"દાદી, પ્લીઝ! ફરી શરૂ ન કરશો." અકળાઈને પૃથા બોલી. આ રોજનો ડાયલોગ હતો.
એક ઘરમાં દાદી અને પૌત્રી- માત્ર બે જણ જ રહેતાં હતાં. પણ દાદી અને પૌત્રીનું સાથે રહેવું એટલે એક મ્યાનમાં બે તલવાર, એક પિંજરામાં બે સિંહણ. બે અલગ અલગ જમાનાનાં પ્રતીક જેવાં દાદી અને પૌત્રી ભેગાં થાય પછી ઉપરનો ડાયલોગ ન સંભળાય તો જ નવાઈ. બંને જણનાં એક ઘરમાં પુરા પરિવારથી અલગ રહેવાની પાછળ પણ એક કથા છે.
પાર્વતીબેન એટલે કે આપણી કથાનાં દાદીને સંતાનમાં માત્ર ત્રણ દિકરા. મોટા વિનાયકને ત્યાં પણ બે દીકરા થયા. એટલે જ્યારે ગજાનનને ત્યાં પહેલાં સંતાન તરીકે પૃથાનો જન્મ થયો ત્યારે આખું કુટુંબ ઘેલું ઘેલું થઇ ગયું- પાર્વતીબેન પણ. પાર્વતીબેનનો જીવ સતત પૃથામાં. એમને દેખરેખ હેઠળ જ પૃથાનો ઉછેર થયો. ભણાવી-ગણાવી, સારા સંસ્કાર પણ આપ્યા. પણ જમાનો બદલાય તો ખરો ને! લાડકોડથી ઉછરેલી પૃથાએ ભણીને શહેરમાં નોકરી લીધી. બસ અહીંથી જ રામકહાણી શરૂ થઈ.
આમ તો પૃથા પૂરી સંસ્કારી, પણ દાદી અને પૃથાનાં વિચારોમાં જમીન-આસમાનનો ફરક. પાર્વતીબેન એને શહેરમાં એકલી રહેવા દેવા તૈયાર નહીં. એમાંય વળી "છોકરી ફ્લેટ ભાડે રાખીને એકલી રહે? ના,ના. એમાં તેની સલામતી શું, હેં?" એમણે આવી દલીલ શરૂ કરી. ગજાનનભાઈની સૂડી વચ્ચે સોપારી. ન માને કંઈ કહી શકે, ન દીકરીને. બીજું કોઈ પૃથા સાથે શહેરમાં જઈને રહી શકે એમ ન હતું એટલે દાદીએ જીદ પકડી કે એ ખુદ પૃથા સાથે રહેશે. સામ-દામ-દંડ-ભેદ, લડવું-રડવું-રિસાવું, બધું જ અપનાવીને તેમણે ગજાનનભાઈને- પોતાના દીકરાને મનાવી લીધો. પૃથા પાસે હવે હા પાડવા સિવાય કોઈ રસ્તો જ ક્યાં હતો? કમને એણે પણ વાત સ્વીકારી લીધી. આ રીતે બે અલગ અલગ પેઢીનાં પાત્રો પોતપોતાની પેઢીની લાક્ષણિકતાઓ સાથે સાથે રહેવા લાગ્યાં.
સંયુક્ત ઘરમાં તો પૃથાને બહુ વાંધો નહોતો આવતો. પણ દાદી સાથે એકલા રહેવામાં એને તકલીફ પડવા લાગી. દાદી એને પ્રેમ તો બહુ કરે, લાડ પણ કરે. પરંતુ પોતાની રીતે જ રહેવા મજબૂર કરે એનાથી પૃથાને ચીડ ચડે. પૃથાને કરવું હોય કંઈક ને દાદી કરાવે કંઈક. એને કરવું હોય એક રીતે, દાદી કરાવડાવે બીજી રીતે. એને જવું હોય એક દિશામાં, દાદી મોકલે બીજી દિશામાં.
ટૂંકમાં, એક ખિસ્સામાં ચકમકનાં બે પથ્થર રાખો તો તણખા તો ઝરવાનાં જ ને!
જુઓ, હું દાખલો આપી સમજાવું.
ઓફિસનાં પહેલા દિવસે પૃથા જ્યારે બ્લેક પેન્ટ, સફેદ ફોર્મલ શર્ટ અને બ્લેક શૂઝ પહેરીને, હાથમાં લેપટોપ બૅગ લઈને ઓફિસ જવા તૈયાર થઈ એટલે પાર્વતીબેનની સરસ્વતી શરૂ થઈ ગઈ.
"આ કેવાં કપડાં પહેર્યા છે?"
"દાદી, આ અમારી ઓફિસનો યુનિફોર્મ છે. બધાંએ આવાં જ કપડાં પહેરવાં પડે."
"બળ્યો, આવો કેવો યુનિફોર્મ છે? છોકરા છોકરીમાં કોઈ ફેર જ નહીં! અમે તો તમારી ઉંમરે પહોંચતાં પહેલાં જ સાડી પહેરતાં થઈ ગયેલાં. તમે કમ સે કમ પંજાબી પહેરીને ઓઢણી તો નાખો!"
"દાદી, સાડીઓ અને દુપટ્ટાનો જમાનો ગયો. તમારા જમાનામાં તો સ્ત્રીઓ નોકરી પણ ક્યાં કરતી હતી? જવા દો, મારે મોડું થાય છે." કહીને પૃથા ગઈ.
આવી જ એક બીજી વાત કહું.
રોજ સાંજે પૃથા થાકીપાકી ઘેર આવે ને દાદી એને રસોડામાં ટ્રેઇન કરવા માથાકૂટ શરૂ કરે. થોડી ઘણી કામચલાઉ રસોઈ તો પૃથાને આવડતી જ હતી. પણ દાદીને તો એને પોતાની જેમ એક્સપર્ટ બનાવવી હતી.
આમ તો આ કામમાંથી છટકી જતાં પૃથાને ખૂબ આવડે. એટલે ઓફિસમાંથી જ "દાદી, તમારા હાથની ફલાણી વસ્તુ ખાવાનું મન છે" અથવા "પેલી વસ્તુ તમારા જેવી કોઈથી ન જ બને" એવો ફોન કરીને પછી જ ઘરે આવે. છતાં દાદીનો રોજનો કકળાટ એને ક્યારેક તો કિચન તરફ લઈ જઈને જ જંપતો. ખરી મજા તો ત્યારે આવે જ્યારે પૃથા કોઈવાર સ્વીગી કે ઝમેટોથી ફુડ ઓર્ડર કરે. દાદી તો રેસ્ટોરન્ટમાં જમવા જાય નહીં! પાર્સલ આવે એટલે ગમે તેટલી સારી સુગંધ આવતી હોય, દાદીનો હાથ પહેલા બિલ લેવા જાય. ને પછી શરૂ! "શું શરૂ?" અરે કચકચ, બીજું શું?
"આટલું જ ખાવાનું અને આટલા બધા રૂપિયા? ઘરમાં રાંધે તો આનાથી પણ સ્વાદિષ્ટ વાનગી આનાંથી અડધા ભાવમાં પડે. બધા લૂંટવા જ બેઠા છે ને તારા જેવા આળસુ લોકોને લીધે આવા લૂંટણિયા ફાવી પણ જાય.." વગેરે વગેરે. " 'બધા લૂંટવા જ બેઠા છે' એ તો જાણે એમનો તકીયાકલામ. દિવસમાં એકાદ વખત તો બોલે જ. જોકે આ વાતોને સાંભળી ન સાંભળી કરીને આવેલા ફૂડની પૂરી મજા માણતાં પણ પૃથાએ શીખી જ લીધું. ક્યારેક તો આ બધું સાંભળીને રમુજ થતી હોય એમ એ હસી પડતી.
આમ ને આમ રગડધગડ કરતાં દસ મહિના નીકળી ગયા. ફ્લેટનાં માલિકે અગિયાર મહિના પૂરા થયે ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી.
સૌથી પહેલાં તો "અમે પોતાનું ઘર ખરીદતાં પહેલાં એટલે કે તારા બાપનાં નાનપણમાં ભાડાનાં મકાનમાં એક જ ઘરમાં સાતસાત-આઠઆઠ વરસ સુધી રહેતાં. કોઈ ઘર ખાલી કરવાનું ન કહેતું. ઉલટું, મકાન માલિક સાથે ઘર જેવો સંબંધ બંધાઈ જતો. અને આ હવેનાં મકાન માલિક તો.. લૂંટવા જ બેઠા છે."થી શરૂ થયું. પછી દલાલ મારફત ફ્લેટ શોધવામાં વાંધો. "અરે, ચાર ઓળખીતા-પાળખીતાઓને કહીએ એટલે વહેલું-મોડું મકાન મળી જ જાય. એના માટે કંઈ પૈસા થોડા દેવાય? શું જમાનો આવ્યો છે! લોકો લૂંટવા જ બેઠાં છે."
"દાદી, અહીં ચાર ઓળખીતા ક્યાં શોધવા જવાનાં? અને વહેલું મોડું ન ચાલે. એક મહિનામાં ઘર ખાલી કરવું પડે." પૃથાએ કાયદો સમજાવવાની કોશિશ કરી.
"મેર મુવા! એક જ મહિનો? તું એની હારે વાત તો કર! બે ત્રણ મહિનાનો સમય માંગી લે."
પણ પૃથાએ" ઓફિસમાંથી દલાલ સાથે વાત કરાઈ ગઈ છે" એમ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.
જેમ તેમ કરીને ઓફિસથી નજીકના વિસ્તારમાં ફ્લેટ મળી ગયો પૃથાને થયું કે 'હાશ, હવે સવાર-સાંજ અડધોઅડધો કલાક બચી જશે. દાદીને ખુશ કરવા ક્યારેક રસોઈમાં મદદ પણ કરી શકીશ અને સવારે પંદર મિનિટ વધુ ઊંઘવા પણ મળશે.' જોકે દાદીનાં રાજમાં વધુ ઊંઘવા મળવું જરા અઘરું તો હતું, પણ આશા રાખવામાં શું જાય છે, હેં? હવે એક નવી પારાયણ શરૂ થવાની હતી એનો પૃથાને બિલકુલ અંદાજ નહોતો.
ઘર નક્કી થઈ ગયું છે એવી ખબર પડી કે તરત પાર્વતીબેન શરૂ થઈ ગયાં. " જો બટા, સામાન સમેટવાની ચિંતા તું જરાય ન કરતી. અમે ઘણાં ઘર બદલ્યા છે એટલે હવે સારી આવડત થઈ ગઈ છે. કપડા અને પરચુરણ વસ્તુઓ તો હું ધીરે ધીરે પેટીમાં ભરતી જઈશ. બે બે જોડી કપડાં અલગ રાખી દેશું એટલે છેલ્લા દિવસોમાં કામ આવે. રસોડાની પણ થોડી થોડી વસ્તુ સમેટવા લાગીશ. આમ પણ તું ઓફિસ જાય પછી મને ઘણોય વખત ખાલી મળે છે. રોજ સાંજે તને થોડું થોડું શીખવાડતી જઈશ." દાદી એકધારું બોલ્યે જતાં હતાં.
"જો તને કહું. અમે છે ને કાચની મસાલાની બરણીઓને મોઢા ઉપર કપડું બાંધી દઈને અનાજનાં ડબ્બામાં દબાવીને ભરી દેતાં. જરાય હલેચલે જ નહીં ને! પછી અથડાય તો ક્યાંથી?
"મોઢા પર કપડું કેમ બાંધવાનું, દાદી? મસાલો ઉડે નહીં એટલે ? પણ બરણી તો બંધ હોય ને?" પૃથાને નવાઈ લાગી.
"અરે છોકરી, બરણીનાં મોઢાને કપડું બાંધવાનું,આપણા મોઢા પરન નહીં! આ આજકાલના છોકરાંવે કશું જોયું જ ન હોય તો સમજાય ક્યાંથી?" દાદીએ ફરી બળાપો કાઢયો. " એ બધું પેકિંગ કરતી વખતે તને સમજાવીશ. તું છેલ્લું એક અઠવાડીયું રજા લઈ લેજે, આપણે બે ભેગા થઈને બધું પેક કરી નાખશું. તું ખાલી ખટારાનું કહી દેજે."
"ખટારો? એવું ન કહેવાય દાદી, ખરાબ લાગે. ટ્રક કહેવાય."
"ઈ તમારી અંગ્રેજી ભાષામાં. ગુજરાતીમાં તો ખટારો જ કહેવાય."
"દાદી એની જરૂર નથી."
"જરૂર કેમ નથી? શીખવું તો બધુંય જોઈએ. આ દાદી કંઈ કાયમ થોડી તારી હારે રહેવાની છે?
"દાદી, મારી વાત સાંભળો. આપણે કંઈ પેકીંગ કરવું જ નહીં પડે."
"તારે કંઈ શીખવું જ નથી એવું નક્કી કરીને બેઠી છો?" દાદી ચીડાયા.
"દાદી, દાદી! એવું કંઈ નથી. પણ આપણે મુવર્સ એન્ડ પેકર્સને કહી દેશું."
"મુવા...એ શું? બળ્યા નામેય કેવા છે!"
"મુવા નહીં દાદી, મુવર્સ. એ લોકો આવીને એક જ દિવસમાં પેકિંગ કરી ટ્રકમાં ભરી અને નવા ઘરે ઉતારી જશે. થોડા વધુ પૈસા આપો તો સામાન ખાલી કરીને ગોઠવી પણ જાય." પૃથાએ ફોડ પાડ્યો.
"લે, આવું કામ કરનારા પણ મળી જાય? પણ છોકરી, આપણાથી જે કામ થઈ શકે એ કામના પૈસા શું કામ દેવા? આપણા જેવું તો ઈ લોકોને આવડેય નહીં. નકામા લૂંટવા જ બેઠા છે."
"દાદી, એ લોકો ઘણાં લોકોનાં ઘર બદલતા હોય. એમને બધું આવડે. ને રહી વાત પૈસાની, તો તમને કહી દઉં કે અઠવાડિયાની રજા લેવામાં જેટલો પગાર કપાય, એનાં કરતાં ઓછા પૈસામાં કામ થઈ જાય. એટલે સરવાળે ફાયદો જ થાય."
"પણ…" એમ કંઈ દાદી એટલી જલ્દી કોઈ વાત સ્વીકારી શકે?
"તમે મારી વાત સાંભળો તો કહું ને કે મેં ઓલરેડી વાત કરી લીધી છે.!" છેલ્લે પૃથાએ બોમ્બ ફોડયો.
"આ આજકાલની છોકરીયું કોઈ વાત માને જ નહીં. પૈસા કમાવા છે અને ઉડાડવા પણ છે." દાદીનો બબડાટ શરૂ.
ના પાડવા છતાં દાદીએ પોતાના બે જોડી કપડાં બાજુ પર રાખીને બાકીનાં પેક કરી લીધાં.
અંતે એ દિવસ આવી પહોંચ્યો. પૃથાએ શનિવારે અડધા દિવસની રજા લીધી અને બપોરથી જ પેકર્સ આવી ગયા. ત્રણ લોકોએ આવીને અલગ અલગ જગ્યાએ પેકિંગ શરૂ કર્યું. દાદી આમથી તેમ ફરતાં જાય ને ત્રણેયને વારાફરતી સૂચનાઓ આપતાં જાય. બેડરૂમમાં-" જોજે ભાઈ, અરીસો ફૂટે નહીં, કપડું બરાબર વીંટાળજે." રસોડામાં-"કાચનું એકેય વાસણ ફૂટવું ના જોઈએ હો!"
વચ્ચેના એરિયામાં-"અરે, આ બાથરૂમનો ઝીણો સામાન છૂટી ન જાય. એ બધું ડોલમાં ભરી દેજો!"
પેલા ત્રણેય અકળાય, પણ બોલે શું? છેલ્લે એકની ધીરજ ખૂટી. કહે, "બા તમે એક બાજુ બેસી જાવ. બધી વસ્તુઓ આમથી તેમ પડી છે. નકામું કંઈ પગમાં આવશે તો પડશો. અમે અઠવાડિયામાં બેથી ત્રણ ઘર પેક કરતા હોઈએ છીએ. અમને આ કામની ફાવટ છે. કંઈ રહી પણ નહીં જાય ને તૂટફૂટ પણ નહીં થાય."
પાર્વતીબેન મોઢું કટાણું કરીને એકબાજુ બેઠાં. અઢી કલાકમાં પેકિંગ થઈ ગયું. અડધા કલાકમાં સામાન ટ્રકમાં લોડ પણ થઈ ગયો અને બીજા એક કલાકમાં તો બધા નવા ઘરમાં સામાન ઉતારતા હતા. એ લોકોએ ખાટલો ગાદલા વગેરે ખોલી આપ્યા અને ફરી સવારે આવવાનું કહીને ગયા. પૃથાએ દાદીને ખાટલા પર બેસાડી, એમની આંખમાં આંખ નાખીને એક સ્મિત આપ્યું. " દાદી, હવે બોલો! આટલું જલ્દી આપણે કરી શકત? દાદીએ માત્ર સ્મિત આપ્યું. બોલવા જેવું તો ક્યાં રહ્યું જ હતું?
પૃથાએ વાત આગળ વધારી,"હજુ કાલે સવારે ત્રણ લોકો આવશે અને બધો જ સામાન ગોઠવી આપશે. તમે ક્યાં શું મુકવાનું છે એ એમને કહેતાં રહેજો. હવે એ લોકો ઉતાવળ પણ નહીં કરે. તમે જેમ કહેશો તેમ ગોઠવી આપશે. હવે દાદીનું મોઢું હસું હસું થઈ રહ્યું. છેવટે કોઈ એમનાં કહ્યા મુજબ કરશે.
એટલી વારમાં દરવાજાની બેલ વાગી. પાર્વતીબેનને થયું કે હજુ તો ઘરમાં પગ જ મૂક્યો છે ત્યાં કોણ આવ્યું હશે? પૃથા દરવાજો ખોલવા ગઈ અને હાથમાં મોટું પેકેટ લઈને પાછી આવી. " દાદી ચાલો જમવાનું આવી ગયું છે."
"હાશ પીલુડી, હું તો ચિંતામાં હતી કે જમવાનું કેમ બનશે?" દાદી ખૂબ ખુશ હોય કે પૃથા પર બહુ વહાલ આવે ત્યારે એને પીલુ કે પીલુડી કહેતાં.
દાદીને સારા મૂડમાં જોઈને જમતાં જમતાં પૃથાએ દાદીની મસ્તી કરવાનો મોકો ઝડપી લીધો. " દાદી, તમે લોકો ઘર બદલતાં ત્યારે જમવાનું શું કરતાં?"
"અરે પીલું, અમે તો ગમે તેટલા થાક્યાં હોઈએ તો પણ રસોડાનો સામાન ખોલવો જ પડે ને ખીચડી બનાવવી પડે. એ દિવસે બધાં ખીચડી અને દૂધ ખાઈને સૂઈ જાય. પણ આ પહેલીવાર તારું પેલું શું કહેવાય?-સીગી! હા,ઈ હારું કામ આઈવું,હો! "
"દાદી, મને ગુરુ બનાવી લો તો તમને ઘણું શીખવા મળશે." પૃથા પણ દાદી પાસેથી વખાણ સાંભળીને ચગી.
ગુરુ તો નહીં પણ દાદીએ એને નાનપણની જેમ ફરી દોસ્ત બનાવી.
પૃથાએ એક ફોનમાં ગુજરાતી ફોન્ટ નાખી આપીને એમને વાપરતાં શીખવ્યું. સ્વીગી- ઝમેટોનાં ઍપમાંથી દાદી વાનગી પસંદ કરતાં થયાં. પેમેન્ટ પૃથા જ કરતી. યુ ટ્યુબ પર ગુજરાતી નાટકો અને ફિલ્મો જોવાનો દાદીને ચસ્કો લાગ્યો.
ઘરનાં લોકોને જરા પણ અંદાજ ન હતો કે હવે પછીની રજાઓમાં દાદી-પૌત્રી ઘેર જશે ત્યારે દાદીનું એક નવું જ રૂપ એમને જોવા મળવાનું હતું.