ભારતીય સ્વાતંત્ર્યના સાત દાયકા બાદ સ્ત્રી સમાનતાનો દ્રષ્ટિકોણ અપેક્ષા પ્રમાણે વિકસિત થયો નથી. આપણા સમાજમાં હજી આજે પણ એવો સમુદાય અસ્તિત્ત્વ ધરાવે છે કે જેમના કુટુંબોમાં દીકરીનો જન્મ આનંદથી સ્વીકારાતો નથી. મહિલા દ્વારા કરવામાં આવતા શ્રમને અનઉત્પાદક શ્રમ તરીકે ગણવામાં આવે છે. પ્રગતિના નામે ગણીગાંઠી બે ચાર મહિલાઓની સિધ્ધિઓના ઉદાહરણ પરથી બધી મહિલાઓની પ્રગતિ થઇ રહી છે એમ કહી શકાય નહીં. હજુ પણ સ્ત્રી વિશેની સમાજની માનસિકતા બદલવાની જરૂર છે. આ બાબતમાં સરકારનો અભિગમ સ્પષ્ટ છે પણ એની સાથે સમુદાય જ્યારે પુરી નિષ્ઠાથી જોડાય ત્યારે જ સારા પરિણામો મેળવી શકાય. મહિલાઓને સાચી રીતે સમજવાની એમના અસ્તિત્ત્વ, એમની ગરિમાને યોગ્ય દરજ્જો આપવા માટે સમાજની માનસિકતા બદલવાની તાતી જરૂરીયાત છે. વલણ ઘડતર માટે શરૂઆત આરંભિક શિક્ષણથી કરવું અનિવાર્ય ગણાય. પ્રાથમિક શિક્ષણમાં જેન્ડર અવેરનેશની આવશ્યકતા અને અનિવાર્યતા સમજાઇ રહી છે.
આપણે આઠમી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ જેની શરૂઆત આજથી સો વર્ષ પહેલા અમેરિકામાં સામૂહિક પ્રયાસોથી ૧૯૦૮ થી થઇ. એ વખતે અમેરિકામાં તૈયાર વસ્ત્રોના કારખાનામાં મહિલાઓ અને બાળકોને ઓછા વેતનમાં વધુ કલાકો કામ કરાવવામાં આવતું હતું ૮ મી માર્ચ ૧૯૦૮ માં ન્યુયોર્ક શહેરમાં મહિલાઓ સંગઠિત થઇને કામના કલાકો ઘટાડવા તેમજ વેતન વધારવા માટે બંડ પોકાર્યુ. જગતના ઇતિહાસમાં પોતાના હક્ક માટે સંગઠિત થઇને મહિલાઓ દ્વારા કરવમાં આવેલો પ્રથમ સંઘર્ષ. ત્યારબાદ ૧૯૧૦ માં વિવિધ દેશોના મહિલા પ્રતિનિધિઓની પરિષદ કોપન હેગનમાં મળી. જેમાં જર્મનીની કાર્યકર્તા કલારા ઝેયકીના સૂચવ્યા પ્રમાણે ૮ મી માર્ચનો દિવસ જાગૃતિક મહિલા દિન તરીકે માન્ય થયો. ૧૯૧૭ માં રશિયાની ધરતી પર મહિલા કામદારોએ ૮ મી માર્ચના રોજ નિદર્શનો કર્યા. દેશ અને દુનિયાના ચિંતકો આ બાબતે વિચારતા થયા. ૧૯૭૫ના વર્ષને રાષ્ટ્રસંઘે (યુનોએ) મહિલા વર્ષ તરીકે જાહેર કર્યુ. જે નિમિતે મહિલાઓના પ્રશ્નોનોનો જાગૃતિક સ્તરે સહેતુક અભ્યાસ થયો. અને ખરા અર્થમાં મહિલાના પ્રશ્નો લોકનજરમાં આવ્યા. જગતના દેશોમાં મહિલાઓની સ્થિતિને ધ્યાને લઇ રાષ્ટ્ર સંઘે ૧૯૭૫ – ૧૯૮૫ સુધી સ્ત્રી વિકાસ દશક પાળવાનું નક્કી કર્યુ. આ બાબતમાં આપણે ત્યાં પણ સારા પ્રયાસો થયાં. ભારત સરકારે ૧૯૯૦ માં મહિલાઓ પરના અત્યાચારની નાબુદી માટે સ્ત્રી હકક આયોગની રચના કરી. ગુજરાત સરકારે પણ ૧૯૯૩ માં મહિલા આયોગની સ્થાપના કરી એટલું જ નહીં પણ ૧૯૯૪ માં મહિલા વર્ષ જાહેર કરીને ગુજરાત સરકારે અગ્રગણ્ય પગલું ભર્યુ. મહિલાના સર્વાંગી વિકાસનો આ ધોરણમાં વિચાર કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રના વિકાસમાં સ્ત્રીઓના મહત્ત્વપૂર્ણ સ્થાન અને યોગદાનને ધ્યાનમાં લઇને ભારત સરકારે ઇ.સ. ૨૦૦૧ ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યુ. તેમાં મહિલા સશક્તિકરણના વિચારને નજર સામે રાખીને સમાજમાં સ્ત્રી- પુરુષ સમાનતાનો દ્રષ્ટિકોણ ખીલવવા વ્યાપક મહિલા જાગૃતિના કાર્યક્રમો લેવામાં આવ્યાં. જેમ કે પોલીસ અને ન્યાયાલયના કામકાજમાં વ્યક્તિના લિંગ સમભાવ પ્રત્યે જાગૃતિ માટે ઉદબોધન, સામાજિક જાગૃતિ માટે ભીંતચિત્ર સ્પર્ધા, સ્ત્રી પ્રધાન ચિત્રપટ મહોત્સવ, ગ્રામ્ય સ્તરે છેક મહિલા અને શાસન વચ્ચે સંવાદ સાધવા ટેલિકોન્ફફરન્સનું આયોજન, મહિલાઓને નેતૃત્ત્વ માટેનું પ્રશિક્ષણ, બધા જ બાળકો છોકરા છોકરીઓ શાળામાં આવે અને આરંભિક શિક્ષણ કોઇ પણ અડચણ વગર પૂર્ણ કરે તે માટે સર્વ શિક્ષા અભિયાન , મહિલા આરોગ્ય માટેના ખાસ કાર્યક્રમો, મહિલા આરક્ષણની જોગવાઇ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિર્ણયની પ્રક્રિયામાં મહિલાઓની સહભાગીતા, કોઇપણ શાસકીય યોજના કે કાર્યક્રમ આંકતી વખતે મહિલાઓને લાભ થાય તે માટેની ખાતરી, પોલીસખાતામાં સ્વતંત્ર મહિલા પોલિસની પાંખ, હિન્દુ વારસા હક્ક (૧૯૫૬) માં સુધારો વગેરે તમામ પ્રયાસો મહિલા સશક્તિકરણના સ્તુત્ય પ્રયાસો છે.
પ્રાથમિક શિક્ષણમાં મહિલા સશક્તિકરણ માટે આયોજનબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે સમાજમાં જાગૃતિ આવતી જણાય છે. શાળા કક્ષાએ છોકરા છોકરીના લિંગભેદ વગર બન્ને સાથે સમાન વ્યવહાર અને બન્નેને સમાન તકની પ્રાપ્તિ થાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છોકરીઓનો વિકાસ, કુટુમ્બ અને સમાજને પ્રગતિના પંથે લઇ જાય છે એ બાબત હવે સ્પષ્ટ થતી જાય છે. છોકરીઓના વ્યક્તિત્ત્વનો વિકાસએ સંપૂર્ણ સમાજ બદલાવ પ્રક્રિયાની એક મહત્ત્વની કડી છે. છોકરીઓના વ્યક્તિત્ત્વ વિકાસ પર સમાજનો વિકાસ અવલંબિત હોય છે. નાની છોકરી ભવિષ્યની ઉત્તમ સ્ત્રી – વ્યક્તિ તરીકે વિકાસ પામે છે, પેઢી દર પેઢીના વિકાસનાં બીજ સ્ત્રીના વિકાસમાં વવાયેલા હોય છે. તેથી સંસ્કારક્ષમ ઉંમરમાં જ થયેલા સંસ્કાર તેને જીવનમાં સક્ષમ બાનાવી શકે છે. માટે તેને દરેક ક્ષેત્રમાં સંધિ આપવી જોઇએ. છોકરો છોકરી સમાન એ ખ્યાલ સમાજમાં રૂઢ થવો જોઇએ એ માટે પ્રાથમિક શાળાની ભૂમિકા ખૂબ અગત્યની ગણાય.
પ્રાથમિક શાળા કક્ષાએ છોકરો છોકરી બન્ને એક સમાન એ સંકલ્પના સાકાર કરવા માટે શાળા અને શિક્ષકનું વર્તન અને આચાર –વિચારનો પ્રભાવ વિદ્યાર્થીઓનાં મન પર લાંબા સમય સુધી રહે છે. બાળપણમાં તેમનાં સામે શિક્ષકનો જ આદર્શ હોય છે. તેથી શિક્ષકોનું ઉત્તરદાયિત્ત્વ મહત્ત્વનું બને છે. તેમનો વ્યવહાર બાળકો માટે વસ્તુપાઠ બને છે. બાળકોના મનમાં બાળપણથી અમુક પ્રકારના ખ્યાલ સમાજ અને કુટુમ્બ દ્વારા રોપવામાં આવેલા હોય છે જેમકે કામની બાબતમાં અમુક કામ છોકરાઓ જ કરે અથવા અમુક કામ છોકરીઓએ જ કરવા જોઇએ અને એ બધી માન્યતાઓ ના રૂઢ થયેલા ખ્યાલો તોડવા માટે શિક્ષકની પહેલ ઘણી જ મહત્ત્વની બની રહે છે. કેમ કે શિક્ષકની દરેક વાત અનુકરણીય જ હોય એમ બાળકો નિશ્ચિત પણે માને છે. આજ વાતનું મૂલ્યસંવર્ધન કરતી વખતે યોગ્ય ઉપયોગ કરવાના હેતુ સબબ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દર વર્ષે જેન્ડરની તાલીમ આપવામાં આવે છે. અને તાલીમમાં શીખેલી વાતોને સીધી સમાજ સુધી પહોચાડવા માટે શાળા કક્ષાએ સમુદાયની તાલીમ યોજવામાં આવે છે. સ્ત્રી સશક્તિકરણના ખ્યાલને સમજાવવા માટે પ્રાથમિક શિક્ષણમાં માઁ – બેટી સંમેલન, મીના કાર્યક્રમ, માતૃ શિક્ષક મંડળ, વૉકેશનલ તાલીમ, સમર કેમ્પ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના, એક્ષપોઝર વિઝિટ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમો માંથી આહાર, ઘરના કામ, વિકાસની તક, ઘરમાં અપાતો દરજ્જો અને પરસ્પરના વ્યવહાર વગેરે સંદર્ભમાં પુત્ર – પુત્રીને સમાન માનવા માટે વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ નિર્માણ થાય છે. બાળાઓને ભણાવવા માટે વાલીઓને પ્રોત્સાહિત કરવાજેવી પ્રવૃતિઓ પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવી રહી છે. છોકરીઓના શિક્ષણ માટે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વાલીઓને માહિતગાર કરવા, બાળાઓના શિક્ષણ માટે સરકારે ફાળવેલી વિવિધ સવલતો અને સુવિધાઓથી સમુદાયને વાકેફ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૦ માં ગુજરાત સરકારના એક ક્રાંતિકારી નિર્ણયથી પ્રાથમિક શિક્ષણ કક્ષાએ એક નવી પ્રથા શરૂ કરવામાં આવી જેમાં અત્યાર સુધી શાળાકીય અભ્યાસ પૂર્ણ કરીને અથવા અધવચ્ચેથી વાલીના સ્થળાંતરને કારણે શાળા છોડી જનાર બાળકના શાળા છોડયાના પ્રમાણ પત્રમાં માત્ર પિતાનું નામ લખવામાં આવતું હતું તેની જગ્યાએ પિતાની સાથે માતાનું નામ લખવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. સમાજની બદલાતી તાસીરનો આ બાબત પરથી ખ્યાલ આવે છે.
પ્રાથમિક શિક્ષણમાં ગ્રામ્ય શિક્ષણ સમિતિની રચના અને કાર્યને પણ સ્ત્રી સશક્તિકરણના કાર્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના સુચારુ સંચાલન માટે અગાઉ વી. ઈ.સી. (વિલેજ એજ્યુકેશન કમીટી) હતી. જેમાં મોટે ભાગે પંચાયતના સરપંચ, તલાટી, શાળાના આચાર્ય, ચૂંટાયેલા પંચાયતના મહિલા સભ્ય, મંત્રી, આંગણવાડીના કાર્યકર, ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ નિવૃત શિક્ષક અથવા હાઇસ્કૂલના આચાર્ય વગેરે હોદાની રુએ બધા સભ્યો નક્કી કરવામાં આવતા હતા. આ કમિટીની દર ત્રણ મહિને મીટીંગ મળતી અને શાળાના વિકાસ માટે ચર્ચા આયોજન કરવામાં આવતા. આ પ્રકારની કમિટીમાં મોટેભાગે સભ્યો ગેરહાજર હોય અથવા શાળાના વિકાસ માટેની દિશા નિશ્ચિત કરવામાં અક્ષમ માલુમ પડતા. આવી પરિસ્થિતિ માંથી શાળાના વિકાસ માટે કોઇ યોજના બની શકતી ન હતી અથવા યોજનાને યોગ્ય સમયે યોગ્ય રીતે કાર્યાન્વિક કરી શકવામાં અડચણ જોવા મળતી હતી. પણ સશક્તિકરણના ભાગ રૂપે વર્ષ ૨૦૦૯ થી શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં આવ્યા બાદ અગાઉની તમામ કમિટીઓને દરખાસ્ત કરવામાં આવી અને એને જગ્યાએ એસ.એમ.સી. (સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ ) ની રચના કરવામાં આવી. આ સમિતિની રચનામાં કુલ ૧૨ સભ્યો નક્કી કરવામાં આવ્યા જેમાં હોદ્દાની રુએ સભ્યોની સંખ્યા સાવ મર્યાદિત કરવામાં આવી. અને શાળામાં ભણતા હોય તેવા બાળકોના વાલીઓ ૭૫% એટલે કે ૯ સભ્યો અને એમાં પણ પાંચ મહિલા હોવી અનિવાર્ય ગણવામાં આવી. આવી એસ.એમ.સી. માં માતાઓની સામેલગીરીથી શાળા કક્ષાએ કન્યાઓના પ્રશ્નો માટેની સભાનતા વધી છે. પ્રાથમિક શાળા કક્ષાએ માતાઓની અવર જવર વધી છે. પરિણામે બાળાઓને પણ શાળા પોતાના માટે સલામત જગ્યા છે એવી લાગણીભર્યુ વાતાવરણ નિર્માણ પામી રહ્યુ છે. આ ગ્રામ શિક્ષણ સમિતિની સભા દર મહિને લેવામાં આવે છે. આ સભામાં છોકરીઓને સમાજમાં જોવા મળતી વર્તણૂક, છોકરીઓના શિક્ષણ બાબતની મુશ્કેલીઓ, શાળા બહારના છોકરીઓના પ્રશ્નો વગેરે ઘટકો સંદર્ભે સ્થાનિક સ્તરે ખુલીને ચર્ચા કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતી છોકરીઓના આરોગ્ય, આહાર અને શિક્ષણ માટે ગ્રામ્ય સ્તરે કયા કયા પ્રકારનું સહકાર્ય મળે છે તેનો વિચાર આવી સભાઓમાં કરવામાં આવે છે. ગ્રામ્ય શિક્ષણ સમિતિના માધ્યમથી પુત્ર- પુત્રી વિકાસાર્થે પોષક, ઉત્સાહિત અને નિર્બંધ વાતાવરણ નિર્માણ કરવા માટે પ્રયાસો કરવામાં આવે છે. ગ્રામ્ય શિક્ષણ સમિતિના માધ્યમથી ગરીબ છોકરીઓને દત્તક પાલક મેળવી આપી તેમને શિક્ષણ પ્રવાહમાં ટકાવી રાખવા પ્રયાસો કરવામાં આવે છે.
બાળકોના વલણમાં આમુલ પરિવર્તન આણવા માટે શાળાનું ભાવાવરણ પણ અનિવાર્ય ગણાય. પ્રાથમિક શિક્ષણમાં સશક્તિકરણ માટે છોકરા છોકરી એક સમાન જેવા મૂલ્યના સંવર્ધન માટે પ્રાથમિક શાળામાં વાતાવરણમાં બદલાવ આણવો જ રહ્યો. જેના ભાગ રૂપે શાળામાં આવવા માટે છોકરીઓ ઉત્સાહિત થાય તેવા વાતાવરણનું ધીમે પણ મક્ક્મ પગલે આરંભ થઇ રહ્યું છે. જેમ કે શાળાની દિવાલો ફલક પર યોગ્ય સૂત્રોનું લેખન કરવામાં આવે છે. શાળાના દરેક કાર્યક્રમમાં છોકરા – છોકરીને સમાન તક આપવામાં આવે છે. વર્ગની બેઠક વ્યવસ્થા, પ્રતિજ્ઞા, વર્ગ સજાવટ, કવાયત વગેરેમાં છોકરીઓની સામેલગીરી વધારવામાં આવી રહી છે. છોકરાઓને નિર્ભય, હિમ્મતવાનઅને ચતુર બનાવવા માટેના ખાસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છોકરા- છોકરીઓ માટે સમાન સ્પર્ધાઓ સમાન રમતો અને સમાન કાર્યાનુભવ પૂરા પાડવામાં આવે છે.
શિક્ષાના અધિકારનો કાયદો અસ્તિત્ત્વમાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણમાં પાઠયપુસ્તકોમાં પણ બદલાવ આવી રહ્યો છે. નવોઅભ્યાસક્રમ અને પાઠયક્રમાનુસાર પાઠયપુસ્તકના નિર્માણમાં છોકરા – છોકરી એક સમાનના દ્રષ્ટિકોણને સામે રાખીને એકમની રચના કરવામાં આવે છે જે બાબતો જેન્ડર બાયસ ઉભા કરતી હોય તેવી બાબતોને સભાનતાથી ટાળવામાં આવે છે. જ્યાં અનિવાર્ય ગણાય એવી ઐતિહાસિક કે હકીકત મૂલક બાબતોની ચર્ચા વખતે શિક્ષકો દ્વારા સ્થાનિક સ્તરે સુસંગત ઉદાહરણો પૂરા પાડવાના સભાન પ્રયાસો થઇ રહ્યા છે. પાઠયક્રમના માધ્યમથી પણ છોકરીઓ માટે સમાજમાં સમાન તકનું નિર્માણ થાય, છોકરીઓ પણ સમાન દરજ્જા માટે માનસિક રીતે તૈયાર થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે. એન.સી.એફ. ૨૦૦૫ માં દર્શાવેલ માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક કક્ષાએ ઉપલ્બધ સંશાધનો માંથી ક્તૃત્ત્વવાન સ્ત્રીઓના ઉદાહરણ દ્વારા છોકરીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા કાર્યક્રમો થઇ રહ્યા છે. આપણા સમાજમાં છોકરાઓના કામ અને છોકરીઓના કામને લઇને કેટલીક માન્યતાઓ ઘર કરી ગઇ છે. આ બાબતનો છેદ ઉડાડવા પાઠયપુસ્તકોની મદદ લઇ યોગ્ય પ્રયત્નો થઇ રહ્યા છે એની પ્રતીતિ અત્યારના પાઠયપુસ્તકોને જોતાં થાય છે.
સ્ત્રીસશક્તિકરણના ઝડપી પરિણમ માટે મહિલાઓની સક્રિય ભાગીદારી પર વિશેષ મદાર રહેલો છે. પુત્ર- પુત્રીના વિકાસમાં માતા સીધી જોડાયેલી હોય છે માતાનું ઉદબોધન થાય તો તે પોતાના સંતાનનાં સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થઇ શકે છે માતાને જો શિક્ષણ્નું મહત્ત્વ સમજાય તો તે પોતાના સંતાનોને શિક્ષણથી વંચિત રહેવા નહીં જ દે. આવા વિચાર પ્રાથમિક શિક્ષણમાં શાળા કક્ષાએ માતાઓના સહયોગ માટે વિશેષ એવા મહિલા પ્રબોધન કેન્દ્રો પણ કાર્યાન્વિત થયાં છે. આવા કેન્દ્રો શાળાની ઉત્સાહી શિક્ષિકાની મદદથી ચલાવવામાં આવે છે. જ્યાં શાળામાં શિક્ષિકા ઉપલબ્ધ ન હોય તેવી પરિસ્થિતિમાં આવા કેન્દ્રોની જવાબદારી બાલવાડી કે આંગણવાડીના સંચાલિકા બહેન સંભાળતા હોય છે. પંદર દિવસે કે મહિને એક વાર શાળામાં બહેનો એકત્રિત થાય અને મહિલાઓને શિક્ષણનું મહત્ત્વ સમજાય તે માટે તેમજ યોગ્ય આહાર, શ્રમસંસ્કાર, સાર્વજનિક સ્વચ્છતા, મહિલા વિષયક કાયદા, છોકરીઓના શિક્ષણ વિષયક કાયદાની જોગવાઇઓ, યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવે છે. આ પ્રવૃતિમાં સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ મહિલા મંડળો અને ગ્રામ્ય શિક્ષણ સમિતિની મહિલા સભ્યની મદદ પણ લેવામાં આવે છે. આ કેન્દ્રમાં આવતી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ મેળવડા તેમજ વિવિધ દિન ઉજવવા વગેરે ઉપક્રમ કરવામાં આવે છે આવા પ્રયાસોથી મહિલાઓનું ઉદબોધન તો થાય જ છે પણ સાથે સાથે દિકરીઓના શિક્ષણની મુશ્કેલીઓ અને પ્રશ્નો પણ હલ થાય છે. અને સ્ત્રીસશક્તિકરણની પ્રક્રિયાને વેગ મળે છે.
પોતાની અસ્મિતાની ઓળખાણ અને વિકાસને માટે કિશોરાવસ્થા બહુજ મહત્વપૂર્ણ ઉમર છે. પ્રાથમિક શિક્ષણનો ગાળો ૬ થી ૧૪ વર્ષનો હોય છે. જે સમયગાળા દરમ્યાન પોતાની બાબતમાં અને પોતાના શરીરની બાબતમાં સમજ પરસ્પર સંબંધિત છે. બાકી દુનિયા તથા વિદ્યાર્થીની આવડતને લઇને સ્વતંત્ર ગતિ વ્યક્તિત્વ નિર્માણને પ્રભાવિત કરે છે. દિકરીઓની બાબતમાં આ તથ્ય વિશેષ રૂપથી મહત્વપૂર્ણ છે. આથી આ જ એ સમય હોય છે જે પૂર્વસ્થિતિ અને સમાજના અભિન્નઅંગ બનતા વિચાર અને માનદંડ પર પ્રશ્ન ઉઠાવે છે. આ પરિસ્થિતિમાં સમાજ અને પરસ્તરના સંબંધોને નિશ્ચિત કરવા માટે બાળકોને સમાજિક અને ભાવાત્મક અવલંબનની જરુર પડે છે. પ્રાથમિક શિક્ષણમાં એની પૂર્તતા કરવાના પુરતા પ્રયાસો થવા જઇ રહ્યા છે. સ્ત્રીસશક્તિકરણની થકી આવનારા સમયના સમાજની ઝાખી મળે છે. શાસકીય સ્તરે થનારા પ્રયત્નો અને સમાજના સહભાગથીઆજનાં ઉભરતા ભાવિ સમુદાયમાં સમાનતાનો દ્રષ્ટિકોણ વધારવાના સંનિષ્ઠ પ્રયાસો થકી આખરે સમાજ સક્ષમ બને છે.
સંદર્ભ સૂચિ
- N.C.F 2005, N.C.E.R.T., Delhi
- ગાંધીજીનો અક્ષરદેહ, ગાંધીજી
- જીવન કૌશલ્ય તાલીમ. જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર
- રમતા રમતા ભણીએ –પ્રવૃતિ મોડયુલ, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર
- શિક્ષણ્માં સંશોધનનો સાથ, મનહર ઠાકર
- શિક્ષક તાલીમ મોડયુલ, એપ્રિલ ૧૧, જિ. શિ. અને તા. ભવન – ભુજ
- શિક્ષક શિક્ષણ અને કેળવણી, મફતલાલ પટેલ
- જીવન શિક્ષણ, જી.સી.ઇ.આર.ટી.
- ભારતીય કેળવણીના મૂળતત્ત્વો, લજ્જારામ તોમર