Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વાલ્મીકિ રામાયણ અને જૈન રામાયણનો તુલનાત્મક અભ્યાસ
ભારતીય સાહિત્યમાં બે મહાકાવ્ય રામાયણ અને મહાભારત પ્રાચીન સમયથી લઈને આજના વર્તમાન સમય સુધી સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. આજના સાહિત્ય પર તેની અસર જોવા મળે છે, તેમજ સામાજિક અને ધાર્મિક રીતે પણ આગવું મહત્વ ધરાવે છે. જેમાં વાલ્મીકિ કૃત રામાયણ અગત્યનું સ્થાન ધરાવે છે. રામાયણની રચના વાલ્મીકિ એ કયારે કરી તેના સમય અંગે ચોક્કસ એકમત નથી, તેમજ તેના વિશે આધારભૂત માહિતી પણ પ્રાપ્ય થતી નથી. સર વિલિયમ જોન્સ આદિ રામાયણનો સમય ઈ.સ.પૂર્વે ૨૦૨૯ માને છે. ડૉ. બુલ્કેએ ઈ.સ.પૂર્વે તૃતીય શતાબ્દી સ્વીકાર્યો છે. હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રનો રચનાસમય ઈ.સ. ૧૧૬૦ છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથની રચના કુમારપાલની વિનંતીથી કરી હતી.

વાલ્મીકિ એ ચોવીસ હજાર શ્લોક, પાંચસો સર્ગ, છ કાંડ તે ઉપરાંત ઉત્તરકાંડમાં રામાયણની રચના કરી છે. સમગ્ર રામાયણ અનુષ્ટુપ છંદમાં રચાયું છે. જેમાં બાલકાંડ, અયોધ્યકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ એમ સાત કાંડ છે. વાલ્મીકિ રામાયણની શરૂઆત વાલ્મીકિ નારદને પ્રશ્ન પૂછે છે ત્યાંથી થાય છે. તેના જવાબમાં નારદ મુનિ રામાયણની સંક્ષિપ્ત કથા સંભળાવે છે. વાલ્મીકિને ક્રૌચવધદર્શનથી રામાયણ રચવાની પ્રેરણા મળે છે, તેમજ બ્રહ્મા વાલ્મીકિને રામાયણ રચવા માટે આજ્ઞા કરે છે. રામાયણના અંતમાં ઉત્તરકાંડ છે જેમાં રામના સ્વર્ગવાસ સાથે રામાયણ પૂર્ણ થાય છે.

હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં છત્રીશ હજાર શ્લોક, દસ પર્વોમાં ૨૪ તીર્થંકર દેવો, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ કુલ ૬૩ શલાકાપુરુષોના પૂર્વભવો તથા જીવનચરિત્રો આલેખવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક પ્રશ્ન જરૂર થાય કે, ‘શલાકાપુરુષ’ એટલે કોણ ? શલાકાપુરુષ એટલા માટે કહેવાય છે કે, તેમનું મોક્ષગમન નિશ્વિત હોય છે. ચોવીશ તીર્થંકરો તો પ્રથમથી મોક્ષગામી જ હોય છે. બાર ચક્રવતીઓ જો ચરિત્ર ગ્રહણ કરે તો સ્વર્ગે અથવા મોક્ષે જાય છે, અને સંસારમાં રહે તો નરક જાય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તો તે ભવમાં નરકે જ જાય છે. નવ બલદેવ ઉત્તમ જીવો હોવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ મહિને સ્નેહબંધનથી નિવૃત્ત થઈ ચારિત્ર ગ્રહણ કરે છે અને મોક્ષે કાં દેવલોકે જાય છે.

જૈન રામાયણનો સમાવેશ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના સાતમાં પર્વમાં થાય છે. જેમાં તેર સર્ગ છે. તેમાંથી ૧ થી ૧૦ સર્ગમાં રામાયણની કથા આપવામાં આવી છે. સર્ગ ૧૧ થી ૧૩માં શ્રી નમિનાથજી ચરિત્ર, શ્રી હરિષેણ ચક્રવતીનું ચરિત્ર અને જય ચક્રવતીનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. જૈન રામાયણની શરૂઆત રાક્ષસવંશની ઉત્પત્તિથી થાય છે. જેમાં રાક્ષસવંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા આપેલી છે. અંતમાં રામનું નિર્વાણગમન, રાવણ, સીતા, ભામંડલ, અનંગલવણ, મદનાંકુશ વગેરેના પૂર્વભવ, લક્ષ્મણનું મરણ અને રામની દીક્ષા તેમજ નિર્વાણ સાથે જૈન રામાયણ પૂર્ણ થાય છે.

રામજન્મ

રાજા દશરથ પ્રથમ અશ્વમેઘ યજ્ઞ કરાવે છે. તેમને ત્રણે રાણીઓથી એકપણ પુત્ર ન હોવાથી પુત્રેષ્ટિ યજ્ઞ કરાવે છે, ત્યારે યજ્ઞકુંડમાંથી એક તેજસ્વી પુરુષ (યજ્ઞપુરુષ) પ્રગટ થાય છે. તેના હાથમાં પાયસાન્નથી પૂરેપૂરા ભરેલા ઉત્તમ સુવર્ણનું પાત્ર હતું. જે રાજા દશરથના હાથમાં આપી આ પાયસ(દૂધપાક) રાણીઓ સહિત ગ્રહણ કરવા આજ્ઞા કરે છે, જેમાંથી અર્ધો ભાગ કૌશલ્યાને આપ્યો. પછી બાકી રહેલા અર્ધા ભાગના બે ભાગ કરી તેમાંથી એક ભાગ સુમિત્રાને આપ્યો. સુમિત્રાને આપતા બાકી રહેલા ભાગના પણ પાછા બે વિભાગ કરી તેમાંથી એક કૈકેયીને આપ્યો, અને કૈકેયીને આપતાં વધેલો અમૃત સમાન પાયસનો અષ્ટમાંશ ભાગ ફરી સુમિત્રાને આપ્યો. થોડા સમયમાં રાણીઓએ ગર્ભધારણ કર્યા. કૌશલ્યા એ ચૈત્ર માસ, વસંતઋતુ, શુક્લ પક્ષ, નવમી તિથિ અને પુનર્વસુ નક્ષત્રના દિવસે રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુધ્નને જન્મ આપ્યો. ભરતનો જન્મ પુષ્ય નક્ષત્રમાં, લક્ષ્મણ અને શત્રુધ્નનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો હતો. બારમે દિવસે દશરથ રાજાએ ગુરુ વસિષ્ઠને બોલાવી ચારેય પુત્રોના નામકરણસંસ્કાર કર્યા.

જૈન રામાયણના સર્ગ ચારમાં રામના જન્મની કથા છે. દશરથ રાજાને અપરાજિતા, સુમિત્રા, સુપ્રભા અને કૈકેયી એમ ચાર રાણીઓ હતી. એક દિવસ રાત્રિના શેષ ભાગે બલભદ્રના જન્મને સૂચવનારા હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય એ ચાર સ્વપ્ન જોયા. તે વખતે મહર્દ્ધિકદેવ બહ્મલોકમાંથી તેના ઉદરમાં અવતર્યો. આમ અપરાજિતાએ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ‘પદ્મ’ એવું પાડ્યું. લોકમાં તે ‘રામ’ નામથી પ્રખ્યાત થયો. સુમિત્રાએ વાસુદેવના જન્મને સૂચવનારા સાત સ્વપ્ન જોયાં, તેને ‘નારાયણ’ નામના પુત્રને જન્મ આપ્યો. લોકમાં તે ‘લક્ષ્મણ’ નામથી ખ્યાતિ પામ્યો. કૈકેયીએ ભરત અને સુપ્રભાએ શત્રુધ્નને જન્મ આપ્યો. આમ દશરથ રાજાને ચાર રાણીઓથી ચાર પુત્રોનો જન્મ થયો. અહીં દશરથ રાજા પોતે જ નામકરણસંસ્કાર કરે છે.

વિવાહ

પૂર્વે નિમિ રાજાના પુત્ર દેવરાત નામના જનકના હાથમાં દેવોએ મહાધનુષ થાપણરૂપે સોંપ્યું. એ જ ધનુષને સીતા બાળપણમાં પોતાના હાથમાં ઉપાડી ફેરવતી હતી. આ જોઈને જનક રાજા વિચારે છે કે, “આ મારી પુત્રી આટલી શક્તિશાળી છે માટે જે કોઈ રાજા આ મોટા શિવધનુષ્યની પણછ ચ઼ડાવશે, તેને જ હું આ કન્યા પરણાવીશ.” આ શિવધનુષ્ય એક લોઢાની પેટીમાં રાખેલ હતું, જેને ખેંચવા પાંચ હજાર સેવકોની જરૂર પડતી. કોઈપણ અન્ય રાજા શિવધનુષ્યની પણછ ચડાવી શક્યા નહીં. ગુરુ વિશ્વામિત્રને વંદન કરી રામ ધનુષ નજીક ગયા, તેમણે એક છેડાને પોતાના જમણા પગના અંગૂઠાથી ટેકવી જરા વારમાં તેની પણછ છડાવી દીધી. પછી તો ધનુષના બે ટુકડા થઈ જાય છે. જનક રાજાએ પોતાના મંત્રીઓને રામચંદ્રના વિવાહ માટે દશરથ રાજાને જાન લઈ મિથિલા નગર પ્રત્યે તેડી લાવવા કુંકુમપત્રિકા લખી આપી અયોધ્યા મોકલ્યા. મંત્રીઓએ અયોધ્યામાં આવી સમાચાર આપ્યા. દશરથ રાજા સમગ્ર પરિવાર, સેના અને અન્ય લોકો સાથે મિથિલા આવ્યા.

આમ રામચંદ્રના લગ્ન સીતા સાથે, લક્ષ્મણ અને ઊર્મિલા, જનક રાજાના નાના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે ભરતનું અને શત્રુધ્નના શ્રુતિકીર્તિ જોડે વિવાહ થયા. ચારેય ભાઈઓએ અગ્નિની ત્રણ વાર પ્રદિક્ષણા કરીને પોતાની પત્નીઓને અર્ધાગભાગિની કરી.

જૈન રામાયણના સર્ગ ચારમાં વિવાહ પ્રસંગનું આલેખન છે. રથનપુરના રાજા ચંદ્રગતિએ ભામંડલ માટે સીતાની માંગણી કરી, પણ રામ લક્ષ્મણ જનક રાજાને યુદ્ધમાં મદદરૂપ થયા હોવાથી સીતા રામને આપી દીધી હતી. એ વાત ચંદ્રગતિ ન સ્વીકારતા જનક રાજાને વજ્રાવર્ત અને અર્ણવાવર્ત નામે બે ધનુષ્ આપ્યા અને કહ્યું કે, જો તે બે ધનુષ્યમાંથી એકને પણ રામ પણછ ચડાવશે તો અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. આમ રામે વજ્રાવર્ત ધનુષ્યની પણછ ચડાવી સીતાને પ્રાપ્ત કરી. અને લક્ષ્મણે રામની આજ્ઞાથી અર્ણવાવર્ત ધનુષ્ય ચડાવ્યું. વિદ્યાધરોએ દેવકન્યા જેવી અઢાર કન્યાઓ લક્ષ્મણને આપી. જનકના નાના ભાઈએ સુપ્રભા રાણીની પુત્રી ભદ્રા ભરતને આપી. રામ લક્ષ્મણ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં આવ્યા પછી રામ પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા સાથે પરણ્યા. લક્ષ્મણને સોળ હજાર સ્ત્રી હતી, જેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, જિતપદ્મા, કલ્યાણમાળા, મનોરમા, રતિમાળા અને અભયવતી એમ આઠ પટરાણી હતી. અહીં શત્રુધ્નના લગ્નનો ઉલ્લેખ નથી.

કૈકેયીની વરદાનપ્રાપ્તિ

વાલ્મીકિ રામાયણના અયોધ્યાકાંડમાં સર્ગ અગિયારમાં કૈકેયી પૂર્વેના બે વરદાન રાજા દશરથ પાસે માંગે છે. એક તો ‘ભરતને રાજ્યાભિષેક કરો’ અને બીજું વરદાન ‘જયેષ્ઠ પુત્ર રામ ચીર અને મૃગચર્મ ધારણ કરી તપસ્વીપણે ચૌદ વર્ષ પર્યંત દંડકારણ્યમાં નિવાસ કરે.’ એવા બે વરદાનની માંગણી કરે છે.

જૈન રામાયણના સર્ગ ચારમાં વરદાનનો ઉલ્લેખ છે. જ્યાં દશરથ રાજા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લેવાનો વિચાર કરે છે, ત્યારે કૈકેયી પૂર્વેનું એક વરદાન માંગે છે. કૈકેયી જેમાં ભરતને ‘આ બધી પૃથ્વી આપો’ એમ માંગણી કરે છે. રામના વનવાસનો અહીં ઉલ્લેખ નથી. રામની હાજરીના કારણે ભરત રાજ્ય સ્વીકાર કરતા નથી, જેથી રામરામ જાતે જ પિતાની આજ્ઞા લઈ ધનુષ્ય અને ભાથાં લઈને વનવાસ કરવા નીકળી પડે છે. પાછળથી તેના સાથે સીતા અને લક્ષ્મણ પણ જોડાય છે.

વાલ્મીકિ રામાયણમાં ભરત રામચંદ્રને રાજ્ય સ્વીકાર કરવા મનાવવા માટે પરિવાર અને સેના સાથે ચિત્રકૂટ પર જાય છે. જ્યાં ભરતની વિનંતીનો અસ્વીકાર કરે છે. પાદુકા આપી ભરતને અયોધ્યા મોકલે છે. અયોધ્યામાં ભરત નંદિગ્રામવાસ કરે છે.

જૈન રામાયણમાં કૈકેયી રાજા દથરથ પાસે રજા માંગી ભરત અને મંત્રીઓ સાથે રામ-લક્ષ્મણની પાછળ જાય છે. રામ પાસે પહોંચતા તેમને છ દિવસ લાગે છે. કૈકેયીની વિનંતી રામ સાંભળે છે પણ અયોધ્ય આવવા મંજૂર થતા નથી. ત્યાં જ સીતાએ લાવેલા જળ વડે સર્વ સામંતોની સાક્ષીએ ભરતનો રાજ્યાભિષેક રામે કર્યો. ભરત અયોધ્યામાં આવી પિતા તથા વડીલ ભ્રાતાની આજ્ઞાથી રાજ્યનો ભાર સ્વીકાર કરે છે. આમ અહીં રામની પાદુકા, ભરતનો નંદિગ્રામવાસ વગેરે પ્રસંગો જોવા મળતા નથી.

વનવાસ

વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાકાંડમાં વનવાસની શરૂઆત થાય છે. રામાદિ પ્રથમ રાત્રિ નિવાસ તમસા નદીને કિનારે કરે છે. ત્યાં આગળ જતા નિષાદરાજ ગૃહ સાથે મિલન, પાદુકાગ્રહણ અને ભરતની પ્રતિજ્ઞા, અત્રિ – અનસૂયા મિલન, વિરાધ રાક્ષસનો વધ, સુતીક્ષ્ણ ઋષિનો સમાગમ, અગસ્ત્ય અને અસ્ત્રલાભની ઘટના, પંચવટીમાં નિવાસ, શૂર્પણખાના કર્ણ-નાસિકાનું છેદન, ખરદૂષણનો વધ, ત્રિશિરાવધ વગેરે પ્રસંગો જોવા મળે છે.

જૈન રામાયણમાં ઉપર્યુક્ત મોટે ભાગેના પ્રંસગોનો ઉલ્લેખ નથી. ચિત્રકૂટમાં નિવાસ અંગે વર્ણન નથી. ચિત્રકૂટથી દંડકવન સુધી પરિભ્રમણ કરતા તેમાં અનેક કથાઓ જોવા મળે છે. જેમાં સિંહોદર રાજા – વજ્રકર્ણ સામંત, કલ્યાણમાળા – વાલિખિલ્ય રાજા, કપિલ બાહ્મણ, વનમાળાના વિવાહ અને રાજા અતિવીર્ય વગેરેની કથાઓ જે વાલ્મીકિ રામાયણથી તદ્દન અલગ છે.

સીતાહરણ

વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં સર્ગ ૩૧માં ખરની ચૌદ હજાર રાક્ષસોની સેનામાંથી ‘અકંપન’ નામનો રાક્ષસ રાવણ પાસે જાય છે. જે રામને જિતવા માટે સીતાનું હરણ કરવાની સલાહ આપે છે. તેની સલાહ અને સીતાના રૂપવર્ણનના કારણે રાવણ મારીચ પાસે સીતાહરણ માટે સહાય માંગે છે. મારીચ સુવર્ણના સમાન વર્ણવાળો અને રૂપેરી રંગની ટીપકીઓથી સુંદર મૃગ બનીને રામનો આશ્રમ જ્યાં સીતા હતા ત્યાં આવે છે. સીતા મૃગની માંગણી કરતા રામ તેને પકડવા તેની પાછળ જાય છે. મારીચ રામને ઘણે દૂર લઈ જાય છે અને છેવટે પકડાઈ જાય છે. મારીચ મરતાં પહેલા લક્ષ્મણ અને સીતાના નામની રામના જેવા જ અવાજમાં મોટો આર્તનાદ કરે છે. આ બાજુ લક્ષ્મણ સીતાને એકલી મૂકીને રામ પાસે જાય છે. બંને ભાઈઓ વગર સીતા એકલા પડી જતાં એ જ સમયે રાવણ ત્યાં ત્રિદંડી સંન્યાસીના વેશમાં આવે છે. રાવણ સીતાને ઊંચકીને પોતાના ખોળામાં લઈને રથમાં બેસી બળાત્કારે હરી જાય છે, (સર્ગ ૪૯) ત્યારે જટાયુ સીતાને છોડાવવા રાવણ સાથે યુદ્ધ કરે છે. રાવણ વૃદ્ધ જટાયુની બંને પાંખો, ચરણો તથા બંને પડખાં છેદી નાખે છે. આમ રાવણ સીતાહરણ કરી લંકામાં જતો રહે છે. અહીં લક્ષ્મણરેખાનો ઉલ્લેખ નથી.

જૈન રામાયણના સર્ગ પાંચમાં સીતાહરણની ઘટના આપી છે. ખર અને તેના ચૌદ હજાર વિદ્યાધરોના લશ્કર સાથે યુદ્ધ કરવા લક્ષ્મણ જાય છે. એ જ સમયે ચંદ્રણખા રાવણ પાસે આવીને શંબૂક વધની સમગ્ર કથા કહી સંભળાવે છે, તેમજ સીતાના રૂપની પ્રશંસા કરી રાવણને સીતાગ્રહણ કરવા વિનંતી કરે છે. આ સાંભળી રાવણ પુષ્પક વિમાન લઈ રામસીતા જ્યાં હતા ત્યાં આવે છે. સીતાનું અપહરણ કરવા રામ બાધારૂપ હતા, તેને દૂર કરવા રાવણ અવલોકની વિદ્યાને બોલાવે છે. જે લક્ષ્મણ જેવો સિંહનાદ કરતા રામ સીતાને એકલી મૂકી લક્ષ્મણની મદદ કરવા યુદ્ધમાં જાય છે. એ જ સમયે રાવણ સીતાને ઉપાડી પુષ્પક વિમાનમાં બેસાડી લંકા તરફ જવા લાગ્યો, ત્યારે જટાયુ અને રત્નજટી રાવણ સાથે યુદ્ધ કરી સીતાને છોડાવવા પ્રયત્ન કરે છે. તેમાં તેઓ સફળ થતા નથી.

રાવણ સીતાહરણ કરી લંકામાં ગયા પછી સીતાને બાર મહિનાની મુદત આપી અશોકવાટિકામાં રાખે છે. જૈન રામાયણમાં સીતાને દેવરમણ નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે રાખે છે.

સીતાશોધ

સીતાહરણની વાત જટાયુ રામને કહે છે. સાથે સીતાને બચાવવા જતાં રાવણે મારા પ્રાણનું પણ હરણ કર્યું એમ જટાયુ જણાવે છે. કબંધનો અગ્નિસંસ્કાર કરતા તેમાંથી એક તેજસ્વી પુરુષ બહાર નીકળ્યો જે રામ-લક્ષ્મણને ઋષ્યમૂક પર્વત પર રહેલા સુગ્રીવ સાથે મિત્રતા કરવા કહે છે. રામ વાલિનો વધ કરી સુગ્રીવને રાજ્ય સોંપી તેની સાથે મિત્રતા કરે છે. સુગ્રીવ ચારે દિશાઓમાં વાનરો મોકલી સીતાની શોધ કરવાની આજ્ઞા આપે છે. છેવટે સંપાતિ સીતા લંકામાં છે તેની ખબર આપે છે. હનુમાન લંકામાં જાય છે, ત્યાં સીતાને મળ્યા બાદ રામની મુદ્રિકા આપે છે. સીતા ચૂડામણિ આપી પોતાનો સંદેશો રામને કહેવા હનુમાનને વિનંતી કરે છે. હનુમાન લંકાદહન કરી રામ પાસે આવી સીતાની સમગ્ર વાત કહી બતાવે છે.

જૈન રામાયણમાં રામ-લક્ષ્મણને સીતાની શોધ કરવામાં વિરાધ મદદ કરે છે, જે પાતાળલંકામાં ભાઈઓને બોલાવી જાય છે. અહીં વાલિપ્રસંગ આવતો નથી. સુગ્રીવ સાથે મિત્રતા વિરાધ કરાવે છે. લંકાનો રાજા રાવણ સીતાને હરી ગયો એમ રત્નજટી સુગ્રીવને કહે છે. હનુમાન રામની મુદ્રિકા લઈને વિમાનમાં બેસી લંકાનગરીમાં જાય છે. લંકામાં આવી વિભીષણ સાથે મુલાકાત કરી સીતાની માહિતી મેળવે છે. સીતા સાથે હનુમાનની મુલાકાત દેવરમણ ઉદ્યાનમાં થાય છે. એકવીસ દિવસ બાદ સીતાને રામના સમાચાર હનુમાન પાસેથી મળે છે, ત્યારબાદ સીતા ભોજન કરે છે. સીતાને મળ્યા તેના ચિહ્નરૂપ ચૂડામણિ માંગી હનુમાન લંકામાં પોતાનું પરાક્રમ બતાવી રામ પાસે આવે છે.

રામ-રાવણ યુદ્ધ

વાલ્મીકિ રામાયણમાં યુદ્ધકાંડના સર્ગ ૨૧-૨૨માં સેતુબંધનો ઉલ્લેખ આવે છે. રામ ત્રણ દિવસ સુધી સમુદ્ર પાસે માર્ગ માંગે છે પણ સમુદ્ર માર્ગ આપતો નથી. જેના કારણે રામ ક્રોધિત થઈ સમુદ્ર પર બાણોની વર્ષા કરવા લાગે છે. છેવટે સમુદ્ર દર્શન આપી સેતુ બાંધવાની વિશ્વકર્માના પુત્ર નલ વાનરને આજ્ઞા આપે છે. નલ વાનર સેતુ બાંધે છે, અને બીજા તેને મદદરૂપ થાય છે. પાંચ દિવસમાં કુલ સો યોજન લાંબો સેતુ બાંધી રામ સહિત આખી સેના લંકામાં પ્રવેશ કરે છે.

જૈન રામાયણમાં સેતુબંધનો ઉલ્લેખ નથી. જેમાં રામ સહિત સેના આકાશમાર્ગે લંકામાં જાય છે. એવું નિરૂપણ જોવા મળે છે.

વાલ્મીકિ રામાયણમાં અંગદ દૂતની ભૂમિકા ભજવે છે. જૈન રામાયણમાં જે બાબત નથી. લક્ષ્મણને ઇંદ્રજિત મૂર્ચ્છા પમાડે છે. જૈન રામાયણ અનુસાર રાવણ લક્ષ્મણ પર શક્તિ મારે છે તેનાથી મૂર્ચ્છા પામે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર કુંભકર્ણ અને મેઘનાદનો વધ કરવામાં આવે છે. રાવણનો વધ રામ કરે છે. રાવણવધની કોઈ ચોક્કસ સમય કે તિથિ આપવામાં આવી નથી. જૈન રામાયણ અનુસાર લક્ષ્મણ રાવણનો વધ કરે છે. રાવણવધ પછી ઇંદ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ અને મંદોદરી મુનિ પાસે દીક્ષા લે છે. અહીં જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહોરે રાવણ મૃત્યુ પામી ચોથી નરકમાં ગયો. વાલ્મીકિ રામાયણમાં રાવણવધ પછી થોડા જ સમયમાં રામ અયોધ્યા તરફ પુષ્પક વિમાનમાં બેસી પ્રયાણ કરે છે. જૈન રામાયણમાં રાવણવધ પછી રામ-લક્ષ્મણ લંકાનગરીમાં છ વર્ષ નિવાસ કરે છે, ત્યારે નારદ રામ વગેરેને લેવા કે બોલાવવા લંકામાં આવે છે. ત્યારબાદ પુષ્પક વિમાનમાં બેસી પ્રયાણ કરે છે.

સીતાની અગ્નિપરીક્ષા

વાલ્મીકિ રામાયણમાં રાવણવધ પછી રામની આજ્ઞાથી વિભીષણ સીતાને તેમની પાસે લઈ આવે છે. રામ સીતાને કઠોર વચનો કહી તેનો સ્વીકાર કરતાં નથી. સીતા રામના મુખે કઠોર વચનો સાંભળી જીવવા માંગતી નથી. સીતા અગ્નિપ્રવેશ કરી ભૂમિપ્રવેશ કરવાની ઈચ્છા પ્રગટ કરે છે. એ જ સમયે રામની પ્રદક્ષિણા કરી સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. અગ્નિ ભગવાન ચિતાને ઠંડી કરી સીતાને ખોળામાં લઈ બહાર પ્રગટ થયા અને રામને અર્પણ કર્યા. રામ લોકોની નિંદાથી બચવા કઠોર વચનો કહ્યા એમ કહી સીતાનો આનંદથી સ્વીકાર કરે છે. આ સમગ્ર ઘટના યુદ્ધકાંડમાં આવે છે.

જૈન રામાયણમાં સર્ગ નવમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. રામની આજ્ઞાથી સુગ્રીવ પુષ્પક વિમાન લઈ પુંડરીકપુર સીતાને લેવા આવે છે. સીતા સુગ્રીવ સાથે જાય છે. સીતા શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી જ નગરમાં કે ગૃહમાં પ્રવેશ કરીશ એમ રામને કહે છે, ત્યારે રામ ત્રણસો હાથ લાંબો પહોળો અને બે પુરુષપ્રમાણ ઊંડો એક ખાડો કરાવ્યો અને ચંદનના કાષ્ઠોથી પુરાવ્યો ને તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો. પછી સીતાએ તેમાં પ્રવેશ કર્યો. એ જ સમયે અગ્નિ બુઝાઈ ગયો અને જળની ઉપર કમળપર રચેલા સિંહાસનમાં સીતા બિરાજમાન થયા. આ સમયે રામ સીતાને પોતાના ઘેર આવવા વિનંતી કરે છે, પણ સીતા દીક્ષા ગ્રહણ કરીશ એમ રામને કહે છે. સીતાએ પોતાના કેશ રામને અર્પણ કરતાં રામ મુર્છા પામે છે. આ બાજુ સીતા જયભૂષણ મુનિ પાસે ચાલ્યા જાય છે. મુનિએ તેમને વિધિપૂર્વક દીક્ષા આપી. અને સીતાને સુપ્રભા ગણિનીના પરિવારમાં સોંપી દીધી.

સીતાનો વનવાસ

સીતા સંબંધી નગરમાં જે ચર્ચા થતી હતી તે ભદ્રે જાણી લાવી રામને કહ્યું કે, ‘રામે રાવણને હણ્યો પણ સીતાદેવીને પાછા આણી પોતાના ઘરમાં રાખ્યા એ ઠીક કર્યું નથી.’ એ વાત જાણી રામે લક્ષ્મણને આજ્ઞા આપી કે, ‘સીતાને ગંગા નદીને સામે કાંઠે તમસા નદીના કિનારે આવેલા મહાત્મા વાલ્મીકિના આશ્રમ નજીક જનરહિત પ્રદેશમાં મૂકી આવ.’ રામની આજ્ઞાથી લક્ષ્મણ સીતાને મૂકી આવ્યા. સીતાએ ત્યાં અર્ધરાત્રિના સમયે બે પુત્રોને જન્મ આપ્યો. વાલ્મીકિ ઋષિએ તેમના નામકરણ કર્યા. પ્રથમ જન્મેલાનું નામ કુશ અને પાછળથી જન્મેલાનું નામ લવ રાખ્યું.

જૈન રામાયણમાં એક રાત્રિને અંતે સ્વપ્નમાં બે અષ્ટાપદ પ્રાણીને વિમાનમાં પોતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. આ સ્વપ્નની વાત રામને કહીં. રામ બોલ્યા કે, ‘તમારે બે વીર પુત્રો થશે.’ આમ સીતાએ ગર્ભ ધારણ કર્યો એથી રામની સપત્નીઓને ઇર્ષ્યા થઈ. કપટી સ્ત્રીઓએ એકવાર રાવણનું રૂપ કેવું હતું તે આલેખી બતાવવા સીતાને કહ્યું. સીતા રાવણના ચરણ માત્ર આલેખી બતાવે છે, કારણ કે સીતાએ રાવણના માત્ર ચરણ જ જોયા હતા. સીતા ચિત્ર આલેખતા હતા ત્યારે જ રામ ત્યાં આવી જાય છે. રામની સપત્નીઓ કહે છે કે, સીતા હમણાં પણ રાવણને સંભારે છે. સપત્નીઓએ દાસીઓ મારફતે આખા નગરમાં એ વાત ફેલાવી દીધી. એ જ વાત રામ અનેક રીતે સાંભળવામાં આવી. લોકોની નિંદાથી બચવા માટે રામ સીતાને અરણ્યમાં મૂકી આવવાની આજ્ઞા સેનાપતિ કૃત્તાતવંદનને કરે છે. રામની આજ્ઞાથી સેનાપતિ સિંહનિનાદક નામના અરણ્યમાં સીતાને મૂકી આવે છે.

સીતા અરણ્યમાં આમતેમ ફરતાં હતાં ત્યારે ત્યાં પુંડરીક નગરનો રાજા વજ્રસંધ આવે છે. સીતાને પોતાની ધર્મની બહેન માની પોતાના નગરમાં લઈ જાય ત્યાં એક ઘરમાં નિવાસ કરાવે છે. ત્યાં તેણે યુગલપુત્રને જન્મ આપ્યો. તેમના અનંગ લવણ અને મદનાંકુશ એવા નામ પાડ્યા. તે પુત્રોને સિદ્ધાર્થ નામે અણુવ્રતધારી સિદ્ધપુત્રે સર્વ વિદ્યાઓમાં પારંગત કર્યા.

વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં વાલ્મીકિ ઋષિ સીતાના શુદ્ધિકરણ અંગે વાત કરીને સીતાને સ્વીકારવા કહે છે. એ જ સમયે સીતા ભૂમિ તરફ દૃષ્ટિ કરતાં પોતાને તેમાં સમાવી લેવા વિનંતી કરવા લાગ્યા, ત્યારે પૃથ્વી ફાટી અને તેમાંથી સિંહાસન બહાર આવ્યું. સીતાજી તેના પર બેસી ભૂમિપ્રવેશ કરે છે. આ સમગ્ર ઘટના અશ્વમેઘ યજ્ઞ વખતે બને છે.

રાક્ષસવંશ

ઉત્તરકાંડના સર્ગ ૫ થી ૧૦માં રાક્ષસવંશ અને રાવણના ચરિત્ર વિશે આલેખન થયું છે. સુકેશ રાક્ષસના દેવવતીથી ત્રણ પુત્રો ઉત્પન્ન થયા – માલ્યવાન, સુમાલિ અને માલિ.

સુમાલિ અને કેતુમતીની પુત્રી કૈકસી પિતાની આજ્ઞાથી પ્રજાપતિના કુળમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ મુનિવર પૌલસ્ત્ય વિશ્રવા મુનિ જ્યાં તપ કરતા હતા ત્યાં ગઈ, એ સમયે વિશ્રવા મુનિ અગ્નિહોત્ર કરતા હતા. આવા દારુણ સમયે કૈકસી મુનિ પાસે જવાથી મુનિએ કહ્યું કે, ‘તને દારુણ સ્વભાવવાળા, દારુણ સ્વરૂપવાળા, દારુણ સોબતીઓ જેને પ્રિય છે એવા ક્રૂર કર્મ કરનારા રાક્ષસોને તું જન્મ આપીશ.’ આમ કેટલાક સમય પછી કૈકસીએ બીભત્સ અને અતિશય દારુણ રાક્ષસને જન્મ આપ્યો. તે બાળકને દશ માથા હતા. મોટા દાંત હતા, કાળાં આંજણસમૂહના જેવો રંગ હતો, તાંબાના જેવા લાલ હોઠ હતા, વીસ હાથ, મોટું મોઢું હતું અને વાળ ચકચકિત હતા. પિતા વિશ્રવામુનિએ તેનું નામ દશગ્રીવ પાડ્યું. ત્યારબાદ કુંભકર્ણનો જન્મ થયો, જેનું શરીર આ જગતમાં કોઈનું નથી એવું મોટું હતું. પછી બેડોળ મુખવાળી શૂર્પણખા નામની પુત્રી થઈ અને છેલ્લે સૌથી નાનો પુત્ર ધર્માત્મા વિભીષણનો જન્મ થયો.

જૈન રામાયણમાં પ્રથમ સર્ગમાં રાક્ષસવંશ અને વાનરવંશનું આલેખન થયું છે. રાક્ષસવંશમાં લંકાપુરીમાં તડિત્કેશ નામે રાક્ષસપતિ હતો, તેને સુકેશ નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યા. સુકેશને ઇંદ્રાણી નામની રાણીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા.

પાતાળલંકામાં સુમાળીને પ્રીતિમતી નામની સ્ત્રીથી રત્નશ્રવા નામે એક પુત્ર થયો. રત્નશ્રવા જ્યારે વિદ્યા સાધવા ગયો ત્યારે એક વિદ્યાધર કુમારી તેની પાસે આવે છે તે કુમારીનું નામ કૈકસી હતું. જે વ્યોમબિંદુ નામક કૌતુકમંગળ નગરના રાજાની પુત્રી હતી. સુમાળી પુત્ર રત્નશ્રવા ત્યાં જ તેની સાથે પરણ્યો અને પુષ્પક નામના વિમાનમાં બેસી ક્રીડા કરવા લાગ્યો.

એક વખતે કૈકસીએ રાત્રિએ સ્વપ્નમાં કેશરીસિંહને મુખમાં પ્રવેશ કરતો જોયો. સવારે આ વાત રત્નશ્રવાને કહેતા તેમણે કહ્યું કે, આ સ્વપ્નથી તારે વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી પુત્ર થશે. સમય આવતા ચૌદ હજાર વર્ષના આયુષ્યને ધારણ કરનારા પુત્રને જન્મ આપ્યો. રત્નશ્રવાએ તેનું નામ દશમુખ રાખ્યું. ત્યારબાદ કૈકસીએ ભાનુકર્ણ (કુંભકર્ણ), ચંદ્રનખા(સૂર્પણખા) અને વિભીષણ નામના એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. અહીં જોતા રત્નશ્રવા રાવણના પિતા અને કૈકસી તેની માતા હતી.

રાવણની વિદ્યાપ્રાપ્તિ

દશગ્રીવ અને તેના ભાઈઓ અનેક પ્રકારે તપ કરવા લાગ્યા. જેમાં કુંભકર્ણને તપ કરતા દશ હજાર વર્ષ વીતી ગયા. વિભીષણ પાંચ હજાર વર્ષ એક પગે ઊભા રહીને તપ કર્યું. તેમજ બીજા હજાર વર્ષ વેદાધ્યનમાં રોકીને તપ કર્યું. આમ દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી. દશગ્રીવ પણ દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી, જેમાં તેણે એક હજાર વર્ષ પૂરાં થાય એટલે અગ્નિમાં પોતાનું એક એક માથું હોમવા લાગ્યો. આમ એક એક કરતા નવ મસ્તકો અગ્નિમાં હોમાય ગયા, ત્યારે દશ હજારમેં વર્ષે ત્યાં બ્રહ્મા આવ્યા.

દશગ્રીવે બ્રહ્મા પાસે અમરપણું માગ્યું પણ તે મળ્યું નહીં. એટલે રાવણે કહ્યું કે, “હું પક્ષી, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ અને દેવોથી અવધ્ય થાઉ. મનુષ્યાદિ પ્રાણીઓને તો હું તૃણવત ગણું છું, તેથી એવા પ્રાણીઓથી મને કોઈ ભય નથી.” આમ રાવણના માગ્યા પ્રમાણે બ્રહ્માએ આપ્યું. અન્ય વરદાનમાં જે મસ્તકો અગ્નિમાં હોમ્યા હતા તે પુન:પ્રાપ્ત થયા. તેમજ મનથી ઈચ્છાપૂર્વક જેવું સ્વરૂપ ઈચ્છીશ એવું સ્વરૂપ પ્રાપ્ત થશે એવા વરદાન રાવણને પ્રાપ્ત થયા.

વિભીષણે બ્રહ્મા પાસે બ્રહ્માસ્ત્રનું જ્ઞાન માગ્યું, બ્રહ્માએ તેને અમર થવાનું વરદાન સામેથી આપ્યું. કુંભકર્ણ જેણે અનેક અપ્સરાઓ, ઇંદ્રના દશ સેવકો, ઋષિઓ અને માણસોનું ભક્ષણ કર્યું. કુંભકર્ણની જીભ પર સરસ્વતીએ પ્રવેશ કર્યો, જેના કારણે કુંભકર્ણે અનેક વર્ષો સુધી નિદ્રાસુખ માગ્યું. બ્રહ્મા એ પ્રમાણે થશે એમ કહી ત્યાંથી ચાલ્યા ગયા.

જૈન રામાયણના પ્રથમ સર્ગમાં આ ઘટનાનો ઉલ્લેખ થયો છે. રાવણ તેના ભાઈઓ સાથે વિદ્યા સાધવા ભીમ નામના અરણ્યમાં ગયા. ત્યાં ત્રણે બંધુઓએ બે પહોરમાં અષ્ટાક્ષરી વિદ્યા સાધી લીધી. પછી જેનો દશ હજાર કોટી જાપ કરવાથી ફલપ્રાપ્તિ થાય છે એવો ષોડશાક્ષરી મંત્ર જપવાનો આરંભ કર્યો. અનેક વિઘ્નો આવવા છતાં વિદ્યા પ્રાપ્તિમાંથી વિચલિત થયા નહીં. જેમાં એક હજાર વિદ્યા રાવણ પાસે આવી, તેમજ છ ઉપવાસ કરીને ચંદ્રહાસ નામનું ખડ્ગ પ્રાપ્ત કર્યું. કુંભકર્ણે સંવૃદ્ધિ, જૃંભણી, સર્વાહારિણી, વ્યોમગામિની અને ઇંદ્રાણી એમ પાંચ વિદ્યાઓ પ્રાપ્ત કરી. વિભીષણને સિદ્ધાર્થા, શત્રુદમની, નિર્વ્યાઘાતા અને આકાશગામિની એમ ચાર વિદ્યાઓ સાધ્ય થઈ.

રાવણે પોતાની બહેન શૂર્પણખાના લગ્ન દાનવોમાં શ્રેષ્ઠ કાલકેન્દ્ર વિદ્યુજ્જિહ્વ સાથે કરાવ્યા. રાવણે કાલકેય નામના જે ચૌદ હજાર રાક્ષસોને હણ્યા, તેમાં શૂર્પણખાના પતિને મારી નાખ્યો. વિધવા શૂર્પણખાને રાવણે દંડકારણ્યમાં ખરની સાથે રહેવા મોકલી આપી. મયદાનવ પાસે એક કન્યા હતી, જે હેમા અપ્સરાની પુત્રી હતી. મયદાનવે તે મંદોદરીના વિવાહ અગ્નિની સાક્ષીએ રાવણ સાથે કરાવ્યા. મયદાનવે રાવણને અમોધ શક્તિ આપી હતી. રાવણની પટરાણી મંદોદરીએ મેઘનાદ નામના પુત્રને જન્મ આપ્યો. જે ઇંદ્રજિત નામથી પણ વિખ્યાત થયો. વિરોચનની વજ્જવાળા નામની પુત્રીને રાવણે કુંભકર્ણ સાથે પરણાવી અને ગંધર્વરાજ મહાત્મા શૈલૂષની સરમા નામની ધર્મજ્ઞ પુત્રીને વિભીષણ સાથે પરણાવી.

જૈન રામાયણ અનુસાર રાવણના મંદોદરી સાથે વિવાહ થયા. મંદોદરી મય રાજા અને હેમવતીની પુત્રી હતી. કુંભકર્ણના વિવાહ તડિન્માળા સાથે અને વિભીષણ પંકજશ્રી નામની કન્યા સાથે પરણ્યા. રાવણની સ્ત્રી મંદોદરીએ ઇંદ્રજિત અને મેઘવાહન નામના બે પુત્રોને જન્મ આપ્યો. રાવણ મેઘરવ નામના પર્વત પર ક્રીડા કરવા ગયો, ત્યાં છ હજાર ખેચરકન્યાઓ તેના જોવામાં આવી. તેઓ રાવણને પતિ થવા માટે પ્રાર્થના કરવા લાગી. તેમાં સુરસુંદરની પુત્રી પદ્માવતી, મનોવેગા અને બુધની પુત્રી અશોકલતા અને સંધ્યાની પુત્રી વિદ્યુત્પ્રભા મુખ્ય હતી. તેમને તથા અન્ય કન્યાઓ સાથે રાવણ તે જ સમયે ગાંધર્વવિધિથી પરણ્યો.

લંકાનગરીનું નિર્માણ વિશ્વાકર્માએ કર્યું હતું. ધનાધ્યક્ષ કુબેરને યુદ્ધમાં જીતવાથી રાવણે વિજયના ચિહ્ન તરીકે તેનું પુષ્પક વિમાન લઈ લીધું. એ વિમાન પણ વિશ્વાકર્માએ બનાવ્યું હતું. ‘રાવણ અર્થાત સર્વને રોવડાવનાર.’ શંકરે દશગ્રીવને ‘રાવણ’ એવું નામ આપ્યું, તેમજ ચંદ્રહાસ નામનું ખડ્ગ અને વીતેલું આયુષ્ય પણ આપ્યું.

રાવણના મૃત્યુનું કારણ

રાવણે રંભા ઉપર બળાત્કાર કર્યો, નલકુબેરે શાપ આપતા કહ્યું કે, ‘જો તે બીજી કોઈ અકામ યુવતી ઉપર બળાત્કાર કરશે અથવા કામાંધ થઈ કોઈ પણ અકામ યુવતી ઉપર હુમલો કરશે, તો તેના માથાના સાત ક્કડા થઈ જશે.’

જૈન રામાયણ અનુસાર રાવણ સભામાં નૈમિત્તિકને પૂછ્યું કે, ‘મારું મૃત્યુ સ્વપરિણામથી થવાનું છે.’ નિમિત્તિયાએ કહ્યું – હવે પછી થનારી જાનકીના નિમિતે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે. આ સાંભળી વિભીષણે જનક તથા દશરથ રાજાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. શત્રુને મોહ ઉપજાવવા માટે દશરથ રાજાએ એક લેપ્યમય મૂર્તિ કરાવીને રાજ્યગૃહની અંદર અંધારામાં સ્થાપિત કરાવી. જનક રાજાએ પણ એમ જ કરાવ્યું. આમ તેઓ પૃથ્વી પર ફરવા લાગ્યા. વિભીષણે અયોધ્યામાં આવી દશરથ રાજાની લેપ્યમય મૂર્તિના મસ્તકને ખડ્ગથી છેદી નાખી લંકામાં જતો રહ્યો. એકલા જનક રાજાથી કંઈ થશે નહીં એમ ધારી તેણે જનક રાજાને માર્યા નહીં. અન્ય કારણ સીતાહરણના પ્રસંગમાં જોઈ શકાય છે.

હનુમાનચરિત્ર

વાલ્મીકિ રામાયણમાં સૂર્યના વરદાનથી સુવર્ણરૂપ થયેલો સુમેર નામનો એક પર્વત છે, ત્યાં કેસરી વાનર રાજ્ય કરતો હતો. તેને અંજની નામે પત્ની હતી. તેણે વાયુથી ધારણ કરેલા ગર્ભરૂપે એક પુત્રને જન્મ આપ્યો. જેને ઇંદ્રે હનુમાન એવું નામ આપ્યું. બ્રહ્માએ ‘સર્વ પ્રકારના બ્રહ્મદંડોથી અવધ્ય રહીશ’ એવું વરદાન આપ્યું.

જૈન રામાયણ અનુસાર અંજના મહેન્દ્રપુર નગરના રાજા મહેન્દ્રની પુત્રી હતી. તેના વિવાહ આદિત્યપુર નગરના રાજા પ્રહલાદના પુત્ર પવનંજય સાથે થયા. તેની સખીઓ અન્ય રાજકુમાર વિદ્યુતપ્રભની પ્રશંસા કરી રહી હતી ત્યારે અંજના મૌન ધારણ કરી બેઠી હતી. આ ઘટના પવનંજય જોઈ જાય છે. વિવાહ થયા બાદ અંજના પતિના વિરહમાં પીડાય છે. રાવણને યુદ્ધમાં મદદ અર્થે ગયેલા પવનંજયને ત્યાં પસ્તાવો થતા રાત્રે પોતાની પત્ની પાસે આવે છે. આમ તેમનું મિલન થતા અંજના ગર્ભધારણ કરે છે. સાસુ કેતુમતિ અંજનાને રાજ્ય બહાર કાઢી મૂકે છે. તે પોતાના પિતૃગૃહ જાય છે ત્યાં પણ તેનો તિરસ્કાર થતાં સખી વસંતતિલકા સાથે વનમાં આમ તેમ ભટકે છે. વનમાં અમિતગતિ મુનિ સાથે મુલાકાત થાય છે. તે જૈન ધર્મ અંગીકાર કરાવે છે અને ગુફામાં તેમને રાખે છે. એ ગુફામાં અંજના એક પુત્રને જન્મ આપે છે, ત્યારે પ્રતિસૂર્ય અંજના અને પુત્રને વિમાનમાં પોતાના નગર હનુપુરમાં લઈ જાય છે. હનુપુર નગરના કારણે તેનું નામ હનુમાન રાખવામાં આવ્યું.

અહીં હનુમાન ગૃહસ્થી અને હજારો કન્યાઓ સાથે વિવાહ કરે છે. વરૂણની પુત્રી સત્યવતી, રાવણની બહેન ચંદ્રનખાની પુત્રી અનંગકુસુમ, સુગ્રીવની પદ્મરાગા, નલની હરિમાલિની તેમજ અન્ય રાજાઓની હજારો પુત્રીઓ હનુમાન સાથે વિવાહ કરે છે. હનુમાન પોતાના પુત્રને રાજ્ય આપી ધર્મરત્ન મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે.

આમ વાલ્મીકિ રામાયણમાં રામ વગેરે પુત્રોના જન્મને સૂચવનારા ઋતુ, માસ, તિથિ અને નક્ષત્રનો ઉલ્લેખ છે. જૈન રામાયણમાં તેનો ઉલ્લેખ નથી. જૈન રામાયણમાં દશરથ રાજાને ચાર રાણીઓથી ચાર પુત્રોનો જન્મ થયો. જેમના નામમાં પણ ફેરફાર જોવા મળે છે, રામનું નામ પદ્મ અને લક્ષ્મણનું નારાયણ નામ આપેલું છે. રામની માતાનું અપરાજિતા છે. અહીં દશરથ રાજા પોતે જ પુત્રોના નામકરણ કરે છે. વાલ્મીકિ રામાયણમાં આ તમામ પ્રસંગોમાં તફાવત રહેલો છે. રાજા દશરથ સત્યભૂતિ પાસે પરિવાર સહિત દીક્ષા લે છે. વાલ્મીકિ રામાયણમાં રાજા દશરથનું પુત્રવિયોગે મૃત્યુ થાય છે. સીતાની શોધ કરતાં સુગ્રીવની રત્નજટી સાથે મુલાકાત, જાંબવાનની ભવિષ્યવાણી, લક્ષ્મણનું કોટિશિલા ઉઠાવવું. સુગ્રીવ રામ સાથે હનુમાનનો પરિચય કરાવે છે વગેરે પ્રસંગો જૈન રામાયણમાં છે, વાલ્મીકિ રામાયણમાં નથી. જૈન રામાયણમાં હનુમાન વિમાનમાં બેસી લંકામાં જાય છે. વાલ્મીકિ રામાયણમાં હનુમાન ઊડીને લંકામાં જાય છે. જૈન રામાયણમાં હનુમાનને લંકા જતા સમયે આકાશમાં મહેન્દ્ર સાથે યુદ્ધ કરે છે, જે વાલ્મીકિ રામાયણમાં નથી. ત્રિજટાનો સ્વપ્ન પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં છે જૈન રામાયણમાં નથી. જૈન રામાયણમાં રામના પાત્રને અહિંસાવાદી દર્શાવવામાં આવ્યું છે. રાવણવધથી લઈ જેટલા પણ યુદ્ધ થયા તેમાં લક્ષ્મણ જ મુખ્ય ભૂમિકા ભજવે છે. વાલ્મીકિ રામાયણમાં રામ કે અન્ય પાત્રના પૂર્વભવ વિશે ઉલ્લેખ નથી. માત્ર રામ વિષ્ણુ ભગવાનના અવતાર હતા એટલો જ ઉલ્લેખ છે. જૈન રામાયણમાં રામ સહિત તમામ પાત્રોના પૂર્વભવ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ અહીં રામ સહિત તમામ પાત્રોને દીક્ષા ગ્રહણ કરતા બતાવ્યા છે. જેમકે, સીતા પણ ભૂમિપ્રવેશ ન કરતાં દીક્ષા ગ્રહણ કરે છે. જે વાલ્મીકિ રામાયણ કરતા અલગ પડે છે. જૈન રામાયણમાં રામને માધ માસની શુક્લ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહોરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીશ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષને પ્રાપ્ત થયા. આવું વર્ણન વાલ્મીકિ રામાયણમાં નથી. વાલ્મીકિના રામ એક પત્નીવ્રત હતા, જૈન રામાયણમાં ઘણી બધી પત્નીઓ રામને હતી. વાલ્મીકિના હનુમાન બ્રહ્મચર્યને વરેલા છે. એ જ હનુમાન જૈન રામાયણમાં ગૃહસ્થી જીવન જીવે છે. તેમજ સીતાનો ભાઈ ભામંડલ હતો, જે વાલ્મીકિ રામાયણમાં નથી. અસ્ત્રશસ્ત્રોના વર્ણનમાં પણ બંને રામાયણમાં તદ્દન અલગ આલેખન કરવામાં આવ્યું છે. બંને રામાયણમાં પાત્રો, કથાવસ્તુ, સંવાદ, ભાષા અને જે તે સમયના સમાજના નિરૂપણમાં પણ ખૂબ જ મોટો તફાવત રહેલો છે. એના સિવાય પણ બંને રામાયણમાં ઘણો મોટો તફાવત રહેલો છે.

સંદર્ભ
  1. શ્રીવાલ્મીકિ રામાયણ, ગ્રંથ : ૧ અને ૨, પ્રકા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
  2. શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, ભાગ – ૩, હેમચંદ્રાચાર્ય, અનુ. સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ, પ્રકા. જૈન દર્શન પ્રકાશન મંદિર. અમદાવાદ.
  3. રામકથા પરિશીલન, પ્રા.ડૉ. માધવદાસ અમરદાસ રામદેવપુત્રા, પ્રકા. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પ્રથમ આવૃત્તિ. ૧૯૯૬.
નિલેશ એલ. વસાવા, પીએચ.ડી. શોધછાત્ર, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. મો. 9428290595 Gmail. vnilesh25@gmail.com