Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
હજાર ચુરાશીર મા
મેગ્સેસે એવોર્ડ વિજેતા મહાશ્વેતાદેવીનું નામ બંગાળી કથાસાહિત્યમાં ખૂબ આદરથી લેવાય છે. તેમની સુપ્રસિદ્ધ નવલકથા ‘હજાર ચુરાશીર મા’ ૧૯૭૪માં પ્રગટ થઈ. આ નવલકથાને જ્ઞાનપીઠ પુરષ્કાર પ્રાપ્ત થયો છે તે સર્વ વિદિત છે. લગભગ ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીના એક દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નક્સલ આંદોલનની પશ્ચાદભૂમિકામાં આ નવલકથા લખાઈ છે. સમગ્ર બંગાળનો યુવાવર્ગ ભદ્ર સમાજની દાંભીકતાને પડકારીને પોતાની જાતને સમાજ પરિવર્તન માટે સમર્પિત કરે છે, ત્યારે તેના કુટુંબ-સ્વજનોના પ્રત્યાઘાતો તથા લાગણીઓનું સચોટ વેધક દર્શન અહી થાય છે. આવાજ એક ભદ્ર સમાજમાંથી વ્રતી નામનો યુવાન ક્રાંતિકારી બને છે, અને શહીદી વહોરીને ૧૦૮૪મી લાશ તરીકે પ્રસ્થાપિત થાય છે. આ ૧૦૮૪મી લાશની માતા સુજાતા છે. એટલે તે પછીથી ‘હજાર ચુરાશીર મા’ તરીકે ઓળખાય છે. પ્રસ્તુત નવલકથા માત્ર નવરચના કે સમાજમુક્તિની કથા નથી બની રહેતી. આ નવલકથા નારી સંવેદનથી છલોછલ હોવાથી આ કૃતિનો મહિમા મારે મન વધુ છે.

નવલકથા ચાર ખંડમાં વિભાજિત થયેલી છે. એકજ દિવસનો ચુસ્ત સમય અહી લેવામાં આવ્યો છે. સવાર, બપોર, સાંજ અને રાત. આ ચાર પ્રહર એજ ચાર ખંડ બને છે. સવાર ખંડમાં સુજાતા બાવીસ વર્ષ પહેલાંની એક સવારના સ્વપ્નમાં પહોંચી ગઈ છે. વ્રતીનો જન્મ થવાનો છે. નર્સિગહોમ જવાની તૈયારી કરે છે. ટેલિફોનની ઘંટડી વાગે છે, અને સુજાતા સ્વપ્નમાંથી વર્તમાનમાં પાછી ફરે છે. વ્રતીના મૃત્યુના આ રીતે જ બરાબર બે વર્ષ પછીની વહેલી સવારે સમાચાર મળે છે. અને ત્યાર પછીના બે વર્ષ પછીની વહેલી સવારે વ્રતીની મિત્ર નંદિનીનો ટેલિફોન આવે છે. તે સુજાતાને મળવા બોલાવે છે. લેખિકાએ તારીખ અને સમયની ચોકસાઈ ખૂબ ઝીણવટ પૂર્વક રાખી છે. ૧૭મી જાન્યુઆરી વ્રતીનો જન્મદિવસ, આજે જ વ્રતીનો મૃત્યુદિવસ છે અને આજે જ સુજાતાની નાની દીકરી તુલીની સગાઈનો દિવસ છે. સમય અંગેની આ બધી ચોકસાઈ નવલકથામાં પ્રતિકાત્મક બની રહે છે. બપોર પ્રકરણમાં સુજાતા સમુની માને મળવા જાય છે. સાવ ગરીબ જર્જરિત ઝૂંપડા જેવાં મકાનમાં તેનો નિવાસ છે. વસ્ત્રો પણ જર્જરિત છે. આ બધું જોઈને સુજાતા નવાઈ પામે છે. વ્રતી (તેનો લાડકો પુત્ર) એ અંતિમ રાત્રી અહી વિતાવી હતી ! વ્રતીનું નવું રૂપ, વ્રતીની નવી ઓળખ સુજાતાને અહીથીજ મળે છે. સાંજ પ્રકરણમાં સુજાતા નંદિનીને મળે છે. નંદિની પાસેથી એક નવાં જ વ્રતીની ઓળખ મેળવે છે. નંદિનીને મળીને પાછી ફરે છે ત્યારે એ હવે સવારે ઘરેથી નીકળેલી સુજાતા નથી, પણ એક નવી જ સુજાતાની ઓળખ લઈ પાછી ફરે છે. રાત પ્રકરણમાં તુલીની સગાઈ નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત કરતી સુજાતા છે. તો દિવ્યનાથને પ્રથમવાર જાકારો આપતી એક નવી સુજાતાનું રૂપ આપણને આ ખંડમાં જોવા મળે છે.

નવલકથામાં સુજાતાનું પાત્ર કેન્દ્રસ્થ છે. સુજાતાની આસપાસ બીજા કેટલાંય સ્ત્રી-પુરુષ પાત્રો છે. પતિ દિવ્યનાથ, મોટો પુત્ર જ્યોતિ, નાનો પુત્ર વ્રતી, મોટી દીકરી નિપા, નાની દીકરી તુલી, પુત્રવધૂ બિની, નોકરાણી હેમ, સુજાતાની સાસુ. બહારના પાત્રોમાં સમુની મા, સમુની બહેન, નંદિની, તુલીની સાસુ મિસિસ કાપડિઆ, જીસુ મિત્રા, મૌલી મિત્રા, ટોની કાપડિઆ, સરોજપાલ, બેન્કનો પટાવાળો ભીખન. આ બધામાં સુજાતા કોઈને કોઈ રીતે સંકળાયેલી છે. પરંતુ સૌથી નજીકનો કોઈની સાથે નાતો હોય તો માત્ર બેજ વ્યક્તિને ગણાવી શકાય, વ્રતી અને નોકરાણી હેમ.

‘સવાર’ ખંડમાં સુજાતાને સ્વપ્ન આવે છે. તે વિગત જીવનને યાદ કરે છે. સુજાતાની સાસુને દિવ્યનાથ એકજ સંતાન હોવાથી સુજાતાની વારંવારની પ્રસૂતિ સહન થતી નથી. એટલે તે સુજાતાની પ્રસૂતિ વખતે હમેશાં બહારગામ ચાલી જતી. દિવ્યનાથ માટે સુજાતા માત્ર ‘ભોગ્યા’ છે. એટલે સુજાતાના શરીરને તે ધ્યાનથી નિહાળ્યા કરતા. મા બનવા તે બરાબર તૈયાર છે કે નહી. દિવ્યનાથ માટે સુજાતા સહધર્મચારિણી નહી, બલકે ભોગ્યા જ રહે છે. દીવ્યનાથના લગ્નેત્તર સંબંધો મર્દાનગીનો પરિચય ગણાય છે. આના માટે પુત્રી તુલી અને સાસુ દીવ્યનાથના પક્ષે છે. જયારે વ્રતી ટાઈપિસ્ટ છોકરી સાથે લહેર કરતા બાપને ધમકી આપે છે. આવા બાપને સહી લેતી મા પ્રત્યે તેને અનુકમ્પા છે. એટલે ક્યારેક સુજાતા વ્રતીની દીકરી હોય એમ તેનો ખયાલ રાખે છે. નીપા, તુલી, જ્યોતિનો ઉછેર દિવ્યનાથ અને તેની માતાની દેખરેખ હેઠળ થયેલો તેથી એ ત્રણે સંતાનો વ્રતીથી એકદમ ભિન્ન છે. જયારે વ્રતીનો ઉછેર સુજાતા અને હેમના હાથે થાય છે. ભદ્રસમાજમાં ઉછરેલો વ્રતી ગરીબ અને હક માટે લડતા સમાજની સાથે આ કારણથી જ જોડાય છે. તેનામાં માનવીય સંવેદન ભારોભાર પડ્યું છે. તો બુઝર્વા મૂલ્યો પ્રત્યે ભારોભાર અશ્રદ્ધા છે. દિયર સાથે આડા સંબધ રાખતી નીપા પ્રત્યે સૂગ છે. તેથી તેના દીકરાના જન્મદિવસે પણ તેના ઘરે જતો નથી. તો ટોની કાપડિઆ સાથે સગાઈ કરતી તુલી એને પસંદ નથી. વ્રતી તેના બીજા ભાઈ-બહેનો કરતા ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. આથીજ જમવાના ટેબલ પર વ્રતી ક્યારેય પરિવારના સભ્યો સાથે ખાણુ ખાતો નથી. તે હેમ પાસે જઈ રસોડામાં જમે છે. આ રીતે વ્રતી પરિવારમાંથી કપાતો જાય છે. પણ સુજાતા અને હેમ માટે તે ખડે પગે રહે છે. પરિવારના સભ્યો વ્રતીને પસંદ નથી કરતાં ત્યારે સુજાતા વ્રતી પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહે છે.

૧૭મી જાન્યુઆરીની વહેલી સવારે સરોજપાલનો ફોન આવે છે. ‘કાંટાપુકૂર’ આવી જાઓ. સુજાતા આ સાંભળી ગભરાઈ ગયેલી, ત્યારે પિતા દિવ્યનાથ અને જ્યોતિ આ સમાચાર કોઈ છાપા કે ટેલિવિઝનમાં ન પ્રસારિત થાય તે માટે દોડાદોડી કરી મૂકે છે. સુજાતાને તેની ગાડી પણ લઈ જવા દેવાની ના પાડે છે. ઓળખ છતી થઈ જાય તો ? આવા નિષ્ઠુર બાપ માટે સુજાતાની રહીસહી લાગણી પણ ઓગળી જાય છે. આ ક્ષણે જ લોહીની સગાઈની તીવ્રતા સુજાતા અનુભવે છે. તો આ ક્ષણે જ લોહીની સગાઈની વ્યર્થતા પણ અનુભવે છે. જ્યોતિ પણ દિવ્યનાથના રસ્તે જતાં સુજાતાને જ્યોતિ અને દિવ્યનાથમાં લોહીની સગાઈનો અનુબંધ રચાતો દેખાય છે. સમયની વક્રતા તો જુઓ કે જે સરોજપાલના ઈશારે પોતાનો પ્રિય પુત્ર ગુમાવ્યો છે, એ જ સરોજપાલની તેના ઘરે યોજાયેલ તુલીની સગાઈની પાર્ટીમાં મુખ્ય મહેમાન તરીકે તેનું સ્વાગત કરવાનું છે. વ્રતીના મૃત્યુ પછી સુજાતા ત્રણ મહિના સુધી સૂનમૂન બની રહેલી. પણ પાછી સ્વસ્થ થઈ રાબેતા મુજબ તેના કાર્યમાં પરોવાઈ ગઈ. બેંકમાં જવા તૈયાર થઈ, સુમનને પેન્સિલ છોલી આપી, પતિ મુંબઈ જતાં તેની સૂટકેસ તૈયાર કરી આપી. સાંજે બેન્કથી પાછી ફરીને વ્રતીનો ઓરડો જોવા ગઈ. ઓરડાની ચાવી દિવ્યનાથ પાસેથી હકથી માંગી. વ્રતીના મૃત્યુ પછી સુજાતા પેલીવાર દિવ્યનાથ સામે આ રીતનો સંવાદ કરે છે.
“તમે વ્રતીના ફોટાને અહીંથી ખસેડીને ત્રીજે માળ મૂકવાનો કહ્યો હતો?”
“હા.”
“એના બૂટ ?”
“હા.”
“કેમ ?”
“કેમ !”
દિવ્યનાથે પરેશાનીથી ડોકુ ધૂણાવ્યું હતું.
કેમ વ્રતીની બધી વસ્તુઓ ખસેડી મૂકવાની જરૂર છે?- કેમ એના અસ્તિત્વના, એની સ્મૃતિના ટુકડે-ટુકડા કરી એનાં નિશાનો પણ ભૂંસી નાખવાં જરૂરી છે ?
“ત્રીજા માળના ઓરડે શું તાળું માર્યું છે ?”
“હા”
“ચાવી કોની પાસે છે ?”
“મારી પાસે.”
“લાવો.” (પૃષ્ઠ ૧૬)
ઉપરોક્ત સંવાદમાં આપણને સુજાતાનું નવું રૂપ જોવા મળે છે. સુજાતાનો દબાઈ ગયેલો અવાજ આમ વ્રતીના મૃત્યુ નિમિત્તે ખૂલે છે. દિવ્યનાથ આર્થિક મુશ્કેલીમાં હતાં ત્યારે જ સુજાતાને નોકરી કરાવવા ઈચ્છતા હતા. પણ જયારે આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થયા પછી પણ સુજાતા નોકરી કરવાનું ચાલુ રાખે છે. સાસુ અને પતિની ના હોવા છતાં પણ સુજાતા પોતાની થોડી સ્વતંત્રા માટે નોકરી છોડવાની ના પાડે છે, આ તેનો વિદ્રોહ આગળ પણ યથાવત રહે છે. વ્રતીના જન્મ પછી તે વધારે પ્રસૂતિ કરવા તૈયાર નથી. તે માત્ર છોકરા જણનારું મશીન બનવાય તૈયાર નથી. આમ એક પછી એક વિદ્રોહ સુજાતા કરતી જાય છે. ઘરમાં સૌથી નજીકનો નાતો જો કોઈ સાથે હોય તો વ્રતી અને હેમ સાથે. વ્રતી મૃત્યુ પામ્યો તો એનો ઓરડો હવે સુજાતાનો ઓરડો બની જાય છે. વ્રતીની દરેક વસ્તુની સંભાળ લે છે. તેની સાથે વ્રતીના બાળપણને તેના દરેક સંસ્મરણોને યાદ કરતી સુજાતા વ્રતીમય બની જાય છે. વ્રતી વિશે વાત કરતાં તુલીની સગાઈના દિવસે મા-દીકરી વચ્ચે થોડો સંવાદ રચાય છે સુજાતાનો વ્રતી પ્રત્યેનો પ્રેમ છલકાતો દેખાય છે:
“તુલી હું તારી સાથે વ્રતી વિશે કંઈ જ વાતચીત કરવા નથી માંગતી.”
“કેમ ?”
“ફાયદો શું ? તું એને ઓળખતી જ નથી.”
“હજી સુધી તમે....”
“તુલી તું ચૂપ થઈ જા. બસ કર.” (પૃષ્ઠ ૨૮)
વ્રતી વિશે, એના જીવન મૂલ્યો વિશે આટલી દ્રઢતાથી સુજાતા ક્યારેય બોલી નથી. બપોર ખંડમાં વ્રતીના મિત્ર સમુના ઘરે સુજાતા જાય છે. વ્રતીની સાથે સમુની પણ હત્યા થયેલી. એટલે આ બે કમભાગી દુખિયારી માતાનું મિલન છે. સમુની માનો પહેરવેશ અને ઘર જોતા સુજાતા ઘડીભર ક્ષોભની લાગણી અનુભવે છે. તેણે પહેરેલા વસ્ત્રો અને ઘરેણાંની સામે સમુની માએ જાડી કિનારી વાળી સાડી પહેરી છે. સમુની બહેને પ્રથમ મુલાકાત વખતે સુજાતા સાથે સારું વર્તન કરેલું, પણ સુજાતાના આવવાથી મહોલ્લાના લોકો તેમને કનડે છે. તેથી સુજાતાનું આવવું તે સહી શકતી નથી. પણ સમુની મા સુજાતાને સધિયારો આપે છે. સમુની મા વ્રતીના મૃત્યુની અંતિમ રાતની વાત ગળગળા અવાજે કરે છે. આજ ઓરડામાં વર્તીએ અંતિમ રાત વિતાવી હતી. વ્રતી, સમુ, પાર્થ, વિજિત, લાલટુ. આજ ઓરડામાં સાથે જમીને સુતા સુતા વાતો કરતાં હતા. સુજાતા સમુની મા પાસેથી જાણે છે કે વ્રતી અહી સામેથી માંગીને ચા પીતો, જમતો. સુજાતા ઓરડાના એકેએક ખૂણાને જુએ છે. તેને વ્રતીની નવી ઓળખ સમુની મા પાસેથી મળે છે. સુજાતા આ વ્રતીને તો ઓળખતી જ નો’તી. વ્રતી આ ઘરમાં ખડખડાટ હસતો હતો. મિત્રો સાથે ગપ્પા મારતો હતો. સમુની મા અફસોસ કરતાં કહે છે: “ હું કહેતી રહી તું શા માટે આવી રીતે તારું બધું લૂંટાવી રહ્યો છે, તારી પાસે શું નથી. આટલા મોટા બાપ, આટલી ભણેલી મા. એ ચૂપચાપ હસતો રહ્યો, કંઈ બોલ્યો નહી, બસ હસતો રહ્યો. એનું હાસ્ય મારી આંખોની સામે હજુએ તરે છે બેન !” (પૃષ્ઠ ૩૬) સમુની મા વ્રતીની યાદોને વીણીવીણીને સુજાતા સમક્ષ મૂકે છે. તો દિવ્યનાથ વ્રતીની યાદોને નજર સામેથી દૂર કરતાં જાય છે. વ્રતી સદેહે તો નહી પણ સ્મૃતિ રૂપે પણ એમને ખપતો નથી ! વ્રતીમય બની ગયેલી સુજાતાને તુલી સંભળાવે છે. “વ્રતી ઈઝ ડેડ. તમારે જીવતા લોકો માટે વિચારવું જોઈએ.” સુજાતાના મનમાં સવાલ થાય છે. ‘જીવતા લોકો એટલે કોણ ?’ સરોજપાલ, ટોની કાપડિઆ, દિવ્યનાથ. પણ હવે સુજાતા માટે જીવતા લોકો એટલે સમુની બહેન, સમુની મા, હેમ અને નંદિની. આ ચાર માટે સુજાતા વિચારે છે. વ્રતીનું જીવન ધ્યેય સમજી ચુકેલી સુજાતાને નંદિનીની મૂલાકાતથી બળ મળે છે.

‘સાંજ’ પ્રકરણમાં સુજાતા નંદિનીના ઘરની મૂલાકાત લે છે. નંદિની એકજ બચી ગયેલી. તેને બંદી બનાવી કાળ કોટડીમાં રાખે છે. હજાર વોલ્ટના બલ્બ આંખ સામે રાખી સતત તેની પૂછપરછ કરે છે. આના કારણે નંદિનીએ આંખોની રોશની ગુમાવી છે. વ્રતી કેમ બદલાતો જતો હતો ? એવા સુજાતાના પ્રશ્નોનું નિરાકરણ સમુ, વિજિત, પાર્થ, લાલટુંની પરિસ્થિતિથી મળે છે. તો બાકી રહેલી વાતો નંદિની દ્વારા જાણવા મળે છે. સમુની બહેન જેવો અહી જાકારો નથી મળતો. પણ શોષિતો સામે બંડ પોકારવાનો પડકાર જોવા મળે છે. કથાના એક છેડે ભ્રષ્ટ સત્તા ચલાવતા સરોજપાલ છે, તો આ ભ્રષ્ટ સત્તા સામે જંગે ચઢેલી નંદિની છે. અપાર કષ્ટ સહન કર્યા પછી પણ નંદિની હારી નથી. નંદિનીની મૂલાકાતથી સુજાતામાં નવું આત્મબળ પ્રગટે છે.

‘રાત’ ખંડમાં તુલીની સગાઈની પાર્ટી છે. સુજાતા ઘરે આવે છે. દિવ્યનાથ સુજાતાની આવવાની રાહ જોતા ક્યારનાય દરવાજામાં આવ-જા કરતા હતાં. સુજાતાને જોતાંજ તે બૂમ પાડી ઊઠ્યા:
“ઘરે આવવાનો સમય થઈ ગયો છે ? હદ છે ને !”
“સુજાતા કંઈ ન બોલી. દિવ્યનાથ અને એ ટાઈપિસ્ટ છોકરી સામે વ્રતી ક્યારે ગયો હતો- સુજાતાએ મનમાં ને મનમાં એનો તાળો બેસાડ્યો. હા, એ વખતથી જ વ્રતીએ પોતાની સ્કોલરશિપના પૈસા ઘરમાં આપવાના શરૂ કર્યા હતા. સુજાતા આજે સમજી કે વ્રતી તે જ ઘડીએ ઘર છોડીને ન ગયો એ માત્ર સુજાતાને કારણે. વ્રતી, તેં મને કેમ કંઈ ન કહ્યું ? કેમ મારે માટેનો તારો પ્રેમ ફેરવાઈ ગયો હતો ? જાણે એક નાની બાળકી ઉપરનો એના પિતાનો પ્રેમ !” (પૃષ્ઠ ૮૧)
સુજાતા જવાબ આપ્યા વગર જ પોર્ચ વટાવી પોતાના ઓરડા તરફ આગળ વધે છે. દિવ્યનાથથી સુજાતાનું આવું વર્તન સહન થતું નથી એટલે તે તેની પાછળ ઓરડામાં આવે છે. બન્ને વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે. આ સુજાતા હવે તમને આજ્ઞાંકિત પત્નીના રોલમાં નહી જોવા મળે પણ સત્યને જાણી ચૂકેલી પોતાના માટે જીવવાનો નિર્ધાર કરી ચૂકેલી અને પુત્રના રસ્તે નીકળી પડેલી સુજાતા જોવા મળશે. દિવ્યનાથ અને સુજાતાનો આ સંવાદ જોઈએ:
“તું શું વિચારે છે ? જાણે છે પચાસ લોકોને બોલાવ્યા છે ?”
“જાણું છું.”
“મતલબ ?”
“બધો બદોબસ્ત કર્યો હતો. નીપા આવી છે. તમે ઘરમાં જ હતા. જયારે બધી વ્યવસ્થા થઈ જ ગઈ છે તો વાત વધારે ન લંબાવો.”
“વાત ન વધારો ! તું શું સમજે છે ?”
“તમે-જો-આ જ ઘડીએ –અહીંથી – ચાલ્યા –નહી – જાઓ – તો હું ઘરમાંથી – નીકળી – જઈશ અને ક્યારેય પાછી નહિ ફરું –"
સુજાતા ખચકાતાં ખચકાતાં બોલી એને ખૂબ હલકા પ્રકારનું લાગી રહ્યું હતું – ખૂબ હલકા પ્રકારનું. દિવ્યનાથ અને એ ટાઈપિસ્ટ છોકરી; દિવ્યનાથ અને સુજાતાની દૂરની નણંદ; દિવ્યનાથ અને એની એક આખાબોલી ભાભી !
દિવ્યનાથના મોં પર જાણે એક થપ્પડ પડી. ચોત્રીસ વર્ષના લગ્નજીવનમાં સુજાતા એકવાર પણ પોતાના પતિની સાથે આમ નહોતી બોલી.
“ તું આંખો દિવસ ક્યાં હતી એ પણ હું ન પૂછી શકું ?”
“ના.”
“શું ?”
“બે વર્ષ અગાઉના, છેલ્લાં બત્રીસ વર્ષથી તમે તમારી સાંજ ક્યાં વિતાવતા હતા, છેલ્લા દસ વર્ષથી કોની સાથે ટૂર પર જાઓ છો, શા માટે તમે તમારી જૂની ટાઈપિસ્ટ માટે મકાન ભાડું ભરો છો – આ બધું મેં તમને ક્યારેય નથી પૂછ્યું. તમે મને એક પણ વાત ના પૂછશો – ક્યારેય પણ નહિ !”
‘હે ભગવાન !”
“જયારે હું નાની હતી ત્યારે સમજતી નહોતી. ત્યારબાદ તમારી માએ તમારા દરેક પાપ – હા – પાપને ઢાંકવાની કોશિશ કરી, એટલે પૂછવાની ક્યારેય ઈચ્છા પણ ન થઈ. ત્યારબાદ કંઈ જ જાણવાનું મન ન રહ્યું. પણ તમે જે રીતે તમારા ઘર, કુટુંબથી ચોરી – છૂપીથી સમય બહાર વિતાવતા હતા, મેં એવું નથી કર્યું. વધારે સાંભળવા માગો છો ?”
“તું.... આજે....?”
“હા શા માટે નહિ ? આજે કેમ નહિ ? જાઓ.”
“જાઉં ?”
“હા, જાઓ.”
સુજાતાએ ‘જાઓ’ શબ્દ હુકમના સ્વરમાં કહ્યો. દિવ્યનાથ ગરદન લૂછતાં લૂછતાં નીકળી ગયા. (પૃષ્ઠ ૮૩,૮૪)
આ હતો સુજાતાનો ત્રીજીવારનો વિદ્રોહ. સુજાતાનું આ રૂપ જોયા પછી ‘અ ડોલ્સ હાઉસ’ ની નોરા યાદ આવે. નોરા ઘર છોડતા પહેલા હેલ્મર સાથે આવો સંવાદ કરે છે.
Nora : Look, naar’s Your ring back. Give me mine.
Helmer : That too ?
Nora : That too.
Helmar : Well, that’s the end of that.
આ સંવાદની સંક્ષિપ્તતા છતાં તેમાંથી પ્રગટતી ભાવવ્યંજના અને અર્થવ્યંજના આસ્વાદ્ય છે. સ્ત્રી કેવળ ભોજ ભાજનની વસ્તુ નથી, તે કોઈ ઢીંગલી જેવી નથી કે રમાડવી હોય ત્યારે રમાડીએ અને પછી ફેંકી દઈશું.

સ્ત્રી કેવળ ભોગ ભોગવવાનું સાધન માત્ર નથી, એને પણ એની ઈચ્છા પ્રમાણે જીવવાનો અધિકાર છે. ‘પિંક’ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનના મુખે આજ શબ્દો મુકાયેલાં –“No Means No” સ્ત્રી જો ‘ના’ પાડતા શીખી જાય ને તો અડધી સમસ્યા ત્યાંજ પૂરી થઈ જાય છે. દરેક વાતમાં હાજીઓ પૂરાવવાની જરૂર નથી હોતી. દરેક સ્ત્રીને એક પુરુષ જેટલાજ અધિકારો મળેલાં છે. પણ સ્ત્રીની સૌમ્યતા, ઋજુતાનો ફાયદો ઉઠાવવામાં આવે ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવવા તે લડે છે. સ્પ્રિંગને જેમ દબાવો એમ એ દબાશે, પણ જયારે એની પરાકાષ્ઠા પૂરી થાશે એટલે બમણા વેગથી એ ઉછળશે. સ્ત્રીઓની સહન શક્તિનું પણ આ સ્પ્રિંગ જેવું જ છે. લેખિકા અહી સુજાતાના વિચારો વ્યક્ત કરે છે: “આજ પછી સુજાતા અહીં નહિ રહે. જ્યાં વ્રતી નથી ત્યાં તે નહિ રહે. વ્રતીના જીવતાં જો એ એક વખત પણ દિવ્યનાથ સાથે આવી રીતે વાત કરી શકી હોત ! કહી – સાંભળીને વ્રતીને લઈને નીકળી ગઈ હોત – તોપણ કદાચ કંઈ બદલી શકી ન હોત. બસ, ફક્ત વ્રતીના મનમાં સમાઈ જાત. વ્રતીને એ ખબર પડી જાત કે જે સુજાતાને એ ઓળખે છે એ અર્ધસત્ય છે. વ્રતી એ જાણ્યાં વગર જ ચાલ્યો ગયો.” (પૃષ્ઠ ૮૪) પુત્રની શોધ કરવા નીકળેલી સુજાતા પોતાને શોધીને પાછી ફરે છે. સુજાતાને આ ઓળખ સુધી પહોંચાડવા માટે વ્રતીએ પોતાના જીવનની આહુતિ આપવી પડી છે. વ્રતીના મૃત્યુથી એ જીવનનો અર્થ પામી છે.

સુજાતા ધીમે ધીમે દાદરા ચડે છે. તુલીને તેના ઘરેણાં આપે છે. તુલી સાથે ત્યારે પણ હેમને લઈને અને જૂના ઘરેણાંને લઈને થોડી ચર્ચા થાય છે. સુજાતા સગાઈની પાર્ટી માટે તૈયાર થતાં પહેલાં નહાવા ગઈ. શરીર પર પાણી અડતાં જ એને ધ્રુજારી લાગી. વ્રતીની આંગળીઓ, વ્રતીનું માથું, વ્રતીના હાથ. બરફ જેવાં ઠંડા છે. મૃત શરીર, વિદ્યુત સ્મશાનગૃહમાં ધડામ દઈને બંધ થતો દરવાજો-આ બધું યાદ આવે છે. નીચે પાર્ટીમાં થતી સ્વામીજી વિશેની વાતો. મિસિસ કાપડિઆ, મૌલી મિત્રા, જીસુ મિત્રા, નીપા, અમિત, અમિતનો કઝીન ભાઈ બલાઈ. બ્લૂ ફિલ્મના ઉત્તેજક ઉલ્લેખો, શરાબનો નશો. આ બધું જોઈ સુજાતા બેચેન બની જાય છે. વ્રતી વિશે થતી વાતો તેને દુઃખી કરી દે છે. તે વારે વારે પાર્ટી છોડી નાસી જાય છે. વચ્ચે વચ્ચે વ્રતીની વાતો પણ યાદ આવે છે. વ્રતી કહેતો હતો, “મા, દરેક વખતે તું તારું કર્તવ્ય કેવી રીતે નિભાવે છે ? હંમેશા પોતાનું કર્તવ્ય પૂરું કરવું એવું જ તને શીખવવામાં આવ્યું હતું. એ પોતે પણ એવું જ શીખતી આવી હતી. પણ લાગે છે- બધું જ નકામું હતું – એક મોટો બગાડ.” (પૃ. ૯૧) સરોજપાલ આવે છે. તેનું સ્વાગત કરવા સુજાતા જાય છે. સરોજપાલ અંદર આવવાની ના પાડે છે. ત્યારે સુજાતા મનોમન વિચારે છે – હજી પણ કામ છે. કેટલાં વ્રતીને હજી મારવા છે ? સુજાતાને ઉબકા આવે છે. જાણે બધું સડેલું કેન્સર હોય તેવું લાગે છે. “અનંત કાળ સુધી આ બધાનો ભોગ કરતી રહેશે આ લાશો ! પોતાના સડેલા, ગંધાતા અસ્તિત્વ માટે જ, ધરતીનું આ સૌંદર્ય અને માધુર્ય લૂંટતી રહેશે ? શું વ્રતી એટલા માટે મરી ગયો ? માત્ર એટલા જ માટે ? પૃથ્વીને આ લોકોને સોંપવા માટે શું એણે પોતાનો જીવ આપ્યો ? “ના, ક્યારેય નહિ.”(પૃષ્ઠ ૧૧૧) તે ચીસ પાડી ઊઠે છે. વ્રતી----ઈ---ઈ---!

‘સુજાતાની લાંબી દિલને હચમચાવી મૂકે તેવી ચીસ-આર્તનાદ ! એક વિસ્ફોટની માફક આ પ્રશ્ન ફૂટીને ફેલાઈ ગયો. કલકત્તાના ઘરેઘરમાં – શહેરના પાયામાં ઘૂસી ગયો. આકાશના શૂન્યમાં ભળી ગયો. હવાની સાથે દેશના ખૂણેખૂણામાં ફેલાઈ ગયો. ઇતિહાસના સાક્ષી ખંડેરોનાં અંધકારમય પુરાતન વિશ્વાસના પાયા હચમચી ઊઠ્યા. ભુલાયેલ-ન ભુલાયેલ અતીત, વર્તમાન અને ભાવિ- બધું જ જાણે આ ક્રંદન સાંભળી ધ્રૂજી ઊઠ્યું. બધા જ સુખી ભાસતા અસ્તિત્વોના સુખના ચીરેચીરા થઈ ગયા.’

‘આ આક્રંદ બોદું નથી. એમાં ભળેલી છે-રક્તની ગંધ, બદલાની પ્રતિજ્ઞા અને શોકની આતુરતા.’(પૃષ્ઠ ૧૧૧, ૧૧૨) કથાન્તે થતો સુજાતાનો આ આર્તનાદ લેખિકાએ કલ્પન પ્રચુરતાથી મૂક્યો છે.

અહી ત્રણ જુદી જુદી સ્ત્રીઓની વાત છે. એક સમુની મા છે. જે ગરીબીમાં દયનીય હાલતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મથામણ કરે છે. તો બીજી બાજુ નંદિની છે. જે ભ્રષ્ટ સત્તાધીશો સામે લડે છે. અને ત્રીજી સુજાતા જે હવે પુત્રના પગલે ચાલવા કટિબદ્ધ બને છે. આમ એક છેડે ભ્રષ્ટ સત્તાધીશો સરોજપાલ અને દિવ્યનાથ છે. તો સામે છેડે ભ્રષ્ટ સત્તાને તોડવા તત્પર નંદિની અને સુજાતા છે. નંદિનીનો સરોજપાલ સામે વિદ્રોહ છે, તો સુજાતાનો દિવ્યનાથ સામે. લેખિકાએ તત્કાલીન ઇતિહાસની એક ધટનાને લઈને આત્મઓળખનું એક સબળ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

સંદર્ભ
  1. ‘હજાર ચોર્યાસીની મા’, અનુ. નિસ્પૃહા દેસાઈ પ્રકા. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. બીજી આવૃત્તિ ૨૦૦૪.
ડૉ. અરુણાબેન ત્રિવેદી (આસીસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિભાગ) શ્રી એન. કે. મહેતા એન્ડ શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કૉલેજ માલવણ, જિ. મહીસાગર. મો. ૯૪૨૮૧૫૬૧૨૯ Email: arunatrivedi10@gmail.com