છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી કથાસાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત શ્રી મોહન પરમાર ટૂંકીવાર્તા-કલાના કસબી છે. ‘કોલાહલ’ (1980) થી ‘અચરજ’ (2020) સુધીની લેખકની ચાર દાયકાની ટૂંકીવાર્તાની સફર ગુજરાતી વાર્તાસાહિત્યાના ક્ષેત્રે ઘણા વિશિષ્ટ પરિણામો નિપજવનાર સાબિત થઈ છે. દલિતચેતના, નારીચેતના કે ગ્રામચેતના-દેશીવાદ જેવા પ્રવાહોને સાહિત્યથી સાવ અળગા કર્યા બાદ પણ જેની વાર્તાઓમાં કશુંક એવું તત્ત્વ છે કે જે વાર્તાને જીવાડે છે, તેવા ચિરંજીવ સાહિત્યના સર્જકોમાં શ્રી મોહન પરમાર મોખરાનું સ્થાન ધરાવે છે. જો કે, વાસ્તવિક્તા એ છે કે મોહન પરમારના મોટાભાગના સર્જનનું વિષયવસ્તું દલિતકેન્દ્રી જ રહ્યું છે. લેખક જે કાચી સામગ્રી ઉપાડે છે તેમાં દલિત સમાજજીવનના વાતાવરણનો કોઇક ને કોઇક અંશ ચોક્કસ રહેલો છે. પણ વાર્તાનાં સંવેદન અને રચનારીતિ જોતાં લેખક્ની મોટા ભાગની વાર્તાઓ ટૂંકીવાર્તાના કલાઘાટને પામી ભાવકની ચેતનાને ઝંકૃત કરતી રહી છે.
‘ખાડ’ વાર્તા દલિતસમસ્યા અને નારીસમસ્યાનાં દ્વિ-પરિમાણને તાગતી, ગ્રામજીવનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી દલિતચેતનાનો નૂતન આવિર્ભાવ વ્યક્ત કરતી વાર્તા છે. એક જ ઘટનાને પીડિત અને સ્થાપિત લોકોના દૃષ્ટિકોણથી કેવી અલગ અલગ રીતે જોવાય છે તેને પણ લેખકે અહીં સુપેરે મૂકી આપ્યું છે. ક્યાંય પણ વિરોધનો સૂર પ્રબળ કર્યા વિના કે વાર્તાનાં પાત્રોને બોલકાં બનાવ્યાં સિવાય આજના આધુનિક યુગમાં પણ દલિત વિરોધી માનસિકતા અને આપણી કહેવાતી પ્રગતિની નિષ્ફળતા એક સ્ત્રીપાત્ર દ્વારા રજૂ કરી આપી છે. પત્રકાર એવી વાર્તાની નાયિકાના સમસંવેદનનો ચિતાર આપતી, પ્રેસ-રિપોર્ટ, મીડિયા અને કાયદાની નિરર્થકતા સાબિત કરતી તેમજ એક જ ઘટનાનું અન્ય વર્ણના લોકો દ્વારા થતું ખોટું અર્થઘટન અને સદીઓ જૂની રૂઢ થઈ ગયેલી દલિત-વિરોધી માનસિકતાનો પરિચય આપતી આ વાર્તા છે. સાથે જ દલિતચેતનાથી વ્યક્તિચેતના સુધી પણ વાર્તાનો ભાવ વિસ્તરે છે.
વાર્તાની શરૂઆતથી જ બસમાં બેઠેલી નાયિકાએ અનુભવેલો ઉચાટ આશાપુરા ગામમાં બનેલી બળાત્કારની આખી ઘટનાની પુર્વભૂમિકા રચી આપે છે. પોતાની સહકર્મચારી સાથે બસની મુસાફરી દરમિયાન જ વાર્તાની મુખ્ય ઘટનાનાં પડ ધીમે ધીમે ખુલતાં જાય છે. જેમ બાહ્ય ઘટના તેમ નાયિકાનો મનોસંઘર્ષ અને આસપાસના લોકોની વિચારધારા અને એક ઘૃણાસ્પદ ઘટનાને મૂલવવાના માપદંડો પણ લેખક કથન, વર્ણન અને સંવાદ દ્વારા લેખક ખોલી આપે છે. એક સંનિષ્ઠ પત્રકાર અને એક લાગણીશીલ માણસ વચ્ચેનું સંતુલન ખોરવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંદરના ઉચાટ અને અકળામણની સાથે જ ગામડા ગામની સરકારી બસની હાલાકી પણ તેમાં ઉમેરાઈ છે. આ બધું ભેગું થઈ અંતે તો વાર્તાનાયિકાના મનોસંઘર્ષને વધુ તીવ્ર બનાવે છે. બસની મંથર ગતિ, ધૂળિયા રસ્તા, બસમાં ચડતા ઉતરતા મુસાફરો અને અતિશય ભીડ વચ્ચે મુસાફરી કરવાનો અણગમો અને મુસાફરો સાથેનો સીધો સંવાદ આ બધું જ મુખ્ય ઘટનાને ઉપકારક રીતે આવ્યું છે. ખાસ તો આશાપુરાના બસસ્ટેન્ડ પર ઉતર્યા પછી તરત જ ત્યાં પરબ માંડીને બેઠેલાં માજી સાથે સંવાદ થાય છે ત્યારે એમની વાતચીતમાંથી છતી થતી એક રૂઢિચુસ્ત માણસની વિપરિત માંસિકતાનું વરવું ચિત્ર લેખકે એકદમ સહજતાથી મૂકી આપ્યું છે. પાણી પાવા માટે પણ નાતનો-જાતનો ખ્યાલ રાખતાં આ માજી સમાજમાં સ્થાપિત જાતિઓના માનસનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ, આ ઘટનાને આ માજી એક નવા જ દૃષ્ટિકોણથી જુએ છે અને આ ઘટના બની છે એમાં મૂળ નિમિત્તે એ છોકરીને જ માને છે. ‘સત્ય પોતાનાં જૂતાં પહેરી લે પહેલાં તો અસત્ય પૃથ્વીના ચાર ચક્કર કાપી ચૂક્યું હોય છે.’ એ કહેવતને આ માજીની વાત સાબિત કરે છે.
બસસ્ટેન્ડથી ઘટનાસ્થળ સુધીનો નાયિકાનો તીવ્ર મનોસંઘર્ષ વાર્તાને અંત તરફ દોરી જાય છે. માટી ખોદવાની એ જગ્યા (ખાડ)ને જોતાં જ નાયિકાને પોતાના દુ:ખદ અતીતનું સ્મરણ થાય છે. મનની ભૂમિ પર આકાર લેતી પૂર્વે બનેલી ઘટના અને બીજી અત્યારે સામે આવેલી ઘટનાની તુલનામાંથી સહોપસ્થિતિ સર્જાઈ છે. એકસરખી લાગતી બન્ને ઘટનાઓનાં પરિણામ જુદાં છે. ન્યાય, કાયદો-વ્યવસ્થા જેવી લાંબાગાળાની પ્રક્રિયાનો છેદ ઉડાવી નાયિકા તત્કાળ ન્યાયને સમર્થન આપતા વિચારો વ્યક્ત કરે છે. ભૂતકાળમાં આવી જ ઘટનામાં જે હિંમતથી તે ઊગરી ગઈ હતી એવી હિંમત આ ઘટનામાં પેલી છોકરી બતાવી શકી નથી તેનો વસવસો પણ તે અનુભવે છે. ભાવાવેશની આ સ્થિતિમાં તેને વર્ષોથી પોતાના વ્યવસાયની એક પ્રચંડ નિષ્ફળતા પણ દૃષ્ટિગોચર થાય છે. સારું રિપોર્ટિંગ પ્રસિદ્ધિ અપાવે, વાહવાહી અપાવે પરંતુ પીડિતને ન્યાય અપાવી શકે ખરું ! એ પ્રશ્ન મોટાભાગની ઘટનાઓમાં અધ્યાહાર જ રહી જાય છે. તેથી જે ઘટના નોટબુકમાં ટપકાવવાની હતી તેને હૃદયમાં ટપકાવીને જ ત્યાંથી ચાલી નીકળવાનું તે મુનાસિફ માને છે.
આમ, વર્તમાનમાં બનેલી એક સનસનીખેજ ઘટનાને અંકે કરવા જતાં ભૂતકાળમાં થયેલા સ્વાનુભવની તુલનામાં વાર્તાની નાયિકા સરી પડે છે. ભૂતકાળની જે દુર્ઘટનામાંથી તે હિંમતભેર ઊગરી ગઈ હતી એવી જ આ ખાડમાં બે દિવસ પહેલા બનેલી ઘટનામાં એ છોકરી ઊગરી શકી નથી. માટી અને કોદાળી જેવાં હથિયારો હાથવગાં હોવા છતાં આ ઘટનાને ખાળી શકાઈ નથી તેથી અંતે જતાં આ ઘટનાનું રિપોર્ટિંગ કરવું કે કાયદાકીય રીતે તેને ન્યાય અપાવવો એ આ વાર્તાની નાયિકા માટે સાવ નિરર્થક મુદ્દો બની જાય છે અને તત્કાળ ન્યાય ન થઈ શક્યાનો એક ઊંડો રંજ તે અનુભવે છે. જે મુદ્દા નોટમાં ટાંકાવાના હતા તે હૃદયમાં ટપકાવવાનો એક અલગ જ અર્થસંદર્ભ આપી લેખક વાર્તાને કરુણ અંજામ આપે છે. આમ કથન, વર્ણન, આરંભ-અંત, સંવેદન અને વાર્તાના મનોસંઘર્ષને સફળ રીતે આલેખતી એક સુંદર કલાઘાટવાળી દલિત વાર્તા બની શકી છે.
વાર્તાની મુખ્ય ઘટનાને ઉપકારક એવા પ્રસંગો, વર્ણનો અને સંવાદોથી વાર્તા આગળ વધે છે. પરંતુ બસમાં ચડતી રબારણો, તેમનો સંવાદ, ડ્રાઇવર સાથેના તેમના સંવાદો આ બધું ગામડાના રૂટ પર દોડતી સરકારી બસોનું ચિત્ર રજૂ કરે છે, વાર્તાની જે મુખ્ય ઘટના છે એને ખાસ ઉપકારક બનતું નથી. સાથે, વાર્તાને અંતે જ્યારે નાયિકા બસસ્ટેન્ડથી ઘટનાની જગ્યાએ (ખાડ) પર પહોંચે છે ત્યારે “ખાડની આસપાસ લોકોની ભીડ વધતી જતી હતી” એવું લેખકે વર્ણન કર્યું છે. આ વર્ણન વાર્તાના અંતને વધુ વળ ચડાવવા માટે જ થયું હોય એવું લાગે છે. બે-ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાનું ઘટનાસ્થળ જોવા લોકોની ભીડ જામે એ વાસ્તવિક લાગતું નથી. નથી ત્યાં પીડિતા કે નથી ત્યાં અપરાધી તો લોકોએ સ્થળને જોવા માટે શું કામ ભીડ કરી એ બાબત ઘટના સાથે સુસંગત જણાતી નથી.
આમ, આવી થોડીઘણી બાબતોને બાદ કરતાં દલિતવાર્તામાં એક નવા વિચાર સાથે આ વાર્તા પ્રવેશે છે. સામાન્ય રીતે આવી ઘટનાને આલેખતી દલિતવાર્તા હોય કે અન્ય સાહિત્ય હોય, એ આક્રોશની કક્ષાએ પહોંચે અને ન્યાય મેળવવાના તમામ રસ્તાઓ અપનાવે. પરંતુ અહીં એક દલિત સ્ત્રીપાત્રની મૂળભૂત વ્યક્તિચેતનાને આ વાર્તા આલેખે છે. જ્યાં સુધી પ્રત્યેક લોકહૃદયમાં આવી ઘટના ખળભળાટ ન મચાવે ત્યાં સુધી આવી ઘટનાઓનો સિલસિલો ચાલુ જ રહેવાનો છે. આક્રોશ અને વિરોધ બે જાતિઓ વચ્ચેનો હોય કે બે ધર્મ કે પ્રદેશના લોકો વચ્ચેનો હોય, આવા વિરોધે લોકોને વધારે કટ્ટર અને હેવાન જ બનાવ્યા છે. પરંતુ આ બધાંથી ઉપર જ્યાં સુધી એક માનવી બીજા માનવીનો સ્વીકાર ન કરે અને સમાજમાં બનતી આવી જઘન્ય ઘટનાઓ વ્યક્તિના હૃદયમાં ન અંકાય ત્યાં સુધી બહારના બધા વિરોધ, આક્રોશ, સમાચાર, ન્યાય, કાયદો અને વ્યવસ્થા એ બધું નકામું છે એવા એક ઉમદા અર્થસંદર્ભને રજૂ કરી આપતી એક વિશિષ્ટ દલિત વાર્તા તરીકે ‘ખાડ’ વાર્તાની નોંધ લઈ શકાય.