તેં સદીઓથી
વગાડ્યા
મારી માથે થોપવામાં આવેલા
નિષેધો અને પ્રતિબંધોની તાનના
તબલાં !
તાક ધિના-ધિન
તાક ધિના-ધિન !
આ તબલા પર પડેલી
તારી દરેક થાપ
મારા માથા-છાતી ઉપર
પડેલ હાથોડાના ઘા હતી
જે મને ત્રાસ આપતી રહી
આજ સુધી !
હું ન શીખી શક્યો
તબલાના સૂર મેળવવા સિવાયનો
તારો તૈયાર કરેલો કોઈપણ તાલ !
મારા પૂર્વજોની જેમ
તારા તબલા માટે
ઢોરનું
ચામડું ઉતેડવા,
પકવવા અને
તબલા ઉપર મઢવામાં જ
લાગેલો રહ્યો જિંદગી આખી
કારણ કે તું વગાડી શકે
મારા અને મારા પૂર્વજોના
માથા ઉપર ચઢીને થોપવામાં આવેલા
પ્રતિબંધોના તબલા !
તાક ધિના-ધિન
તાક ધિના-ધિન !
મારો દીકરો
વગાડવા લાગ્યો છે
એજ તબલાને
જેના ઉપર મેં ચઢાવ્યું હતું ચામડું
હથોડીથી ટીપી-ટીપીને
જેના મેળવ્યા હતા મે સાતેય સૂર
ત્રણ તાલ
સોળ માત્રાઓની સાથે
વિલંબિત
મધ્યમ
દ્રુતમાં
અને હા
અતિદ્રુતમાં પણ
ધા ધિં ધિં ધા - ધા ધિં ધિં ધા
ધા તિં તિં તા - તા ધિં ધિં ધા !
તારો
સામનો કરવા
ઉસ્તાદોની સંગત-સાંગીર્દી કરીને
એની જિંદગીનો લય તાલ
એક મકસદ જ બની ગયો છે
ધિં-ધિં ધાગે તિરકિટ તૂના
ક તા ધાગે તિરકિટ ધિં-ધા !
એટલે
હવે
તારા નિષેધો ભરેલી
તાલોના સુરના
બધા પ્રતિબંધોને
શરૂઆતથી ભૂલી જા
નહીંતર
એને હથોડાથી
તબલાના ગઠ્ઠાને
ઠોકતા પણ આવડી ગયું છે
એ કોઈક દિવસ
તને પણ ટીપીને
તારા બધા સૂર મેળવશે !
સા રે ગ મા પ ધ નિ સાં !
એ ખૂબ કુશળતાપૂર્વક
ચાટી ઉપર ઘા મારીને
ગઠ્ઠાને યોગ્ય જગ્યાએ બેસાડીને
પળીના સૂર મેળવવાનું પણ
શીખી ગયો છે
એનું ગળું પણ
ગજવે છે બધા સૂર
સા રે ગ મા પ ધ નિ સાં
સા સા રે ગા મા પ ધ ની સા
સાં નિ ધ પ મ ગ રે સા !
સમજી જા
આ રીતે
તારું વર્ચસ્વ !
સમયની સાથે
હવે તૂટી રહ્યું છે એકધારું
ધા ડ તિ ર કિ ટ ત ક તિ ર કિ ટ ધા ડ
એ પણ જાણી લે
આવી રીતે જ
કોઈ તબલા ઉપર ચામડું મઢતા
કોઈક દિવસ હું
તને જ બદ્દીની જગ્યાએ લગાવી દઇશ
અને બનાવીશ ગજરો
૩૨, ૪૮ નૈં પણ પૂરી ૬૪ આંખોવાળો,
હાં, તારા માંદલા મગજને
ખાંડણિયામાં કૂટીને
એની સ્યાહી બનાવી
પળી ઉપર લગાવવાનું પણ નહીં ભૂલું
જેથી સૂર મેળવતી વખતે
મારા હાથોની થાપ
પડતી રહે પળી ઉપર
હું ઠોકતો રહું
મારી આંગળીઓ,
હથેળીઓ
વિલંબિત
મધ્યમ
દ્રુત
અને
અતિદ્રુતમાં
આ સ્યાહી ઉપર એકધારી.
આ બધાથી બચવા માગતો હો
તો
હવે તારા પગમાં
ઘૂંઘરું બાંધી
મારા દીકરાના વગાડેલ તાલ
એના આપેલા ઠેકા ઉપર નાચ
તા થા-થૈયા !
તા થા-થૈયા !!