દલિત સંવેદનાનું નિરૂપણ કરતી કવિતા, વાર્તા, નવલકથા, નાટક અને આત્મકથા જેવા માતબર સ્વરૂપોમાં દલિત સામયિકો, દલિત સર્જકો અને દલિત કર્મશીલોએ સાહિત્યસર્જન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે દલિત સાહિત્યનું મૂળ તો ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા છે. દલિત સાહિત્યનો આરંભ ગુજરાતી સાહિત્યક્ષેત્રે બહું જૂનો નથી. પરંતુ પાછલા પગલે જોવા જઈએ તો ખ્યાલ આવે કે તેમની પીડાનો ઇતિહાસ બહુ જૂનો છે. દલિત સાહિત્યનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ થયો તે પહેલાં પણ ગુજરાતી સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાતું જ હતું. દલિત સાહિત્યના પ્રવેશથી એમાં એક નવી કડી ઉમેરાય છે. ગુજરાતી દલિત સાહિત્યનો આરંભ સમયની માંગને અનુસરીને થયો છે. ૧૯૭૫ની આસપાસ દલિતો પર અત્યાચારો વધ્યા ને એવી ઘટનાઓ ઘટી જે દલિતોના હદયને હચમચાવનારી બની રહી.
ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને દલિત સાહિત્યમાં પ્રવૃત્ત દલપત ચૌહાણનું સર્જકત્વ કથા-સાહિત્યમાં વધુ ખીલ્યું છે. શરૂઆતમાં વાર્તા તરફ વળેલા લેખકને પોતાની વાર્તામાં પોતાનો સમાજ વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યો. દલપત ચૌહાણે નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, વિવેચન, સંશોધન સંપાદન જેવા સ્વરૂપોમાં પોતાની કલમ નિખાલસતાથી ચલાવી છે. અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા તેમની કૃતિઓને સન્માનિત કરવામાં પણ આવી છે.
'ગીધ' ૧૯૯૯ માં પ્રકાશિત થયેલી દલપત ચૌહાણની તળપ્રદેશની દલિત નવલકથા છે. આ નવલકથાનું સર્જન લેખકે ૨૨ પ્રકરણોમાં કર્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આ નવલકથા બહુ લાંબી નથી. કથાવસ્તુમાં જઈએ તો અહીં સર્જકે બધું જ ઓછા બનાવોનો સહારો લઈને આલેખ્યું છે. આખી કથા ભલાભાની સ્મૃતિ થકી ઉઘડે છે. જ્યારે કથાની શરૂઆત થાય છે ત્યારે જ ભલાભાની નજર સામે વર્ષો પહેલાનું દલિત વાસનું ચિત્ર નજર સામે આવે છે. જોઈએ...
"રામપીરની દેરી હજીય એવી ને એવી જ હતી, પરંતુ મિયોરવાસ આખો બદલાય ગયો હતો. પહેલા જ્યાં સાવ માટીના ઘર હતા ત્યાં હવે ઈંટોના મકાન ઉભા હતા." (પૃષ્ઠ:૬)
"આ ઘર હીરાનું, આ વિરાનું,પેલું ઈંટેરી મોહનનું, બે લેનો વચ્ચે ખાસી બધી જગ્યા. કાળો, હિરજી, રણછોડ બધાયના નવા ઘર.નેઅ પેલ્લું સેવાડાનું પોતાનું....હૉમાં ઘર મારા વસ્તારના જ સઅ." (પૃષ્ઠ-૬)
ને આ બધાની વચ્ચે આખી કથામાં વગર વાંકે કુટાઈ મરેલા કે મારી નાખેલા ઈસાનું જીવતર આલેખાયું છે.
'મલક' ની જેમ સર્જકે અહીં પરંપરિત ઢાંચાથી સહેજ નવો ચીલો પાડીને આખી વાર્તાને ભલાભાની સ્મૃતિમાંથી ઉઘડતી ક્રિયાઓ કે પ્રતિક્રિયાઓ મારફત રજૂ કરી છે. અહીં આલેખાયેલો દલિત સમાજ ભૂતકાળ-વર્તમાન અને વળી પાછો ભૂતકાળ એ રીતે અનોખી રચનારીતિ લઈને આવે છે.
અહીં કથાનાયક તરીકે ઇસાની પસંદગી લેખકે કરી છે. પણ ઈસાની વેદના કે વ્યથાના સાક્ષી રહેલા ભલાભાના કથાવસ્તુમાં નવલકથાકારે પીઠ ઝબકારની પ્રયુક્તિનો આશરો લીધો છે. નવલકથાની શરૂઆતમાં સર્જક આપણને ભલાભાની પાસે લઈ જાય છે. ભલાભાના માધ્યમથી કે તેમની સ્મૃતિમાંથી જ ભાવક ઈસા સુધી પહોંચી શકે છે. ઘેમર અને વાલીનો દીકરો ઇસો માવજીભાને ત્યાં મસારો કરી દેવું ભરાય જવાની ગણતરીએ માવજીભાને ત્યાં જ જીવતર ગાળે છે. ઇસો મને છે કે પોતે ભલો અને માવજીભાના ખેતર ભલા. માવજીભાની દીકરી દિવાળી ઇસા સામે લટકા કરે છે ને તે પણ ચાહે છે કે ઇસો પણ તેને સામો એવો જ પ્રત્યુત્તર આપે. પણ ઓછીયાળા જીવતરમાં બિચારો બની જતો ઇસો દિવાળીની મારકણી આંખોથી હંમેશા બચીને રહેવાની જ કોશિશ કરે છે. જો કે દિવાળી તો શનોજી સાથે પણ લટુરિયા કરી લેતી.
દિવાળી ફાલીમાં અને માવજીભાની દિકરી છે. પોતે સવર્ણ સમાજમાં જન્મી હોવાથી તેમની માં વારંવાર તેમને ઈસાથી દૂર રહેવા કહે છે. તેઓ કહે છે કે :" એ તો ઢે... ગણાય આપણાથી એમને ના અડાય. ને જો આપણે એમને અડી જઈએ તો અભડાઈ જઈએ." પણ દિવાળી આ બધામાં માનતી નથી. ફાલીમાંનું વ્યક્તિત્વ લેખકે બધાને મોં પર જ સંભળાવનારી સ્ત્રી તરીકેનું આલેખ્યું છે. જ્યારે દિવાળીનો સસરો હેમરાજ આવીને દિવાળીને આણે મોકલવાની વાત કરે છે ત્યારે મુંજાયેલા માવજીભાને ઉગારવા માટે ફાલીમા 'હાટા-પેટા' ના કરાયેલા સગપણને યાદ કરાવે છે. અને હેમરાજને પણ હવે લાવજીની વહુનું આણું મોકલી આપવું એમની વાત કરે છે. શરૂઆતના પ્રકરણોમાં ઈસાનું વ્યક્તિત્વ આછા લસરકે આલેખાયા પછી લેખક આપણને મિયોર સમાજ પાસે લઈ જાય છે. તે સમાજનો વ્યવસાય, તેમની રહેણીકરણી આ બધું લેખકે વિસ્તારથી આલેખ્યું છે. ભેંસ તણવાની-ચીરવાની, રાંધવાની, ખાવાની વાત... ને ખાસ તો આ પ્રસંગે લોકોમાં રહેલો ઉત્સાહ પણ આલેખ્યો છે. ખુશાલ નારસંગની ભેંસ ઉલેચવા જતો ઈસો, રણછોડ તથા બીજા યુવાનો, મિયોરવાસના લોકોની ગીધાનુભૂતિ વગેરે કથા-વાર્તાનો ખાસ્સો ભાગ રોકે છે. ક્યારેક ભાવકને સુગ પણ અનુભવાય એવી રીતે વર્ણનો થયા છે.
આગળ વધતી કથામાં ઈસા અને દિવાળીની વાત જ્યારે ગામમાં ફેલાય છે ત્યારે માવજીભાની ઊંઘ હરામ થઇ જાય છે. એક દાડે સુરજ આથમવા ટાણે દિવાળીને બાજરીવાળા ખેતરમાં શોધતો માવજીભા ઈસાને તે બાજુથી આવતી જુએ છે. અને ત્યારે તેમને ગામમાં સાંભળેલી વાત સાચી લાગે છે. અને તેમના બંને દીકરાસહિત તેઓ ઈસા પર તૂટી પડે છે. ઈસાને ખૂબ માર પડે છે. અધમુઆ થયેલા ઈસાને માવજીભા, વેલજી અને લવજી પૂળા તળે ઢાંકી અડધી રાત્રે વગડામાં નાખી આવે છે. વહેલી સવારે રણછોડ ત્યાં ઈસાને જોઈ જતા તેને વાસમાં લાવે છે. ભાનમાં આવતાની સાથે જ ઇસો ઘેમરને બધી જ સત્યઘટના કહી દે છે. તેમ છતાં પોતે દલિત હોવાના લીધે ઈસાનો પરિવાર મોન સેવી લે છે. અને ગામમાં એવી વાત ફેલાય છે કે ઈસાનો પગ કોઈ દેવના કુંડાળામાં પડ્યો છે. માવજીભા બીકના માર્યા પૈસા પાછા માંગવા કે ઈસાની ખબર પૂછવા પણ આવતા નથી. એક દિવસ શનોજી મોકો જોઈને ઈસાને મળવા આવી પહોંચે છે. પછીની ઘટનામાં ઈસાના વાસની માતાજીની રમણ, દિવાળીનું આણું, મનોરજી દ્વારા વેઠ કરીને ઈસાને છેતરીને લય જતા વાલીના મનમાં થતી શંકા, ભલાજીનું વ્યક્તિત્વ, ધુળો, ભાંભી જેવા પાત્રો દ્વારા આગળ વધતી કથામાં ગામડાનું નગ્નવાસ્તવ આલેખાયું છે.
'ગીધ' નવલકથાની રચનારીતિ જોઈએ તો લેખકે અહીં શરૂઆતમાં આવતું ભલાભાનું પાત્ર નવલકથામાં વચ્ચે તો ક્યાંય દેખાતું ન નથી. છેલ્લા ત્રણ કે ચાર પ્રકરણોમાં એ પાત્ર વળી પાછું આપણી સામે આવે છે. છેલ્લું પ્રકરણ કે કથાનો અંત ભલાભામાં જ પરિવર્તિત થઈ જતો જણાય છે.
માવજીભાને ત્યાં મસારી રહેલા ઇસા અને દિવાળી વચ્ચે સંબંધ બંધાય ના બંધાય ત્યાં જ શનોજીના કુકર્મના ભોગે ઈસાને માર ખાવો પડે છે. દિવાળી સાથેનાં તેમના સંબંધો-પ્રસંગોની વચ્ચે પણ ઈસાનું મનોમંથન આપણી સમક્ષ અનુભવાય છે. એકબાજુ દિવાળીના લટકા સામે પીગળી જતું ઈસાનું મન તો બીજી બાજુ મિયોરવાસના લોકોની આપદાઓનો વિચાર કરતો ઇસો મક્કમતાથી દિવાળીથી દુર ભાગે છે. લેખકે અહીં ઘણાબધા પ્રસંગોને બે વાર આલેખ્યા છે. જેમકે હેમરાજ અને માવજીભા ખેતરે આવીને વાત કરે છે અને એ જ પ્રસંગ વળી પાછો બીજીવાર પણ આલેખાય છે. ભેંસ ધસરડવા જવાનો પ્રસંગ પણ બે વાર આલેખાઈ છે. પહેલીવાર વિસ્તારથી આલેખાયો છે જ્યારે બીજીવાર સર્જક બહુ લપમાં પડતા નથી. ઈસાના પાત્રને સર્જક સુપેરે પ્રગટાવ્યુ છે.
કથાનાયિકા કહી શકાય એવું પાત્ર અહીં દિવાળી છે. જે માવજીભાની દીકરી છે. અત્યારે તે ભરયુવાનીમાં છે. પરંતુ માવજીભા અને ફૂલીમા દીકરીનું આણું મોકલતા નથી. તેથી સ્વભાવે રંગીલી-મારકણી આંખોના ઈશારે ઈસાને અને શનોજીને તે લલચાવે છે. સમાજની આબરૂને નેવે મૂકી પોતાના મનની તૃપ્તિ માટે દિવાળી પુરુષત્વને ઝંખે છે. જ્યારે તે ઈસાને પોતાના વશમાં નથી કરી શકતી ત્યારે તે શનોજીને લલચાવી બાથમાં લે છે. દિવાળીનું પાત્ર અહીં માવજીભા માટે સાપનો ભારો છે જ્યારે ઈસા માટે તે તેમના મોતનું કારણ બને છે. દિવાળીનું પાત્ર પણ અમુક સમય સુધી જ કથામાં દેખાય છે. પછી તે પાત્ર એવી રીતે કથામાંથી સરકી જાય છે કે વાચકને તેની ખબર પણ રહેતી નથી.
'ગીધ' નવલકથામાં સર્જકે ગ્રામીણ સમાજની પાત્રસૃષ્ટિ આલેખી છે. ગામડામાં વસતા ભોળા લોકો, ઇર્ષાખોર લોકો, ઝઘડાળુ, શંકાશીલ, ઝનૂની, શ્રદ્ધાળુ-અંધશ્રદ્ધાળુ અને સામાજિક રીતિરિવાજોની આમન્યા જાળવવામાં પોતાનો પોતીકો ધર્મ માનતા દલિત અને સવર્ણ સમજના નોખા-અનોખા પાત્રનો પરિચય થાય છે. કથામાં ઈસા, દિવાળી કે શનોજી ઠાકોરના લટકા-મતકનું વર્તુળ જ્યાં રચાય છે અને એ વનવગડો લઈએ કે માવજીભાના ખેતરના બાજરીવાળા ઢાળીયા લઈએ કે પછી દલિતોની આજીવિકા સમી ભેંસ ચીરવાની વાસ્તવિકતા.... આ બધું જ આપણને ગામડાના પરિવેશમાં લઈ જાય છે.
આ નવલકથાની શરૂઆતથી લઈને અંત સુધી પાત્રોની વાતચીતમાં સર્જકે લોકબોલીનો આશરો લીધો છે. કૃતિની કથા જે પરિવેશ લઈને આવે છે તે ઉત્તર ગુજરાતનો દલિત ગ્રામીણ વાતાવરણને અસલ સ્વરૂપમાં પ્રગટ કરવા માટે મહેસાણા વિસ્તારની ભાષા અને તેના મૂળ-તળપદને પ્રગટ કરે છે. નવલકથાની શરૂઆતમાં જ ભલાભાના પાત્ર થકી ઈસાની વિડંબણાઓ લોકબોલીમાં રજુ થઇ છે. જોઈએ....
"વકર વાંકગને કુટઇ મર્યો ઇસલો... ઘેમરતો બાપડો હું કરઅ... ફરિયાદ કૂનઅ કરઅ, ગાંમ આખું દિયોર વેરી...."(પૃષ્ઠ:૭)
કથાનક અને પાત્રોના નિર્માણ થકી કૃતિમાં રચાયેલી ભાષા થકી આગવી આલેખનરીતિનો પરિચય કરાવતા આ સર્જકે સંવાદાત્મક, વર્ણનાત્મક, પ્રતિકાત્મક અને નવતર શબ્દ પ્રયોગ નિરૂપીને કર્યો છે. વર્ણન અને કથનની શૈલી દ્વારા ગ્રામીણ વાતાવરણ જિવંત બને છે.
અહીં ડૉ. જયંત ગાડિતે આ કથા વિશે જે કહ્યું છે તે બહુ મહત્વનું છે. જોઈએ.....
"........ લેખકને માત્ર દિવાળી ઈસાના સંબંધની કથા નથી આલેખવી, પરંતુ તે નિમિત્તે દલિતજીવનની ઘણી બાજુઓને ઉઘાડવી છે. એ વસ્તુને લક્ષમાં લઈએ તો આ ઘટનાઓ સાવ અપ્રસ્તુત કે અતિપ્રસ્તારના દોષવાળી પહેલી નજરે લાગે છે તે એવી નહિ લાગે. એ રીતે ગીધના પ્રતીકને પણ વધારે સંકુલ રીતે પ્રગટ થવા મળ્યું છે. એ રીતે લેખકના મનમાં પડેલું કૃતિનું શીર્ષક 'ગીધ' યોગ્ય બને છે."
સ્વર્ણ અને દલિતો વચ્ચેનો સંઘર્ષ પણ અહીં આલેખાયો છે. દલિતોની વેદના વ્યથાને અહીં સર્જકે સરસ રીતે શબ્દરૂપ આપ્યું છે. જોઈએ....
" ભલો ઠાકોરવાસના નાકે પહોંચ્યો. નાકે શીકોતરમાંની દેરી. દેરીની આજુબાજુ દેરી કરતાં મોટી ઓટલી. દેરી સાવ ખાલીખમ. ઓટલી પર કૂતરા બેઠાં બેઠાં હાંફે, તો ક્યારેક હગેય ખરા. ક્યાંકથી ગુલ્લી કે હાડકા લાવી દેરીમાં બેસા કરડે. ક્યારેક એક પગ ઊંચો કરી દેરીને પવિત્ર કરે. પણ કોઈ મિયોર ઓટલીની પાસેથી નીકળે તો રાડ સંભળાય.
'માતાજીની દેરીથી આઘા હેંડજો.... ઓવઅ, માતાજી અભડોય...'(પૃષ્ઠ-૧૮૫)"
સમગ્ર નવલકથામાં સામાજિક સંઘર્ષો ટાળવાની વિટાંબણા થકી મનોસંઘર્ષ વેઠતું ઈસાનું પાત્ર દલિત હોવાની લઘુતા-દારૂણતાં વેઠતા વેઠતા કરુણતાની પરાકાષ્ઠાનું પાત્ર બનીને આવે છે. કોઈપણ પ્રકારના ખુલ્લા વિદ્રોહ વિનાની આ કૃતિ છે. અહીં આવતા દલિતપાત્રો સંઘર્ષો વેઠે છે-યાતનાઓ વેઠે છે પણ ક્યારેય સામો વિદ્રોહ કરતા નથી. અહીં પાત્રોના મનોસંઘર્ષનું નિરૂપણ છે. અહીં સર્જકે ઘટના વિકાસની સાથે સાથે પાત્રોની સ્વભાવગત લાક્ષણિકતાઓ પણ વાચક સમક્ષ ચીંધી બતાવે છે.
સમગ્ર દલિતજાતિના પ્રતીક તરીકે ઉપસાવેલા ગીધને સર્જકે નવલકથાને અંતે શનોજી, લવજી, દિવાળી આ બધામાં પરિવર્તન થતા દર્શાવ્યા છે. દલિત સમાજની મરેલા ઢોરનું માંસ ખાવાની ગીધવૃત્તિ સહિત દલિત સમાજને સતત પીડતા-શોષતા જવાની ઉજળીયાતોની ગીધવૃત્તિ ભાષાના બળે લેખકે પ્રગટ કરી છે.
અંતમાં આપણે હરીશ મંગલમે ફેબ્રુઆરી ૨૦૨૦ ના 'તાદર્થય' ના અંકમાં 'ગીધ' નવલકથાની મૂલવણી જે રીતે કરી છે તે જોઈએ....
" 'ગીધ' નવલકથામાં ગ્રામસમાજના બે સમાજ એક શ્વાસે શ્વસે છે. એક છે ગીધ સમાજ, ને બીજો છે કપોત સમાજ. આ સમાજની વ્યક્તિનું હાલતા ચાલતા અપમાન થયા કરે છે. એને કોઈ જ અધિકાર નથી, જીવનનો આનંદ નથી. ફક્ત મુએલ ઢોર મળે ત્યારે તે ઉત્સવનો પ્રસંગ બની રહે છે. એ કેટલી મોટી વિડંબણા ગણાય? સામાજિક તથ્યો અને સત્યો આધારિત 'ગીધ' નવલકથા દલિત સાહિત્યની મૂલ્યવાન કૃતિ બની રહેશે."
સંદર્ભગ્રંથ
- ગીધ(૧૯૯૯)- દલપત ચૌહાણ, ગૃજર સાહિત્ય ભવન, અમદાવાદ.