હિંચકે બેસીને અમે ઝૂલતા હતા સવારે. કૂંડા પાસે મંકોડા ઊભરાવા લાગ્યા. પૂજીત ત્યાં જઈને જોવા લાગ્યો. મને કહે, ‘કીડી કેટલું વજન ઊંચકી શકે ?’
‘ખબર નથી’, મેં કહ્યું.
‘એના વજનથી દસ-બાર ગણું.’
મેં એના ચહેરા સામે જોયું. ત્યાં ખુશી વજનદાર થઈ રહી હતી. એ મારી બાજુમાં ફરીથી ગોઠવાયો. મારી સામે જોઈને કહે, ‘કરોળિયા વિશે કંઈ ખબર છે ?’ મેં આંખોથી પૂછ્યું, ‘શું ?’ એ કહે, ‘એનું જાળું કેટલું મોટું હોય ? પણ બનાવતા એક કલાક જ થાય.’ મેં એના ચહેરાને જોયો. ચમક આવી હતી ત્યાં. ‘અને હા, પપ્પા. આ ખિસકોલી જબરી હોય હો.’
‘એટલે ?’
‘એના શરીર કરતા પચ્ચીસ ગણો મોટો કૂદકો મારી શકે છે.’ મારા ચહેરાની આતુરતા એણે વાંચી. એટલે એણે આગળ ચલાવ્યું, ‘ઊંદરની કાંઈ ખબર છે ?’ મારા જવાબની રાહ જોયા વિના એ બોલવા લાગ્યો. ‘આફ્રિકામાં ત્રણ ચાર સેન્ટીમીટરના ઊંદર થાય, અને પપ્પા, એના બચ્ચા ચોખાના દાણા જેવડા થાય.’ એણે અંગૂઠો અને પહેલી આંગળીથી સાઈઝ બતાવીને કહ્યું ને એ હળવું હંસવા માંડ્યો. મને એને જોવામાં મજા આવતી હતી.
પાછો ઊભો થયો હિંચકેથી નળ ટપકતો જોયો. મધમાખી બેઠેલી જોઈ. ‘આ નળ રીપેર કરાવો પપ્પા. પણ હા, આ મધમાખીનું એવું હોં !’
એની વાતો કરવાની તત્પરતા વધતી હતી એ મેં જોયું. ‘કેવું ?’ મેં પૂછ્યું. ‘તૈયાર થઈને જાય. એક ફૂલ ઉપરથી રસ ચૂસી આવે ને પછી પોતાનું માથું ઓળે, પોતાને સાફ કરે ને વ્યવસ્થિત થઈને બીજા ફૂલ ઉપર જાય.’
‘વાહ, આ મજાનું વળી.’ મારી આંખો પહોળી કરી હું બોલ્યો. આ વખતે હું હળવું હંસી પડ્યો. એ જોઈને મને કહે, ‘નવાઈ લાગી ? એમાં વળી શું છે ?’
‘તારી વાતોથી નવાઈ લાગે છે. આ બધું ક્યાંથી શીખી લાવ્યો ?’
‘તમે એન્સાઈક્લોપીડિયા લાવી આપ્યો ને એમાંથી. તમે બુક્સ વાંચો ને તો મજા આવે.’ એનું માથું હલ્યું અને મોં એકદમ મોગરાના ફૂલ જેવું ખીલી ઊઠેલું. એના મોં સામે જોતા જોતા જ મેં એને કહ્યું, ‘હુંય બુક્સ વાંચું જ છું હો ને મનેય મજા આવે જ છે હો પૂજીત !’