ગુજરાતી ટૂંકીવાર્તામાં નિરૂપાતું સંવેદન સ્થળ-સમય અને સંદર્ભ અનુસાર બદલાતું રહ્યું છે. છેક ૧૯૧૮માં પ્રગટ થયેલી પહેલી ગુજરાતી કલાત્મક ટૂંકીવાર્તા 'ગોવાલણી'જ આજ સુધી આદર્શ નવલિકા બની રહી નથી. પરંતુ, સમયે-સમયે વાર્તાક્ષેત્રે તેના કથાબીજ, સંવેદનતંત્ર,તથા પાત્ર અને અભિવ્યક્તિ સંદર્ભે પરિવર્તનો થતા રહ્યા છે.
પંડિતયુગીન પાંડિત્ય અને વિદ્વત્તાને એકબાજુ મૂકી ગાંધીયુગીન સાહિત્ય વાસ્તવની ધરા પર કેન્દ્રિત થાય છે. દક્ષિણ ભારતથી પરત ફરેલા ગાંધીજીની નજર સ્વદેશી તમામ પ્રવૃત્તિઓ પર ફરી વળે છે.સાહિત્ય એ પૈકી એક વિલક્ષણ પ્રવૃત્તિ હોઈ.ગાંધીજીની નજર વિશેષરૂપે સાહિત્ય પર પણ કેન્દ્રિત થાય છે.ગાંધીજીના સૂચનથી સાહિત્યનું કલેવર બદલાવા લાગે છે. પરિણામે સાહિત્યમાં માત્ર કલ્પના અને અહોભાવી સંવેદન ન નિરૂપતા વાસ્તવ જીવન અને વાસ્તવ માનવ કેન્દ્રમાં આવે છે. ગાંધીયુગીન ટૂંકીવાર્તા એ રીતે ગોવિંદના ખેતરથી લઈને માંઝાવેલાના મૃત્યુ અને ખેમીની માનતા સુધી ફરી વળે છે. અર્થાત ગાંધીયુગમાં છેવાડાનો માનવી સાહિત્યનો વિષય બને છે.સાહિત્યક્ષેત્રે આવા ક્ષુદ્ર કે સાવ નગણ્ય માણસના સંવેદનો કલાત્મક રીતે આવવા લાગે છે.જેના કારણે સાહિત્ય માત્ર પંડિત અને બૌદ્ધિક લોકો પૂરતું જ સીમિત ન રહ્યું.તે સમાજના તમામ ક્ષેત્રો અને વર્ગોમાં ફેલાયું. છેવાડાના માણસની સંવેદનાઓ તીવ્રતમ રૂપે નીરૂપાવા લાગી.પરિણામે તેનો એક આખો વર્ગ જ ઉદભવ પામ્યો.તેને લખનાર અને વાંચનારા વધ્યા.તેના પર ચર્ચા વિચારણાઓ પણ થવા લાગી.પરિણામે સાહિત્ય ક્ષેત્રે 'દલિત સાહિત્ય'ની એક આગવી ઓળખ ઉભી થઇ. દલિત એટલે કે જે દળાયેલું,પીસાયેલું કે કચડાયેલું.જેના સંવેદન વિશ્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવા છતાં અનુભૂતિનો તિરસ્કાર થાય છે.જેમને ભાગે અન્યાય અને અણછાજતું જ વર્તન થાય છે તે વર્ગ.જે કોઈ જાતિ પૂરતું સીમિત નથી.કોઈ પણ વર્ણનો વ્યક્તિ દલિત સંવેદન ધરાવતો હોઈ શકે. ઉમાશંકર જોશી, સુન્દરમ,મેઘાણી, રા. વિ પાઠક પાસેથી આ પ્રકારની કેટલીક વાર્તાઓ મળે છે.
'બીડીઓ' વાર્તા ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે જેમને આપણે 'સુન્દરમ' અને 'ત્રિશૂળ'ના ઉપનામથી ઓળખીએ છીએ તેમણે લખી છે.કવિ સુન્દરમ વાર્તાકાર તરીકે પણ વિશેષ ખ્યાત હોઈ વાર્તા કળાના ઉત્તુંગ શિખરો સર કરે છે. 'બીડીઓ' તેના સંવેદનવિશ્વની સાથે સુંદરમના અભિવ્યક્તિ કૌશલ્યના કારણે વિશેષ કલાત્મક બની છે. અહીં ભાષા તેના અદ્દલ રૂપે પાત્રો દ્વારા વ્યક્ત થઈ છે.એક વર્ગ વિશેષની સંવેદના ભાષાના કારણે જ ચિરંજીવ બને છે.
વાર્તાનું શીર્ષક જ સૂચવે છે કે અહીં એક સાવ જ ક્ષુલ્લક અથવા ક્ષુદ્ર ગણીને તેને નકારી કાઢીએ છીએ એવું કંઇક કેન્દ્રમાં આવ્યું છે. કારણકે વાર્તામાં બીડીઓ પણ નહીં ફક્ત ઠુંઠાની જ કથા ચાલે છે. અહીં એક દલિત કુટુંબ કેન્દ્રમાં છે. હરિયો અને અમલી અને તેના બે સંતાનો ફૂલકી અને છીતિયો. શરૂઆતમાં જ છીતિયો પોતાની મા પાસે બીડીની માંગણી કરતો દર્શાવ્યો છે.અને મા ઉઠીને તેને બીડીના ઠૂંઠા મુઠ્ઠી ભરીને આપે. ઘડીભર તો લાગે કે બાળક ઉઠીને બીડીની માંગણી કરી રહ્યો છે ..? અને બીજી જ ક્ષણે માતાનું વાક્ય આવે કે;
"....બીડી પીવી હતી મૂવા, તો લેવો'તો ને જનમ કોક શેઠિયાને ત્યાં ?......." (પૃષ્ઠ.૬૩. બીડીઓ)
માતા અમલી દ્વારા બોલાતું આ વાક્ય કેટલાક અર્થસંદર્ભો ખોલી જાય છે.બાળક દ્વારા જિદ્દ થાય છે અને એ જિદ્દ પૂરી કરી શકાતી નથી. કારણકે પોતે એટલી પણ સક્ષમ નથી કે આવી સાવ ક્ષુલ્લક માંગ પણ સંતોષી શકે. ત્યારબાદ અમલી પોતાની દીકરી ફૂલકી અને છીતિયાને બીડીના ઠુંઠા વીણવા મોકલે છે. બન્ને ભાઈ બહેન માંગવા જાય છે..જ્યાંથી મળે ત્યાંથી બીડીના ઠુંઠા એકઠા કરી લે છે અને કોઈ શેઠિયો બીડી ફૂંકીને ફેંકી દે છે પછી જો એ વધે તો એક બે કસ લગાવી લે છે.બીડીના ઠુંઠા ભેગા કરવાની આ પ્રવૃત્તિ એ પરિવારની જરૂરિયાતની પ્રતિક બનીને આવે છે. બીડી તો એક માત્ર સાધન બનીને આવે છે.હવે આ માંગી તાગીને ભેગા કરેલા બીડીઓના ઠુંઠા ઘર સુધી પહોંચે તે પહેલાં ઘણું બની જાય છે.એ બધા દ્વારા જરૂરિયાતની કટોકટી અને કસોટી લેખક આલેખે છે.
ભાઈ-બહેન ભેગાં થયેલા ઠુંઠા ગણવા બેસે ત્યાં જ ગાંડી થયેલી ગાય રમછટ મચાવે છે અને બધા ઠુંઠા કાદવમાં રગદોળાય જાય છે. ભાઈ-બહેનની મહેનત પર પાણી ફરી વળે છે. એ ઘટના જ પ્રતીકાત્મક રીતે આવે છે. માનો નસીબમાં આ જરૂરિયાતોની પરિપૂર્તિ શક્ય બનવાની નથી તેના સંકેતો મળે છે.
આ ઉપરાંત હોટેલમાં પિતા સાથે ચા પીવા ગયેલા ભાઈ-બહેન એક શેઠિયાને જે રીતે જુએ છે અને તેની પાસેથી પણ બીડીની અપેક્ષા રાખે છે તેમાં આ કુટુંબની જરૂરિયાત અને એ ન સંતોષાયાની વેદના બમણા જોરથી વ્યક્ત થાય છે. એક પછી એક બનતી નસીબ વિરુદ્ધની ઘટનાઓ દ્વારા તેમની દયનીય સ્થિતિ લેખક દર્શાવે છે. બીડીના ઠુંઠા શોધતા થાકેલ ભાઈને તરસ લાગે છે પણ પાણી નથી મળતું. એ આખી પરિસ્થિતિ ઘણી ધારદાર રીતે ઉપસી છે. ચાલતાં-ચાલતાં એક ચાર મઝલા ઈમારતની ઓથે ભાઈ-બહેન ઉભા રહે છે. એ ઇમારતમાં પણ એક છોકરો ઊભો છે અને નીચે છીતિયો અને ફૂલકી. બંન્ને એકમેકને જોઈ રહે છે. આ બાજુ હાથમાં બીડીના ઠુંઠા અને તડકાથી વ્યાકુળ છીતિયો અને બીજી બાજુ હાથમાં સોનાનું કડું પહેરીને ઠંડી હવામાં ઉભેલ પેલી ઈમારતનો છોકરો. આ બાજુ છીતિયો માત્ર પાણી માટે તરસી રહ્યો છે તો બીજી બાજુ પેલા ઈમારતના છોકરા માટે શરબતની વાત થાય છે. છીતિયો તડકામાં પણ ઉઘાડા પગે છે જયારે પેલી ઈમારતમાં ઉભેલા છોકરાને લૂ ન લાગે તેની ચિંતા થઇ રહી છે. આ આખી પરિસ્થિતિ વિરોધાભાસ દ્વારા ઘણી વેધક રીતે નીરુપાઈ છે. એકબાજુ સુખી સંપન્ન વર્ગ છે તો બીજીબાજુ સાવ હલ્કી એવી જરૂરિયાતના પણ ફાંફા છે. કવિ કાંતનું 'મૃગતૃષ્ણા' સહજ યાદ આવે.જરૂરિયાતમંદ વર્ગ તો ઝાંઝવાના જળ પાછળ દોડે છે.મૃગલી તરસથી વ્યાકુળ બની અંતે મરણ ને શરણ થઈ જાય છે છતાં પાણી તો મળતું નથી.જ્યારે સુખી સંપન્ન વર્ગના લોકો પાણીના ફૂવારા નીચે ન્હાય છે. સામાજિક વિરોધાભાસની આ વાર્તા બની જાય છે.
આ પરિવારની જરૂરિયાત કેટલી સામાન્ય છે તે દર્શાવવા લેખક હજુ એક પરિસ્થિતિ ઉભી કરે છે. એ જ ઈમારતમાંથી કચરાનો કંડિયો નીચે ફેંકવામાં આવે છે. એ કંડિયામાં રહેલ એક નારંગીની બે-એક કોહવાયેલી ચીરી મળે છે અને તેનાથી છીતિયાની તરસ છીપાવવાના પ્રયત્ન ફૂલકી કરે છે. ત્યારબાદ તો કંડિયામાં વધેલી મીઠાઈની કણીઓ અને કેળાના છોતરાં ફૂલકી ઘર સુધી પહોંચાડે છે ત્યારે તો સંવેદનની પરાકાષ્ઠ જ આવી જાય છે.
બંન્ને ભાઈ-બહેન ઘરે આવે છે.પિતા પણ ઘરે આવે છે આવેશમાં ઘરે આવેલ પિતા ફૂલ્કીને લાત ચડાવી દે છે કારણ કે તેને નોકરીમાંથી કાઢી મુકવાની નોટીસ મળી છે..તેનો પણ તાળો મળે છે કે પોતે જે જગ્યાએ કામ કરતો હતો ત્યાં જ પોતાના સંતાનોને જોયા અને એમને ચા પીવા હોટેલમાં લઇ ગયો. એ જ એની મોટી ભૂલ.જે દર્શાવે છે કે સામાજિક ભેદભાવ અને કશાય વાંક ગુના વગર સહન કરવાનું આ વર્ગને ભેટમાં મળ્યું છે.આ એક એવા વર્ગનું પ્રતિનિધિ કુટુંબ છે કે જેની સાથે ભલે કોઈનેય કશી લેવા દેવા ન હોય પણ છતાં જ્યારે સામાજિક દરજ્જાની વાત આવે છે ત્યારે એ સજાને પાત્ર ઠરે છે.પરિણામે તેની રોજી-રોટી ઉપર પણ કરવત ચલાવી દેવામાં આવશે.
વાર્તામાં અંતે જતા અમલી ધીરા સ્વરે હરિયાને પૂછે છે;
"મેર હરિયા ! છોકરાની સિગારેટ શું કરવા પી ગ્યો ??" (પૃષ્ઠ.૭૩. 'બીડીઓ')
ઘણી જ ધારદાર રીતે અને કટાક્ષના રૂપમાં પુછાયેલો આ સવાલ વાર્તામાં ભલે અમલીએ હરિયાને પૂછ્યો. પરંતુ એ જાણે સમગ્ર સત્તા સામેના આક્રોશનું રૂપ છે. છોકરાની સિગારેટ એટલે છેવાડાના માણસોની છેવાડાની જરૂરિયાત.સત્તા અને કહેવાતા મોભેદાર લોકો આવા છેવાડાના લોકોના જ હકક છીનવી લેતાં હોય છે.
વાર્તાના અંતે અમલી ખાતી નથી.હરિયો ચૂલામાં પાણી ઢોળી દે છે. હરિયાની આ ક્રિયા એ બાબતનો સંકેત આપે છે કે ચૂલો હવે ઠરી ગયો છે એટલે કે હવે આ કુટુંબ માટે ખાવાના પણ સાંસા પડવાના છે. આમ, એક વેધક કટાક્ષ દ્વારા વાર્તા પૂરી થાય છે. અહીં બનતી તમામ ઘટનાઓ ખૂબ પ્રતીકાત્મક રીતે આવે છે જે આ કુટુંબની નિ:સહાયતાની પરિસ્થિતિનો જ ઉઘાડ કરે છે. ગાંધીયુગમાં સાહિત્ય દ્વારા આવા લોકોની પીડાને વાચા આપવામાં આવી હતી.જેને કારણે સાહિત્ય માત્ર ચંદ્રની સુંદરતા કે પ્રકૃતિના ગાન પૂરતું સીમિત ન રહ્યું..સુંદરમની આ વાર્તા તેના સંવેદન જગત,આક્રોશ,કટાક્ષ અને અભિવ્યક્તિ કૌશલ્ય એમ વિવિધ દૃષ્ટિએ આજે પણ એટલી જ પ્રસ્તુત છે...
સંદર્ભ
- 'કુમાર' પ્રથમ વીસીની વાર્તાઓ. પ્રથમ આવૃત્તિ, ઓગસ્ટ ૧૯૯૧ પ્રકાશક:- કુમાર કાર્યાલય લિમિટેડ ૧૪૫૪, રાયપુર ચકલા અમદાવાદ-૩૮૦૦૦૧