Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Dalit Literature
‘ઇચ્છાવર’ નવલકથામાં અસ્પૃશ્યતારૂપ સામાજિક કલંકનું નિરૂપણ
ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ મેળવનાર સર્જક રધુવીર ચૌધરીનું ગુજરાતી નવલકથાક્ષેત્રે ઇયત્તા અને ગુણવત્તા ઉભયની રીતે માતબર પ્રદાન છે. કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, વિવેચન,સંપાદન વગેરે સ્વરૂપોમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ‘ઉપરવાસ’ કથાત્રયીથી વિશેષ ખ્યાત બનેલા સર્જક રઘુવીર ચૌધરીએ ગ્રામીણ જીવનનું નિરૂપણ કરતી અનેકવિધ નવલકથાઓ આપી છે. તેમની દરેક નવલકથાનો આગવો અભિગમ રહ્યો છે. કોઈ ને કોઈ વિચારના તંતુ સાથે તેમની નવલકથા આગળ વધે છે. સર્જક રઘુવીર ચૌધરી એ વિશે નોંધે: “ઉચાટ કહો કે વિચાર કહો, મારી પ્રાદેશિક નવલકથાઓમાંથી એ બાદ થઈ શકે તેમ નથી. અંગ્રેજી વિવેચનમાં ‘નૉવેલ ઑફ આઇડિયા’ અને ‘રિજયોનલ નૉવેલ’- વિચારપ્રધાન નવલકથા અને પ્રાદેશિક નવલકથા એ બે નોખાં સ્વરૂપ લેખાયાં છે. હું એમને સાવ જુદાં રાખી શક્યો નથી, આંચલિક- જાનપદી વાતાવરણની માયા વધુ હોવા છતાં માત્ર એક અંચલને પાત્રરૂપે પ્રત્યક્ષ કરવાનું રહી જાય છે.” (‘લોકલીલા’ પૃ.૪) તેમની ‘ઇચ્છાવર’ નવલકથા નવમા દાયકાની ગણનાપાત્ર કૃતિઓમાંની એક છે. આ જાનપદી નવલકથામાં માણસા આસપાસના ગ્રામીણ જનજીવનું કથાવસ્તુ છે. તેમાં નાતજાતના ભેદભાવ વિનાના એક આદર્શ ગામની કલ્પના- વિચાર છે. મંદિર સામે માનવતાના વિજયની વાત છે.

આ નવલકથા ગ્રામજીવન-સમાજને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. દલિતો અને સવર્ણો વચ્ચે ઊંચનીચના ભેદભાવ, બંને વચ્ચેના સંઘર્ષો, સવર્ણો દ્વારા દલિતો પ્રત્યે થતો આભડછેડ- અસ્પૃશ્યતાનો અમાનવીય વ્યવહાર, અન્યાય, અનાચાર વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સારંગની નજીકનાં માનપુર, વડસર ગામની વચ્ચે જ સમગ્ર નવલકથા વિકાસ વિસ્તાર પામી છે. મુખ્યત્વે માનપુર ગામને કેન્દ્રમાં રાખીને ત્યાંની પ્રજામાં જોવા મળતા છૂત- અછૂતના ભેદભાવો, માન્યતાઓ આ નવલકથાના કથાવસ્તુ સાથે ગૂંથાઈને આવે છે. આ આ ભેદભાવનો પ્રશ્ન એકલા માનપુરનો જ નથી, આખી દુનિયાનો છે. ડો. રાજેશ પંડયા કહે છે: “જેમ કાળી પ્રજાની ગુલામીએ અમેરિકન ઈતિહાસનું તેમ દલિત જાતિની યાતનાઓ એ ભારતીય ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે. સાંસ્કૃતિક ઈતિહાસકારો એની અવગણના કરી શકે નહીં.” કોઈને કોઈ પ્રકારે માણસ માણસ વચ્ચે ભેદ પ્રવર્તે છે. સર્જક રઘુવીર ચૌધરી આ નવલકથાને પ્રારંભે ‘કમુની પસંદગીનું ગામ’માં કહે છે: “આ કંઈ સુધારક તરીકેનો પ્રચારનો પ્રશ્ન નથી. એમાં સફળ થવામાં તો આપણે અડધી સદી પાછળ પડી ગયા છીએ. મારા માટે આ એક માનવીય અનિવાર્યતા છે: અન્ય વ્યક્તિને નીચ (કે ઊંચ) ન માનતાં એના માનવીય ગૌરવને સ્વીકારીને એની સાથે કામ પાડવું.” (ઇચ્છાવર પૃ.3) લેખક આ નવલકથામાં જૂના વર્ણકુસંસ્કારથી મુક્ત ઉત્તમ ગામની રચના મગનના પાત્ર દ્વારા સિદ્ધ કરી છે. મંગળ સુધારવાદી નહીં પરંતુ માનવતાવાદી શિક્ષિત યુવાન તરીકે ઊભરે છે. આભડછેડનો મુદ્દો આ નવલકથામાં છે પરંતુ ધીરેન્દ્ર મહેતા નોંધે છે તે પ્રમાણે “અસ્પૃશ્યતાનો મુદ્દો અહીં સામાજિક પ્રશ્નરૂપે નિરૂપણવિષય બન્યો નથી, એટલે કે અહીં વલણ સુધારાવાદી પ્રચારકનું નથી. એના સંબંધોમાં અને સહજ વ્યવહારોમાં એની જીવનદૃષ્ટિ કે એની પ્રામાણિક માન્યતારૂપે એ વ્યક્ત થયા કરે છે.. અસ્પૃશ્યતાનો ખ્યાલ એક માણસ તરીકે એના વિચારતંત્ર અને સંવેદનતંત્રને વિક્ષિપ્ત કરે છે. માતાપિતા અને પત્ની સાથેના સંબંધોમાં પણ અંતરાય ઊભો કરે છે.” (ઇચ્છાવર પૃ.૭) આમ, નવલકથામાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન ગામડામાં વસતી જુદીજુદી કોમોના લોકો વચ્ચેના સંબંધોમાં અને સહજ વ્યવહારોમાં સદીઓથી વણાઈ ગયો છે. તેનું કથાના ભાગરૂપે સહજ સરળ નિરૂપણ થયું છે.

આ નવલકથામાં દલિતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, તેમનું જાતીય, આર્થિક, ધાર્મિક અને રાજકીય શોષણ, સ્વમાનભંગ અને સામાજિક જડતા- અમાનવીયતા વગરે સંવેદનો- અનુભૂતિ રૂપે દલિતચેતના અભિવ્યક્ત પામી છે. સાહિત્ય, શિક્ષણ અને સરકારી કાયદાઓના લીધે દલિતો પ્રત્યે દેખીતો વ્યવહાર બદલાયો છે. પરંતુ હકીકતમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ આજેય સંપૂર્ણ દૂર થયા નથી. જે ભારતીય સમાજની ન ગમતી વાસ્તવિકતા છે. આ નવલકથામાં અસ્પૃશ્યતા અંતર્ગત નાનાવિધ ભાવ-વિભાવનું નિરૂપણ થયું છે તે ઉદાહરણ સાથે જોઈએ. આ નવલકથામાં માણસ માણસ વચ્ચેના નાતજાતના ભેદભાવની ઊભી થતી દીવાલ મંદિર અને તેની તિરાડના પ્રતીક રૂપે આલેખાઈ છે. મંદિરના મહંત ચતુર ગોસાંઈ જાહેરમાં કહેવાતા અસ્પૃશ્યોથી છેટા રહેનાર ખાનગીમાં દલિત યુવતી પૂનમનું શારીરિક શોષણ કરે છે. સમાજમાં જોવા મળતા આવા પાખંડી અને આડંબરી લોકોને સર્જકે ચતુર ગોસાંઈના પાત્ર દ્વારા ખુલ્લા પાડ્યા છે. આ નવલકથામાં ચતુર ગોસાઈના વ્યવહારમાં આભડછેટનો વર્તન વ્યવહાર ડગલેને પગલે જોવા મળે છે. જેમ કે, જાહેરમાં પૂનમના હાથનું પાણી ન પીવું, મંગળ પૂનમ પાસે પાણી મંગાવે ત્યારે ખુદ ઊભા થઈ પાણી લઈ આવવું, ઊંચા હાથે પ્રસાદ આપવો, મંદિરની પડાળીમાં દાખલ ન થવા દેવી, પૂનમનો ભાઈ તીકમ મંગળના ઘરે મોરીયામાં પાણી લાવે છે તો તે ન પીવું, મંદિરના ગર્ભગૃહમાં દલિતોને પ્રવેશ ન આપવો, પથ્થરથી ઘાયલ વીકાને પાટાપીંડી માટે પાંચની નોટ તીકમના હાથમાં ઊંચેથી નાખવી, દલિત યુવક જગુને ગામ બહાર કાઢવા પશાભાઈને ખોટી રીતે સાથ આપવો વગેરે પ્રસંગોમાં ચતુર ગોસાંઈનો દંભી- પાખંડી ચહેરો ખુલ્લો પડી જાય છે.

આ નવલકથાનું બીજું ખલ પાત્ર છે ગામના મુખી- સરપંચ નાનુભાઈ. તે ચતુર ગોસાંઈ ઉર્ફ બાપજી ઉર્ફ મહંતશ્રીના સારાખોટા તમામ કામોમાં ડાબા હાથ સમાન છે. નાનુભાઈ મંગળના પિતા રામભાઈના સગા ભાઈ છે પરંતુ બન્ને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. રામભાઈ અને રઈમાનો દલિત પ્રત્યેનો વ્યવહાર માનવતાથી ભર્યો ભર્યો છે. જયારે નાનુકાકા ચતુર ગોસાંઈના મેળાપીપણામાં પોતાના બદઈરાદા પાર પાડે છે. ખેતરમાં મજૂરી અર્થે આવતી દલિત સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે છે. તેમના ખેતરે કોઈ દલિત સ્ત્રી સ્વેછાએ ખેતમજૂરી અર્થે આવવવા તૈયાર નથી, બીજે મજૂરી ન મળતાં ન છૂટકે જ તૈયાર થાય છે. લંપટ નાનુકાકા ‘મંગળે ઘરની રકાબીમાં હરિજન મજૂરોને ચા આપવા માંડી’ તેની સાથે ઝઘડો કરી મા સરખી ગાળો આપી. કાયમ શાંત રહેતો મંગળ આ સહન કરી શકતો નથી. તે દાતરડું લઈ નાનુકાકને મારવા જાય છે. “કાકો થયો છે તો શું થયું, આજ તો તારું માથું જ ફોડી નાખું. પેલી જવાન વિધવાને ઘૂવામાં ઘસડી જતાં આભડછેટ નડતી નથી.” (ઇચ્છાવર પૃ.૧૪) પૂમન અને બીજા મજૂરો વચ્ચે પડી મંગળને શાંત કરે છે. નાનુકાકા મંગળના ત્યાં મજૂરીએ આવતા તીકમ પ્રત્યે પણ તિરસ્કારયુક્ત વ્યવહાર કરે છે. પરંતુ ચૂંટણીમાં વોટ માટે તેમનો દલિતો પ્રત્યેનો વ્યવહાર સુધરી જાય છે.

ચતુર ગોસાંઈની પહેલાં દાસી અને પછી ધર્મપત્ની બનતી દીપાના વર્તન-વ્યવહારમાં અસ્પૃશ્યતારૂપ સામાજિક કલંકનું નિરૂપણ થયેલ છે. જેમ કે, મંદિરમાં જમણવાર વખતે, પૂનમનો દિકરો વીકો મંદિરની વાડીમાંથી ચીકુ તોડવા પ્રયત્ન કરે છે તો દીપા તેને પથ્થર મારી ઇજા પહોંચાડે છે. માનપુરની પ્રાથમિક શાળામાં ઉચ્ચ ટકાવારીને કારણે વીકાનું સ્થાન પ્રથમ હરોળમાં દીપા સહન કરી શકતી નથી, તેને ધમકાવીને ઊઠાડી મૂકે છે. પોતાના તરફથી બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં પણ દીપા ભેદભાવ દાખવે છે. મંદિર તરફથી યોજાતા ઉત્સવમાં કે ભોજન સમારંભમાં તેનો વ્યવહાર દલિતો પ્રત્યે ભેદભાવપૂર્ણ અને અમાનવીય છે.

મંગળની પત્ની કમુના વ્યવહારમાં મોટાઈ અને દલિત કોમના લોકો પ્રત્યે આભડછેડનું વર્તન અને તોછડો વ્યવહાર દેખાય છે. જેમ કે, સાસુ રઈમા ખેતરમાં મજૂરોને ઘરની રકાબીમાં ચા આપે છે તે જોઈને કમુ કહે છે: “તમારે ત્યાં તો બધું ભેળસેળ થઈ ગયું લાગે છે! તમે આવી કોઈ મજૂરણ સાથે લગ્ન કેમ ન કર્યું?.... હલકી વરણમાં અમે તો કદી વિશ્વાસ ન મૂકીએ.” (ઇચ્છાવર પૃ.૨૯) ગામ હોય કે શહેર પુરુષ હોય કે સ્ત્રી દરેકમાં આ ભેદભાવ પડેલા હોય છે. અસ્પૃશ્યતારૂપ સામાજિક કલંકનું ઝેર વારસામાં જ ઘરપરિવારમાંથી કમુને મળ્યું છે. એટલે જ અસ્પૃશ્યતાનો વ્યવહાર બીજા મનુષ્ય સાથે ન કરવો જોઈએ એમ સમજતી કમુ જયારે બી.એ.માં પ્રથમ વર્ગ સાથે પાસ થયી ત્યારે અભિનંદન આપવા માટે આવેલા બાબુ અને વીકાને મંગળની હાજરીમાં ટેવ વશ ઊંચા હાથે પેંડા આપે છે અને “જાઓ, ઉપડો” એમ તિરસ્કારપૂર્વક કહે છે. આવા અવિનયી વ્યવહારથી દુ:ખી મંગળને ખુલાસો આપતાં કમુ કહે છે: “આમ તો હુંય ઊંચનીચના ભેદભાવમાં માનતી નથી; પણ કાયમની ટેવને કારણે એમ થઈ ગયું અને જો ભાભી જુએ કે હું અડીને એ લોકોને પેંડા આપું તો એ પેંડા ભરેલી આખી થાળી જ ફેંકાવી દે.” (‘ઇચ્છાવર’ પૃ.૭૫) કમુની આ વાતથી ખ્યાલ આવે છે કે આ આભડછેટનું ઝેર કેટલું વ્યાપ્ત છે. અસ્પૃશ્યતારૂપ સામાજિક કલંકના મૂળ એટલા ઊંડા છે કે આજના યુગમાં પણ તે નિર્મૂળ કરી શકાયા નથી. તે દેશ અને દુનિયાની કમનસીબી અને નાલેશી જ છે.

સર્જક રઘુવીર ચૌધરીએ નેતાઓમાં વ્યાપ્ત છૂઆછૂતના ભેદભાવને પણ ખૂલ્લો પાડ્યો છે. નવા ગરનાળાના ઉદઘાટન પ્રસંગે હાજર રહેલા બાંધકામખાતાના પ્રધાનશ્રી જે પછાત વર્ગના ઉત્કર્ષમાં રસ લેનાર આગેવાન તરીકે જાણીતા છે. પરંતુ તીકમ અને બીજા બધાનો આગ્રહ અને પૂરતી સ્વાગતની તૈયારી હોવા છતાં સમયના અભાવનું બહાનું કરી ખિજડીયાવાસમાં જતા નથી. વડસરના ડમાળી હોય કે માનપુરના નાનુકાકા કે પશાભાઈ એ બધા આગેવાનો જાહેરમાં સુફિયાણી વાતો કરે છે પરંતુ ખાનગીમાં તો આ ભેદભાવને પોષક જ છે. તેમનો દંભી ચહેરો લેખકે અહીં ચીતરી બતાવ્યો છે. પોતાની દીકરી સાથે પ્રેમસંબંધ બાંધનાર દલિત યુવક જગુને પશાભાઈ ગામ છોડીને ભાગવા માટે મજબૂર કરે છે. તેમ ગામમાં ફરી જગુ ન આવે તે માટે શક્ય એટલા કાવાદાવા કરે છે. બદલો લેવા ગામની દલિત સ્ત્રીઓનું અપહરણ કરી મુંબઈમાં વેચી નાખવાનું કાવતરું પણ ઘડે છે. વીકા જેવા નિર્દોષ દલિત યુવકને ચોરી કેસમાં ફસાવે છે.

ગામના અન્ય લોકો દ્વારા થતો આભડછેટનો અમાનુષી વ્યવહાર પણ સર્જકે નિરૂપ્યો છે. જેમ કે, પૂનમનો પતિ બાબુ શહેરમાં રહી કડિયાકામ શીખેલો પરંતુ દલિત હોવાથી તેને ગામમાં કડિયાકામ મળતું નથી. મંદિરમાં જમણવાર વખતે દલિતોને બધા કહેવાતા સવર્ણો જમી રહે પછી છેલ્લે વધેલું ઘટેલું જમવા માટે આપવું, બધાથી અલગ જમવા બેસાડવા, જમવાનું ઊંચેથી નાખવું, વગેરે. અસ્પૃશ્યતાના આવા સર્વવ્યાપક બની ચૂકેલા સામાજિક દૂષણનું કથામાં વિવિધ રીતે નિરૂપણ થયું છે.

આ નવલકથામાં સર્જક મનવધર્મના પુરસ્કૃતા રહ્યા છે. જેમ કે, મંગળના આ નવલકથામાં તીકમને ઉદ્દેશીને મંગળ કહે છે: “હું માણસમાં માનું છું. માણસ પહેલો, ભગવાન પણ એમાં પછી.” (ઇચ્છાવર પૃ.૬૩) કે પૂનમ એક વાર મંગળને પૂછે છે: “મંગળ ભૈ, બધા માટે આટલી ભલાઈ ચેમ કરીન જાગી?” ત્યારે મંગળ જે જવાબ આપે છે તે “ આ ભલાઈનો સવાલ જ નથી બેન ! ઊંચનીચના ભેદમાં માનવું એ અજ્ઞાન છે. તેમજ દુનિયાના અભણ અને પછાત લોકોમાં જ આ કુરિવાજ હતો. બીજેથી એ પહેલો દૂર થયો. આપણાં ગામડાં હજી જૂના જીર્ણ કુસંસ્કારોમાંથી બહાર આવતાં નથી.” (‘ઇચ્છાવર’ પૃ.૨૧) મંગળના પાત્રની પડછે સર્જકની ગાંધીવાદી વિચારસરણીના દર્શન થાય છે. લેખક આ નવલકથાના આરંભે નોંધે છે: “ સંગઠિત ધર્મો પણ સમાજનિષ્ઠ બને, સહન કરતા માણસના પક્ષકાર બને તો માથા પર, નહીં તો જાય ભૂતકાળમાં.” આ નવલકથાનો નાયક મંગળ ગામમાંથી ભેદભાવ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તેની શરૂઆત ઘરથી જ કરે છે. પિતા રામભાઈ કે કાકા નાનુભાઈ કે પત્ની કમુ દલિતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે તો એ ચલાવી લેતો નથી. પહેલાં ઘર સુધારી પછી ગામ સુધારવા નીકળે છે. માનવ તરીકે દરેક જણ સ્વમાનભેર જીવતાં હોવાં જોઈએ અને સમાન હક્કો ભોગવતાં હોવાં જોઈએ એમ મંગળ ઇચ્છે છે. તે દિશામાં મંગળ પ્રયાસ કરે છે તેમાં ઘણા અંશે સફળ થાય છે. સામાજિક સમરસતાના ઇચ્છુક સર્જક નવલકથાને અંતે પાખંડી ચતુર ગોસાંઈનું સ્થળાંર અને સવર્ણો- દલિતો સાથે મળી મંદિરના ટેકરે ભજન કરતાં દર્શાવે છે.

સંદર્ભ ગ્રંથ:
  1. ‘ઇચ્છાવર’: રઘુવીર ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ: ૨૦૧૮
  2. ‘ગુજરાતી દલિત સાહિત્ય: પાદુર્ભાવ અને પ્રાગટ્ય’: દિલીપકુમાર ચાવડા, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ
  3. ‘રઘુવીર ચૌધરીની સાહિત્યયાત્રા’: મુનિકુમાર પંડ્યા, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૯
  4. ‘લોકલીલા’: રઘુવીર ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૬
ડો. બિપિન ચૌધરી, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કોલેજ, બેચરાજી, જિ.મહેસાણા, મો.9428168797, ઈમેલ: bipinchudhry617@gmail.com