ગુલાબનો ગુલાબી રંગ એના સ્મિત સાથે ભળી ગયો.
વનિતાની ચંચળ આંખો ક્યાંય ઠરતી નહોતી. ગુલાબના ફૂલ પર અને એ પણ ચટ્ટક ગુલાબી રંગ પર પડે કે સ્થિર થઇ જતી.
એ એક છોડ ઘરમાં લઈ આવી હતી. એને કોઈ તોડી ના નાખે એટલે કુંડું ધાબે મૂકી આવી હતી. સીધા તડકાથી છોડને બચાવવા એક પાટિયું મુકી એના પર ઓઢણી ગોઠવી. જેમ જેમ તડકો ફરે એમ દિવસમાં ચાર-પાંચ વખત ઉપર જઈ પાટીયું ખસેડી આવતી. ભરપૂર કાળજી લેતી.
શિયાળાના આગમનની સાથે ચાર મહિનાની લાંબી કાળજી પછી એક કળી દેખાઈ. એના આનંદનો પાર ન રહ્યો. જે દિવસે ફૂલ ખીલ્યું એ આખો દિવસ નાચતી, કૂદતી, ઝૂમતી રહી. વારે-વારે ઉપર જઈ, જોઈ, સૂંઘી આવતી.
એ ગુલાબ એનું હતું. માત્ર એનું જ. એણે લીધેલ કાળજીનું. ચાર મહિનાની ઇન્તેજારીનું.
સંગીતા સાંજે ઘરે રમવા આવી. અતિ ઉત્સાહમાં એ એને ધાબે લઈ ગઈ ગુલાબ બતાવવા.
બીજા દિવસે સંગીતાનો જન્મદિવસ હતો. સુંદર તૈયાર થઈને ચોકલેટ આપવા આવી. એના વાળમાં ગુલાબ જોઈને પહેલાં તો વનિકા ઘણી હરખાઈ, પણ પછી એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું.
લગભગ ઊડતી હોય એમ એ દોડીને ધાબા પર આવી. જોયું, તો ગુલાબ ગાયબ! આંખો વહેતી નદી બની ગઈ.
પણ વળી પંદર દિવસ પછી એક સુંદર ગુલાબ..... એની આંખો ફરીથી ભલે છલકાઈ પરંતુ ગુલાબનો ગુલાબી રંગ એના સ્મિત સાથે ભળી ગયો.