પ્રસ્તાવના
છેલ્લી કેટલીક સદીઓથી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યુ છે. પ્રાચીન સમયમાં પુરૂષોની સમકક્ષથી લઈને મધ્યકાલીન યુગમાં નીચેના દરજ્જા સુધીનું પરિવર્તન આવ્યું છે. ભારતમાં મહિલાઓની સ્થિતિનો ઇતિહાસ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરપૂર છે. આધુનિક ભારતમાં મહિલાઓએ અનેક ઉચ્ચપદોને શોભાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના અધ્યક્ષ, રાજ્યોના મુખ્યમંત્રી વગેરે સામેલ છે.
પ્રાચીન ભારતમાં મહિલાઓ
વિદ્વાનોના મતે, પ્રાચીન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો જેટલા જ સમાન હક્કો ભોગવતી હતી. જોકે અન્ય કેટલાક વિદ્વાનો, આ અંગે વિરોધાભાસી અભિપ્રાયો ધરાવે છે. પ્રાચીન ભારતના અનેક વિદ્વાનો જેમ કે, પતંજલિ અને કાત્યાયન જણાવે છે કે, વૈદિક કાળની શરૂઆતમાં મહિલાઓ શિક્ષિત હતી. ઋગ્વેદની રૂચાઓના વર્ણન મુજબ, સ્ત્રીઓના લગ્ન પુખ્ત વયે થતા હતા અને તેણી પતિને પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. ઋગ્વેદ અને ઉપનિષદના લખાણો અનુસાર અનેક મહિલાઓ વિદુષીઓ હતી જેમાં ગાર્ગી અને મૈત્રૈયી મુખ્ય છે.
પ્રાચીન ભારતના કેટલાક રાજ્યોમાં નગરવધુ જેવી પરંપરાનું અસ્તિત્વ જોવા મળતું હતું. નગરવધુનો દરજ્જો મેળવવા માટે સ્ત્રીઓ વચ્ચે સ્પર્ધા થતી હતી. તેનું વિખ્યાત ઉદાહરણ આમ્રપાલીનું છે જે વૈશાલીની નગરવધુ હતી. પ્રાચીન ગ્રંથો અનુસાર વૈદિક યુગની શરૂઆતમાં મહિલાઓ સમાન હક્કો અને પ્રતિષ્ઠા ભોગવતી હતી. પરંતુ પાછળથી અનુંવૈદિક યુગ અને તે પછીના સમયગાળામાં મહિલાઓનું સન્માન ઘટવા લાગ્યું. જોકે જૈન સંપ્રદાય જેવી સુધારાવાદી ચળવળોને લીધે મહિલાઓને ધાર્મિક વર્ગમાં પ્રવેશ મળ્યો હતો.
મધ્યકાલીન ભારતમાં મહિલાઓ
મધ્યકાલીન સમાજમાં ભારતની મહિલાઓનું સ્થાન વધુ નીચું ગયું હતું. કેટલાક સમુદાયોમાં સતીપ્રથા, કેટલાક સમુદાયોમાં બાળલગ્ન અને વિધવા વિવાહ પર પ્રતિબંધ જેવા કુરિવાજો સામાન્ય બન્યા હતા. ભારતીય ઉપ-મહાદ્વિપમાં મુસલમાનોના શાસનને કારણે ભારતીય સમાજમાં પડદાપ્રથાનું આગમન થયું. રાજસ્થાનના રાજપુતોમાં જૌહર જેવી પરંપરા દ્રઢ બની. ભારતના કેટલાક પ્રદેશોમાં દેવદાસીઓ કે મંદીરની સ્ત્રીનું જાતિય શોષણ કરવામાં આવતું હતું. બહુપત્નીપ્રથા પ્રચલીત બની હતી, ખાસ કરીને હિન્દુ ક્ષત્રિય શાસકોમાં તેનો ફેલાવો વધુ હતો. કેટલાક મુસલમાન પરીવારોમાં સ્ત્રીઓને જનાનખાનાં પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી.
આ પ્રકારની અંધકારમય સ્થિતિ હોવા છતાં કેટલીક મહિલાઓએ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં વિકાસ કર્યો હતો. રઝિયા સુલતાન દિલ્હી ઉપર શાસન કરનારી એકમાત્ર મુસ્લિમ મહિલા હતી. ઈ.સ.1564માં મુઘલ બાદશાહ અકબરના સેનાપતિ અશફખાન સાથે યુદ્ધમાં મોતને ભેટતા પહેલા ગોંડવાનાની રાણી દુર્ગાવતીએ પંદર વર્ષ સુધી શાસન કર્યું હતું. 1590ના દાયકામાં મુઘલોની વિશાળ સેના સામે ચાંદબીબીએ અહેમદનગરની રક્ષા કરી સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જહાંગીરની પત્ની નૂરજહાંએ સામ્રાજ્યની તાકાતને અસરકારક રીતે પોતાના હાથમાં રાખી હતી. મુઘલ શાહજાદીઓ જહાંઆરા અને ઝેબુનિસ્સા જાણીતી કવિયિત્રીઓ તરીકે પ્રસિદ્ધ હતી તેમજ વહિવટી તંત્ર પર પણ તેમની પકડ હતી. વહિવટદાર અને સેનાપતિ તરીકેની ક્ષમતાના કારણે શિવાજીના માતા જીજાબાઈને રાજ્યના વહિવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા.
મધ્યયુગમાં ભક્તિ આંદોલને મહિલાઓના સન્માનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. મીરાબાઈ મહિલા સંત-કવિયિત્રી હતા, તેઓ ભક્તિ આંદોલનના સૌથી અગ્રગણ્ય સંત હતા. આ યુગના અન્ય મહિલા સંતોમાં અક્કા મહાદેવી, રામી જનાબાદી અને લાલ દદનો સમાવેશ થાય છે. ભક્તિ ચળવળ દરમ્યાન શીખોના પ્રથમ ધર્મગુરૂ ગુરૂ નાનકે તેમજ અન્ય સુધારકોએ પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતાનો સંદેશો આપ્યો. તેમણે મહિલાઓને ભજન અને કીર્તનસભાનું નેતૃત્વ કરવાની, ગાયન કરવાની; ધાર્મિક વ્યવસ્થાપક સમિતિઓના સભ્ય બનવાની, રણભૂમિમાં સેનાઓનું નેતૃત્વ કરવાની હિમાયત કરી હતી.
આધુનિક ભારતમાં મહિલાઓ
18મી અને 19મી સદી દરમ્યાન યુરોપના વિદ્વાનોએ નોંધ્યું કે, હિન્દુ મહિલાઓ અન્ય મહિલાઓ કરતા "પ્રાકૃતિક રીતે ચારિત્ર્યશીલ" અને "વધુ ગુણવાન" છે. બ્રિટિશ શાસન દરમિયાન અનેક સુધારકો જેમ કે, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે વગેરે મહિલાઓના વિકાસ માટે લડ્યા હતા. રાજા રામમોહન રાયના પ્રયત્નો ઈ.સ.1829માં ગવર્નર-જનરલ વિલિયમ બેન્ટિકના કાળમાં સતીપ્રથાની નાબુદી તરફ દોરી ગયા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વિધવા મહિલાઓની સ્થિતી સુધારવાની ચળવળ ઈ.સ.1856માં વિધવા પુનઃવિવાહ કાયદા સુધી દોરી ગઈ. મહિલા સુધારક પંડિતા રમાબાઈએ પણ મહિલાઓના ઉત્કર્ષમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.
આ સમય દરમ્યાન અનેક સ્ત્રીઓ રાજવહીવટમાં પણ કુશળ હતી. કિટ્ટુર ચિન્નમા કર્ણાટકના રજવાડા કિટ્ટુરના મહારાણી હતા. તેમણે અંગ્રેજોની ખાલસાનીતિ સામે બળવો કર્યો અને સૈન્યનું નેતૃત્વ કર્યું હતું. 16મી સદીમાં તટીય કર્ણાટકની અબ્બક્કા રાણીએ યુરોપીય સેનાઓના આક્રમણને, ખાસ કરીને પોર્ટુગીઝોના આક્રમણને સફળતાપૂર્વક ખાળ્યું હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રમનું નેતૃત્વ કર્યું હતું. અવધના બેગમ હઝરતમહલ એક એવા શાસક હતા જેમણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું.
ઈ.સ.1917માં મહિલાઓનું પ્રથમ પ્રતિનિધિમંડળ રાજ્યના સચિવને મળ્યું હતું અને મહિલાઓના રાજકીય અધિકારીઓની દરખાસ્ત કરી હતી. આ મંડળને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સમર્થન હાંસલ હતું. ઈ.સ.1927માં ઓલ ઈન્ડિયા વિમેન્સ એજ્યુકેશન કોન્ફરન્સ (અખિલ ભારતીય મહિલા શિક્ષણ પરિષદ) ની સ્થાપના થઇ હતી. ઈ.સ.1929માં બાળલગ્ન પ્રતિબંધ કાયદો શારદા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં લગ્ન સમયે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષની નક્કી કરવામાં આવી હતી,
ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં પણ મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી કેટલીક વીરાંગનાઓમાં મેડમ ભિખાઈજી કામા, ડૉ. એન્ની બેસન્ટ, પ્રીતિલત્તા વાડેદાર, વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, અરૂણા અશફ અલી, સૂચેતા ક્રિપ્લાની, અને કસ્તૂરબા ગાંધીનો સમાવેશ થાય છે. અન્ય કેટલાક નોંધપાત્ર નામોમાં મુથ્થુલક્ષ્મી રેડ્ડી અને દુર્ગાબાઈ દેશમુખનો સમાવેશ થાય છે. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ હતી, જે કેપ્ટન લક્ષ્મી સહેગલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ મહિલાઓની બનેલી હતી. કવિયિત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ ઈ.સ.1925માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા. તેઓ ભારતના રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા હતા.
સ્વતંત્ર ભારતમાં મહિલાઓ
સ્વતંત્રતા પછી મહિલાઓના દરજ્જામાં આમૂલ પરિવર્તન આવેલું જોવા મળે છે. ભારતમાં મહિલાઓ હાલ તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, શિક્ષણ, રમત-ગમત, રાજકારણ, માધ્યમો, કલા અને સંસ્કૃત્તિ, સેવા ક્ષેત્ર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે જેવા ક્ષેત્રોમાં મહિલાઓએ કાઠું કાઢ્યું છે. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ કુલ 15 વર્ષ સુધી સેવા આપી, તેઓ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન તરીકે રહેનાર મહિલા છે.
ભારતના બંધારણ દ્વારા રાજ્ય દ્વારા ભેદભાવ પર પ્રતિબંધ, સમાનતાનો હક્ક, સમાન કામ માટે સમાન વેતન, રાજ્ય દ્વારા મહિલાઓ અને બાળકોની તરફેણમાં વિશેષ જોગવાઈઓ, મહિલાઓના સ્વમાનનું અપમાન કરનારી તમામ રીતિઓનો ત્યાગ, રાજ્યને મહિલાઓ માટે કાર્યસ્થળે ન્યાયી અને માનવીય સંજોગો અને પ્રસૂતિ રાહત માટે યોગ્ય જોગવાઈઓ કરવી જેવા અનેક અધિકારો આપવામાં આવ્યા છે.
1970ના દશકના અંતે ભારતમાં નારીવાદી સક્રિયતામાં વધારો જોવા મળ્યો હતો. મથુરા બળાત્કાર કેસ મહિલા જૂથોને રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ પર એકસાથે લાવ્યો. મથુરાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી દ્વારા યુવાન છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, તેને ન્યાય અપાવવા માટે 1979-80માં વ્યાપક દેખાવો થયા હતા. રાષ્ટ્રીય માધ્યમો દ્વારા આ ઘટનાને વ્યાપકપણે વખોડી કાઢવામાં આવી હતી. જેથી સરકારને ફોજદારી પ્રક્રિયાના કાયદામાં અને ભારતીય દંડ સંહિતામાં જેલમાં બળાત્કારની શ્રેણી સામેલ કરવાની ફરજ પડી હતી. આ સમયગાળા દરમ્યાન સ્ત્રી ભ્રૂણહત્યા, લૈંગિક ભેદભાવ, મહિલા આરોગ્ય અને મહિલા સાક્ષરતા જેવા વિષયો પર મહિલા જૂથો એક થયા હતા.
સ્વતંત્રતા પછી અનેક રાજ્યોમાં મહિલા જૂથોએ દારૂ-વિરોધી અભિયાનો છેડ્યા છે. ઘણી મુસ્લિમ મહિલાઓએ શરિયત હેઠળ મહિલાઓના હક્કોનું ધાર્મિક નેતાઓ દ્વારા વિશ્લેષણ કરવા પર સવાલ ઉઠાવ્યા છે અને ત્રણ વખત તલાકની પ્રથાની આલોચના કરી છે. જેના પરિણામે સંસદ દ્વારા ત્રણ તલાકની પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2001માં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પણ પસાર કરવામાં આવી હતી. 9 માર્ચ 2010ના દિવસે રાજ્યસભા દ્વારા મહિલા અનામત ધારો પસાર કરવામાં આવ્યો, જે અંતર્ગત સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની ખાતરી આપવામાં આવી છે.
મહિલા વિકાસનું સમયચક્ર
દેશમાં મહિલાઓ દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ ઉપર નજર કરીને તેમની સ્થિતિમાં આવેલા સતત પરિવર્તનનો ખ્યાલ મેળવી શકાય છે:
- 1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરી, જે 1879માં બેથુન કોલેજ તરીકે વિકાસ પામી, આ રીતે તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.
- 1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બિની ગાંગુલી ભારતની પ્રથમ મહિલા સ્નાતકો બની.
- 1886: કાદમ્બિની ગાંગુલી અને આનંદી ગોપાલ જોષી પાશ્ચાત્ય ઔષધ વિજ્ઞાનમાં તાલિમ મેળવનારી ભારતની પ્રથમ મહિલાઓ બની.
- 1905: સુઝેન આર.ડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય સ્ત્રી બન્યા.
- 1916: એસ.એન.ડી.ટી (SNDT) નામનું પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.
- 1917: એની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં.
- 1919: અદભૂત સમાજ સેવા માટે પંડિતા રમાબાઈ બ્રિટિશ શાસનમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
- 1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યાં.
- 1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરવામાં આવી.
- 1944: અસિમા ચેટરજી ભારતીય યુનીવર્સીટીમાંથી ડૉક્ટરેટ ઓફ સાયન્સની પદવી મેળવનાર પ્રથમ મહિલા બન્યાં.
- 1947: 15 ઓગસ્ટ 1947ના સ્વતંત્રતા બાદ સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતના રાજ્યપાલ બનવાની સાથે જ તેઓ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.
- 1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા.
- 1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા. (કેરળ હાઈકોર્ટ)
- 1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બનવાની સાથે જ તેઓ ભારતના કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા.
- 1966: કેપ્ટન દુર્ગા બેનરજી ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.
- 1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- 1966: ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકેનું પદ મેળવ્યું.
- 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવા (I.P.S)માં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- 1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આ પુરસ્કાર જીતનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.
- 1984: 23 મે ના દિવસે બચેન્દ્રી પાલ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- 1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સુપ્રિમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.
- 1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- 1992: પ્રિયા જીંગન ભારતીય લશ્કરમાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા
- 2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- 2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
- 2009: મીરા કુમાર ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.
આમ, પ્રાચીન કાળથી આજદિન સુધી મહિલાઓના સ્થાન અને દરજ્જામાં પરિવર્તન આવ્યું રહ્યું છે. તેમનું સ્થાન ગમે તેટલું પરિવર્તન પામ્યું હોય પરંતુ ભારતીય મહિલાઓ હમેશાં સંસ્કૃતિની રક્ષક રહી છે. તેના કારણે ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ છે.
સંદર્ભસૂચી
- દુષ્યંત (2012). સ્ત્રિયાં: પર્દે સે પ્રજાતંત્ર તક, રાજકમલ પ્રકાશન, દિલ્લી.
- દોશી, ટીના(2015). ભારતીય મહિલા વિશ્વકોષ, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
- કુમાર, રાધા(2016). સ્ત્રી સંઘર્ષ કા ઈતિહાસ, વાણી પ્રકાશન, દિલ્લી.
- મહેતા, શીરીન (2019), ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓને પડકાર, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ.
- મહેતા,આઈ.એ. (2020). નારીવાદી વિચારણા, આર.આર. શેઠ પ્રકાશન, અમદાવાદ.