Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
નારીવાદી સંવેદનનો પડઘો ઝીલતી અછાંદસકવિતા : ‘શેતરંજી’
એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે.
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં
ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે એને
મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું
પીણું ધરી,
એક સુંદરીના રૂપમાં ખડી રહું.
અને એના મિત્રોને મિજબાની માટે
પથારી શકાય અડધી રાત્રે.
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જઉં.
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી
પણ શકે.
– કાલિન્દી પરીખ

આપણે જાણીએ છીએ એ મુજબ પ્રાચીનકાળથી છેક અર્વાચીનકાળ સુધી સમયે સમયે વિવિધ વિચાધારા, આંદોલન, ચળવળ, વાદ, પ્રતિવાદ અસ્તિત્વમાં આવ્યા છે. આ જ રીતે પશ્ચિમમાં શરૂ થયેલ ‘નારીવાદ’ની અસરથી ગુજરાતી સાહિત્યમાં ‘નારીવાદ’ પ્રવેશે છે. ‘નારીવાદ’ એ અંગ્રેજી ‘Feminism’ પરથી આવેલી સંજ્ઞા છે. આ સંજ્ઞા ફ્રાંસ,યુ.એસ.,બ્રિટન વગેરે દેશોમાં ૧૯ મી સદીના મધ્યમાં થયેલી વૈચારિક પ્રવૃત્તિઓ દરમિયાન પ્રયોજાઈ છે. આ સંજ્ઞાને વિગતે સમજીએ.

Oxford English Dictionary મુજબ ‘Feminism’ એટલે – ‘The advocacy of Women’s right on The ground of the equality of the Sexes’(લૈંગિક ભેદ અનુસાર સ્ત્રીઓના અધિકારોની હિમાયત) [૧]

‘અનુ આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ મુજબ – ‘નારીવાદ સંજ્ઞા એ પિતૃસત્તાક સંસ્કૃતિમાં સ્ત્રીના થયેલા શોષણની સામે વિદ્રોહ મૂલક અભિગમ મૂલવે છે.’ [૨]

ટૂંકમાં, લૈંગિક ભેદને કારણે સ્ત્રી સાથે ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ અન્ય કોઈ પણ ક્ષેત્રે અન્યાય કરવામાં આવે તો તેની સામેનો વિરોધ ‘નારીવાદ’ પ્રગટ કરે છે.

પ્રસ્તુત અછાંદસકવિતા અમરેલીમાં વસતા, અનેક સાહિત્યિક એવોર્ડ મેળવનાર, બહુમુખી પ્રતિભા ધરાવનાર કવયિત્રી, નવલકથાકાર, નવલિકાકાર, બાળ સાહિત્યકાર, અનુવાદક, સંશોધક, નિબંધકાર કાલિન્દી પરીખની છે. તાજેતરમાં ‘શેતરંજી’ નામે તેમનો અછાંદસ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો છે. તેમાંથી આ જ શીર્ષકની એમની રચનાને અહીં મૂલવવાનો ઉપક્રમ સેવ્યો છે.

કવિતાની શરૂઆતમાં જ કવયિત્રીનો આગવો મિજાજ પ્રગટેલો જોઈ શકાય છે. તેમના શબ્દમાં એક પ્રકારનો રોષ છે. આ રોષ પુરુષપ્રધાન સમાજ કે જે સ્ત્રીને કે પત્નીને માત્ર મનોરંજન અને ભોગનું, સુખસગવડ સાચવનારું સાધન માત્ર ગણે છે તેના પર છે. શરૂઆત જુઓ –
‘એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,’
અહીં ‘શેતરંજી’ પ્રતીક વડે કવયિત્રીએ એક સ્ત્રી – પત્નીની કચડાયેલી, દયનીય હાલતનો ચિતાર રજૂ કર્યો છે. સામાન્ય ‘શેતરંજી’નો તેના ઉપયોગ અનુસાર પ્રતીકાત્મક રીતે કાવ્યમાં ક્રમશ: સ્ત્રીની પીડાદાયક સ્થિતિનો વિગતવાર દસ્તાવેજ આલેખવામાં કવયિત્રી સફળ રહ્યાં છે. અહીં ‘એને’ શબ્દપ્રયોગ સમાજના દરેક એવા પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે જે સ્ત્રીને માત્ર ભોગવિલાસનું સાધન માત્ર ગણે છે. કવયિત્રી અહીં ‘પતિને’ એવું નહીં પરંતુ ‘એને’ શબ્દ પસંદ કરે છે. જે આ કવિતાના ભાવવિશ્વને વધુ વિસ્તારે છે. ‘એને’ શેતરંજી તો જોઈએ છે પણ કેવી? કવિતામાં આગળ એનું પણ આ રીતે આલેખન થયું છે -
‘જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે.
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં
ન સ્પર્શે.’
શેતરંજી પાથરવામાં આવે અને પછી તેના પર ચાલવાથી તીણા, અણિયાળા પથરો કે કાંટા વાગતા નથી, પગને રજ પણ સ્પર્શતી નથી. આ રીતે પત્ની કે સ્ત્રીને માત્ર સુખસગવડ કે ભોગવિલાસનું સાધન માનનારા પણ સમાજમાં ઘણાં છે. આવી વિચારસરણી ધરાવનાર આખાય પુરુષ સમુદાય પર કવયિત્રીએ નિશાન સાધ્યું છે. હજી આટલું પર્યાપ્ત નથી. આવી વિચારધારા ધરાવનારાની પત્ની કે સ્ત્રી પાસે વધુ અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓ કેવી છે જુઓ:
‘એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે એને
મનગમતાં ભોજન મળે’
એમની ઈચ્છા તો એવી છે કે કોઈ જાદુઈ શેતરંજીની જેમ પત્ની કે સ્ત્રી સતત હાજર જ રહેવી જોઈએ. ઈચ્છા થાય ત્યારે મનગમતા ભોજન રાંધીને ખવરાવે. એક આદર્શ પત્ની કે સ્ત્રીને આટલે સુધી પણ વાંધો ન જ હોય. પત્ની પોતાના પતિની સેવા કરવામાં ધન્યતા જ અનુભવે છે. પરંતુ હલકી મનોવૃત્તિ ધરાવનારા પુરુષો એટલાથી સંતોષ પામતા નથી. આવા માનસિક રોગી વ્યક્તિઓની અપેક્ષાઓ અટકતી નથી. મૂંગે મોઢે બધું સહન કરી પતિને ભગવાન સમજી તેની સેવા કરતી પત્નીને માત્ર ભોગ વિલાસનું માધ્યમ સમજી તેનું સતત શોષણ થતું રહે છે. આગળ કવયિત્રી પોતાનો રોષ અને પીડા આ રીતે વ્યક્ત કરે છે –
‘એનું દિલ બહેલાવવા મનગમતું
પીણું ધરી,
એક સુંદરીના રૂપમાં ખડી રહું.
અને એના મિત્રોને મિજબાની માટે
પાથરી શકાય અડધી રાત્રે.’
સમાજમાં ઘણા એવા વિકૃત વ્યક્તિઓ પણ છે જે પોતાની પત્નીને પોતાનું અને પોતાના મિત્રોનું પણ મનોરંજનનું સાધન ગણે છે. આવા વ્યક્તિઓની ઈચ્છા એટલી નિમ્ન કક્ષાએ પહોંચી જાય છે કે તે ઈચ્છે છે કે પોતાના અને મિત્રોના મનોરંજન માટે મનગમતું પીણું લઈને રૂપ સુંદરીની જેમ જરૂર પડે મિત્રોની શારીરિક ભૂખ પણ ભાંગવા પત્નીએ તૈયાર રહેવું જોઈએ. આવા લોકો સમાજ માટે કલંક છે. આવા લોકો સ્ત્રીનું સન્માન કરવાને બદલે સ્ત્રીનો ભરપૂર ઉપયોગ કરી તેને તરછોડી દેવાની મનોવૃત્તિ ધરાવે છે. આ વાતને કવયિત્રી આ રીતે આલેખે છે -
‘હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જઉં.
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી
પણ શકે.’
આમ, સમગ્ર કવિતામાં કવયિત્રીએ પત્ની કે સ્ત્રીને શેતરંજી સમજી તેનો પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી તેને તરછોડી દેવાની મનોવૃત્તિ ધરાવનાર દંભી, ભોગવિલાસી પુરુષપ્રધાન સમાજ પર વેધક પ્રહાર કયો છે. આ સમગ્ર કૃતિ કચડાયેલ સ્ત્રીની મનોદશાને આબેહૂબ રજૂ કરે છે અને નારીવાદી સંવેદનાને બરાબર રીતે ઝીલે છે. આવી સુંદર કૃતિ આપવા બદલ કવયિત્રીને અભિનંદન.

પાદટીપ
  1. ‘અનુ આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’, સંપાદક: જયંત ગાડીત, પ્રકાશક: સરદાર પટેલ યુનિ.,વલ્લભવિદ્યાનગર, આવૃત્તિ: ૧ લી આવૃત્તિ, ૧૯૯૯ પૃ. ૮૬
  2. Oxford English Mini Dictionary, catherine Soanes, Published by Oxford Uni, Press, New Delhi, 7th Edition 38th impression, 2012, Page.204
સંદર્ભગ્રંથ
  1. શેતરંજી, લે. કાલિન્દી પરીખ, પ્રકાશક: ફ્લેમિંગો પબ્લિકેશન, અમદાવાદ, આવૃત્તિ: પ્રથમ આવૃત્તિ, ૨૦૨૦, પૃ, ૧૫, મૂલ્ય: ૧૨૫
ડૉ.પીયૂષ ચાવડા, આસિ.પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ મો. ૯૮૨૪૯ ૧૬૦૦૬ Emai:jay_ma12@yahoo.com