૧. લાશ
શૈતાની રમતો જ્યાં બહુ જાગી છે,
ત્યાં પ્રકૃતિ પ્રકોપી ઘણી લાગી છે.
શ્વાસોની મોંઘવારી પણ બેશરમ જામી છે,
ત્યાં શબોની પાનખર પણ ઘણી લાગી છે.
આશરા વિનાની લાશો જ્યાં બેખબર સૂતી છે,
ત્યાં હૂંફ વિનાની જિંદગી બહુ નઠારી લાગી છે.
મડદાની કતારો તો જુઓ બહુ લાગી છે,
ત્યાં સ્મશાનભૂમિ પણ ઘણી થાકી છે.
ખોફનાક વિદાય જ્યાં આવી છે,
ત્યાં મોતના માતમો ઘણા લાવી છે.
કાળને જીતવાની ચાનક જ્યાં લાગી છે,
ત્યાં જીવનની નવી ઉમેદ દેખાતી લાગી છે.
૨. ઇન્સાન
તું તો છતની છાયામાં કામળો ઓઢીને નિરાંતે સૂતો રહ્યો,
ને હું તો નામઠામ વિનાનું ટાટિયું વીંટીને ઠૂઠવાતો રહ્યો!
તું તો ફૂલોની ફૉરમ છાંટીને મનને બહેલાવતો રહ્યો,
ને હું તો રૂદિયાને રેલાવીને માનવતા મહેકાવતો રહ્યો!
તું તો હોટેલોમાં પકવાનો આરોગીને પણ રોગી રહ્યો,
હું તો ઝૂંપડાંમાં મરચું-રોટલો ખાઈને પણ નિરોગી રહ્યો!
તું તો માનવ મેદનીમાં પણ હૂંફના વલખાં મારતો રહ્યો,
ને હું તો એકલો છું પણ સંબંધોઓના વર્તુળ બાંધતો રહ્યો!
તું તો ધનવાન થઈને પણ બદતર જિંદગી જીવતો રહ્યો,
ને હું તો નિર્ધન છું પણ મોજથી જિંદગી જીવતો રહ્યો!
તું તો ભણતર મેળવીને પણ બદમાશી પ્રપંચો ખેલતો રહ્યો,
ને હું તો અભણ રહીને પણ ઇન્સાની ઈમારતો ચણતો રહ્યો!