"નાગરિકત્વ એ એક સખત વ્યવસાય છે જે નાગરિકને પોતાનો જાણકાર અભિપ્રાય બનાવવા અને તેની સાથે ઉભા રહેવાની ફરજ પાડે છે"- માર્થા ગેલ
અસત્યમાંથી સત્યને અલગ પાડીને વાસ્તવિક દ્રશ્યને લોકો સમક્ષ મુકાવું એ કપરું કામ છે અને જયારે ખબર હોય કે તમે જેની સામે લખી રહ્યા છે એ સરકાર તાનાશાહી છે. ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે પરતું કહેવાય છેને કે સ્ત્રી તો દુર્ગા નું રૂપ છે. ચીનના વુહાનમાં શરુ થયેલો કોરોનાની શરૂઆતી વિકરાળ સ્વરૂપ સમગ્ર વિશ્વ સમક્ષ મુક્યું હતું તાનાશાહી સરકારે તેને સળિયા પાછળ ધકેલી દીધી.અમાનુષી અત્યાચાર બાદ પણ પોતાની ફરજ પર અડીખમ રહનાર મહિલા પત્રકાર ‘ઝાંગ ઝાને’ ડર્યા વગર સરમુખત્યાર સરકાર સામે પોતાની કલમ ચલાવી. જેના પરિણામે તેમણે જેલ કરવામાં આવી. જેલમાં પણ ભૂખ હડતાલ કરી અને સત્યને અડગ રખાવનું કામ કર્યું. ઝાંગ ઝાને કહ્યું “જો જીવનમાં ફક્ત ડર હોય, તો પછી હું ફક્ત એટલું કરી શકું છું કે જ્યાં સુધી હું ભયને દૂર ન કરું ત્યાં સુધી વારંવાર ડરનો સ્પર્ધા કરું” પત્રકારત્વએ સત્યને લોકો સુધી પોહાચાડવાનું કઠીન કામ છે. ત્યારે પુરુષ પ્રધાન દેશમાં પત્રકારત્વ જગતમાં પણ ભારતની ઘણી મહીલ પત્રકારોએ પોતાની અસીમ છાપ છોડી છે.
મહિલાઓને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે,પોતાની જાતને સાબિત કરવા અત્યંત મુશ્કેલ પરીસ્થિતઓમાંથી પસાર થવું પડતું હોય છે. સામાજિક, પ્રોફેશન અને શારીરિક પડકારોનો તો સામનો કરવો પડતો હોય છે. સ્ત્રી સમાનતા જેટલી કાગળ પર છે તેટલી સમાજમાં નથી. પુરુષ પ્રધાન સમાજનો સાચો અરીસો બતાવાવનું કામ સમયાંતરે સાહિત્ય અને પત્રકારત્વએ કર્યું છે. તેમાં એવા મહિલા પત્રકારો પોતાની અદ્વિતીય કામગીરીથી જાણીતા થયા.જે સચોટ,સાચી વિગતો સમાજ સામે લઇને આવ્યા છે. ટીવી સ્ક્રીન અને ફિલ્મના પડદેનાં મનોરંજન જગતની મહિલાઓને આપણે ઓળખીએ છીએ અને બિરદાવીએ પણ છીએ પરતું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમાજ બદલાવના ઉદીપકનું ભગીરથ કામ કરતી મહિલા પત્રકારો વિશે આપણે પુરતું જાણતા નથી અને તેમની કામગીરીને બિરદાવાતા પણ નથી એ સ્વીકારવું રહ્યું.
ભારતમાં ઘણા મહિલા પત્રકાર આજના સાંપ્રત સમયમાં કામ કરી રહ્યા છે જેમણે ડીજીટલ મીડિયાની નવી ટેકનોલોજીનાં આધારે લોકજનના આવાજને મજબુત કરવાનું કામ કર્યું છે. યાશીકાજી જેમણે હિન્દુસ્તાન ટાઈમ્સ, લાઇવ મીંટ, સ્કોર્લ,ધ વાયર જેવા માધ્યમોમાં ઈન્ડીપેન્ડન્ટ જર્નાલિસ્ટ તરીકે દલિત, શોષિત, પીડિતોના સામાજિક પ્રશ્નોને રજુ કર્યા છે. ખબર લહારીયાના કવિતા દેવી, પીપલ્સ આર્કૈવ ઓફ રુરલ ઇન્ડિયાના ચિત્રાંગદા ચૌધરી જેમણે ગ્રામીણ સમાજના હકો, જંગલ અને જમીનના અધિકારો વિષે લખીને જાગૃતિ ફેલવવાનું કામ કર્યું છે.રાણા અયુબ લેખિકા અને પત્રકાર જેમણે ગુજરાત ફાઈલ્સ નામની રીસર્ચ બુક લખી, અનુરાધા ભાસીન જેમણે કાશ્મીર ટાઈમ્સના એડિટર તરીકે કામ સાથે વર્ષ ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ જેવા ચર્ચાસ્પદ વિષય પર તટસ્થતાથી વાત રજુ કરી. તેવી જ રીતે લંડન સ્થિત નિશિતા કોલજી જે યુનીવર્સીટી ઓફ વેસ્ટમીનીસ્ટરના આંતરાષ્ટ્રીય રીલેશનના પ્રોફેશર પણ છે તેમને અર્થશાસ્ત્ર, ભૂતાન,આંતરરાષ્ટ્રીય રાજનીતિ, સેકસ્યુઆલીટી જેવા આંતરરાષ્ટ્રીય વિષયો પર પણ આર્ટીકલ લખ્યા. આદિવાસીઓના હક્ક અધિકાર માટે સ્ક્રોલ.ઇન ના એઝ્યુકેટીવ એડિટર સુપ્રિયા શર્માએ ઉમદા કામ કર્યું છે. તેમણે છતીસગઢના ખુંટી ગામમાં ૧૦૦૦૦ટી વધુ આદિવાસીઓ પર થયેલા દેશદ્રોહનાં આરોપની સ્ટોરી રજુ કરી હતી. આવ પ્રમાણે ડીજીટલ માધ્યમના આવવાથી સીમા ચિસ્તી, સંગીતા બરૂહ જેવા અનેક મહિલા પત્રકારોએ દેશને નવી રાહ દેખાડની સફળ કામગીરી કરી છે.
સાંપ્રત સમયમાં ઇલેક્ટ્રોનિક મીડિયાની ન્યુઝ ચેનલોમાં આવતા મહિલા પત્રકાર સાગરિકા ઘોષ, શ્વેતા સિંઘ, રૂબીકા લિયાકત, નિધિ રાઝદાન, અંજના ઓમ કશ્યપ વગેરે ઘણા પ્રચલિત થયા છે પરંતુ ભારતના પ્રથમ મહિલા ટીવી ન્યુઝ રીડર તરીકે પ્રતિમા પુરીજીનું નામ આવે છે. વર્ષ ૧૯૬૫માં સરકાર દ્વારા સમાચાર બુલેટીન પ્રસારિત કરવાનું શરુ કર્યું. પ્રતિમા પુરીએ પત્રકારિતાની ઉત્કૃષ્ટ કામગીરી સાથે યુરી ગાગરીન સ્પેસમાં જનાર પ્રથમ માનવના ઇન્ટરવ્યૂ કર્યો. પ્રતિમા જેવાં મહિલા ન્યૂઝ રીડરે ભારતની યુવા મહિલાઓ માટે પ્રેરણારૂપ હતા. પત્રકારત્વમાં ખુબ જ મહત્વનું અને જોખમી ગણાતા ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ જર્નલિઝમમાં પણ મહિલા પત્રકારોનું ઉમદા કામ જોવા મળે છે હાલના એબીપી ન્યુઝના ઇન્વેસ્ટિગેશન એડિટર તરીકે કાર્યરત ભારતની પ્રથમ મહિલા ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર શીલા રાવલનું નામ અગ્રક્રમે છે. જેમના નામ સંભાળીને ડર અને ભય લાગે એવા હિસ્ટ્રીશીટર, અંડરવર્લ્ડના માફિયા દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ, છોટા રાજન, અરૂણ ગવળી, ઇકબાલ મિર્ચી, અબુ સાલેમના ઈન્ટરવ્યું હોય એવાં પ્રથમ ભારતીય પત્રકાર છે, મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં આરોપી ડેવિડ કોલ્મન હેડલીની પત્નીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. દાઉદ ઇબ્રાહિમની દીકરીના લગ્નમાં દુબઇમાં હાજરી આપી હતી શીલા રાવલએ પ્રાદેશિક ભાષામાં ‘ગુજરાત સમાચાર’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘ભાસ્કર’, ‘અમર ઉજાલા’, ‘મહાનગર’ અને ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’’ સાથે સાથે ‘ઇન્ડિયા ટુડે’, `ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘ફેમિના’ અને ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’માં પોતાના લેખ લખ્યાં છે
રાષ્ટ્રીય મહિલા આયોગ અને પ્રેસ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રિન્ટ મીડિયામાં મહિલા પત્રકારોની સ્થિતિ અંગેનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં દેશના તમામ રાજ્યોમાંથી ૧૫૯ જેટલા મીડિયા સંસ્થોની ૩૫૦૦ જેટલી મહિલા પત્રકાર સાથે જોબ, પ્રમોશન, સંસ્થાનોમાં કાર્યપદ્ધતિ, ચાઈલ્ડ કેર અને મેટરનિટી લીવ,જાતીય સતામણી, સેકસ્યુઅલ હેરેસમેન્ટ, યુનિયનમાં સક્રિયતા, ટ્રેનીંગ અને ડેવલોપમેન્ટ જેવા અનેક મુદ્દાઓ પર માહિતી ભેગી કરવામાં આવી જેમાં ઉલ્લેખવામાં આવ્યા છે કે ૧૫૦૦થી ૩૦૦૦ જેટલા ઓછા પગાર પર કામ કરવું પડતું હોય છે તેમ છતાં કોઈ ચાઈલ્ડ કેર અને મેટરનિટી લીવ મળતી નથી , પ્રમોશન માટેની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા હોતી નથી. આ પ્રકારની ચેલેન્જીસ ધરાવતી નોકરીમાં પણ મહિલા પત્રકારોએ પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. મનોરંજન જગતમાં દેવીયાની ચૌબલ જેમને દેવીના હુલામણા નામથી પણ ઓળખાય છે તે મનોરંજન જગતમાં પ્રથમ અને સૌથી લોકપ્રિય મહિલા પત્રકાર તરીકે હતા. ૧૯૬૦ અને ૧૯૭૦માં લોકપ્રિય ફિલ્મ મેગેઝિન `સ્ટાર એન્ડ સ્ટાઇલ’માં તેમની દર પખવાડિયે પ્રકાશિત થતી કોલમ `ફ્રેન્કલી સ્પીકિંગ’ દ્વારા, વધારે પ્રખ્યાત અને લોકપ્રિય બન્યા. પોતાના લખાણમાં હિંગ્લિશનો ઉપયોગ કરનારાં એ પ્રથમ મહિલા પત્રકાર હતાં. રાજકીય પત્રકારત્વમાં પણ ખુબ જ એક્ટીવ અને વિવેચન સાથ મહિલા પત્રકારોએ કામગીરી કરી છે સાથો સાથ પોતાનો જીવ પણ જોખમા મુખ્યો અને જીવપણ ગુમાવ્યાનાં ઘણા કિસ્સા આપણી સામે છે એમાંથી એક ખુબ જ પ્રતિભાશાળી નામ જેમણે પત્રકાર જગતમાં મોટી છાપ છોડી એવા “ગૌરી લંકેશ” જીએ જમણેરી પક્ષ હિંદુત્વ રાજકારણનાં વિવેચક અને એક્ટિવિસ્ટ તરીકે પોતાના પિતાએ કન્નડમાં શરૂ કરેલાં દૈનિક `લંકેશ પત્રિકા’નાં એડિટર હતાં. તેમણે સાપ્તાહિક `ગૌરી લંકેશ પત્રિકા’ પણ શરૂ કર્યું હતું. ભારતીય સમાજના અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ સામે અવાજ ઉઠાવતાં હતાં. વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બરની પાંચમી તારીખની રાત્રે બેંગ્લોરમાં તેમના જ ઘરની બહાર ગોળી મારી દેવામાં આવતાં તેમનું દુઃખદ અવસાન થયું. ભારતીય જર્નલિઝમ અને ભારતીય સમાજમાં તેમનું યોગદાન ઉચ્ચતમ હતું અને તે સદાય યાદ રહેશે. તેમણે ભારતીય સમાજ અને રાજકારણને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું છે.
પત્રકારત્વની સાથે સાથે ફોટો જર્નલિસ્ટનું પણ એટલું મહત્વ રહેલું છે ૧૯૩૦ના વર્ષમાં પોતાની કારકિર્દી શરુ કરી ભારતનાં પ્રથમ મહિલા ફોટો જર્નલિસ્ટ હોમાઈ વ્યારાવાલા બન્યા હતા. તેમણે પ્રખ્યાત ભારતીય રાજકારણીઓના ફોટોઝ લીધા હતા, જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, મહમ્મદ અલી જિન્નાહ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કેટલાક આઇકોનિક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા અને તેમના મોટા ભાગના ફોટોગ્રાફ્સ `ડાલ્ડા 13’ ઉપનામ હેઠળ પ્રકાશિત થયા હતા. ભારતીય પત્રકાર, ન્યૂઝ એન્કરમાં એક જાણીતું નામ શીરિન ભાનનું પણ છે. જે “સીએનબીસી-ટીવી૧૮”ના મેનેજિંગ એડિટર છે.જેમણે કોર્પોરેટ ટ્રેકિંગમાં, પોલિસી ન્યૂઝ અને ઇવેન્ટ્સ કવર કર્યાં છે. શીરિને પોતાની કરિયરની શરૂઆત કરણ થાપરના પ્રોડક્શન હાઉસ ઇન્ફોટેનમેન્ટ ટેલિવિઝન માટે ન્યૂઝ-રીસર્ચર તરીકે કરી હતી. એણે કેટલાક શો જેવા કે ‘યંગ ટર્ક્સ’, ‘ઇન્ડિયા બિઝનેસ અવર’, ‘ધ નેશન્સ બિઝનેસ’ અને ‘પાવર ટર્ક્સ’ જેવા કેટલાક લોકપ્રિય શો પ્રોડ્યુસ અને એન્કર કર્યાં છે. એણે ‘સીએનબીસી-ટીવી૧૮’ના ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ જેવા કે મેનેજિંગ ઇન્ડિયા બ્રેઇનસ્ટોર્મ અને સીએનબીસી ઇન્ડસ્ટ્રી વેક્ટર્સનું એન્કરિંગ પણ કર્યું છે. તમને વર્ષ ૨૦૦૫માં ફિક્કી દ્વારા “વુમન ઓફ ધ યર એવોર્ડ” પણ એનાયત કરવામાં આવ્યો. જ્યારે વર્ષ ૨૦૦૯માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શીરિનને “યંગ ગ્લોબલ લીડર્સ”માં સમાવેશ કરવામાં આવેલ હતા. તેવા જ એક અત્યંત પ્રભાવશાળી અને પ્રેરણાત્મક ગણાય એવા પત્રકારોમાં બરખા દત્ત આજની તારીખે પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ભારતીય ટેલિવિઝન જર્નાલિસ્ટ અને લેખિકા બરખા દત્તે ૨૧ વર્ષ સુધી “એનડીટીવી”ની સાથે કામ કર્યું છે. વર્ષ ૧૯૯૯માં જ્યારે કારગિલ યુદ્ધ છેડાયું ત્યારે બરખા દત્ત ફ્રન્ટ-લાઇન પર આપણા ભારતીય જવાનો સાથે જઇને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપનારાં પ્રથમ ભારતીય મહિલા પત્રકાર હતાં. તેમણે ભારતીય ટેલિવિઝન પર બે અત્યંત લોકપ્રિય શો `વી ધ પીપલ’ અને `ધ બક સ્ટોપ્સ હીયર’ દ્વારા મેળવેલી લોકપ્રિયતા ઉપરાંત, અનેક પદવી અને એવોર્ડ્ઝ મેળવ્યાં છે. મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળની સરકાર દ્વારા દત્તને પદ્મ શ્રી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. “એનડીટીવી” અને બરખા દત્તે કારગિલ યુદ્ધના અહેવાલને ‘કટ માય ટીથ રીપોર્ટિંગ ધ કારગિલ વોર’ ગણાવ્યાં હતાં. પોતે કારગિલ સુધી જઇ આવ્યાં તેનું શ્રેય બરખા દત્ત દરેક ભારતીયને આપે છે. ભારતના વરિષ્ઠ મહિલા પત્રકાર જેમણે આપને અચૂક યાદ કરી એ એવા ‘શીલા ભટ્ટ’ `ઇન્ડિયન એક્સપ્રેસ’ના નેશનલ એડિટર તરીકે જોડાયાં હતાં. કોઇ પ્રકારનો ખોટો દંભ નહીં, માત્ર સખત મહેનત અને શુદ્ધ પત્રકારત્વ સાથે શીલા ભટ્ટજી છેલ્લા ત્રણ દાયકાથી પ્રિન્ટ, ટીવી અને ઇન્ટરનેટ વગેરે માધ્યમનો અનુભવ સાથે ‘સ્ટાર’ અને ‘ઇન્ડિયા ટુડે’ જેવી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું. માત્ર ઓગણીસ વર્ષની વયે રીપોર્ટિંગ કરવાની શરૂઆત કરનાર શીલા ભટ્ટજી એ ‘રેડિફ.કોમ’ પર ભારતીય સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા મુદ્દાઓ પર લખ્યું, જેના તેઓ હાલમાં ન્યૂઝના સીનિયર ઇડિટોરિયલ ડિરેક્ટર છે. તેમણે ગુજરાતી સાપ્તાહિક ‘અભિયાન’ની સ્થાપના કરી અને એડિટિંગ અને પબ્લિશિંગનું કામ પણ સંભાળ્યું. સાથોસાથ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી એડિશન પણ લોંચ કરી અને તેમાં ચાર વર્ષ સુધી સીનિયર એડિટર તરીકે કામ કર્યું. વર્ષ ૧૯૯૩માં શીલા ભટ્ટજીને ‘ચમેલી દેવી જૈન એવોર્ડ’ મેળવ્યો. ભારતીય પત્રકાર જગતમાં મહિલાઓનું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે. મહિલા ફોટો જર્નાલિસ્ટ હોય, રાજકીય પત્રકારત્વ હોય, ન્યુઝ એન્કરીગ હોય ,ખેલ જગતનું પત્રકારત્વ હોય કે ઇન્વેસ્ટીગેશન પત્રકારત્વ હોય આ તમામ શ્રેત્રમાં દેશની મહિલા પત્રકારોએ પોતાનું આગવું સ્થાન મેળવવા અથાક કામગીરી કરી છે.