Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
‘મહોતું’ : સ્ત્રી સંવેદનાની ધબકારની વાર્તા
ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક યુગમાં રામ મોરીએ નાની વયે દિલ્હી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર(૨૦૧૭) મેળવીને વાર્તા સ્વરૂપમાં તેમના નામની ઓળખ ઉભી કરી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનકડા ગામ લાખાવાડના આ યુવા વાર્તાકાર વિશે વાર્તાકાર અને વિવેચક એવા બિપિન પટેલ નોંધે છે કે.., “બાવીસ વર્ષનો વાર્તાકાર વાર્તા લખે તો શેની વાર્તા લખે ? કોની વાર્તા લખે ? કદાચ પ્રેમની વાર્તા લખે અને સ્ટોક ખૂટી જાય તો ‘સમાજ કો બદલ ડાલો’ સમાજવિરોધી વાર્તા લખે, પરંતુ આ વાર્તાકારનો કૅમેરો આપણને આશ્ચર્ય થાય એમ પુરુષ હોવા છતાં સ્ત્રી જગત પર ગોઠવાયો છે”(મહોતું : પૂન મુદ્રણ ૨૦૧૮, પૃ-૧૩૯). રામ મોરી પાસેથી ‘મહોતું’(૨૦૧૬) વાર્તાસંગ્રહ ઉપરાંત અન્ય કૃતિઓમાં ‘coffee સ્ટોરીઝ’, ‘કંકુના સૂરજ આથમ્યા !’ અને ‘કન્ફેશન બોક્સ’ જેવી કૃતિઓ મળે છે.

‘મહોતું’માં કુલ ૧૪ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. જેમાં ‘એકવીસમું ટિફિન’, ‘બળતરા’, ‘ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ !’, ‘એ તો છે જ એવા’, ‘વાવ’ વગેરે વાર્તાઓ સ્ત્રી સંવેદનાને વ્યક્ત કરતી વાર્તાઓ છે. પરંતુ મારે અહીં એવી જ સ્ત્રી સંવેદનાની ધબકારની અનુભૂતિ કરાવતી વાર્તા ‘મહોતું’ને આસ્વાદ કરવાનો મારો ઉપક્રમ છે.

વિષયવસ્તુના આરંભે ‘એ જય સગતમાં મારી બેનીને’ ડેલીમાંથી બપોરના સમયે કાંગસડીનો અવાજ આવ્યો. કોરે બેઠી બેઠી નાયિકા હર્ષા ભરત ભરતી’તી. હર્ષાની બાને(માને) આ કાંગસડી સાથે વર્ષોથી બહેનપણા. એક આ કાંગસડી જ હતી જેની સાથે હર્ષાની બા પેટ ભરીને વાતો કરતી. જ્યારે તેના બાપુને આ બધું ન ગમતું. હર્ષાના બાપુ ઘણી વખત કહેતા : “આવા ને આવા મોહતા હાર્યે વળી હું સંબંધ રાખવાનો ? એની હાર્યે તો વાટકી વહેવારય નો હોય”(પૃ-૧૪). તેથી જ્યારે બાપુ આવતા એટલે કાંગસડી સાથે બાનો પણ વારો કાઢી નાખતા. એક દિવસ હર્ષા જ્યારે બેઠી બેઠી નિશાળે જવા બેય ચોટલા ગુંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. ત્યારે અચાનક અવાજ સંભળાયો..,“ઓય મારી માડી રે... મને મારી નાખશે ઈ રોઝડીનાવ”. સૂજેલી આંખે હર્ષાની બહેન ભાવુડી સાસરેથી આવેલી. ડેલામાં બધા ભેગા થયા જેમાં બહાર પુરુષો અને ઘરમાં સ્ત્રીઓ અને એમાંયે ભાવુડીને બધી સ્ત્રીઓ સમજાવતી હતી : “હસે બેન... ગમે એમ તોય તારું હાચું ઘર તો ઇ જ છે ને !”(પૃ-૧૫). વગેરે... આ બધું સાંભળી હર્ષાને દાઝ ચડતી હતી. થોડીવાર પછી નક્કી થયું ને ભાવુડીને પાછી સાસરે વળાવવા એક કાકા ઘરમાં ભાવુડીને ઘરમાં લેવા આવ્યા ત્યારે બાએ કીધેલું...,“મારી સોડીને મારી નાખશે ઇ નભ્ભાયા. મારી સોડીને મારે નથી મૂકવી ન્યાં”(પૃ-૧૬). ત્યારે હર્ષાના બાપુ આવ્યા ને ભાવુડીનું બાવડું ઝાલીને બોલ્યા..,“થા મોર્ય, નકર વારો પાડી દેશ મા-દીકરી બેયનો. તારી માને આંખો ભવ ઘરમાં ગુડી રાખવી છે ? વહવાયા સવી આપડે કાંય...?”(પૃ-૧૬). રોતી કકળતી ભાવડીને પાણી પણ પીવા ન મળ્યું ને પાછી એ જ રસ્તે ધકેલી (ગાડીમાં બેસાડીને સાસરે મોકલી). બધુ વિખરાઈ ગયેલું. ક્યારેક-ક્યારેક ભાવુડીનો ફોન આવતો તો હર્ષા વાત કરતી. બા જોડે હોવા છતાં પણ કહેતી..,“હરસુડી, ભાવડીને ક્યે કે બા વાડીએ ગ્યા છે...”. હર્ષા બોલતા અટકાતી એટલે બા કહેતી..,“નભ્ભાય, તને તો ખોટું બોલતાંય નથ આવડતું”. અને પછી કપાયેલા ફોનને પકડીને રોયા કરતી. ક્યારેક હર્ષાને પૂછતી..,“હર્ષા, મારી ભાવુએ બીશારીયે ખાધું હશે ?”(પૃ-૧૬). ક્યારેક હર્ષાની રાત્રે આંખ ઉઘડતી ને જોતી તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી ત્યાં બેઠી રહેતી અને અંધારામાં અપલક જોયા કરતી. એ સમયમાં આ કાંગસડી આવતી થઇ ને હર્ષાની બા’ને બેનપણા થયેલા. કાંગસડી નખ રંગવાની શીશી, ચાંદલા વગેરે વેચવા આવતી. એકવાર હર્ષાએ સ્કેચપેનથી તેના હોઠ રંગેલા ને બા જોઈ જતા ખિજાઈને બોલેલી.., “નભ્ભાઈ, તાર બાપ ભાળશે તો વારો પાડી દેશે, ભૂંશ બધા આ વણઝારણ જેવા વેશ !”(પૃ-૧૮). આ કાંગસડીના પગમાં ક્યારે ચપ્પલ કોઈ દિવસ જોયા ન હતા. તેથી બા’એ એને ચંપલ આપતાં કહ્યું..,“લ્યે બેન ચંપા, આ ચંપલ મારે કશા કામના નથી. તું પેર્ય તને પગબયણું લાગતું હશે !” ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી. “તમારી બાયુના સંપલ અમારું જોમ નો ખમી હકે”(સંવાદ; પૃ-૧૮). હર્ષા બા’ને ઘણી વખત કે’તી કે..,“બા આની પાહે તો જાતજાતનું તૈયાર થવાનું છે તો કેમ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય ? એની વગનું જ છે બધું સૂંડલામાં તોય ભૂત જેવી થઈન કાં આંટા મારતી હોય છે ?” ત્યારે બા કે’તી કે “પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો તો કેવું હારુ હોત”(સંવાદ; પૃ-૧૮). બા કાંગસડીને દરેક ફેરે છાશ ડુંગળી અને રોટલો આપતી. બદલામાં કાંગસડી હર્ષાને ચાંદલાનું પાકીટ મફતમાં આપતી. હર્ષા ના પાડતી તો બા’કહેતી લઈલે માસી થાય. એક વાર અચાનક બાપુ આવી ગયેલા એટલે કાંગસડીને ભગાડી મૂકેલી. ત્યાર પછી કેટલાય દિવસ સુધી એ દેખાણી નહીં. ભાવડી ઘેર આવ્યા પછી તો બાપુનું મા-દીકરી ઉપર હાથ ઉઠાવવાનું વધી ગયેલું. એકવાર બા’એ બાપુને કહ્યું કે... ઘણા દિવસ થઇ ગયા ભાવુડીના બાપુ તમે એક આંટો મારી આવો તો... બાપુએ ખણખણણણણણ કરતો તાંસળીનો છુટ્ટો ઘા કરેલો. અને ગાળો બોલી. હર્ષાનું ગામમાં આઠમું ધોરણ પૂરું થઈ ગયું પણ ભાવુડીના કેસને કારણે બીજે આગળ ક્યાંય ન જઈ શકી અને હર્ષા ભરત ગુંથતી થઈ ગઈ. વાર્તા ફ્લેશબેક માંથી પાછી આવતા આજે કેટલાય દિવસ પછી કાંગસડીનો “જય સગતમાં મારી બેનીને...”(પૃ-૨૦) અવાજ સંભળાયો ને બા પણ હરખાઈ ગયા. કાંગસડી સાથે એક નાની કાંગસડી આવી હતી. તેના વિશે બા’એ પૂછ્યું કે.., “તે બેન, આને તો તે પયણાવી દીધી’તી ને ?”. કાંગસડીએ કહ્યું હા “...પણ ભમરાળો એનો વર, પિટ્યો દારૂડિયો હતો” એ મારકૂટ કરતો એટલે એના પાડોશીનો ફોન આવેલો અને કાંગસડી દીકરીને ત્યાંથી લઈ આવેલી. વાર્તાના અંત તરફ જતા વાતો વાતોમાં બાપુની ગાડીનું હોર્ન વાગ્યું ને હર્ષા બાકીનું સાંભળ્વા ન રોકાણી દોડતી જઈને દરવાજો ઉઘાડ્યો. તેના બાપુ હર્ષાને બોલ્યા ને કહ્યું.., “ન્યાં હું એના બાપની દાટી હતી ? ઠેક... ઓલી આવી હશે હેને મહોતાવાળી”(પૃ-૨૧). પેલી બાજુ એ કાંગસડી ત્યાંથી નીકળી ગઈ ને આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. હર્ષાને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું કે...,“બાપુ, મહોતું તો મારી બાએ ઓઢું છે... લેરિયું પે’રીને ઓલી મા-દીકરી તો ક્યારનીય નીકળી ગ્યું !”.

પાત્ર લેખન તરફ નજર કરતા સર્જકે વાર્તા પ્રથમ પુરુષ એકવચન આલેખી છે. પરંતુ, સર્જકે હર્ષાના મોઢે આખી વાર્તા વર્ણવી છે. હર્ષાની બહેન ભાવુડીને તેનો પતિ મારે છે એટલે તે સાસરેથી પાછી આવે છે તેનું પાત્ર સર્જક હર્ષાના મોંઢે આ રીતે રજૂ કરે છે.., “ગૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂઝી ગયેલી આંખ્યું, પરસેવે રેબઝેબ ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાંહો લાલચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલાં. બાના ગળામાં બેય હાથ પરોવી એ લગભગ બેસુધ જેવી થઈ ગયેલી”(પૃ-૧૬). અંતે તેને સમજાવીને ઘરેથી ધકેલીને ગાડીમાં બેસાડી પાછી સાસરે મૂકવામાં આવે છે. આ ઘટનાને કારણે હર્ષાનું ગામમાં આઠમું ધોરણ પૂરું થતા તેને આગળ ભણવાનો મોકો નથી મળતો તેથી તે ભરત ગુંથણ કામ હાથમાં પકડે છે. તો તેની બા ભાવડીની ચિંતામાં રાત દિવસ પસાર કરે છે. તેનું પાત્ર સર્જક હર્ષાનાં મોંઢે આ મુજબ રજૂ કરે છે.., “બા તો નમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે...! ખાતી ખાતી ક્યારેક મને પૂછે કે, “હર્ષા, મારી ભાવુએ બીશારીયે ખાધું હશે ?” ને પછી કોળિયો એના ગળે નો ઉતરે. રાતે બા મારી ભેગી સૂતી હોય, અડધી રાતેય મારી આંખ ઊઘડી જાય ને જોવું તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી ન્યાં અટાણે અંધારામાં અપલક જોયા કરતી હોય”(પૃ-૧૬). તો વળી ક્યારેક એના પતિની માર પણ સહન કરવી પડતી. કાંગસડી ચંપાને જોઈને તેના હરખનો પાર ન રહેતો.

સાડા નવ પાનાની વાર્તાની ભાષા શૈલીમાં સંવાદ, વર્ણનો અને વાર્તાની જુદેરી ભાત પાડતા સ્ત્રી સંવેદનશીલ વિશેષ તારણો સર્જકની ભાવનગરની બોલી થકી વાર્તા ઉપસી આવે છે. રામ મોરીની વર્ણનશક્તિ વાર્તામાં સુપેરે ખીલી ઉઠી છે. જ્યારે ભાવડી સાસરેથી છાની ભાગીને આવેલી ત્યાર પછી એની ચર્ચામાં ભેગા થયેલા સ્ત્રી-પુરુષો જેમાં ડેલાના આસપાસનું વર્ણન..,“આખા ડેલામાં લાલ-લીલી-પીળી-કેસરી બાંધણીઓ ને લેરિયાનાં ઘૂમટાઓ ઉભરાવવા લાગ્યા હતા. ઓશરી ને ફળિયામાં ગામનાં કડિયા ચોયણા સમાતા ન હતા. ચાના સબડકા, બીડીયુંના ધુમાડા ને બજર છીકણીનાં પડીકા ને પિચકારી વચ્ચે જાણે બધા શું લેવા ભેગા થ્યાસ ઈ તો જાણે બધા ભૂલી જ ગયા. હું તો ચૂલેથી ત્યારે ચા મુકવામાંથી જ નવરી નો’તી થાતી. ગૅસ ઉપર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂંછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જાણે કોઈ અગમ ઉકેલ આપવાના હોય એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણીયાનો ધુમાડો કાઢતાં કાઢતાં ખાટલે ગોઠવાઇ ગયેલા”(પૃ-૧૫). તો વળી સર્જકે હર્ષા થકી કાંગસડી ચંપાનું કરેલું વર્ણન જોઈએ તો..,“એની ઓઢણીની જરીવાળી કોર્ય તડકામાં બહુ જ તબકે. બેય હાથમાં લીલીલાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડ્ડા બુટ્ટા અને ઈ બુટ્ટાની પાતળી સાંકળ જેવી સર્યુ ઠેઠ વાંહે અંબોડા માથે પીનમાં ખોસેલી. એણે એના જાડા કાળા ભમ્મર વાળને અંબોડામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ત્યારે એના પીળાં પડી ગયેલાં માવો ખાતાં દાંત ચમકે, જાડા હોઠ, ગળામાં બેય હાથમાં મોર, પોપટ, ટિબક્યું, વીંછી, ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડિલ ને કમખાને ચણીયાની વચાળ લચી પડતાં પેટ ઉપર ધોળા ને લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ ઉપર ચાંદીના મેલા ઝાંઝર. મને એના હોઠ હેઠેની કાળી ટીલી બહુ જ ગોઠતી”(પૃ-૧૭). વાર્તામાં આવતા સંવાદો કથાવસ્તુમાં સમાવેલ છે.

વાર્તામાં પ્રાણ પૂરનારા સ્ત્રી સંવેદનશીલ વિશેષ તારણો જોઈએ તો :-
  • “અસતરીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગઈ હોય. આ કાનમાં મોટા ઠોળિયા ને વધારાના વિંધાની ટિબક્યું એટલે જ સ્ત્રી છે કે આ બધું કાનમાંથી કાઢી નાખવાનું, સંઘરવાનું નહીં !”(પૃ-૧૪).
  • “હસે બેન... ગમે એમ તોય તારું હાચું ઘર તો ઈ જ છે ને !”(પૃ-૧૫).
  • “સહન કરતાં શીખ્ય ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા નો કરવી”(પૃ-૧૫).
  • “દખ તો બેન કોને નથી પડતા હેં બહેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ”(પૃ-૧૫).
  • “ને ગમ્મે એમ હોય ઈ આપડો માણહ છે, ઈ નો મારે તો કોણ પાડોશી આવે ?”(પૃ-૧૫).
  • “અગન કસોટી છે આ બધી અસતરીના અવતારની. એને ભોગવ્યે જ છૂટકો મારી બહેન” (પૃ-૧૫).
  • “કઠણાઈની કાબર્ય મારી બેન... કાલ્ય હવારે જણ્યા આવશે મા, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાસે”(પૃ-૧૫).
  • “અમાર લખમીને બાપા કેવા દખ પડ્યા’તા હેં ? પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે”(પૃ-૧૫).
  • “તોય તારે તો હારુ હારું છે ભાવુ, બાકી અમાર સજનબા જેવું તને થ્યું હોય તો તો તું સીધી કૂવામાં જ પડ્ય”(પૃ-૧૫).
  • “મારી સોડીને મારી નાખશે ઇ નભ્ભાયા. મારી સોડીને મારે નથી મૂકવી ન્યાં”(પૃ-૧૬).
  • “થા મોર્ય, નકર વારો પાડી દેશ મા-દીકરી બેયનો. તારી માને આંખો ભવ ઘરમાં ગુડી રાખવી છે ? વહવાયા સવી આપડે કાંય... ?”(પૃ-૧૬).
  • “નભ્ભાઈ, તાર બાપ ભાળશે તો વારો પાડી દેશે. ભૂંશ બધા આ વણજારણ જેવા વેશ !”(પૃ-૧૮).
  • “તારી માની જધ્ધે ઘોડાઆણ્યની, તારી માએ મારી આબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યાં મોકલવો છે ? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડીયુંમાં શું આવે ? જલમ્યા ભેગી મારે તો જળુંમ્બમાં ગુડી દેવાની જરૂર હતી તો આ દિ’ જ નો આવત”(પૃ-૧૯).
  • “બાપુ, મહોતું તો મારી બાએ ઓઢ્યું છે... લેરિયું પે’રીને ઓલી મા-દીકરી તો ક્યારનીય નીકળી ગ્યું !”(પૃ-૨૨).
રસ અને સંઘર્ષની બાબતમાં જોઈએ તો વાર્તા મુખ્ય કરુણરસમાં નિરૂપાઈ છે. જેમાં હર્ષા, ભાવુડી, તેની બા, વસનફોઈ અને ચંપા કાંગસડીની દીકરીની કરુણતા આલેખાઈ છે. એક જ વાર્તામાં ચાર-પાંચ સ્ત્રીની વેદનાને વ્યક્ત કરી છે જે સર્જકની સર્જનશક્તિ પ્રસન્નીય છે. હર્ષા તેના આગળ થતી દરેક ઘટના નિર્જીવ બની નિહાળ્યા કરે છે. હર્ષા ગામમાં આઠ પાસ કર્યા પછી આગળ ભણવા માંગતી હતી પરંતુ, ભાવડીના કેસના કારણે બહારગામ ભણવા ન જઈ શકી. બંને મા-દીકરી ની કરુણ વેદના જોઈએ તો..,“ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. વાતે વાતે ઈ બા ઉપર છુટ્ટો ઘા કરી લેતા”(પૃ-૧૯). સંઘર્ષમાં વાર્તામાં આવતું દરેક સ્ત્રી પાત્ર પુરુષોના ત્રાસથી સ્વતંત્રતા મેળવવા સંઘર્ષી બતાવ્યું છે. એક માનો દીકરી માટે સંઘર્ષ જોઈએ તો..,“મારી સોડીને મારી નાખશે ઈ નભ્ભાયા. મારી સોડીને મારે નથી મૂકવી ન્યાં”(પૃ-૧૬).

ગ્રામ્યપ્રદેશની સ્ત્રીઓની પરિસ્થિતિ જાણીને રામ મોરીએ તેમની વેદનાનું અહીં આલેખન કર્યું છે. જેમાં વિષયવસ્તુ, પાત્રાલેખન, ભાષા શૈલીમાં જોવા મળતું વર્ણન, સંવાદ, રસ-સંઘર્ષ અને સ્ત્રી સંવેદનશીલ વિશેષ તારણો સર્જકે સુપેરે વ્યક્ત કર્યું છે. આ વાર્તા થકી સ્ત્રી જીવનનું અજવાળું અને અંધારું આપણી સમક્ષ ખીલી ઊઠે છે.

સંદર્ભગ્રંથ:-
  1. ‘મહોતું’- રામ મોરી, પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ., આવૃત્તિ -પૂન મુદ્રણ : ડિસેમ્બર, ૨૦૧૮., મૂલ્ય- ૧૪૦.
સુરેશ તુરી, કેસરગામ, તા: થરાદ, જિ:બનાસકાંઠા, પોસ્ટ: લુવાણા ૩૮૫૫૬૫, મો: 9662341983, email : suryabarot8@gmail.com.