Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘કિબલ્સ રેવન્સવૂડ’ અને ‘વોટ્સ યોર રાશિ’નો તુલનાત્મક અભ્યાસ
પ્રસ્તાવના :

નવલકથાને જ્યારે કોઈ દિગ્દર્શક ફિલ્મરૂપે રજૂ કરે છે ત્યારે એમાં કેટલાક ફેરફારો સાથે તેને રજૂ કરતો હોય છે.કારણ કે નવલકથાનું ફિલ્મમાં થતું રૂપાંતરણ એ સંકુલ અને રચનાત્મક પ્રક્રિયા છે. નવલકથામાં આવા સૂક્ષ્મ પરિવર્તન કરવા અગત્યના બને છે.પરંતુ મૂળ વાર્તા કરતાં તદ્દન જુદું ભાવજગત હોય તો આ પ્રકારની ફિલ્મો પડકારરૂપ બને છે. કારણ કે આ રીતના પરિવર્તનો ફિલ્મ સર્જકના દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે.પરિણામે મૂળ નવલકથા કરતાં જુદું જ ભાવજગત રજૂ કરતી ફિલ્મ નવલકથાના ભાવકોને પણ ગમે જ. માધ્યમની ભિન્નતાએ આ ભેદના કારણે અમુક પરિવર્તન જરૂરી બને છે. તેમજ આ ફેરફારોની પાછળ ફિલ્મ સર્જનનો દ્રષ્ટિકોણ એ અગત્યનો ભાગ ભજવે છે. આમ, ફિલ્મસર્જક કૃતિનું નવીન અર્થઘટન કરે અને અમુક ફેરફારો સાથે પ્રયોજે તે રૂપાંતરણ ની પ્રક્રિયામાં અગત્યનું માધ્યમ બની રહે છે. પરંતુ વાચક અને દર્શક રૂપે મનમાં કેટલાય પ્રશ્ન પણ ઉદ્દભવે કે નવલકથા કરતાં તદ્દન જુદો જ ભાવ વ્યક્ત કરતી ફિલ્મને ‘રૂપાંતરણ’ ગણી શકાય? આવા જ પ્રશ્નના ઉત્તર રૂપે જ મધુરાયની નવલકથા પરથી આશુતોષ ગોવરીકર દિગ્દર્શિત ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ?’ સંદર્ભે બંનેની કેટલીક વિગતો ને તુલનાત્મક દ્રષ્ટિ એ તપાસવાનો ઉપક્રમ ઘડ્યો છે.

સાહિત્યના ક્ષેત્રમાં આવા ઘણા રૂપાંતરનો જોવા મળે છે. જેમકે મહાકવિ કાલિદાસે મહાભારતમાથી ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટક લખે છે. શેક્સપિયરે જૂની વાર્તાને ‘ઓથેલો’ નામના નાટકે નવા રંગ રૂપ સાથે રજૂ કરી છે.જે પ્રાચીન કથાવસ્તુ સાથે પાત્રોનું નવીન અર્થઘટન થતું હોય છે. તો વળી ફિલ્મક્ષેત્રમાં જોઇએ તો શરદચંદ્રની પ્રખ્યાત નવલકથા ‘દેવદાસ’ ના આધારે ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ ‘દેવ-ડી’ નામની ફિલ્મ બનાવે છે. જે નવલકથાના પાત્રો કરતાં તદ્દન જુદી જ પ્રકારના માનસિકતા ધરાવતી વર્તમાન ભારતના યુવા માનસને આલેખતી ફિલ્મ છે. આ બધી ભૂમિકાને આધારે એવી જ એક જુદા પરિવેશમાં રચાયેલ મધુરાયની નવલકથા પરથી આશુતોષ ગોવરીકર દિગ્દર્શિત ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ?’ સાથે તપાસીએ.

મધુરાયની ‘કિમ્બલ્સ રેવન્સવૂડ’

ઇ.સ. ૧૯૮૧માં પ્રગટ થયેલ મધુરાયની ‘કિમ્બલ રેવન્સવૂડ’ ૨૧૮ પૃષ્ટોમાં ફેલાયેલી ૨૧ પ્રકરણમાં વિભાજિત નવલકથા છે. કથાનો આરંભ ‘મુખબંધ’ થી થાય છે.

‘શિકાગોના ઑ ‘હેર એરપોર્ટ ઉપર કાર્સન–પિયરી-સ્કોટના શરાબખાનામાં એક જણ રંગીન ખુરશી ઉપર બેસી, રંગીન ટેબલ ઉપર કોણી ટેકવી ડ્રાફ્ટ બિયરનો ગ્લાસ પીતો હતો.. તે માણસ તે હું. આ કથાનો લેખક... મારા ટેબલની ત્રાંસે એક કૉટ - પાટલૂન માં સજ્જ છોકરો આવીને બેસે છે. એના કફલિન્ક ઉપર અંગ્રેજી અક્ષર ‘વાય’ ચીતરેલો છે.છોકરો ગુજરાતી છે. એની બેગ ડોશીવાળાની પોળોનું એડ્રેસ છે.‘વાય.એસ.પટેલ ..’ વાય.એસ.પટેલને ઉપાડીને હું મારા મગજનાં કારખાનામાં નાખું છું. ઊલટાવી, સુલટાવી, ટકોરા મારી તપાસું છું....વાય.એસ.પટેલને મગજમાં કારખાનામાંથી ઈસ્ત્રી કરી, કાન મરડી, ફૂંક મારી બહાર કાઢું છું. એના કપાળે મારી છાપ મારૂ છું અને અદ્રશ્ય દોરડાં બાંધી છોડી મૂકું છું.” [૧]

અને નવલકથાના અંતે ફરીથી ઑ ‘હેર એરપોર્ટ પર ડ્રાફ્ટ બીયરને ગ્લાસ પીતો લેખક હાજર થાય છે. અને કહે છે કે –
‘કાલ કેવી ઊગશે એની મને ખબર નહોતી....કલમ વડે હાથચાલાકીથી સમાપ્ત લખી ઊઠતાંની સાથે ફરી પરમેશ્વરની અસલી દુનિયામાં પગ મૂકવાનું થશે, અને અણધારેલી કાલ ઊગશે, સુખનાં અલ્પવિરામોની વચ્ચે વેદનાનાં વાક્યો હશે, કે સંતર્પણની જિંદગાનીમાં નાની નાની વ્યાધિઓની ઝીણી મીનાકારી હશે. ફરી મનમાં પલાંઠીવાળી બેઠેલો લેખક ભુરાંટો થઈ કોઈની પરવા કર્યા વિના મારી જિંદગીના વાચાળ ધતિંગ શરુ કરશે.” [૨]
આમ, નવલકથાના આરંભ અને અંત વચ્ચે શંકરભાઈના ‘સેકન્ડસ નંબરના સન યોગેશની કન્યાની શોધ અને લગ્નની વાત સર્જકે અહીં વણી લીધી છે. યોગેશ લગ્ન કરવા માટે અહીં આવે છે. કન્યા પસદંગી માટે તે મુંજવણ અનુભવે છે. ત્યાં તેના હાથમાં ‘જ્યોતિષની નજરે ધર્મપત્નીની પસંદગી’ નામનું પુસ્તક આવે છે. તેમાં રસ પડતા તે યોગેશ બાર રાશિની છોકરી જોવાનું નક્કી કરે છે. તે અંગે – ‘આપણે વેપારીના દીકરા.’ યોગેશે મનમાં વિચાર્યું.
‘બારે વેરાયટી જોયા પછી માલ લઈએ ને !’ [૩]
આમ, યોગેશ એક દિવસની બે છોકરીઓ એમ અઠવાડિયામાં બાર છોકરીઓ જોઇને લગ્ન કરવાનો ફેસલો કરે છે. અહીં તે બાર છોકરીઓની જગ્યાએ ચૌદ છોકરીઓ જોઈ લે છે અને મુંજાય છે, અકળાય છે અને અંતે મીન રાશિની ચંદ્રિકાને પરણે છે ત્યાં યોગેશની કથા પૂરી થાય છે.

આશુતોષ ગોવરીકરની ફિલ્મ - ‘વોટ્સ યોર રાશિ’ નું કથાનક

વર્ષ-૨૦૦૯માં દિગ્દર્શક આશુતોષ ગોવરીકરએ યુટીવી મોશન પિક્ચર્સ, આશુતોષ ગોવારીકરન પ્રોડક્શનના નિર્માણ હેઠળ ‘વોટ્સ યોર રાશિ’ નામની ફિલ્મ ૨૧૧ મિનીટના સમયાવધીમાં આપે છે. ફિલ્મ પ્રેમકથા સ્વરૂપની છે. ત્રણ કલાકનું ફિલ્મનું કથાવસ્તુ કંઇક આ મુજબનું છે. ભરતભાઈ પટેલનો નાનો દીકરો યોગેશ શિકાગોમાં રહી એમ.બી.એ કરે છે અને પાર્ટ ટાઈમ ડી.જે નું કામ કરે છે.

મુંબઈમાં ભરતભાઈ મોટા દીકરા જીતું સાથે રહે છે. જીતું નાણાબજારમાં પૈસા હારી જતાં સાડા ચાર કરોડનું દેવું કરે છે. તો બીજી તરફ યોગેશનાં જે દિવસે લગ્ન થાય એ દિવસે તેના નામ પર નાનાજી બધી જ મિલકત કરશે પરિણામે જીતુને જેલમાંથી બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે. એક તરફ લવ મેરેજ કરવાની ઈચ્છા ધરાવતો યોગેશ સ્વજનો માટે લગ્ન કરવા તો તૈયાર થાય છે પરંતુ દહેજ લેવાના સખ્ત ખિલાફ છે. અહીં યોગેશને બાર રાશિની છોકરીઓ જોઇને બાર વાર પ્રેમમાં પડવાની તક મળે છે.પરંતુ જો એમાંથી કોઈ એક સાથે પણ યોગેશના લગ્ન ન થાય તો જીતુનો જેલ યોગ શક્ય બને. તો શું દસ દિવસમાં યોગેશને તેનો પ્રેમ મળશે? એમના લગ્ન થશે? આ જ ફિલ્મનો મુખ્ય પ્રશ્ન છે.

ફિલ્મ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એનો જવાબ આપણને ‘હા’ માં મળે છે. કારણ કે ટૂંકા સમયના કટોકટીનાં ક્ષણે સંજના સાથે પ્રેમ થાય છે. જ્યારે નવલકથામાં માત્ર લગ્ન જ થાય છે.જયારે ‘ફિલ્મ’ એ પ્રેમકથા અને લગ્ન એમ બંને સ્વરૂપે પરિણમે છે.આમ, ફિલ્મનો મુખ્ય ધ્વનિ નવલકથા કરતા જુદી રીતે રજૂ થઈ આવે છે.

નવલકથાનો મુખ્ય નાયક એન.આર.આઈ યોગેશ શંકર પટેલનો બીજા નંબરનો પુત્ર છે. કન્યા પસંદગીથી લગ્ન સુધીની આ યાત્રામાં સર્જકે યોગેશના પાત્રને બખૂબી કંડારી આપ્યું છે. અમેરિકામાં પેગી સાથે શારીરિક સબંધ ધરાવતો યોગેશ પેગીને ટાઈમપાસનું સાધન અનુભવે છે.આ વાત માટે યોગેશ માટે પેગી શું છે? એ દર્શાવવા નવલકથામાં સર્જકે યોગેશનાં મુખે શબ્દો મુક્યા છે કે – ‘ઘરનું ખાવાનું ન ભાવે ત્યારે કોઈકવાર હોટેલમાં જઈ આવવું” [૪]

યોગેશ વડીલોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે – ‘અગિયાર નહીં, તેર નહીં બાર...‘મેશ થી મીન ?’ દેવુભાઇ પૂછ્યું.
‘મારી જિંદગીનો સવાલ છે.હું કંઇ નાનો કીકલો નથી. દિલ ના પાડે તો નહીં કરું. દિલ હા પાડશે તેની સાથે જ કરીશ. ભલે ફાઈનાન્શિયલી છોકરી “સી” ક્લાસ હોય.” [૫]
અહીં યોગેશ ચૌદ છોકરીને જોઈ ત્યારે તે વિચારે છે મૂંઝાય છે. ગોવિંદભાઈ તેને પેગી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. તો રમેશભાઈ લગ્નને 'લાકડાના લાડું' અને 'કેરી' સાથે સરખાવે છે. લગ્નના ઈન્ટરવ્યું વખતે યોગેશ થોથવાઈ જાય છે. એ છોકરી પસંદગી માટે પેગીનો પણ સહારો લે છે. કન્યાને જોવાની સ્થિતિ આરંભાતો યોગેશ બાદશાહનાં રૂઆબે જાય છે. અને છોકરીની મુલાકાતે વધુને વધુ તુટતો જાય છે. બાર છોકરીઓની મુલાકાતે વ્યક્તિત્વના વિવિધ પાસા જોવા મળે છે જેમ કે - ભાવના તેને ‘ચોર’,‘પથરો’ અને ‘મૂર્ખો’ કહે છે. નંદીની યોગેશના ‘ખોખલાપણા’ ને પામી જાય છે. અને કહે છે કે ‘આમ, નર્વસ શું થઇ જાવ છો? હું કઈ વાઘવરૂ નથી’ [૬] કીર્તિ સીધું જ પૂછે છે કે ‘સેક્સમાં તમને કેવો ઈન્ટરેસ્ટ’ [૭] મમતા કહે છે કે ‘અમેરિકન રીટર્ન થઈને આટલો ગભરાય છે છોકરીથી, હની?” [૮] તો વળી અંતે જ્યારે ચંદ્રિકા સાથે યોગેશના લગ્ન થાય છે ત્યારે યોગેશના દંભને ઉઘાડો પાડવા પેગી આવી જાય છે.

‘મને ખબર હતી કે તું મારી સાથે લગ્ન કરવા માંગતો નહોતો. કોઈપણ છોકરી તારી સાથે નાસવા તૈયાર થાય તો એની સાથે લગ્ન કરવા માંગતો હતો.તારા લગ્નના પ્રસ્તાવમાં એટલો દંભ હતો.” [૯] આમ, કથાના આરંભે શૂરો દેખાતો યોગેશ અંત સુધી સાવ ઢીલો પડી જાય છે.

નવલકથાના અન્ય ગૌણપાત્રો પણ હાસ્ય ઉપજાવનારા છે. જેમાં રમેશભાઈ અને ગોવિંદભાઈના રમુજ ઉપજાવનાર લગ્ન અંગેના ખ્યાલો. બારે રાશીની છોકરીઓ તેમજ રાતાપીળા થતા ખુશાલભાઈ કે અમેરિકાની ઘેલછા ધરાવતા મગનલાલ ડ્રાઈવર, જુવાનીયાઓની દુનિયા જોઈ દુ:ખ અનુભવતા દેવુભાઇ, કસ્ટમ ઓફીસના સોલંકી તો વળી દીકરાના આવા પરાક્રમોથી ત્રસ્ત થયેલા શંકરભાઈ વગેરે જેવા પાત્રો નવલકથાને ગતિ સાથે વિવિધ રસોમાં ભાવકને રસતરબોળ કરી દેવાની શક્તિ ધરાવે છે.

ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ’ નો નાયક યોગેશ નવલકથાના નાયક કરતા જુદું વ્યક્તિત્વ ધરાવે છે. અહી પ્રથમ દ્રશ્યમાં યોગેશ નાનાજીના જન્મદિને બર્થેડે કાર્ડ મોકલવાનું ભૂલતો નથી. તો નાનાજી પોતાની બધી મિલકત યોગેશના નામે કરવાનું નક્કી કરે છે ત્યાંથી ફિલ્મની શરૂઆત થાય છે. તો બીજા દ્રશ્યને જોઈએ તો યોગેશ સંવેદનશીલ અને કુટુંબપ્રેમી યુવાન છે. તે લગ્ન કરવા તૈયાર નથી પરંતુ જીતુભાઈનું દેવું ચૂકવાય છે. માટે લગ્ન કરવા તૈયાર થાય છે. તો યોગેશના મનની વાત તેની માતા શકુંતલાદેવી સમજી જાય છે. જ્યારે લગ્ન માટે બધા યોગેશની સંમતિ માંગે છે ત્યારે ભાભી સામે જોઈ તેમની મુક વિનવણીને સમજી જતા કહે છે કે ‘ હા મેં શાદી કરુંગા’ તેમજ ત્રીજા દ્રશ્યમાં બાર છોકરીઓને જોવાના વિચારે દેવુભાઇ યોગેશ તરફ જોઈને બોલે છે કે – ‘બારહ લડકી કો મિલને કે બાદ ભી લવ નહિ હુઆ તો? ત્યારે તેનો જવાબ આપતા યોગેશ કહે છે કે – “કોઈ બાત નહીં. મૈ ઇનમેં સે સબસે અચ્છી લડકી કે સાથ શાદી કર લુંગા. લેકિન એટલીસ્ટ યે તો નહિ સોચૂંગા કી મૈને પ્યાર પાને કી કોશિશ નહી કી”

આમ, દિગ્દર્શકના નાયક વિશેના અને પ્રેમ વિશેના ખ્યાલોને તેઓએ નાયકના વાણી વર્તનમાં પ્રતિબિંબિત કરી આપ્યા છે.અહીં દિગ્દર્શકે યોગેશને પેગી સાથે ટાઈમ પાસ કરતો દર્શાવ્યો નથી. એન.આર.આઈ હોવાનું ખોટું અભિમાન કરતો નથી. તેમજ લગ્નને ‘એડવેન્ચર’ માની ભાગીને લગ્ન કરવાના તરંગે કોઈપણ છોકરી સાથે ભાગીને પરણતો નથી. પરંતુ નવલકથામાનો નાયક આમાંનું બધું જ કરે છે. ફિલ્મનો નાયક યોગેશ જુદી જુદી ભિન્નતા ધરાવતી સ્મોકિંગ અને ડ્રીકિંગ કરંતી છોકરીઓ પર ગુસ્સે થતો નથી. પંરતુ પ્રત્યેક છોકરીઓમાં સારા પાસાને જોવા પ્રયત્ન કરે છે.એક સ્થળે હંસાની પ્રમાણિકતા અંગેનો યોગેશનો સંવાદ જોઈએ તો-
“હંસા! મેં આપકી ઈમાનદારી ઔર હિમ્મત કી બહોતબહોત ઈજ્જત કરતા હું.આપકે બીતે હુએ કલ કી પરછાઈ મેરે ફેંસલે પર નહીં પડેગી. લેકિન એક બાત હૈ, ક્યાં આપ મેરે લીયે ભી વહી ફિલ કર પાયેંગી જો આપ હિતેન કે લિયે ફિલ કર રહી થી?”
આમ, યોગેશના આ પ્રશ્નમાં તેના છુપાયેલા પ્રેમની શોધનો છુપો શૂર પ્રેક્ષકો અનુભવી શકે છે.તેમજ પોતાના ભાઈના દેવાની વાત કોઈને કહેતો નથી અને ગુસ્સો પણ વ્યક્ત કરતો નથી. જ્યારે નવલકથાનો નાયક આરંભે શૂરો ને અંત આવતા સુધીમાં ઢીલો બની જાય છે. જયારે ફિલ્મનો નાયક આરંભે સાવ સાધારણ અંત આવતા સુધીમાં કુટુંબપ્રેમી, પ્રેમ મેળવવા ઉત્સુક, સ્ત્રી સન્માનની ભાવનાવાળા ઉમદા યુવક તરીકેની અમીટ છાપ પ્રેક્ષકો પર મૂકી આપે છે.

ફિલ્મમાં બારેય રાશિમાની છોકરીની ભૂમિકા ભજવતી પ્રિયંકાને પોતાના મેકઅપ, કોસ્ચ્યુમ અને બોલચાલની છટાથી જુદી પાડવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.ઉપરાંત જોઈએ તો ફિલ્મમાં આવતી પ્રત્યેક છોકરી લગભગ સમાન ઉમર ધરાવે છે ત્યારે તેને જુદી જ રીતે રજૂ કરવી એ દિગ્દર્શક અને અભિનેત્રી બંને માટે પડકારરૂપ બને છે એમ છતા પ્રત્યેક પાત્રને અભિનેત્રીએ બખૂબી નિભાવી આપ્યુ છે. ફિલ્મસર્જકે આ વાતને પ્રેક્ષકોના મનમાં ઉતારવા માટે યોગેશ અને નાનજીના મુખમાં ખુબ જ સરસ સંવાદ મૂકી આપ્યો છે –
યોગેશ : યુ નો નાનાબાપુ, એક બહોત અજીબ બાત હુઈ. મૈ પહેલી લડકી સે મિલા. ફિર મૈ દુસરી લડકી સે મિલા ઔર દુસરી કા ચહેરા બિલકુલ પહેલી લડકી જૈસા થા! આઈ મીન ધે લુક્ડ જસ્ટ ધ સેમ.

નાનાજી : સમજાતા હું. દેખો ઇસ ઉમ્ર મેં તુમ જીતની ભી લડકીયોં કો દેખોગે ઉન સબ કા ચહેરા તુમ્હે એક જૈસા નજર આયેંગા. ક્યોકી તુમ ચહેરે મેં અપને સપનો કી રાજકુમારી કા ચહેરા ઢુંઢ રહે હો. ઈસલીયે હર લડકી મેં તુમ્હે એક હી ચહેરા દિખાઈ દેંગા.
આમ, ફિલ્મસર્જકે આ સંવાદે પ્રેક્ષકને આ બધા જ સરખા ચહેરામાં દેખાતી એક જ અભિનેત્રીની ખૂબીને દર્શાવી આપી છે.એ અંગે તેઓ સમજાવા માંગે છે કે યોગેશ પોતાનો પ્રેમ શોધી રહ્યો છે. જેની કલ્પના તેને આ પ્રત્યેક પાત્રમાં અનુભવાય છે. તેથી જ બધા જ પાત્રમાં તે પોતાના કલ્પનાની રાજકુમારીને શોધી રહ્યો.

'કિમ્બલ રેવન્સ વૂડ' નવલકથાની ભાષા અંગે વાત કરી એ તો નવલકથામાં એ રીતે સંવાદો રચાયા છે કે આખી નવલકથા દરમ્યાન અંતિમ કન્યા કઈ હશે? તે રહસ્ય અંત સુધી જળવાઈ રહે છે. અહીં છોકરીઓના ઈન્ટરવ્યું સમયની ભાષા ઘર, હોટેલ, હોસ્પિટલ, ગાર્ડન, એમાં વિવિધ જગ્યાએ એકવિધતા તોડી છે. અંજલિ સાથેના પ્રથમ ઈન્ટરવ્યુંમાં એ અંજલિ સાથેના સંવાદમાં જણાઈ આવે છે.
‘અ...તમારે ફ્રેન્ડ સર્કલ ....
તમારે? અંજલિ એ પૂછ્યું’
‘ખાસ મોટું નહીં , પણ...બે ત્રણ ફ્રેન્ડઝો છે તે બહુ સોલિડ’
યોગેશને જ્યારે એ પ્રશ્ન પુછાય છે, ત્યારે અંજલિ આંખ મારી કહે છે કે ‘ગર્લફ્રેન્ડ સો હશે., હે હે હે યોગેશ સામે આંખ મારવા પ્રયત્ન કર્યો. પણ કોઈ કારણસર બંને આંખો મરાઈ ગઈ. વારાફરથી.” [૧૦]

તો અંગ્રેજી મિશ્રિત ગુજરાતી રોહિણીના વ્યક્તિત્વને અનુરૂપ છે.યોગેશનો રીતસર ઊઘડો લેનારી ભાવનાની ભાષા જુઓ :
‘જે રીતે વિચારો છે, એ રીતથી મારી વાત સાંભળશો તો નહીં સમજાય. હું જાણું છું કે હું આ જમાનાની ચાલ સાથે ચાલતી નથી. માતૃભાષાઓમાં પત્રાચાર કરું છું. મધ્યયુગ અને પુરાણકાળના લેખકોનાં શ્વાસ લઉં છું. કેરીના ઝાડ ઉપરથી કેરી તોડતાં પહેલા હું વૃક્ષની અનુજ્ઞા લઉં છું.’ [૧૧]
અહીં આ પાત્ર મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ની નાયિકા મંજરીની યાદ આવી જાય છે. તો ક્યાંક કેટલાક પાત્રો ગુજરાતી કહેવતોનું અંગ્રેજી કરતા કહે છે કે,
ટીથ આલનાર ચ્યુંઈગમ આલશે’ [૧૨]
તો કેટલાક સંવાદોમાં વ્યક્તિનાં વ્યક્તિત્વને રજુ કરે છે. જેમ કે –
‘ઘરનું ખાવાનું ન ભાવે ત્યારે કોઈવાર હોટેલમાં જઇ આવવું’
આ એક જ વાક્ય યોગેશ, શંકરભાઈ, ધોળકિયા એમ ત્રણ વ્યક્તિ બોલે છે. આ ત્રણેયના સંદર્ભે વિવિધ અર્થો સૂચવે છે.દેવુભાઇમાં ઉડાવવૃત્તિ, શંકરભાઈ માં પેગી સાથે મોજમજાના ઈરાદે સૂચવાઈ આવે છે. ઉપરાંત નવલકથામાં આવતા અન્ય સંવાદોમાં કહેવતોની સામસામે દલીલબાજીની વિશેષતાને દર્શાવતા ડૉ.નરેશ વૈદ્ય જણાવે છે કે –
‘પ્રસંગોનું કથન કરવાને બદલે પ્રસંગો આપણી નજર સમક્ષ લેખક દેખાડતા જાય છે. તેથી નવલકથાનું બહું સહેલાઇથી કોમિક ફિલ્મ કે નાટકમાં રૂપાંતર થઇ શકે તેમ છે.” [૧૩]
આમ, અહીં વૈધ સાહેબ ને નવલકથામાં ફિલ્મ રૂપાંતરણ ના બીજ જણાઈ આવે છે. પરિણામે આ વાચીને જ કદાચ દિગ્દર્શક ફિલ્મ બનાવવા ઉત્સુકતા દાખવી હોય એમ કહી શકાય. મુખ્યત્વે ગુજરાતી ભાષા ની નવલકથા પરથી ફિલ્મનુ રૂપાંતરણ થાય ત્યારે મહદ અંશે તેમાં ભાષા અગત્યનું માધ્યમ બની રહે છે એને ધ્યાનમાં રાખીને જ તેઓએ તેને ફિલ્મ માં રૂપાંતરણ કરી શકાય એવો ખ્યાલ વ્યક્ત કર્યો છે એમ માની શકાય.

'વોટ્સ યોર રાશિ' ફિલ્મમાં જોવા મળતા હાસ્યોર્મિયુક્ત સંવાદો એ વૈધ સાહેબ ના વાક્યને બરાબર ધ્યાનમાં લીધા હોય એમ કહી શકાય. આમ જોઈએ તો ફિલ્મ એ કેમેરાની કળા છે. તેથી તેમાં શ્રાવ્ય કરતા દ્રશ્ય માધ્યમનો વધુ મહિમા હોય છે. તેમ છતાં દ્રશ્ય માધ્યમને સબળ બનાવવા યોગ્ય ભાષાનો ઉપયોગ પણ આવશ્યક બને છે. મૂળ ગુજરાતી ભાષાની ફિલ્મ ને જ્યારે હિન્દીમાં રૂપાંતરણ કરી આલેખવાની હોય ત્યારે ભાષાકીય ફેરફાર એ અગત્યનું પરિબળ બની રહે છે . જે આશિષ ગોવારીકરની ફિલ્મ ‘વોટ્સ યોર રાશિમાં’ તેમની ભાષાકીય યોગ્યતા ઉડીને આંખે વળગે છે. ફિલ્મમાં ઘણા સ્થળે હાસ્યકટાક્ષ યુક્ત ચમકારા વર્તાય છે. જ્યારે અંજલિ અને તેના પિતા કચરાભાઈ ના સંવાદમાં પ્રયોજાયેલ તેમની ભાષા જોઈએ.
દેવુભાઇ : કચરાભાઈ
કચરાભાઈ : યસ માય સેલ્ફ કચરાભાઈ હર સેલ્ફ ઈઝ માય વાઈફ કોકીલાબેન
યોગેશ ને જોઈ કચરાભાઈ પૂછે, ‘ધીસ ઈઝ કેન્ડિડેટ ?’
યોગેશ (આંચકો ખાઈ જાય) કેન. યસ....કેન્ડિડેટ. વાય. બી. પટેલ.
અંજલિ અને યોગેશ દૂર જાય એટલે કચરાભાઈ દહેજ વિશે ભરતભાઈને પૂછે.
કચરાભાઈ : દેવુભાઇ, ભરતભાઈ. ફોર ડાવરી યુ વોન્ટ ચેક ઔર ડોન્ટ માઈન્ડ કેશ?
ભરતભાઈ : ચેક...કેશ?
દેવુભાઇ : યુ વોન્ટ યુ ટોક બિઝનેસ ?
આમ, ગુજરાતીઓની વેપારીવૃત્તિ આ એક માર્મિક ઉક્તિ વડે રજૂ થઇ છે. ફિલ્મમાં દેવુભાઇ અને જીતુભાઈનાં ઘણાખરા સંવાદો રમુજી છે. તો એક ક્ષણે કાજલને મળ્યા બાદ યોગેશ કહે છે.
‘નાઈસ ગર્લ, પર આરગ્યુમેન્ટ બહોત કરતી હૈ.’
દેવુભાઇ : શાદી કે બાદ આરગ્યુમેન્ટ નહીં હોગી.
યોગેશ : કયો.?
દેવુભાઇ : તબ તુમ ચૂપ રહેના શીખ જાઓગે.
આમ, ફિલ્મના સંવાદો હાસ્યની ઉપજાવે છે. જે વાતાવરણ ને હળવું બનાવે છે તેમજ સમયાંતરે થતી એક જ ક્રિયા અર્થાત – છોકરી જોવાની પરિસ્થિતી ને પણ આ ભાષામાં હાસ્યાત્મક સંવાદ પ્રયોજતાં ફિલ્મ માં કંટાળા જેવો ભાવ પ્રેક્ષકોમાં જાગતો નથી.

નવલકથા 'કિમ્બલ રેવન્સ વૂડ' અને ફિલ્મનો 'વોટ્સ યોર રાશિ' નો પરિવેશ સંદર્ભે વાત કરી તો- નવલકથા ‘કિમ્બલ રેવન્સ વુડ’માં યોગેશનું ઘર અમદાવાદમાં છે. જ્યારે ફિલ્મ 'વોટ્સ યોર રાશિ' માં મુંબઈ છે. ફિલ્મમાં બારડોલી, શિકાગો અને મુંબઈ એમ ત્રણ પરિવેશો દર્શાવ્યા છે. નવલકથામાં પરિવેશ શબ્દોથી રચાય છે. જ્યારે ફિલ્મમાં સ્થળથી.અહી રચાયેલ પરિવેશ ગુજરાતી પરિવાર તેની રહેણીકરણી અને તેમના રીતભાત ને દર્શાવતા ભાષાની ભિન્નતા એ પણ એક ભાષા ની પોતાપણા ભાવ પરિવેશ ના દ્રશ્યોથી આવે છે.પરિણામે ફિલ્મમાં આવતો પરિવેશ માત્ર સ્થળસૂચક સંજ્ઞા નથી પરંતુ અહી પાત્રોના વાણીવર્તન, કપડા, મેક-અપ,વગેરેને ધ્યાનમાં લેવા પડે. આ બધું જ એક ફિલ્મને પડદા પર જીવંતરૂપે રજૂ કરી આપે છે.અહીં દર્શાવતું ગુજરાતી કુટુંબ તેના પહેરવેશ અને બોલચાલથી વર્તાઈ આવે છે. તો બીજી બાજુ દિગ્દર્શક મુલરાજ નામના ખલપાત્રને મુકીને યોગેશની ચિંતામાં વધારો કરી આપ્યો છે. એમ છતાં મુલરાજને ખતરનાક ગુંડારૂપે મુક્યો નથી કારણ કે અહીં ફિલ્મસર્જકને 'પ્રેમકથા' આલેખવાની છે મુંબઈની ‘અપરાધકથા’ નહી. આ ઉપરાંત બીજી મહત્વની બાબત એ છે કે સાધારણ ફિલ્મમોમાં ગુજરાતી પાત્રો હાસ્યાસ્પદરૂપે દર્શાવાય છે.પણ આ ફિલ્મમાં એવું થયું નથી પરંતુ દિગ્દર્શકે સ્થળપલટા દ્વારા ગુજરાતી પરિવેશને સાથે રાખી ઈ.સ.૧૯૮૧ની આ નવલકથાને વર્તમાન સંદર્ભ સાથે જોડી નવો આકાર આપ્યો છે.પરિણામે પ્રેક્ષક વર્ગને એમાં આધુનિકતા જણાઈ આવે છે. ઉપરાંત બાર રાશિની છોકરીઓ અને રાશિ મુજબની છોકરીઓ નો વ્યહવાર, વર્તન અને તેની લાક્ષણિક્તા દૃશ્ય શ્રાવ્ય રૂપે જ્યારે પડદા પર અંકાય છે ત્યારે પ્રેક્ષક એ પ્રત્યેક ક્ષણ ને માણે છે.

ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ’ માનો અભિનય, વસ્ત્રો અને સાજ શણગારની દ્રષ્ટીએ તપાસીએ તો ફિલ્મની વેશભૂષા એ જ આખા વાતાવરણને જીવંત બનાવે છે. ફિલ્મમાં ગુજરાતી પરિવારને દર્શાવ્યો છે.પરંતુ અહીં યોગેશના મમ્મી, ભાભી અને બાર છોકરીઓ માની એક હંસા તેમજ ઝંખના વગેરેનાં વસ્ત્રોમાં સાદાઈ દર્શાવી પાત્રોમાં તેમના વ્યક્તિત્વની રેખાઓને ઉપસાવી આપે છે તો વિશાખા અને ચંદ્રિકાનાં ભપકાદાર વસ્ત્રોએ તેમને ધનાઢ્ય પરિવારના દર્શાવી આપે છે.

યોગેશનું પાત્ર ભજવતા હરમન બાવેજા આખા ફિલ્મમાં સંવેદનશીલ અને સરળ યુવાનની ભૂમિકા ભજવે છે. તેનો કુટુંબ પ્રેમ, સંજના માટેનો પ્રેમ, અને કોની સાથે લગ્ન કરવા એ અંગેની મુજવણને પણ સતત દર્શાવી આપવા તેને આછી દાઢીમાં જીન્સ અને ટી શર્ટમાં સુસજ્જ જોવા મળે છે. જે તેના વ્યક્તિત્વને ઉપસાવી આપે છે.

બીજા મહત્વના પાસા તરીકે બારે રાશિઓની છોકરીઓને એક જ અભિનેત્રી પ્રિયંકા ચોપરામાં ઢાળવા વિવિધ મેક-અપ દ્વારા નવો ઓપ અપાય છે. અહી પ્રત્યેકની ચાલ, ઢાલ, બોલી વગેરેને જે તે વ્યક્તિત્વમાં ઢાળવા પ્રિયકાએ ખુબ જ સક્ષમતા દાખવી છે.

તો ગૌણ પાત્રમાં દેવુકાકાના અભિનયમાં દર્શન ઝરીવાલાએ મહત્વની ભૂમિકા ભજવી છે.તેમના સંવાદો અને મેક-અપ ખરા અર્થમાં તેમને દેવુકાકાના પાત્રમાં ઢાળી આપે છે.આમ, ફિલ્મના પડદા પર દેખાતી સામગ્રી પણ કોઈને કોઈ ઉદ્દેશ્ય સાથે મુકાય છે. એ અંગેની પણ અહીં કાળજી રાખવામાં આવી છે. તેમજ કાસ્ટિંગ અને અભિનયની દ્રષ્ટીએ આ ફિલ્મ ધ્યાન ખેચે તેવી છે.

‘વોટ્સ યોર રાશિ’ માં આવતા ગીતો વિષે વાત કરીએ તો, ફિલ્મ સંગીત વગર અધૂરું છે. પરિણામે ફિલ્મમાં કુલ તેર ગીતો છે.લગભગ અત્યારસુધી ની ફિલ્મો માં સૌથી વધુ ગીતો ધરાવતી આ ફિલ્મ કહી શકાય પણ ખૂબી એ છે કે સમયાંતરે આવતા એ ગીતો ક્યાય કંટાળો ઉપજાવતી નથી. ફિલ્મમાં આવતા ગીતો ફિલ્માંકનમાં વૈવિધ્યતા દર્શાવે છે.કેમેરા, સંકલન અને પટકથાએ ગીતોમાં પરિસ્થિતિ સુચવી અપાઈ છે. ફિલ્મની શરૂઆતમાં રાશિચક્ર વચ્ચે ઉભેલો યોગેશ દેખાય છે. અને વિવિધ રાશિ ચિન્હોમાં જુદા જુદા વસ્ત્રોમાં સજ્જ પ્રિયંકા ચોપરા જોવા મળે છે.આ ફિલ્મની મૂળ કથાનો ધ્વનિ સ્પષ્ટ કરી આપે છે. ઘણી વખત આવતા અન્ય ગીતો પાત્રના સંવાદોની જગ્યાએ ભાવને અસરકારક રીતે વ્યકત કરવા પણ મૂકી આપ્યા છે. જેમકે –
  1. સંજના અને યોગેશ ગાડીમાં જે ગીત ગાય છે તે –જાઓના – દ્વારા સંજના પ્રત્યેના પ્રેમ અને તેને પામવાની ઝંખના આલેખે છે.
  2. કાજલના ડી.જે ફંકશનમાં આવતું ગીત - આજ લહેરાકે બલખાકે - માં યોગેશની સારા ડાન્સર તરીકેની છબી જોવા મળે છે.
  3. હંસા અને હિતેનના સબંધ વખતે વાત કરતા પાશ્ચાદભૂમિમાં સંભળાતું ગીત- 'બિખરી બિખરી ઝૂલ્ફે' – યોગશના જવાબથી હંસાના હતાશ મનમાં ઉગતા નવા અંકુરો તરફ ધ્યાન દોરે છે.
  4. રજની પરમારની કોન્ટ્રાક્ટ મેરેજની શરતો સાંભળી આવતું ગીત – 'માંનુંગા માનુગા મેં જો તેરા કહેના હૈ' -માં લગ્ન બાદની યોગેશની ગુલામ તરીકેની છબી અહીં દર્શાવી છે. અહી વિશાળ યંત્રો વચ્ચે યોગેશ રજનીના હાથની કટપુતળી બની રહયો હોય તેવી પરિસ્થિતિ અહી રમુજ ઉપજાવે છે.
  5. ચંદ્રિકા દ્વારા પૂર્વજન્મની વાતો કરતા – 'સો જન્મ હા લેંગે હમ' – એ ગીત દ્વારા પૂર્વજન્મ અંગેની પરિસ્થિતિ દર્શાવાય છે.
  6. નંદીનીને શિકાગોમાં જઈને મોડેલ બનાવની તીવ્ર ઈચ્છા છે એને આ સપનાને દર્શાવતું ગીત - 'આ લે ચલ મુઝકો સપનો કે નગર'.
  7. ડૉ.પૂજા યોગેશને સ્કુટર પર બેસાડી ગામડાના કેમ્પમાં લઇ જાય છે ત્યારે આવતું ગીત - 'પ્યારી પ્યારી પ્યારી પ્યારી, નંઈ નંઈ ન્યારી ન્યારી, ઐસી હૈ તેરી બાતે સારી, દિલ મૈને ખોયા જાન વારી..' માં નાજુક લાગણીઓને નજાકતથી રજુ કરી આપે છે.
  8. ભાવના શુક્લ દ્વારા યોગેશને ‘કામ શાસ્ત્ર’ નાં પાઠ ભણાવતા આવતું ગીત – 'સલોને ક્યા તુને પ્રેમ કા શાસ્ત્ર પઢા.'
  9. મકર કન્યાની ઝંખના નામની છોકરીનાં મુકભાવને આલેખવા – 'ઘૂંઘટ મેં ગોરી કયો જલે ?' માં ઝંખનાની મુક ભાવનાને વાચા મળે છે.
  10. અંતે બાર રાશિમાં અસમંજસ અનુભવતો યોગેશ ભાભી સાથે સલાહ સુચન કરતા – 'ચહેરે જો દેખે હૈ સારે હી પ્યારે હે, હમ ક્યા બતાયે કે કિ દિલ કિસ પે હારે હૈ?'
– માં બધી રાશિની છોકરીઓ સાથે નાચતો યોગેશ દર્શાવ્યો છે. પરિણામે એક વ્યુહ્યાત્મકરૂપે બધી મુલાકાતો ફરી પ્રેક્ષકના મનમાં તાજી થઇ આવે છે.અને યોગેશ સાથે પ્રેક્ષક પણ પસંદગી અંગે મુંજવણ અનુભવે છે.

આમ, ફિલ્મ સર્જક એ ગીતો દ્વારા રમુજી વાતાવરણ ઉભું કરી આપ્યું છે.તેમજ પ્રત્યેકને વિવિધ પરિવેશમાં મૂકી આપી રસાભાસ જાળવી રાખ્યો છે. તેમજ ગીતોના કારણે ફિલ્મ લાગણીમાં સરી ન પડતા હાસ્યપ્રેરક બની જાય છે. સાથો સાથ ગીતો દ્વારા પ્રત્યેક રાશીનું વ્યક્તિત્વ પણ આલેખી આપ્યું છે. પરિણામે હળવાશનું તત્વ જળવાઈ રહે છે. તેર ગીતો હોવ છતાં પણ કથાપ્રવાહ ખોટકાતો અનુભવતો નથી.

આમ, મધુરાય ની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ ને આશુતોષ ગોવારીકરની ‘વોટ્સ યોર રાશી’? નામની પ્રેમકથા નવા રંગરૂપે આલેખાયેલ કૃતિ સફળતાપૂર્વક રજુ કરે છે. ફિલ્મ માં આવતા ગીતો અને હરમન બાવેજાના પાત્રની નિખાલસતા અને એક સાથે બાર અલગ અલગ છોકરીઓના પાત્ર ભજવતી પ્રિયંકા ની અભિનયક્ષમતા અને નવલકથાને સંપૂર્ણ ન્યાય આપ્યો કહી શકાય એવી આ ફિલ્મ નવલકથા સાથે ફિલ્મ પણ પ્રેક્ષક વર્ગને આકર્ષનારી બની છે. ભાષા, સંવાદ અને હિન્દી સિનેમામાં નવલકથા ના રૂપાંતરણે એમાં આવતી ગુજરાતીપણાની છ્ટા સતત ફિલ્મમાં વર્તાઇ આવે છે. પરિણામે દિગ્દર્શક અને લેખક બને ના ઉદ્દેશ્યણે ખરો ન્યાય મળ્યો છે એમ કહી શકાય.

સંદર્ભ સૂચિ :
  1. 'કિમ્બલ રેવન્સવૂડ', મધુરાય, અરુણોદય પ્રકાશન, ૨૦૦૮, 'મુખબંધ'
  2. એજન, પૃષ્ઠ નંબર - ૨૧૬
  3. એજન, પૃષ્ઠ નંબર - ૮
  4. એજન, પૃષ્ઠ નંબર - ૮
  5. એજન, પૃષ્ઠ નંબર - ૧૧
  6. એજન, પૃષ્ઠ નંબર - ૧૫૪
  7. એજન, પૃષ્ઠ નંબર - ૯૮
  8. એજન, પૃષ્ઠ નંબર - ૧૧૪
  9. એજન, પૃષ્ઠ નંબર - ૨૧૪
  10. એજન, પૃષ્ઠ નંબર - ૧૯
  11. એજન, પૃષ્ઠ નંબર - ૧૩૯
  12. એજન, પૃષ્ઠ નંબર - ૧૯૮
  13. 'ગુજરાતી કથાવિશ્વ : નવલકથા', સંપાદક- દાવલપુરા બાબુ, વેદ નરેશ, 'પાશ્વ પ્રકાશન, ૨૦૦૯, પૃષ્ઠ નંબર – ૩૦૪.
ડૉ. મનીષા ચાવડા, એસો. પ્રોફેસર, સાબરમતી યુનિવર્સીટી, અમદાવાદ. manisha.mgc@gmail.com