Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘ફોન્તામારા’ નવલકથામાં પ્રગટતી માનવ મનની કથા અને વ્યથા
‘ફોન્તામારા’ નવલકથાના લેખકનું નામ ઈગ્રાઝિયો સીલોની છે. એમતો એ કલમ(ઉપનામ) નામ છે. તેમનું ખરું નામ સેકોન્દો ત્રાન્કવીલી છે. ૧૯૦૦માં જન્મેલા સીલોની ૧૯૨૧માં રશિયાથી પાછા આવીને સામ્યવાદી પત્રના તંત્રી બન્યા. ૧૯૩૦માં સામ્યવાદી પક્ષ છોડ્યો, અને ઈટાલી છોડી સ્વિટ્ઝર્લેન્ડમાં વસ્યા. ત્યાં એમણે ફાસિવાદ વિરોધી લખાણ લખવા માંડ્યું. ‘ફોન્તામારા’ (કડવો ફૂવારો)થી શરૂ થયેલી લેખન પ્રવૃતિ, “નિરાશા સામે ટકી રહેવાનું લેખકનું માત્ર સાધન” બની. પંદર વર્ષનો સ્વૈચ્છિક વનવાસ ભોગવીને સીલોની પાછા ઈટાલી આવ્યા. આવીને એ સમાજવાદી પક્ષમાં જોડાયા.

‘ફોન્તામારા’ ૧૯૩૦માં જર્મનભાષામાં ઝુરિચમાંથી પ્રથમ પ્રગટ થઈ. તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૩૪માં પ્રગટ થયો. અને સપ્ટેમ્બર, ૧૯૬૩માં જયંતિ દલાલે ગુજરાતીમાં અનુવાદ કર્યો. ‘ફોન્તામારા’એ સીલોનીની પ્રથમ નવલકથા છે. કરુણમાં કરુણવાતને પણ આડંબર વિનાના રચી છે. તેમની ખરી કલા એની નિર્વ્યાજ સરળતામાં છે.

લેખક સીલોની એક રાતે મોડેથી ઘેર આવતા હતા. ત્યાં ઘરના ઊમરા પાસે જ ત્રણ ગામડિયા ખેડૂતો જેવા માણસો બેઠાં હતા. બે ભાઈ અને એક બાઈ. એમનાં માથાં પરનાં ટોપાં અને એમની કંતાનની થેલી પરથી જ લેખક તેમને ઓળખી ગયા. આ નક્કી ‘ફોન્તામારા’ના જ નિવાસી. સામે ઊભો હતો એક ખખડધજ જેવો વૃદ્ધ માણસ. પાતળો અને ઊંચો. ભય પામ્યો હોય અને લોહી ઊડી ગયું હોય એવો એનો ચહેરો. દાઢી પર કાબરા વાળના કાંટા. કરચળિયાળો ચહેરો. અને જાણે એના પડછાયાનો આશરો લઈને ઊભો હોય એમ એની પત્ની અને દીકરો ઊભાં હતાં. એ બધાં ઘરમાં પ્રવેશ કરે છે, બેઠાં અને એમણે એમની વાત માંડી.

વૃદ્ધજને પહેલું બોલવાનું રાખ્યું. પછી તંતુ એની પત્નીએ ઉપાડી લીધો. પાછો એ જઈફ પુરુષે છેડો ઝીલી આગળ ચલાવ્યું. પાછો એની પત્નીનો વારો આવ્યો. ફરી પાછાં એ બંનેએ બોલવાના વારા કાઢયા. પછી બોલ્યો દીકરો અને છેલ્લે ઘરડા ડોસાએ સમારોપ કર્યો. એમણે જે કહ્યું તે આ ‘ફોન્તામારા’.

‘ફોન્તામારા’ નવલકથાની શરૂઆતમાં જૂન માસની પહેલી તારીખે પહેલી જ વાર વીજળી વિના રહેવાનું બને છે. અને પછી તે રોજનો ક્રમ બનતો જાય છે. ગામને હવે ચંદ્રના પ્રકાશનો હેવા પડ્યો. એ વાત ગામના વુધ્ધ લોકો જાણે છે. એ વીજળીયુગ અને ચંદ્રયુગ વચ્ચે તો ઘાસતેલ અને પેટ્રોલનો યુગ આવી ગયો હતો. તેનું કારણ લોકો વીજળીની બતી માટે એક પૈસા પણ ભરતા નહીં. ઈનોસેન્ઝો નામે એક માણસ કર કે વેરાના કાગળ આપવા ગામમાં આવતો હતો. ત્યારે તે કાગળની લોકો ભૂંગળી બનાવી ચલમ સાફ કરતા હતા. એ છેલ્લીવાર આવ્યો ત્યારે, તે જીવતો માંડ ગયો હતો. એટલે કરવા જેવું એક જ બાકી રહ્યું, બસ વીજળીનો પ્રવાહ અટકાવી દીધેલ. બાજુના ગામમાં દીવા ઝબકવા લાગ્યા હતા. પણ ‘ફોન્તામારા’માં અંધારું હતું.

જનરલ બાલ્દીસેરા તો સાવ હતાશ થઈ ગયેલા. એમના ઘર આગળ જ દીવો હતો. એના પ્રકાશમાં એ ઉનાળાના દિવસોમાં મોડી રાત સુધી જોડાનું સમારકામ કર્યા કરે છે. છોકરાવ તેમની ખીલીઓ, મીણ, રાંપી અને દોરા, વાધરીના ટુકડાને રમણભમણ કરી મુકે છે.

નવલકથામાં માઈકેલ ઝોમ્પા, જીઆકોલે લોસુર્દો, પોન્ઝિયો પાપલેતો, એન્તોનિયો રનીશીઆ, બાલ્દોવિનો શિયારપ્પા, જીઆસિન્તો બારલેતા, વેનેર્દી સાન્તો, સીરો ઝીરોન્દા, પાપસિસ્તો જેવા પુરુષ પાત્રો છે. જે સાંજે મળીને કરની વાતો કરે છે. ત્યાં ગામમાં સાઈકલપર એક જુવાન આવે છે. તેનું નામ “નામદાર પેલિનો” હતું. તે વીર પુરુષની સોર્સાનેરા વિધવા પાસે આવ્યો હતો. તેનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામ્યા પછી પણ ત્રીજી કે ચોથી વાર તેને ભારે પગ થયો હતો. જુવાન આવીને તેની પાસે કાગળિયા મુકે છે. લોકોને થાય છે, હવે આ કયો કર હશે ? એથી કોઈ સહી કરવા રાજી નથી. ઘરપર વેરો, વાડીપર વેરો, ગધેડાપર વેરો, કૂતરાપર વેરો, વાવ્યું તેની પર વેરો, ગલ્લાપર વેરો, દારૂપર વેરો ! હવે શું બાકી રહ્યું છે. પાછો એણે ખુલાસો કર્યો કે આ વેરો નથી. આ કાગળતો મૂળમાં હતી એક અરજી. તેના મથાળે લખેલું હતું, “મિલિશિયાના અફસર નામદાર પેલિનોને ઉપર લખેલી વાતને ટેકો આપવા સહી કરી છે.” બાકી કાગળ કોરું હતું. આ અરજી શેની છે. તેની તેને પણ ખબર નથી.

ત્યાં જનરલ બાલ્દીસેરા આવી પહોંચ્યા. “આમા કંઈ લેવા દેવાનું નથી, તો હું સહી કરું !” એમ કહી બાલ્દીસેરાએ પહેલી સહી કરી. અને પછી બધા ‘ફોન્તામારા’ના ખેડૂતોના નામ લખાયા. તેનું કારણ ગામના લોકો અભણ હતા. અને ગામની ભૂગોળનો ઉલ્લેખ છે. માંડવાની જમીનના માલિક ડોન કાર્લો મેગ્ના હતા. કસ્બામાંથી ડોન અબાશિયો આવી પ્રાર્થના કરાવે અને પ્રવચન કરે છે. તેમણે દેવળમાં પાદરીબુઆને લાવવા માટે કહ્યું. અને તેમના સ્વાગતની તૈયારી કરવા લાગ્યા. આગળ જનરલ બાલ્દીસેરા ચાલ્યા હતા. અને દેવળમાં તીઓફિલોને લાવવામાં આવ્યા.

રોમથી કોન્ટ્રાકટરની નિમણૂક થઈ હતી. ‘ફોન્તામારા’ ગામની નદીનો પ્રવાહ બદલાવવામાં આવ્યો હતો. એથી મહિલાઓ ફરિયાદ માટે ગઈ હતી. તેનું કારણ ગામના મોટાભાગના પુરુષો કામે ગયા હતા. તેમાં આગળ મારિયેતા અને સોર્સાનેરા હતા. કોન્ટ્રાકટરના હાથમાં બેંક અને ટંકશાળા હતી. તેથી જમીન-માલિકો તેના નામથી ડરતા હતા. છતા તેને પોદેસ્તા(મુખી) કેમ બનાવી દેવાયો તે કોઈને સમજાતું ન હતું.

એક અઠવાડિયા પહેલા જ ‘ફોન્તામારા’ ગામના પાણીનું વહેણ જે ઠેકાણે વાળવાનું હતું. તે જમીન જ ડોન કાર્લો મેગ્ના પાસેથી કોન્ટ્રાકટરે ખૂબ સસ્તામાં ખરીદી લીધી હતી. સરકારે તેને પોદેસ્તા(મુખી) બનાવ્યો છે. તેણે તો માણસોને જમીન પરનું વહેણ વાળવાના કામે લગાડયા હતા. હવે તે સ્ત્રીઓ પોદેસ્તાના બંગલે જવા નીકળી હતી. ત્યાં રસ્તામાં તેમને “એન્તોનિયો ઝપ્પા” મળ્યો હતો. તે ‘ફોન્તામારા’નો ભરવાડ હતો. તેને પણ કોન્ટ્રાકટરનું કામ હતું. કેમ કે રોજ તે બકરા ચરાવતો હતો, તે ચારો પણ કોન્ટ્રાકટરની માલિકીનો થઈ ગયો હતો. ત્યાં ડોન સિર્કોસ્તાન્ઝાએ આ સ્ત્રી વર્ગને જોયો તેવો જ તેમને આવકાર આપ્યો. ‘ફોન્તામારા’ના લોક માટે તેમને ખાસ લાગણી હતી. મારિયેતા, સોર્સાનેરા આગળ વધી અને ‘ફોન્તામારા’ના વહેણને વાળવાની રીતને વર્ણવી બતાવી. ત્યાં મહેમાનોની વચ્ચે સિપાહીઓના જમાદાર આગળ આવ્યા. ખીસામાંથી ‘ફોન્તામારા’ ગામના રહેનારાઓની સહી સાથે મોકલેલી અરજી બતાવી. તેમાં “એક પણ અપવાદ વિના આમાં સહી કરનાર ‘ફોન્તામારા’ના ઓછું ઉત્પાદન આપતા ખેતરોને બદલે આ ઝરણાના પાણીનો લાભ શહેરની જમીનને આપવો.” એવો ઉલ્લેખ હતો. ડોન સિર્કોસ્તાન્ઝા બહેનો બાજુ બોલ્યા. પોણા ભાગનું પાણી બંનેને આપવાનું નક્કી થયું. ગામવતી ડોન સિર્કોસ્તાન્ઝાએ સહી કરી હતી. તેની એક કાગળમાં નોંધણી થઈ. પણ ‘ફોન્તામારા’ના લોકોને કાગળમાં શું સમજૂતી થઈ તેની કોઈને ખબર ન હતી. અને એક ભાગમાંથી પોણા બે ભાગ કેમ પડે ? તે આપણને પણ પ્રશ્ન થાય એવો એ પ્રશ્ન હતો.

નામચીન ધાડપાડુ વાયોલાનો એ દીકરાનો દીકરો. પીદમોન્તીઝે ૧૮૬૭માં પકડેલો આ છેલ્લો ધાડપાડુ. બેરાર્દોને વારસામાં દાદાના દિમાગ અને દેહ મળ્યા હતા. હિજરત કરવા દેવામાં નહીં આવે એવી જાણ થતા બીજે દિવસે ડોન કાર્લો મેગ્નાની વાડીની બધી દ્રાક્ષ કપાઈ ગયેલી. મોટરવાળાને માટે મૂકવામાં આવેલી નિશાનીના પાટિયાં તો બે ત્રણ દિવસથી વધારે રહેતા નહીં. “આ શહેરવાળા જોડે જીભાજોડી કરવી જ નકામની.” એ બેરાર્દો વાયોલાનો જીવન સિદ્ધાંત હતો.

‘ફોન્તામારા’ ગામમાં આજે જેટલા જુવાનિયા હતા. તેનું કારણ હિજરત પર પ્રતિબંધ આવ્યો પછી કોઈ ગામ બહાર જતુ ન હતું. અને માટે કામકરનાર વધારે હતા. જયારે કામ ઓછુ હતું. ગામના લોકો મોટે ભાગે ખેતરમાં મજૂરી કરતા હતા. એન્તોનિયો ઝપ્પાના તબેલામાં એન્તોનિયો, સ્પાવેન્તા, લુઈગી દેલ્લા ક્રોસે, પલુમ્મો, રાફાયેલ સ્કારપોની, વેનેર્દી સાંતો, પોન્ઝીઓ પાઈલેતોનો દીકરો. બીજા પણ ત્યાં ભેગા થતા હતા.

એલ્વીરા અને બેરાર્દો બંને લગ્ન કરવાના હતા. એ પહેલા બેરાર્દો થોડી સંપત્તિ ભેગી કરવા ઈચ્છતો હતો. બાલ્દીસેરાને મોચીકામ કરવા માટે કાગળિયાં કઢાવી આપવામાં આવ્યા હતા. એલ્વીરાને પણ બાપદાદાનું વણકરકામ કરવા માટે કાગળિયાં મળિયા હતા. તમારે કામ કરવું હોય તો કરો. વેરો ભરો અને કાગળિયાં કઢાવો. જૂનમાં સમાચાર આવ્યા. માર્સિકાના ખેડૂતોના પ્રતિનિધિઓને આવેઝઝાનોનું તેડું આવ્યું હતું. રોમમાં સ્થપાયેલી નવી સરકારે ફુસિનોના પ્રશ્નનો શો ઉકેલ નક્કી કર્યો હતો. એક રવિવારે સવારે ‘ફોન્તામારા’ના પાદરમાં એક ખટારો આવ્યો. એ સમયે ગામમાં દસ કે બાર લોકો જ રહ્યા હતા. તેમાં બેરાર્દો પણ હતો. તેઓ ફુસિનોના પ્રશ્નને સાંભળવા માટે આવેઝઝા પહોંચે છે. રાત્રે ચાલીને પાછા ફરે છે.

કોન્ટ્રાકટરએ જે ચારાના એક ટુકડાને અલગ કર્યો હતો. તેના ફરતે લાકડાની વાડ બનાવી હતી. તેને લોકો વારંવાર આગ લગાવી મુકતા હતા. અચાનક ‘ફોન્તામારા’માં એક પછી એક ખટારાઓ આવવા લાગે છે. અને ગામના દરેક ઘરની તપાસ કરે છે. ને સ્ત્રીઓ ઉપર જુલ્મો ગુજારે છે. બળાત્કાર જેવા જુલ્મો. અચાનક દેવળનો ઘંટ વાગે છે ને એક પડછાયો દેખાય છે. એ જોઈને સૈનિકો ભાગે છે. અને તેમાનો એક ખટારો ઝાડના એક થડ સાથે અથડાય છે. આ બધુ એલ્વીરાની આંખો સામે બની ગયું છે. માટે તે બીમાર પડી છે. તેની સેવામાં બેરાર્દો રાત-દિવસ રહે છે.

જઈફ નામે એક માણસ રોમથી આવે છે. તેનું નામ પેપીનો ગોરિયો છે. તે પોર્તા પિયાના વીર પુરુષ છે. તે રોમમાં જીવન ગાળીને આવ્યો છે. સાથે એક ચોપડી પણ લાવ્યો છે. તેને તે પોતે જ વાંચે છે. સરકાર શાહજાદા તોર્લોનિયા છે. તે ૮૦૦૦ ઉપરાંત એકર જમીનના માલિક છે. ‘ફોન્તામારા’માં જે થોડું ધાન્ય ઉગે છે તેને કોન્ટ્રાકટર ૧૨૦ લાયરમાં ખરીદે છે. અને પછી ભાવ વધતા ૧૭૦ લાયરમાં વહેંચે છે. જે ભાવમાં વધારો થશે તે પહેલેથી તેને જાણ હોય છે. એ કાયદાનો આમ ઉપયોગ કરે છે. તો ડોન સિર્કોસ્તાન્ઝા પણ ખેતરમાં કામ કરાવી. કાયદા પ્રમાણે મજૂરીના ભાવ ઘટે, પછી જ મજૂરીની રકમ ચુકવે છે. બાલ્દોવીના સિયારપ્પા અને એની પત્નીને ડોના ઝિઝોલા બોલાવે છે. જમીનનું ગણોત ઓછું ભર્યું હતું. આગલે વર્ષે ગણોત ઉપરાંત બે ડઝન ઈંડા આપ્યા હતા. તો ડોના ઝિઝોલા દર વર્ષે બે ડઝન ઈંડા મળવા જોઈએ તેમ કહે છે.

પાણીનો પ્રશ્ન ફરી આવ્યો. ડોન અબાકિયા એ વચ્ચે ઉમેર્યું. “હું સૂચવું છું કે કશી મુદત નક્કી કરો. એ મુદત પછી આ પાણી આખું ને આખું ફોન્તામારાના લોકને મળે. ફોન્તામારાના લોકને એથી ધરપત થશે. એમને નુકશાન થયું. પણ તે કાયદાની રીતે થયું. એ નુકસાનને કાયમી ન બનાવો.” ત્યારે ફરી ડોન સિર્કોસ્તાન્ઝા આગળ આવ્યા. તેમણે કહ્યું, “હું દસ ચમકનો ગાળો સૂચવું છું” તે નક્કી કરવામાં આવ્યું. અને દસ ચમક એટલે કેટલો સમયગાળો ? તે કોઈને ખબર ન હતી. “જેના ખોળામાં માથું મૂક્યું એણે જ ગરદન કાપી.” તે ડોન સિર્કોસ્તાન્ઝા હતા. હવે બધાની આંખ ખૂલી ગઈ હતી. ડોન કાર્લો મેગ્ના અને મોટા જમીનદારોને બેંક તરફથી ઘણું વેઠવું પડ્યું હતું. હાટ(બજાર)માં કંટ્રાટી(કોન્ટ્રાકટર) કહે તેમ ભાવ માંડતા હતા.

“ખેડૂતો પાસે ખાવાની ભાખરી નથી. જોડા સીવનાર ઉઘાડા પગે ફરે છે. દરજીનાં કપડાં ફાટેલાં છે અને મકાન ચણનાર કડિયાને માથે છાપરું નથી”- બાલ્દીસેરા તો આમ જ પ્રચાર કરવા લાગ્યા હતા.

બેરાર્દો એ હવે રોમ જવાનું નક્કી કર્યું હતું. રાત્રે સ્કારપોની બેરાર્દોને સમજાવવા માટે આવ્યો હતો. ડોન કાર્લો મેગ્નાની પત્ની એ જઈફ, મોચીને પ્રેટ્રોલ અને હથિયાર જોઈતાં હોય તો મોકલી આપવાનું કહ્યું હતું. ત્યારે બેરાર્દોએ કહ્યું, “પછી મજૂરી કોણ આપશે ?” બેરાર્દોને એલ્વીરાએ કહ્યું, “મારી માટે કરતો હોય તો ન કરતો.” છતાં બીજે દિવસે બેરાર્દો રોમ જવા નીકળ્યો છે. સાથે નવલકથા કહેનારનો દીકરો પણ હતો. જે પછીની નવલકથાનો દોર લેખક તેને આપે છે. સાત દિવસમાં બેરાર્દોના પૈસા પુરા થઈ ગયા. રાત્રે તેને ઓરડીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. ત્યાં કોઈ બીજા વ્યક્તિ રહેવા આવે છે. ઘણાં દિવસોથી તેણે કઈ ખાધું નથી. તે સ્ટેશને જાય છે. ત્યાં આવેઝઝાનો એક સિપાહી તેને મળે છે. તે હોટલમાં તેને જમાડે છે. અને હોટલમાં તેને રહસ્યમૂર્તિ તરીકે એક પોટલા સાથે પકડવામાં આવ્યો. પોલીસને જાણવું હતું, પણ તે કંઈ જાણ કરતો ન હતો. સાથે રહેલ છોકરાને કંઈ ખબર ન હતી. છોકરાને એકતાની વાત ગામ લોકોને કહેવા બેરાર્દો કરે છે. એલ્વીરાનું પણ અવસાન થઈ ગયું હતું. અને બેરાર્દોએ પણ આત્મહત્યા કરી છે. તેવું પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું. દેવળમાં તીઓફિલોએ પણ આત્મહત્યા કરી છે.

છોકરાને ટ્રેનમાં બેસાડીને ‘ફોન્તામારા’ મોકલવામાં આવ્યો. ત્યાં રહસ્યમૂર્તિ હતો. તેની પાસે શિલા છે. જે છાપવાનું યંત્ર છે. હવે છાપાનું નામ શું રાખવું ? એ પ્રશ્ન થાય છે. અને “ત્યારે આપણે કરીશું શું ?” એવું છાપાનું નામ રાખવામાં આવે છે. બીજે દિવસે કેટલીક નકલો વહેંચવા તે સાન બેનેદેતો જવા નીકળ્યા. નકલો વહેંચી પાછા ફર્યા. ત્યાં અડધે પહોચ્યા ત્યાં ભડાકા સંભળાયા. પાસ્કલ સીપોલ્લાનો ભેટો થયો. તે પેસીના તરફ દોડતો હતો. તેની સાથે તે પણ દોડવા લાગ્યા. અને સ્કારપોની, વેનેર્દી સાન્તો, જનરલ બાલ્દીસેરા મૃત્યુ પામ્યા છે. પોન્ઝીઓ પાઈલેતો, માઈ કેલ ઝોમ્પા ભાગી છૂટ્યા. રહસ્યમૂર્તિએ દેશ છોડી જવામાં મદદ કરી છે. અંતમાં “અમે પૂછીએ છીએ : ત્યારે અમે કરીશું શું ?”

‘ફોન્તામારા’ નવલકથાની વાત દરેક માનવીને કોઈને કોઈક રીતે સ્પર્શે એવી છે. ‘ફોન્તામારા’, ઈટાલીનું ગામડું હોવા ઉપરાંત ઈગ્રાઝિયો સીલોનીની નવલકથા છે. એ ઉપરાંત ૧૯૨૨ના ગાળામાં ઈટાલીમાં આવું આવું કરતા ફાસિવાદને પોતાની કંગાલિયતને, અસહાયતાને કારણે મોકળું મેદાન આપતાં ભાંગેલા ગામડાંને તૂટેલા મનની નવલકથા છે. પણ સાથે એ માનવી અને માનવતાની, આશા-અરમાન અને ઉત્સાહની નવલકથા છે. માનવીનું મન અમુક વાતમાં બેસે પછી માનવી ગમે તે ભોગે આપતાં પાછું વળીને નથી જોતો એવી ઉદાતતાની નવલકથા છે. જે વાત ગુજરાતી સાહિત્યમાં અનુવાદ રૂપે જયંતિ દલાલે આપણી સમક્ષ સરળ રીતે મૂકી આપી છે.

સદર્ભગ્રંથ
  1. દલાલ, જયંતી. (૧૯૬૩) ફોન્તામારા. અમદાવાદ : રવાણી પ્રકાશન ગૃહ.
પારસ જી. ઓગાણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ-મેલ.: PPARAS39@GMAIL.COM