સૃષ્ટિના આરંભકાળે ‘પુરુષ’ અને ‘પ્રકૃતિને સર્જન માટે સરખાં જવાબદાર ગણવામાં આવતાં. ભગવાન શિવનું અર્ધનારીશ્વર'નું સ્વરૂપ સ્ત્રી - પુરુષની સમાનતાનું ધોતક છે. વૈદિકકાળમાં પુરુષ સમાન અધિકારો સ્ત્રી ભોગવતી હતી. લોપામુદ્રા, ઈન્દ્રામણી, અપાલા અને શચિ જેવી કેટલીય સ્ત્રીઓએ ઋગ્વેદના કેટલાક સૂકતોની રચના કરી છે. પુરાણોમાં સ્ત્રીશિક્ષણ વિશે ખાસ ઉલ્લેખ નથી. રામાયણમાં સ્ત્રીઓ શિક્ષણ મેળવતી હોવાના કેટલાંક દ્રષ્ટાંતો છે. જેમ કે સીતા વેદમંત્રોનું પઠન કરતી, વાલીની પત્ની તારા વેદોના અભ્યાસમાં નિપુણ હતી. મહારાણી કૌશલ્યા પણ વેદમાં પારંગત હતાં. મહાભારતની દ્રૌપદીની પણ એક આગવી પ્રતિભા છે. વસ્ત્રાહરણના પ્રસંગે પોતાની આગવી વાકછટા, શ્રેષ્ઠ વ્યક્તિત્વ અનુચિત વચનોથી આખી સભાને ચૂપ કરી સૌનું મોં નીચું કરી દે છે. ‘રામાયણ’માં દર્શાવેલા ‘પતિવ્રતા'ના ખ્યાલે સ્ત્રીને પોતાના અસ્તિત્વથી અલગ કરી માત્ર પુરુષની ઈચ્છાને આધિન રહેવા પ્રેરી. વાલ્મીકિએ પણ 'રામાયણ'માં સીતાને' દુઃખમૂર્તિ' તરીકે જ સંબોધી છે. વૈદિકકાળ દરમિયાન સ્ત્રીનું સ્થાન પુરુષની સાથે જે કેન્દ્રમાં હતું, તે હાંસિયા તરફ ખસવા લાગ્યું . મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે “જે સ્ત્રીનો પતિ નિર્ગુણી હોય કે પરસ્ત્રીગમન કરનારો હોય તોપણ સ્ત્રીએ તેના પતિને પરમેશ્વરની જેમ પૂજવો.' આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓને શિક્ષણમાંથી, મિલકતમાંથી પણ દૂર - રાખવામાં આવી મરીચિ કહે છે કે :
“માતાપિતા અથવા તો મોટાભાઈ રતીને રજસ્વલા ધર્મમાં આવેલી જુએ તો નરકમાં જય” આવી જડ માન્યતાને કારણે માતા-પિતા પોતાની પુત્રીના લગ્ન બાળવયમાં જ કરી દેતાં.
મધ્યકાળ પર નજર કરીએ તો મીરાંબાઈ , ગંગાસતી , ગવરીબાઈ, અમરબાઈ, પ્રેમાબાઈ જેવી અનેક સ્ત્રીઓએ મને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચ્યું છે. પ્રાચીન ભારતમાં સ્ત્રીની જે ગરિમા હતી, તેને મધ્યકાળમાં પગ નીચે કચડી દેવામાં આવી. ‘નારી તું નારાયણી' કહી જે ભારતમાં સ્ત્રીને દેવી માની પૂજા કરવામાં આવતી હતી, તેને ‘નારી નરકની ખાણ', ‘નારી માયાના બંધનમાં બાંધનારી' જેવી માન્યતાઓ પ્રચલિત થઈ. મધ્યકાલીન યુગ એ સમગ્ર ભારતમાં મોગલોનાં આક્રમણો, તોડફોડ, અશાંતિ અને સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા અસહ્ય અત્યાચારોમાં પસાર થયો. પૌરાણિક કાળથી સ્ત્રીને મળતો બીજો દરજ્જો મધ્યકાળમાં પણ યથાવત રહ્યો. નર્મદ અને દલપતરામના આગમન સાથે અર્વાચીનયુગનો ઉદય થાય છે. આપણે ત્યાં નવજાગૃતિકાળનો આરંભ સૌપ્રથમ બંગાળમાં ૧૯ મી સદીમાં દેખાય છે. ૧૮ મી સદીમાં થયેલા પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ શાસન આવતાં જ્ઞાનની નવી ક્ષિતિજો ખુલવા લાગે છે. સમાજમાં પરિવર્તન આવે છે. બાળવિવાહ, વિધવાવિવાહ, પુત્રીહત્યા વગેરે બાબતો ચર્ચાસ્પદ બને છે અને સ્ત્રી - શિક્ષણનો મહિમા વધવા લાગે છે. ૧૯ મી સદીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોની જોહુકમી સામે લડી. જયોતિબા ફૂલેએ છોકરીઓ માટે કન્યાશાળા ખોલી. ૧૯ મી સદીના અંત સુધીમાં રમાબાઈના નેતૃત્વ હેઠળ પ્રથમ સ્ત્રીસંસ્થાની સ્થાપના થઈ. સ્ત્રીઓએ પોતે સ્ત્રી મુક્તિનો કાર્યનો પ્રારંભ કર્યો. યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં સ્ત્રીઓને પ્રવેશ ન હતો. મિલકત કે મત આપવાનો અધિકાર પણ ન હતો. ૧૯ મી સદીના નવજાગૃતિકાળમાં - સ્વતંત્રતા, સ્વાયત્તતા અને ભાતૃભાવનાનાં સૂત્રોએ સ્ત્રીઓમાં નવી ઇચ્છાઓ જન્માવી. ગાંધીજીએ આઝાદીના સમયમાં રાજકીયક્ષેત્રે પણ મહિલાઓને આવકારી. મહિલાઓ આઝાદીના આંદોલનમાં ભાગ લેવા લાગી ને ધંધા રોજગારના ક્ષેત્રમાં ભાઈ, પિતા કે પતિ સાથે ખભેખભો મિલાવી કામ કરવા લાગી. વીસમી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીક્ષેત્રે હરણફાળ ભરી. જો કામ માત્ર પુરુષો જ કરી શકતા એવા કામો યંત્રોની મદદથી સરળ થઈ જતાં રસીઓ પણ કરવા લાગી. શિક્ષણ મળતાં પગભર બનવું તેમના માટે સરળ બન્યું. સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ પર દષ્ટિપાત કરતાં એટલતો સ્પષ્ટ થાય છે કે ઉત્તરોત્તર સ્ત્રીઓ પ્રગતિના પંથે વળી છે. લિંગભેદને આધારે સ્ત્રીઓને થતા અન્યાય કે સમાજમાં એને અપાતાં ઊતરતાં સ્થાન અંગે ઊહાપોહ થવા લાગ્યો. સાહિત્ય એ સમાજનું સીધું પ્રતિબિંબ છે. એ ન્યાયે સ્ત્રીઓની વ્યથા, વેદના અને પ્રશ્નોને સાહિત્યમાં વાચા મળી. સ્ત્રી પોતાના અધિકારો વિશે જાગૃત થઈ. પોતાના અધિકારો અને સ્ત્રીઓની પુરુષ સાથેની સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતાની હિમાયત કરતી ચળવળ ‘નારીવાદ' તરીકે ઓળખાઈ. નારી - આંદોલનના સર્જનાત્મક ઉન્મેષરૂપે જે સાહિત્ય રચાયું તેને સ્ત્રીસર્જકો દ્વારા ‘ ફેમિનિસ્ટ - નારીવાદી’ એવું નામાભિધાન મળ્યું. પાશ્ચાત્ય નારીવાદી અભિગમનાં મૂળ ૧૯ મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલાં. ઇંગ્લૅન્ડની પાર્લામેન્ટમાં સ્ત્રીની તરફેણમાં અવાજ ઉઠાવનાર પ્રથમ પુરુષ જહોન ટુઅર્ટ મિલ હતા. સ્ત્રીની કેળવણી, મતાધિકાર અને તેના સ્વતંત્ર વ્યક્તિત્વ વિશે વિચારનાર આ પહેલા પુરુષ હતા. નારીવાદનાં પ્રણેતા વર્જિનિયા વુલ્ફ " A Room of one's own ” માં ‘નારીલેખનના લગભગ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ૧૯૬૦માં પુરુષ સાથે ખભેખભા મિલાવી કામ કરતી એક રશિયન સ્ત્રીની છાપામાં આવી ફરિયાદ છપાઈ હતી : 'અમે અમારા પતિ સાથે એક જ દુકાનમાં એક જ સરખા કામ કરીએ છીએ પણ ઘરમાં કામની વહેંચણી અસમાન રીતે થાય છે. તમ જો પતિને મદદ કરવાનું કહો તો એમના બધાના જવાબ હંમેશાં સરખા જ હોય છે, હું બૈરાનું કરું એવું તું ઇચ્છે છે? પડોશી મારા પર હસે જ કે બીજું કંઈ? ” “બહાર રસોઈકામ કરનારો પુરુષ ઘરમાં ન રાંધે, ઑફિસમાં સાહેબને પાણી પીવડાવનારો પુરુષ ઘરમાં જાતે પાણીનો ગ્લાસ ભરી ન પીવે, ઑફિસ વાળનાર ચપરાસી ઘરમાં સાવરણી ન પકડે, કદાચ પુરુષોની પ્રકૃતિ જ આવી હશે એવું માની લઈએ. નારીવાદની વિભાવના ભલે પશ્ચિમમાં થઈ પણ નારીના ઉત્કર્ષની વાત એ માત્ર પશ્ચિમની દેણ નથી. ભારતીય નારીવાદની પણ પોતાની આગવી વિશેષતા છે. સ્ત્રીને હાથે જ લખાયેલી હોવાના કારણે કોઈ કૃતિ નારીવાદી બની જતી નથી. વીસમી સદીના સાતમા દાયકાથી સ્ત્રીની બદલાતી છબી સાહિત્યમાં ઝીલાઈ છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ બે લેખિકાઓ – વિદ્યાગૌરી નીલકંઠ ( ૧૮૭૬-૧૯૫૮ ) અને શારદાબહેન મહેતા ( ૧૮૮૨-૧૯૭૦ )નું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. ધૂમકેતુએ ‘બિંદુ’ વાર્તામાં સ્ત્રી એટલવાત્સલ્ય, ત્યાગ, દયાની મૂર્તિ એવો ખ્યાલ રજૂ કર્યો. દ્વિરેફે ‘સૌભાગ્યવતી’ વાતમાં સભ્ય સમાજની નાયિકાને ચૂપચાપ પતિનો ત્રાસ સહન કરતી બતાવી છે. મેઘાણીએ ‘વહુ અને ઘોડો' , ‘ મોરલીધર પરણ્યો' જેવી વાર્તામાં તત્કાલીન સમાજમાં સ્ત્રીઓની થતી અવહેલનાની વાત કરી છે . ઉમાશંકર જોશીના ‘મારી ચંપાનો વર’ અને જયંત ખત્રીની ‘તેજ, ગતિ અને ધ્વનિ' વાતમાં નારીચેતનાની વિલક્ષણતા નજરે પડે છે. સુંદરમની ‘ ખોલકી ’ અને ‘માને ખોળે’ માં પણ રસીની વેદનાને વાચા અપાઈ છે. જયંત ખત્રીની ‘ખીચડી' વાત પણ સ્ત્રીની દબાયેલી કચડાયેલી સ્થિતિનું આલેખન કરે છે. ૪૫ થી ૬૦ ના સમયગાળામાં વિનોદીની નીલકંઠ, લાભુબહેન મહેતા, સરોજિની મહેતા થકી લખાયેલી કૃતિઓમાં કેટલીય સ્ત્રીઓની વેદનાઓને વાચા મળી છે. ૧૯૬૫ પહેલાં ગુજરાતી સાહિત્યમાં કુમુદ, મંજરી, ચંદા જેવાં તેજસ્વી સ્ત્રીપાત્રો મળે છે. પણ આ પાત્રો કથાને અંતે લગ્ન કરી પતિના દાસત્વનો સ્વીકાર કરે છે. ૧૯૬૫માં રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ પ્રગટ થતાં નારી સ્વાતંત્ર્યની એક આબોહવા બંધાય છે. તેમની ‘સોમતીર્થ’ (૧૯૯૬) ની ચૌલાનું પાત્રચિત્રણ પણ નારીચેતનાના સંદર્ભે નોંધવું જોઈએ. આ સમયગાળામાં સ્ત્રી પોતાના વ્યક્તિત્વ વિશે સંપૂર્ણ પણે સભાન બની ગઈ હોવાથી સમાજમાં પોતાનો યોગ્ય દરજ્જો મેળવવા પ્રવૃત્ત બને છે. સીની આ સભાનતા ગુજરાતી સાહિત્યમાં ધ્યાનપાત્ર છે. આધુનિકકાળમાં પુસ્તકો, ટીવી, ઈન્ટરનેટ, પરિસંવાદો અને સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત અનેક સંસ્થાઓના સંપર્કમાં આવતાં સી ખુલ્લી હવામાં શ્વસતી થાય છે. સ્ત્રીના મનોવિશ્વને ઝીલતી, તેના મનના અંધારા ખૂણામાં અટવાયેલી વેદનાઓ સળવળવા લાગે છે, ને તેનું વર્ણન સાહિત્યમાં થાય છે. આ સમયગાળામાં ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, વર્ષા અડાલજા, વસુબહેન ભટ્ટ, રમેશ દવે, આમ્રપાલી દેસાઈ, ભારતી દલાલ, મોહન પરમાર, ધરમાભાઈ શ્રીમાળી, બિંદુ ભટ્ટ, ધીરેન્દ્ર મહેતા, શ્રદ્ધા ત્રિવેદી, યોગેશ જોષી વગેરે લેખકોની રચનામાં નારીજીવનના પ્રાણપ્રશ્નોની તાર સ્વરે રજૂઆત થઈ છે. વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો'માં માતૃતત્વ સાથે સંકળાયેલી સ્ત્રીની અનેક સમસ્યાઓનો ચિતાર છે . માટીનું ઘર ” પણ નારી ચેતનાના સંદર્ભે તપાસવી જોઈએ. ધીરુબહેન પટેલની લઘુનવલ ‘ આંધળી ગલી'ની કથાનાયિકા કુંદનને સાથીહીન જીવન કબૂલ છે, પણ છેતરાઈ જવાની સંભાવના કબૂલ નથી. સરોજ પાઠકની રચનાઓ ‘ નાઈટમેર ' , ' નિઃશેષ ’ અને ‘ ઉપનાયક' જેવી કૃતિઓમાં નારીના સંઘર્ષનું વૈશિષ્ટપૂર્ણ આલેખન છે. ૧૯૮૪ માં કુંદનિકા કાપડિયાની અતિચર્ચાસ્પદ રહેલી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ પુરુષસત્તાક માળખામાં સ્ત્રીની સુનિશ્ચિત આચારસંહિતા સામે અનેક પ્રશ્નો ખડા કરે છે. બિંદુ ભટ્ટની ડાયરી સ્વરૂપે લખાયેલી નવલકથા ‘મીરાં યાજ્ઞિકની ડાયરી' નારીજીવનના સુખ-દુ: ખના લેખાંજોખાંને ઉજાગર કરે છે. ચિનુ મોદીએ ત્રણ આધુનિક નાટકો “આધે - અધુરે’ (હિન્દી લે . મોહન રાકેશ) , ‘હયવદન' (અંગ્રેજી લે. ગિરીશ કનડ), ‘કુમારની અગાશી’ ( ગુ . લે . મધુરાય )માં નાયિકાઓના જીવન કટુ વાસ્તવ પ્રત્યેની તેમની ગતિવિધિઓ અને એ પરત્વે થતી પ્રતિક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. તો દિલીપ રામપુરાની મીરાંની રહી ગઈ મહેક' પોતાના મોતના દુઃખને પચાવી હુંફ આપવા મથતી સ્ત્રીની વ્યથાકથા છે. નારીવાદના સંદર્ભમાં જૉસેફ મેકવાન, મોહન પરમાર, હરીશ મંગલમ વગેરેના સર્જનને પણ યાદ કરવાં જોઈએ. અશિક્ષિત અને નિમ્નવર્ગની મહિલાઓ પણ હવે સાહિત્યના કેન્દ્રમાં આવે છે. આ સમયગાળામાં આવતાં ઈલા આરબ મહેતાનું પ્રદાન પણ નારીવાદીક્ષેત્રે વિશિષ્ટ રહ્યું છે. તેમની ‘વિસ્તાર’ વાતમાં જગતના તમામ દુઃખોનો ધબકાર ઝીલતી વિરાટ સંવેદનારૂપે મમતા રવને કહ્યું છે. તો નારી અસ્મિતાની સુધારણાના સંકેતોને જરાય હાનિ પહોંચાડ્યા વિના, આધુનિકતાના ઓસરતા પૂર વચ્ચપ્રકાશિત થયેલી તેમની ‘ બત્રીસ પૂતળીની વેદના ' નવલકથામાં નારીમનના વિવિધ પ્રશ્નોને ઉજાગર કર્યા છે. સ્ત્રી અભણ હોય કે શિક્ષિત પરંતુ પુરુષ તરફથી તેમને થતી અનુભૂતિઓ સૌ માટે સરખી હોય છે. એટલે કે પાત્રો અને પરિસ્થિતિ બદલાય પણ તેમના પર જબરજસ્તી આરોપવામાં આવેલી ‘પૂતળીપણા'ની વેદના તો સર્વસામાન્ય જ રહે છે. મુંબઈમાં જન્મેલાં ઈલા આરબ મહેતા એ ‘એક સિગારેટ એક ધૂપસળી ' ( ૧૯૮૧ ) , ‘ વિયેના વૂડઝ' ( ૧૯૮૯ ), ‘ભાગ્યરેખા' (૧૯૯૫) , ‘યોમકિપુર’ (૨૦૦૬) જેવા વાર્તાસંગ્રહો થકી અનેક નારીવાદી વાર્તાઓ આપી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમની ‘બત્રીસ પૂતળીની વેદના' , ‘પાંચ પગલાં પૃથ્વી પર' , ‘ઝીલી મે કૂંપળ હથેળીમાં’ , ‘રાધા' , ‘અહલ્યા' ,’પરપોટાની આંખ’ વગેરે જેવી કૃતિઓમાં આજની નારીની સમસ્યાઓનું આલેખન છે. નારીવાદી રચનાઓમાં આ કૃતિઓ અગ્રિમ સ્થાન ધરાવે છે. આધુનિકકાળમાં સ્ત્રીસર્જકોનું પ્રમાણ અલ્પ છે. પણ વિષયમાં ઊંડાણ છે. સ્ત્રી દુ:ખી હોય તો જ તેની સમસ્યાઓ આલેખાય એ બાબતમાંથી સર્જકો બહાર નીકળી છે. હિમાંશી શેલતે તો રેડલાઈટ એરિયાની સ્ત્રીઓના પ્રશ્નો આલેખ્યા છે. શરીફાબહેન વીજળીવાળાનું વિવેચન 'શતરૂપા' નારીવાદ ક્ષેત્રે એક મહત્ત્વનો દસ્તાવેજ છે. તો રંજના હરીશ Indian women's Autobiographies " ( nes : 1603 ) 41 " The female footprints " (સ્ટર્લિંગ : ૧૯૯૬), તેમજ ‘શક્તિ’ , ‘નિજી આકાશ' , ‘એ રૂમ ઑફ વર ને' (વર્જિનિયા વુલ્ફ) નો ‘પોતાનો ઓરડો' નામે અનુવાદ – વગેરે જેવી નારીવાદી વિચારણા ધરાવતી કૃતિઓ આપીને નારીવાદી તરીકે પોતાનું અલગ નામ કંડારી ચૂક્યાં છે. ઈલા આરબ મહેતાના સર્જન નારીવાદ રૂપી પગદંડીને રાજમાર્ગ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આમ ગુજરાતી કથાસાહિત્યે પુરુષની જોહુકમી છોડી, હતાશા ખંખેરી, પોતાના વ્યક્તિત્વ વિશે સભાન બનતાં નારીપાત્રો આપ્યાં છે. મુસ્લિમ સમાજ, દલિત સમાજમાં કુરિવાજોની આડમાં શોષાતી સ્ત્રીઓની વેદનાને વાચા - આપવાની હજુ બાકી છે . બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીને આજે પણ સમાજ ધિક્કારે છે. ભણેલાગણેલા વર્ગમાં પણ પુરુષો સ્ત્રી ઉપર હાથ ઉપાડે છે. હજીય સ્ત્રીનું ભણતર મોટાભાગે લગ્ન માટેની યોગ્યતાથી વધુ મહત્ત્વ મેળવી શક્યું નથ. હજીય સ્ત્રી પોતાની કારકિર્દી બાબતે, ભવિષ્ય બાબતે, સ્વાવલંબી થવા બાબતે ગંભીર બની નથી. જીવનના વાસ્તવમાં જો સ્ત્રી હિંમત કેળવશે તો તેની હિંમત સાહિત્યમાં વાચા પામશે. નારીવાદનો આદર્શ ત્યારે જ સાચા અર્થમાં પૂરો થશે .જો ગુજરાતી સાહિત્યની નવલિકાઓની વાત કરીએ તો સરોજિની મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી, ધૂમકેતુ,ઝવેરચંદ મેઘાણી,કે ર.વ.દેસાઈની નારીકેન્દ્રી વાર્તાઓનું એ સમયમાં ઘણું આકર્ષણ હતું. સ્ત્રીઓને વેઠવી પડતી યાતનાઓ અને અન્યાયો તથા એમની ક્ષીણ થઈ ગયેલી અપેક્ષાઓનું હૃદયવિદારક નિરૂપણ એમની વાર્તાઓમાં જોવા મળે છે. આ સર્જકોએ તત્કાલીન સમાજના સ્ત્રીઓને સ્પર્શતા પ્રશ્નો જેવા કે વૈધવ્ય, બાળ લગ્ન, ગૃહકલેશ, આર્થિક પરાધીનતા, શિક્ષણનો અભાવ વગેરેને વાર્તાનો વિષય બનાવી સમાજ દર્પણનું કાર્ય કર્યું છે.
તો ૧૯૭૫ પછીની ધીરુબેન પટેલની નવલિકા 'વિશ્રંભકથા' અને 'મનસ્વિની' એ સ્ત્રીના શોષણનો વાસ્તવિક ચિતાર આપતી નવલકથાઓ છે. પરિવારના પુરુષ વર્ગે જે સ્ત્રીને કદી મોકળાશથી બોલવા જ નથી દીધી એવી સ્ત્રી વર્ષો પછી અચાનક પોતાની બાલ્યકાળની સખી સાથે મન મૂકીને અંગત જીવનની વાતો કરે છે. પોતાની આંતરમનની લાગણીઓ વ્યક્ત કરવા સ્ત્રીને કેટલા વર્ષ રાહ જોવાની હોય એવો ધારદાર પ્રશ્ન આ વાર્તામાં છે.
કુન્દનિકા કાપડિયાની 'ન્યાય'વાર્તામાં લગ્નપ્રેમમાં ગળાડૂબ સ્ત્રીપુરુષના જીવનમાં પુરુષના અહંકાર અને અધિકારપણાને કારણે થતા વિસંવાદનુ ધારદાર આલેખન છે. તેમની 'તો?' શીર્ષકવાળી વાર્તામાં પણ કોમી રમખાણોમાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીની પીડા છે. નાયિકા માટે ગર્ભપાત જોખમી બનતા તે પોતાની કૂખે દીકરી અવતરશે તો? પોતે સદાય જેની ઝંખના કરતી હતી કે કુમળી, ભૂરી આંખોવાળી એ છોકરીના હૃદયવિદારક વર્ણન સાથે વાર્તાનો અંત આવે છે.
તો સરોજ પાઠકે 'સારીકાપિંજરાવસ્થા' માં પોતાની ઈચ્છા મુજબ જીવી ન શકતી હતભાગી સ્ત્રીનો તરફડાટ આલેખ્યો છે. એમના નારી પાત્રો વાસ્તવિકતા વિશે સભાન હોવા છતાં ભાગ્યે જ નિર્ણયો લે છે. તે તેમના સર્જનની લાક્ષણિકતા છે.
તો વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતાએ રોજની ઘટમાળમાં અટવાયા કરતી અને એ પરિશ્રમમાં જીવન જીવવાનો આનંદ ભૂલી જતી મધ્યમવર્ગની ગૃહિણીઓની વાત તેમની વાર્તાઓમાં કરી છે. વર્ષાબેનની 'શીરો' વાર્તામાં સતત દુખ આપતા પતિથી કંટાળેલી નાયિકા તેની હત્યા કરે છે. અને જાણે પોતાના વૈધવ્યને સુખેથી આવકારતી હોય તેમ વર્ષોથી પોતાની શીરો ખાવાની ઈચ્છા પૂરી કરી દે છે.
તો વસુબેન ભટ્ટની 'દિવસે તારા રાતે વાદળ' વાર્તાસંગ્રહની વાર્તાઓમાં સ્ત્રીઓની દૈહિક જરૂરિયાતો અને એના અભાવમાં ઉભી થતી વિષમતાઓની લેખિકાએ અહીં વાત કરી છે. 'શબવત' વાર્તાની નાયિકા પતિ સાથેના શરીર સંબંધમાં ક્યારેય તૃપ્તિનો અનુભવ નથી કરતી. એ પુરુષ જડ અને બરછટ છે. એ સ્ત્રીને કુમાશથી ચાહી શકે/ સાચવી શકે એટલી અની ત્રેવડ જ નથી. અને આટલું ઓછું હોય તેમ એ પોતાના પ્રમોશન માટે પત્નીનો ઉપયોગ કરે છે.
મોહન પરમારની 'થળી' વાર્તામાં ગામનો સવર્ણ ઠાકોર માનસિંહ ગામની જ ગરીબ, હરિજન રેવીનુ વારંવાર શારીરિક શોષણ કરતો રહે છે. પણ વાર્તાને અંતે રેવીની યુક્તિથી તેની માફી માગે છે. અહીં રેવી આપબળે જ જાતની સુરક્ષા કરે છે. બિંદુ ભટ્ટની વાર્તા 'મંગળસૂત્ર' માં બે છેડા ભેગા કરી જીવન ટકાવી રાખવા મથતી સ્ત્રીની લાચારી અને તાકાત બંને ઉપસી આવે છે. હર્ષદ ત્રિવેદીની 'આઢ' વાર્તામાં પણ નારીચેતનાનું એક નવીન રૂપસી આવેલું જોવા મળે છે.
આ ઉપરાંત ઇલાબેનની 'બળવી બળવી બળવુ', કિરીટ દૂધાતની 'બાયુ', ધીરેન્દ્ર મહેતાની 'ઘઉં વીણતી સ્ત્રીઓ', બીપીન પટેલની 'ગ્રહણ', યોગેશ જોષીની 'ચંદરવો' ઉષા ઉપાધ્યાયની 'હું તો આ ચાલી!', હિમાંશી શેલતની 'કિંમત', 'શાપ', 'મોત', 'ખરીદી', રવીન્દ્ર પારેખની 'દિવાલ', ઈવા ડેવની 'ડશામા ઊટર્યા', આમ્રપાલી દેસાઈની 'પ્રાપ્તિ' વગેરે જેવા અનેક સર્જકોની વાર્તાઓમાં સ્ત્રીઓના અનેક પ્રશ્નોને વાચા મળી છે. નારીના ચિત્તમાનસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એમના મનોજગતને વિવિધ ખૂણેથી તપાસીને અગણિત રંગો અને વેદના - સંવેદના તેમજ સંકુલતાઓને ઉપસાવવામાં ગુજરાતી સર્જકોનું પ્રદાન નોંધપાત્ર છે. આપણે છીએ કે તેમની આ જાગ્રતચેતના થકી ગુજરાતી સાહિત્યને ભવિષ્યમાં નારીવાદી સત્વશીલ સર્જનો મળતા રહે.