Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ગાંધી પ્રભાવિત ગુજરાતી ટૂંકીવાર્તાઓ
વીસમી સદીનો આરંભકાળ એ ગુજરાતી સાહિત્યમાં વિશેષરૂપે નિરૂપાયો છે. તેમાં પણ ખાસ કરીને ટૂંકીવાર્તા જેવું સાહિત્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને ખૂબ વિકાસ પામ્યું. મહાત્મા ગાંધી ઇ.સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી કાયમને માટે ભારતમાં આવ્યા અને અહીંની આબોહવા, વાતાવરણ, દેશ અને લોકોથી ધીમે ધીમે સુપરિચિત થયા. અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલા આ દેશને અને દેશની પ્રજાને મુક્ત કરવાની મુહિમ-આંદોલન ચલાવ્યું. દક્ષિણ આફિકાના સત્યાગ્રહના અનુભવે ભારતમાં પણ સત્યાગ્રહનું શસ્ત્ર લઇને નીકળી પડેલા ગાંધીજી મહાત્મા બન્યા છે.

દેશના તમામ ક્ષેત્રોમાં તેનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. એમાંથી સાહિત્ય પણ બાકાત ના જ હોય તે સ્વાભાવિક છે. સાહિત્યમાં પણ તેના તમામ ગદ્ય-પદ્ય સ્વરૂપો પર તેની વ્યાપક અસર ઝીલાઇ છે. ગુજરાતી સાહિત્યમાં ઇ.સ. 1915 થી 1940 સુધીના સમયગાળાને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર ભારતીય સાહિત્ય પર આ સમયગાળા દરમ્યાન તેનો પ્રભાવ જોઇ શકાય છે. બલ્કે ત્યાર બાદ પણ ગાંધીવિચારનો પ્રવાહ નિરંતર વહ્યા કર્યો છે.

ઇ.સ. 1914 માં પ્રથમ વિશ્વયુદ્ધ બાદની પરિસ્થિતિ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ, ચંપારણ સત્યાગ્રહ, કોચરબ આશ્રમની સ્થાપના, ગૂજરાત વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ, નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ – આ સાપ્તાહિકો દ્વારા ખુદ ગાંધીની કલમ ચાલતી રહી અને એ દ્વારા ગાંધીવિચાર અને ગાંધી વિચારકો દ્વારા ગાંધી પ્રભાવ ઊભો થયો. તેની વ્યાપક અસર સમાજજીવન, સાહિત્ય ઉપરાંત અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે. ગુજરાતમાં સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં મહાત્માગાંધીનો પ્રવેશ યુગવર્તી ઘટના ગણાવી શકાય. ગુજરાતી સાહિત્યની જ વાત કરીએ તો કવિતા, વાર્તા, નવલકથા, નાટક જેવા સાહિત્ય સ્વરૂપોમાં છેવાડાના માનવીથી લઇને વૈશ્વિક પરિપ્રેક્ષ્યને ઊભું કરવાની મથામણ આપણા સર્જકોમાં જોવા મળે છે. ગાંધીજીના જીવનવ્રતોને સાહિત્યના વિવિધ સ્વરૂપો ઉજાગર કરી આપે છે. ખાસ કરીને ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીશ. સ્વરૂપની રીતે વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ નથી, કારણ કે આ ટૂંકીવાર્તાનો શરૂઆજનો જ તબક્કો છે અને તેમ છતાં આ સમયગાળામાં આપણને ઉત્તમોત્તમ વાર્તાઓ સાંપડે છે.

વાર્તાના લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ દ્વારા લેખકો અને વાંચકોએ આ સમયગાળાને વધારે જીવંત બનાવયો છે. ખાસ કરીને જેને ગાંધીવિચારના મુખ્ય સ્તંભ તરીકે ઓળખીએ છીએ તેમાં સત્ય, અહિંસા, સત્યાગ્રહ, ગ્રામસમાજ, માનવધર્મ, અસ્પૃશ્યતા નિવારણ, દેશભક્તિ, સ્વદેશી, ખાદી, સ્ત્રી-પુરુષ સમાનતા, કોમી એકતા, સ્વચ્છતા, પર્યાવરણ, અંધશ્રદ્ધા નિવારણ, ખેડૂત, પશુપાલન, શિક્ષણના અવનવા પ્રયોગો, ગરીબ-પિડીત, શોષિતનું નિરૂપણ તથા ગાંધીમૂલ્યોની જીકર આ યુગના વાર્તાકારો દ્વારા કરવામાં આવી છે.

મહાત્મા ગાંધી ઇ.સ. 1936માં સાહિત્ય પરિષદના અમદાવાદ મુકામે અધિવેશનના પ્રમુખ તરીકે રહ્યા. એમનો મત હતો કે છેવાડાના માણસ સુધી સાહિત્ય પહોંચવું જોઇએ. સાહિત્યની ભાષાને લઇને પણ તેમના વિધાનો છે. ખેડૂતોના ઝૂંપડા અને વણકરોના ઘરમાં સાહિત્ય પહોંચે તેવી તેમની નેમ હતી. પ્રાદેશિક બોલીને સાહિત્યમાં સ્થાન મળ્યું. અગાઉના પાંડિત્યપૂર્ણ શૈલીના સાહિત્યમાંથી બહાર નીકળી કોશ હાંકતો કોશિયો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય રચવાની હિમાયત સાહિત્ય સર્જકોને કરી. ગાંધીજી પોતે સર્જક હતા જ. એમણે સાહિત્યિક પત્રકારત્વનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. એમના લખાણોની શુદ્ધતા, વિચારોની ધારદાર રજૂઆત અને સરળ-સાદા ગદ્ય દ્વારા એક આદર્ષ ઊભો કર્યો.

આમ તો ગાંધીયુગના સીમાસ્તંભ બે વાર્તાકારોના નામ મુખ્યત્વે લેવાવા જોઈએ તેમાં પહેલું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે. ચંદ્રકાન્ત શેઠ કહે છે તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્વાન અધ્યાપકોની હરોળમાં તેઓ કલારસિતાએ પણ ધ્યાન ખેંચનારા જણાય. ગાંધીજીની જીવનભાવનાનું એક પ્રસન્નકર રૂપ રામનારાયણની શિક્ષણ તથા સાહિત્યની સંન્નિષ્ઠાભરી સેવામાં મોરેલું જોઈ શકાય. ઈ.સ. 1920માં ગાંધીજીએ અસહકારની ચળવળ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. રસીકલાલ પરીખ સાથે રા. વિ. પાઠક જોડાયા. વકીલાતનો વ્યવસાય છોડી, કાળવણી અને સ્વતંત્રતાની લડતમાં ઝંપલાવ્યું. વિદ્યાપીઠની લાયબ્રેરી અને પુરાતત્ત્વ જેવા સામયિક તથા સાબરમતી, યુગધર્મ સામયિક માટે લખવાનું બન્યું. તેમણે પોતે પ્રસ્થાન માસિક ચલાવ્યું અને એ નિમિત્તે સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં લખતાં થયાં. વિદ્યાપીઠમાં રહ્યા ત્યાં સુધી અને પછી પણ ગાંધીવિચારને પૂરેપૂરો પોતાનામાં જીવંત રાખીને તેમના સર્જનમાં વ્યાપક અસર દેખાય છે.

ટૂંકીવાર્તામાં તેમણે દ્વિરેફની વાતો ભાગ-1, 2 અને 3માં અનુક્રમે 13, 20, 17 એમ મળીને ચાલીસેક જેટલી વાર્તાઓ આપી છે. તેમનું વાર્તાલેખન 1922-23માં શરૂ થાય છે. જગજીવનનું ધ્યેય જેવી સંપૂર્ણતઃ ગાંધીવિચારને વરેલી વાર્તામાં ગાંધીજી પ્રત્યક્ષ થાય છે. વનરાવનદાસની એક વર્ષની પુત્રી સરસ્વતીનું નામ સસ્તી કહી બોલાવે છે. તેમાં જ તેનો ભાવ પમાય છે. આ વાર્તામાં જગજીવન ગાંધીભક્ત અને ચૂસ્ત અનુનાયી છે. ગાંધી સાહિત્યના પરિચયમાં આવીને તે બ્રહ્મચર્યનું વ્રત પાળવાનું નક્કી કરે છે. આ બાજુ હવાફેર કરવા આવેલી સરસ્વતી પ્રત્યે મનોભાવની કબૂલાત અને તેમાં જન્મતી કામવાસના દેખાય આવે છે. રતિલાલ સાથેના સ્ખલનની સચ્ચાઈ સાબિત કરવાના તેના પ્રયન્નોથી જણાય છે કે તે બ્રહ્મચર્યના પાલન પરત્વે નહિ તેટલો બ્રહ્મચારી તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવવા સજાગ છે. બાળકના મૃત્યુથી બંધન વિહિન બનેલી સરસ્વતીને સ્વીકારવા તૈયાર થાય છે. તેની પાછળ પ્રેમ નહિ પણ દેહના ધર્મો જ છે. જડતાથી સ્વીકારેલું ધ્યેય અહીં નિષ્ફળ નીવડે છે તે બતાવવાનો લેખકનો આશય જવા મળે છે. ઉપરાંત સામાજિક અને દામ્પત્ય જીવનને ઉજાગર કરતી વાર્તાઓ આપે છે. ઈન્દુ વાર્તામાં અસહકારની લડતનું નિરૂપણ છે. મુકુન્દરાય વાર્તામાં બદલાતા જમાનાની તાસીર, બે પેઢી વચ્ચેનું સામાજિક, માનસિક વૈષમ્ય, અને તેમાથી જન્મતો સંઘર્ષ બતાવ્યો છે. ખેમીમાં પણ ગાંધીયુગનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ વાર્તામાં ખેમી અને ઘનિયા વચ્ચે પ્રેમ દ્વારા સામાજિક નિસ્બત દર્શાવી છે. જક્ષીણી અને સાચો સંવાદમાં પ્રસન્ન દામ્પત્ય અને સુખી કુટુંબજીવનનું નિરૂપણ છે. રજનું ગજ, પહેલું ઈનામ, બે મુલાકાતો જેવી વાર્તામાં પણ અસહકારની લડત દ્વારા ગાંધીભાવનાને તાદૃશ્ય કરવાનો લેખકનો સરાહનીય પ્રયાસ દેકાય આવે છે.

આ યુગના બીજા વાર્તાકાર ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી છે. અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે. આપણા શરૂઆતના આ વાર્તાકારમાં પણ ગાંધીવિચારની અમીછાંટ જોવા મળે છે. ‘ગોવિંદનું ખેતર’ જેવી વાર્તામાં ગ્રામસમાજનું નિરૂપણ આબેહૂબ કર્યું છે.

ગાંધીયુગમાં મુખ્યત્વે તો નવલકથાકાર એવા યુગમૂર્તિ વાર્તાકાર ઇ.સ. 1882માં જન્મેલા ર.વ. દેસાઇએ ગાંધી પ્રભાવિત વાર્તાઓ આપી છે. તેમની ‘સત્ય અને કલ્પના’ વાર્તામાં સત્ય કોને કહેવાય એના વિશે બે પાત્રો લઇને સમજાવ્યું છે. સોના અને અચલ આ બંને એકબીજામાં ઓતપ્રોત છે. તેના પર અનેક દુઃખો પડે છે. તેમ છતાં તેનું સત્ય છોડતા નથી અને સત્ય કલ્પનાથી કેટલું દૂર છે તે આપણને આ વાર્તામાંથી જોવા મળે છે.

‘મોહનલાલ મહેતા’ સોપાનની પણ આવી જ એક વાર્તા ‘લોહીનું તર્પણ’ માં ગાંધીજીના ઉપવાસ અને તેની પાછળની ભૂમિકાને પ્રસ્તુત કરે છે. જેમાં બલિદાનની ભાવના, જાતને હોમી દઇને વિશ્વનું કલ્યાણ તથા બુદ્ધ અને ઇસુના બલિદાન સાથે સરખાવી સ્વાતંત્ર્ય પ્રાપ્તિની વાત કરે છે. આવી જ ‘બે ગાંધીની એક વાત’ ગુલાબદાસ બ્રોકરની વાર્તા છે. તો અહિંસાની વાત ‘સોપાન’ની વાર્તા ‘અહિંસાનું રહસ્ય’ માં વાર્તાનાયક જોસેફ પરદેશી ખ્રિસ્તી હોવા છતાં ભારતની સ્વતંત્રતા માટે સત્યાગ્રહી બને છે અને અહિંસાના માર્ગે જ એ અહીં ખેંચાઇને આવ્યો છે. મેઘાણીની ‘ફાંસી’ વાર્તામાં પણ અનવરખાન પઠાણને ફાંસીની સજા થવાની હોય છે. તેની અમ્મા પેશાવરથી જેલમાં મળવા આવે છે. અનવરને એમ છે કે હું નિર્દોષ છું તો છૂટી જઇશ પણ તેને ફાંસી થાય છે અને તેની માતા પોતાનું સમગ્ર જીવન હતાશા અને નિરાશામાં ગુજારે છે. આમ જ ગુણવંતરાય આચાર્યની ‘ગોરીંભો મકરાણી’, ‘અતીરામ પંડ્યો’ વાર્તા છે. ઇશ્વર પેટલીકરની ‘ગળેફાંસો’ વાર્તામાં વિઠ્ઠલે ગળુ દબાવી બાપાનું ખૂન કર્યું છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વિમુલ નાલાયક પુત્ર છે તેના લગ્ન કાન્તા નામની સ્ત્રી સાથે થાય છે. તેના પર દેવું વધી ગયું છે. બાપ-દીકરા વચ્ચે ઝઘડો થાય છે. કાન્તા સમજું છે. સ્ત્રી ધર્મ એ સમજે છે. સસરાને પણ એ સમજાવે છે. વિમુલને અંતે છ મહિનાની જેલ થાય છે. જેલથી છુટીને કાન્તા સાથે પણ મારઝૂડ કરે છે. હિંસા અને સ્ત્રીજીવનની આ વાર્તા છે. તેની ‘ધાડ આવે છે’ વાર્તા પણ ગાંધીવિચારની અસર તળે જ લખાઇ છે. આ વાર્તામાં માલતીબહેન આશ્રમમાં રહે છે અને ધાડબાડુને અહિંસક લડતથી પાછા મોકલે છે તેનું રોચક નિરૂપણ કર્યું છે. ગુલાબદાસ બ્રોકરની ‘આગલી રાત્રે’ ચુનીલાલ મડિયાની ‘જીવદયા’ નવલભાઇ શાહની ‘પ્રલયબોંબ’ હિરોશીમાની ઘટના પર લખાઇ છે. તેની બીજી ‘પાથેય’ માં ‘અહિંસા પરમોધર્મ’ ને ચરિતાર્થ કરે છે. બૌદ્ધ ધર્મ, તિબેટ અને અહિંસાનો પ્રચાર બતાવ્યો છે.

‘સોપાન’ મોહનલાલ મહેતાની સત્યાગ્રહ કેન્દ્રી વાર્તા ‘નરહરિ અને ચંદ્રિકા’, ‘જીવનનો મર્મ’, ‘નવજવાન’, ‘આશાને અજવાળે’, ‘એક અવધૂત’ અને ઇશ્વર પેટલીકરની ‘ત્રણ અપવાસી’ વાર્તામાં સત્યાગ્રહની મીમાંસા બતાવવામાં આવી છે. એમાં ‘નરહરી અને ચંદ્રીકા’ 145 પાનાની લઘુનવલ કક્ષાની વાર્તા છે. વીસ વિભાગમાં વાર્તા રજૂ કરી છે. આમાં નરહરિ અને ચંદ્રીકાના દામ્પત્ય જીવન અને નરહરિના સત્યાગ્રહની વાત કરે છે.

ર.વ. દેસાઇની ‘દીવડી’, જયંત ખત્રીની ‘ખરા બપોર’ મડિયાની ‘પાદરનો પીપળો’ માં ગ્રામજીવનને ધબકતું બતાવવાનો પ્રયાસ કર્યો છે. ગાંધીના સપનાનું ગામડું રજૂ થયું છે. ‘પોસ્ટ ઓફિસ’ માં માનવધર્મ અને સમાજજીવનનું નિરૂપણ કર્યું છે.

અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવની વાર્તાઓ પણ મળે છે. પેટલીકરની ‘ઘરની વહુ’ માં અસ્પૃશ્યતા નિવારણની વાત આવે છે. લતા અને મુકુન્દની વાતમાં મુકુન્દ નીચી જ્ઞાતિનો છે. જ્યોતિષશાસ્ત્રી, કુંડળી મળે છે. મુકુન્દની બહેન ઇન્દુ બન્નેના લગ્નની તેમની ‘પારસમણિ’ વાર્તામાં દલિત સમજ પ્રત્યે સહાનુભૂતિ જોઇ શકાય છે.

ઉમાશંકર જોશીના ‘છેલ્લુ છાણું’ વાર્તામાં ગરીબ અને પછાત લોકોના વાસ્તવિક પરિસ્થિતિનું બયાન છે. ‘ગુજરીની ગોદડી’ માં પણ ગરીબાઇનું વરવું ચિત્ર ઉપસાવ્યું છે. 'લોહી તરસ્યા'માં ગ્રામીણ માનવીના અમાનુષી સ્વભાવોનું વાસ્તવિક નિરૂપણ છે.

પન્નાલાલની ‘સુખદુઃખના સાથી’, મડિયાની ‘શરણાઇના સૂર’, ‘ધર્મનો એક દિવસ’, ગુલાબદાસ બ્રોકરની વાર્તામાં ગરીબાઇનું ચિત્ર તાદ્દશ્ય થાય છે.

સુંદરમની ‘પની’ વાર્તામાં ઠાકરડા કોમની છેવાડાના લોકોની વાત આવે છે. તેમની ‘માજાંવેલાનું મૃત્યુ’ માં કરુણા-સંવેદનાને વધારે ઘેરું બનાવે છે. ‘માને ખોળે’ માં દામ્પત્ય જીવનની વિષય પરિસ્થિતિનું બયાન છે. ગાંધીજી ઈચ્છતા કે દરેક માણસ ગામડામાં જીવન જીવે. ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે. ગ્રામસમાજનું અને ગ્રામવાતાવરણનું નિરૂપણ કરતી વાર્તાઓ આપણને આ સમયગાળામાં અને એ પછી પણ નિરંતર મળતી રહી છે. ર. વ. દેસાઈની દીવડી કે ગામડાનો સાદ વાર્તામાં ગ્રામાભિમુખ સમાજજીવન ઉપસી આવે છે.

મેઘાણીની વાર્તાઓમાં પણ 'વહુ અને ઘોડો', 'પાનકાર ડોશી', 'અમારા ગામનાં કૂતરાં' જેવી વાર્તાઓમાં ગાંધીવાદી અને સમાજસુધારક માનસ જોવા મળે છે. ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ પણ ધ્યાન ખેચે છે.

ઉપરાંત બીજા અનેક વાર્તાકારોની વાર્તાકળામાં ગાંધીજી અને ગાંધીવિચાર, ગાંધીભાવના, એ સમયનું વાતાવરણ અને લોકાલ સંકળાયેલા છે. કેટલાંક વાર્તાકારોમાં લાભુબહેન મહેતા, જ્યંતિ દલાલ, ઇન્દુલાલ યાજ્ઞિક, કિશનસિંહ ચાવડા, અંબાલાલ પુરાણી, કેશવપ્રસાદ દેસાઈ, અશોક હર્ષ, ગુણવંતરાય આચાર્ય વગેરેને ગણાવી શકાય.

અહીં પ્રસ્તુત લેખમાં જે કેટલાંક જાણીતા લેખકોની જાણીતી વાર્તાઓને આધારે ગાંધીપ્રભાવને તપાસવામાં આવી છે. હજુ પણ એમાં ઉમેરો થઈ શકે. સમગ્રતયા એક આબોહવા જ રચાઈ ગયેલી. જેમાં સમાજ, સાહિત્ય, સંસ્કૃતિ, કેળવણી દ્વારા નવઘડતરની દિશામાં કામ થઈ શક્યું. ખાસ કરીને સાહિત્ય દ્વારા મૂલ્યો પ્રસ્થાપિત કરીને સમાજને જાગૃત કરવામાં ઘણું મોટું અને ઉમદા કામ આ યુગમાં થઈ શક્યું.

સંદર્ભગ્રંથઃ
  1. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ – ભાગ, 4 અને 5 ગુજરાતી સાહિત્ય પરિષદ
  2. ગ્રામચેતનાની નવલિકાઓ – સં. રઘુવીર ચૌધરી
  3. કથાશ્લેષ – ઇલા નાયક
સંજય મકવાણા, પ્રોફેસર ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠઃ રાંધેજા-ગાંધીનગર 382620. મો. 9427431670, ઈમેલઃ sanjaymakwana@gujaratvidyapith.org