ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક યુગમાં ‘દલિત સાહિત્ય’ એક નવી ભૂમિકા સાથે રજૂ થાય છે. એ પહેલા પણ ગુજરાતી સાહિત્યમાં ‘દલિત સંવેદના’ વ્યક્ત કરતું સાહિત્ય જોવા મળે છે. દલિત સાહિત્યનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ થયો એ પહેલા પણ ગુજરાતી સાહિત્ય વિપુલ અને સમૃદ્ધ કલમોથી શોભતું હતું. દલિત સાહિત્યના પ્રવેશથી એમાં એક કડી ઉમેરાય છે. ‘દલિત સાહિત્ય’ દલિત તેમજ દલિતેતર સાહિત્યકારો એમ બંને સર્જકો પાસેથી પ્રાપ્ત થાય છે. અને નોંધપાત્ર બાબત તો એ છે કે ગુજરાતી સાહિત્યમાં દલિત સંવેદન રજૂ કરવાની શરૂઆત દલિતેતર સર્જકોએ કરી. જોકે અનુભવજન્ય દલિત કથાસાહિત્યનો ઉદભવ અને વિકાસ સાતમા – આઠમા દાયકાથી થયો જેણે મુખ્યધારાના કથાસાહિત્યમાં ‘ચોથું મોજું’ જન્માવ્યું. તેમાંય જોસેફ મેકવાન, મોહન પરમાર, પ્રવીણ ગઢવી, બી. કેશરશિવમ્, દલપત ચૌહાણ અને હરીશ મંગલમ્ વગેરેના નવલકથા – વાર્તા સાહિત્યએ નિભાવેલી સામાજિક અને સાહિત્યિક પ્રતિબદ્ધતાથી દલિત કથાસાહિત્ય અવિરત ગતિશીલ રહ્યું છે. એ ન્યાયે મુખ્યત્વે ગાંધીયુગથી અનુઆધુનિક યુગ સુધીના ગુજરાતી કથાસાહિત્યમાં દલિત કથાસાહિત્યનો વિકાસ – વિસ્તાર નોંધપાત્ર રહેલો જણાય છે.
નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને ચરિત્રકાર જોસેફ મેકવાન પાસેથી માતબર સાહિત્યસર્જન પ્રાપ્ત થાય છે. તેમણે સાહિત્યસર્જનનો આરંભ નૂતનરંગ અછાંદસ કવિતાથી કર્યો પરંતુ તેમનું ઉત્તમ કામ ગદ્યમાં થયું છે. ખાસ કરીને નવલકથા, વાર્તા, લલિતનિબંધ, ચરિત્રલેખનમાં તેમની કલમ ખીલી છે. તેમણે દલિત સમાજના શોષિત – પીડિત લોકોની વેદના, વિષાદને વાચા આપી કલાત્મક રૂપ પ્રદાન કર્યું છે. તેમની પાસેથી ઈ. સ. 1986માં ‘આંગળિયાત’ નામે પ્રથમ દલિત નવલકથા પ્રાપ્ત થાય છે. આ નવલકથામાં ચરોતર પ્રદેશનો ગ્રામ્ય સમાજ, ગ્રામ્યજીવન અને એ સમાજના ઉજળિયાત તથા દલિત સમાજ વચ્ચેના આંતર – બાહ્ય સંઘર્ષની વાત કરવામાં આવી છે. 25 પ્રકરણ અને 202 પૃષ્ઠોમાં વિભાજિત આ નવલકથામાં ગામને છેવાડે રહેતા દલિત પીડિત સમાજની વ્યથાકથાનું આલેખન છે. આ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ક.મા. મુનશી પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર, દલિત સાહિત્ય અકાદમી આંબેડકર એવોર્ડ અને ઓલ ઇન્ડિયા ઓપન યુનિવર્સિટી આંધ્રપ્રદેશનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. નવલકથાને મળેલા પુરસ્કારોને આધારે ગુજરાતી સાહિત્યમાં તેમજ દલિત સાહિત્યમાં તેની મહત્તા સમજી શકાય તેવી છે. રીટા કોઠારીએ આ નવલકથાનો ‘The stepchild’ નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
‘આંગળિયાત’ નવલકથામાં દલિત સમાજજીવનની ધબકતી ચેતનાનો ચિતાર પહેલીવાર જોવા મળે છે. આ નવલકથામાં કલાત્મકતાની ક્યાંક ઉણપ છતાં નવલકથાકારે એક એવા સમાજને કેન્દ્રમાં રાખ્યો છે જે આજ સુધી કચડાયેલો, દબાયેલો હતો. તે સમાજે આજ સુધી માત્ર પીડા અને અત્યાચારો જ સહન કર્યા હતા, તેમને ‘ માણસ ’ તરીકે પૂરતો અધિકાર નહોતો મળ્યો. કથાનાયક ટીહો સૌપ્રથમ આવા દરેક દબાયેલા, કચડાયેલા મનુષ્યની વાચા બની ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે અને એક આખા સમાજને તેની સમગ્રતયા સાથે પ્રગટાવી જાય છે.
નવલકથાના પ્રારંભે કથાનાયક ટીહો અને તેનો મિત્ર વાલજી શીલાપર ગામમાં વણાટ કરેલા માલની હરાજી કરવા જાય છે ત્યારે તે ગામના સવર્ણ મેઘજી પટેલનો દીકરો નાનિયો વણકર યુવતી મેઠીની છેડતી કરે છે ત્યારે ટીહો રોષે ભરાય છે અને સવર્ણો સામે માથું ઊંચકી સંઘર્ષ આદરે છે. ટીહો શીલાપરના સવર્ણો માટે મોટો દુશ્મન બની જાય છે. મેઠી અને ટીહો બંને પ્રેમને તાંતણે બંધાયા છે પરંતુ લગ્નસંબંધે જોડાઈ શકતા નથી. મેઠી ભવાન ભગત સાથે ટીહો તેને અહીંથી લઇ જાય તેવો સંદેશ મોકલાવે છે. આ સંદેશ અંતર્ગત દાનો અને વાલજી મીઠીને ટીહા પાસે લઇ આવવાની યોજના ઘડે છે, પણ યોજના ઊંધી પડી જાય છે. નાનિયો અન્યો સાથે મળીને મેઠીનું અપહરણ કરે છે અને વાલજી તેને બચાવવા જતાં મૃત્યુ પામે છે. વાલજીના મૃત્યુથી તેની જિંદગી બદલાઈ જાય છે. મજબૂરી વશ મેઠીને ચૂંથિયા સાથે લગ્ન કરવા પડે છે. ચૂંથિયા સાથેના ત્રાસદાયક લગ્નજીવનમાં મેઠી પુત્રને જન્મ આપે છે. જીવવું અસહ્ય થઇ પડતા મેઠી ચૂંથિયાને મરણતોલ માર મારી પોતાના દીકરાને શીલાપર લઇ આવે છે. પરંતુ અહીં પણ તેને સધિયારો ન મળતા કૂવે મરવા જાય છે ત્યારે ટીહો તેને બચાવે છે અને પોતાને ઘેર લઇ જાય છે. દોઢ વર્ષ કપરું વૈધવ્ય વેઠ્યા બાદ ટીહાના સમજાવવાથી વાલજીની પત્ની કંકુ દાનજી સાથે દિયરવટું કરે છે. કંકુ ટીહાને લગ્ન કરી લેવા સમજાવે છે પરંતુ મેઠી ચૂંથિયો ન મરે ત્યાં સુધી લગ્ન કરવાની ના પાડે છે. અંતે મેઠી ખુદ જ ટીહાને બીજે લગ્ન કરવા સમજાવે છે. મેઠી, કંકુ અને દાનજીની સમજાવટને અંતે ટીહો વાલી જોડે લગ્ન કરે છે. તેને મોહન અને મનવો નામે બે પુત્રો અવતરે છે. મેઠી પોતાના પુત્ર ગોકળને પિતાના નામ તરીકે ચૂંથિયાના નામને બદલે ટીહાનું નામ આપે છે. ગામમાં ટીહાની સરપંચ સાથે બોલાચાલી થતાં ધીંગાણું થાય છે અને ટીહો ઘાયલ થાય છે. સારવારના અભાવે તેનું મૃત્યુ થાય છે. તેના મૃત્યુથી સૌથી વધુ આઘાત મેઠીને લાગે છે. તે ટીહાના મૃત્યુના દિવસથી અન્નજળ લીધા વિના અઢારમે દિવસે દેહ છોડે છે. તેની અંતિમ ઈચ્છા મુજબ તેણે ટીહાની કબરની બાજુમાં જ દાટવામાં આવે છે. ટીહા – મેઠીના મૃત્યુ પછી ટીહાની પત્ની વાલીના સંસારજીવન વિશે, ટીહાના બે દીકરા અને આંગળિયાત ગોકળનું જીવનવૃત્તાંત કથાના અંત ભાગે આલેખવામાં આવ્યું છે. અંતે ટીહા અને દાનાના વારસદારો સામાજિક કનડગત સહન ન થતાં ગામ છોડી શહેરમાં સ્થિર થાય છે. ત્યાં રોજીરોટી કમાય છે ને વર્ષો પછી ટીહાનો પુત્ર ગોકળ ગામમાં બનતી નિશાળમાં પિતાના નામે દાન આપે છે. કથાનો અંત સુખદમાં પરિણમે છે. કથાના અંત ભાગે ગોકળની વફાદારી, માનવતા, સ્વભાવગત સરળતા, ઉદારતાનો પરિચય મળે છે.
નવલકથામાં પ્રથમ વખત જ દલિત વર્ગના પાત્રો મુખ્ય પાત્રો તરીકે રજૂ થયા છે. ભવાન ભગત, ટીહો, વાલજી, મેઠી, કંકુ, દાનજી, જીવણ જેવા ખમીરવંતા દલિત વર્ગના પાત્રો નવલકથાના પ્રતિનિધિ પાત્રો તરીકે ઉપસ્યા છે, તેમને કેન્દ્રમાં રાખીને નવલકથાની રચના કરવામાં આવી છે. તેમના દ્વારા દલિત સમાજમાં જાગૃતિ લાવવાનો, આત્મસન્માન, સ્વાભિમાન જગાવવાનો પ્રયત્ન થયો છે. શીલાપર ગામના માથાભારે પટેલો – ઠાકોરો અને અન્ય સવર્ણ સમાજની જોહુકમી સામે ટીહો, વાલજી, ભવાન ભગત સંઘર્ષમાં ઊતરે છે, તેમની સામે ડગલે ને પગલે ઝઝૂમે છે. તેમની સાથે ક્યારેક સંવાદિતા પણ સાધે છે. અહીં આ નવલકથામાં સવર્ણો અને દલિતોના આંતરિક પાસાઓ સુપેરે ગુંથાયા છે.
અહીં દલિતોની આર્થિક સ્થિતિ માટે જેટલા સવર્ણો જવાબદાર છે એટલા જ દલિતો પણ જવાબદાર છે એટલા જ દલિતો પણ જવાબદાર છે. દલિત સમાજની જૂની – પુરાણી માન્યતાઓ, જડ રીત – રિવાજો પણ તેમની કફોડી સ્થિતિ માટે જવાબદાર છે. પરંતુ ટીહો આ જડ રીત – રિવાજોનું ખંડન કરતું પાત્ર છે. તે પોતાની માતાના મૃત્યુ પછી પ્રેતભોજન કરાવતો નથી. તેની આ પ્રકારની પરિવર્તનવાદી પ્રવૃત્તિ પણ દલિતો માટે પ્રેરણાદાયી બની રહે છે. આ નવલકથાની નોંધપાત્ર બાબત એ છે કે લેખકે કોઈપણ પ્રકારના પક્ષપાત વિના પોતાના જ સમાજની મર્યાદાઓ છતી કરી છે. સમાજના કોઈપણ વર્ગની જેમ જ આ વણકર વર્ગમાં પણ અંદરોઅંદરના ઈર્ષા – વેરભાવ – આંતરિક દ્વંદ્વ, ક્ષુદ્રતા જોવા મળે છે.
નવલકથાકારની વર્ણનકલા સુરેખ, ગતિશીલ અને ચિત્રાત્મક છે. પ્રસંગ, પરિસ્થિતિ, મનોભાવ અને બાહ્ય બનતી ઘટનાઓને સુરેખ અને જીવંત રીતે આલેખી છે. વર્ણનો દ્વારા સમગ્ર ઘટનાઓને ચિત્રાત્મક રૂપ આપવામાં આવ્યું છે. ચરોતર પ્રદેશના ગ્રામ્ય સમાજમાં બોલાતી ભાષાની સ્વાભાવિકતા અને વેધકતા પાત્રોની બોલચાલમાં અનાયાસે સિદ્ધ થઇ છે. વણકર સમાજની તળપદી બોલીનો સબળ રીતે વિનિયોગ થયો છે. નવલકથાકાર એ જ સમાજમાંથી આવતા હોવાથી એ બોલી સાથે તેમનો લોહીનો સંબંધ છે. તેથી કથાની ભાષા બળુકી અને પરિણામકારી બની છે. ભાષા આલેખનના કેટલાક ઉદાહરણો જોઈએ તો –
- “ખાધે – પીધે સુખી હતી ને ઘોડિયુંય હીંચતું હતું.” ( પૃ – 2 )
- “ને એક છેડો દાબી એવી રીતે એને ઠાકોર ભણી ફંગોળ્યું કે પોણા ગજનો એનો પનો ને બે ગજની લંબાઈ લોકનજરે ચડે.” ( પૃ – 12 )
- “ત્યાં જ ફડાક થયો ને ત્રાંબાના દેગડા પર માટલું ચડાવી જતી એક પાણીયારી જળ હાબોળ છોબીલાપણાથી ભીંજાઈ ગઈ.” ( પૃ – 13 )
કોઈપણ કારણસર દલિત સમાજની સ્ત્રી પોતાના પ્રથમ પતિને છોડીને બીજા પુરુષ સાથે વિવાહ કરે છે ત્યારે પોતાના બાળકને આંગળી પકડીને પોતાની સાથે લઇ જાય તે બાળકને ‘આંગળિયાત’ કહેવાય છે. એ ‘આંગળિયાત’ બાળક પોતાના પાલક પિતા માટે હંમેશા ઉપેક્ષિત બનીને રહે છે. આ ઉપેક્ષિત સ્થિતિને નવલકથાકારે અહીં યથાર્થ આલેખન કર્યું છે. આ નવલકથામાં વાલજી, વાલજીનો દીકરો જગુ અને મેઠીનો દીકરો ગોકળ એ ત્રણ બાળકો ‘આંગળિયાત’ રૂપે રજૂ થયાં છે. આગળ જતાં વાલજીનું અકાળે મૃત્યુ થાય છે અને તેની પત્ની કંકુ દિયરવટું કરે છે જેથી તેનો પુત્ર જગુ ‘આંગળિયાત’ બને છે. મેઠી ચૂંથિયાને છોડીને આવે છે ત્યારે એનો દીકરો ગોકળ ટીહાને ઘેર ‘આંગળિયાત’ બનીને રહે છે. અહીં આંગળિયાતના જીવનનું કારુણ્ય વ્યક્ત થાય છે તેથી આ શીર્ષક યથાર્થ લાગે છે એ ઉપરાંત અહીં એક બીજું લક્ષ્ય પણ નજરે પડે છે. અહીં એક આખો સમાજ ઉપેક્ષિત છે, ઓશિયાળું છે. સવર્ણોની જોહુકમી સહન કરતો સમાજ છે. તેથી આખો સમાજ ‘આંગળિયાત’ હોય તેવું પ્રતીત થાય છે. તેથી અહીં નવલકથાકારે સમગ્ર સમાજની આ દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આવું શીર્ષક આપ્યું હોય તેવું પ્રતીત થાય છે.
આ નવલકથામાં અગાઉ ક્યારેય કોઈ નવલકથામાં જોવા ન મળેલી આખા વણકર સમાજની ખૂબીઓ, ખામીઓ, રીતરિવાજો, વાણી - વર્તનો, ખુમારી, વિવશતા બોલી, રૂઢિપ્રયોગો વગેરેના દર્શન થાય છે. ટીહો, મીઠી અને વાલજી જેવા પાત્રો સમગ્ર ગુજરાતી સાહિત્યમાં અનન્ય અને અનેરા છે. કલાત્મકતાની કચાશને કારણે કલાત્મક નવલકથા બની શકતી નથી. તેમ છતાં ગુજરાતી સાહિત્યની મુખ્યધારાની નવલોમાં તેને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે.
સંદર્ભ
- ‘આંગળિયાત’, લે. – જોસેફ મેકવાન , પુનઃ મુદ્રણ – 2003
- ‘અણસાર’, લે. – મોહન પરમાર, પૃ – 42
- ‘ગુજરાતી દલિત સાહિત્ય : સ્વાધ્યાય અને સમીક્ષા’, સંપા. – મોહન પરમાર, પ્ર.આ. – 2001, પૃ – 120
- ‘શબ્દસૃષ્ટિ’, નવે. – 2003, લેખ – ‘ગુજરાતી દલિત નવલકથા’, લેખક – ભરત મહેતા, પૃ – 191