ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિકયુગમાં ઉમેશ સોલંકીએ કવિતા, નવલકથા અને રેખાચિત્રોક્ષેત્રે લેખીની ચલાવી છે. જેમાં તેમની પાસેથી ‘ફેરફાર’ (નવલકથા - 2017), ’28 પ્રેમકાવ્યો’ (કાવ્યસંગ્રહ - 2018), ‘ભીતર’ (પદ્યનવલ - 2020), ‘લોકડાઉન’ (કાવ્યસંગ્રહ – 2020), ‘અણસાર’ (કાવ્યસંગ્રહ અને ‘માટી’ રેખાચિત્રો - 2019) જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે.
‘માટી’ માં કુલ નવ રેખાચિત્રો ગ્રંથસ્થ છે. જેમ કે.... ‘અંધારું’, ‘એક કબીરપથિક’, ‘સૂકી માટી-ભીની માટી’, ‘ચાંચકા’ વગેરે.... જેમાં એક-બે ને બાદ કરતાં લેખકે આદિવાસીઓના રેખાચિત્રો આલેખ્યા છે. પરંતુ, પુસ્તકનું પ્રથમ રેખાચિત્ર અભ્યાસ માટે સંઘર્ષ કરતું દલિતપાત્ર ‘શૉન્તુ’નું મૂલ્યાંકન કરવાનો મારો ઉપક્રમ છે.
‘શૉન્તુ’ રેખાચિત્રનું કથાવસ્તુ જોઈએ તો લેખકે શૉન્તુના ત્રણ નામ મુક્યા છે; શાન્તિલાલ, શાન્તુ અને ટીણિયો. આ શાંતુ સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામનો. મર્યાદા, ખૂબી, ગરીબી, ભૂલો, દલિત હોવાને કારણે વેઠતું, પીડાતું, મૂંઝાતું ને એવું ઘણું બધું પ્રગટ-અપ્રગટ કરતું પાત્ર, ઈચ્છા છતાં કુટુંબની જરૂરિયાતો ઓછી. જેમાં કમાવવાનું ને ખાવાનું એટલી કુટુંબની કમાણી. તેના બાપને વ્યસન નહીં એટલે કુટુંબમાં કંકાસ નહીં એટલું સુખ શૉન્તુએ માણ્યું. વડાલીની શારદા હાઇસ્કુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો એ વખતે વડાલીમાં સરકસ આવેલું. જેની ટીકીટ ભરવાના પૈસા પણ તેની પાસે ન હતા. તેના ક્લાસમાં ભણતી કુસુમ પઠાણે દસ રૂપિયા આપેલા જેમાંથી પાંચ રૂપિયા શિક્ષિકાને સરકસની ફી આપેલી અને બીજા પાંચ ઘરમાં વાપરવા આપેલા. આ દસ રૂપિયા કુસુમે રમઝાનનું પુન મળશે એવા ખ્યાલથી શૉન્તુને આપેલા. અગિયારમાં ધોરણમાં તેની હાજરી પડેલી કારણ કે તેનું ઘર પાકું બનતું હતું જેમાં પુરા પરિવારે મજૂરી કરેલી જેની આચાર્યને જાણ થતાં તેને પરીક્ષા આપવા મળેલી. બારમાં ધોરણમાં તેની મા બીમારીના કારણે મૃત્યુ પામી તેના આઘાતમાં ૬૫% સાથે એ પાસ થયો. તેને વાંચવાનો શોખ જોઈને એક મિત્રએ સારા પુસ્તકો કૉલેજમાં વાંચવા મળશે એવી લાલચ આપી તેથી તેણે બી.એ.માં વડાલી આટર્સ કૉલેજમાં ઈતિહાસ સાથે એડમિશન મેળવીને ૨૦૦૩માં ૬૬% સાથે સ્નાતક થયો. જેમાં કૉલેજનાં બીજા વર્ષે પુસ્તકવાંચનનું શ્રેષ્ઠ પ્રમાણપત્ર મળેલું. વિસનગરમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો જેમાં પ્રથમ વર્ષમાં ૫૯% આવ્યા. ૬૦% ન આવતાં તેને સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો. તેથી અપડાઉન કરેલું. મોટાભાઈના ટેકાથી (મદદથી) અચકાતાં તેણે નિયમિત કૉલેજ છોડીને માર્કેટમાં રૂપિયા ભરવાનું શરૂ કર્યું ને દિવસમાં ૨૫૦ રૂપિયા કમાવા લાગ્યો અને અંતે ૫૮.૩૭%થી તે અનુસ્નાતક થયો. ખર્ચના અભાવે એમ.ફિલ. ન કર્યું ને એક વર્ષના અંતરાલ પછી વિસનગરથી બી.એડ્. કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અનેક મુશ્કેલીઓ અને મિત્રો તથા શિક્ષકોની આર્થિક મદદથી બી.એડ્. ૭૬% સાથે પૂર્ણ કર્યું. શૉન્તુએ નોકરી માટેના પ્રયત્નો છોડી દીધા કારણ કે સેલ્ફ-ફાઇનાન્સ બી.એડ્. કૉલેજોના વિદ્યાર્થીઓનું મેરીટ ઊંચુ હોય જેમાં શૉન્તુ ટકી શકે એમ ન હતો. તેથી તેણે રસ્તો બદલીને કમ્પ્યુટર પર હાથ અજમાવ્યો. વિજયનગરની પી.જી.ડી.સી. ટેકનિકલ કૉલેજમાં પી.જી.ડી.સી.માં પ્રવેશ મેળવવાનો આરંભ કર્યો. પ્રવેશની આશાએ શૉન્તુ દોઢ મહીનો અવર-જવર કરે છે. છેલ્લે તે અવર-જવર બંધ કરીને મજૂરીએ વળગે છે. પછી મોટાભાઈ સાથે કપડાંનો નાનકડો ધંધો પણ કરે છે. અંબાજી ચાલતાં જતાં મિત્ર શશીકાન્ત મળે છે તે કહે છે કે..., “શૉન્તિલાલ, ઘણા વિદ્યાર્થીઓ હમજણ નીં પડવાના કારણે ફી પાસી લઈન્ જતા રિયા સ, એટલઅ્ વિદ્યાર્થીની ઘટ પડવાના લીધે તનઅ્ પ્રવેશ મલી જહે” (સંવાદ ; પૃ. 13). તેથી શૉન્તુ વિજયનગર પી.જી.ડી.સી. કૉલેજમાં જાય છે અને પ્રવેશ મેળવે છે. પ્રથમ સેમેસ્ટરની ઈન્ટરનલમાં તે નાપાસ થાય છે. પરંતુ, ફાઇનલ પરીક્ષામાં ૫૦% સાથે તે પાસ થાય છે. પરંતુ શૉન્તુને માર્કશીટ મળતી નથી કારણ કે તેને બીજા સેમેસ્ટરની ફી ભરી ન હતી. તેણે કારકુનની મદદ લીધી હતી જેમાં શરત હતી કે સ્કૉલરશીપમાંથી કાપી લેવા એમાંય ચેક વટાવવા માટે વિજયનગરની દેના બેન્કનું ખાતું હોવું જોઈએ. તેનું ખાતું બરોડા બેન્કમાં છે અને નવું દેના બેન્કનું ખાતું ખોલાવવાના તેની પાસે પૈસા ન હતા. તેથી તેની સ્કોલરશીપ પેન્ડિંગ રહે છે અને માર્કશીટ મળતી નથી. તેને ઈન્ટરવ્યું માટેનો કોલલેટર આવે છે પણ માર્કશીટ ન હોવાથી તે જતો નથી. અંત તરફ જતાં ઈડરની નવી ખુલેલી સેલ્ફફાઈનાન્સ આઈ.ટી.આઈ.માં ૨૫૦૦ના માસિક વેતન પર શૉન્તુ નોકરી કરે છે. જેમાં એક મહિનામાં અસર પ્રમાણપત્ર બતાવવાની શરતે પરંતુ મહનના ઉપરનો સમય થાય છે પણ માર્કશીટ મળતી નથી. તેથી તેને સમાજ કલ્યાણ ખાતામાં તપાસ કરતાં સ્કૉલરશીપ કૉલેજમાં મોકલી દીધી એવી જાણ થાય છે. તે કૉલેજમાં જઈને કારકુનને મળે છે. કારકુન તેને કહે છે કે ફોન કરીને એકાઉન્ટ નંબર આપી દેજે. તેથી તે દિવાળી ને બેસતા વર્ષ વચ્ચે આવેલાં પડતર દિવસે કારકૂનને ફોન કરે છે.., “તેમણે કીધું કઅ્ કઈ બેન્કમંઅ્ ખાતું સ, મેં કીધું બરોડા બેન્કમંઅ્, તો તેમણે કીધું કઅ્ દેના બેન્કમંઅ્ ખાતું ખોલાવાય !” (સંવાદ-પૃ. 17)
પાત્રનિરૂપણ તરફ જોઈએ તો, શૉન્તુના પાત્રનું આલેખન કરતાં લેખકની વર્ણનશક્તિ વિશેષનીય ખીલી ઊઠી છે. તેમણે સાદી અને સરળ ભાષા થકી તેનો સરસ પરિચય આપ્યો છે જેમાં તેના ત્રણ નામ, શાન્તિલાલ, શાન્તુ અને ટીણિયો. જેના સર્જકની શૉન્તુના પાત્રની વર્ણન કરતી વર્ણનશક્તિ જોઈએ તો..., “શાંતુ સાબરકાંઠા જિલલાના વડાલી ગામનો, ને લોકબોલી પ્રમાણે ત્યાં શૉન્તુ, એટલે આપણે પણ એને શૉન્તુ કહીશું. શૉન્તુ ગજબનું પાત્ર. ગજબ એટલે વિલક્ષણ, અનેરું, પ્રસિદ્ધ વગેરે વિશેષણવાળું નહીં, પણ મર્યાદા, ખૂલી, ગરીબી, ભૂલો, દલિત હોવાને કારણે વેઠતું, પીડાતું, મુંઝાતું ને ઘણું બધું પ્રગટ-અપ્રગટ કરતું પાત્ર. ક્યારેક તો એવું લાગે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી, તો ક્યારેક લાગે કે સામાન્ય માણસમાં જેટલું કલ્પી શકાય એટલાથી ભર્યું ભર્યું માત્ર અસ્તિત્વવાળું પાત્ર” (પૃ. 1). આ ઉપરાંત શૉન્તુની સાથે સંકળાયેલ તેના માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો અને શિક્ષકોનો ઉલ્લેખ જોવા મળે છે.
સાડા સોળ પૃષ્ઠમાં આલેખાયેલ રેખાચિત્રની ભાષાશૈલી જોઈએ તો મુળ ગુજરાતી શીષ્ટ ભાષામાં રેખાચિત્ર આલેખાયેલ છે. પરંતુ, ક્યાંક ક્યાંક પાત્રને અનુકૂળતા સાંધવા સર્જકે લોક-બોલીનું નિરૂપણ કર્યું છે, જે સર્જકની વિશેષતા છે. અહીં જોવા મળતી લોક-બોલી જોઈએ તો...,
“બેન, મારા બાપા હાલમઅ્ બીમાર સ, ન મારી મધર જીનમ્ કૉમે જાય સ. ઈના પગારની વાર સ એકઅ્ હાલ પૈસા મલ ઈમ નથી.” (પૃ. 3)
“ગૉમમંઅ્ રેતા એક પૂજારીન્ પૂસ્યું. પૃજારીએ કીધું ક્અ મું તમનઅ્ ખાવાનું બનાઈ આલું, પણ એક ડિશના પચ્ચી રૂપિયા લયે. પુજારીના તોં અમે મિત્રોએ ચાર દાડા ખાધેલું. મેં બે ઘડા અપ્પા (ઉપવાસ) કરેલો, ચમ કઅ્ મું બે દાડા અપ્પા કરું તો પચ્ચી દુના બે એકઅ્ પચા રૂપિયા બચે” (પૃ. 8)
મનુષ્યનું જીવન સંઘર્ષથી ભારોભાર ભરેલું હોય છે. સંઘર્ષ વિના જીવન શક્ય જ નથી, તેથી શૉન્તુએ અભ્યાસ માટે કરેલો સંઘર્ષ અને તેમાં જોવા મળતી કરુણતા (કરુણરસ) જોઈએ તો..., સરકસની ટિકીટના પૈસા ન આપવાનું કારણ શિક્ષીકાએ પ્રેમથી પૂછ્યું ત્યારે શૉન્તુએ કરૂણ જવાબ આપેલો કે, “બેન, મારા બાપા હાલમઅ્ બીમાર સ, ન મારી મધર જીનમ્ કૉમે જાય સ. ઈના પગારની વાર સ એકઅ્ હાલ પૈસા મલ ઈન નથી.” (પૃ. 3). અગીયારમાં ધોરણમાં એકબાજુ પાકું ઘર બનતું હતું જેમાં કડિયાને મદદ કરવી પડી (મજુરી કરી) તો બીજી બાજું શાળામાં તેની ગેરહાજરી પડતી હતી. બન્ને બાજુ અટવાયેલો શૉન્તુ જોવા મળે છે. ધોરણ બારમાં તેણે માની છત્રછાયા ગુમાવી તો વળી બી.એડ્.ના અભ્યાસ વખતે તેના પિતા ગૂજરી ગયા. છતાં પણ તે હાર ન માનતાં બી.એડ્.નો અભ્યાસ તેના મિત્રો અને શિક્ષકો પાસેથી આર્થિક મદદ લઈને અભ્યાસ પૂર્ણ કરેલો જેમ કે...., “ઈન્ટરશિપ અને સાક્ષરતા અભિયાન માટે શૉન્તુને દસ દિવસ માટે વિસનગર તાલુકાના બોકરવાડા ને ભાન્ડુ ગામે જવાનું થયું... ત્યારે.... કૉલેજમાં સેવા આપતા મહેન્દ્રસિંહ ઠાકોર પાસેથી 300 રૂપિયા ઉછીના લીધા” (પૃ. 8). પૈસા બચાવવા તેણે બે દિવસ ઉપવાસ કરેલા જેમ કે..., “મેં બે દાડા અપ્પા (ઉપવાસ) કરેલો, ચમ કમ્ મું બે દાડા અપ્પા કરું તો પચ્ચી દુના બેકઅ્ પચા રૂપિયા બચે.” (પૃ. 9). શૉન્તુએ પચાસ રૂપિયા બચાવ્યા પરંતુ પાંચ દિવસ બોકરવાડાથી ભાન્ડુની અવરજવર વગર છૂટતે ન હતો. રોજનું ભાડુ દસ રૂપિયા થતું તેથી તેણે ફરી મહેન્દ્રસિંહ પાસેથી બીજા ૨૦૦ રૂપિયા લેવા પડ્યા. ભાન્ડુમાં બે દાડા પૈસા આપ્યા વગર ખાધેલું જેમાં મિત્રો સાથે જમીને છાનો નીકળી જતો છતાં પણ... “સ્કૉલરશિપ આયહે તાણઅ્ પૈસા આલી દયે’ના વાયદે કૉલેજના અધ્યાપક એચ.કે. પટેલ પાસેથી ૫૦૦ રૂપિયા શૉન્તુને ઊછીના લેવા પડ્યાં.” (પૃ. 10). આમ, આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને બી.એડ્.નો એ અભ્યાસ પુરો કરે છે. આ અભ્યાસના સંઘર્ષમાં તેની કરૂણતા પણ જોવા મળે છે. તદ્ઉપરાંત શૉન્તુને દેના બેન્કનું ખાતું ન હોવાથી પી.જી.ડી.સી.ના અભ્યાસની સ્કૉલરશીપ પેન્ડિંગ રહે છે અને આ સ્કૉલરશીપ ન મળતાં તેની ફી બાકી હોવાથી પી.જી.ડીસી.ની માર્કશીટ મળતી નથી. માર્કશીટ ન મળવાથી તે કોલલેટર આવેલો હોવા છતાં ઈન્ટરવ્યું આપવા જતો નથી. ને અંતે તે ઓછા પગારમાં માર્કશીટ મહીનામાં જમાં કરાવવાની શરતે ઈડરની નવી ખુલેલી સેલ્ફફાઈનાન્સ આઈ.ટી.આઈ.માં નોકરી કરે છે. આમ ઉપર મુજબ જોઈ શકાય કે શૉન્તુ અભ્યાસ માટે સંઘર્ષ કરતો બતાવ્યો છે. આવું વિરલ પાત્ર સર્જકની સર્જન શક્તિને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે.
આમ, સર્જકે શૉન્તુના રેખાચિત્ર થકી દલિત સમાજના વિદ્યાર્થીઓને તથા અન્ય સમાજના વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપતું પાત્ર નિરૂપ્યું છે. જેમાં સંવાદ, વર્ણન, રસ સંઘર્ષ અને ભાશાશૈલી થકી રેખાચિત્રને અલગ જ ઘાટ આપ્યો છે. જે પ્રસંસનીય છે. તદ્ઉપરાંત સારા શિક્ષકો પણ હોંશિયાર વિદ્યાર્થીને આલગ લઈ જવામાં ભેદ-ભાવ વગર મદદ કરે છે તેનું પણ આ રેખાચિત્ર ઉદાહરણ પુરું પાડે છે.
સંદર્ભગ્રંથ
- ‘માટી’ (રેખાચિત્રો) – ઉમેશ સોલંકી, પ્રકાશક : નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચ, મુદ્રક : કેવલ ઑફસેટ, રવિ એસ્ટેટ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : 2019, મૂલ્ય : 75.