Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વળામણાંમાં પ્રગટ થતી ગ્રામસમાજની સ્ત્રીઓની વેદના
ઈ.સ. ૧૯૪૦ માં પ્રગટ થયેલી પન્નાલાલ પટેલની નવલકથા ‘વળામણાં’ ગ્રામજીવનની પૃષ્ઠભૂ ઉપર પાંગરેલી એક ઉત્તમ કૃતિ છે. આ કૃતિનું અર્પણ લેખકે પોતાની જનમભોમકાને કર્યું છે; અને લખ્યું છે : ‘સુભાગ્ય લાધ્યાં વળી ઊભવાનાં એ ભોમને તો વીસરી શકું શેં?’ ગ્રામજીવન સાથે પન્નાલાલ પટેલનો નાભિનાળ સંબંધ હતો. તેમનો જન્મ અને ઘડતર ગ્રામપ્રદેશમાં થયું. ગ્રામજીવનનો અનુભવ તેમની નસનસમાં લોહી બનીને વહેતો હતો. ગ્રામજીવનનું આલેખન કળાત્મક રૂપાંતર સાથે એમની જાનપદી કૃતિઓમાં આલેખાયું છે .

પન્નાલાલ પટેલનું જન્મસ્થાન ઈશાની મલક. તેમનો જન્મ ગુજરાત અને રાજસ્થાની સીમા પરનાં એક અંતરિયાળ ગામ માંડલીમાં (જિ. ડુંગરપુર) થયો હતો. આઝાદી પૂર્વે આ પ્રદેશની સ્થિતિ અત્યંત વિક્ટ હતી. ગ્રામપ્રદેશ પ્રત્યે પન્નાલાલની દ્રષ્ટિ સમતોલ હતી. ગ્રામસમાજની વિશેષતાઓ-મર્યાદાઓથી લેખક પૂરેપૂરા સભાન હતાં. ગ્રામજીવનની સારપને પણ એમણે અનુભવી તો બીજી બાજુ આ જીવનમાં પડેલી કુટિલતા પણ એ જોઈ શક્યા. એમના સર્જનમાં સારપ-બુરાઇનું આલેખન પૂર્વગ્રહ વિના થતું રહ્યું. સામાજિક વાસ્તવનું કળાત્મક રૂપાંતરણ કરવામાં આ લેખક એક્કા સાબિત થયા.

‘વળામણાં’ કૃતિ એમની આરંભકાળની નવલકથા છે. આ નવલકથામાં ઝમકુ નામની એક સુથારકન્યા સાસરીપક્ષના ત્રાસથી પિયરમાં રહેતી હતી. આ સમયે તે બ્રાહ્મણ તલાટીના પ્રેમમાં પડી. તેની સાથે ભાગી ગઈ. બ્રાહ્મણ તલાટીના સગાંએ તેને કાઢી મૂકી. ફરી પિયરમાં આવી. આ ગામમાં રહેલી ઝમકુનાં સાસરા પક્ષની અંબાએ ગામના મુખી મનોરદાને મોકલી ઝમકુ સંદર્ભે પરિવારને ઠપકો આપવાનો તખતો ગોઠવ્યો. મનોરદા મુખી પોતાની ચાલથી ઝમકુને શહેરમાં જઈ વેચીને બે પૈસા કમાવવાનો મનસૂબો ઘડીને તેને અમદાવાદ લઈ ગયાં. ઝમકુને અનેક પ્રલોભનો મનોરદાએ બતાવ્યા પણ ઝમકુ શહેરમાં રહેવા રાજી ન થઈ. આ સમયે મનોરદાનું પિતૃહૃદય પ્રગટ થયું અને પોતાની મૃત દીકરી નાથુડીનું દર્શન ઝમકુમાં થયું. અંતે તે ઝમકુને વેચી ખાવાનો મનસૂબો પડતો મૂકી તેને લઈ પરત ફરે છે. ઝમકુને દીકરી ગણીને તેના વળામણાં કરે છે.

આ નવલકથા ગ્રામસમાજની કથા છે. જેમાં ઝમકુ નામની સુથારકન્યાની દુઃખભરી કથા છે. આઝાદી પૂર્વેના સમયમાં ગ્રામસમાજમાં સ્ત્રીઓની સ્થિતિ અત્યંત વિકટ હતી. પન્નાલાલ આ વેદનાનું ડૂસકું સર્જકની હેસિયતથી સાંભળી શકેલા.

આ નવલકથામાંથી ગ્રામસમાજની સ્ત્રીઓની વેદનાનું જે ચિત્ર આપણી સામે પ્રગટ થયું છે. તેમાં જોઇ શકાય છે કે આ સમાજમાં સ્ત્રીઓની વેદના અસહ્ય છે. સાસરીનાં ત્રાસથી દુઃખી ઝમકુ પ્રેમમાં પડવાનો અપરાધ કરે છે. એ ગુનાની સજા એણે જે વેઠવી પડે છે. તેનું ચિત્રણ આ કૃતિમાં હૃદયદ્રાવક રીતે થયું છે. પારંભમાં જ ઝમકુની મા કહે છે: ‘અભાગણીએ ન કરવાનું કરતે તો કર્યું, પણ એનું હવે રણીઘણી કુણ, મનોરભાઈ!’ માની વેદનાની સાથે તેનો ભાઈ જે સંવાદ વિચારે છે તે જુઓ : “પેલા અવતારની વેરવણ પર એવી તો દાઝ ચડે છે કે હું મારા હાથે જ એનું નાક વાઢી નાખું ! હા.......’ આ ઘટેલી ઘટના સંદર્ભે મનોરદાએ જે વાત કહી તે જુઓ: ‘એનો ધણી તો ત્યાં કાંડા કરડી’ર્યો છે કે ક્યારે હાથ લાગે ને નાક વાઢું !’

આ સંવાદોમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ કેવી હતી તેનો પરિચય આપણને થાય છે. ઝમકુના અપરાધની સજા તેનું જીવવું હરામ કરી નાંખે છે. ઝમકુ પ્રત્યે પિયરના લોકો અને સાસરીપક્ષના લોકોનો જે અભિગમ છે તે તેને સંબોધાયેલા આ શબ્દોમાં જોઈ શકાય છે : ‘અભાગણી, પેલા અવતારની વેરવણ, હાળી, રાંડ, વંઠેલી, ભમરાણી, બચારી’ ઝમકુ ઉપર કેટકેટલાં વીતક વીત્યાં છે તેનો પરિચય નવલકથાને પાને પાને થાય છે. ઝમકુનો જે અપરાધ છે તે સમાજે પ્રસ્થાપિત કરેલી જ્ઞાતિની દીવાલો તોડીને એણે પોતાની પસંદગીના પુરુષ સાથે પરણવાનું સ્વપ્ન સેવ્યું તે છે. આ અપરાધની સજા એણે ઘણી મોટી વેઠવાની આવે છે. ઝમકુનુ જગત ગ્રામજીવનમાં ઓતપ્રોત છે, ગ્રામસમાજ છોડીને શહેરી સભ્યતા વચ્ચે તેને જીવવાનું અત્યંત કપરું લાગે છે. મનોરદા મુખી તેને જ્યારે શહેરમાં જીવવાની મોજશોખ કરવાની લાલચ બતાવે છે ત્યારે પણ તેનું મન માનતું નથી.

આ સમાજ સ્ત્રીની પ્રેમ કરવાની ચેષ્ટાને આબરૂની ઘટના સાથે જોડે છે. કોઇ સ્ત્રી પરનાતના પુરૂષ સાથે પ્રેમ કરે એમાં આ સમાજ નાક વઢાઈ ગયાની (આબરૂ ચાલી ગયાની) લાગણીનો અનુભવ કરે છે. સ્ત્રીઓને સજા કરવા માટે પુરૂષ આગેવાનોની બનેલી નાત સ્ત્રીને સજા સંભાળાવવા માટે પ્રવૃત થાય છે. ઝમકુની નાત સજા સંભાળવતાં જે હુકમ કરે છે તે જુઓ: ‘કેટલીક ગરબડ પછી આખરે એવું નક્કી થયું કે મોતીએ પંચના રિવાજ પ્રમાણે દાવો ચૂકવવો; દંડ તરીકે નાતને બે ખર્ચ આપવાં. પણ ત્રીજી શરત ઝમકુએ દાંતમાં તરણું લઈ નાત આગળ ઊભા રહેવું.’

અહીં જે છેલ્લી સજાનો હુકમ છે તે ઝમકુને માટે જ નહીં પણ સમગ્ર સ્ત્રીસમાજને કેવી સ્થિતિમાં જીવવું પડતું હતું તેનો પરિચાયક બને છે. પુરુષપ્રધાન સમાજની માનસિકતાની ગુલામી આ ગ્રામસમાજની સ્ત્રીઓને કરવી પડે છે. જો કે, આ સ્થિતિમાં પણ જુદી રીતે પુરુષનો વિરોધ કરનારી મનોરદાની પત્ની જેવી સ્ત્રીઓ છે એ સુ:ખદ ઘટના છે. મનોરદા મુખીપણું કરવામાં નિષ્ફળ ગયા છે, એવો આરોપ તેમની પત્ની તેમની ઉપર મુકે છે અને આક્રોશભરી વાણીમાં સંભળાવી દે છે : “માબાપનું નખ્ખોદ જાય તે આવા ઠેકાણે નાખી કે ન કોઈ દન હરખીને કાંઈ પે’રવાઓઢવા મળ્યું કે ન નિરાંતે ખાવા મળ્યું !’ મનોરદા પત્નીનો આ આક્રોશ પણ વંધ્ય છે, કારણ કે મનોરદા પત્નીનું એક શબ્દ પણ સાંભળવા રાજી નથી કે નથી રાજી એ સાંભળેલા શબ્દને અનુસરવામાં. લેખકને સમગ્ર નવલકથામાં જે તાકવું છે એ કદાચ એ છે કે આ પુરુષપ્રધાન માનસિકતાની વચ્ચે પણ મનોરદાનું પિતૃહૃદય કેવું દીકરીના ભલા માટે વલોપાત કરે છે.

આ નવલકથામાં આલેખાયેલો જે ગ્રામસમાજ છે એ ઈ.સ.૧૯૪૦ આજુબાજુના સમયનો છે. એ સમયમાં આ પ્રદેશમાં હજુ શિક્ષણ પહોંચ્યું નહોતું. પન્નાલાલ જેવા સર્જકે પણ અભ્યાસ કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડયો હતો. એ બાબત સહુ અભ્યાસીઓ જાણે છે. શિક્ષણ વિનાનો આ સમાજ રૂઢિચુસ્ત હતો. નાતનાં રિવાજો જડબેસલાક હતાં. આ સમયમાં પન્નાલાલ પટેલ દ્વરા લખાયેલી અન્ય નવલકથાઓ ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ માં પણ સ્ત્રીની વેદનાનો પરિચય આપણને થાય છે. પન્નાલાલ પટેલને આ ગ્રામસમાજનો પ્રત્યક્ષ અનુભવ હતો. એટલે એ સમાજની એ લોકની વાત વધારે અસરકારકતાથી એ રજૂ કરી શક્યાં છે.

‘વળામણાં’ નવલથામાં લેખકને વિશેષ રીતે અભિપ્રેત છે મનુષ્યની અંદર પડેલી સારપ. સમગ્ર સમાજ જ્યારે સ્ત્રીવિરોધી માનસિકતા ધરાવતો હોય, સ્ત્રીઓને માટે અલગ નીતિ-નિયમ હોય, જ્યાં સ્ત્રીને એની ઇચ્છા વિશે કશું જ પૂછવામાં ન આવતું હોય, ત્યાં પુરુષોની સભા(નાત) દ્વારા ન્યાય થતો હોય એવા સમાજમાં પણ મનોરદા હોઈ શકે છે એ લેખકને બતાવવું છે. આ સમય રૂઢિજડતાનો સમય હતો. લોકો વહેમી અને અંધશ્રદ્ધાળુ હતાં. સમગ્ર નવલકથામાં સ્ત્રી પ્રત્યેનાં વિધવિધ વલણો આપણે નીચેના કેટલાંક સંવાદોમાંથી પણ સારી રીતે સ્પષ્ટ થતાં જોઈ શકીએ છીએ:
‘એ કાળમુખીના સમાચાર પૂછતાં તમારી જીભ શું કરીને ઊપડે છે !’
‘મારા જેવી તો જો મા હોત તો અત્યાર લગી તો કયારનીય ગળે નખ દઈને મારી નાખી હોત, હોવે !’
‘આટઆટલી ફજેતી થતાંય માને લાજ નથી પછી વળી દીકરીમાં તો કયાંથી જ હોય !’
‘લાડ લડાવે એ બીજાં; હું તો ઝાલીને ચીરી જ નાખીશ હા-’
આ સંવાદો ઉપરથી સ્પષ્ટ થાય છે કે એ સમયમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કેવી તીવ્ર હતી તે બતાવે છે. ઝમકુનું બ્રાહ્મણ તલાટી સાથે ભાગી જવું એ સ્ત્રી હોવાને કારણે વધારે પજવનારું બની રહે છે. બીજી તરફ આ સ્થિતિમાં જેની સામેલગીરી છે એવા બ્રાહ્મણ તલાટીની સ્થિતિને જો તપાસીએ તો આપણને ખબર પડે છે કે એને સમાજે હડધૂત કર્યો નથી, ઊલટાનું એ તલાટીના સગાંઓએ ઝમકુને એ પરનાતની હોવાને કારણે ઘરની બહાર કાઢી મૂકી હતી. આ સ્થિતિમાં ઝમકુનો પક્ષ લે એવું એક પણ જણ આ ભૂમિ ઉપર દેખાતું નથી. ઝમકુની કરુણ સ્થિતિ નવલકથાનો એક મહત્વનો ઘટક છે. ઝમકુની વેદનાને લેખકે વિશેષ રીતે ઉપસાવી છે. ઝમકુની માને ઝમકુ માટે લાગણી હોય એ સ્વાભાવિક છે, પણ આ સ્થિતિમાં એ લાગણી બતાવી શકે એવી સ્થિતિ નથી. પુત્ર બહેચર, પુત્રવધૂ પણ તેની સાથે નથી. મનોરદા મુખી પાસેથી પણ તેને જે જવાબો મળે છે એ માતૃહૃદયને કોરી ખાનારાં છે. આ બધું તેણે સહન કરવું પડે છે કે કારણ કે તે ઝમકુની મા છે. સમાજે જે ધારાધોરણો સર્જયા છે એમાં મા-દીકરીના વાત્સલ્યની બલિ ચઢાવાઈ છે. ઝમકુના સાસરિયા જ્યારે ઝમકુને લેવા આવ્યા છે ત્યારે પણ ઝમકુને હડધૂત કરવાની કે અપમાનિત કરવાની ઇચ્છા દેખાઇ આવે છે. આ સંવાદ જુઓ :
‘હા હા અમારે તો બીજી લાંબીટૂંકી પંચાત જ નથી કરવી- અમારું મનેખ લાવો એટલે હેંડતા થઈએ.’
‘સીધી રીતે નઈં આલો તો પછી જોયા જેવી થશે હાં. રાંડનો ચોટલો ઝાલીને ગામ વચ્ચેથી ન ખેંચી જઉં તો મારી જણનારી ભારે મરી’તી!’
આ સંવાદ ઝમકુના પતિનો છે. ઝમકુએ પ્રારંભમાં કેવો ત્રાસ વેઠયો હશે એનો અંદાજ પણ આપણને આ સંવાદમાંથી આવે છે. આ ઉપરાંત નવલકથામાં એ વાતનો પણ નિર્દેશ મળે છે કે ઝમકુનો ધણી એને મારતો. આ મારપીટ કરનારા પતિનો દોષ જોવાને બદલે આખી નાત ઝમકુનો દોષ કાઢી બેઠી છે એ સ્થિતિ પુરૂષપ્રધાન માનસિકતાનો પરિચય કરાવે છે.

‘વળામણાં’ નવલથાના અંત વિશે વિચાર કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે એવો સૂર નીકળે છે કે સુખદ અંત છે. પરંતુ જરાક સૂક્ષ્મતાથી વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે ‘વળામણાં’ ના અંતમાં મનોરદા ઝમકુને એની માંગણી પ્રમાણે વતનમાં લઈ આવ્યા. ઝમકુની આ માંગ સંતોષાઈ, પરંતુ બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ઝમકુનું સગપણ અંબાના દીકરા મોતી સાથે ગોઠવી દેવામાં આવે છે. શું આ સગપણથી ઝમકુ રાજી છે ખરી? જો કે કથામાં ઝમકુને મનોરદા દ્વારા પૂછવામાં આવે છે :
‘એ ઝમકુ, તારાં લૂગડાં ગામમાં જ પે’રાવીએ તો ગમે ને?’
પરંતુ આ તો માત્ર પૂછવા ખાતર પૂછાયું છે. બાકી નિર્ણય તો આ પહેલાં લેવાઈ ચૂકેલો છે. આ વાત સાંભળીને ઝમકુ જે લજ્જા અનુભવે છે. એમાં એનો રાજીપો બતાવવાની ચેષ્ટા લેખકે કરી છે, પરંતુ આટલા વીતકોમાંથી ગુજરેલી ઝમકુ પાસે હવે પોતાની પસંદગીનો પક્ષ મુકવાની ક્યાં શકયતા બચી હતી.

સમગ્ર કૃતિમાં આલેખાયેલાં સ્ત્રીપાત્રો પોતાની મરજી પ્રમાણે જીવી શકતા નથી. સામાજિક ઢાંચો જ એ પ્રકારનો છે કે જેમાં સૌથી વધારે સહન કરવાનું સ્ત્રીઓને ભાગે આવે છે. સમગ્ર સ્ત્રી સમાજ પુરુષનાં આધિપત્ય નીચે જીવે છે.આ કૃતિમાં આલેખાયેલા ગ્રામસમાજમાં સ્ત્રીઓની વેદનાનું આલેખન ઉત્તમ રીતે થયું છે.લેખકનું સંવેદન વિશેષ રીતે નારી પાત્રો સાથે છે.

સંદર્ભગ્રંથો:
  1. પટેલ, પન્નાલાલ, વળામણાં, સાધના પ્રકાશન, અમદાવાદ, પુનર્મુદ્રણ, ૨૦૦૫.
  2. ચૌધરી, રઘુવીર, પન્નાલાલ પટેલ, સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩.
  3. ચૌધરી, રઘુવીર અને દવે, રમેશ, પન્નાલાલનું પ્રદાન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ૧૯૯૫.
પ્રવીણ રથવી, એસો. પ્રોફેસર (ગુજરાતી), સરકારી વિનયના કોલેજ, માંડલ, જી. અમદાવાદ