પિનડ્રોપ સાઇલન્સ હતી. બાળકો રસતરબોળ હતાં. મારી સમજશક્તિ વાપરીને હું સુંદરમરચિત ‘બાનો
ફોટોગ્રાફ’ કાવ્ય સમજાવતો હતો.
નીલ મને બેધ્યાન કરી રહ્યો હતો. એણે આગલી બેન્ચ પર બેઠેલ છોકરાના શર્ટ પર પેનથી લીટા કર્યા. થોડી
વારે બાજુમાં બેઠેલ છોકરાને ઠોંસો માર્યો. નોટબુકમાંથી ચરર પાનું ફાડ્યું. ડોળા ચકળ – વકળ કર્યાં. ધડામ કરતું પુસ્તક
નીચે નાંખ્યું. વર્ગની શાંતિ ભંગ થઇ.
નીલના આવા વર્તનને મેં બે – ત્રણ વાર માફ કરી દીધું હતું.
મેં ધડાધડ બે ઝાપટો નીલના ગાલ પર વળગાડી દીધી. પંજાના સોળ ઊઠી આવ્યા. હું મૂડલેસ થઇ ગયો.
શાળાએથી મેં એને ઘરે રવાના કરી દીધો.
ઘેર આવ્યો ત્યારે નીલ બાનો ફોટોગ્રાફ લઇ ઊંઘી ગયો હતો. દફતર પથારી પર એક બાજુએ ફેંકાયેલું પડ્યું
હતું. ચહેરા પર કેટલાક આંસુઓ વિખરાઇ ગયા હતાં.
ભારે હૃદયે મેં હળવેકથી એની બાનો ફોટોગ્રાફ ઊંચકી લીધો – ને એણે મને. મેં હળવેથી નીલને બચી ભરી
લીધી.