અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો આરંભ કેટલાકને અણધાર્યો અને આકસ્મિક લાગે છે.એક ચોક્કસ દ્રષ્ટિકોણ અને એક ચોક્કસ ખ્યાલ સાથે હાડોહાડ સચ્ચાઈથી રચાયેલ દલિત સાહિત્યએ પોતાની ગૌરવભરી અમીટ છાપ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત કરી છે.ગુજરાતી દલિત સાહિત્યકારોમાં મહત્વનાં સર્જક તરીકે દલપત ચૌહાણનું નામ ગણનાપાત્ર છે.તેમની ‘મલક’(૧૯૯૧) લઘુનવલ તેના વિષયવસ્તુ અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ દલિત જીવનના હિજરતીઓના મનહ્રદયની સંવેદનાને આલેખતી ઉતમ વીતકકથા છે.તેમની અન્ય નવલકથાઓ જેવી કે ‘ગીધ’(૨૦૦૧),‘ભળભાંખળું’(૨૦૦૪) અને ‘રાશવા સૂરજ’(૨૦૧૨) પણ સવર્ણોના અત્યાચારોના ભોગ બનેલા દલિત સમાજની યાતના,પીડાઓને આલેખે છે.
દલપત ચૌહાણની ૧૬ પ્રકરણમાં વિસ્તરેલી ‘મલક’ લઘુનવલ એક દલિત પુરુષના પરિણીત સવર્ણ સ્ત્રી સાથેના સંબંધ અને સંબંધમાંથી ઊભા થતા તણાવ અને અંતે દલિતોને કરવી પડતી હિજરતની વીતકકથા છે.આ મુખ્ય ઘટના સાથે ભગતની મહાદેવના દર્શનની તાલાવેલી,માનસંગ સામેનું ધીંગાણું,ગોકળના ભત્રીજાની ઊંટ પર જાન કાઢવાનો પ્રસંગ,સાંઢને નાથતા ભગાનો પ્રસંગ વગેરે પણ એટલા જ મહત્વનાં છે.
પ્રથમ પ્રકરણમાં પોતાના ભૂતકાળને યાદ કરી અને ભવિષ્ય વિશે વિચારતા છગનની ઘટના રોચક રીતે વર્ણવી છે.આખી લઘુનવલની ઘટનાનું હાર્દ પ્રથમ પ્રકરણના આ અંશમાં છે,
“એય...દિયોર ગોદડ હોમળાના સોકરાની વઉનો સંગ કર્યો.નઅ વેરીઓએ ઉચાળા ભરાવા ખેલ માંડ્યો.નઅ હાહરી હંતોકડી રાંડ..એનઅ ભગલા વના કોઈ જણ નજર મઅ ઠર્યો નઈ?”(પૃ.૧૧)
બીજા પ્રકરણમાં અચાનક વણકર વાસમાં ઘર પર રાત્રે પથરા પડવા માંડે છે એટલે છગન ગામના ઉતાર એવા અનારજી ઠાકોરને મળે છે.જેનાથી આખું ગામ નહી પરગામ પણ થથરે છે.અનારજીને આ ઘટના વિશે જણાવ્યાંના બીજા દિવસથી પથરા બંધ થઈ જાય છે.બીજી વખત જ્યારે છગન અનારજીને મળવા જાય છે ત્યારે અનારજી ભગાને સંતોકથી દૂર રાખવાની ધમકી આપે છે.છગન ભગાને મળી આ વાત કરે છે એટલે ભગો આટલું વર્ષ પુરું કરી અને નારસંગના ખેતરમાંથી છૂટા થઈ જવાનું કહે છે પણ હજું છ-સાત મહિના બાકી હોવાથી બધાયને કઈક નવાજુની થશે એવો ડર રહે છે.
ત્રીજા પ્રકરણમાં સવર્ણો બદલો લેશે એ વાત આખા વણકર વાસમાં ફેલાય છે.એટલે આખો વાસ ગામ છોડી ઘરવખરી લઈને રાતોરાત નીકળી પડે છે.રમણ સવર્ણો સામે લડી લેવાના મૂડમાં હોય છે પણ ગોકળની સમજાવટથી તે પણ ગામ છોડે છે.આ જ પ્રકરણમાં આ મુખ્ય ઘટના સાથે હરિના દીકરાની જાન ઊંટ પર લઈ ગયા હતા તે ઘટના આવે છે.ફરીથી મુખ્ય ઘટના તરફ વળતા વાસ સાથે ગામ છોડતાં ગોકળની વેદના વાચકને હચમચાવી મૂકે છે.
“માંડી, તારે આસરે બવ રયા, તેં ખૂબ ખૂબ આલ્યું,હેત આલ્યું, માયામાં આ કાંઠુ બંધાણુ ! તારો ખોળો ખાલી કરવો પડે સઅ,અમનઅ માફ કરજે માડી. બીજું હું કવ? આંયના દાંણોપાંણી ખૂટ્યાં! નકર ઓમ રાત માથે ના લેવી પડઅ!”(પૃ.૫૧).
ચોથા પ્રકરણમાં દલિત હરિના છોકરાના લગ્નમાં ઊંટ લઈને ગયેલા મગન રાવળના ઊંટનુ અચાનક કૂવામાં પડી જવું કે પાડી નાખવાની ઘટનાનું વર્ણન છે.આ ઘટના સવર્ણોના દલિતો પ્રત્યેના ભેદભાવ,ઈર્ષા અને વેરવૃતિનું ચિત્રણ રજૂ કરે છે.તો સાથે મનિયાના ઘરમાં થઈને ડર સાથે રાતોરાત ગામ છોડીને જતાં દલિતોની મુખ્ય ઘટનાં કથાપ્રવાહને આગળ ધપાવે છે.
પાંચમાં પ્રકરણમાં વાસ સાથે ગામ છોડીને જતાં ગોકળ અને તેની પત્ની હેમીની વાતો વાચકના મનને પકડી રાખે છે.ત્યાં જ રતનમા દ્વારા કરવામાં આવતી મશ્કરી હેમીને ક્ષોભમાં મૂકી દે છે.આ સાથે જ બીજી એક ઘટના આવે છે,માનસંગ દ્વારા ગોકળની પત્ની હેમી પર નાખવામાં આવેલી બુરી નજરનો બદલો લેવાનું ગોકળ નક્કી કરે છે.એના બદલા રૂપે ગોકળ માનસંગની ચારસો મણ બાજરીની ઓઘલીઓમાં આગ મૂકી દે છે.ત્યારે આ વાત જાણી ગામનાં ઘણાં લોકો ખુશ થાય છે પણ માનસંગની કાંપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ જાય છે.
છઠ્ઠા પ્રકરણમાં ભગતના ભૂતકાળને વર્ણવવામાં આવ્યો છે.નદીની રેતમાં કાંઠે બેસેલા ભગત વિચારે ચડે છે તેમને શિવીની ઘટના અને મહાદેવના દર્શન કરવાની થયેલી તાલાવેલીથી ઊભી થતી પરિસ્થિતિ નજર સમક્ષ આવે છે.એટલે ભગતની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રેતના કિલ્લાની જેમ ખરવા માંડે છે.ભગવાનને જોવાની ઈચ્છાથી મંદિરના પગથિયાં સુધી પહોંચેલા ભગતને ચંદુજી ઠાકોર મંદિર અભડાવી નાંખ્યું એમ કહી ઢોર માર મારી તેમને અધમુઆ કરી નાખે છે.આ એ જ ચંદુજી ઠાકોર હોય છે જેના છોકરા જીવણિયાને એરુ કરડે છે ત્યારે ચરામાંથી છેક ગોગની દેરી સુધી ભગત લઈને આવે છે અને એનો જીવ બચાવ્યો હોય છે.ત્યારે ચંદુજી દ્રારા રડતાં રડતાં દર્શવામાં આવેલ સ્નેહ એને યાદ આવે છે.સાતમાં પ્રકરણમાં આ ઘટનાના પડઘા ગામમાં પડતા મુખીના આદેશથી અધમુઆ ભગતને લાકડી પર બેસાડી અને ચોરામાં લાવવામાં આવે છે.ત્યાં મુખી ભગતને ધમકાવે છે.રમણ સહન ન કરી શકતાં મુખીની સામે થાય છે એટલે સમય પારખું મુખી થોડા ઢીલા પડે છે અને ભગતને એક મણ જાર પારેવાને નાખવાની અને મંદિરની ટેકરી ફરતે થૂવેરની વાડ કરી આપવાનો દંડ કરે છે.આ આખીય ઘટનાથી ભગતની ભગવાન તરફની શ્રદ્ધા ટુટે છે અને હાક થઉં કરી જાણે ભગવાનને થૂંકી નાખે છે.
આઠમાં પ્રકરણમાં ભૂતકાળને યાદ કરતાં મનાની વેદનાને વાચા આપી છે.તેના પિતા કરશન અને બહેન સૂરજનું મોત આજે પણ એક રહસ્ય રહી તેના મનને અંદરથી સતત કોરી ખાય છે.માસંગભાના ખેતરમાં જીરું નેદવા ગયેલી સૂરજ સાંજે ઘરે આવવા નીકળે છે અને રસ્તેથી અચાનક જ ગૂમ થાય છે.તેની લાશ ચોથા દિવસે તળાવમાં તરતી દેખાય છે.નવમાં પ્રકરણમાં આ જ ઘટનાને આગળ ધપાવતા મનાના પિતા કરશનનું મોત પણ તેની બહેન સૂરજની જેમ થાય છે.સૂતર ખરીદવા નીકળેલો કરશન સાંજે ઘરે આવતો નથી.પરિવાર તેમની બે-ત્રણ દિવસ સુધી રાહ જુએ છે.છતાં કરશન ઘરે આવતો નથી એટલે તેને ખોળવા માટે દરેક જગ્યાઓ ખૂંદી વળે છે પણ તેની ભાળ મળતી નથી.ગામ લોકો કહે છે કરશન અતિશ્રદ્રાળુ હોવાથી સાધુઓ ભેળો નીકળી ગયો હશે પણ મનાની મા રાજી આ વાતને માનવા તૈયાર નથી.ત્યાર પછી એક દિવસ વજેસંગભાને નવી સાંકળ ખરીદતા જોઈ રાજીને આશ્વર્ય થાય છે.બે-ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડવાથી નદી,તળાવ સુકાવા લાગે છે.પાણીની શોધમાં નીકળેલી રાજી તળાવમાં મોટા પથ્થર પર બાંધવામાં આવેલી સાંકળને જોઇ તેને ખેંચીને બહાર કાઢે છે.તેની સાથે એક સડી ગયેલ કાપડનો ટુકડો બહાર આવે છે. ટુકડાને જોતા જ રાજી ચીસ પાડી ઉઠે છે અને કહે છે,
“હત્ તારું નખ્ખોદ જાય ભાયના દિયોર;આ તૈણ રૂપિયા માટઅ મનઅ રંડાપો આલ્યો...!”(પૃ.૧૦૩)
પતિના મોતને તો દશ-બાર વર્ષ સુધી વેઠ્યું પણ સુરજના મોતનો ભાર ન જીરવી શકતી રાજીનું પણ થોડાક દિવસની બિમારી પછી મોત થાય છે.એટલે ત્રણ રૂપિયા,સાંકળ અને વજેસંગનો તાળો આજે પણ મનાને માટે એક રહસ્ય જ છે.તેની સાથે જ મુખ્ય ઘટનાને જોડતા સવર્ણો વેર લેવાની વૃતિથી વણકર વાંસના ઝુંપડાઓમા આગ લગાવે છે.
દસમાં પ્રકરણમાં માસંગજી સાથે જૂની અદાવતનો બદલો લેવા માટે રમણ અને જીવો લાગ લઈ દારૂના નશામાં ભાન ભૂલી ગયેલા માસંગજીને ઢોર માર મારે છે. પછી ત્યાંથી બંન્ને યુક્તિ પૂર્વક કપડાં ફાડી સીધા જ ઠાકોરવાસમાં જઈ માસંગજીના ઘરના આગળ પોક મુકે છે અને આખા ઠાકોરવાસમાં દારૂના નશામાં માસંગજીએ અમને માર્યા એવી વાત વહેતી મૂકે છે.
અગિયારમાં પ્રકરણમાં હેમરાજની ભેંસ મર્યાની ઘટના આવે છે.ફતા માસી પાસેથી હેમરાજે લાવેલી ભેંસ આફરો ચડવાથી મરી જાય છે.ભેંસને ઉછેળવા માટે ભીખો તેની પત્ની અને વાંસના આઠ-દસ લોકો જાય છે.બીજા દિવસે સવારે આખાં વાસમાં ઘરે ઘરે માંસ ચૂલા પર ચડે છે.માત્ર હેમાના ઘરનો ચૂલો ઠંડો પડ્યો હોય છે કેમ કે હેમો સેનમા જાતિનો હોવાથી તેનો માંસમા ભાગ પડતો નથી. જીવો તેના છોકરાને એક તાંસળામાં માંસ આપી હેમાને ઘરે આપવા મોકલે છે ત્યાં રસ્તામાં ઠોકર લાગતાં તાંસળુ નીચે પડે છે.ઢોળાઈ ગયેલું માંસ તાંસળામાં ભરતા સમડી તેના છોકરાં પર હુમલો કરે છે એટલે તેનો હાથ લોહીલુહાણ થાય છે.માંસ તો હેમાને ઘરે પહોંચે છે પણ જીવાને તેના છોકરાંને દસ દિવસ સુધી તેના હાથે ખવરાવવું પડે છે.
બારમાં પ્રકરણમાં આગળ બની ગયેલ માસંગજી વાળી ઘટના ફરીથી આવે છે.ત્રણચાર મહિને સાજો થઈ ગયેલ માસંગજી હવે જીવા પર વેર વાળે છે.મુખીના ફઈના ઘરે કેરી લઈને જતા જીવાને રસ્તામાં પગમાં બે વખત કાતોર(લાકડાનું દોઢ હાથ લાંબુ વાંકુ ધોકું) મારે છે.જીવો રાંડ પાડી ઉઠે છે,તેનો પગ સોજાઈ જાય છે.દુઃખ સહન ન થવાથી તેના આંખમાંથી પાણી નીકળી જાય છે.જેહલાની મદદથી તેને ઘર સુધી લઈ જવામાં આવે છે.આ ઘટના સવર્ણો અને દલિતોનું એકબીજા પ્રત્યેની ઈર્ષા,વેરઝેરની નીતિનું આલેખન કરે છે.
પ્રકરણ તેરમાં ભગાનું નવા રેલ્લાઓ વડે ગોદડભાનું ખેતર ખેડવું,ભડકેલા રેલ્લાઓને ભગા દ્વારા કાબૂમાં કરવાં અને ગોદડાભાના દિકરા હઠાની વહુ સંતોક અને ભગાની પ્રથમ વખત મુલાકાત જેવી કૃતિની મુખ્ય ઘટના આવે છે.પ્રકરણ ચૌદમાં ગોદડાભાના ખેતરમાં બાજરી વાઢતો જીવો ભગાને તેના સંતોક સાથેના સંબંધની આખાં ગામમાં ફરતી થયેલી વાત કરી મશ્કરી કરે છે.તો સાથે જ એકબીજાનો હાથ પકડી મેળામાં ફરતાં ભગા અને સંતોકનું વર્ણન,ભગા દ્વારા સંતોકને બંગડીઓ પહેરાવવી વગેરે ઘટનાંઓ કથાનું કેન્દ્રબિંદુ છે.પ્રકરણ પંદરમાં ભગા અને સંતોકની વાત સવર્ણોને ખબર પડતાં તેમનાં દ્વારા આખાં વાસ સાથે બદલો લેવાની વાત આવે છે.
અંતિમ પ્રકરણ સોળમાં દલિત યુવક સાથેનાં સવર્ણ યુવતીનાં સંબંધનો સ્વીકાર ન કરી શકતો ઉજળીયાત વર્ગ વેર લે છે અને ડરથી ગામ છોડી નવો મલક શોધવા નીકળેલા દલિતોની વેદના વ્યક્ત થાય છે.કૃતિનાં અંતમાં આવતો પોતાના મન સાથે ગોકળનો સંવાદ ખરેખર વાચકની મનસ્થિતિને હચમચાવી મૂકે છે.
“આ બધા ઓમ તો ભરમંડ ફોડી પાણી કાઢી લાવઅ; પણ મલક તો લોકનો, મનેખનો ! અમે...અમે ચ્યાં મનેખ સીએ? અમે ઘણુંય કિયે કે મનેખ સીએ, પણ ગણઅ કુણ? હાહરા બધ્ધા ગજ વેરી સઅ ! ચ્યમ કરીએ, કાંઈ હૂજ પડતી નહીં. ચ્યમ કરી વેઠાય...આ વેઠ-વારા-ઢોર ખેંચવાં, વણવું, નાગા રઈનઅ લોકનઅ લૂગડાં પેરાબ્બાં !”(પૃ.૧૭૯)
આખી કૃતિના કેન્દ્રમાં કોઈ ખાસ પાત્રને મૂકી શકાય તેમ નથી.લેખક પોતે જ કૃતિની પ્રસ્તાવનામાં નોંધે છે કે, “મારી કથાનો કોઈ નાયક નથી,હિજરત મારો પ્રચ્છન્ન નાયક છે.” છતાં કૃતિની મુખ્ય ઘટનાના કેન્દ્રમાં આવતા બે પાત્રો ભગા અને સંતોકને કથાનું હાર્દ કહી શકાય.તો સાથે જ અન્ય પુરુષ પાત્રો ગોકળ,જીવો,છગન,રમણ,મુખી,અનારજી ઠાકોર,ભીમો,માનસંગ,ગોદડ વગેરે પણ મુખ્ય ઘટનાને ભૂતકાળની ઘટનાંઓ સાથે જોડી કથાપ્રવાહને આગળ ધપાવે છે.તો કૃતિમાં આવતા સ્ત્રી પાત્રો શીવી,રાજી,સૂરજ,સંતોક વગેરે પણ મહત્વનાં છે.અહીં ખલનાયક તરીકે કોઈ ચોક્કસ વ્યક્તિ નથી પણ સમૂહ-માનસ છે.મુખી અને અનારજી જેવાં સવર્ણ પાત્રો ઉજળીયાતોનું પ્રતિનિધિત્વ કરે છે તો ગોકળ અને છગન જેવાં પાત્રો દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે.રમણનું પાત્ર સવર્ણોનાં અત્યાચાર વિરુદ્ધમાં બાથ ભીડાવતું સાહસિક પાત્ર તરીકે ઉપસી આવે છે.ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતાં ભગતનું પાત્ર વેદનાઓથી ભરેલું છે.નિયતિ કરતાંય દલિત પાત્રોને માનવીય સમાજની કરુણતાનો ભોગ વધું બનવું પડ્યું છે.
કૃતિની ભાષા ઉતર ગુજરાતની પટ્ટણી બોલીની છે. જેમાં તળપદી ભાષા સાથે જરુર જણાય ત્યાં કહેવતો, રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ થયો છે. પટ્ટણી બોલીથી ઉતર ગુજરાતનું જનપદ જાણે ખીલી ઉઠેલું દેખાય છે. કૃતિમાં સમાવિષ્ટ ભાષાના કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ,
- “લ્યાં, આંયકણથી ઊઠો નઅ; ખાટલામઅ પડો; જોવ..આઘા ખહો, આંય ડોળા ફાડીનઅ હું જુવો સો?”(પૃ.૮)
- “આ દળવાનું ચ્યાં નાહી જવાનું સઅ?”(પૃ.૯)
- “દિયોર છગનીયા, ડોઢું ના બોલ હોં...નક્કર અડબોથ મેલે કઅ...!”(પૃ.૧૬)
- “હાહરી હંતોકડીનય ભેગી ભેગી કાઢો નઅ” (પૃ.૩૦)
- “આ આપણો હરિ સઅ. એના નેનાને પૈણવાનો સઅ નઅ જાન પાંચ ગઉ દૂર લેઈ જવાની સઅ!”(પૃ.૩૫)
- “ના તાણઅ ઝખ મારવા આયો સું; લે હેડ ચ્યાંક બીજા કોકનું ના હળગઅ?”(પૃ.૬૭)
- “લે હારું કર્યું, અજી રાવણું અસે નઈ, એ દિયોર ઢેંચીનઅ તડકામઅ નેંહરઅ નઈ,હા...!”(પૃ.૧૧૭)
ર્ઉપરાંત કૃતિમાં આવતી કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો જોઈએ તો કટલું, તલપ, સલાડી, ધતૂરી, બેટી ચલ્લાક, કોલમોર વગેરે.. “કબૂતર પેસે તો કૂવો વંઠે ને ભગતડૂં પેસે તો ઘર વંઠે” (પૃ.૧૪) “લોઢું લોઢાનઅ કાપે”(પૃ.૨૨) વગેરે જેવી કહેવતો કૃતિની આગવી અસર ઉપજાવે છે.
‘મલક’ નવલકથામાં આવતાં સંવાદો અને તેમાં જોવા મળતો સંઘર્ષ વાચકને કૃતિ સાથે જકડી રાખે છે.આ સંઘર્ષ ઉજળીયાતોની જોહુકમી, ઈર્ષા, વેર-વૃતિને ન સહી શકતાં રમણ જેવા દલિત યુવાનના સંવાદોમાં વધું જોવા મળે છે.સંઘર્ષનું તત્વ ગોકળ અને રમણનાં આ સંવાદમા જોવા મળે છે,
“હાળાં ઓજાં અનઅ કોળાં દિયોર બવ ફાટ્યાં સઅ,આજ તો વારો સઅ લેતી જા,કઅ આલતી જા!ઈન્ની બુન્નહુ..એ હું હમજસઅ દિયોર!” રમણ બોલતો રહ્યો.
“અમઅ તું સોનો રઈસ રમણિયા!” ગોકળે રમણને કહ્યું.
મુ તો સોનો રઈ જ્યો,બસ ઢે..એકલાં જ ગનો કરઅ સ ચ્યમ નઈ;ન્યાય કરવો હોય તો, લડઈ થવા દો, ખબેર પડસે નિયાય ચેવો સઅ!”(પૃ.૩૧)
આમ, કૃતિમાં આવા સંઘર્ષ ભર્યા સંવાદો અનેક જગ્યાએ જોવા મળે છે,જે સાબિત કરી આપે છે કે સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો પણ આવે છે. આ કૃતિ આઝાદી પૂર્વે સવર્ણો દ્રારા હરિજન સમાજ પર થયેલાં ધાર્મિક,સામાજિક અને આર્થિક શોષણની પીડાને દર્શાવે છે.રૂઢિચુસ્તતાનો સડો સવર્ણોમાં એવો ઘર કરી ગયો છે કે તેઓ દલિત યુવતી પર નજર બગાડી શકે કે સંબંધ બાંધી શકે પણ દલિત યુવાન સવર્ણ સ્ત્રી સાથે સંબંધ બાંધે તો એમને મંજુર નથી.જે ભૂમિમાં જન્મ થયો હોય,મોટાં થયાં હોય તે ભૂમિને રાતોરાત એક માણસની ભૂલના લીધે આખા વાસને તેનું પરિણામ ભોગવવું પડે,છોડીને નવાં મલકની શોધમાં નીકળવું પડે તેની વેદનાને ખરેખર લેખક આ કૃતિ દ્વારા વાચાં આપવામાં સફળ થયાં છે.
આમ, દલપત ચૌહાણની લઘુનવલ ‘મલક’ હિજરતની મુખ્ય ઘટનાને કેન્દ્રમાં રાખીને મનેખને મનખ ન ગણતી વ્યવસ્થા વચ્ચે પણ ‘આપણું કરમ જ ભૂંડૂં પણ આથ મજબૂત સઅ’ની મનુષ્યતાકાતને તટસ્થ સાક્ષીભાવે પ્રગટ કરતી દલિત ગુજરાતી સાહિત્યની ઉતમ લઘુનવલ છે. ‘મલક’ તેની અભિવ્યક્તિની દ્રષ્ટિએ સફળ છે,તેની રચનારીતિ આધુનિક છે,તેના પ્રારંભમાં જ તેનો અંત સૂચક છે,જ્યારે અંત પ્રારંભનું વિસ્ફોટકબિન્દુ સૂચવે છે.
‘મલક’ સંદર્ભે ડો. રમેશચંદ્ર પરમાર દ્રારા તેમનાં ‘કલંકિત કુમ્હેર’ પુસ્તકમાં લખવામાં આવેલ એક શેર સાથે વિરમું છું,
જુલ્મ સહના છોડ દે,મત માંગ ઉનસે ભીખ,
કોલર પકડ ઉનકા નહીં તો જોર જોર સે ચીખ.
સંદર્ભસૂચિ:
- મલક, દલપત ચોહાણ, પુનર્મુદ્રણ આ. ૨૦૦૭, હર્ષ પ્રકાશન, અમદાવાદ
- ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૮(ખંડ:૨), પ્રથમ આ. ૨૦૧૮, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- દલપત ચૌહાણ: વ્યક્તિત્વ અને વાડ્મય, પ્રસ્તુત કર્તા: પ્રા. રમેશભાઈ એચ. સોનારા, માર્ગદર્શક: ડો.અમૃત પી. પટેલ, હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, શોધગંગા