ગુજરાતી સાહિત્યમાં પરંપરિત સાહિત્યધારા સાથે ડાયસ્પોરા સાહિત્ય , ગ્રામચેતનાનું સાહિત્ય, નારીવાદી સાહિત્ય, દલિતસાહિત્ય વગેરે જેવી સાહિત્યધારા અસ્તિત્વમાં આવી છે. અહીં દલિત સાહિત્યધારા સંદર્ભે થોડી વાત કરવી છે. સૌ પ્રથમ તો ‘દલિત’ સંજ્ઞાનો અર્થ સમજવો જોઈએ. દલપત ચૌહાણ નોંધે છે, “દલિત સંજ્ઞાનો સીમિત અર્થ સંભવ નથી. તેને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જ જોવો જોઈએ. તેમાં અનુસૂચિત જાતિઓમાં આવતી તમામ અસ્પૃશ્ય જાતિઓ, આદિવાસી જાતિઓ, લઘુમતી કોમ, નારી પીડિત તમામ જાતિઓનો અહીં સમાવેશ કરી શકાય. દેવ, ધર્મ કે દેશને સ્થાને દલિત કવિતામાં માનવી કેન્દ્ર સ્થાને છે. દલિતોનો વિદ્રોહ શોષિતોનો આક્રોશ અને ક્રાંતિકારીઓની પ્રતિબદ્ધતા દલિત કવિતાને પ્રખરતા બક્ષે છે. અનુભૂતીની સબળતા દલિત પક્ષધર કવિઓની આગવી મૂડી છે.” [૧]
દલિત સાહિત્યને પુષ્ટ કરવામાં અનેક સાહિત્યકારોનો ફાળો છે. ચંદુ મહેરિયા, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, નીરવ પટેલ, હરીશ મંગલમ્, ભી.ન.વણકર, યશવંત વાઘેલા, શંકર પેન્ટર, નગીન ડોડીયા, કિસન સોસા, પથિક પરમાર, હરજીવન દાફડા, વગેરે. આ યાદી હજી લંબાવી શકાય. અહીં આપણે શ્રી હરજીવન દાફડાના દલિત – પીડિતની વ્યથાને રજૂ કરતાં કેટલાક દોહાનો આસ્વાદ કરવાનો ઉપક્રમ સેવ્યો છે.
પ્રસિદ્ધિની કામના વગર ખૂણામાં બેસી નિજાનંદ માટે સાહિત્યનુ સર્જન કરતા હરજીવન દાફડાનું નામ લલિત અને દલિત બંને ધારામાં કાવ્યસર્જન કરતા સર્જકોની યાદીમાં અગ્ર સ્થાને મૂકી શકાય એમ છે. આ સર્જક પાસેથી બે કાવ્યસંગ્રહો આપણને મળે છે. એક ‘એકરૂપ’ અને બીજો ‘આ બાજુના સૂરજ આડે’. અહીં બીજા સંગ્રહમાંથી થોડા દુહા લીધા છે. તો ચાલો આ દુહાના કેટલાક રસસ્થાનો માણીએ.
પુરાકાળથી ચાલ્યા આવતા નાત જાતના ભેદ હજી પણ દૂર થયા નથી. માણસ શિક્ષિત તો થયો પણ આ ભેદ હજી મિટાવી શક્યો નથી. આ કારમી પીડાને સર્જક આ રીતે વાચા આપે છે –
‘વાંચ્યા બહુ વિશ્વાસથી સદીઓ ચારે વેદ
પણ આ જાતિભેદ દૂર થયો નહીં દાફડા.’
સમાજના આ વર્ગને મંદિરમાં પણ પ્રવેશ નહિ? આ તે કેવી સમાજવ્યવસ્થા? આપણે આપના સંતાનોમાં પણ આ જ વિષ વારસામાં આપવાનું છે? એક દુહામાં બાળકને કેન્દ્રમાં રાખી આ વાત સરસ વ્યંજનાસભર રીતે કરી છે –
‘મંદિરથી એ માણસો દૂર ઊભા છે કેમ?
બાળકને આ વહેમ દિલમાં ઊઠયો દાફડા.’
દલિત-શોષિત આખી જિંદગી તનતોડ મજૂરી કરી બીજાના મહેલ બાંધે છે. છતાં એના નસીબમાં તો નાની શી ઝૂપડી જ છે –
‘બાંધું મોટા બંગલા પાડીને પ્રસ્વેદ
હું ને મારી ઝૂંપડી કાયમ એના એ જ.’
આખો દિવસ મજૂરી કર્યા પછી પણ ભોજનમાં તો ડુંગળી-રોટલો અને ખીચડી જ મળે છે, છતાં કોઈ ફરિયાદ વગર તે ઘસઘસાટ ઊંઘી જાય છે –
‘દિનભર ડુંગળી રોટલો ખીચડી સાંજે ખાઉં,
સૂવા દે એક ખાટલી ઘસઘસ ઊંઘી જાઉં.’
સમાજના આ વર્ગને જોઇને તેના વિશે કવિતા લખવાવાળા પર સર્જક વેધક પ્રહાર કરે છે. તું માત્ર કવિતા ન લખ ક્યારેક તેની આંતરડી પણ ઠાર. કેવું ચોટદાર આલેખન :
‘કેવળ એને નીરખી કવિતા ના કંડાર,
ક્યારેક તો કંગાળની આંતરડીને ઠાર. ’
આ નાત જાતના ઉત્પાતમાં માણસાઈ કેવી રીતે ખોવાઈ ગઈ છે તેનું બયાન જુઓ –
‘નાત – જાત ને વર્ણનો ઊમટ્યો ઉત્પાત,
જોતાં પણ જડતી નથી માણસ જેવી જાત.’
જયારે કહેવાતા સજ્જન માણસને ગરજ પડે છે ત્યારે દલિત- શોષિતને ગંદી વસાહતમાં પણ શોધવા આવે છે, પરંતુ જયારે ગરજ સરી જાય પછી તો તેના પડછાયાને પણ પોતાનાથી ચાર ગજ દૂર રાખે છે. આ તે કેવી માનવતા ? આ પીડાનું આલેખન જુઓ –
‘ગરજે નીકળે ગોતવા ગંદી વસતી માંય,
છેટી રાખે ચાર ગજ નહીં તો મારી છાંય ’
સર્જક ઈશ્વરને પણ ઠપકો આપે છે. માણસો તો અમને તુચ્છ ગણે છે તો તે અમને તુચ્છ તો બનાવ્યા પણ પૂંછડી શા માટે ન આપી? એ પણ આપી જ દેવી હતી ને..... આમ પણ જાનવર જેવી હાલત તો છે જ ...
‘સુજ્ઞ અહીંના માણસો ગણતા અમને તુચ્છ
તેં પણ હલકી જાત દઈ કાં દીધું નહીં પૂચ્છ.’
સર્જક કહે છે આ વર્ગના લોકો ઉચ્ચશિક્ષણ મેળવીને મોટા સાહેબ બની જાય તો પણ સહકર્મીઓ દ્વારા તેને અપમાન સહન કરવું પડે છે. ભણેલાં ગણેલાં સમાજ-વર્ગમાં પણ આવી અભણ જેવી માનસિકતા ?
‘શુદ્રજનો શિક્ષા લઇ મોટા અફસર થાય,
આદર ઓથે અણગમો સહકર્મીનો ખાય. ’
સર્જક રાજકારણીઓ પર પણ વેધક પ્રહાર કરે છે. મતદાન કરી જેને ચૂંટવામાં આવ્યા છે એ પેટનો ખાડો પૂરાય એટલું અન્ન આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે –
‘હરખાતા હૈયે તને કર્યું મતદાન,
બદલામાં ના દઈ શક્યો પેટ પૂરતું ધાન’
ઉચ્ચ વર્ગ ઘરે પ્રાણીઓ પણ પાળે છે અને માણસને પણ ન મળે એવી સુવિધા આપે છે. અને બીજી બાજુ દલિત – શોષિતથી મોઢું ફેરવી લે છે. આ તે વળી કેવો માણસ ? –
‘પાળે ઘરમાં પ્રાણીઓ રાખે સઘળું ધ્યાન,
માણસથી મુખ ફેરવે એવો કાં ઇન્સાન.’
માણસ –માણસ વચ્ચે જે સેતુ સાધે એ જ સાચો ધર્મ છે. કર્મ જ સાચું છે. કર્મ મુજબ માણસની કિંમત અંકાવી જોઈએ નહિ કે વર્ણથી. એક દોહામાં આ સંદર્ભ આ રીતે આવે છે –
‘કક્ષા આંકે કર્મથી ભાંગે સઘળા ભ્રમ,
માણસમાં શ્રદ્ધા મૂકે એને કહીએ ધર્મ.’
સર્જક આટલી પીડા આલેખ્યા પછી કહે છે કે મારે આ બધું નથી કોઈને કહેવું. પણ શું કરું જે વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે એનો ભાર પણ ઊંચકતો નથી.
‘થાતું કે કહેવું નથી પણ શું કરીએ યાર,
અમથી ઊંચકાતો નથી સદીઓનો આ ભાર ’
આમ, આ પ્રત્યેક દોહામાં સર્જકે દલિત –પીડિતને વર્ષોથી સહેવી પડેલી યાતનાનો કરુણ ચિત્કાર આલેખ્યો છે.
પાદટીપ :
- ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ, લે. દલપત ચૌહાણ, પ્રકાશક: દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ, આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ ૨૦૦૮, પૃ.૧૨
સંદર્ભગ્રંથ
- ‘આ બાજુના સૂરજ આડે’, લે. હરજીવન દાફડા, પ્રકાશક: દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. આવૃત્તિ : પ્ર.આ., ફેબ્રુઆરી, ૨૦૧૫, પૃ.૬૩- ૬૭