પૂર્વભૂમિકા :-
અનુઆધુનિક યુગના ગુજરાતી દલિત વાર્તાકાર તરીકે હરીશ મંગલમ્ એ ખૂબ જાણીતા વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં દલિત વર્ગની વેદના-સંવેદનાનું હ્યદયસ્પર્શી આલેખન થયેલું જોઈ શકાય છે. કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, વિવેચન તથા સંપાદનક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું સર્જનકાર્ય અનેક રીતે દીપી ઊઠે છે. વાર્તાક્ષેત્રે તેમનો એકમાત્ર ‘તલપ’ (૨૦૦૧) વાર્તાસંગ્રહ નોંધપાત્ર બની રહે છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ જેટલી વાર્તાઓ સમાવિષ્ટ છે. જેમાં શ્રી હરીશ મંગલમ્ છેવાડાના માનવીની વેદના-સંવેદના, અત્યાચાર, અન્યાય, આક્રોશ, વિદ્રોહ, અસ્પૃશ્યતા જેવી બાબતોની છણાવટ કરે છે. તેથી જ શ્રી ભી. ન. વણકરે પણ ઉચિત જ નોંધ્યું છે : “હરીશ મંગલમનો વાર્તાસંગ્રહ ‘તલપ’(૨૦૦૧)માં માનવીય વ્યથા, પીડા, અન્યાય, અસમાનતા, અસ્પૃશ્યતા, સમસ્યા વગેરે સામગ્રીરૂપે દલિત પરિવેશ ધરાવતી વાર્તાઓ છે.” આ ‘તલપ’ વાર્તાસંગ્રહમાંની ‘દલો ઉર્ફે દલસિંહ’ દલિત વાર્તાને તપાસવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.
‘દલો ઉર્ફે દલસિંહ’ :-
‘દલો ઉર્ફે દલસિંહ’ એ દલિત વર્ગની વેદનાને વાચા આપતી વાર્તા છે. સામાજિક વર્ણવ્યવસ્થાની પોકળતાને છતી કરતી આ વાર્તા દલિત સાહિત્યધારાની નોંધપાત્ર વાર્તા છે. વાસ્તવિકતા સાથે અનુબંધ સાધતી આ વાર્તામાં દલિત વર્ગના નાયક દલા ઉર્ફ દલસિંહની કરુણ વેદનાનું આલેખન અસરકારક રીતે થયું છે.
પ્રસ્તુત વાર્તામાં પેટિયું રળવા માટે ગામડું છોડીને અમદાવાદ જેવા મોટા શહેરની મિલમાં મજુરીકામ અર્થે આવેલ દલિતવર્ગનો નાયક દલો શહેરની બધી જ મિલો એક પછી એક બંધ થઈ જતા મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેની રોજીરોટી છીનવાઈ જાય છે. તેના પરિવારનું ભરણપોષણ અટકી પડે છે. તેને પોતાના સંતાનોને ભણાવવાનું તો ઠીક ખવડાવવા માટેના સાંસા પડતા થઈ જાય છે. ગામડે રહેતા મા-બાપની જવાબદારી પણ તેના શિરે હતી. આવી જ દુઃખદ સ્થિતિ તેની જ્ઞાતિના મિત્ર શિવાની પણ હતી. શિવાને તો સમજાવી હિંમત આપી રહે છે પરંતુ પોતે નાસીપાસ થઈ પડે છે. મજુરવર્ગમાંથી કેટલાંક ફેક્ટરીઓમાં લાગી જાય છે તો કેટલાંક પગી તરીકે ઓછા પગારે પણ નોકરી સ્વીકારી લે છે. છાપામાં આવતી ખબર મુજબ રોજગારી ન મળતાં કેટલાક મજૂરો રોજેરોજ આપઘાત પણ કર્યે જતા હતા. હરિજનો માટે નોકરી માટેના બધા દરવાજા બંધ હતા. મજબૂરીવશ દલો પોતાનું નામ બદલીને દલામાંથી દલસિંહ બને છે. દેખાવે દરબારને પણ પાછો પાડતો દલો તુરંત જ પગી તરીકે ધનસુખલાલ શેઠને ત્યાં નોકરી મેળવી લે છે. અહીં તે પગી તરીકે શેઠનો વિશ્વાસ સેહજે જીતી લેતા શેઠ તેને કીર્તિધામ જૈનતીર્થનાં સિક્યુરિટી તરીકેનું મોટું કામ આપે છે. પોતાની જ્ઞાતિના ભાઈબંધ શિવાને પણ તે શિવાજી વાઘેલા નામ બદલીને કામે સાથે રાખી લે છે. અહીં અગાઉનો પગી ભવાનસિંહ દલસિંહને બદનામ કરવાની કોઈ તક છોડતો નથી. તે દલસિંહની પાછળ પડી જાય છે પરંતુ દલસિંહ મંદિરમાં મૂર્તિ ચોરનારને રંગે હાથે પકડી તેની ઈમાનદારી અને પ્રમાણિકતાનો પરિચય સૌને કરાવી દે છે. પછી તો દરબારો સાથે તેનું રોજ જમવા-બેસવાનું થાય છે. પગાર પણ સારો એવો મળી રહેતો હોવાથી દલસિંહ ખુશ તો મનોમન થતો પરંતુ પોતે દલિત જ્ઞાતિનો હોવાનો ડર ક્યારેક તેને સતાવી જતો. તે મનોમન વિચારતો “દલસિંહ તું ધ્યાન રાખજે. અહીં કોઈ ભાયાત-બાયાત નથી. કોઈ તારા નાતીલાં નથી. કોઈ દા’ડો ભઈની ભઈયારી નહિ ને તર્કની સહિયારી નહિ, સમજ્યો ! તું જાતનો દલિત. એ લોકોની નજરમાં હડધૂત થયેલો અભાગિયો...એક અછૂત. જે દિવસે બધાને ખબર પડશે કે તું દલિત છે. તે દિવસે તારી બોટી પણ હાથ નહિ આવે !” આમ દલામાંથી દલસિંહ બનેલ દલાને પોતે એક દલિત હોવાનો ડર સતાવ્યે જતો ને આવા સ્વગત વિચારોથી તે એકદમ ખિન્ન થઈ જતો. થોડીવાર પછી તે બધી ઉદાસીનતા ખંખેરી મૂછને વળ દઈને પુનઃ પોતાને કામે વળી જતો. એક દિવસ નજીકના ગામના વેવાઈ મંગળદાસ મંદિર નજીક આવી ચડતા તે ગભરાઈ જાય છે. દલસિંહ પોતે દલિત સમાજનો હોવાનો ભાંડો ફૂટે છે. કોઈના માન્યામાં એ વાત ન આવતા સૌ ગામમાં જઈને પાકી ખાતરી કરે છે. દલસિંહ જાતનો હરિજન હોવાનું સામે આવતા સવર્ણ લોકો તેને મારી નાંખવા મંદિરને ચારે બાજુએથી ઘેરી લે છે પરંતુ દલો કોઈના હાથમાં આવતો નથી. તે ક્યાંક પલાયન થઈ જાય છે. દલિત દલો હાથમાં ન આવતા દરબાર ભવાનસિંહની આંખોમાંથી ક્રોધના તણખા ઝરી રહે છે.
ડૉ.કલ્પના ગાંવિત ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તા સંદર્ભમાં નોંધે છે. “એક જ માણસના બે ચહેરા ચિતરવામાં વાર્તાકારે કરેલી મથામણ દાદને પાત્ર છે.”
ડૉ.કલ્પના ગાંવિતે ઉચિત જ નોંધ્યું છે. ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તામાં વાર્તાકારે વાર્તાનાયક દલા ઉર્ફે દલસિંહનું ચરિત્ર ચિત્રણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. જે વાર્તાકારની વાર્તાસર્જન સંદર્ભની વિશેષતા ગણી શકાય.
ડૉ. મોહન પરમાર ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તા સંદર્ભમાં નોંધે છે. “‘દલો ઉર્ફે દલસિંહ’માં વાર્તાકારે મિલો બંધ પડ્યા પછીની દલિતોની કથળેલી પરિસ્થતિનું વર્ણન કરી, આજીવિકા માટે દલસિંહ દરબાર બનીને ભજવેલી ભૂમિકાનું તાદ્રશ્ય ચિત્રણ કર્યું છે.”
ડૉ. મોહન પરમારે પણ અહીં યથાર્થ જ નોંધ્યું છે. ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તામાં વાર્તાકારે દલિતવર્ગની વેદનાને રજુ કરી દલિતવર્ગના નાયક દલાની દરબાર દલસિંહ બન્યા પછીની ભૂમિકાનું તાદ્રશ ચિત્રણ થયેલું જોઈ શકાય છે.
શ્રી હરીશ મંગલમે્ ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તામાં દલિતવર્ગની વેદનાનું સ-રસ આલેખન કર્યું છે. સવર્ણ સમાજની માનસિકતા વાર્તામાં કળાત્મક રીતે અભિવ્યક્તિ પામી છે. વાર્તામાં માણસની માણસાઈના અભાવે દલિત-મજૂર વર્ગની સ્થિતિનું વર્ણન કરુણગર્ભને પ્રગટ કરે છે.
પ્રસ્તુત વાર્તાની પાત્રાલેખન કળા અસરકારક બની રહે છે. વાર્તાનું પ્રધાન પાત્ર દલિત નાયક દલો ઉર્ફે દલસિંહ છે. બે વ્યક્તિત્વમાં પરિણમતું આ પાત્ર વાર્તામાં ધારી અસર ઉપજાવી રહે છે. દલાનું પાત્ર વાર્તામાં ઈમાનદાર અને નિષ્ઠાવાન ચિત્રિત થયું છે છતાં વાર્તા અંતે તેની પલાયનવૃત્તિ તેનામાં રહેલી ભીરુતાના દર્શન કરાવી જાય છે. જયારે વાર્તામાં ગૌણપાત્રો તરીકે આવતા પાત્રોમાં સવર્ણપાત્રોમાં ભવાનસિંહ, ધનસુખલાલ શેઠ, તેમજ દલિતપાત્રોમાં શિવા અને મંગળદાસ નું પાત્ર ધ્યાનાર્હ બની રહે છે.
વાર્તાના સંવાદો ટૂંકા, સ્પષ્ટ અને સાહજિક બની રહે છે. વાર્તામાં વધુ પડતા સંવાદો જોવા મળતા નથી. દલો અને શિવો એ બે જ્ઞાતિમિત્રો વચ્ચે જે સંવાદ સધાયો છે તે નોંધપાત્ર બની રહે છે. આ સંવાદ દલિત-મજૂર વર્ગની કારમી ગરીબાઈ તથા લાચારીને અભિવ્યક્ત કરી રહે છે. વાર્તામાં આવતો શિવા અને દલા વચ્ચેનો આ સંવાદ જોઈએ.
‘દિયોરનું મારે તો બધા જ નાનાં છે. શું કરવું એ જ ગમ પડતી નથી.’...
‘તારે નાનાં છે તો મારે ક્યાં મોટાં છે ?’
‘પણ, તું તો ગમે તે અટ્ટમસટ્ટમ કરીનેય ઘર ચલાવવાનો. મારું શું થશે ?...ને મારાં છોકરાં ?...
‘ગભરાઈશ નહિ, દાંત આપ્યા છે તો ચવાણુંય આપશે.’ દલાએ આશ્વાસન આપ્યું.
‘ખાવાના સાંસ. એક સાંધે ને તેર તૂટે ! તોય આવું કોરુંધાકોર આશ્વાસન આપી આપીને કેટલાંય મરી ગયાં ભૂખે ! કોઈને દમ થયો તો કોઈને ટી.બી તો વળી,..’ (પૃષ્ઠ-૭૩)
પ્રસ્તુત સંવાદમાં દલિત-મજૂર વર્ગની લાચારી જોઈ શકાય છે. રોજગારી હાથમાંથી ચાલી જતા સમાજનો આ નિમ્નવર્ગ જાણે પાયમાલ જેવો થઈ જાય છે. પરિવારનું ભરણપોષણ તેની મોટી મુશ્કેલી બની રહે છે. વાર્તામાં આવતો આ સંવાદ દલિત-મજૂરવર્ગની કારમી ગરીબાઈને પ્રગટ કરી રહે છે.
પ્રસ્તુત વાર્તાના આરંભમાં જેમ શહેરી પરિવેશ સાથે દલિત-મજૂર વર્ગની રોજગારીનો પ્રશ્ન બળવત્તર બનતો જોવા મળે છે. તેમ વાર્તાનો અંત પણ દલિત નાયક દલાની પલાયનતાથી ચોટદાર બની રહે છે. વાર્તા આસ્વાદ્યતાને પામે છે.
સંઘર્ષ એ વાર્તાનું પ્રાણતત્વ છે. સંઘર્ષ વિના વાર્તા એ વાર્તા રહેતી નથી. ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તામાં વાર્તાનાયક દલો ઉર્ફે દલસિંહ વાર્તાના પ્રારંભથી લઈને વાર્તાની છેવટ સુધી સંઘર્ષ આદરતો જોઈ શકાય છે. પૂર્વે તેનો રોજગારી મેળવવા માટેનો સંઘર્ષ તો રોજગારી પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાતિભેદ તેને રહેંસી ખાય છે. સમાજની વર્ણવ્યવસ્થામાં તળિયે રહેલ સમાજની સ્થિતિનો વેદનામય અને કરુણ સંઘર્ષ વાર્તામાં સહજ રીતે આલેખાયેલો જોઈ શકાય છે.
વાર્તાકારની વર્ણનકળા પણ ધ્યાનાર્હ બની રહે છે. ટૂંકા-ટૂંકા વર્ણનો વાર્તામાં જોવા મળે છે. જેમાં વાર્તામાં આવતું શહેરી પરિવેશનું વર્ણન, જૈનતીર્થનું વર્ણન, દલિત-મજૂર વર્ગની દયનીય સ્થિતિનું વર્ણન વાર્તાને વધુ આસ્વાદ્ય બનાવે છે. વર્ણનોમાંનું જૈનતીર્થનું એક વર્ણન જોઈએ.
‘‘કીર્તિધામ જૈનતીર્થ’, જૈનોનું મોટું યાત્રાધામ. સ્થળ ખુબ જ રમણીય. આજુબાજુ કોતરો ને કોતરોની વચ્ચે થઈને વહી જતી નદી. દેશ-દેશાવરથી લોક દર્શને આવે...મોટી મોટી ધર્મશાળાઓ ને સુખસગવડભર્યા મકાનો. ભવ્યાતિભવ્ય મંદિર. સોનાના કળશ પર ફરફરતી ધજા. મૂર્તિ પણ સોનાની. ઐતિહાસિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્વ.’” (પૃષ્ઠ-૭૫)
પ્રસ્તુત જૈનતીર્થનું વર્ણન ભાવકને સહેજે જૈન મંદિરોની સાથે જ અન્ય વિવિધ પ્રખ્યાત મંદિરોનું સ્મરણ કરાવી જાય છે. વાર્તાકારની વર્ણનકળા આ રીતે આસ્વાદ્યતાને પામે છે.
વાર્તામાંની ભાષાશૈલી પણ ઉડીને આંખે વળગે તેવી બની આવી છે. કારણ વાર્તામાં પ્રયોજાયેલ વિવિધ અલંકાર, રૂઢિપ્રયોગો, તળપદી બોલી, સમાસ, દ્રિરુક્તિ શબ્દપ્રયોગ તથા રવાનુકારી શબ્દોનાં વિનિયોગથી વાર્તાની ભાષા જીવંત બની છે. જે ભાવકને વાર્તાના અંતપર્યંત સુધી સાંકળી રાખે છે. વાર્તામાંની આ મધુર ભાષાસૃષ્ટિ કરુણ રસને પણ સહજ વહાવનારી બની રહે છે. વાર્તામાં પ્રયોજાયેલ સજીવારોપણ અલંકારનું વૈવિધ્ય જોઈએ.
‘ઝળહળતી રોશનીમાં ચમકતી-દમકતી સડકો આજે તો મડદાલ ભાસે છે.’ (પૃષ્ઠ-૭૨)
‘મિલમજૂરના કાનમાં નાખેલ અત્તરના પોતામાં મહેકી ઊઠતું આખું શહેર. આજે તો, ગોટમોટ થઈને પડયું હતું.’ (પૃષ્ઠ-૭૨)
‘શહેરની જાહોજલાલીના ખરા ટાણે ઇતિહાસે એકદમ પડખું ફેરવ્યું હતું.’ (પૃષ્ઠ-૭૨)
‘ઉદાસી ખંખેરતા મનોમન બબડ્યો- દલા જા તું ભાડમાં...’ (પૃષ્ઠ-૭૬)
‘ટોળાના ઘોંઘાટમાં મંદિરનો ઘંટારવ ખુલ્લા આકાશને ચીરતો હતો.’ (પૃષ્ઠ-૭૭)
‘એની લાલઘૂમ આંખોમાંથી તણખા ઝરી રહ્યા હતા.’ (પૃષ્ઠ-૭૭)
વાર્તામાં આવતા રૂઢિપ્રયોગોમાં ‘શેક ન રહેવો’, ‘હામ હણાઈ જવી’, ‘ગમ ન પડવી’, ‘ભૂતકાળને ખોતરવું’, ઠરીને ઠીકરું થઈ જવું’, ‘જીવન દોહ્યલું બનવું’, ‘ધરમના ધક્કા પડવા’, ‘પાણીના મોલે વેચાવું’, ‘પાછળ પડી જવું’, ‘કાવતરું રચવું’, ‘રંગે હાથે પકડવું’, ‘હાક વરતાવા લાગવી’, ‘વારી જવું’, ‘મોતિયા મરી જવા’, ‘આભ તૂટી પડવું’, ‘ધૂંઆપૂંઆ થઈ જવું’, ‘વાત વહેતી થવી’, બાર વાગી જવા’ તથા ‘જામી પડવી’ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કહેવતોમાં ‘એક સાંધે ને તેર તૂટે’ જેવી એકાદ કહેવત જોઈ શકાય છે. દ્રિરુક્તિ શબ્દપ્રયોગમાં ‘ચમકતી-દમકતી’, ‘ગોટમોટ’, ‘ટપોટપ’, ‘પીતાં પીતાં’, ‘નાનાં નાનાં’, ‘અટ્ટમસટ્ટમ’, ‘ચહલપહલ’, ‘એકાએક’, ‘તૂટમૂટ’, ‘આજુબાજુ’, ‘હોંશે હોંશે’, ‘દેતાં દેતાં’, ‘ધૂંઆપૂંઆ’, ‘માંડ માંડ’, ભાયાત-બાયાત’ તથા ‘ફડફડાટ’ જેવા શબ્દોનો વિનિયોગ વાર્તામાં આબેહૂબ રીતે થયેલ જોઈ શકાય છે. જ્યારે સમાસ તરીકે વાર્તામાં ‘હાથ-પગ’, ‘મા-બાપ’, ‘ચા-પાણી’, તથા ‘આકાશ-પાતાળ’ જેવા સામાસિક શબ્દો ઓછા પણ વાર્તાની ભાષાશૈલીને વધુ ઉત્કૃષ્ટ બનાવે છે.
પ્રસ્તુત વાર્તાનું શીર્ષક ‘દલો ઉર્ફે દલસિંહ’ યથાર્થ જ ઠરે છે. કારણ વાર્તામાં દલિતનાયક દલાનું બેધારી વ્યક્તિત્વ દલિત-મજૂરવર્ગની કરુણ વેદનામય સ્થિતિને અભિવ્યક્ત કરે છે. દલામાંથી દલસિંહ બનતા દલિતવર્ગ પ્રતિ સવર્ણવર્ગની નિમ્ન માનસિકતા પ્રત્યક્ષ થઈ આવે છે. દલિત હોવાને લઈને દલાએ પોતે સહેવી પડતી મુશ્કેલીઓ અને તેની કરુણ વેદનાને લક્ષમાં રાખીને વાર્તાકારે વાર્તાને આપેલું શીર્ષક ઉચિત બની રહે છે.
ઉપસંહાર :-
‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તા એ દલિત-મજૂરવર્ગની કરુણ વેદનાને ઉજાગર કરતી વાર્તા છે. જે સવર્ણવર્ગની નિમ્ન માનસિકતાને પ્રત્યક્ષ કરે છે. દલિતવર્ગની ઈમાનદારી તથા પ્રામાણિકતાને નેવે મૂકી આભડછેટને પ્રાધાન્ય આપતો સવર્ણ સમાજ વાર્તામાં કરુણગર્ભને પ્રગટ કરે છે. ઓછા પાત્રો, ઓછા સંવાદો, વાર્તાની લાઘવતા, વૈવિધ્યસભર ભાષાશૈલી તથા ટૂંકા વર્ણનોથી વાર્તાનું કલેવર ઘડાયું છે. વાર્તાને અંતે વાર્તાકારે અધ્યાહાર રાખેલી કડી વાર્તાના ગર્ભિત અર્થને પ્રગટ કરે છે. આમ, દલિત સાહિત્ય પ્રવાહમાં ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તા અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે.
સંદર્ભગ્રંથ સૂચિ :-
- ચૌહાણ દલપત અને અન્ય (સં), (૨૦૧૨), સ્વકીય, પ્ર.આ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
- પરમાર મોહન (સં), વિસ્મય, ૨૦૧૬, પ્ર.આ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
- ત્રિવેદી હર્ષદ (સં), (નવેમ્બર-૨૦૦૩), શબ્દસૃષ્ટિ, વર્ષ-૨૦, અંક-૧૧, સળંગ અંક-૨૪૨, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
- ગાંવિત કલ્પના, (મે-૨૦૧૬), દલિત વાર્તાસૃષ્ટિ : સંપાદક મોહન પરમાર, International Journal of Research in Multi Languages , 4 (5), Pp. 16 – 21