Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
છેલ્લા બે દાયકાની ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીસમસ્યા : એક અભ્યાસ
પ્રસ્તાવના :

વીસમી સદીના વલોપાતને જીરવ્યા પછી સામાન્ય માણસની એકવીસમી સદી પાસે બહુ મોટી અપેક્ષાઓ હતી. વીસમી સદીએ વિશ્વની ઘણી ઊથલપાથલ જોઈ. વિશ્વયુદ્ધની ભયાનકતા, વિનાશક શસ્ત્રોનું સામ્રાજ્ય, લોકશહી અને સામ્યવાદી શાસનવ્યવસ્થાઓ તરફની ખેંચતાણ, કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ, વિકાસની આડમાં ગેસચેમ્બર બની ગયેલી સૃષ્ટિ, ટેકનોલોજીના વધુ ઉપયોગથી યંત્રમાનવ તરફ ગતિ કરી રહેલો માનાવસમુદાય, સમાનતાના નામે પ્રવર્તી રહેલી અઢળક અસમાનતાઓ અને છેલ્લે જે જોવાનું બાકી રહી ગયું હતું તે કોરોના જેવી વૈશ્વિક મહામારી. આ બધામાંથી માનવસમાજના વિકાસ અને પ્રગતિનું જે સામૂહિક ચિત્ર ઉપજે છે તે આઘાતજનક છે અને એક મનુષ્ય તરીકે જીવતા રહેવા માટે બહુ જોખમકારક પુરવાર થાય એવું છે .આપણો વિકાસ આજે એકાંગી અને પાંગળો પુરવાર થયો છે. વિકાસ એટલે ‘માત્ર આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક ઉપકરણોનો ખડકલો’ જેવા ખ્યાલોમાંથી આપણે મુક્ત થઈ શક્યા નથી. માનવીય મૂલ્યો, મનવીય સમાનતાઓ અને માનવવીય અપેક્ષાઓના સમુચિત વિકાસમાં આપણું ચિત્ર કરુણા ઉપજાવે એવું છે.

સાહિત્ય સમાજનું જે પ્રતિબિંબ ઝીલે તે યથાર્થ છે, વાસ્તવને અવગણીને ચાલનારું છે કે કપોળકલ્પિત છે તે સાંપ્રતમાં રચાતા જતા સાહિત્યના અભ્યાસ પરથી સિદ્ધ થાય. સ્ત્રી અને પુરુષ એવા સમાજના આધારરૂપ બે અંગોમાંથી અડધોઅડધ હિસ્સો ધરાવનાર સ્ત્રીના જીવનની મુખ્ય જટિલ સમસ્યાઓ અને સળગતા પ્રશ્નોને સાહિત્ય સ્પર્શી શક્યું છે કે કેમ તે ટૂંકીવાર્તા કે નવલકથા જેવા સાહિત્યમાં ડોકિયું કરતાં સ્પષ્ટ રીતે પામી શકાય છે. વીસમી સદીમાં ગુજરાતી ટૂંકીવાર્તાના ઉદ્ભવ સાથે વીસમી સદીના અંત સુધીમાં જે નારીસમસ્યા કે નારી-સભાનતાનું જેવું ચિત્ર ગુજરાતી ટૂંકીવાર્તામાં રજૂ થયું હતું એવું જ ચિત્ર, લગભગ એને મળતું, ભળતી સમસ્યાઓ જ એકવીસમી સદીના આ છેલા બે દાયકા દરમિયાન જોવા મળી છે. દસેક ટકા નારી-સમસ્યાઓ કે નારીસમજણનાં ચિત્રો બદલાયાં છે એમ કહી શકાય, પરંતુ મૂળગામી સમસ્યાઓ તો ત્યાં જ રહી જવા પામી છે. માનવજાતના ૫૦૦૦ વર્ષના ઇતિહાસનો આ સાર કહો, કે સમસ્યાઓનો ચિતાર જે વીસમી સદીમાં હતો તે જ એકવીસમી સદીમાં પણ જોવા મળે છે. બદલાતા સમય, ટેકનોલોજીમાં પરિવર્તન, વધતું શિક્ષણ, સ્ત્રીઓની વ્યવસાયિક જરૂરિયાતો, બદલાતો સમાજ, રૂઢિ પરંપરાઓ, નવી પેઢીનું ચિંતન અને વિશ્વ સાથે કદમ મિલાવવાની ઘટનાઓમાંથી કેટલીક સમસ્યાઓનું સ્વરૂપ બદલાયું છે. જૂની સમસ્યાઓનું સમાધાન મેળવવા જતાં ક્યાંક નવા જ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે. નારીની વ્યવસાયિક સજ્જતાને કેળવવા જતાં તેનો સમાજના અન્યાયી નિયમો અને રૂઢિચુસ્ત માનસિકતા સામે સંઘર્ષ ઊભો થતાં સમાજરચનાના નવા જ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. માણસનો અન્ય પર આધિપત્ય મેળવવાનો ગુણ, કહો કે આદિમ વૃત્તિ આજે નવાં સ્વરૂપે દેખા દઈ રહી છે. પુરુષનું સ્ત્રી પર પ્રભુત્વ હોય કે સ્ત્રીનું પુરુષ પર પ્રભુત્વ હોય, એક જ્ઞાતિનું બીજી જ્ઞાતિ પર હોય કે એક સમાજનું બીજા સમાજ પર હોય, એક દેશનું બીજા દેશ પર પ્રભુત્વ હોય. આ પ્રભુત્વ સ્થાપવાની હોડમાંથી સંઘર્ષો જનમ્યા જ કર્યા છે. સ્ત્રીઓ બાબતે આમાં એક બીજું પાસું ઉમેરવું પડે છે તે તેનું સૌંદર્ય અને પ્રકૃતિદત્ત સ્ત્રી-શરીરની ભિન્નતા અને વિશેષતા. પુરુષની અમર્યાદિત કામવૃત્તિ સંતોષવાના અને ભડકાવવાના અનેક રસ્તાઓની નીતનવીન શોધને કારણે સુંદર શબ્દોની આડમાં તો, ક્યારેક પ્રગતિના ઉત્તમ વિચારોની આડમાં સ્ત્રીઓનું શોષણ થતું રહ્યું છે. સ્ત્રીઓ પોતે પણ ન સમજી શકે એ રીતે તેનું બજારીકરણ થયું છે. સૌંદર્યપ્રસાધનનાં સાધનોના ઢગલા પર એને બેસાડી દેવામાં આવી છે. શરીરસૌષ્ઠવના એવા ખ્યાલો રજૂ કરવામાં આવ્યા કે દુબળી-પાતળી, પ્રતિકાર ન કરી શકે એવી સૌંદર્યની દુર્બળ ઢીંગલીઓ, પ્રતીમાઓ આપણે જન્માવી છે. બીજી બાજુ, આવા અનેક ખોટા ખ્યાલોને કારણે જે પ્રશ્નો ઉદભવ્યા તે સમાજ પૂરતા જ સીમિત રહી ગયા. એને સાહિત્યમાં કે વાર્તામાં સ્થાન મળી શક્યું નહીં.

જે પ્રશ્નો આજે ૨૧મી સદીના ત્રીજા દાયકાના પ્રારંભે સમાજ પર પ્રભુત્વ ધરાવે છે તેના છૂટાછવાયા અંશો પણ ગુજરાતી ટૂંકીવાર્તામાં જોવા મળતા નથી. બે-ચાર વાર્તાકારોને બાદ કરતાં દરેક વાર્તાકાર પાસે પોતાના સમાજના, પોતાના પરિવારના કે પોતાના અનુભવોના મર્યાદિત વિષયો છે. પોતાના ક્ષેત્રમાંથી બહાર નીકળી સમગ્ર ભારત કે વિશ્વ પર નજર કરી શકે એવી એક સમ્યક અને સર્વવ્યાપી દૃષ્ટિ ધરાવતા સર્જકની ખોટ ગુજરાતી સાહિત્યમાં છે. તેથી ગુજરાતી વાર્તા નારીચેતના, નારીસમસ્યાને આલેખવામાં પણ એકાંગી રહી ગઈ છે. કથનકેન્દ્ર, ભાષા, પરિવેશ,વાતાવરણ એ બધાંની દૃષ્ટિએ ગુજરાતી વાર્તા ઠીક ઠીક પ્રમાણમાં વિકસી પરંતુ વિષયવૈવિધ્ય અને સમાજમાં બની રહેલી નિતનવીન ઘટનાઓને વાર્તાના કળાકીય સ્વરૂપમાં આલેખવામાં આ વાર્તા તદ્દન નિષ્ફળ ગઈ છે. આ બાબતનું સમગ્ર ચિત્ર રજૂ કરવામાં આવે તો એક અલગ સંશોધન થઈ શકે એટલો આ વિષય સમૃદ્ધ છે. પરંતુ આપણે માત્ર બે દાયકાની ગુજરાતી ટૂંકીવાર્તાઓનો જે અભ્યાસ ધ્યાને લેવાનો છે એમાં લગભગ ૨૦૦થી પણ વધુ વાર્તાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતી ટૂંકીવાર્તાના આ બે દાયકામાં નારીસમસ્યા અને નારી ચેતનાનું કેવું આલેખન થયું છે અને કયા વિષયો હજુ પણ સર્જનથી, સર્જક દૃષ્ટિબિંદુથી પર રહેવા પામ્યા છે તેનું મૂલ્યાંકન કરીએ. સમકાલીન નારીગૌરવના ચિત્રને નોંધતાં ડોક્ટર રંજના હરીશ કહે છે તેમ-
"નારીઓનો આ સંઘર્ષ તો હજુ પણ જારી જ છે. હકીકતમાં તો આજે પાષાણયુગ કરતાંય ખરાબ પરિસ્થિતિ છે. આજે તો કોઈ નિર્ભયા એમ કહે કે 'મારું શરીર મારું પોતાનું છે.' ત્યારે તેની સાથે શું થાય છે તેની આપણને સૌને ખબર છે. આજે નારીવાદની સૌથી મોટી માંગ સ્ત્રીની સલામતી, સ્ત્રીના શરીરનું રક્ષણ અને તેનું ગૌરવ તે જ છે. જો આપણે એક શાંતિપૂર્ણ સ્વસ્થ સમાજનું સર્જન કરવું હશે તો આમને સૌથી વધુ પ્રાથમિકતા આપવી પડશે. સમકાલીન ફેમિનિસ્ટ થિયરી અનુસાર સ્ત્રીના પ્રકૃતિગત વિશેષ ગુણોનો સહર્ષ સ્વીકાર અને તેનું ગૌરવ તે જ ભવિષ્યની શાંતિપૂર્ણ દુનિયાનું સર્જન કરશે."
બે દાયકાની ટૂંકીવાર્તામાં નિરુપિત નારીસમસ્યાનું મૂલ્યાંકન :

‘મોટી માછલી નાની માછલીને ગળી જાય’ અને ‘મારે તેની તલવાર’ આ કુદરતી ન્યાયને લીધે મનુષ્ય જીવનમાં સમાન મોભો ધરાવતાં હોવા છતાં સ્ત્રી અને પુરુષ એ બંનેના વિકાસ, અધિકારો, માન-મર્યાદા, માન્યતાઓ, સુખપ્રાપ્તિનાં સાધનો જેવી સીધી અસર કરનારી બાબતો વચ્ચે મોટું અંતર ઊભું થયું. કદાચ, માતૃત્વ ધારણ કરવાની વિશેષ શક્તિને કારણે હોય કે કેમ પણ સ્ત્રીઓમાં ઋજુતા અને મૃદુતાના જે સ્વભાવગત લક્ષણ હતાં તેના પર પુરુષપ્રકૃતિએ ઊંડો ઘા કરીને, તેને જ સ્ત્રીની નબળી નસ માનીને પોતાનું આધિપત્ય જમાવ્યું. વાત કે વિચારનું પુનરાવર્તન ન કરતાં એકવીસમી સદીની ગુજરાતી ટૂંકીવાર્તામાંથી સ્ત્રીસમસ્યાનું જે ચિત્ર મળે છે તેની વિગતે ચર્ચા કરીએ.

આ વાર્તાઓ જોતાં પ્રમુખ સમસ્યા નજરે પડે છે તે સંસારના વિષચક્રમાં ફસાયેલી નારી જીવનની સમસ્યા. અહીં પારણામાંથી જ દુઃખી થવાનો અભિશાપ લઈને અવતરેલી સુભદ્રા (વાર્તા : ‘નવચંડી’, લે.અનિલ વ્યાસ)જેવી સ્ત્રી છે. તે લગ્ન પહેલાં દીકરી તરીકે, પછી પત્ની તરીકે અને પછી માતા તરીકે દુઃખી થતી રહે છે. જીવનના એકપણ તબક્કે ‘સુખ’ નામનું ચાંદરણું તેના નસીબમાં નથી. સ્ત્રી જીવનની કરુણ ઘટમાળ જાણે કે અહીં જોવા મળે છે. તો આપણી સામાન્ય માન્યતા એવી છે કે નોકરી કરીને પગભર થઈને જીવતી સ્ત્રી કેટલેક અંશે સ્વતંત્ર અને પોતાનાં ઈચ્છા-અરમાનોને પૂરાં કરી શકે છે. પરંતુ સુશિક્ષિત અને નોકરિયાત સુમન (વાર્તા : ‘હું ભીંજાઉં ?’, લે.હરીશ નાગ્રેચા)જેવી નારી સંસારના ‘ટ્રેક’ ઉપર એવી ગોઠવાઈ ગઈ છે કે તે તેની બહાર નીકળવામાં સતત અસલામતીનો ભાવ અનુભવે છે. સતત નોકરીનું વૈતરું કરી પોતાના માટે, પતિ માટે, સંતાનો માટે કંઈક કરી છૂટવા માટે મક્કમ સ્ત્રી પોતાની વાસ્તવિક જિંદગીની કે તેનાં આશા-અરમાનોને ક્યાંક પાછળ છોડીને આવે છે તે વાત રજૂ થઇ છે. દૃષ્ટિ ગુમાવ્યા પછી પણ પડછાયાની જેમ પતિની સારવાર કરતી સવિતા (વાર્તા : ‘લહેરિયું’, લે.વીનેશ અંતાણી) પણ ભારતીય આર્યનારીના પ્રતીક સમી અહીં ઊભી છે. શરુઆતમાં પતિના જીવનની ઇચ્છાઓ પાછળ અને પછી તેની મર્યાદાઓ પાછળ પોતે જીવવાનું પણ ભૂલી જાય ત્યાં સુધીની કુરબાની આપતી સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ સવિતા કરે છે. ભવભવના ઉજાગરા કરીને અને આજીવન વૈતરુ કૂટીને મૃત્યુથી પણ અદકેરી વ્યથા અનુભવતી કંકુ(વાર્તા : ‘ઉજાગરા’, લે.જિતેન્દ્ર પટેલ) જેવી સ્ત્રી પણ અહીંયા છે, કે જે અજાણતાં જ પૌત્રને અપાયેલા અફીણમાં આટલું ઘેન હશે એ જાણતી નથી. એ દીકરાને આપ્યું એના કરતાં અફીણ પોતે લીધું હોત તો ભવોભવના ઉજાગરા મટી જાત એવી વ્ય્થાને જીરવતી કંકુ જેવી સ્ત્રી પણ સંસારના વિષયચક્રમાંથી છૂટી શકતી નથી. દિવસ ઉગ્યાથી આથમ્યા સુધી સંસારનો ઢસરડો કર્યે જતી ગામડાની સ્ત્રી (વાર્તા : ‘કાળીધોળી જાન’, લે.હસમુખ રાવલ) નાના લોકાચારે જવા જેટલા પ્રસંગને પણ અવસરમાં બદલીને કેવી ખુશ થાય છે ને લોકાચારના દુ:ખદ પ્રસંગને જાણે જાન જોડવાના અવસરમાં બદલી નાખવાની તમન્ના ધરાવે છે. આ બધું પહેલી નજરે તો હાસ્ય જન્માવે તેવું છે, પરંતુ એ હાસ્યની પાછળ સ્ત્રીજીવનની ઘેરી કરુણતા છુપાયેલી છે. એકવીસમી સદીમાં હરણફાળ વિકાસની વાતોના વાતાવરણ વચ્ચે પણ ચોથા ભાગની વસ્તીને ‘દાંત અને અન્નને વેર’ હોવા જેવો ઘાટ ઘડાય છે. આવી સ્થિતિમાં પુરુષ તો જવાબદારીમાંથી છટકી જઈ શકે પરંતુ પહેલાં પત્ની તરીકે અને પછી માતા તરીકે સ્ત્રીનો કોઈ છૂટકારો નથી(વાર્તા : ‘કમળપૂજા’, લે.હિમાંશી શેલત) અને જે સંતાનોને આંખનાં રતન કરીને રાખ્યાં એ જ સ્ત્રીના મૃત્યુનું કારણ પણ બને. આમ જે સંસારનાચક્રની મુખ્ય ધરી સ્ત્રી બની છે તેના ભાગે એવું ઘસાવાનું આવ્યું છે કે તે ક્યારેય આ વિષચક્રમાંથી મુક્ત થઇ શકતી નથી તેની આ સમસ્યા વિવિધ વાર્તાઓના કથાવસ્તુ દ્વારા રજૂ થઈ છે.

ગુજરાતી ટૂંકીવાર્તામાં નિરૂપાયેલી આ પ્રકારની સમસ્યાની જોઈએ છે ત્યારે શ્રી ક.મા. મુનશીની ‘એક પત્ર’ અથવા તો ત્યારબાદ લખાયેલી શ્રી મેઘાણીની ‘વહુ અને ઘોડો’ વાર્તાઓ યાદ આવ્યા વિના રહેતી નથી. એટલે ગુજરાતી વાર્તામાં આ પ્રકારની સમસ્યાઓનું આલેખન તેના આરંભકાળથી જ થયું છે. સંસારના ધરીરૂપ બે પાત્રોમાંથી પુરુષ માટે સંસાર કંઇક અલગ છે અને સ્ત્રી માટે કંઇક અલગ છે. એક સ્ત્રી માટે આ સંસાર ‘સાર વગરનું સંસારચક્ર’ સાબિત થાય અને તેમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ ન હોય એ પરિસ્થિતિની મોટી વિટંબણા છે. આ પ્રકારની સમસ્યાઓ ૨૧મી સદીના બીજા દાયકા સુધી સમાજમાં અને સાહિત્યમાં પ્રાધાન્ય ભોગવે છે તે નોંધવું રહ્યું.

સ્ત્રીસમસ્યા અંગે બીજો એક મુદ્દો છે જાતીય આવેગનો. પૃથ્વી પરના પ્રાણીમાત્રમાં જાતીય આવેગ એ કુદરતી બાબત છે. તેમ છતાં મનુષ્યની પ્રકૃતિ ઉપર સંસ્કૃતિનું અને ત્યારબાદ ખોટી માન્યતાઓનું એવું આવરણ ચડાવી દેવામાં આવ્યું કે પ્રકૃતિગત વિશેષતાઓ વિશે વિચારવાનું જ આપણે બંધ કરી દીધું છે. સાથે જાતીય આવેગની ઈચ્છા વ્યક્ત કરવાનો, તે અંગે ચર્ચા વિચારણા કરવાનો અને તેની ઈચ્છ કે માંગણી મૂકવાનો અધિકાર એક માત્ર પુરુષને જ પ્રાપ્ત થયો છે. જો સ્ત્રી આવી કોઈ ઈચ્છા કે આવેગને સામેથી પ્રગટ કરે તો તેની ચાલ-ચલગત, તેના ઉછેર કે સંસ્કાર ઉપર સીધી આંગળી ચીંધવામાં આવે છે. સમાજના લોકોની આ નિમ્ન કક્ષાની વિચારધારાને લીધે જાતીય આવેગને પ્રગટ કરવા કે પૂર્ણ કરવા એ સ્ત્રી માટે એક સમસ્યા બની ગઈ છે. જાતીય વૃત્તિ પર સમાજના આટલા ભયયુક્ત માનસને કારણે વ્યક્તિજીવનાના કેટલાક મોભાદાર કે પ્રતિષ્ઠિત સામાજિક સંબંધો પણ કલંકિત થવા માટે કારણભૂત બને છે. તે માસી-ભાણેજના સંબંધો હોય (વાર્તા : ‘ઓછાયો’, લે.નાઝીર મનસુરી) તો ક્યારેક અન્ય કોઈ પણ. ક્યારેક આવો સંબંધ પતિની કેટલીક ઉણપોના પ્રતાપે (વાર્તા : ‘તલપ’, લે. વીનેશ અંતાણી)અન્ય પુરુષના તીવ્ર આકર્ષણ રૂપે આવેગ બહાર આવે છે. ક્યારેક મેતરાણીની જેમ (વાર્તા : ‘એપિસોડ્સ ભરેલૂ વહાણ’, લે.રાધેશ્યામ શર્મા)આ ઇચ્છાની યોગ્ય પૂર્તિના અભાવે જીવનભર બરબાદી સુધી લઈ જતી ઘટનાઓ બને છે. જાતીય ઇચ્છાઓને પ્રગટ કરતી સ્ત્રી ક્યારેક લોકનિંદાનો ભોગ બને છે. ક્યારેક કૌટુંબિક સંબંધોની પરિપાટી ગુમાવી બેસે છે તો ક્યારેક તેની આવી મર્યાદાઓને જાણી જઇ કોઇ પુરુષ દ્વારા તેનો આર્થિક ઉપાર્જનમાં પણ ઉપયોગ થાય છે, ને એકવાર ભૂલ કરી બેઠેલી સ્ત્રી વારંવાર તેની સજા ભોગવે છે. જાણે એક ઇચ્છા સંતોષવાની ભૂલ તેની જનમટીપની સજામાં પરિણમતી હોય એવી ઘટનાઓની પરંપરા જીવનમાં સર્જાય છે. આમ, જાતીય વૃત્તિ જેમ પુરુષમાં તેમ એક સ્ત્રીમાં પણ સ્વાભાવિક રીતે હોઈ શકે એવી સ્વસ્થ વિચારસરણીના અભાવે ગણીગાંઠી સ્ત્રીઓને બાદ કરતાં મોટા ભાગની સ્ત્રીઓ માટે આ બાબત એકવીસમી સદીમાં સમસ્યાજનક પુરવાર થઇ છે.

‘એક સ્ત્રી બે પરિવારમાં દીવો કરે’ એવા સુવિચારો પાછળ સ્ત્રીના વાસ્તવિક જીવનને બરબાદ થતું પણ જોવામાં આવે છે. લગ્ન બાદ સાસરી પક્ષનું વાતાવરણ અપનાવી લેવા સાથે તેના આચાર-વિચાર, માન્યતાઓ, ટેવો, દરેકને પોતાના કરી દેવાં એ સ્ત્રીના સારા ચારિત્ર્યનું લક્ષણ માનવામાં આવે છે. ત્યાં કોઈના માટે પત્ની તો કોઈની વહુ, કોઈની દેરાણી, કોઈની ભાભી એમ અનેક પ્રકારની ભૂમિકાઓ તેને ભજવવાની આવે છે. અપેક્ષાઓ સંતોષવામાં ઝઝુમતી, એકલી-અટૂલી સ્ત્રી થાકી પડે છે તો ક્યારેક તેમાં વળી ઉમેરાય છે સાસરિયાંની આર્થિક માગણીઓ. નીલા જેવી સ્ત્રીએ (વાર્તા : ‘માલધક્કો’, લે.પ્રફુલ્લ દેસાઈ) માતાપિતા અને સાસુ-સસરામાં ક્યારેય કોઈ ભેદ નથી પાડ્યો. એ જ સાસુ વહુના પિયરપક્ષની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના જ આર્થિક મદદની માગણીઓ મૂક્યે જાય છે અને કહેવાય નહીં કે સહેવાય નહીં એવી સ્થિતિમાં વહુના નસીબમાં આવે છે રેલવે ટ્રેક. આવા કેટલાય રેલવે ટ્રેક, કૂવા, નદી, તળાવ કે અગ્નિની જ્વાળાઓને હવાલે થયેલી સ્ત્રીના જીવનને એક અકસ્માતમાં ખપાવવામાં આવે છે. પરંતુ સાસરિયાંની માગણીઓની કિંમત તેનો પોતાનો જીવ દઈને ચૂકવે છે તે કોઈ જાણી શકતું નથી. આમ, આપણું ભારતીય સામાજિક માળખું એ પ્રકારનું છે કે લગ્ન કરીને સાસરે જતી સ્ત્રી સાસરિયાંના ત્રાસની સમસ્યાનો સ્વાભાવિક રીતે જ ભોગ બને છે.

પ્રેમ કરવો અને તેને મુક્તપણે અભિવ્યક્ત કરવો અને તેની પ્રાપ્તિના અંતિમ સુધી પહોંચવું એ જાણે પુરુષોનો જ ઇજારો હોય એવો એક સામાન્ય ખ્યાલ આજે પણ પ્રવર્તે છે. જીવનમાં ઇચ્છિત પ્રેમને ન પામી શકનારી સ્ત્રીઓ પણ પોતાના આ અરમાનોને હૃદયના ભંડારમાં, જવાબદારીઓના આવરણ પાછળ છુપાવી દે છે. પરંતુ જીવનના કોઈ એક તબક્કે ઈચ્છાઓ અને અરમાનો, જેમ ભીંત ફાડીને કૂંપળ ફૂટે એમ હૃદયની દીવાલો પર ફૂટી નીકળે છે અને વર્તમાનના સમગ્ર જીવનને દઝાડી જાય છે. ઇચ્છિત વ્યક્તિને પ્રાપ્ત કરવામાં ક્યારેક આર્થિક ઉચ્ચાવચતા નડે છે, તો ક્યારેક સમાજની જડ જ્ઞાતિ-વ્યવસ્થા, અથવા તો ધર્મની પરંપરા. કારણ કોઈ પણ હોય પરંતુ ઈચ્છતની પ્રાપ્તિ ન થવાનો વસવસો જીવનના એક તબક્કે બહુ તીવ્ર બનીને સામે આવે છે ત્યારે તે વાર્તાની ક્ષણ બને છે. આર્થિક રીતે સમૃદ્ધ એવી નીતા અને મજૂર પરિવારનો બાળભેરુ સાવલાની વાત(વાર્તા : ‘ઉત્ખાત’, લે.મેધા ત્રિવેદી) હોય કે બારી કે જરૂખામાંથી સતત કોઇની પ્રતીક્ષા કરતી ધારાની વાત (વાર્તા : ‘મુક્તિ’, લે.પ્રવીણસિંહ ચાવડા) હોય. પરંતુ જીવનનો આવો સંબંધ ઉત્તર અવસ્થાએ બહુ જ પીડે છે તે નક્કી છે. વિધર્મી લગ્ન આજે પણ આપણે ત્યાં, આપણી માન્યતાઓ માટે આઘાતજનક પુરવાર થાય છે. ગમે એટલા મુક્ત અને તંદુરસ્ત, સાહિત્યિક અને વૈચારિક વાતાવરણમાં સંતાનોનો ઉછેર થયો હોય, એમાંય ખાસ દીકરીનો અને જ્યારે તે પોતાનું મનવાંછિત પાત્ર વિધર્મી હોવાની વાત કરે ત્યારે વિચારધારાનો કે સમાનતા-એકતાના આદર્શોનો મહેલ ધરાશયી થાય છે અને રાતોરાત સામાજિક બંધનો અને આપણી મર્યાદાઓનો ખ્યાલ આવે છે. અને પછી શરૂ થાય છે જેણે પોતાની ઈચ્છાને સહજ રીતે જ વ્યક્ત કરી છે એવા સ્ત્રીજીવનની બરબાદી. (વાર્તા : ‘મમ સત્યમ’, લે.વિજય સોની) એનાં ઈચ્છા-અરમાનોને કોઈ પૂછતું નથી, તકેદારી લેવાય છે માત્ર લોકનિંદાની કે પરિવારની આબરૂની. હારેલા યોદ્ધા જેવી સ્ત્રીને અને કોઈના શરણે ગયેલી સ્ત્રીને પછી વરણીની છૂટ નથી હોતી. તેને તો ઘરની એક મૂલ્યવાન વસ્તુની જેમ વિદાય આપી બરબાદ થતી ઘરની આબરુને બચાવી લેવામાં આવે છે, એક અરમાન અને કોડભર્યા જીવનના ભોગે પણ. ક્યારેક આવા ઇચ્છિતને ન મળી શકવાના વલોપાતની વ્યથા સ્ત્રીની શારીરિક વ્યથા સ્વરૂપે પણ ઉતરી આવે છે. શરીરમાં રહેતું કળતર અને જીર્ણ તાવ મનવાંછિત પુરુષના આગમનથી જાણે દૂર થઈ જાય એવું પણ બને છે. (વાર્તા : ‘તાવ’, લે.પૂજ તત્સત) આ બાબત જ જીવનના પૂર્વાર્ધમાં ઇચ્છિતને કેટલી તીવ્રતાથી ચાહ્યું છે અને જીવનનો એક ભાગ બનાવ્યું છે પરંતુ જીવનને એ મુજબ ઘડી શકાયું નથી એની વ્યથાને વ્યક્ત કરે છે.

ભારતીય સમાજમાં આજે પણ બાલિકાઓને, કુમારિકાઓને શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ માટે વ્રતપૂજા કરવાનો વિધિ-રિવાજ અમલમાં છે. આ વ્રતપૂજા વખતે શિવજી જેવો ગુણવાન પતિ મેળવવાની અપેક્ષા રાખતી સ્ત્રી એનાથી વિપરીત પતિને પામીને કેવી છળી મરે છે તે સમસ્યા પણ અહીં નિરૂપણ પામી છે. કોઈ પુરુષપાત્ર કલ્પનામાં નથી, મન, નયન કે હૃદયમાં પણ નથી ત્યારે દેવતા જેવો પતિ પ્રાપ્ત કરવાની કલ્પનાને આધારે બાંધેલાં અરમાનો અને સમાજે ઊભી કરી આપેલી વૈચારિક પરંપરાની પરિપાટી જ્યારે સ્ત્રીની વાસ્તવિક ઇચ્છાની પૂર્તિ ન કરી શકે (વાર્તા : ‘માટીનો કોઠો’, લે.કનુ આચાર્ય)ત્યારે ઘર, પરિવાર કે સમૃદ્ધિ એ માત્ર બાહ્ય આવરણો જ બની રહે છે ને અંતરની વ્યથા વ્યક્ત કરી શકાય એવું સ્થાનક પણ બહુ દુર્લભ બને છે .આમ ઇચ્છિતને પ્રાપ્ત ન કરી શકવાના જુદાં જુદાં કારણો દ્વારા પણ સ્ત્રી આજે પણ પોતાનો નિર્ણય જાતે કરવામાં કે પોતે જે ઈચ્છે છે એ પ્રાપ્ત કરવામાં અથવા તો જે પ્રાપ્ત કર્યું છે તે અનુકૂળ નથી તો એ બંધનને તોડીને મુકત થવા માટે સ્વતંત્ર નથી. તે સમસ્યા આ કોટિની વાર્તાઓમાં નિરૂપણ પામી છે.

યુદ્વ,રમખાણ અને કોમી હુલ્લડ જેવી માનવ ઉશ્કેરાટની લીધે પરિણમેલી પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ અને બાળકોને વધારે ભોગવવાનું આવે છે. કહેવાય કે આક્રોશ અને જનૂનના આ પ્રવાહમાં સમાજના નબળાં સ્તરને વધુ નુકસાન પહોંચે છે. સ્ત્રીઓ પર જુલમ ગુજરનારા પુરુષવાદી માનસિકતા પોતાનો પ્રતિશોધ લે છે અથવા તો પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. ભારત અને ખાસ તો ગુજરાત જેવો પ્રદેશ કે જયાં બહુધર્મી અને બહુપ્રાંતીય લોકો વસે છે ત્યાં આવી ઘટનાઓ બનતી જોવા મળે છે. તે વખતે માનવતા મહેંકી ઊઠી હોય એવા પ્રસંગો જૂજ બને છે, પરંતુ માનવતાની કતલ કરનારી ઘટનાઓ ઠેરઠેર બને છે. હુલ્લડ અને કોમી રમખાણોની પરિસ્થિતિ થાળે પડ્યા પછી પણ જનજીવનનું સામાન્ય થવું બહુ દુષ્કર અને એક લાંબો સમય માગી લેતી બાબત છે. એમાં પણ નોકરી વ્યવસાય કે અન્ય જગ્યાએ કામે જતી એકલદોકલ મહિલા માટે તો ભયનો કેવો માહોલ સર્જાય છે જે ‘ઓથાર’ (લે. મીનળ દવે)વાર્તાની નાયિકા દ્વારા સૂચવાય છે. આપત્તિ કરતાં પણ આપત્તિનો ભય વધારે ભયાનક છે એવી પરિસ્થિતિ આ હુલ્લડ અને કોમી રમખાણોની છે. સાથે આ બાબતો પુરુષ કરતાં સ્ત્રીને વધારે અસરકર્તા છે. સ્ત્રીને પોતાના શરીર સાથે છેડ-છાડ થવાનો ભય, અમાનુષી અત્યાચાર થવાનો ભય સતાવ્યા કરે છે. આપણી આસપાસના સમાચાર માધ્યમોમાં પણ નજર કરીશું તો તેમાંથી મળતા સમાચારોનો સાર પણ આવા જ ભયનો માહોલ ઊભો કરે છે. આવી ઘટનાઓની સાર્વત્રિકતા અને બહુલતા હોવા છતાં આ વિષયને વાર્તાવસ્તુ તરીકે રજૂ કરતી બહુ ઓછી વાર્તા ગુજરાતી સાહિત્યમાં મળે છે. છેલ્લા વીસ વર્ષની વાર્તાઓનો અભ્યાસ કરતાં આવી એકલદોકલ વાર્તા જ આ વિષયના પ્રતિનિધિરૂપ વાર્તા છે તે સર્જકનું દૃષ્ટિબિંદુ હજી આ તરફ કેળવાયું નથી તે વાતની દ્યોતક છે.

ઘરેલુ હિંસાનો મુદ્દો ઘણા લાંબા સમયથી સાહિત્યનો વિષય બનતો રહ્યો છે. લગ્ન બાદ સ્ત્રીને વેઠવો પડતો અનેક પ્રકારનો અસહ્ય ત્રાસ અને શારિરીક-માનસિક હુમલાઓ ક્યારેક તો તેને એક પશુ કરતાં પણ બદતર જીંદગીનો અહેસાસ કરાવે છે. છેલ્લા દોઢ દાયકાથી આ અંગેનો કાયદો પણ અસ્તિત્વમાં છે પરંતુ ઘર, પરિવાર કે સમાજમાં કામ કરતી વિચારધારા કાયદા આગળ કામ નથી લાગતી. અથવા તો કાયદો હજી એટલો સક્ષમ નથી કે આવી દરેક જગ્યાએ પહોંચી સ્ત્રીઓને રક્ષાકવચ પૂરું પાડે. ‘પોપટ’(લે.રીના મહેતા) વાર્તાની નાયિકા નીરુમાસી જેવી કેટલીય સ્ત્રીઓ આપણા સમાજમાં છે કે જે કોઈ કારણ વિના કુદરતી અભિશાપ હોય એમ પતિનો ત્રાસ સહન કર્યે જાય છે. મૂંગા મોઢે આવો ત્રાસ સહન કરતી સ્ત્રી આખી જિંદગી કાઢી નાખે પરંતુ પ્રતિકારનો હરફ સરખો પણ ઉચ્ચારતી નથી. બીજી તરફ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વૈચારિક પ્રગતિની અસરથી મુક્ત એવો પુરુષ પણ પોતાની આદિમ વૃત્તિઓને આદરવામાં કોઈ કસર રાખતો નથી. આવી અકાટ્ય પરિસ્થિતિમાં સ્ત્રી કાં તો મૃત્યુને વરે છે અથવા તો મૃત્યુથી પણ ખરાબ એવી કોઠે પડી ગયેલી જિંદગીને કોઈ કારણ વિના જીવ્યે જાય છે. ક્યારેક ચારિત્ર્ય પર થતા આક્ષેપોની સફાઈ સ્વ-મૃત્યુથી આપવી પડે છે. તો ક્યારેક સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિના ભરડામાં એકે પ્રતિક્રિયા પણ ન આપી શકનાર ભલી જેવી સ્ત્રી(વાર્તા : ‘તરાગ’, લે.સંજય ચૌહાણ) પતિના મૃત્યુ બાદની વિધિમાં જે પ્રતિક્રિયા આપે છે તેમાં તેના જીવનભરનો આક્રોશ ઠલવાતો જોવા મળે છે. આ જન્મે તો તેણે (પોતાના પતિએ) કોઈને સુખ ન આપ્યું પરંતુ તેની સદગતિ થાય તો બીજા જન્મે પણ કોઈને દુઃખી કરે નહીં એવી કામના કરતી સ્ત્રીનો વલોપાત આજે પણ આપણા સમાજનું એક વાસ્તવિક ચિત્ર છે. આમ, સ્ત્રી સમસ્યાનો આ વિષય ઘણો આલેખાયો છે. બાહ્ય પરિબળોને કારણે સ્ત્રીઓની સમસ્યા દૂર થઈ શકે પરંતુ આજે પણ ઘરમાં જ થતી તેની હિંસા ચાર દીવાલોની સાક્ષી વચ્ચે જ વિરમી જાય છે. આ બાબત ગુજરાતી વાર્તાઓમાં પણ ઠીકઠીક પ્રાધાન્ય ભોગવે છે.

આજે ૨૧મી સદીમાં આટલાં વૈજ્ઞાનિક સાધનો અને સંશોધનો બાદ પણ વંધ્યત્વનું એક્માત્ર કારણ સ્ત્રીને માનવામાં આવે છે. અથવા તો પુરુષની મર્દાનગીના મિથ્યાભિમાનમાં જીવતો આપણો સમાજ આજે પણ બાળકના જન્મ જેવી કુદરતી બાબતમાં નિમિત્તરૂપ સ્ત્રી-પુરુષ બંનેમાંથી કોઈ એકમાં ઊણપ હોઈ શકે તે બાબતને સ્વીકારવા તૈયાર નથી. અહીં એક વાર્તાની નાયિકા જાનકી (વાર્તા : ‘બાલકાંડ’, લે.રાકેશ દેસાઈ) પોતાના પતિમાં કોઈ ઉણપ નથી તે જાણીને આનંદીત થતી, નિખાલસ સ્વભાવની બતાવી છે અને નાયકના મમ્મી-પપ્પા પણ ઉમદા સ્વભાવના અહીં દેખા દે છે, પરંતુ જે ઘરમાં સાસુ-સસરા અને પતિની જડ અને રૂઢિવાદી માનસિકતા કામ કરતી હોય ત્યાં એકલી-અટુલી વહુની, એક સ્ત્રીની કેવી હાલત થાય તે પ્રશ્ન આજે પણ આપણા સમાજ સામે વિકટ સમસ્યા બનીને ઉપસ્થિત છે. આપણા સમાજમાં નિ:સંતાનપણુ એક મોટો અભિશાપ છે. એ અભિશાપનું નિમિત્તે એક માત્ર સ્ત્રીને જ ગણવામાં આવે છે. એ અભિશાપની તમામ સજાની અધિકારી સ્ત્રી હોય એમ એની પાસે બે વિકલ્પ રહે છે, કાં તો મોતને વહાલુ કરવું અથવા પતિ જો બીજી પત્ની કરે તો એકલાઅટૂલા નિઃસહાય સ્થિતિમાં આખી જિંદગી પૂરી કરવી. મોહન પરમારની વાર્તામાં કાન્તાના પાત્ર (વાર્તા : ‘હેડકી’, લે.મોહન પરમાર) દ્વારા તેની નિ:સંતાનપણાની આવી વ્યથાને વ્યક્ત કરી છે. ભારતીય સમાજની વિચારધારા પ્રમાણે સંસાર જીવનમાં જો સંતાનપ્રાપ્તિ ન થાય અને એમાં પણ જો પુત્રપ્રાપ્તિ ન થાય તો પણ આ જીવન નકામું છે. વળી, અશિક્ષિત અને શ્રમજીવી પરિવારમાં આ માન્યતા બહુ તીવ્ર રીતે અસર કરે છે. દાંપત્યજીવન સાથે ભોગવતાં પતિ-પત્નીમાં સંતાન કે પુત્રના અભાવ માટે માત્ર સ્ત્રીને હંમેશાં નિમિત્તે માનવામાં આવે છે. આવી જ સમસ્યા અને સાથે માતૃત્વ ધારણ કરવાની ઘડી પણ કેવી વિલક્ષણ છે તેનું ઉમદા અને કરૂણાસભર આલેખન અહીં‘ઓહવાટ(લે.દીના પંડ્યા) વાર્તામાં થયેલું જોવા મળે છે. ‘આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, સૃષ્ટિસર્જનની જવાબદારી સ્ત્રીઓને સોંપી પોતે કેવા નિરાંતે ઊંઘે છે’ એવા સંવાદ દ્વારા સ્ત્રીના મહત્ત્વની સાથે, જો અન્ય કોઇનો સહારો ન હોય તો બાળજન્મની ઘડી કેવી કરુણતામાં પરિણમે છે તે વાતનું આલેખન પણ અહીંની વાર્તામાં જોવા મળે છે. સંતાન વગર સ્ત્રીની માનસિક ,સામાજિક અને પારિવારિક હાલાકી જોતાં કહી શકાય કે માતૃત્વ એ સ્ત્રીનું વરદાન નથી પણ લગ્ન બાદ તેની અનિવાર્ય આવશ્યકતા છે. ‘વરદાન’ના રૂપકડા નામ તળે સ્ત્રીના ભાગે આવતી આ અનિવાર્ય જવાબદારી પણ સ્ત્રી જીવનની એક સમસ્યા બનીને સામે આવે છે.

એક નિરાધાર સ્ત્રી પોતાનું ગુજરાન ચલાવવા માટે પુરુષની કામેચ્છાને વશ થાય છે. પરંતુ પુરુષની કામેચ્છા માઝા મૂકી પોતાના પરથી પોતાની સગી દીકરી પર જ્યારે ઉતરી આવે છે ત્યારે એને જાતીય હુમલો ગણીને તે સ્ત્રી તેને ફગાવી દે છે. એક સ્ત્રીની આર્થિક પરિસ્થિતિ કે સામાજિક પરિસ્થિતિનો ગેરલાભ લેનાર પુરુષ અમર્યાદ બનતો જાય છે. ઉંમર કે અન્ય કોઈ મલાજો ન જાળવી શકતો તે પોતાની સમવયસ્ક સ્ત્રી કે દીકરી વચ્ચેનો ભેદ કરી શકતો નથી. જ્યારે તે કામેચ્છાને જ વશ વર્તી, જાતીય હુમલા પર ઉતરી આવે છે તે ઘટના એક સ્ત્રીના આખા જીવન ઉપર કેવા પ્રત્યાઘાતો પાડે છે તે અહીંની એક વાર્તામાં રેવાના (વાર્તા : ‘વળાંકે’, લે.મેધા ત્રિવેદી)જીવનની કથની દ્વારા જોઇ શકાય છે. વાર્તાકાર હિમાંશી શેલતની નારી-જીવન વિષયક વાર્તાઓમાં સ્ત્રીઓના સપાટી પરના પ્રશ્નો, રોજબરોજની ઘટનાઓ કે અસહ્ય ત્રાસમાંથી બંડ પોકારતી સ્ત્રીની જ વાત થઇ નથી, પરંતુ મનુષ્યના અસ્તિત્વના અડધા ભાગના અધિકારી એવા સ્ત્રી-જીવનના મૂળગામી પ્રશ્નોને વાર્તાના માધ્યમ દ્વારા નિરુપવામાં આવ્યા છે. એમાં કોઈ આદર્શનું રંગીન ચિત્ર નથી, પરંતુ વાસ્તવનું નગ્ન ચિત્ર આપણી સમક્ષ મૂકી આપી, આપણી માનવચેતનાને તેઓ હંમેશા ઝંકૃત કરતા રહ્યાં છે.

‘જાકારો’ વાર્તામાં બીજો તો કોઈ જાકારો નથી, પરંતુ સ્ત્રી પોતાની બાળકને જન્મ આપવાની શક્તિને જ, વિશિષ્ટતાને કે વરદાનને જ જાકારો આપવા સુધી પહોંચે છે. એમાં કારણ બને છે, પુરુષોની સ્ત્રીઓને સતત ભોગ્યા તરીકે, એક વસ્તુ તરીકે વાપરવાની રાક્ષસી વૃત્તિ. ત્રણ દીકરીઓનો જીવનનિર્વાહ સંભાળે છે તે માતાને લાગે છે કે તે તનતોડ મહેનત કરીને દીકરીઓને પેટની ભૂખથી તો બચાવી લેશે પણ સમાજના વાસના-ભૂખ્યા વરુઓની ભૂખથી દીકરીને બચાવી શકાશે નહી. જે ઘટના ચંદાની છોકરી સાથે બની તેવી જ ઘટના પોતાની દીકરી સાથે બનતાં રોકી શકાશે નહીં ત્યારે આવી સ્થિતિમાં તેને માતા બનતી જરૂર બચાવી શકાશે. અહીં, નારીચેતનાનો કે નારીસમસ્યાને મળતો કોઈ કાલ્પનિક રંગ નથી પરંતુ એકવીસમી સદીમાં હજી પણ આપણા ભારતીય સમાજના એક ખૂણામાં સબડતી સ્ત્રીની ઉપાયવિહીન વેદના છે. સ્ત્રીના હોવાપણાની જે નિષ્ફળતા અહીં છતી થાય છે, જે માતૃત્વનું ગૌરવ આખી દુનિયા કરે છે એ જ અહીંયા તો અભિશાપ બનીને ઉતરે છે. એ માતૃત્વમાંથી જ જાકારો મળે તેવી એક ઉચ્ચ કોટિની વ્યથાને સંવેદનાને અથવા તો કહી શકાય કે આપણા કહેવાતા સંસ્કારી સમાજની ગંભીર સમસ્યાને લેખકે વાર્તાના કલામાધ્યમથી ટૂંકી અને ચોટદાર રીતે રજૂ કરી છે.

જીવનમાં તીવ્ર મહત્ત્વકાંક્ષાઓ અને આખા આકાશને આંબી લેવાની મહેચ્છા એક સ્ત્રીના જીવનમાં કેવાં દુઃખનું કારણ બને છે તેની વાત અહીં એક વાર્તામાં કુકુના પાત્ર દ્વારા નિરૂપાઈ છે. નારીજીવનમાં પૂર્વ અને ઉત્તર એવા બે સ્પષ્ટ વિભાગ છે. લગ્ન પહેલાંનો એના જીવનનો પૂર્વકાળ કે જેમાં એણે સેવલી મહત્ત્વકાંક્ષાઓ ,મહેચ્છાઓ, આશાઓ ,સપનાંઓ વગેરે જીવંત રાખવાં હોય તો લગ્ન પછી કહેવાતા એના ઉત્તર જીવનમાં એ બધું શક્ય છે ખરું ? એની સાથે સહજીવન ગાળતું પાત્ર તેની પ્રતિભાને ઓળખી તેનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરી શકે એમ છે ? જો તે ન ઓળખી શકે તો કુકુની જેમ (વાર્તા : ‘કુકુ અને અનુબંધ’, લે.હરીશ નાગ્રેચા)એક અતિશય હોંશિયાર અને પ્રતિભાશાળી સ્ત્રીની કેવી અવદશા થાય છે તે આ વાર્તામાં જોવા મળે છે. એક ઉચ્ચ બૌદ્ધિકક્ષમતા ધરાવતી અને પ્રતિભાશાળી સ્ત્રી હોવા છતાં, સાચું શું છે અને ખોટું શું છે એ જાણતી હોવા છતાં પણ જ્યારે એક સ્ત્રી સંબંધથી જોડાય છે ત્યારે તેની ખાતર પોતાનું અંગત જીવન સંપૂર્ણ રીતે ખતમ કરી નાંખે છે અને એ પોતાની જાતને પણ ખતમ કરવા સુધી પહોંચે છે. તેનામાં રહેલી ચેતના કે જાગૃતિને લીધે એક વ્યક્તિ તરીકેની, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ તે જ્યારે બીજા સામે નથી લડી શકતી ત્યારે પોતાની જાત સામે લડીને પોતાની જાતને તે ખુવાર કરે છે.

આપણા સમાજમાં અસ્તિત્વ ધરાવતા અમુક આદર્શવાદી સંબંધોની કલ્પના જેટલી સુખદ અને રંગીન છે એટલી વસ્તવિકતા ન હોય એ સ્વાભાવિક છે. આપણે ત્યાં ભાઇ-બહેનના સંબંધને હંમેશાં પવિત્ર અને ન્યોછાવરીની ભાવનાવાળો માનવામાં આવ્યો છે. આપણી પરંપરિત માન્યતા છે કે, એક ભાઈ હંમેશાં પોતાની બહેન માટે મદદગાર કે તેનાં હિતોનું રક્ષણ કરનારો જ હોય. આવી માન્યતાઓને આઘાત આપે તેવી પણ એક વાર્તા અહીં છે. વાર્તામાં ભાઈ દ્વારા સતત બહેનનું શોષણ કે અન્યાય થતો રહે છે અને મોકળા મને ભાઈ-બહેનના સંબંધોના નાતે ભાઇના દુર્વ્યવહારને નગણ્ય ગણી દર વખતે નવું જીવન જીવવાનું નક્કી કરતી વાર્તાની નાયિકા (વાર્તા : ‘ગાંઠ’, લે.કંદર્પ દેસાઈ)છેવટે તે સંબંધો પર પૂર્ણવિરામ મૂકે છે. વાર્તાની નાયિકા સુમતિબહેનને ભાઈના આવા સતત આઘાત આપનારા વ્યવહારોથી પેટમાં ગાંઠ પડી ગઈ છે. આ જે ગાંઠ પડી છે એ આમ તો શારીરિક છે પરંતુ તેના દ્વારા સંબંધોમાં પડેલી ગાંઠને પણ સૂચવાય છે. સહોદર કહી શકાય એવા નજીકના સંબંધીઓના, સ્વજનોના વિશ્વાસઘાત, એક ભાઈ દ્વારા બહેનના હિતોને થતું સતત નુકસાન એ વાર્તાનો એક નવો જ વિષય બને છે. કહેવાય છે કે એક માતા ચાર સંતાનોને પાળી-પોષી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે પરંતુ એ જ ચાર દીકરા ભેગા થઈને એક માતાને પાળી-પોષી શકતા નથી. અહીં એક વાર્તામાં ‘દૂંટી’(લે.અજિત ઠાકોર)ના પ્રતીક દ્વારા માતાનો દીકરાઓ સાથેનો નાભિ-નાળનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. દીકરાઓથી ભર્યોભર્યો સુંદર સંસાર હોવા છતાં દીકરાઓનો સંસાર વિસ્તરતો જાય એમ તેમની વચ્ચે અને એમની માતા પ્રત્યે કેવો ભાવ ઘટતો જાય છે, અને સૌ પોતપોતાની મસ્તીમાં જ અથવા તો પ્રશ્નોમાં જ કેવા રચ્યાપચ્યાં હોય છે તેની પીડા બાના પાત્ર દ્વારા વાર્તાકારે મૂકી આપી છે.

આજે સદીઓ પછી પણ સ્ત્રીને એક વ્યક્તિ તરીકેનો દરજ્જો મળ્યો નથી. એ એક વસ્તુ તરીકે પુરુષના હાથે તેની જાતીય વૃત્તિ સંતોષવા માટે માત્ર વપરાતી આવી છે. એમાં પણ જંગલી અને પશુવત પુરુષ સમાજે દીકરીઓની ઉંમરનો મલાજો પણ જાળવ્યો નથી. આપણા સમાજમાં પણ નીત નવીન બનતી આ જે ઘટનાઓ છે એ અટકવાનું નામ લેતી નથી. એમાં એક માતા તરીકે, તો ક્યારેક બહેન તરીકે, તો ક્યારેક દીકરી તરીકે હંમેશાં સ્ત્રીને જ એની પીડા ભોગવવાની આવે છે. અહીં એક વાર્તાનું શીર્ષક ‘મૃત્યુદંડ’ છે,(લે.હિમાંશી શેલત) તે પ્રમાણે અહીંયા દેખીતી રીતે તો દીકરાને મૃત્યુદંડ થયો છે પણ એનાથી પણ કપરો મૃત્યુદંડ તેની માતા ધનવંતીના ભાગે આવ્યો છે,જેનાથી તે જીવશે ત્યાં સુધી પ્રત્યેક પળે મરતી રહેશે. તો બીજી એક વાર્તામાં મા-બાપ વિનાની ચંદન પોતાના ગામ-વતન, નદી, દરિયો અને એના વતનથી, એના લગાવથી તો દૂર થઈ જ પરંતુ ત્યારબાદ એના જીવનમાં મળેલાં પોતીકાં કહેવાય એવા સ્વજનોથી પણ તે દૂર જ રહી. જીવનના છેલ્લા પડાવમાં એક દીકરાની આશા પણ ઠગારી નીવડી. તેથી ચંદન માટે હવે ઢળતી ઉંમરે પણ ઉંબરો ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.અહીં આપણા સમાજમાં એક સ્ત્રીની પરવશ સ્થિતિ ધ્યાનમાં આવે છે જે હંમેશાં પિતા પાસે,પતિ પાસે કે છેવટે સંતાનો પાસે સુખની કામના કરતી રહે છે પણ તેની આ ઇચ્છાઓ મૃગજળ સમાન સાબિત થાય છે. આમ, પોતીકા કહી શકાય તેવાં જ કુપાત્ર સંતાનો કે સ્વજનોને કારણે પીડા ભોગવતી નારીનાં ઉદાહરણ ચંદન જેવી અનેક સ્ત્રીઓ મારફતે નિરુપાયાં છે.

એક સ્ત્રીની વેદનાને, તેની સમસ્યાને એના જેવી બીજી સ્ત્રી જ સમજી શકે તે વાતની પ્રતીતિ પણ અહીં વાસ્તવિક પાત્રો દ્વારા થાય છે. એક વાર્તામાં પોતાની દીકરીના બળાત્કારીની માતાને જમની (વાર્તા : ‘સ્ત્રીઓ’, લે.હિમાંશી શેલત)આખો દિવસ ઘૃણા અને નફરતથી જોતી આવી છે, પરંતુ દિવસના અંતે પાલીને એક સ્ત્રી તરીકે અને એક માતા તરીકે જુએ છે ત્યારે એ સમસંવેદન અનુભવે છે. પહેલાં પતિથી તવાયેલી અને ત્યારબાદ દીકરાથી હેરાન પરેશાન થતી માતાને જોઈ જમનીના મનની નફરત, ગુસ્સો, અસંતોષ કે બદલો લેવાની તમામ ભાવના ઓગળી જાય છે અને એક સ્ત્રી બીજી સ્ત્રીને ઓળખે છે. આ એવી જ સ્ત્રીઓ કે જે પોતાનાં સંતાનો કે સ્વજનોને કારણે હંમેશા દુઃખી થતી આવી છે, રિબાતી આવી છે. ભવભવની આ એકસમાન પીડામાં સ્ત્રીઓ એકબીજાના હૃદયનો સધિયારો સાધી ક્ષણભર હળવી પણ થઈ શકે છે તેની ઉત્તમ ઝાંખી કરાવતી આ વાર્તાઓ સમાજની અને માનવહૃદયની સચ્ચાઇને ચીંધી આપે છે. આખી જિંદગી ઘર પરિવાર માટે જાત ઘસી નાખનાર સ્ત્રી અંતે એકાકી અને નિઃસહાય સ્થિતિમાં કેવો ખાલીપો અનુભવે છે અને આ ખાલીપાને ખાળવા આજુબાજુના ઘરનો નિત્યક્રમ તેના રસનું કારણ બને છે. બીજાના જીવનમાં કે નિત્યક્રમમાં ડોકિયું કરવું તે એક સ્ત્રીના જીવનનું અવલંબન બની જાય તેની વાત ગુણવંતીબેનના(વાર્તા : ‘મારી બાજુવાળા ગુણવંતીબહેન’, લે.અશ્વિની બાપટ) માધ્યમથી એક વાર્તામાં થઈ છે, જે એનો જીવવા માટેનો એકલ સંઘર્ષ રજૂ કરે છે.

કહેવાય છે કે સંબંધોમાં વિશ્વાસ એક એવું તત્ત્વ છે કે તે જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી જ સંબંધો જીવંત રહે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદનો સંબંધ એ એક મૃત શરીર જેવો છે. તેમાંય સ્ત્રી-પુરુષ કે પતિ-પત્નીના વચ્ચેનો સબંધ જો મોકળા મને અન્ય વ્યક્તિઓને સ્વીકારી ન શકે તો સતત શંકાશીલતાને કારણે સંબંધ એક બોજ બની જાય છે. સતત શંકા સેવતી એક નાયિકાને સંબંધોનું ગૌરવ અથવા તો જરૂરીયાતમંદને નિરપેક્ષ મદદ કરવાની ભાવનાવાળો સંબંધ પણ ક્યાંક હોય એવો વિચાર જ આવતો નથી. સતત અસલામતીનો ભાવ અનુભવતી એક સ્ત્રી, એક પત્ની સામેના તમામ સંબંધોને શંકાની નજરે જોતી થાય છે. એના જેવાં જ બીજા ઉદાહરણો દ્વારા પોતાની પરિસ્થિતિનો એની સાથે મનમેળ બેસાડતી થાય છે. જીવન-વ્યવહારમાં આવી પડતા અણધાર્યા સંબંધોને પણ ક્યારેક સ્વીકારવા પડે છે, પરંતુ એ અસલામતીના ભાવને કારણે સ્વીકારી શકાતા નથી. આના લીધે અહીં એક વાર્તાની નાયિકા(વાર્તા : ‘ઉથલો’, લે.અજિત ઠાકોર) પણ છેલ્લે સીતાબેનના ઘેર ભેગી થયેલી લોકોની ભીડ વચ્ચે પણ પોતાના પતિને જ શોધ્યા કરે છે. આમ, સ્ત્રીના ભાવ-જગતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની અથવા તો પતિના આદર્શવાદના ભાવ તળે વહેતો અન્ય કોઇ પ્રવાહ તેને દઝાડી ન જાય તેની સતત દરકાર કર્યા કરે છે. તેનું કારણ તેના ચિત્તમાં સતત અનુભવાતો અસલામતીનો ભાવ છે. સંબંધોના નિશ્ચિત ચોકઠામાં અને સંસ્કારોની નિશ્ચિત ફ્રેમની અંદર સંબંધોને ફીટ કરીને આપણે કોઇ પણ સંબંધને જોઈએ છીએ એટલે સંબંધોનું ખુલ્લાપણું અથવા તો માનવીનું વર્તન આપણને સમજાતું નથી. પરંતુ કોઈ પણ સ્ત્રી-પુરુષના સંબંધોને આપણે નર-માદાના સાહજિક સંબંધો તરીકે જોવા જોઈએ. કુદરતમાં પશુ-પંખીઓ આવા નૈતિક બંધનોથી મુક્ત છે તો સમાજમાં બનતી કેટલીક ઘટનાઓને પણ સાહજિક રીતે સ્વીકારવી જોઈએ. સંબંધો અને વ્યવહાર માટેનું મૂળ નિમિત્ત તો આપણું મન છે. આવી ઊંડી સમજણ ધરાવતો એક પુરુષ વાર્તાની એક નાયિકા(વાર્તા : ‘હાશ’, લે.રમેશ દવે) માટે માનનો અધિકારી બની જાય છે. પરિવારમાં એક સભ્યના વર્તન-વ્યવહારની અન્ય નિર્દોષ સભ્યો પર પણ કેવી અસર પડે છે અને આ કૃત્યના સંદર્ભે જ અન્ય સભ્યોના વ્યક્તિત્વને અથવા તો તેમના વિચાર-વર્તનને પણ મૂલવવામાં આવે છે તે વાતનો સતત ભય અનુભવતી અને પોતાના ભાવિ અંગે શંકાશીલ બનેલી નાયિકા જ્યારે એ વાતનો છેદ જ ઊડી જાય છે ત્યારે તે હાશકારો અનુભવે છે. પરંતુ આવી ઘટનાઓ એક સ્ત્રી પોતાના અસ્તિત્ત્વ અંગે વરંવાર કેવી ભયમાં મૂકાય છે તેની એક વરવી સમસ્યા તરફ આપણું ધ્યાન દોરે છે.

વિકસતા જતા આ વિશ્વમાં સંપર્કો વધતા જાય છે તેમ ભૌતિકતા તરફની માનવીની દોટ પણ વધતી જાય છે અને તેમ તેમ સંબંધોની સંકુલતા પણ આપણા જીવનમાં પ્રવેશતી જાય છે. પતિ-પત્ની જેવા એકનિષ્ઠ સંબંધો એ અન્ય પાત્રોના પ્રવેશને કારણે નહીં, પરંતુ મોબાઈલ જેવાં ઉપકરણોને કારણે પણ ભયમાં મુકાતા જાય છે અને સતત અવિશ્વાસ અને અસલામતીનો ભાવ અનુભવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ એક સ્ત્રી માટે થાય છે. મોબાઈલયુગની આ સમસ્યાઓ પણ અહીં દેખા દે છે. તો ક્યારેક તીવ્ર માલિકીભાવનો અનુભવ કરતી સ્ત્રી પણ જ્યારે પોતાના પતિના વર્તનને મૂલવતી રહે છે ત્યારે પણ કેટલીક સમસ્યાનું નિમિત્ત પોતે બને છે. અહીં એક વાર્તાની નાયિકા (વાર્તા : ‘નિરસન’, લે.બિંદુ ભટ્ટ)પોતાના પતિનો સંસાર તરફથી આધ્યાત્મિકતા તરફના રસ્તાને કંઈક જુદી સ્ત્રી તરફનો રાહ માની ભય અનુભવતી રહે છે. પતિના જીવનમાં આવનારી કોઈ બીજી સ્ત્રી તેનું સ્થાન લેશે એવો ભય તે અનુભવતી રહે છે. પરંતુ તેના ભયનું નિરસન થાય છે. આમ, એક સ્ત્રી પોતે આર્થિક રીતે પગભર હોવા છતાં વર્ષોથી રૂઢ થયેલી એક પુરુષની ઓથમાં જ રહેવાની માન્યાતાને કારણે એક સ્ત્રી તરીકેની કેવી લાચારી અનુભવે છે અને પોતાના અસ્તિત્વ માટે કેવો સંઘર્ષ કરે છે તે સમસ્યાનું નિરૂપણ આ વાર્તામાં થયું છે. અહીં સંબંધોમાં ભળતાં કારણોને લીધે અવિશ્વાસ ઊભો થતો જોવા મળે છે, તો પોતાની જાત પ્રત્યે સતત અસલામતીની ભાવના વ્યક્ત થતી પણ જોવા મળે છે.

જીવનને, સંસારને પૂરી શક્તિ અને અરમાનોથી ભોગવતી સ્ત્રી ક્યારેક પતિની ઘેલછાવાદી અને આદર્શવાદી વિચારધારાનો ભોગ બને છે. પુરુષપ્રધાન કુટુંબમાં આજે પણ પુરુષના આદર્શોનો આદર કરવો એ સ્ત્રી માટે જાણે એક ધર્મ બની જાય છે. આવો આદર્શવાદ જો સ્ત્રી અપનાવે તો તે લાંબુ ટકી શકતો નથી અથવા તેને મજાક મશ્કરીમાં ખપાવી તેની માનસિકતા તોડી પાડવામાં આવે. પણ પતિ જ્યારે કોઈ આદર્શની વાત કરે ત્યારે પત્ની તેના પગલે પગલે ચાલનારી સહધર્મચારિણી બની રહે એવી અપેક્ષા સામૂહિક રીતે જોવા મળે છે. આજે પણ ભારતીય સમાજમાં પુરુષપ્રધાન કુટુંબના કારણે ઘરમાં પુરુષની વિચારધારાને જેટલું ઉત્તેજન કે આવકાર મળે છે તેટલું એક સ્ત્રીની વિચારધારાને મળતું નથી. જીવનના કોઇ વિશિષ્ટ તબક્કે પુરુષના મનનો તુક્કો સ્ત્રી માટે તો કદાચ જીવલેણ પણ સાબિત થાય એવો હોઈ શકે. આ સમસ્યા રમીલાના પાત્ર નિમિત્તે આદર્શવાદની ઘેલછા ધરાવતા પુરુષો માટે લાલબત્તી સમાન લેખકે બતાવી છે. આ ઉપરાંત, એક પતિ જો પત્નીનો પડછાયો બની રહેતો હોય, તેની જરુરિયાતોની હંમેશાં દરકાર રાખનારો હોય તો એ આપણા સમાજનું એક આદર્શ ચિત્ર નથી. પુરુષપ્રધાન સમાજે એક પતિનું ચિત્ર ઊભું કર્યું છે એમાં તો તે હાકલા-પડકારા કરતો, હાકોટા કરતો અને સ્ત્રીની ઈચ્છા કે લાગણીને પણ માન ન આપીને પોતાની જ મનમાની કરતા પતિનું એક ચિત્ર પરંપરાથી ઊભું થઈ ગયેલું છે. સૌના માટે કોઠે પડી ગયેલી આ પરિસ્થિતિ પછી પુરુષનું પ્રેમપૂર્વકનું વર્તન સ્ત્રીને કે સમાજને અનુકૂળ આવતું નથી. આદર્શની વાતો સહુ કરી જાણે છે પરંતુ એનું સાચું ઉદાહરણ જો સમાજમાં જોવા મળે તો તે હાંસીપાત્ર જ ઠરે છે. આદર્શ પતિ કે પત્નીની જરૂરિયાતો, ઈચ્છાઓનું સંપૂર્ણ માન સાચવતો અને પોતાની પત્નીને જ પોતાના જીવનનું અભિન્ન અંગ માનતો પુરુષ (વાર્તા : ‘કહ્યાગરા કંથની કથા’, લે.હરીશ નાગ્રેચા)સ્ત્રીને અંદરથી ગમતો હોવા છતાં તે આજુબાજુના વાતાવરણ અને લોકની ઈચ્છાને આધીન તેનો કેવો ઉપહાસ કરી બેસે છે એવી વિશિષ્ટ લાગણી અને સમસ્યા અહીં વ્યક્ત થતી જોવા મળે છે.

ભારતીય સંસ્કૃતિ તરફથી પશ્ચિમી સંસ્કૃતિ તરફની દોટ એ કોઈ પણ ભારતીયની એક સામાન્ય સમસ્યા રહી છે. માત્ર આર્થિક જ નહીં, પરંતુ વૈચારિક અને સાંસ્કૃતિક ભૂમિકાઓ પણ દિન-પ્રતિદિન બદલાતી જાય છે. જે ભારતીય સંસ્કૃતિમાં મૂલ્ય અને આદર્શોને ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું તે તમામને વ્યક્તિગત લાલસા અને ભોગવાદની દોડમાં સાવ વિસારે પાડી દેવામાં આવ્યાં છે. અહીં એક વાર્તાની નાયિકા અમૃતા પોતે જ ‘ઓપન હાઉસ’ (લે. હરનીશ જાની)બનીને સૌના માટે ખુદ વેચાવા માટે ખુલ્લી છે. જે પણ ઇચ્છે એ તેને લઈ જાય. શરત એટલી કે તેને અમેરિકામાં સ્થાયી કરવાની જવાબદારી એની. આમ, ભારતીય અમેરિકન અને એમાં પણ સ્ત્રીઓમાં બદલાતા જતાં મૂલ્યો અને તેની ભૌતિકતાની લ્યાહમાં અંતે તો તેની એક વૈચારિક સમસ્યા જ પ્રગટ થાય છે. માણસની સંકુલ લાગણીઓ અને આધુનિક થતા જતા જીવનમાં અનુભવાતા અનેક અપરાધભાવ અને અપકૃત્યો જીવનના એક તબક્કે બોજ સમાન બને છે. મૂલ્યહાસ ને ભોગવાદને વરેલી આ સંસ્કૃતિમાં એવી ઘટનાઓ બનતી રહે છે કે જેમાં પોતાના જ કહી શકાય એવા સ્વજનો સામે વિશ્વાસઘાતની ઘટનાઓ બનતી રહે છે. તે વખતે હસવું કે રડવું એ સમજણ ન પડે. આમ તો અહીં એક વાર્તા સ્ત્રી-પુરુષ બંનેના ભોગવાદી વલણને છતું કરતી હોવા છતાં વાર્તાના આરંભથી અંત સુધી તેના મુખ્ય પાત્ર મીતાની સંવેદના (વાર્તા : ‘પરત’, લે.રવીન્દ્ર પારેખ)અને અપરાધભાવની વૃત્તિ વધારે આલેખન પામી છે. તેના પતિ ઉત્પલની વાત તો અંતે માત્ર રહસ્યસ્ફોટ તરીકે આવે છે. વાર્તા શરૂઆતથી અંત સુધી જે અલગ-અલગ ઘટનાઓ અને વિચારો દ્વારા મીતા જે અનુભવે છે તેને કારણે ભોગવાદ અને મૂલ્યહાસને વરેલી એક સ્ત્રીની સમસ્યા તરીકે આ વાર્તાને મુખત્વે ઓળખી શકાય. વિકસતા જતા વિશ્વમાં માનવીના મૂળ ભાવ, પ્રેમ, સંવેદનાની સંકલ્પનાઓ બદલાઈ છે. ભોગવાદને વરેલી સંસ્કૃતિ સાચું શું અને ખોટું શું એ નક્કી કરવા માટે અસમર્થ છે. કુત્રિમ વર્તન-વ્યવહારોને જ જીવનનું પરમ શ્રેય માનીને ચાલતી આજની પેઢી અને તેમાં પણ એક છોકરી આ ઝમકઝોલ દુનિયાની બનાવટી આભાથી કેવી ભ્રમિત થાય છે તેનું ઉદાહરણ એક વાર્તામાં સુપ્રિયાના પાત્ર (વાર્તા : ‘સાતમા આકાશની ભૉય’, લે.હિમાંશી શેલત)દ્વારા આલેખાયું છે. બનાવટી દુનિયાને પામવાની લ્યાહમાં શું વાસ્તવિક છે અને શું બનાવટી છે તેનો ભેદ પારખવાની તાકાત પણ એક સ્ત્રીમાં રહી નથી. કઈ ઘટના અને કઈ વ્યક્તિ તેને સાચો આનંદ આપશે, સાચો જ નહીં પરંતુ સ્થાયી આનંદ પણ આપશે એને મન એનું મૂલ્ય નથી. પરંતુ બનાવટી અને ઉપજાવી કાઢેલી ઘટનાઓને પોતાની સિદ્ધિ માનીને પોતાનો ‘સુપર ઇગો’ સંતોષવો એ જાણે આજના જમાનાની એક ફેશન બની ગઈ છે. સુપ્રિયા એ મૂલ્યહાસ અને ભોગવાદને વરેલી સંસ્કૃતિમાં પીડાતી એક સ્ત્રીનું પ્રતીક બનીને આ વાર્તામાં આવે છે.

દેખીતી કોઈ આપત્તિ વગર, માત્ર અભાવના કારણે અથવા તો પોતાની અને સામેનાની પરિસ્થિતિની તુલનામાંથી ઊભી થતી અદેખાઈને કારણે દુઃખી થતી સ્ત્રીની સમસ્યાવાળી વાર્તાઓ પણ અહીં જોવા મળે છે. એક વાર્તાની નાયિકા વિલાસને (વાર્તા : ‘પછડાટ’, લે.ધરમાભાઈ શ્રીમાળી)પછડાટ મળે છે તે પોતાના સ્વભાવ અને પોતે અનુભવેલા ભાવના કારણે જ મળે છે. તેથી પોતાના દુઃખ માટે તે પોતે જ નિમિત્ત બને છે. વ્યક્તિના જીવનમાં ઘણા બધાં પારકાં કે પોતાનાં સ્વજનો દ્વારા પછડાટ મળતી હોય છે, પરંતુ અહીં તો માત્ર પોતે કરેલા કોઈ કારણ વગરના વર્તાવ અને ઈર્ષાભાવને કારણે એક સ્ત્રી પોતે જ પછડાટ ખાય છે તેનું આસ્વાદ્ય આલેખન થયું છે. ઈર્ષાની આગમાં સહજ ભાવે જ સળગવાનો સ્ત્રીનો જે સ્વભાવ છે તેને કારણે દુઃખી થતી વાર્તા નાયિકા એક આ પ્રકાત્રની સ્ત્રીની મનોવૈજ્ઞાનિક સમસ્યાને આ વાર્તા દ્વારા અભિવ્યક્ત કરે છે. તો લગ્નમાં ઘણી અસામાનતાઓ વર્ષો પહેલાં હતી એવી આજે પણ ક્યાંક અસ્તિત્વ ધરાવે છે તે સમસ્યાનું નિરુપણ ગુજરાતી વાર્તાકાર મનોવૈજ્ઞાનિકની અદાથી કરે છે.

સ્ત્રીની જરુરિયાતોને આર્થિક સંપન્નતાને લીધે ભૌતિક સાધનોથી જ પૂરવાની કોશિષ કરવામાં તેના આંતરજગતને, તેના ભાવવિશ્વને લગતી બીજી ઘણી સમસ્યાઓ સામે આવે છે. લગ્નમાં અસમાન વય એક સ્ત્રીને કેવી પીડે છે તેની સમસ્યા પણ અહીં સામે આવી છે. એક વાર્તાની નાયિકા એવી પત્ની, એક યુવતી તરીકે તે પોતાની જાતથી સભાન છે એટલે પોતે જ પોતાની જાત ઉપર નિયંત્રણ નહીં કરી શકે એવી બીક તેને લાગે છે. દેખીતી રીતે જ વાનરથી લાગતી બીકની પાછળ કપિલાની (વાર્તા : ‘બીક’, લે.ચીનુ મોદી)જે અતૃપ્ત ઇચ્છઓ છે એને લેખક વ્યક્ત કરવા માંગે છે. સાથે, પોતાને યોગ્ય પતિ સાથે સ્ત્રી ન જોડાયેલી હોય તો પણ ભારતીય સંસ્કૃતિનાં મૂલ્ય ધરાવતી સ્ત્રી એક બાજુ ધર્મ અને બીજી બાજુ જરૂરિયાત એ બંને વચ્ચે કેવી રહેંસાતી રહે છે તેનું સાવ સરળ શબ્દોમાં આલેખન અહીં કપિલાના પાત્રો દ્વારા થયેલું જોવા મળે છે. તો આવી સંસ્કારી સ્ત્રી માટે એક બાજૂ કૂવો તો બીજી બાજુ ખીણ જેવો ઘાટ ઘડાય છે તેની સમસ્યા રજૂ થઈ છે. લગ્નજીવનમાં યોગ્યતા અને ઇચ્છા આ બંને તત્ત્વો ભળે તો જ લગ્નજીવન સાર્થક ગણાય. અહીં આલેખાયેલી સુજાતા(વાર્તા : ‘આડા હાથે મુકાયેલું ગીત’, લે.બિન્દુ ભટ્ટ) જેવી સ્ત્રીઓના જીવનમાં દેખીતી રીતે કોઈ અભાવ નથી. આંગળી ચીંધીને બતાવી શકાય એવું કોઈ દુઃખ, ત્રાસ કે પીડા નથી. એમ છતાં પોતાનાં ઇચ્છા-અરમાનોને ક્યાંક આડે હાથે મૂકી દીધાંનો તેમને સતત અહેસાસ થયા કરે છે, જે કરુણની લાગણી જન્માવે છે. લગ્ન પછી કોઈને જાણ જ ના થાય એમ એક સ્ત્રીનું જીવન કેવું બદલાઇ જાય છે ને જીવવના એક નિશ્ચિત પડાવ પર આવીને આ બધું પીડાદાયક બને છે તેવાં સૂક્ષ્મ સંવેદનોને આલેખતી આ વાર્તાઓ આ સમયગાળામાં લખાઇ છે તેથી એક વ્યક્તિ તરીકે સ્ત્રીની સૂક્ષ્મ સંવેદનાને વાચા આપી તેના જીવનાની એક સમસ્યાને આપણી સામે ધરી છે.

પરિવારમાં સામાન્ય માંદગી આવે કે કોઇ સભ્યને ગંભીર બિમારી આવી પડે, એક સ્ત્રીના ભાગે એની અવિરત સેવા-ચાકરી, થાક્યા વિના અને મોં બગાડ્યા વિના કરવાનું ભાગે આવે છે. પરંતુ એ જ સ્ત્રી જ્યારે કોઈ બિમારીનો ભોગ બને(વાર્તા : ‘ઉંબર વચ્ચે’, લે.બિંદુ ભટ્ટ) ત્યારે પરિવારના સાવ નજીક કહેવાય તેવાં સગાં-સ્નેહી પણ તેનાથી સુરક્ષિત અંતર જાળવી લે છે. સ્ત્રી માટે આ એક મોટી સમસ્યા બનીને સામે આવે છે. ગુજરાતીમાં ‘સફેદ કોઢ’ નામે ઓળખાતો આ રોગ આમ તો નથી વારસાગત કે નથી ચેપી. પરંતુ રોગીની સ્થિતિ જ કંઈક એવી હોય છે કે તે ડોક્ટરની વાત કે મેડિકલ સાયન્સના તથ્યને બાજુએ રાખી ચારે દિશાનો વિચાર કરવા પ્રેરાય છે. અહીં એક વાર્તાની નાયિકાને પણ સતત આ જ ચિંતા સતાવે છે. પોતાની વીસ વર્ષની દીકરી પિન્કી અને પોતાનો પતિ બંને પોતાને લીધે આ રોગનો ભોગ બની શકે એવી એક ચિંતા અને ઉચાટ તે અનુભવે છે. સુખની તમામ વ્યખ્યાઓને સિદ્ધ કરતી જિંદગી સફેદ ડાઘના ચિન્હો શરીર પર દેખાતાં જ જાણે બદલાઈ જાય છે. બાપ અને દીકરી બંનેના જીવનમાં અભિન્ન હિસ્સો એવી ઋજુ જાણે પોતાની જાતને વિખૂટી પડી ગયેલી અનુભવે છે. પોતાની દીકરીનું સગપણ થવાની વાત ચાલી રહી છે. આ અવસ્થામાં સામેવાળા પણ જો પોતાના રોગને વંશ પરંપરાગત કે ચેપી સમજે તો પોતાની દીકરીના લગ્નમાં પણ વિક્ષેપ ઊભો થાય તેનો ભય તે સતત અનુભવે છે. જે એક સ્ત્રી પર આખા ઘરનું સંચાલન નિર્ભર હોય છે તેની અસાધ્ય રોગની શંકામાત્રથી કેવું પરિવર્તન આવે છે તેની સમસ્યા અહીં ઋજુના પાત્ર દ્વારા નિરુપણ પામી છે.

લગ્ન વગરનો અને સામાજિક સ્વીકૃતિ વગરનો પ્રેમ એક સ્ત્રી માટે કેવો પીડાદાયક હોય છે તેની પણ વાત અહીં રજૂ થઈ છે. લગ્ન વગરનો ગમે એટલો લાગણીશીલ સંબંધ આપણે ત્યાં ‘અવૈધ ‘માનવામાં આવે છે. એમાં પણ એક સ્ત્રીને સાચા પાત્રની શોધમાં જીવનની ઉત્તરાવસ્થાએ અચાનક જ બંધાયેલો એવો પ્રેમ, કે જે નથી અપનાવી શકાતો કે નથી છોડી શકાતો ત્યારે આ પરિસ્થિતિની વિડંબના થાકી જવાના ભાવનો અનુભવ કરાવે છે. એક પુરુષ માટે સ્વાભાવિક લાગતી કે સામાન્ય લાગતી એક બાબત એક સ્ત્રી માટે કેવી ગંભીર છે તે તરફ અંગૂલીનિર્દેશ કરી આપે છે. સબંધ જોડવામાં અને તોડવામાં પરિસ્થિતિની કેવી વિડંબણા છે કે એક ડગલું આગળ પણ ન જઈ શકાય અને પાછળ પણ નહીં. એટલે જ આ વાર્તામાં તેમ જીવનમાં ક્યારેક 'આમ થાકી જવું'(લે. કિરીટ દૂધાત)ની વાત પુરવાર થાય છે. એક સ્ત્રી જીવનમાં પોતાને અનુકૂળ એવા સંબંધને અપનાવવા ઈચ્છે છે, પરંતુ જ્ઞાતિનાં બંધનોને અપનાવી બેઠેલો સમાજ એક ઉત્તમ સંબંધને પણ સાર્થક થવા દેતો નથી. આજે સુશિક્ષિત સમાજમાં પણ યોગ્યતા ધરાવતાં બે પાત્રોની વચ્ચે સમાજની ઉચ્ચાવચતાનો પ્રશ્ન પ્રમુખસ્થાન ભોગવે છે અને તેથી એક સ્ત્રી પોતાના જીવનમાં આવેલા ઉજાસ તરફથી પાછી ભાવિના અનિશ્ચિત અંધકાર તરફ ધકેલાઇ જાય છે તેવી એક સમસ્યા અહીં એક વાર્તામાં સુમીના પાત્ર દ્વારા રજૂ થઈ છે.

એક સ્ત્રીના જીવનમાં બાળપણથી જ ઘર કરી ગયેલી ધાર્મિક કે સામાજિક પરંપરા અને પરિવારની વિચારધારા તેના લગ્ન પછી પણ કેટલી દૃઢ માનસિક અસર ધરાવે છે તેની વાત પણ એક વાર્તામાં પ્રેમકુંવરના પાત્ર(વાર્તા : ‘ના નહીં તોડવા દઉં’, લે.દશરથ પરમાર) નિમિત્તે થઈ છે. ઘણીવાર આવી રૂઢિ,પરંપરા કે ધાર્મિક વિધિ વાસ્તવિક જીવનનો એક ભાગ બની જાય છે. એવો ભાગ કે માણસ પોતાના વાસ્તવિક સત્યથી પણ દૂર ભાગે છે અને ધાર્મિક વિધિએ ઊભા કરેલા એક કાલ્પનિક ચિત્રને જાણે વાસ્તવિક માનવા લાગે છે. સ્ત્રીની બાબતમાં રાજપૂત પરંપરા વધારે રૂઢિચુસ્ત રહી છે ત્યારે આ આખું વાતાવરણ પ્રેમકુંવરના જીવનની કરુણ વાસ્તવિકતાને આલેખે છે. ધર્મ અને સમાજ એમ બંને બાજુથી આજે પણ એક સ્ત્રીના સ્વતંત્ર જીવનનો અધિકાર અને ઇચ્છાઓ છીનવી લેવામાં છે તે પ્રકારની સમસ્યાઓ પણ ગુજરાતી વાર્તાના આ વીસ વર્ષના સમયગાળામાં ટૂંકીવાર્તાનું વિષયવસ્તુ બનીને સામે આવી છે.

આમ, ગુજરાતી સાહિત્યમાં નારીજીવનના મૂળભૂત પ્રશ્નો અને બદલાતા જતા સમયને ધ્યાનમાં રાખી જે સમસ્યાઓ સમાજમાં આજે સામે આવી છે તે સમસ્યાઓ વાર્તાસ્વરૂપે પણ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં પુરુષ લેખકો અને સ્ત્રી લેખકો એમ બંને દ્વારા નારીસંવેદનોને અને સમસ્યાઓને વ્યક્ત કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. વીસમી સદીના આઠમાં દાયકાથી આરંભાયેલી નવી વાર્તાની યાત્રામાં સ્ત્રીજીવનની સમસ્યાઓ અને નવા પ્રશ્નો પણ વાર્તાના વસ્તુ તરીકે આલેખાયા છે. ગ્રામચેતના, નારીચેતના અને દલિતચેતના એવી અનુનાધુનિક ધારા હેઠળની પ્રતિબદ્ધ કહેવાય એવી વાર્તાઓ પણ આ સમયમાં રચાઈ છે. તેમાંય નારીવાદ અને દલિતવાદ વિચારધારા અંતર્ગત સર્જાતું સાહિત્ય એ સમાજની સંપૂર્ણ વાસ્તવિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. તેથી જ્યારે નારીસમસ્યાની વાર્તા હોય ત્યારે આપણા સમાજમાં નારીનું જે ચિત્ર છે એ જ વાર્તાના વિષયવસ્તુ તરીકે આવે એવું બનવાની પૂરી શક્યતા છે. વાસ્તવિક સામાજિક સ્થિતિ વાર્તાનું વસ્તુ બની હોય અથવા તો સ્ત્રી જીવનનાં આદર્શ ચિત્રો વાર્તામાં હોય અથવા તો જે સંવેદનો વાસ્તવિક જીવનમાં કદી બહાર આવ્યાં જ નથી તે સંવેદનોના પ્રવાહો એક સ્ત્રીના આંતરમનમાં અદૃશ્ય રીતે સતત વહ્યા જ કરે છે એનો પણ વિચાર પુરુષ સમાજે કરવો રહે તેવી ભાવના વ્યક્ત કરતી વાર્તાઓ આ સમયગાળામાં લખાઈ છે.

હરીશ નાગ્રેચા, હિમાંશી શેલત, ઈલા આરબ મહેતા, કુંદનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, વર્ષા અડાલજા, મોહન પરમાર જેવા વીસમી સદીના અંતિમ દાયકામાં નારીસમસ્યા અને નારીચેતના વિષયના વાર્તાક્ષેત્રે ખૂબ જ સક્રિય એવાં નામોમાંથી હિમાંશી શેલત, હરીશ નાગ્રેચા કે મોહન પરમાર જેવા કેટલાક વાર્તાકાર જ ૨૧મી સદીના આ બે દાયકા દરમિયાન પણ વાર્તાલેખનમાં સાતત્ય જાળવે છે. બીજાં કેટલાક નવાં નામ ઉમેરાય છે અને સર્જકતાના પ્રાંરંભિક ઉન્મેષો દાખવતા નારીસમસ્યા અને વાર્તા બંનેને સિદ્ધ કરવાના પ્રયત્નો આ બે દાયકા દરમિયાન થયા છે. આમ જોઈએ તો આ સમયમાં ગુજરાતના પ્રત્યેક પ્રાંતમાંથી જે વાર્તાકાર આવ્યો તેમની કોઇ ને કોઇ વાર્તાઓમાં આ વિષયની સીમાઓને સ્પર્શતી વાર્તાઓ જોવા મળે છે. તેમ છતાં એકવીસમી સદીના પ્રથમ દોઢ દાયકાની ગુજરાતી ટૂંકીવાર્તાની જોતાં નારીજીવનની સમસ્યાઓનું આલેખન વાર્તામાં સાવ સપાટી પરનું અને એકાંગી કહી શકાય એવું જ મોટા ભાગે જોવા મળે છે. નારીચેતનાની કે નારીસમસ્યાની વાર્તાઓને જો આપણે પ્રતિબદ્ધ વાર્તા અથવા તો સમાજ સાથે જોડાયેલી વાર્તા કહીએ તો હજુ પણ સ્ત્રીજીવનના કેટલાય પ્રશ્નો, સમસ્યાઓ વાર્તામાં આવી શક્યાં નથી. સ્ત્રીના જાતિગત પ્રશ્નો, સ્ત્રી તરીકે એણે નિભાવી પડતી જુદી જુદી ભૂમિકાઓ; જેવી કે બહેન, માતા, પત્ની, પ્રેમિકા વગેરેની આછી પાતળી સંવેદનાઓ અને સમસ્યાઓ વાર્તા સ્વરૂપે આવી શકી છે. ખાસ તો સ્ત્રીના શરીરની જે પ્રકૃતિગત વિશેષતા છે, તેમાં માતૃત્વ ધારણ કરવા અંગેના પ્રશ્નો, તો તેના પર થતા જાતીય હુમલા, બીજી બાજુ સ્ત્રીઓને ઉપભોગનું સાધન માનતી પુરુષવાદી માનસિકતા, તો આજે પણ એક સ્ત્રીએ લગ્ન કરી નવા વાતાવરણમાં સ્થિર થવાનું છે ત્યાં પત્ની અને ઘરની વહુ તરીકેની જવાબદારી સહન કરતાં સ્ત્રીઓને પડતી વિવિધ પ્રકારની મુશ્કેલીઓ જેવા સર્વસામાન્ય પ્રશ્નો સમાજમાં તેમ સાહિત્યમાં વર્ષો પહેલાં પણ હતા અને આજે પણ અસ્તિત્વ ધરાવે છે. તેવી પરંપરિત સમસ્યાઓની વાત આ સમયની ગુજરાતી વાર્તા કરી શકી છે. એકવીસમી સદીના બે દાયકા દરમિયાન વૈશ્વિક ક્ષેત્રે આવેલાં પરિવર્તનો, બદલાતો સમાજ, વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રભાવ અને વિશ્વના દેશો ઉપર મૂડીવાદનો પ્રભાવ અને તેને કારણે ઊભી થયેલી બજાર-વ્યવસ્થામાંથી ઊભા થતા સ્ત્રી જીવનના પ્રશ્નોને આલેખવામાં ગુજરાતી વાર્તા આજે પણ દરિદ્ર જણાય છે.

દલિતવાર્તા કે ગ્રામચેતનાની વાર્તાઓમાં સ્ત્રીઓની સમસ્યા સમાજની અજ્ઞાનતા, શિક્ષણના અભાવમાં કે રૂઢિચુસ્ત સામાજિક માળખામાંથી ઊભી થયેલી છે. તો એ સિવાયની શહેરી વાતાવરણ કે શિક્ષિત પરિવારમાંથી આવતું વાર્તાનું વસ્તુ આજે પણ જાતીયતા કે સ્ત્રીનો વ્યક્તિ તરીકે અસ્વીકાર જેવા સામાન્ય પ્રશ્નો વચ્ચે અટકી જાય છે. આવા મર્યાદિત વિષય ગુજરાતી વાર્તા દ્વારા જુદાં જુદાં સ્વરૂપે પુનરાવર્તન પામ્યા હોય તેવું આ અભ્યાસથી સતત લાગે છે. આઝાદીના સાત દાયકા પછી પણ કેટલાક પ્રશ્નો આજે સમાજમાં છે એ ગુજરાતી વાર્તાના વિષય બની શક્યા નથી, તો બદલાતા સમય પ્રમાણે જે નવી જ અને અકાટ્ય પરિસ્થિતિ માનવસમાજ સામે ઊભી થઈ છે અને તેમાં સ્ત્રીઓની પરિસ્થિતિ એક વિશિષ્ટ સમસ્યા તરીકે સામે આવી છે તેવું વ્યાપક દૃષ્ટિબિંદુ ગુજરાતી વાર્તાકારોને હજી લાદ્યું નથી. તેથી જ બેલા ઠાકરના મત મુજબ,
“આઝાદી પછી દેશમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રગતિ જરૂર થઇ છે અને નારી આંદોલનની ક્રિયાશીલતામાં પણ વેગ આવ્યો છે, તેમ છતાં સ્ત્રી પ્રત્યેની સમાજની ઉપેક્ષામાં ખાસ કોઈ બદલાવ નથી આવ્યો. જે થોડુંઘણું પરિવર્તન આવ્યું છે તે સમાજમાં અને શહેરોમાં વસતી સ્ત્રીઓમાં આવ્યું છે. સ્ત્રીઓને બંધારણ દ્વારા આપવામાં આવેલા લાભો, શિક્ષણ રોજગારીની તકો, આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ અને વિકાસના મીઠાં ફળ મધ્યમ અને ભદ્ર વર્ગની શહેરી સ્ત્રીઓને કદાચ ચાખવાં મળ્યાં છે. પણ એ ન ભૂલવું જોઈએ કે આપણા દેશની ૭૪ ટકા વસ્તી ગામડામાં વસે છે. અને અડધાથી વધુ પ્રજા ગરીબી રેખા નીચે જીવે છે. તો આનો વિચાર કરીએ તો આજે વર્ષો પછી પણ ભારતની બાલિકાઓ અને સ્ત્રીઓની સ્થિતિ હતી ત્યાં જ છે. કેટલેક સ્થળે તો કદાચ બદતર બની છે.”
આજના જીવાતા જીવનનું વાસ્તવિક ચિત્ર અને એમાં ઊડીને આંખે વળગે એવા કેટલાય વિષયો ગુજરાતી વાર્તાકારના કાલ્પનિક ચિત્ર કે આદર્શ પાછળ કે વાસ્તવની ધરતીથી દૂર જઈ વાર્તા રચવાના પ્રયાસોને કારણે વાર્તાથી દૂર રહી જવા પામ્યા છે. આ વાર્તાઓ જોતાં તો ક્યારેક એવું લાગે કે સ્ત્રી જીવનના કેટલાક ચોક્કસ વિષયોની બહાર ગુજરાતી સર્જક્ની દૃષ્ટિ કેમ નીકળી શકતી નથી ? સ્ત્રીના શરીરને અને ભારતીય સમાજની કુટુંબવ્યસ્થાને બાકાત રાખીએ તો નારીસમસ્યાના વિષયો તરીકે બહુ ઓછી વાર્તાઓ બચે એ હકીકત છે. ગુજરાતી નારીસમસ્યાની વાર્તાઓમાં આજે પણ એવા કેટલાય વિષયો છે જે હજુ પણ સર્જકદૃષ્ટિથી પર રહી જવા પામ્યા છે, અથવા બહુ ઓછા અને જવલ્લેજ વાર્તામાં આલેખન પામ્યા છે તેને આ રીતે જોઈ શકાય :
  1. સંદેશા-વ્યવહારના અતિ ઝડપી અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને કારણે જીવનમાં આવેલા બદલાવ બાદ ઊભી થયેલી સ્ત્રી-સમસ્યાઓ.
  2. સ્ત્રીજીવનમાં સોશિયલ મીડિયાના વધુ પડતા પ્રભાવને કારણે તેની વિધેયાત્મક અને નિષેધાત્મક અસરોને વિષયવસ્તુ બનાવતી વાર્તાઓ.
  3. વિભકિત કુટુંબ તરીકે રહેતા પરિવારમાં સ્ત્રીઓની વિશેષ જવાબદારીઓ અને સમસ્યાઓને આલેખતી વાર્તાઓ.
  4. દિન-પ્રતિદિન વધતા જતાં શિક્ષણને પરિણામે શહેરમાં અને ગામડામાં વ્યક્તિના મૂળ વ્યવસાય પ્રત્યે વધેલી સુગમાંથી ઊભી થતી સ્ત્રીસમસ્યાઓ.
  5. શહેરીકરણ તરફની અતિશય અને આંધળી દોટને પરિણામે વ્યાવસાયિક કેંદ્રીકરણને લીધે શહેર પર વધેલા વ્યવાસાયિક બોજ અને ગામાડાના મૂળ પ્રાથમિક કક્ષાના વ્યવસાયોમાં કામદારોની વર્તાતી અછતમાંથી ઊભી થતી સ્ત્રીઓની સમસ્યાઓ.
  6. ઘણી અસક્ષમતાઓ અને ઘણી બધી મર્યાદાઓ છતાં આધુનિક અને ઉચ્ચ બુદ્ધિશાળી હોવાના દેખાવ કરવામાંથી ઊભી થતી સ્ત્રીઓની સમસ્યાઓ
  7. હુલ્લડ અને કોમી રમખાણ જેવી પરિસ્થિતિમાં ખાસ નિશાન બનતી સ્ત્રીઓની સમસ્યાઓ
  8. ‘એસિડ એટેક’જેવા જાતીય હુમલાઓ અને રસોડાની અગનજ્વાળોઓમાંથી બચી ગયા બાદ સ્ત્રીઓએ આજીવન વેઠવી પડતી સમસ્યાઓ
  9. વર્ષોથી પુરુષપ્રભાવી એવાં સંરક્ષણ કે વાહનવ્યવહાર સંચાલન જેવાં ક્ષેત્રોમાં સ્ત્રીઓના પ્રવેશ બાદ ઊભી થયેલી સમસ્યાઓ.
  10. સૌંદર્યપ્રસાધનોના પ્રભાવ પાછળ અને તથ્ય વગરની જાહેરાત પાછળ પાગલ બનેલી વિચારહીન અને દિશાહીન સ્ત્રીઓની સમસ્યાઓ.
  11. કાલ્પનિક શરીરસૌષ્ઠવ અંગેના મિથ્યા ખ્યાલોમાંથી માયકાંગલી બની જતી અને છેવટે નિરાશાનો ભોગ બનતી સ્ત્રીજીવનની સમસ્યાઓ
  12. સ્ત્રીના સૌંદર્યને અને પુરુષમાં પડેલી સહજ લોલુપ વૃત્તિને ગ્રાહકના આકર્ષણનું માધ્યમ બનાવી, સ્ત્રીને એક સાધન તરીકે વાપરવાના વિચારમાંથી ઊભી થતી સમસ્યાઓ
  13. વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવાના સુંવાળા નામો હેઠળ જાતીય વૃત્તિઓને સંતોષવાના ઊભા થયેલા વ્યવસાયને વરેલી સ્ત્રીઓની સમસ્યાઓ.
  14. પોર્નોગ્રાફી ઉપર પ્રતિબંધની સરકારી જાહેરાતો વચ્ચે પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ આવા સાહિત્યના પ્રચાર-પ્રસારને કારણે વધેલી સ્ત્રીઓની જાતીય જીવનની સમસ્યાઓ.
  15. ગર્ભનિરોધકોના વધેલા ઉપયોગને કારણે વધેલા લગ્ન પૂર્વેના ને પછીના બાહ્ય જાતીય સંબંધો અને બદલાયેલાં નીતિમત્તાનાં ધોરણોમાંથી ઊભી થયેલી સમસ્યાઓ.
  16. અશ્લીલ સાહિત્યમાં સૂચવાતા વિષયોને કારણે પરિવાર અને કુટુંબના નજીકના સંબંધોમાં નીતિ-મૂલ્યોનું થયેલું ધોવાણ અને સંબંધોની ઉન્મુક્તાવસ્થામાં સપડાયેલી સ્ત્રીઓની સમસ્યા
  17. ભૌતિક પ્રગતિ, ઉચ્ચ કારકિર્દી અને પ્રસિદ્ધિ પાછળના પાગલપનને કારણે સ્ત્રીઓમાં પ્રવેશેલાં વ્યસન, વ્યાપક નિરાશા અને ગૃહત્યાગ કે આત્મહત્યાને લગતી સમસ્યાઓ.
  18. સિનેમા જેવા રૂપેરી પડદે અને ઝડપી પ્રસિદ્ધિ અપાવતાં માધ્યમોમાં કામ કરવાની ઘેલછાને કારણે સ્ત્રીઓના થતા શારીરિક શોષણ અને માનસિક પરિતાપના પ્રશ્નો.
  19. મર્યાદિત સભ્યસંખ્યા ધરાવતું કુટુંબ અને તેમાં પણ પુત્રપ્રાપ્તિની અનિવાર્ય આવશ્યકતા ધરાવતી માનસિકતાને કારણે ઊભા થતા સ્ત્રીજીવનના પ્રશ્નો અને સમસ્યાઓ
  20. ગર્ભવિજ્ઞાન અને તે અંગેની ખૂબ જ પ્રગતિશીલ ટેકનોલોજીને કારણે ગર્ભની જાતીયતા અંગેની પૂર્ણ જાણકારીને લીધે સેક્સ રેશિયોની અસમાનતા અને તેને લીધે સ્ત્રીઓની ઘટતી સંખ્યા અને તેમાંથી ઊભી થયેલી કન્યાવિક્રયથી માંડીને બાળાત્કાર સુધીની સ્ત્રીઓની સમસ્યાઓ.
  21. દેશ્માં છાશવારે બનતી નિર્ભયા જેવી દુર્ઘટનાઓને કારણે ભારતીય સ્ત્રીસન્માન વિચારધારાની પોકળતા દર્શાવતા વાર્તાના વિષયો.
  22. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સ્ત્રી કર્મચારીઓ કે વયસ્ક વિદ્યાર્થિનીઓની થતી જાતીય સતામણી અને આ સમગ્ર માળખાગત ઊભી થતી સ્ત્રીઓની સમસ્યાઓ.
  23. આજે પણ પોલીસતંત્ર કે કાયદાકીય મદદ મેળવવાની, ત્યાં સુધી પહોંચવાની કે આ તંત્રની જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવાની માનસિકતાને કારણે સ્ત્રીઓએ મૂંગા મોઢે વેઠવા પડતા અન્યાય અને અત્યાચારની સમસ્યાઓ.
  24. આધુનિક જીવનશૈલીને લીધે સંતાનપ્રાપ્તિની વધતી અસમર્થતાને લીધે, તો બીજી તરફ બાળ-ઉછેરને એક જટિલ સમસ્યા માની બાળપ્રાપ્તિની અનિચ્છાને કારણે ઊભી થયેલી સ્ત્રીઓની સમસ્યાઓ
  25. આર્થિક અસમાનતાને કારણે એક બાજુ પૈસાની તંગી તો બીજી બાજુ આર્થિક સંપન્ન પરિસ્થિતિને કારણે સંતાનપ્રાપ્તિ વખતે વેઠવી પડતી આપત્તિઓમાંથી દૂર ભાગવાની માનસિકતાને લીધે ‘સરોગેટ મધર’ અને કૃત્રિમ ગર્ભાધાન(IVF) જેવા વધતા જતા વિકલ્પોને લીધે સ્ત્રીઓની ઊભી થયેલી સમસ્યાઓ
  26. જાહેર અને સરકારી કે ખાનગી વહીવટીતંત્રમાં સ્ત્રીઓના પ્રવેશ પછી તેમની સામે ઊભી થયેલી સમસ્યાઓ.
  27. અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતાં સંતાનોની વિચારધારામાંથી ઊભા થતાં સંઘર્ષને વેઠતી આગલી પેઢીની સ્ત્રીઓની સમસ્યાઓ.
  28. મધ્યમવર્ગની અને સામાન્ય અભ્યાસ પામેલી સ્ત્રીઓમાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવાની અને વૈશ્વિક સ્પર્ધાની હોડમાં ઉતારવાની ઇચ્છા પછી મળતી નિષ્ફળતામાંથી ઊભી થતી ગુજરાતી સ્ત્રીઓની સમસ્યાઓ
  29. પરિવારની આર્થિક મર્યાદાઓ છતાં ઉચ્ચ અભ્યાસ માટે બહાર જતી અને મહાનગરોની ઝમકઝોળથી અંજાઈ જઈ ગેરમાર્ગે દોરવાઈ જતી સ્ત્રીઓની સમસ્યાઓ.
  30. સ્ત્રીઓને રક્ષણ આપતા કાયદાઓનો જ દુરુપયોગ કરવાની માનસિકતામાંથી ઊભી થયેલી સ્ત્રીઓની સમસ્યાઓ
  31. આંતરજ્ઞાતીય કે વિધર્મી લગ્નો બાદ આજે સ્ત્રીઓએ વેઠવા પડતા પારિવારિક અને સામાજિક અનુકૂલનના પ્રશ્નો અને સમસ્યાઓ
  32. મહાનગરોના રેડલાઇટ એરિયામાં સેક્સવર્કર તરીકે કામ કરતી સ્ત્રીઓના જીવનની સમસ્યાઓ
  33. વસ્ત્રો, આભૂષણો, ખોરાક, વર્તનની ચોક્કસ રીતભાતની પરંપરાઓ, શિક્ષણ, સ્ત્રીના શરીર સાથે જોડાયેલી ધાર્મિક માન્યાતાઓ વગેરે અનેક બાબતોએ સ્ત્રીઓએ પરિવારમાં અને સમાજમાં વેઠવી પડતી સમસ્યાઓ.
આમ, આ ઉદાહરણરૂપ દર્શાવી છે તે સિવાયની પણ આવી તો બીજી કેટલીયે સમસ્યાઓ છે, જે આજે આપણા સમાજ માટે મોટા પડકાર બનીને ઊભી છે તેનું અસ્તિત્વ ગુજરાતી વાર્તામાં ક્યાંય દેખાતું નથી, અથવા તો ક્યાંક દેખાય છે તો તેના સપાટી પરના આલેખનમાં જ અટકી જાય છે. આ સમસ્યાઓ વાર્તાનું સ્વરૂપ બની કે ગુજરાતી ટૂંકીવાર્તાનો વિષય બની ગુજરાતી વાર્તામાં પ્રવેશી શક્યા નથી. ઉપર્યુક્ત શીર્ષકો તો માત્ર દિશાનિર્દેશ કરતાં ઉદાહરણરૂપ છે, મુખ્ય શીર્ષકો હેઠળ તો એવાં કેટલાંય પેટા શીર્ષકો છે કે જેમાં સ્ત્રીઓની સમસ્યાઓને વર્ગીકૃત કરી શકાય, જે સમસ્યાઓ આપણા હાલના ગુજરાતી સર્જકની દૃષ્ટિથી પર રહી જવા પામી છે. ગર્ભથી માંડીને ઘર સુધી કે વરથી માંડીને વ્યવસાય સુધી સ્ત્રીઓ ક્યાંય સલામત નથી અથવા તો તે કેટલાય પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ બાબતે સમાજશાસ્ત્રના ઊંડા અભ્યાસુ એવા શ્રી ગૌરાંગ જાની નોંધે છે : “કહેવાતા આધુનિક ભારતમાં મહિલાને જન્મ પૂર્વે માતાના ગર્ભમાં મારી નાખવાની શરૂઆત થઈ. તેના જીવનના અનેક તબક્કાઓમાં શોષણ અને હિંસાનો ભોગ બનવું પડે છે. આ સ્થિતિમાં મહિલાના માતા-પિતાનું ઘર અને સાસરું જ તેને સશક્ત કરી શકે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પિયર અને સાસરુ બંને મહિલાઓની સ્વતંત્રતા જીવનની તકો અને જીવન પણ છીનવી લે તો ‘વસુધૈવ કુટુમ્બકમ’ના નારાનું શું કરવાનું ?” આમ, ભારતીય વિચારધારા અને ઉચ્ચ આદર્શો પાછળ નારીજીવનની અનેક સમસ્યાઓ અને પ્રશ્નો બાબતે ગુજરાતી સાહિત્યએ અને તેમાંય ટૂંકીવાર્તાએ પોતાની દૃષ્ટિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવાની બાકી છે તે નોંધવું રહ્યું. નારીસમસ્યાના વિવિધ સ્વરૂપોને વાર્તાના માધ્યમ દ્વારા આલેખવામાં શ્રી હિમાંશી શેલત જેટલાં સફળ અને સક્ષમ રહ્યાં છે એટલા ભાગ્યે જ કોઈ વાર્તાકાર આ બે દાયકાના સમયગાળા દરમિયાન રહી શક્યા છે. શ્રી હિમાંશી શેલતની વાર્તાઓનું વસ્તુ જ આવાં પાત્રો કે પરિવેશમાંથી આવે છે. તેમનો આ વાસ્તવિક જીવન સાથે જેવો નાતો રહ્યો છે એવો અન્ય કોઈ વાર્તાકાર જાળવી શક્યો નથી. આ ધારાની વાર્તાઓ કઈ રીતે વધું લખી શકાય અને આ ધારાને સમૃદ્ધ કરી શકાય તે માટે શ્રી હિમાંશી શેલતના શબ્દો જ પર્યાપ્ત છે :
“સ્ત્રીઓ મારા માટે માત્ર પીડિતા કે શક્તિરૂપા નહીં. એ સંસારતટે ઊતરેલી સ્નેહ સૌજન્યની દેવીઓ નથી. એય હાડચામનું માણસ છે, સાવ અણધાર્યું વર્તન કરી બેસવાની એનામાંયે સંભાવના છે. એ સ્વકેન્દ્રી હોઈ શકે, સૂક્ષ્મ અસૂયાથી પરેશાન શિક્ષિકા હોઈ શકે, આત્મવંચનાનું જાળું ગૂંથી રાજી રહેવા મથતી અપરણિતા હોઈ શકે, આપઘાત કરવાનો નિર્ણય દૃઢતાપૂર્વક અમલમાં મૂકતી મધ્યમવર્ગીય ગૃહિણી હોઈ શકે, સાવ કાચી વયે એ વિદ્રોહનાં સપનાં જોઈ શકે અને કોઈક વાર એને નક્કર રૂપ આપવામાં ઉપાધિ વહોરી શકે. શિક્ષિત હોય કે અશિક્ષિત -એ પ્રાણવાન હોય ત્યારે નરક જેવા જીવનનેય વેઠી જાણે અને ક્યારેક એ એવી તો તકલાદી બની જાય કે સહેજ અમથો ટકોરો લાગતામાં વેરવિખેર... ભીતરના સૂક્ષ્મતમ આંદોલનો સમેત આ સ્ત્રીઓને આલેખવાનું મને પડકારરૂપ લાગ્યું છે, જેટલું પડકારરૂપ એટલું જ આકર્ષક. કદાચ એ કારણે મારી પોણા ભાગની વાર્તાઓ નારીકેન્દ્રી છે.”
સંદર્ભ
  1. ‘અપરાજિતા’, ડો.રંજના હરીશ, સંપા., પ્રફુલ છાપિયા, પૃ. ૨૪
  2. ‘નારીસંવેદના’ સંપા.અશ્વિન કારીયા, ઈલા જોશી, મૃદુલા માત્રાવાડિયા, શર્મિલા વલી, ગુર્જર પ્રકાશન અમદાવાદ, પૃ.૧૨૬
  3. ‘ભારતીય નારી :તસવીર અને તાસીર’, ગૌરાંગ જાની, માતૃભાષામાં સમાજશાસ્ત્ર અભિયાન, પૃ.૧૯૨
  4. ‘નારી નામે કથા’ સંપા. હિમાંશી શેલત, પ્રસ્તાવના, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ, પૃ.૦૬
પ્રા. સંજય પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર. મો. 8980875508 Mail: shreysanju1978@gmail.com