સાંપ્રત સમયમાં વધુ રચતા સ્વરૂપોમાં ગીત-ગઝલની સાથે અછાંદસ પણ નોંધપાત્ર સ્વરૂપ બન્યું છે. છંદોબદ્ધ કાવ્યોની તુલનાએ અછાંદસ કાવ્યમાં કવિને વધુ પડકારોનો સામનો કરવો પડે છે. છંદોના બંધારણથી મુક્ત આ સ્વરૂપ ઘણીવાર કવિની પરીક્ષા લે છે. જે કવિની તેમાં પકડ મજબુત હોય તે જ તેમાં સફળ થઇ શકે છે. ભલે તેમાં છંદ ન હોય પરંતુ ચોક્કસ લય તો હોવાનો જ અને એ લય દ્વારા કવિ પોતાના વિચારની અભિવ્યક્તિ સાધતો હોય છે.
નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરનાર અને સ્ત્રી સર્જકોમાં જેમનું મોખરાનું નામ છે તેવા સર્જક એટલે કાલિન્દી પરીખ. તેઓ મૂળ અમરેલીનાં વતની છે. વિધવિધ સ્વરૂપો સાથે કામ કરનાર કાલિન્દી પરીખનો ગઝલસંગ્રહ ‘ક્યાંક વચ્ચે દીવાલ’ નામથી ૨૦૧૫માં પ્રગટ થયો હતો. આ સિવાય તેમની કવિતાઓ અલગ અલગ સામયિકોમાં પ્રકાશિત થતી રહી છે. અહીં વાત કરવી છે તેમના થોડાં સમય પહેલાં જ પ્રકાશિત થયેલા અછાંદસ કાવ્યસંગ્રહ ‘શેતરંજી’ વિશે.
‘શેતરંજી’ ૨૦૨૦માં પ્રકાશિત કાલિન્દી પરીખનો અછાંદસ કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહમાં કૂલ ૮૮ રચનાઓ સમાવિષ્ટ છે. જેનાં પરથી કાવ્યસંગ્રહનું શીર્ષક આપવામાં આવ્યું છે, એ ‘શેતરંજી’ સંગ્રહનું પ્રથમ કાવ્ય છે. આખા કાવ્યસંગ્રહમાંથી પસાર થતા એક સશક્ત કવયિત્રીનાં દર્શન આપણને થયા વિના રહેતા નથી. વિસ્તારની દૃષ્ટિએ લઘુકાવ્ય અને દીર્ઘકાવ્ય ધ્યાન ખેંચે છે. ભાવસંવેદનની સહજતા ભાવક હૃદયને સ્પર્શે છે. સાંપ્રત જગત સામે કવયિત્રી જે રીતે કટાક્ષ-વ્યંગ કરે છે તે તેમની આગવી લાક્ષણિકતા ગણાવી શકાય. શહેરમાં આવવાને લીધે છૂટી ગયેલા ગ્રામજીવનની વ્યથા કાલિન્દી પરીખે શબ્દરૂપે કાવ્યોમાં આલેખી છે. ભાષાભિવ્યક્તિમાં પ્રતીક-કલ્પન-પુરાકલ્પનનો વિનિયોગ જરૂરિયાત મુજબ તેઓ કરી જાણે છે. આખા સંગ્રહનું સબળું પાસું નારીસંવેદનનાં કાવ્યોને ગણાવી શકાય. મોનોઇમેજ કાવ્યોનું પણ એક અલગ વિશ્વ કવયિત્રી ખોલી આપે છે.
સ્વરૂપની રીતે જોઈએ તો આખો સંગ્રહ અછાંદસ રચનાઓનો છે, પરંતુ અમુક રચનાઓ દીર્ઘ છે તો અમુક લઘુકાવ્યો જોવા મળે છે. આ સંગ્રહના અગત્યના લઘુકાવ્યો જોઈએ તો ‘કલરબોક્ષ’ (પૃ. ૧૭), ‘કેસેટ’ (પૃ. ૧૮), ‘ફૂલો’ (પૃ. ૧૯), ‘સમાધાન’ (પૃ. ૨૦), ‘દરિયા તટે’ (પૃ. ૨૧) અને ‘ઈન્દ્રધનુ’ (પૃ. ૪૮) છે. આ દરેક કાવ્યમાં વિચારનું સૌન્દર્ય અવશ્ય પામી શકાય તેમ છે. લઘુકાવ્યોમાં વિચારને અભિવ્યક્ત કરવાનું અઘરું કામ અહીં કાલિન્દી પરીખે સ-રસ રીતે કર્યું છે. આ સંગ્રહના મહત્ત્વના દીર્ઘકાવ્યો જોઈએ તો ‘દીક્ષા’ (પૃ. 30), ‘બીડીનું ઠુંઠું’ (પૃ. ૩૪), ‘નિર્ગમન-દ્વાર’ (પૃ. ૪૨), ‘માણસ રોબોટ’ (પૃ. ૫૬), ‘ઝાકળનો ઈતિહાસ’ (પૃ. ૭૫) છે. ‘દીકરી’ (પૃ. ૫૪) નામથી એક હાઇકુ પણ આ સંગ્રહમાં સમાવિષ્ટ છે.
માનવસંવેદનની દૃષ્ટિએ ‘શેતરંજી’ કાવ્યસંગ્રહને તપાસતા ઘણી રચનાઓ ધ્યાનાકર્ષક બની રહે છે. ખાસ નારીજીવનની વ્યથા-કથા આલેખતી રચનાઓ ઇયત્તા અને ગુણવત્તાની રીતે બહોળા પ્રમાણમાં છે. નારીજીવનની સમસ્યાને વાચા આપવાનું કામ અહીં કવયિત્રીએ કર્યું છે. પ્રથમ રચના અને સંગ્રહનું શીર્ષક ‘શેતરંજી’માં પ્રતીક તરીકે ‘શેતરંજી’નો ઉપયોગ કરીને પત્ની સાથેનું પતિનું મનફાવે તેવું વર્તન અને અંતે પોતાનું મૂલ્ય કશું જ નથી એવો દુઃખદ ભાવ આલેખાયો છે. જુઓ:
‘એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે.’ ( શેતરંજી પૃ. ૧૫)
આ પ્રકારનું સંવેદન ‘પ્રેશરકુકર’ (પૃ. ૧૯) અને ‘કઢીનો વઘાર’ (પૃ. ૪૯)માં છે. ‘દીક્ષા’ (પૃ. ૩૦) કાવ્યમાં વ્યંગ દ્વારા સ્ત્રી પોતાની હકીકત કહેવાનો પ્રયત્ન કરે છે. તેમાં સાંપ્રત શહેરીજીવનની વિચારસરણીના દર્શન પણ થાય છે. આ સિવાયના કાવ્યોનું સંવેદનવિશ્વ જોઈએ તો ‘ઓ ખેડુ!’ (પૃ. ૩૨) કાવ્યમાં કાલિન્દી પરીખ ખેડૂતને સંબોધે છે. ખેડૂતને ગ્રામજીવનમાં અગવડો છતાં એક રીતે સંતોષ છે, પણ જયારે પોતાના શહેરીજીવનની વાત આવે ત્યારે અસંતોષ સિવાય બીજું કશું જોવા મળતું નથી. પ્રણયનું બારીક સંવેદન ‘વૈભવ’ (પૃ. ૪૭) કાવ્યમાં છે. પ્રિયતમાનો પહેલો સ્પર્શ, લમણે વાગેલ પથ્થર, પ્રિયતમાને બદલે પોતે ખાધેલ માર આ બધાંને કવયિત્રી વૈભવ ગણાવે છે. શ્રમજીવી વર્ગ પ્રત્યેની લાગણી ‘વાતાનુકૂલન’ (પૃ. ૫૪) કાવ્યમાં અનુભવી શકાય તેમ છે. જુઓ:
‘એ શ્રમજીવી પાસે
ગળા પર બાઝી ગયેલ
મેલની રેખાને
સાફ કરવાનો વખત જ નથી
ધોમધખતા તાપમાં
નીચી ડોક રાખી મજૂરી કરતાં
વહેતાં પરસેવાને જ
માનતો હશે
વાતાનુકૂલન’ (વાતાનુકૂલન પૃ. ૫૪)
ભાષાભિવ્યક્તિ દ્વારા આ કાવ્યસંગ્રહની રચનાઓ પોતાની છાપ છોડી જનાર છે. કટાક્ષ-વ્યંગ દ્વારા પોતાની વાત ભાવકો સુધી પહોંચાડવાની આવડત તેમને હાથવગી છે. માનવીઓની નિમ્ન વિચારસરણીને લક્ષ્યમાં રાખી રોષ કાવ્યબાનીમાં કાલિન્દી પરીખ ઠાલવે છે. જુઓ:
‘આપણે
એવા માનવીઓ છીએ
કે
જે વિષ્ટાને ધિક્કારી છીએ
પરંતુ
કીડા અને ઈયળોને આવકારીએ છીએ
બધું જ ભલે મલીન હોય
પણ
એનો રંગ શ્વેત હોવો જોઈએ.’ (આપણે પૃ. ૧૬)
પ્રકૃતિના તત્વોનું નિરૂપણ કાવ્યોની શોભા વધારનારું બન્યું છે. નદી, પર્વત, દરિયો, પુષ્પ, આકાશ, વાદળ અને ખિસકોલી આ બધાની વાત ક્યાંક ને ક્યાંક કાવ્યોમાં આવે છે. ગ્રામજીવનની સરખામણીએ શહેરીજીવનની વિટંબણાગ્રસ્ત પરિસ્થિતિ કાવ્યોમાં નિરૂપણ પામી છે. જુઓ:
હું જાઉં, જલદી જાઉં
પણે રાહ જુએ છે મારા સાથીઓ
તળાવને ઊંડું કરવા.
કોદાળી લઈ જાઉં હું જાઉં, જલદી જાઉં.
પણે રાહ જુએ છે મારા ભેરુઓ
લીલાછમ ખેતરોમાં
ઘાસનું નિંદામણ કરવા
દાતરડું લઈ જાઉં, હું જાઉં જલદી જાઉં.
પણે રાહ જુએ છે ગાય તૃણ ચાવતી
તેની કરકરી જીભનો
સ્પર્શ પામવા
હું જાઉં, જલદી જાઉં.
∙ ∙ ∙
ઝેરી વાયુ ફેંકતી
અને ગંદુ, રંગીન પાણી છોડતી
ફેકટરીમાંથી રાજીનામું મૂકી
હું જાઉં, જલદી જાઉં. (હું જાઉં પૃ. ૪૦)
આ જ સંવેદનને આલેખતા બીજા કાવ્યો જોઈએ તો ‘આવું છું’ (પૃ. ૬૩) અને ‘આકાશનો ટુકડો’ (પૃ. ૭૨) છે. શહેરીકરણ અને ટેક્નોલૉજીનાં અતિરિક્ત વિકાસને લીધે ગોરંભાયેલું માનવજીવન ગામડે મળતી શાંતિને ઝંખે છે. ઉપરોક્ત કાવ્યોમાં બે ઘટનાની સહોપસ્થિતિ દ્વારા વિચારને સહજતાથી ભાવક સુધી પહોચાડવાનો પ્રયત્ન કવયિત્રી કરે છે.
‘એ લોકો’ (પૃ. ૪૫-૪૬) કાવ્ય જોતા પ્રિયકાન્ત મણિયારનું કાવ્ય ‘એ લોકો’ યાદ આવ્યાં વિના રહે નહિ. બંને કાવ્યોની વિચારસરણી એક સરખી છે. માણસમાંથી માણસાઈ દૂર થતી જાય છે, દુનિયા સ્વાર્થી બનતી જાય છે. તેનો સામનો કરતા કાવ્યાન્તે કાલિન્દી પરીખ કહે છે ‘હવે જવું જ પડશે / દાતરડાની ધાર સજાવવા.’ (પૃ. ૪૬)
સંગ્રહના ઘણાં કાવ્યોમાં કવયિત્રી દ્વારા પ્રતીક-કલ્પન-પુરાકલ્પન ઉપયોગમાં લેવાયા છે. ભાવ અને ભાષાની અભિવ્યક્તિને કેન્દ્રમાં રાખી પ્રતીક એ આખા સંગ્રહનું સબળું પાસું બન્યું છે. ‘પ્રેશરકુકર’ (પૃ. ૧૯) કાવ્યમાં પ્રતીક તરીકે પ્રેશરકુકરનો ઉપયોગ કરી નારીના જીવનની કડવી વાસ્તવિકતાનું ચિત્ર ખડું કર્યું છે. ‘બીડીનું ઠુંઠું’ (પૃ. ૩૪) કાવ્ય પ્રતીક યોજનાની આગવી છાપ છોડી જનાર રચના છે. એક બાજુ બીડીનું ઠુંઠું છે ને બીજી બાજુ માણસ, બંનેની સ્થિતિ તો એક સરખી જ છે. માણસને રહેવાનું ઠુંઠા જેમ જ ને અંતે રાખ બની વિલીન થવાનું હોય છે. આખા કાવ્યની રચનારીતિ સ-રસ છે. મોનોઈમેજ નામથી છ કાવ્યો આ સંગ્રહમાં છે, મોનોઈમેજ કાવ્યગુચ્છમાં કાલિન્દી પરીખની કલ્પના સૃષ્ટિથી આપણે વાકેફ થઈએ છીએ. મોનોઈમેજ – ‘પારિજાત’, ‘પળ’, ‘મૂષક’, ‘પીળું પાંદળુ’, ‘શિશુ’ અને ‘હીના’ આ દરેક કાવ્ય એ કવયિત્રી દ્વારા દોરવામાં આવેલ કાલ્પનિક શબ્દચિત્ર છે. આ સિવાયનું સુંદર કલ્પન જુઓ:
‘પતંગિયાની પાંખોને
ચીતરવાનું કલરબોક્ષ
એટલે પુષ્પો.’ (કલરબોક્ષ પૃ. ૧૭)
અહીં આપણે જોઈ શકીએ છીએ કે ‘પુષ્પો’ માટે ‘કલરબોક્ષ’ એવું કલ્પન પ્રયોજાયું છે.
પુરાકલ્પનની વાત કરીએ તો રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યોમાંથી ગાંધારી, કૃષ્ણ, પાંચાલી, દુ:શાસન, લક્ષ્મણ, સીતા જેવા પાત્રો કાવ્યોમાં કોઈ ને કોઈ રીતે આવે છે. રામાયણના પ્રસંગોને કાવ્યના ભાવને અનુરૂપ ટાંકીને સંવેદનની તીવ્રતાને કાલિન્દી પરીખે વધુ ધારદાર બનાવી છે. ‘કોકટેલ’ (પૃ. ૪૯) રચનામાં મીરાંબાઈ ને સતત પ્રશ્નો પૂછી સાંપ્રત સમયનું વરવું ચિત્ર ખડું કર્યું છે.
‘શેતરંજી’ કાવ્યસંગ્રહનાં કેટલાંક નિરીક્ષણો અંકે કરતા કાલિન્દી પરીખની કવિ તરીકેની લાક્ષણિકતાઓથી આપણે વાકેફ થઈએ છીએ. અછાંદસ સ્વરૂપમાં કવયિત્રીનું વિચારસૌંદર્ય અને ભાવવિશ્વ બંને આ કાવ્યસંગ્રહની રચનાઓને સુંદર બનાવી આપે છે. કાવ્યસંગ્રહની દરેક રચનાઓના શીર્ષકો પણ સચોટ અને સહજ લાગે છે. શહેરીજીવનની સંકુલતાનો અને ગ્રામજીવનની વિશાળતાનો અનુભવ કાલિન્દી પરીખ ઉદાહરણ સાથે કરાવી આપે છે. વ્યંગ-કટાક્ષથી વિચારની રજૂઆત વધુ તીવ્ર અને સચોટ બની છે. મોનોઈમેજ કાવ્યગુચ્છ આ સંગ્રહની અને કાલિન્દી પરીખની આગવી વિશેષતા છે. આ જ રીતે કાલિન્દી પરીખ વધુ ને વધુ અભિવ્યક્ત થતા રહે એવી આશા અને અભિલાષા.
સંદર્ભગ્રંથ:
- ‘શેતરંજી’, કાલિન્દી પરીખ, ફલેમિંગો પબ્લિકેશન્સ, પ્ર. આ. ૨૦૨૦