માય ડિયર જયુ એક નીવડેલા વાર્તાકાર છે. એમની ‘ ડારવીનનો પિતરાઈ’ વાર્તાને ૧૯૯૯નો ‘કથા એવોર્ડ’ મળ્યો છે. ‘દસમો દાયકો’, ‘ખેવના’, ‘વિ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘નવનીત સમર્પણ’, ‘ઈન્ડિયા ટુ ડે’, ‘હયાતી’, ‘ઉદેશ’, ‘અખંડ આનંદ’ જેવાં લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં એમની વાર્તાઓ પ્રકાશિત થઈ છે. ‘મરણટીપ’(૧૯૭૯), ‘કમળપૂજા’(૧૯૯૨), ‘ઝૂરાપાકાંડ’(૧૯૯૨) જેવી લઘુનવલ, ‘થોડાં ઓઠાં’(૧૯૯૯) જેવો વાર્તાસંગ્રહ , ‘સ પશ્યતિ’(૧૯૯૯) અને ‘સ વીક્ષતે’ જેવા વિવેચનસંગ્રહ એમની પાસેથી મળ્યા છે.
માય ડડિયર જયુની સર્જકતા સ્વયંસિદ્ધ છે. ટૂંકી વાર્તાના સ્વરૂપમાં રહેલી શક્યતાઓ અને બહુવિધ પરિમાણો તાકવામાં તેઓ સફળ રહ્યા છે. વાતને હલાવી, મલાવી, ઠાવકી બોલીમાં ઈચ્છિત લક્ષ્ય પ્રતિ લઈ જવાની કળા તેમને હસ્તગત છે. કોઈ કીમિયાગરની જેમ તેઓ ભાવકને યુક્તિ- પ્રયુક્તિપૂર્વક કથાના આરંભથી પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. તેઓ સંપૂર્ણ સૂઝસમજ સાથે અત્યંત રસિક અને માર્મિક રીતે વાર્તાને અંત તરફ લઈ જાય છે. કલાત્મક રીતે વિસ્તરતી ભાવકને અનેરો આનંદ અર્પે છે.
‘જીવ’ સંગ્રહની સંખ્યાની દ્રષ્ટિએ અલ્પ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ સશક્ત એવી દલિત વાર્તાઓમાં શોષિતો, પીડિતો, વંચિતોની વેદનાને તેઓ કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે. લેખકનું વાર્તાસર્જન સીમિત, પણ ઉત્તમ કક્ષાએ પહોંચાડે છે. લોકબોલીના તળપદા શબ્દોનો જીવંત વિનિયોગ દાદ માગી લે તેવો છે. પ્રેમાનંદની જેમ ભાવપલટા અને રસપલટામાં આ સર્જક સિદ્ધહસ્ત છે.
‘પ્રવેશ’માં લેખક આપણા સમાજમાં પ્રવર્તતી વર્ણવ્યવસ્થાના વિરૂપ, કુરૂપ અને વિકૃત સ્વરૂપ ઉપર જનોઈવઢ ઘા કરે છે. સમાજના સવર્ણ અને દલિત લોકો વચ્ચેના અંતર અને વૈમનસ્ય તરફ અંગૂલિનિર્દેશ કરતી આ વાર્તાના કેન્દ્રમાં અસ્પૃશ્યતાની સમસ્યા નિહિત છે. કથાવસ્તુ એક નાનકડા ગામની પ્રાથમિક શાળાને કેન્દ્રમાં રાખીને ગૂંથાય છે. આ શાળામાં હરિજનોનાં બાળકોને પ્રવેશ આપવાનો સરકારી હુકમ થયો છે, ગણવેશ મોકલવામાં આવ્યા છે, પરંતુ જુનવાણી વિચાર ધરાવતા રૂઢિચુસ્ત આગેવાનોને આ વાત મંજૂર નથી. કાર્યક્રમ ફળિયામાં યોજવો અને નિશાળના મકાનને ધોવડાવી નાખવાની વાત થાય છે. હરિજનો કહ્યામાં ન રહે તો આખા હરિજનવાસને સળગાવી દેવા સુધીની માનસિક તંગદિલી સર્જાય છે. વરસાદી વાતાવરણમાં કાર્યક્રમ અનિચ્છાએ ઊજવીને હરિજન બાળકોને કાયમી છુટ્ટી આપી દેવાના પ્રયત્ન થાય છે. ત્યારે શિવો નામનો એક હરિજન બાળક ભણવાની ઉત્સુકતા બતાવી સૌનું ધ્યાન ખેંચે છે. બુઝાઈ ગયેલી આગમાં સળગતી ચિનગારી જેવા આ બાળકના પાત્ર દ્વારા લેખક આવનાર ભવિષ્યનો સંકેત કરે છે. લેખક આશાવાદી છે. સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાનું નિવારણ જરૂર થશે. એવી શ્રધ્ધા ગોપિત છે. લેખકે શિવાના પાત્ર દ્વારા દલિત સમાજમાં ભારેલા અગ્નિ જેવી રહેલી શિક્ષણની ભૂખ રજૂ કરી છે. દલિતસમાજને શિક્ષણ આપવાથી જ સમગ્ર સમાજનું સ્તર ઊંચું આવશે એવું લેખકનું મંતવ્ય કથાનક દ્વારા સ્પષ્ટ છે.
‘છકડો’ એ લયાત્મક હળવી શૈલીમાં લખાયેલી બદલાયેલી વ્યવસાય–વ્યવસ્થાની વાર્તા છે. છકડો એટલે ત્રણ પૈડાવાળી ખુલ્લી રિક્ષા. આ વાર્તામાં છકડાની આસપાસ સમગ્ર વાર્તાનો પરિવેશ ગૂંથાયો છે. છકડાની ગતિ સાથે વાર્તા વેગપૂર્વક વિસ્તરે છે. છકડાનો માલિક ગિલો છે. તે છકડા સાથે એટલો તન્મય બની જાય છે કે ગિલાને છકડો કહીને બોલાવો અથવા અથવા છકડાને ગિલો કહીને બોલાવો તોય ચાલે. ગિલાનું છકડામય બની જવું એ માણસનું મશીનમાં થયેલું રૂપાંતર છે. ગિલાનુંજીવન યંત્રવત છે. ‘જાંબાળા...ખોપાળા...ને તગડી...ને ભડી...ને ભાવનગર...’ જેવા પુનરાવર્તિત થતા લયાત્મક વાક્ય દ્વારા તે સારી રીતે વ્યકત થાય છે. પાત્રો ને ભાષાશૈલીની ઉત્તમતા દ્વારા વાર્તા અદભુત બની છે. ગિલો અને છકડાની એકરૂપતા અંત સુધી જળવાઈ રહી છે. ગીલાની પલટાતી આર્થિક સ્થિતિનું તેમજ ડોહામાં આવેલી તાજગી અને ક્રિયાશિલાતાનું સુંદર નિરૂપણ થયું છે, જેનું રહસ્ય છકડાની ગતિમાં રહેલું છે. છકડાની સાથે વાસ્તવિક સમાજજીવનના સંદર્ભો ગૂંથાતા જાય છે. પિતા, પુત્ર અને પત્ની ત્રણેયની પ્રગતિનું કેન્દ્ર છકડો છે. એ જ છકડો ત્રણેયના પતનનું કારણ બને છે. હળવી શૈલીથી આરંભાતી વાર્તા અંતે કરૂણરસમાં પલટાઈ જાય છે.
‘છકડો’માં આજના યંત્રયુગ સાથે મનુષ્ય પણ કેવો યાંત્રિક બનીને પૈસા પાછળ દોટ મૂકે છે તેનું આબેહૂબ વર્ણન છે. લેખકે બહુ સરળ અને માર્મિક ભાષામાં પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. આજના સમાજની આર્થિક ભીંસનું ચિત્ર લેખકે કુશળતાપૂર્વક આલેખ્યું છે. અંતમાં અકસ્માતના સ્થળે ‘ભેંસને પાડો જન્મ્યો છે’ એ સમાચાર અગત્યના બને છે. ગિલાના મૃત્યુ દ્વારા ઘેરી કરુણતા જન્માવવામાં લેખક સફળ રહ્યા છે.
ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘હયાતી’ના પ્રથમ અંકમાં છપાયેલી ‘જીવ’ વાર્તા આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. લેખકે પોતાના વાર્તાસંગ્રહનું નામ પણ આ વાર્તાને આધારે રાખ્યું છે. એટલે વાચકોનું ધ્યાન આ વાર્તા તરફ વિશેષ ખેંચાય એ સ્વાભાવિક છે. ‘હજી જીવ સ’ જેવો પાડા માટેનો આરંભનો ઉદગાર વાર્તાને અંતે મર્મઘાતક સાબિત થાય છે. એક બાજુ જીબાપુની બંગલી અને બીજી બાજુ ગામને છેવાડે ભાગાનું ઝૂંપડું. આ બંને વિરોધાભાસી અંતિમો વચ્ચે વાર્તાનું કથાનક અનેક વળાંકો લે છે. એક બાજુ ભગા ચમારના ક્ષયગ્રસ્ત દીકરાની આંખમાં જીવ આવીને અટકી ગયો છે. બીજી બાજુ બાપુની બંગલી બહાર પાડાની પણ એ જ સ્થિતિ છે. આ બંને પરિસ્થિતિનું સમાંતરે આલેખન થાય છે. એક તબક્કે જીવતા પાડાને ખેંચી જતો ભગો એમાં દીકરાને જુએ છે ત્યારે આ એકરૂપતા ઘેરી કરુણતા સર્જે છે. બાપુ માટે પાડાને ઘસેડી લેવાની ઘટના તેમની આબરૂનો પ્રશ્ન છે. જ્યારે ભગા માટે એનો અર્થસંકેત એના દીકરા સાથે જોડાયેલો છે. આ વિષમ પરિસ્થિતિમાં ભગાની માનસિક પીડા અસહ્ય છે. અંધારી રાતે પાડાને ઘસડી જવાની ક્રિયા એ શારીરિક પીડા છે. બંને પરિસ્થિતિમાં મરણપથારીએ પડેલા દીકરાની પરિસ્થિતિ એકરસ થઈ જતા જે આત્યંતિક પીડા જન્મે છે એ ભાવકો માટે મર્મવેધક બને છે.
આ વાર્તામાં પાડો છેવટે યમરાજનું પ્રતીક બની જાય છે. અત્યંત કલાત્મક રીતે વાર્તા ક્રમિક વિકાસ પામે છે અને અંતે ભગાના કરુણ મૃત્યુ સાથે વિરમે છે. દલિતોની વેદનાને આ વાર્તા દ્વારા લેખકે વાચા આપી છે. વાર્તામાં આલેખાયેલું તંગ વાતાવરણ, કહેવાતા સવર્ણોને અસ્પૃશ્યો પ્રત્યેનો તિરસ્કાર વગેરે હ્રદયસ્પર્શી બને છે. આ વાર્તામાં માત્ર દલિતચેતનાની વાત નથી, પણ સમગ્ર સમાજની ચેતનાને જાગૃત કરવાની વાત છે. ગુજરાતી દલિત સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં સમાવિષ્ટ કરી શકાય એવી માઈલસ્ટોન જેવી આ વાર્તા ખરેખર અદભુત છે.
‘જીવ’ સંગ્રહમાં લેખકે ભગો, ચમાર, શિવો, ગિલો- જેવાં દલિત સમાજનાં કરુણ પાત્રો આલેખ્યાં છે જે ભાવકની સહાનુભૂતિ મેળવી જાય છે. લેખકને ગ્રામપરિવેશ અને કરુણરસ વધારે ફાવે છે. લેખકને ગામડાનું વાતાવરણ, ગ્રામ બોલી, ગામડાનાં પાત્રો અને ગ્રામજીવનનો નિકટનો પરિચય છે, એટલે તેના નિરૂપણમાં વગર પ્રયત્ને ઉત્તમતા પ્રાપ્ત કરે છે.
માનવહ્રદયની સંવેદનાઓને તટસ્થ રીતે આલેખવામાં લેખક પ્રવીણ છે. તેમની વાર્તાઓમાં પાત્રલક્ષી, પ્રસંગલક્ષી અને રસલક્ષી છે. ખાસ કરીને ગ્રામ્યપરિવેશમાં સર્જાયેલી વાર્તાઓમાં લેખક વાર્તાકાર તરીકે વધારે ખીલે છે. તળપદી લહેકાઓ અને મુહાવરાઓથી યુક્ત લેખકની સડસડાટ વહી જતી રોચક ભાષાશૈલી આસ્વાદ્ય બની રહે છે. પ્રસ્તુત વાર્તાઓમાં સૌથી આકર્ષક તત્વ હોય તો તે લેખકની કથનશૈલી છે. લેખકે જે રીતે પોતાની આગવી છટાથી વાર્તાઓ આલેખી છે તે ખરેખર દાદ માગી લે તેવી છે. વાર્તાનાં પાત્રો અને પરિવેશને અનુકૂળ એવી કથનશૈલી લેખકે અપનાવી છે.
‘છકડો’ વાર્તાનો નાયક ગિલો આજના આર્થિક સમસ્યા સામે જૂજતા નિમ્નવર્ગનો પ્રતિનિધિ છે. છકડાની જેમ યંત્રવત બનીને નાણાનાં ઉપાર્જન માટે મથે છે અને અંતે કરુણ મૃત્યુ પામે છે. ‘જીવ’ વાર્તાનો નાયક ભગો ચમાર સમાજનાં દલિત શોષિત, પીડિત એવા વર્ગનો પ્રતિનિધિ છે. જેનું કામ સમાજનું મેલું ઉપાડવાનું છે. મૃત:પ્રાય પાડાના શરીરને ઉપાડવા જતાં અંતે તે પોતે જ મરણને શરણ થાય છે. ‘પ્રવેશ’માં અસ્પૃશ્યોને શાળાપ્રવેશ મળવો જોઈએ અને સામાજિક સમરસતા ઊભી થવી જોઈએ. શિવો નામક હરિજન બાળક ઉજ્જવળ આવતી કાલના પ્રતીક સમો છે. આ બધી દલિત વાર્તાઓના આલેખનમાં લેખક સફળ રહ્યા છે.
‘મને ટાણા લઈ જાવ!’ વાર્તાસંગ્રહની ‘મોટું માથું’ વાર્તામાં હરજીને ગામનું સરપંચપદ આપવામાં આવે છે. તેની આસપાસ રાયચંદ શેઠ, દાજીબાપુ જેવા શોષિત સમાજના પ્રતિનિધિરૂપ પાત્રો છે. હરજીને સરપંચપદ તો સરકારના નિયમને વશ થઈને આપવું પડ્યું છે, પણ આ ઘટના જ સવર્ણ સમાજ માટે આઘાત આપનારી પૂરવાર થાય છે. સરપંચપદ મળતા હરજી ગામમાં ‘મોટા માથા’ તરીકે ઓળખાતો થાય છે. ‘સત્તા આગળ શાણપણ નકામુ’ કહેવત અનુસાર હરજીને માન-મરતબો આપવો પડ્યો છે. પણ આ કાયદાને ઘોળીને પી જનારો વર્ગ આજે પણ છે. હરજી ગામનો સરપંચ છે. પોતાના હાથે ગામમાં પ્લોટની ફાળવણી કરવાની છે. ત્યારે બે પ્લોટ પોતાની જ્ઞાતિના લોકોને આપવાની તે જાહેરાત કરે છે. પણ રાયચંદ શેઠ પૈસાના જોરે અને દાજીબાપુ પોતાના તાકાતના આધારે આ પ્લોટ હરજીને મજબૂર બનાવી પડાવી લે છે. અહી હરજીની નિ:સહાયતા અને દાજીબાપુનું તેના પરનું આધિપત્ય જોઈ શકાય છે. દાજી બાપુ જ્યારે એક પ્લોટ ગભાજીને આપવાનું દબાણ કરે છે. ત્યારે ‘પણ...પણ...’ હરજી આગળ બોલી શક્યો નહી. ‘પણ ને બણ, અટાણે તો આમ કરવું જ જોહે, નઈતર ગભાજી શું કરે ઈ કે’વાય નઈ! આમેય તમી ન્યાં રે’વા આવો તો એક દિ’ય નો રે’વા દ્યે એવો સે. ઈના કરતાં તમારી કોર્ય પલોટ પડે તંયે બે પ્લોટ વધુ રાખજો ને!’ કહેતા કહેતા દાજીબાપુએ પગ ઉપાડ્યા.’
આ સંવાદોમાં જોઈ શકાય છે કે હરજી જેવા દલિતોને કાયદા દ્વારા ગમે તેટલા અધિકારો આપવામાં આવે તેમ છતાં ઉપલાવર્ગના સ્થાપિત હિતો પોતાનાં પૈસાની તાકાતે પોતાનું ધાર્યું જ કરતાં હોય છે. હરજી જેવા માણસો પોતાને પ્રાપ્ત વ્યાજબી અધિકારોનો ઉપયોગ કરવા ધારે તો પણ કરી શકતાં નથી. ઉપલાવર્ગ સામે સંગઠિત થઈને અવાજ ઉઠાવવાની શક્તિ આ સમાજમાં નથી. પરિણામે તેને શોષણનું ભોગ બનવું પડે છે.
‘વળતો ઘા’ વાર્તામાં નાયિકા રંભા અત્યાચારને બિલકુલ સહન કરતી નથી. રંભા પોતાના પર બળાત્કારનો પ્રયત્ન કરનાર ઠાકોર વિક્રમને ત્રીકમ મારી મોતને ઘાટ ઉતારી દે છે. આ ઠાકોરના ખૂન પછી દલિત સમાજની સ્થિતિ આ વાર્તાનું કથાવસ્તુ છે. આ વાર્તાનાયિકાનો પિતા ભીખો અને પૂંજા ડોસા જેવા ડરપોક પાત્ર પણ છે. જે સવર્ણો સામે દબાયેલા રહેવાના પરંપરાના કોચલમાંથી બહાર નીકળવા નથી માંગતા. તેમના સંવાદો પરથી ખ્યાલ આવશે કે તેઓ કેટલા ભીરુ છે. રંભાની માતા કંકુ, રંભાની આ હાલત કોણે કરી તે પૂછતી હતી એટલામાં ભીખો આવીને ‘ઈને કોઈએ કાંઈ નથ્ય કર્યું આણે... આણે ભયલુભાઈને...ભયલુભાઈને...’ભીખો રોઈ પડ્યો. ત્યાં વાસનું નાનું મોટું સૌ ટોળે વળી ગયું’ અહી ભીખાની ભીરુતાના દર્શન થાય છે. તેમજ ‘હેંએં!?’… તો તો હવઅ રામ ભજી લ્યોય... ઈવડા ઈ ઘડી-બ-ઘડીમાં આપડને સવને સળગાવી દેહે...’ ‘પૂંજો ડોહો
મોટે અવાજે બોલ્યા.’ આ સંવાદોમાં દલિત લોકોની અસહાયતા અને ડરપોક વૃત્તિના દર્શન થાય છે. તો સામે પક્ષે હરખા જેવુ દલિતચેતનાની ચિનગારી જેવુ પાત્ર પણ છે. જે અત્યાચાર સહન કરવા બિલકુલ સહમત નથી. ‘એટલે તમી ઈમ કોંસો કે ઈવડા ઈણે જિમ કરવું વોય ઈમ કરે, અને આપે આંખ્યું વીશીને પડ્યા રેવાનું?’
વિદ્રોહની આ વાતને સમર્થન આપતું રૂખી (છગનની વહુ) નામનું પાત્ર પણ મળે છે તેના સંવાદમાં દલિતચેતનાના તણખા ઝરે છે. ‘હા, ઈમ કાંઈ બી ગ્યે કામ લાગે?’ છગનની વહુ રૂખીએ ફૂંફાડો માર્યો ‘સોડીયું ને નધણિયાતી માની ગ્યા સ, ઈની માના ધણી. કે’ સોડી! શું કર્યું તું ઈ કાળમુખાએ? કે’ તુંતારે’. ખરું ખમીર તો વાર્તાની નાયિકા રંભામાં જોવા મળે છે. તે વિક્રમનું ખૂન તો કરે જ છે પણ રાત્રે વાસ ઉપર કોઈ હુમલો ના કરે એ માટે વાસનું ધ્યાન રાખવાની વાત આવે છે ત્યારે કોઈ તૈયાર થતું નથી એ વખતે ‘હું...ઉ...જાગેશ...ચીસ પાડીને રંભા બોલી. વાર્તાની ખરી દલિતચેતના ત્યાં પ્રગટતી જોવા મળે છે. સવર્ણોના અત્યાચાર નહી સહન કરવાની નાયિકાની વૃત્તિ સમાજની વર્ણવ્યવસ્થા પર ‘વળતો ઘા’ કરે છે. આ વાર્તાને દલિત અભિગમ કે દલિત વેદનાની વાર્તા કરતાં દલિતચેતનાની વાર્તા તરીકે મૂલવવી વધારે યોગ્ય છે. તે ક્યારે ન રુઝાઈ શકે તેવા ઘેરા ઘા કરનાર સવર્ણો પર દલિત નાયિકાયે વળતો ઘા કર્યો છે.
અહીં દલિત વાર્તામાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. દલિતોની સહન કરવાની શક્તિ હવે ક્ષીણ થઈ ચૂકી છે. ‘મરવું કાં મારવું’ની સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. દલિત સમાજનો આક્રમક મિજાજ અહીં દેખા ડે છે. સમાજની વર્ણવ્યવસ્થાની સામે ‘વળતો ઘા’ આ સમાજે કર્યો છે. તે વાતને વાર્તાકારે પૂરી સંયમિતતા સાથે અને પૂરી નિસબતથી સુપેરે રજૂ કરી દીધી છે.
‘માય ડિયર જયુ’ની દલિત વાર્તાઓમાં સમયાંતરે ધરખમ ફેરફારો થયેલા દ્રષ્ટિગોચર થાય છે. તેમની ‘જીવ’ વાર્તાનો ભગો અતિ દયનીય સ્થિતિમાં જીવે છે. તો ‘પ્રવેશ’ વાર્તાનો શિવો દયનીય સ્થિતિથી બહાર નીકળી ભણવાની હઠ કરવાની હિંમત દાખવે છે. તેમની ‘દબાણ’ વાર્તાનો નાયક પ્રેમજી બદલાતા સમય સાથે સત્તા પ્રાપ્ત કરે છે. પરંતુ સત્તા ભોગવી શકતો નથી. તો વળી ‘મોટું માથું’ વાર્તાનો નાયક હરજી સવર્ણ સમાજનાં દાંભિક માન- સમ્માનને પ્રાપ્ત કરી શક્યો છે, ને ‘વળતો ઘા’ વાર્તાની રંભા આ બધાથી આગળ જઈને ઘાતની સામે પ્રતિઘાતનાં પ્રત્યાઘાત રૂપે પ્રગટે છે, એ અર્થમાં ‘માય ડિયર જયુ’ તેમની વાર્તાઓમાં ક્રમશ: આગળ વધીને દલિતો પ્રત્યેની અનુકંપાને પ્રગટ કરતાં રહ્યાં છે, તે બાબત નોંધનીય છે.
સંદર્ભ સૂચિ:
- જીવ- માય ડિયર જયુ, દ્વિતીય આવૃત્તિ ૨૦૦૧
- મને ટાણા લઈ જાવ! – માય ડિયર જયુ, આવૃત્તિ- ૨૦૦૯
- બુધ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૨૦૧૦
- માય ડિયર જયુની વાર્તાકળા વિશે- સંકલન માય ડિયર જયુ