કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર – સંપાદક ભગવતીકુમાર હરગોવિંદ શર્માનો જન્મ ૩૧-૦૫-૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઈ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં એસ.એસ.સી. અને ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી સાથે વર્ગમાં પ્રથમ રહીને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ‘ગુજરાતમિત્ર’માં સેવા આપીને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યુ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે તેમના એ પ્રદાનની નોંધ લઈને વર્ષ ૨૦૦૦માં ડૉક્ટર ઑફ લેટર્સ, ડી. લિટ્ની માનદ્ પદવી એનાયત કરી.
કવિતા, ટૂંકીવાર્તા, ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.
ભગવતીકુમાર હરગોવિંદ શર્માને વર્ષ ૧૯૭૭માં કુમારચંદ્રક, ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૮નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘સમયદ્વીપ’માં શ્રી હરીન્દ્ર દવે, શ્રી ઘનશ્યામ દેસાઈ, રાધેશ્યામ શર્મા, પ્રા.જયદેવ શુક્લ વગેરે મિત્રોએ ઉત્કટ રસ લીઘો છે. સમયના વર્તમાન બિંદુએથી દીવાલ પર લટકતા કેલેન્ડરમાં ત્રણ-ચાર દિવસ પછી મહાશિવરાત્રિ આવશે ! નીલકંઠ તેનાં વિચારોમાં ખોવાયેલો છે. એ રીતે નવલકથાની શરૂઆત થાય છે. નીલકંઠે ઘડિયાળમાં જોયું, નવ વાગી ગયા હતા. હજી તો દાઢી કરવાની હતી, પછી સ્નાન, પછી કપડા બદલીને ઓફિસ, રસ્તે કોઈક હોટેલમાં... એવો નિ:સહાયતાનો ભાવ તેણે થોડીક ક્ષણો માટે તીવ્ર-પણે અનુભવ્યો અને પછી દાઢી કરવા માટે ગરમ પાણી કરવા ગેસ ચાલું કરે છે, પણ ગેસ સળગતો નથી તે પૂરો થઈ ગયો હતો. પૈસાનું પાકીટ, ફાઉન્ડન પેન, એક–બે પુસ્તકો લીધાં અને રૂમમાં તાળું મારતાં પહેલાં ઉંબરમાં ઊભા રહી તેણે અંદર દ્રષ્ટિ ઘુમાવી નિષ્પ્રાણ નિર્જન ખંડ... ! એ જ એક સ્ત્રીની ગેરહાજરી બતાવતો રૂમ જાણે હતો.
મહેશભાઈ નીલકંઠને તરત પૂછ્યું ‘નીરા કયાં ગઈ છે ?’ પ્રશ્નો આગળ વધે એ પહેલાં નીલકંઠે કહ્યું :‘એને પિયર ગઈ છે.’ છતાં તે પ્રશ્નો અટક્યા નહીં. એ પછી નીલકંઠ હોટલમાં ચા પીવા માટે જાય છે. નીરાને હોટલથી નીલકંઠ ફોન કરે છે, ત્યારે નીરા કહે છે કે, ‘નીલ... પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી... આ મારી ખાસ વિનંતી-’ ને નીરાએ ફોન મૂકી દીધો હતો. નીલકંઠ ચા પીધાં વિના કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને હોટલના પગથિયાં ઊતરી રસ્તા પર આવ્યો. તેની ખુલ્લી આંખો આગળ સતત એક આકૃતિ આવ્યા કરતી હતી. કપાવેલા સોનેરી વાળની ખભા સુધી ઝૂલતી રેશમી લટો, હોઠ પર લિપસ્ટિકનો ઘેરો શેઈડ, આંખોની ચીતરેલી ભમ્મરો અને ખૂણેથી કાજળની ખેંચાયેલી લકીર, અંગ પર ચુસ્ત કુર્તી અને પગની પિંડી સાથે ચપોચપ ભિડાયેલી સલવાર, હાથમાં મોટી પર્સ અને થોડી થોડી વારે વીંઝાતું બેફામ હાસ્ય અથવા ક્રુદ્ધ શબ્દો.... એ આકૃતિ નીરાની હતી. નીલકંઠને લાગ્યું કે એની સાથે ના, આગળ એ આગળ દોડતી હતી, એ હાથ લંબાવવા જતો હતો અને દૂર ચાલી જતી હતી, વળી નજીક આવી તેની તરફ લોભામણો સંકેત કરતી હતી. અને ફરીથી.... એ નીરા હતી... કે... કે મરીચિકા ?
ત્રણ વર્ષ પહેલાં નીરા અને નીલકંઠે કોર્ટમાં લગ્ન કર્યા હતાં. એક બ્રાહ્મણ થઈને અબ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કર્યા. તે વાત નીલકંઠના પિતાને ગમી ન હતી. વર્તમાનકાળ અને ભૂતકાળમાં એકસાથે નવલકથાનો કથાપ્રવાહ ચાલે છે. વર્તમાનમાં નીરા વરલી પાસે એક બંગલામાં રહે છે. તે બંગલાના દ્વારપર એક નાનકડી તકતી લગાડી હતી: ‘નીરા-નિકુંજ.’ માત્ર એટલો જ વર્તમાન નીરા સાથે જોડાયેલો છે.
નીરાને એક વિચિત્ર કહી શકાય એવો શોખ હતો. ‘કોમિક્સ વાંચવાનો. બીજાં હજાર પુસ્તકો પડતાં મૂકીને તે કોમિક્સની ચોપડી પર આંખ ફેરવતી જાય. જેફ એન્ડ મટ, આયોડાઈન અને બીમસ્ટીડ, પોપ અને જિલ, ટારઝન અને ફેન્ટમ વૈતાલ અને બાન્ડ, જાદુગર મેન્ટ્રેઈક અને ટ્રુટી અને સિક્રેટ એજન્ટ – એ બધાં એના પ્રિય પાત્રો હતાં.
નીરા મુંબઈમાં જન્મેલી, ઊછરેલી એક આધુનિક યુવતી, જે હોટેલોમાં ઘૂમે છે, એરકન્ડીશન્ડ સિનેમાગૃહોમાં પુરુષ મિત્રો સાથે કલાકો વિતાવી શકે છે, જૂહુ ના બીચ પર લેટેલી કાયાઓ અને પેઇન્ પેઇન્ટિંગ શોમાં ઘૂમતા ચહેરાઓ વચ્ચે શ્વાસ ભરતી નીરા આધુનિક છે.
લગ્ન પછી ત્રણ વર્ષે મહાશિવરાત્રિ પર નીરા અને નીલકંઠ સૂરા ગામે આવ્યાં હતાં. નવલકથામાં ફલેશબેક ટેક્નિક - ઘટના ભૂતકાળમાં જતી હોય તેવું જોવા મળે છે. નીરા આગળ રોષથી ચાલી જાય છે. એના હાથમાં પર્સ સિવાય કશું ન હતું. એનાથી થોડેક અંતરે નીલકંઠ એક વજનદાર સૂટકેસ અને થેલી ઊંચકીને આવતો હતો. ઘરોના ઓટલા અને ઉંબર પરથી સ્ત્રી – પુરુષો વિસ્ફારિત નજરે નીરા અને નીલકંઠને જતાં જોઈ રહ્યાં હતાં. ગામલોકોને પ્રશ્નો થવા લાગ્યાં, ‘બે દિવસ પર તો એ લોકો અહીં આવ્યાં તાં – પરણ્યા પછી પહેલી જ વાર, નહિ ?... આ મડમડીન જોઈ ? નક્કી એને કઈક -’
નીલકંઠ નજીક આવ્યો એટલે નીરા એ તેને કહ્યું ‘મને આવા લાગણી વેડા પસંદ નથી, નીલ ! જો તું નહિ આવવા માગતો હોય તો મને સ્પષ્ટ કહી દે; હું આગ્રહ નહિ કરું. હું એકલી મુંબઈ જઈ શકીશ. તારે તારી પોતાની લાગણીને મારે ખાતર દુભાવાની જરૂર નથી.’
ગામ જવાનો નીરાનો જ આગ્રહ હતો. મુંબઈના યાંત્રિક જીવનથી કંટાળીને તે કયાંક આઉટિંગ માટે જવા ઉત્સુક હતી. નીલકંઠ ના પડતો હતો. ત્યારે તેણે કહ્યું; ‘લેટ અસ સી – રાધર ફેંઈસ ધિ સિરયુએશન’ નીલકંઠને થયું ગામ જતાં નીરાએ કમીઝ – સલવારને બદલે સાડી પહેરી હોત તો સારું થાત. એ વાત નીરાને પણ કહી, એટલે નીરા બોલી ‘મારે શું પહેરવું, શું ન પહેરવું એ આ લોકોને ખ્યાલમાં રાખીને નક્કી કરવાનું, એમ ?
નીલકંઠના પિતા શિવશંકરે કહ્યું એ અબ્રાહ્મણ છે. તેની સાથે તેવો વ્યવહાર કરજો. નીરા જાણે માણસ જ ન હોય એમ તેની સાથે વર્તન થવા લાગ્યું હતું. તેનું કારણ તે બ્રાહ્મણ નથી એટલું જ છે. નીરાને થયું આ દેશ પાછળ રહી ગયો તેનું કારણ હવે સમજાય છે.
નીલકંઠ ઓફિસથી રૂમ પર આવી ગયો હતો. નીરા રૂમ પર ન હતી. એથી તેણે નીરાને પૂછ્યું ‘તું ક્યાં ગઈ હતી ?’ નીરાએ કહ્યું, ‘હું...હું મારી પેલી ફ્રેન્ડ ક્રેની કાપડિયાને મળવા’ – નીલકંઠ ઓફિસની વાત કહેતો હતો ત્યાં નીરાએ એને હાથ વડે ઈશારો કરતાં કહ્યું, હું ખૂબ થાકી ગઈ છું આ વાત બંધ કરને, નીલ..!’
નીલકંઠ અને નીરા દરિયા કિનારે બેઠા હતાં. કોઈક બોલ્યું ‘ભરતી ચડે છે. જોત જોતાંમાં આ ખડક ડૂબી જશે.’ ત્યારે નીરાની બધી મસ્તી જતી રહી. નીલકંઠ ઊભો ન થયો તો ‘હું તો જાવ છું’ કહિને નીરા ચાલવા લાગી હતી. તેનો જાણે નીલકંઠ સાથે સબંધ ન હોય ?
નીરાએ નાહવાનો વિચાર માંડી વાળ્યો તેનું કારણ ઘરમાં બાથરૂમ જ ન હતું. નહાયા વિના અનાજનો દાણો યે મુખમાં ન મૂકી શકાય એવો નિયમ તે ઘરમાં વર્ષોથી પળાતો હતો. બંધ ઓરડીમાં નીરાએ સ્નાન કર્યુ, ને નીરા બોલ્યા વગર ઉપર ચાલી ગઈ બેગમાંથી ‘THE OUTSIDER’ કાઢીને વાંચવા માંડી, પછી તેમાં કંટાળો આવ્યો એટલે વાડામાં થઈને મંદિર તરફ તે ગઈ.
નીરા તેવા મૂલ્યો વિશે સમાધાન કરવા સંમત નથી. ‘એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે નીલ !’ બે અંતિમોનો મેળ શી રીતે બેસવાનો હતો ? નીરા જુસ્સાથી બોલી ગઈ. રસોડામાંથી જયાભાભીની બૂમ સંભળાઈ જમવાનો સમય થઈ ગયો છે. નીરા દોડીને રસોડામાં પહોંચી ગઈ, તો રસોઈ અભડાઈ ગઈ તેથી હાહાકાર વ્યાપી ગયો. નીલકંઠ ભાભીની માફી માંગતો હતો. નીરા એ નીલકંઠને માફી માંગવાની ના પાડી અને તે રસોડામાં જ ભોજન કરવા તે બેસી ગઈ હતી. ભોજન કરી તે બીલીવૃક્ષની નીચે જઈને બેસે છે.
નીરા ઓરડીમાં જઈને શેતરંજી પર ઢળી પડે છે ને તેની આંખો મીંચાઈ જાય છે. તે ઝબકી જાગી. પોતાની સાડીને ઉખેળીને વ્યવસ્થિત કરવા લાગી. તે ઓરડીની ઉંબરમાં જ જયાભાભી ઊભા હતા. તેમણે નીરાને પૂછ્યું, તો નીરાએ જણાયું, પોતે બે દિવસથી (રજસ્વલા) થઈ હતી. એ વાત ગૌરીબા પાસેથી શિવશંકર પાસે પહોંચી તેમણે કહ્યું ‘તું અને નાનીવહુ આજે જ મુંબઈ ચાલ્યાં જાઓ – હા, તમારે જવાનું છે.’ નીરા ઊભી થઈને નીલકંઠ પાસે ગઈ. ધીમેથી બોલી; ‘નીલ ! Let’s go’ અને તે ઝડપથી ઓરડીમાં ચાલી ગઈ. ઝડપથી સામાન પેક કરવા લાગી. નીલકંઠ સાથે જવા તૈયાર થયો હતો. બંને મુંબઈ ગયાં.
નીરા ને નીલકંઠ હવે સાથે રહેતા નથી. જૂની રૂઢીઓ તેને ગમતી નથી, તે આધુનિક નારી છે. તે એકલાં રહેવાનું પસંદ કરશે પણ કોઈના મૂલ્યોનો તે સ્વીકાર કરશે નહીં.
સંદર્ભગ્રંથ
- શર્મા, ભગવતીકુમાર. (૧૯૭૪) સમયદ્વીપ. અમદાવાદ : આર.આર.શેઠની કંપની.
- દવે, રમેશ ર., પારુલ કંદર્પ દેસાઈ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૭. અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃ.493