ગુજરાતી સાહિત્યમાં મૃત્યુ બાદ સ્વજનની યાદમાં ચરિત્રકાવ્યો, અંજલીકાવ્યો, સ્મરણકાવ્યો, રાજિયાં વગેરે રચનાઓ જોવા મળેછે, પરંતુ કરુણપ્રશસ્તિનો સાહિત્યપ્રકાર અંગ્રેજી સાહિત્યના સંપર્કને લીધે આપણે ત્યાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં તેના સૌપ્રથમ શ્રીગણેશ કરનાર દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી હતા. તેમણે પોતાના મિત્ર ફાર્બસ (એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ) ના મૃત્યુથી શોકમગ્ન થઈને મૃત્યુ વિષયક કાવ્ય(ફાર્બસવિરહ)ની રચના કરી.જે આપણું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય બને છે.
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ સ્કૉટલેન્ડના ઉમરાવ કુટુંબનો નબીરો હતો. 1846માં તેને આસિસ્ટન્ટજજ તરીકે અમદાવાદ આવવાનું થયું. ત્યારબાદ બે વર્ષ પછી 1848માં ભોળાનાથ દિવેટિયાના વચેટિયાપણાથી તે દલપતરામને મળે છે. સાબરમતીને કાંઠે ચાંદાસૂરજના મહેલમાં દલપતરામ પ્રથમ વખત ફાર્બસને મળ્યા.એ દિવસથી જ અભાનપણે 'ફાર્બસવિરહ' પ્રશસ્તિની સામગ્રી એકઠી થવાની શરૂ થાય છે.દલપત-ફાર્બસનો યોગ કેવળ દલપતરામના વ્યક્તિગત જીવનમાં જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય માટે પણ પૂર્વ-પશ્ચિમના સમન્વયનું મહાન પરિબળ બની રહ્યો. 1848થી1862 સુધીમાં દલપત ફાર્બસની મૈત્રી વ્યોમે પહોંચે છે. ને 1865ના ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખે 'કવિતા જહાજનો કૂવાથંભ' ભાગી પડેછે. મનને હરી ગયેલ મિત્રની દિલગીરી દલપતરામ મનહરછંદમાં વ્યક્ત કરે છેઃ
"શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,
તેનો શોક તજી શાં થકી સંતોષ વાળવો"
"દાખે દલપતરામ પામરનો પાળનાર
મુંબાઈમાં હતો તે લૂંટાઈ ગયો માળવો"
કરુણ પ્રશસ્તિમાં સામગ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં સ્વજનનું મૃત્યુસામગ્રી બને છે. તેમાં સ્વર્ગસ્થ થયેલા સ્વજન કે સગાના માત્ર ગુણગાન કરવામાં આવે છે. કરુણપ્રશસ્તિનો નાયક ક્યારેય જીવિત હોતો નથી એ તેની સ્વરૂપગત વિશેષતા છે. 'મૂઈ ભેંસના મોટા ડોળા' ની માફક અહીં માત્ર મૃત્યુ પામેલ વ્યક્તિના વખાણ જ ઇચ્છનીય છે. ટીકા કે દોષદર્શનને અવકાશ નથી.દલપતરામે પણ 'ફાર્બસવિરહ' પ્રશસ્તિમાં મન ભરીને ફાર્બસ સાહેબના ગુણગાન ગાયા છે:
"લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો કોણ હવે મને લાડકોડથી લડાવશે"
પરમ મિત્ર ફાર્બસની ચિરવિદાયથી દલપતરામના જીવનમાં શૂન્યતા છવાય છે. પોતાને હવે ‘માય ડિયર’ કહીને કોણ બોલાવશે? એ વાતનું દુઃખ છે. ફાર્બસની ગેરહાજરીથી જે શૂન્યાવકાશ ઊભો થયો છે એને પરિણામે કવિ શોકમાં ડૂબી જાય છે. તે ખાળવા કે સમાવવા કવિના હૃદયમાંથી ઉદગારો નીકળે છેઃ
"પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો
પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ."
ફાર્બસે કવિને પ્રેમપાન પાઈ પાઈને પુષ્ટ કર્યા છે. માત્ર કવિ જ નહીં કવિની કવિતાશક્તિ પણ પુષ્ટ થઈ છે. જે ઉપરોક્ત પંક્તિના પ્રથમ અને અંતિમ શબ્દનો પ્રાસમેળ કહી આપે છે.
દરેક મહાન કવિ લેખકની વિદાય પછી તેના સગા,વહાલા, સમપક્ષી અને ચાહકવર્ગને એવું લાગે છે કે,આ ક્ષેત્રમાં હવે કોઈ એમના જેટલું જાણકાર રહ્યું નથી. દલપતરામને મન પણ ફાર્બસ જતા કવિતા જાણનાર વર્ગના ઓરડાને તાળું મારવાનો વખત આવ્યો છે.તેઓ કહે છેઃ
"કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના
કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે."
‘ફાર્બસવિરહ'માં કવિએ પોતાના મિત્રની પ્રશસ્તિ સચોટ રીતે નિરૂપી છે. કવિ એમના મિત્ર ફાર્બસ સાહેબની પ્રીતિને યાદ કરીને શોક પ્રગટ કરે છે. તેમના દૂર જવાથી લાડ લડાવનાર દિલદાર દોસ્ત ગયાની વેદના તેઓ અનુભવે છે. પહેલા સુખ આપીને પછી આમ અચાનક જ મૃત્યુ પામેલા ફાર્બસની વિદાયને તેઓ પચાવી શકતા નથી. કવિહૃદય દ્રવી ઊઠતા ઉદ્દગાર કરેછેઃ
"જો તું જળ સ્વરૂપે તો હું બનું મચ્છ રૂપે
જો તું ચંદ્ર હોય તો,ચકોર થવા હું ચાહું છું."
મિત્ર દીવારૂપે હોય તો પોતે પતંગ થવા,વસંત રૂપે હોય તો કિલગાન ગાવા તૈયાર થાય છે. કવિ પોતાને ફાર્બસ સાહેબરૂપી સૂરજ વિના કરમાતા કમળ હોવાનું કહે છે. પૂરા પીસ્તાળીસ વરસ પણ ન જીવનાર નિરભિમાની ફાર્બસ વિનાની દુનિયા કવિને આદિત્ય વિનાના અંધકારથી ઘેરાયેલી લાગે છે. દલપતરામ ફાર્બસસાહેબને રત્નનગરના સર્વોપરી રત્ન તરીકે બિરદાવે છે. પંદર દિવસની પીડા ભોગવીને દેહ ત્યજનાર મિત્રનું નામ તો અજર-અમર રહેવાનું છે એવી કવિને શ્રદ્ધા છે.
'ફાર્બસ વિરહ'માં નિરૂપાયેલો કરુણરસ પણ અદ્ભુત છે. કરુણરસ અને પોતાને થયેલા શોક તથા આઘાતનું વર્ણન તો કોઈ દલપતરામ પાસેથી જ શીખેઃ
"પૂછો ચાહિ ચકોરને,પૂછો જળચર કાય
કાં તો પૂછો કમળને સ્નેહિ ગયે શું થાય"
પોતાની હૃદયપીડાને વાચા આપવા દલપતરામ સોરઠાનો યોગ્ય ઉપયોગ કરે છે. પ્રથમ પંક્તિના પ્રારંભમાં ઊર્મિતત્વનો સ્પર્શ ભાવકના ચિત્તને થઈ જાય છે. દલપતરામની અનેક રચનાઓમાં ઊર્મિતત્ત્વ અનુભવાયછે, પણ અહીં પ્રગટ થતી ઊર્મિવશતા બહુ ઓછી રચનાઓમાં જોવા મળશે. મોકળા હૈયે ગાયેલી હૃદયપીડા પથ્થર હૃદયી ભાવકમાં પણ ઉદ્વેગ ઉત્પન્ન કરી મૂકે એવી છે. બે ઘનિષ્ટ મિત્રો વચ્ચેના રોજરોજના સ્નેહસંબંધ અને પરસ્પરના વ્યવહારને દલપતરામે પંક્તિએ પંક્તિએ પ્રગટ કરતા જઈને મિત્રતાનો અનુબંધ ભાવક સુધી વિસ્તાર્યો છે.
"આજ કાલની વાત જોડ વરસ જાતાં રહ્યાં
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ
“દિલ નથ શો દિલગીર વેલેરા મળશું વળી
વદીને એવું વીર ફરીને ના મળ્યો ફારબસ
નેણે વરસે નીર સ્નેહી જ્યારે સાંભરે
વેલો આવી વીર ફરીને મળજે ફારબસ"
દલપતરામની આ પંક્તિઓ વારે વારે પુનરાવર્તિત થઈને આપણા કાનમાં ગુંજ્યા કરે છે. કોઈ પણ ભાવકને હલબલાવી મુકે એવી આ પંક્તિઓ આજથી દોઢસો વર્ષ પહેલા લખાયેલી છે એ જાણી એ ત્યારે એમની કવિત્વ શક્તિ ઉપર આપણને માન થઈ આવે. અહીં દલપતરામ શોકની ચરમસીમાએ પહોંચે છે. હાસ્ય, જોડકણાં ને હડૂલા રચનાર દલપતરામના હૃદયમાંથી આવી દર્દનાક પંક્તિઓ નીકળે તે તેમની કરુણરસ પરની ગહન સમજણની પ્રતિતીની દ્યોતક બની રહે છે. નર્મદ માટે "કવિ તમે હાસ્ય રસ જાણતા નથી." એવું વિધાન એક વિવેચકે કર્યું હતું. પણ દલપતરામના હાસ્ય કે કરુણરસની જાણકારી વિશે તેમજ તેની પક્કડ અને સમજણ ઉપર કોઈ વિવેચક આંગળી ચીંધી શકે નહીં તેવું આપણને 'ફાર્બસવિલાસ' અને 'ફાર્બસવિરહ' સાબિત કરી આપે છે. તેમાં ખાસ કરીને 'ફાર્બસવિરહ'માં ફાર્બસની વસમી વિદાયનું દુઃખ નિરૂપવા માટે કરેલો સોરઠાનો પ્રયોગ ઉત્તમોત્તમ છે. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ પંક્તિઓનું જો સંપાદન કરવામાં આવે તો સંપાદકે ‘ફાર્બસવિરહ'ની ઉપરોક્ત પંક્તિઓ લેવી જ રહી.
'ફાર્બસવિરહ' માત્ર શોકગીત નથી, પરંતુ તેનાથી કંઈક વિશેષ છે. ફાર્બસના મૃત્યુના આલેખન ઉપરાંત કવિએ એમાં ઘણા સ્થિત્યંતરો સાંધ્યા છે. ફાર્બસના વ્યક્તિત્વનું સાચું રેખાચિત્ર પણ તેમને કાવ્યરૂપે આપ્યું છે. ફાર્બસના વ્યક્તિત્વને ઉપસાવવા માટે તેના ચરિત્રના જીવન પ્રસંગોની સુચારું ગૂંથણી રજૂ કરી છે. ફાર્બસે પોતાના જીવનકાળ દરમિયાન કરેલી લોકસેવાને દલપતરામ આ પ્રશસ્તિમાં સમાવે છેઃ
"ત્રેવીસ વર્ષની ઉંમરે તે તો આવ્યો મુંબઈ મોઝાર,
જજ કલેકટરની પોલિટિકલનો ઉત્તમ અધિકાર,
સુરતને અમદાવાદ થાપી પુસ્તકશાળા વિશાળ,
ગુજરાતમાંહિ સોસાઇટી થાપી, સાદરા માંહિ નિશાળ."
આ ઉપરાંત ફાર્બસસાહેબ આંધળા, લૂલાને દાન આપતા, કવિ-પંડિતોનું યોગ્ય માન-સન્માન જાળવીને તેમની સાથે ભાવ રાખતા અને શૂરાઓને શિરપાવ દેતા. આવા અનેક ગુણો કવિએ પ્રશસ્તિની સાથેસાથે સાંકળી લીધાછે.
કવિને પોતાના મિત્રના અવસાનથી ન મિટાવી શકાય એવી ખોટ ઉપજી છે. આ ખોટ ક્યારેય કોઈ પૂરી કરી શકશે નહીં. દલપતરામને તેનો ખૂબ ઊંડો શોક છે.એ શોક પણ કોઈ મિટાવી શકે તેમ નથી. આ વિરહારાગ્નિ ક્યારે શાંત થશે તેના જવાબમાં દલપતરામ જ કહે છેઃ
"દિન ગણતાં માસ, માસ ગણત વરસે ગયું
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનીયું કાળજું"
મૃત્યુ વિષયક કાવ્ય પ્રકારોમાં કરુણરસનું આલેખન થતું હોય તે સ્વાભાવિક છે. કારણકે તેમાં મૃત્યુ વિષયક આલેખન હોય છે, તેથી તેમાં કરુણરસની વરણી મુખ્ય રસ તરીકે થાય છે. અહીં અનુભવાતો કરુણ રસ મૃત્યુ જનિત છે. એ સમસ્યા નથી, પણ સત્ય છે તેથી તેનું સમાધાન ન હોઈ શકે. તેના વડે થયેલા દુઃખમાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય પ્રભુસ્મરણ કે તત્ત્વચિંતન છે. તેથી 'ફાર્બસવિરહ'માં અંતે કરુણરસની સાથે સાથે ભક્તિરસની કે શાંતરસની પંક્તિઓ જોવા મળે છેઃ
"તુજને ગમ્યું તે ખરૂ પ્રભુ તેમાં નથી અમારો ઉપાય."
"ઓ પ્રભુ, આપ તો એવા જ આપ જે શાણા રૂડા સરદાર
એજ અમારી અરજ અંતર માંધાર જે જગદાધાર"
'ફાર્બસવિરહ'ની કરુણપ્રશસ્તિ તરીકે ઘણી વિષેશતાઓ આ પરથી તારવી શકાય. કવિએ પ્રશસ્તિનો ભાગ ખૂબ સૂપેરે વર્ણવ્યો છે.તેમણે કરેલો નાગપાશ પ્રબંધનો પ્રયોગ કાવ્યમાં નાવીન્ય લાવે છે. આ ઉપરાંત સોરઠા અને દોહરાનો પ્રયોગ પણ દલપતરામની પ્રતિભા સંપન્ન કલમનો પરિચય કરાવે છે. ગુજરાતી ભાષાના કોઈ કાવ્યમાં અંગ્રેજી શબ્દો પ્રયોજાયા હોય એવી આ પ્રથમ કૃતિ છે. કવિએ શોકના નિરુપણમાં વૃત્તિમય ભાવાભાસનો આશરો લીધો છે. તેમની પરિપક્વ શૈલી આપણને નજરે ચડ્યા વગર રહેતી નથી.
વિષેશતાઓની સામેની બાજુ જઈને જોઈએ તો 'ફાર્બસવિરહ' ની કેટલીક મર્યાદાઓ પણ નજરે પડે છે. કવિએ મિત્રના ગુણગાન ગાયા છે તેમાં કરુણરસનું શ્રેષ્ઠ આલેખન કર્યું છે, પરંતુ આ આલેખન ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તેથી એક સુબદ્ધ કૃતિ બનતી નથી. તેમ છતાં ગુજરાતી સાહિત્યની આ એક અમર રચના છે એ વાતમાં કોઈ સંદેહ નથી. ફાર્બસ વિરહ વિશે રમણ સોની પોતાનો અભિપ્રાય આપતા કહે છેઃ 'ફાર્બસવિરહ' દલપતરામના પ્રલંબ અને સ્થિર કવિતાપ્રવાહમાંથી ઉછળેલું અંગત ઊર્મિ-આલેખનનું એક વિશિષ્ટ અને આકર્ષક મોજું છે."
તો વળી આપણા જાણીતા વિવેચક મધુસુદન પારેખ કહે છેઃ “દલપતરામની શોકોર્મિને પ્રગટ કરતી આ કરુણપ્રશસ્તિ કવિ તરીકે સહેજે દલપતરામને ઉચ્ચસ્થાનના અધિકારી બનાવે છે.”
પાશ્ચાત્ય ઊર્મિકાવ્યોનું ઊંડું અધ્યયન કરીને નરસિંહરાવ દિવેટિયા 'સ્મરણસંહિતા' જેવી શ્રેષ્ઠ કરુણ પ્રશસ્તિ આપે તે ગુજરાતી સાહિત્ય માટે નવાઈની વાત કહેવાય નહીં. પરંતુ સામાન્ય કુટુંબમાં જન્મેલા દલપતરામ કોઈ પણ પ્રકારનો ઉચ્ચ અભ્યાસ લીધા વિના, પશ્ચિમના કોઈ સાહિત્યપ્રકાર પર આધાર રાખ્યા વિના પોતાની કોઠાસૂઝથી જ મિત્રની પ્રશસ્તિ ગાય છે અને તેમાં આપણને 'એલેજી' કાવ્ય મળે છે જે એક અસામાન્ય ઘટના ગણવી પડે.
સંદર્ભ
- ‘ફાર્બસ વિરહ', દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી, ઈ.સ. 1867(સંવત ૧૯૨૩), ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ.
- ‘દલપત ગ્રંથાવલી-૫’, પારેખ મધુસૂદન
- ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ-3, ગુજરાતી સાહિત્ય પરિષદ
- ‘ગુજરાતી સાહિત્ય સ્વરૂપો’, નાયક રતિલાલ સાં.
- ‘પરબ', અંક ૪, ૨૦૨૦