ છીએ. વાર્તાના અંતે વિમળા પ્રશ્ન
પૂછે છે કે, ‘અહેવાલના મુદ્દા નથી લખવા?’ મંજુ વળતો જવાબ આપે છે, ‘લખાઈ ગયા મારા
દીલમાં...!’ આ દીલમાં લખાઈ ગયેલ અહેવાલ આજીવન તેની સાથે રહેવાનો છે. ઈચ્છવા છતાં, તે
ભૂલી શકે એમ નથી. વ્યક્તિ પોતાની સાથે બનેલ સારા અનુભવ કે ઘટના કદાચ એકવાર ભૂલી
શકે. પરંતુ,, તેના જીવનમાં થયેલ કડવા અનુભવ કે અસહ્ય બનાવ તે ક્યારે પણ ભૂલી શકતો નથી.
એ પીડા તેના હ્રદયને ધીમેધીમે કોતરતી રહે છે. તે ભૂલી પણ નથી શકાતી કે નથી તેમાંથી બહાર
નીકળી શકાતું. એટલે જ અહીં ભોંય ઉપર આડાઅવળા લીંટા કરતી નાયિકાની ક્રિયા ઘણી
પ્રતિકાત્મક જણાય છે.
વાર્તામાં પાત્રો વચ્ચેનો સંવાદ, તેમની ભાષા ઘણું મહત્વ ધરાવે છે. વાર્તાકારે વાર્તામાં પાત્ર
અનુસાર પરિવેશ અને પરિવેશ અનુસાર બોલીનિ વિનિયોગ કર્યો છે. બસમાં બેઠેલી રબારી સ્ત્રીઓની
બોલી, લહેકો તેમના પરિવેશ મુજબ દર્શાવ્યા છે. તેમની બોલીમાં ઋજુતાનો ભાવ વર્તાય છે. જેમ કે,
રબારી સ્ત્રી મંજુને કહે છે, “બુન ! એવું છાપજો કઅ મારા ભાના દિયોર આવું કરમ કરવાની ખોડ
ભૂલી જાય...” તો ગ્રામ પરિવેશના પટેલ માજી તળપદી બોલીમાં વાત કરે છે. તેઓ રબારી સ્ત્રીઓથી
સાવ વિરૂદ્ધ મત ધરાવે છે. માજી મંજુને કહે છે કે, “તો તમારા છાપામઅ છાપજો કઅ હરિજનો બઉ
ફાટ્યા છઅ.” આમ, સંવાદ વાર્તાના હાર્દને ઉઘાડવામાં મદદરૂપ થાય છે.
‘ખાડ’ એટલે એક એવું સ્થળ જ્યાં દલીત સ્ત્રીઓ પોતાના ઘરની દીવાલ બનાવવા માટે માટી
લેવા જાય. અહીં દલિત સ્ત્રીઓ સિવાય બીજી કોઈ વ્યક્તિને જવાની છૂટ હોતી નથી. સવર્ણો માટે તો
આ જગ્યાએ પગ મૂકવો વર્જ્ય ગણાય છે. સામાન્ય રીતે તો આભડછેટ પાળતા સવર્ણો દલિતોના
પડછાયાથી પણ દૂર ભાગે છે. પરંતુ, જ્યારે તેઓ દલિત સ્ત્રીના શરીરને સ્પર્શે, તેની ઉપર બળાત્કાર
ગુજારે, ત્યારે તેમને આભડછેટ નડતી નથી. આ અને આવી અનેક ખાડમાં સવર્ણો દ્વારા કેટલીય
દલિત સ્ત્રીઓની આબરૂ લૂંટવામાં આવી છે. તે બધી જ સ્ત્રીઓના આક્રંદ, નિસાસા, ડૂસકાં, આર્તનાદ
આ ખાડની દીવાલોએ ઝીલ્યા છે. માટે વાર્તાનું શીર્ષક ‘ખાડ’ યથાયોગ્ય જણાય છે.
સંદર્ભ
- અચરજ : લે.મોહન પરમાર, રન્નાદે પ્રકાશન, પ્ર.આ.૨૦૨૦