ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાની દીર્ઘ પરંપરામાં અનેક નવા વહેણોના દર્શન થયા વિના રહેતા નથી. દરેક સર્જક પોતાની બાનીમાં ગામડાને પ્રગટ કરવાની મથામણ કરે છે. ઉમાશંકર જોશીની કૃતિ ‘સાપના ભારા’માં સૌપ્રથમ વાર ગામડું અને જાનપદી બોલી મહેકી ઉઠે છે. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી પ્રાદેશિક નવલકથા ‘સોરઠ તારા વહેતા પાણી’ લઈને આવે છે. જે ગુજરાતી જાનપદી નવલકથાનું પ્રથમ મોજું છે. એ પછી જાનપદી નવલકથા ‘માનવીની ભવાઈ’ રૂપે સોળે કળાએ ખીલી ઉઠે છે. જે જાનપદી નવલકથાનું બીજું મોજું ધ્યાનપાત્ર છે. ત્યાર પછી પશ્ચિમી સાહિત્યની અસર હેઠળ લખતી આધુનિક નવલકથાની સામે શબ્દશક્તિના સામર્થ્યથી ‘ઉપરવાસ’ કથાત્રયીનું સર્જન કરીને ફરીથી સાહિત્યને નવલકથાને જનપદના મલકમાં લાવીને મુકે છે. જે ધ્યાનપાત્ર બની રહે છે. આ ત્રીજું મોજું. ને પછી આધુનિક સાહિત્યના પ્રત્યાઘાત રૂપે ‘આંગળીયાત’ જાનપદી નવલકથા રૂપે પ્રગટ થાય છે. જેમાં દલિત, પીડિત, શોષિત વર્ગની વ્યથા, પીડા અને સંઘર્ષ રજુ થાય છે. જે ગુજરાતી જાનપદી નવલકથાનું ચોથું મોજું છે. ‘મશારી’ નવલકથા આ ચોથા મોજાના કાલની કૃતિ છે.
કિશોરસિંહ સોલંકી ઉત્તર ગુજરાતના જનપદને આલેખતી નવલકથાઓ લઈને આવે છે. મશારી નવલકથાના જન્મ વિશે લેખક પોતે જણાવે છે.
“બાળપણની એક ઘટનાને અહીં વાચા મળી છે. નાનો હતો ત્યારે ભેંસો ચરવા જતો. મારા વ્હોળા વાળા ખેતરમાં સામેના ગામના ઢોર ચરવા આવતા એ જેના ત્યાં માંશારીએ રહ્યા હતા. એની જાહોજલાલી હતી. પણ સમય એ બધું જ ગળી ગયો.- એના સાક્ષી પણ આ ભગત જ !
એક બપોરે આંબાના છાંયડે બેઠા હતા ત્યારે ભગતે કહેલું કે, ‘મારે પણ બે વીઘાં જમીન હોત તો-‘ બોલતા નિસાસો નાંખેલો અને દૂર દૂર તાકી રહેલા! એ ચહેરાની આ ઘટના મશારી!”
‘મશારી’ એટલે ખેતીના કામમાં નિશ્ચિત ભાગે – પગારે કામ કરતો જણ, માણસ. આ મશારીના વ્યથાની કથા સ્વરૂપે નવલકથા ભાવકની પાસે આવે છે.
નવલકથાના નાયક ગોદડ ભગત જાતના ચમાર છે. એકવાર પોતાના ગામમાં ઢોરનું ચામડું ઉતારીને પોતાની નાત વાળાને ઢોરનું માંસ માટી ખાતા જોઇને તેમનું કાળજું કંપી ઉઠે છે. અને જીવનભર આવું કાર્ય ના કરવાની પ્રતિજ્ઞા લઇ ખેતીમાં જોતરવાનો નિર્ણય લે છે. હીરાપુર ગામે આવતા વીરો મુખી ભગતને મશારી તરીકે રાખે છે. આથી ભગત મુખીના જાણે કે ઋણી જ બની જાય છે. પોતે વિચારે છે કે, ‘મને સૌ પહેલા પગ મુકવાની જગા મુખીએ જ આપી.’ આ ઉપકાર તળે વીર મુખી ભગતને ગાળો આપે, અન્યાય કરે કે શોષણ કરે પણ મુખી મૂંગા મોઢે સહન કરે છે. પણ ભગત આ બધું સહન કરીને પણ પ્રમાણિકપણે કામ કરવામાં જ જાને પોતાનો મશારીધર્મ માને છે. લેખક ભગત વિશે જણાવતા કહે છે કે, “ભગતની ઉંમર પણ મુખી જેટલી જ હતી. મહેનત મજૂરીએ સુકવી દીધેલો ચહેરો, સુરજની ગરમીએ કાળું કરી દીધેલું શરીર, સચ્ચાઈ અને ભોળપણની સાક્ષી પુરતી આંખો.” આવા સમર્પિત મશારી ભગતના માત્ર બે સપના છે: એક પોતાને પણ બે વીઘા જેટલી જમીન હોય અને તેમાં તેઓ એક શ્રેષ્ઠ ખેડૂત તરીકે ખેતરને લીલુંછમ્મ રાખે તો પોતાના દીકરા રામલાને ભણાવી ગણાવીને માસ્તર બનાવવો. આ બંને સપનાઓના સહારે ભગત બધો અન્યાય સહન કરીને કાળી મજુરી કરતા રહે છે. મુખીની દીકરી જીવી તથા આ જીવીનો પ્રેમી નાથુ- જે આજ વાડીમાં મશારી છે. બંને મળીને ભગત પર ખોટા આળ ચઢાવે છે. બીજો મશારી નરસંગ પણ આ કાર્યમાં સાથ આપે છે. નાથુ મુખીને મન ભલો અને સાચો છોકરો છે. વળી તે મુખીના અવૈધ સંબંધોનું સંતાન છે. આથી મુખી તેને ઠપકોય નથી આપતા. બલકે તેની આંખે જુએ છે. ભગત પોતે દલિત હોવાના નાતે તેમને ઘણું સંભાળવું પડે છે. કેટલાંક સંવાદો અહીં દલિત પરના અત્યાચારની સાક્ષી પૂરે છે.
ચમાર ખેતીનું કામ કરે તે બીજા મશારી નરસંગને ઈર્ષા આવે છે. તે જુઓ,
“ભેંસના પોદળા ભરતા નરાસંગના નાકનું ટેરવું ચડી ગયું, ‘મોટો હુશિયાર ના જોયો હોય તો? ચમારની જાતને વળી ખેતી કેવી? મરેલા ઢોરોને ચૂંથતા ચૂંથતા ખેડું થઇ ગયા છે, મોટા ના જોયા હોય તો. આતો મારું ચામડું અહીં વાળે વળગ્યું રહે છે. એટલે બધું લીલું ચમ્મ લાગે છે. નહીતર ભગત ગાડે ગાડા ભરીને લઇ જતા હોત એ સૌ જુઓત. હાડકા અમરે તોડવાના અને જશ એને! હલકા લોહીને જેટલું માથે ચડાવીએ એટલું માથે છાણા થાપે.” (પૃ.7)
મુખી દ્વારા અપાતી તમાકુમાં નાઠું દગો કરે છે. તે પોતાના ભાગની તમાકુ ઘરે લઇ જાય છે. અને ભગતને તમાકુના ફાંફા પડે છે. જીવી ભોજન પીરસતી વખતે ભગતને ઊંચા હાથે છાશ આપે છે. ઘણી વાર છાશ ઓછી પડતા ખીચડીમાં પાણી રેડી હલાવીને પી જાય છે. જયારે જીવી ભગત વિરુદ્ધ ખોટી ફરિયાદ મુખીને કરે છે ત્યારે મુખી ભગતને ના કહેવાના વેણ કહી નાખે છે- અત્યાચારની પરાકાષ્ઠા આવે છે ત્યારે ભગત મુખી સામે બોલી તો નથી શકતા પણ ભગતનો જીવ કકળી ઉઠે છે. તે જુઓ
“મુખીથી મને આવું બોલાયું? હત્ તારીની!......મુખી તમારે કદીક તો મારી વાત સંભળાવી જોઈએ ને? સાચી વાતનો તાગ તો મેળવવો જોઈએ ને? કોઈ ચડાવે એમ ચડવાનું? ફટ્... મુખી હવે તમને ધોળા થયાં. તમારા ધોળામાં ધૂળ પડી. એક દિવસ તમનેય આનો પસ્તાવો થશે. રોતા પણ નહીં આવડે.
હે રામાપીર તને પગે લાગુ છું. તું પણ આ બધું જોતો હોય તો ન્યાય કરજે અને આ ગરીબની સામે જોજે.”
ભગતના મૌનમાંથી નીકળેલાં આ શબ્દો શાપ બનીને વીજળીની માફક મુખીના જીવન પર પડે છે. મુખીના જીવનમાં એક પછી એક મુસીબતો આવતી જાય છે. નાથુ પોતે દારુ ગળે છે અને દારુ પીએ છે. જીવીની સાથે મળીને બધું લુંટાવા જેવું આચરે છે. ભગત આં બધું જુએ છે અને જીવ બાળે છે. છતાં મુખી તો ભગતને જ ધમકાવે છે. આખરે એકવાર મુખી ભગતને કાઢી મુકે છે. બાજુની વાડીનો દલો પટેલ ભગતની મહેનત અને ઈમાનદારીથી વાકેફ છે. એ ભગતને મશારી તરીકે પોતાની વાડીએ રાખે છે. ભગતનું બે વીઘા જમીનનું સ્વપ્ન અહીં ફાળે છે. પરંતુ બીજી તરફ મુખીની અફીણની લતમાં અને નાથુ-જીવી પ્રેમનશામાં બધું બરબાદ કરે છે. નાથુ-જીવી દાગીના સાથે ભાગી જાય છે. મુખી અફીણમાં પકડાય છે. વાડી અને જમીનની હરાજી થાય છે. પણ ભાંગી પડતા મુખીની ટેકો આપવાતો ભગત જ દોડે છે. આમ કુત્સિત તત્વોની સામે સદ્તાત્વોનો વિજય બતાવ્યો છે.
લેખકે અહીં દલિત જીવનરીતિને ભગતના વાસના માધ્યમથી કલામના આછા લસરકે નિરુપાયો છે. તે નોંધનીય છે.
“ગામને થોડે દૂર ચામારોના ચીકની માટીથી થેપીને ઉભા કરેલા ભીંતડા, એના ઉપર ઢાંકેલું પોચિયું ઘાસ અને ટેકા ઉભા કરીને મુકેલા છાપરા જેવા ઘર, ત્યાંથી થોડે દૂર કુંડ, નાક ફાટી જાય તેવા તેવી દુર્ગંધ સતત આવ્યા કરે.
કુંડમાં મરેલા ઢોરના ચામડાં સતત પકવવામાં આવે.
બૈરાં સવારે બળદનું પોલું શીંગડું લઈને નીકળી પડે. વગડામાં ફરી ફરીને આકડાનું દૂધ ભેગું કરીને બપોરે પાછાં આવે. ઢોરનું ચામડું પકવવા માટે ખાસ તો આકડાનું દૂધ જ જોઈએ.” (પૃ.૨૮)
જોકે લેખક અહીં ભગતના દલિત સમાજને નીરુપવાની વધારે તક જડપી શક્યા હોત પરંતુ લેખક નવલકથામાં ભગત પર થયેલાં અત્યાચાર અને ભગતની સારપને જ વધારે નીરુપવા માંગે છે. તેથી અહીં નવલકથા ભગતની આસપાસ ફર્યા કરે છે. વળી ભગત જ્યાં મશારી તરીકે કામ કરે છે ત્યાં પણ માત્ર વિરામુખી તથા દલા પટેલની વાડી પુરતી જ નવલકથા સીમિત રહેતી જણાય છે. મુખીના ગામ સુધી લેખક લઇ જતા નથી. પરંતુ લેખકનું અંતિમ ધ્યેય દલિત પર થતા અત્યાચારની, વેદનાની અને તેના તેનું માનસદર્શન કરાવવાનું. તે અહીં સુપેરે પાર પડ્યું છે. આમ મશારી ભગતની વેદના સને સંવેદનાની કથા બની રહે છે.
સંદર્ભ ગ્રંથ
- મશારી : કિશોરસિંહ સોલંકી, પાશ્વ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ ૧૯૮૬
- કિશોરસિંહ સોલંકી શબ્દ અને સર્જક: નરેશ શુકલ, નિસર્ગ આહિર, પાશ્વ પબ્લીકેશન, પ્રથમ આવૃત્તિ ૧૯૯૯
- કિશોરસિંહ સોલંકીનું સર્જનવિશ્વ: ડૉ. હેમંત સુથાર, પાશ્વ પબ્લીકેશન, પ્રથમ આવૃત્તિ ૨૦૧૪