ગુજરાતી સાહિત્યમાં કવિતા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, વિવેચન વગેરે સ્વરૂપોમાં પ્રદાન કરનાર ધ્વનિલ પારેખ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, સાદરામાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપે છે. નાટ્યકાર તરીકેની તેમની પ્રસિદ્ધિ નોંધપાત્ર છે. તેમના નાટકોને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. આજના અનુ આધુનિક યુગમાં અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનામાં નાટક ક્ષેત્રે ખૂબ ઓછું ખેડાણ થયેલું જોવા મળે છે. ત્યારે ધ્વનિલ પારેખ આ નાટકના ખેડાણને એક ડગલું આગળ લઈ જાય છે. મહાભારત આધારિત ભારતીય નાટકો પર પીએચ.ડીનો અભ્યાસ કરવાને કારણે તેમને મહાભારતનું આકર્ષણ ત્યારથી રહ્યું છે. અને એટલે જ ભીષ્મના પાત્રને કેન્દ્રમાં રાખીને તેમણે પ્રથમ ‘અંતિમ યુદ્ધ’ નામનું દીર્ધ નાટક લખ્યું. ત્યાર બાદ ‘એક હતી ક્રિષ્ના’ નામનું નાટક તેઓ૨૦૨૦માં પ્રગટ કરે છે. આ નાટક પ્રગટ થયું એ પહેલા ત્રણ વર્ષ સુધી લખાયેલા કાગળ પર પડી રહે છે. ત્યાર બાદ દિગ્દર્શક મહેન્દ્રસિંહ પરમાર અને એમના વૃંદ દ્વારા એનું ‘વાચિકમ્’ ૨૦૧૯માં થયું. અને પછી નાટક સુધારા વધારા સાથે પ્રગટ થયું.
ધ્વનિલ પારેખનુ ‘એક હતી ક્રિષ્ના’ નામનું બે અંકનું મૌલિક નાટક છે. જેમાં અંક-૧માં પાંચ દૃશ્ય અને અંક-૨માં ચાર દૃશ્ય છે. નાટક મીથ પર આધારિત છે. જેમાં દ્રોપદીની કથાનો વિનિયોગ તેમણે મહાભારતની દ્રોપદી અને વર્તમાન ક્રિષ્નાના પાત્રને કેન્દ્રમાં રાખીને કર્યો છે. આ નાટકમાં સમાંતર બે કથાઓ ચાલી રહી છે. એક દ્રોપદી અને કૃષ્ણના સંબંધની કથા જયારે બીજી ક્રિષ્ના અને કેશવના સંબંધની કથા. એક પૌરાણિક કથા છે. જયારે બીજી વર્તમાન. કૃષ્ણનું રાજકીય મુત્સદ્દીપણું સંબંધોમાં કેવી રીતે પ્રવેશે છે એ રજૂ કરવાનો પ્રયત્ન ધ્વનિલ પારેખે આ નાટકમાં કર્યો છે.
આ નાટક હજુ સુધી ભજવાયું નથી. પરંતુ તેની મંચનક્ષમતાની વાત કરીએ તો આ નાટક રંગભૂમિ પર તેની મંચસંપ્રજ્ઞતાનું અને સત્વશીલ સાહિત્યક્ષમતાનુ પરિચાયક બની રહે તેવું છે.નાટ્યકારે આ બે અંકની નાટ્યરચનામાં નાટકની કેટલીક જાણીતી-મૌલિક નાટ્યપ્રયુક્તિઓ જેવી કે નાટકમાં નાટક, પુરાકલ્પન, સહોપસ્થિતિ, મંચ વિભાજન પ્રયુક્તિ વગેરેનો વિનિયોગ કર્યો છે, જે સમગ્ર નાટકને સભર નાટ્યક્ષમતાનો અનુભવ કરાવે છે.
ધ્વનિલ પારેખે મહાભારતમાં આવતી દ્રોપદીની સરળ અને સંક્ષિપ્ત કથાનું પોતાની રમણીય કલ્પનાના પારસસ્પર્શ વડે અલૌકિક અને ભવ્ય એવી કલાકૃતિમાં રૂપાંતર કર્યું છે.
નાટકના પ્રથમ અંકનું દૃશ્ય- ૧ કેશવના પાત્રથી શરુ થાય છે. કેશવ ઓફ બીટ નાટ્યલેખક છે. એ ક્રિષ્નાની રાહ જોઈ રહ્યો છે. ક્રિષ્ના ધંધાદારી નાટકોમાં અભિનય કરતી અભિનેત્રી છે. ક્રિષ્ના આવે છે. આમ, આ નાટકની ભજવણી જો મંચ પર ભજવાય તો કેશવ અને ક્રિષ્નાના સંવાદ દ્વારા નાટક આગળ વધે છે. કેશવે મહાભારતની દ્રોપદીની કથાને કેન્દ્રમાં રાખી એક નાટક લખ્યું છે. અને તેની ઇચ્છા છે કે નાટકની નાયિકા ક્રિષ્ના બને. કારણ કે તેને ક્રિષ્નાનો અભિનય ગમે છે. એ માટે તેણે ક્રિષ્નાને સ્ક્રીપ્ટ પણ વાચવા આપી હતી. જયારે ક્રિષ્નાને આ પૌરાણિક નાટક સોગિયા જેવું લાગે છે. જેથી તે સ્ક્રીપ્ટ વાંચતી નથી. કેશવ અને ક્રિષ્નાની વ્યવહારની ભાષાની વાતચીતમાં કેશવ ક્રિષ્નાને નાટકની સ્ક્રીપ્ટ સંભળાવવાનું શરુ કરે છે. કેશવે લખેલું નાટક આમ મંચ પર વંચાય છે તો બીજી તરફ ભજવાય પણ રહ્યું છે. મંચના બીજાં ભાગમાં પ્રકાશ થાય છે અને દ્રુપદ રાજાની પૌરાણિક કથાની ભજવણી ચાલુ થાય છે. મંચ પર ‘સમાંતર દૃશ્ય’ની પ્રયુક્તિનો વિનિયોગ નાટ્યકારે કરેલો અહીં જોવા મળે છે. નાટક વર્તમાનમાંથી અતીતમાં અને અતીતમાંથી વર્તમાનમાં સતત આગળ વધે છે.
દૃશ્ય- ૧માં દ્રોપદીના જન્મની કથા,તેના સ્વયંવરની કથા, કૃષ્ણ અને દ્રોપદીની સ્વયંવરને લઈને થતી વાતચીતની સાથે સાથે કેશવ અને ક્રિષ્નાની વાત ભજવાતી જાય છે. દૃશ્ય- ૨માં પ્રોડ્યુસર ગોરજિયા અને કેશવની આ નાટકને લઈને થતી વાતચીત દર્શાવવામાં આવી છે. ત્યાર બાદ ક્રિષ્નાના આવવાથી નાટકનું વાચન શરુ થાય છે. નાટકની શરૂઆતમાં જે નાટક ક્રિષ્નાને સોગિયા જેવું લાગતું હતું તે નાટકમાં હવે ક્રિષ્નાને રસ પડે છે. વળી પાછી દ્રોપદીની કથા આગળ વધે છે. જેમાં દ્રોપદી કઈ રીતે પાંડવોની પત્ની બની તેની કથા આવે છે. દૃશ્ય- ૩માં દ્રોપદી કૃષ્ણ પાસે પોતાની મનોવ્યથા રજુ કરે છે તેની વાત રજુ થઇ છે. એની સમાંતરે મંચ પર કેશવ અને ક્રિષ્નાની પણવાત રજુ થઇ છે. દૃશ્ય- ૪માં દ્રોપદીની કેશરાશિની મોહિની અનુભવતા પાંડવોની વાત, દ્રોપદીના વસ્ત્રાહરણની કથા,તેની પ્રતિજ્ઞા વગેરેની રજૂઆત છે. જયારે દૃશ્ય- ૫માં નાટ્યકારે ક્લ્પનની પ્રયુક્તિ પ્રયોજી ક્રિષ્નાને મળવા આવેલી દ્રોપદીની વાત રજુ કરી છે. મંચ પર ત્યારે દ્રોપદી અને ક્રિષ્ના બંને સાથે સંવાદ કરે છે. ત્યાર બાદ વસ્ત્રાહરણથી ક્રોધિત દ્રોપદીને આશ્વાસન આપવા આવેલા પાંડવોની વાત, કૃષ્ણ અને દ્રોપદીની ગુપ્ત વાત વગેરેની રજૂઆત થાય છે. આમ, પાંચ દૃશ્યમાં વિભાજીત પ્રથમ અંક પૂર્ણ થાય છે.
અંક-૧ના દૃશ્ય-૪માં જે રીતે દ્રૌપદીની કેશરાશિ સાથે પાંડવો એક પછી મોહિની અનુભવતા દર્શાવ્યા છે તેની જેમ જ દ્રિતીય અંકના દૃશ્ય-૧માં ક્રિષ્નાના જીવનમાં આવેલા પાંચ પુરુષની ક્રિષ્ના સાથેના શરીર સંબંધની વાત ક્રમિક રીતે આવે છે, સત્યભામાએ દ્રૌપદીને પુછેલા પ્રશ્નો વગેરેની રજૂઆત આ દૃશ્યમાં થાય છે. દૃશ્ય-૨માં કૌરવો સાથે સંધિ કરવા જઈ રહેલાં કૃષ્ણ અને દ્રોપદીની વાત આવે છે. તો કર્ણને લલચાવતા કૃષ્ણની વાત પણ સાથે સાથે આવે છે. દૃશ્ય-૩માં ક્રિષ્નાનો સોદો કરતા તેના પિતાની વાત આવે છે. સાથે બીજી બાજુ યુદ્ધમાં દ્રોપદીના પ્રતિશોધની વાત. દૃશ્ય-૪માં મંચ પર દ્રોપદીનું પાત્ર ભજવતી ક્રિષ્ના દ્રોપદી બને છે જ્યારે દ્રોપદી ક્રિષ્ના. કેશવ ક્રિષ્નાના અને કૃષ્ણ દ્રોપદીના વાળ બાંધે છે. ત્યાં નાટક પૂર્ણ થાય છે.
આ નાટક જો રંગમંચ પર ભજવાય તો મંચ બે ભાગમાં વિભાજીત કરવું પડે. મહાભારતની કથાને અનુરૂપ સંગીત, દ્રોપદીની કેશરાશિની મોહિની અનુભવતા પાંડવોની ક્રમિકતા અને એક સરખા સંવાદો, ક્રિષ્નાના જીવનમાં આવેલા પાંચ પુરુષો અને તેની સાથેની વાતચીતની ક્રમિકતા, થોડીવારમાં કેશવ અને ક્રિષ્ના પર પ્રકાશ તો વળી પાછા મંચના બીજા ભાગમાં દ્રૌપદીની કથા પર પ્રકાશની વ્યવસ્થા તો ક્યારેક બંને કથાઓ એક સાથે ભજવાતી હોય એવું પણ કરવું પડે છે.
નાટક હંમેશા ભજવવા માટે જ લખાય છે, એટલે કે નાટ્યસર્જકે તેની રંગમંચક્ષમતાની સવિશેષ કાળજી લેવી પડે છે. નાટક જયારે રંગમંચ પર ભજવાય છે ત્યારે તેના નાટકપણાની સાચી પરીક્ષા થાય છે. કેટલાય નાટ્ય સર્જકોના નાટકો સાહિત્યિક તત્વોસભર હોવા છતાં તેની રંગમંચક્ષમતાના અભાવને કારણે મંચ પર તે સફળ થઈ શક્યા નથી. સંઘર્ષ એ નાટ્યાત્મકતા સિદ્ધ કરવા માટેનું મહત્વનું અંગ છે. ધ્વનિલ પારેખ આ નાટકમાં વર્તમાનની ‘ક્રિષ્ના’ અને મહાભારતની ‘દ્રોપદી’ના પાત્રોના ભાવ કે વિચારના સંઘર્ષને આલેખી નાટ્યાત્મક્તા સિદ્ધ કરી શક્યા છે.
ધ્વનિલ પારેખની ચરિત્ર ચિત્રણકલા આ નાટકમાં મ્હોરી ઊઠે છે. સબળ, સક્ષમ, અભિનયક્ષમ ચરિત્રોનું નિર્માણ તેમના નાટકોમાં જોવા મળે છે. બીબાઢાળ, સરેરાશ પાત્રોને બદલે જીવતાં, મનોસંઘર્ષ અનુભવતાં ચરિત્રોનાં સર્જનમાં તેમની વિશિષ્ટ શક્તિ ખીલી ઊઠે છે. પુરાકલ્પનનો વિનિયોગ કરીને ‘એક હતી ક્રિષ્ના’ સર્જનાર ધ્વનિલ પારેખે પાત્રોનું પણ નવસર્જન કર્યું છે. પાત્રોના હાડમાંસ યથાવત રાખીને તેનું હૃદય, તેનો ધબકાર, મનોસ્થિતિ વગેરે પોતાની રીતે ગતિશીલ બનાવ્યા છે.
ભાષા નાટકમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ભાષા નાટકમાં સંવાદાત્મક સ્વરૂપે વિશેષ રીતે આવે છે.આ નાટકમાં ભાષા-સંવાદોની દૃષ્ટિએ અનેકવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. પાત્રોની રેખાઓને સ્પષ્ટ રીતે ઉપસાવવામાં, સંઘર્ષનું ચિત્તાકર્ષક આલેખન કરવામાં, રસપ્રવાહને ઉત્પન્ન કરી નાટકનો કાર્યવેગ જાળવવામાં, વિવિધ ભાવોનું આલેખન કરી પ્રસંગોને ઊઠાવ આપવામાં નાટ્યકારે નાટ્યોચિત ભાષાનો ઉપયોગ કર્યો છે. એમની ભાષામાં અલંકારોનો સમુચિત વિનિયોગ, ભાષાની વિવિધ તરેહો, ઉદગારો, શબ્દોના આવર્તનો દ્વારા પાત્રોના સંકુલભાવો, ઘટના, સ્થળકાળ અનુરૂપ દૃશ્યો નિર્માણ કરવામાં ઉપયોગી થયા છે.
આ નાટકમાં વસ્તુ છે, સૂઝ છે, માનવચરિત્રો છે, ઘટનાઓ છે, અનેક સ્તરીય આલેખન અને વૈવિધ્યપૂર્ણ રચના કૌશલ છે તો સાથે તખ્તાના કસબી કલાકાર પાસે નાટકને પૂર્ણ રીતે રંગમંચક્ષમ બનાવવાની તખ્તાપરક પૂરતી સામગ્રી પણ છે.
નાટક એ દ્વિજકલા છે. સર્જકના મનમાંથી શબ્દરૂપે નાટક ઉતરે છે ત્યારે તેનો પ્રથમ જન્મ અને જયારે તે રંગભૂમિ પર ભજવાય છે ત્યારે તેના બીજા જન્મ તરીકે પૂર્ણાવતાર પામે છે. એટલે કે નાટકની રંગમંચક્ષમતાએ તેનો પાયાનો ગુણ છે. ધ્વનિલ પારેખ રંગભૂમિની મર્યાદાને સારી રીતે સમજે છે એટલે તેમનું આ નાટક રંગમંચક્ષમતા યુક્ત બની શક્યું છે એમ કહી શકાય.
નાટ્યકારે આ નાટકમાં ‘નાટકમાં નાટકની’ પ્રયુક્તિ આપણને લાભશંકર ઠાકરના નાટક ‘પીળું ગુલાબ અને હું’, સતીશ વ્યાસના ‘તીડ’ નાટકમાં તથા રઈશ મનીયારના ‘લિખિતંગ લાવણ્યા’ નાટકમાં જોવા મળે, તેની માફક આ નાટકમાં જોવા મળે છે. કેશવે લખેલ નાટક તે ક્રિષ્નાને સંભળાવે છે અને તેમાંથી એક નવું નાટક આપણી સામે ભજવાય છે. નાટકની પ્રસ્તાવનામાં ભરત મહેતાએ આ પ્રયુક્તિ વિશે એટલે જ કહ્યું છે કે, “પૂર્વ સૂરીઓએ જે પ્રયુક્તિ પોતાના દર્શનને પ્રગટ કરવામાં લીધેલી એવું જ ધ્વનિલ પારેખે પણ કર્યું છે.”
નાટકમાં પૌરાણિક કથા અને વર્તમાન કથા નવા દૃષ્ટિકોણના ઉમેરણ સાથે રંગમંચક્ષમ બનતી જણાય છે. પુરાકલ્પનની કથ્ય પ્રયુક્તિને ક્રિષ્નાના જીવન સાથે સરખાવી નાટકની રંગશૈલી સાથે અન્ય રંગશૈલીઓના કલાત્મક સમન્વયથી બે અંકમાં સધાયેલું રસાત્મક ભાષાકર્મ આ નાટકને સબળ રસવતા અને મંચનક્ષમતા બક્ષે છે.
નાટ્યકારે આ નાટકમાં ક્રિષ્ના જેવી ધંધાદારી નાટકની અભિનેત્રીને પોતાનીમનોવ્યથા વ્યક્ત કરવા માટે ‘દ્રોપદી’નાં પુરાકલ્પનનો વક્રોક્તિપૂર્ણ સર્જનાત્મક વિનિયોગ કરી આધુનિક સંવેદનને સબળ રીતે મૂર્ત કર્યું છે. સળંગ બે અંકમાં રચાયેલા આ નાટકનું રચનાવિધાન નાટ્યકારની મંચસંપ્રજ્ઞતા-માધ્યમસૂઝનું દ્યોતક બની રહે છે.
માનવમૂલ્યોને સહજરૂપમાં વ્યક્ત કરતું સાંપ્રત વિષયવસ્તુ, મૌલિક સૂઝથી નિપજાવેલું કલાત્મક વસ્તુસંકલન, સચોટ-જીવંત-પ્રતીતિકર પાત્રાલેખન અને સાહિત્ય તથા રંગમંચીય શક્યતાઓથી સભર સર્જનાત્મક ભાષાકર્મને લીધે તાજગીસભર આહલાદનો અનુભવ કરાવતું આ નાટક ધ્વનિલ પારેખનું જ નહીં. પરંતુ ગુજરાતી સાહિત્ય રંગભૂમિનું યાદગાર નાટક બની રહેશે.ગુજરાતી નાટ્યસાહિત્યની દિશા અને દશા બદલવામાં અન્ય નાટ્યકારો સાથે ધ્વનિલ પારેખનો સમાવેશ આપણે આથી જ કરી શકીએ છીએ.
સંદર્ભ ગ્રંથ
- એક હતી ક્રિષ્ના : ધ્વનિલ પારેખ, સાહિત્ય સંગમ, પ્રથમ આવૃતિ,૨૦૨૦
- નાટ્યાલોક : કપિલા પટેલ, શબ્દલોક પ્રકાશન, પ્રથમ આવૃતિ, ૨૦૦૩
- રંગદ્વાર : મહેશ ચંપકલાલ, પાર્શ્વ પબ્લીકેશન, પ્રથમ આવૃતિ, ૨૦૦૨