Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વાસ્તવની પૃષ્ઠભૂમિ પર જિંદગીનું મહાત્મ્ય દર્શાવતો હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ : ધારો કે આ વાર્તા નથી-
મૂળથી આગળ વધેલા યુગોના વિકાસની ગાથામાં ઘણા પડાવ આવ્યાં, એવું જ સાહિત્યને પણ લાગૂ તો પડે જ છે. જો કે એક પછી એક હારબંધ આવતા યુગને સીમાઓમાં વહેંચીને છૂટા તો ન જ પાડી શકાય. સાહિત્ય મોટેભાગે માનવ દ્વારા સમયે-સમયે કરાયેલા વિકાસનો દસ્તાવેજ પણ બને છે. સાહિત્યની યાત્રા આધુનિક યુગ સુધી પહોંચતા પહોંચતા ક્ષીણતા, નિરાશા, હતાશા, અસ્તિત્વના પ્રશ્નોમાં ગરકાવ થઈ જતી માલૂમ પડે છે. પરંપરા સાથેનો નાતો તૂટતો અનુભવાય અને લાગણીઓમાં વિચ્છન્નતાનો પ્રભાવ વર્તાવ એમાંથી બહાર નીકળવા માટેની મથામણ ચાલે અને મૂળ તરફની ગતિને વેગ મળે છે. તમે જોઈ શકો છો કે સમસ્યાઓ તો એ પછી પણ ઓછી નથી; પરંતુ, મૂળના અંશોને ચકાસીએ તો અસ્તિત્વના અંશોની ભૂમિકા મળે અને પછી જ નવસર્જન અથવા પુનઃસર્જનની કેડી કંડારાય.

પ્રસ્તાવના

અનુઆધુનિક યુગમાં મૂળ એટલે કે તળની સંસ્કૃતિ તરફની ગતિ તથા તેમની પરંપરાઓમાં ડોકિયું કરવાની એક મથામણ રહી છે. દલિત-નારી જેવા શોષિત સમાજ, જેના અનુભવો ક્યારેય તારસ્વરે બહાર આવતા ન હતા, તેનો જુવાળ ફાટે છે. ઘરની ચાર દિવાલોમાં પોતાની દુનિયા સમેટતી નારી, પરિવાર અને મનના સંકોચો દૂર કરી મુક્ત સાહિત્ય લખતી થાય છે; પરંતુ, દરેક યુગની શરૂઆતના પરિબળોમાં સમસ્યા હંમેશા મુખ્ય રહેવાની. એવી જ રીતે કોઈ એક દિશા તરફની ગતિ નવી સમસ્યાઓને જન્મ પણ આપવાની જ. સાહિત્ય તો આ સમાજ, દેશ અને માનવમનના સંચલનોને અભિવ્યક્ત કરવાની કળા છે, જે માધ્યમ પણ છે.

ગુજરાતી સાહિત્યમાં અનુભવ, પરાનુભવને ઝીલતી અને સાહિત્યના માધ્યમ દ્વારા શબ્દોમાં અભિવ્યક્તિ કરી સમાજમાં વ્યાપ્ત સમસ્યાઓ પર પોતાના બુલંદ શબ્દો દ્વારા પ્રહાર કરતી લેખિકા હિમાંશી શેલતના વાર્તાસંગ્રહ ‘ધારો કે આ વાર્તા નથી–’નો અભ્યાસ કરવાનો ઉપક્રમ સેવ્યો છે. જેમાં લેખિકા પુસ્તકની પ્રસ્તાવનામાં જ નોંધે છે કે, ‘જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વર્તાય છે.’

વાર્તાસમીક્ષા

‘ધારો કે આ વાર્તા નથી–’ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક વાર્તાના હાર્દને પામવાનો પ્રયત્ન કરીએ તો... સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘ધારો કે વાર્તા નથી –’. આ વાર્તામાં તમિલનાડુના એક અટપટા નામ ધરાવતા ગામમાં નાયિકા પહોંચે છે, અણધાર્યા સંજોગોને કારણે. વાર્તાનાયિકા કાર સરખી થાય ત્યાર સુધીના સમયમાં એકલી ટહેલવા નીકળી પડે છે. શાળાના વિદ્યાર્થીઓ ગલીઓની ગૂંચમાંથી જઈ રહ્યાં હતાં, ત્યાં શિક્ષકો પણ દેખાયા અને તેમાં અચાનક એક જાણીતો ચહેરો નજરે ચઢ્યો. સ્મૃતિને ઢંઢોળતા ઘણા પ્રયત્ન પછી નામ યાદ આવ્યું. ‘પેરુમલ મુરુગન’. આંખો પર શંકા થઈ, ધારો કે આ વ્યક્તિ એ જ છે; પણ, પછી શું ? પેરુમલ મુરુગનની ઓળખાણ એટલે જેણે લખવાનું છોડી દઈ એક સામાન્ય શિક્ષક બની રહેવાનો નિર્ધાર કર્યો તે. અઠવાડિયા પછી નાયિકા (વાર્તાકથક) ઘરે આવે અને ‘એમાં દાખલ થયાં કે તરત જે બનેલું તે ન બન્યા જેવું ઝાંખું અને નગણ્ય બની ગયું. રાતે ન્યૂઝમાં ધારવાડના લેખક અને રૅશનાલિસ્ટ કલબુર્ગીના ખૂનના સમાચાર, અન્ય ખબરો અને સંસ્કાર-પ્રવૃત્તિઓની ભચડકચડમાં જરાતરા દેખાયા’ આગળ કહે છે કે ‘એક માણસ અર્થાત્‌ એંસીની નજીકનો કોઈ વિદ્બાન, લેખક, વિચારક, પ્રગતિશીલ બુદ્ધિજીવી – ડોરબેલ વાગવાથી બારણું ખોલે અને ધડ દઈને માથામાં એક ગોળી વાગે. માથામાં કે છાતીમાં ? જયાં વાગી ત્યાં, પણ જીવલેણ.’ (પૃ. ૩) આખી ઘટનાને નાયિકા જ ઝાંખું અને નગણ્ય કટાક્ષમાં કહે છે. ત્યારબાદ કલબુર્ગીનો પરિચય આપી આ પછીતમાં જતા રહેલા વ્યક્તિ યાદ કરે છે. વાર્તાના બીજા અધ્યાયમાં છાપાની કૉલમ અને ટીવી દ્વારા કલબુર્ગીને અપાતી અંજલિઓ તથા તેની સાથે સગવડિયા, તકસાધુ બૌદ્ધિકો ચર્ચા સાંભળી અને વિખેરાય.

વાર્તાના ત્રીજા અધ્યાયમાં કલબુર્ગી તો મનમાં હતા ત્યાં બીજું કોઈપણ લોહીલુહાણ હતું એ મનના ચાલતા વિચારોમાં પેરુમલની નવલકથાના ચારેક પાના વાંચી નાયિકા ઊંઘમાં પ્રવેશી સપનું જુએ છે. સપનામાં પેરુમલ નામધારી વ્યક્તિ દેખાય. તો મથામણ અનુભવે છે કે ઘણું લખનાર વ્યક્તિ એકાએક લખવાનું બંધ કરે તો પણ વિચારો તો બંધ થાય નહીં તો તે કેવી અને કેટલા પ્રમાણમાં મૂંઝવણ અનુભવે. અભિવ્યક્તિની મુક્તિનું શું ?

હવે વાર્તાનો ચોથો અધ્યાય જેમાં ‘માતૃભૂમિ’માં લખતા મલયાલમના અધ્યાપક ‘બશીર’ યાદ આવે – ‘રામાયણ’ પર લખનાર બશીરને લખતા બંધ કરવાના પ્રયાસો થાય અને લખવાનું બંધ. ફરી એ જ સવાલ લખવાનું બંધ કરતા શું થતું હશે ? આ રીતે ખોવાયેલી-ડઘાયેલી નાયિકાને પતિ પૂછી લે ‘એની પૉબ્લમ ?’ ‘ના’ કહી ફરી પોતાની પીડા સાથે પોતે લખેલી ‘સીતા અને ઊર્મિલા’ની કથાને સાંભરે. કલમ લખતી જાય; પરંતુ, તેમાં રાવણ માટે ‘નખશિખ સજ્જન’ વિશેષણ સીતા દ્વારા રજૂ થાય. આ પ્રકારનું લખાય, પ્રગટ થાય તો કોઈ વાંચે ખરું અને કોઈ ન વાંચે તો... પેરુમલની નવલકથાની જેમ વંટોળમાં સપડાઈ જાય, આમ, ભયંકર મથામણ પછી ‘ડોરબેલ વાગે, હું બારણું ખોલું અને સામે રિવૉલ્વર લઈને એક માણસ ખડો હોય, ખુન્નસ, ઝનૂન, ઝેર આંખોમાં ભરીને વિજયમાં મલકાતા કૃત્સિત હોઠ એ મારી નજર જોયેલું આ રમણીય પૃથ્વી પરનું અંતિમ દૃશ્ય હોય, અને ધડ... ધડ... ધડ...’ (પૃ. ૮) આમ, લેખક વિચારક અને બૌદ્ધિકને લખતા અટકાવવા કયાં તો ધમકાવવા, નુકસાન પહોંચાડવું છતાં કોઈ ન માને તો મારી નાખવાની રાજકીય અને સામાજિક હાથા બનાવવાની પ્રવૃત્તિ અંગેની સમસ્યાની અને વૈચારિક સંઘર્ષ અનુભવતી નાયિકાની ભૂમિકા આ યુગને વિચારવા મજબૂર કરે એમ છે.

આમ, ચાર અધ્યાયમાં વહેંચાયેલી આ વાર્તા વાર્તતત્ત્વના લક્ષણોને વળગી રહે છે; પરંતુ, કોઈ એક સળંગ કથાવસ્તુ ન હોવા છતાં વાર્તાની ગૂંથણી ક્યાંય ભાંગતી ન લાગે અને એક જ હાર્દરૂપ વિચારને વળગીને તેના અનેક ઉદાહરણ આપતા અનુભવાય. વિચારશીલ વ્યક્તિની માનસિક ભૂમિકા અને એક પછી એક બનતી ઘટનાઓની અસર અને મથામણનો ચિતાર આ વાર્તામાં ગૂંથાયો છે. અહીં બધું ધારવાનું છે કે ‘ધારો કે આ વાર્તા નથી –’ પરંતુ, વાસ્તવિકતા તો જરૂર છે.

‘નગર-ઢિંઢોરા’ –વાર્તા નામ તેવા જ ગુણ ધરાવતા દીનદયાળનગરમાં રહેતી બિંદિયાની આસપાસ ગૂંથાય છે. દારૂની ભઠ્ઠી પર ત્યાં દરોડા પડે, ચરસગાંજો પૂરો પાડતા કાકાને ત્યાં પોલીસ આવે ને પોલીસ આવે એટલે કેટલાયને જીપમાં ભરીને જાય. આવો જ ખાખી રંગ એકવાર બિંદિયાને પણ ચોકીમાં ઊઠાવી જાય છે. સ્ત્રી પોલીસ અને દમામદાર અફસર સામે તે બેઠી છે. સવાલો પૂછાય ‘નહીં જાનતી ઈસ લડકે કો ?’ - બિંદિયાની ભયભીત આંખો અને બંધ હોઠ પોલીસોને અકળાવે છે. તેની સામે રંગીન પત્રો મૂકાય છે, જેમાં નામ લખેલું છે ‘બલવીર’. પોલીસ ધમકામતા હોય ત્યાં બિંદિયાની સામે વીસમી ડિસેમ્બરનું રાતના અંધારામાં બનેલી આખી ઘટના પ્રત્યક્ષ થઈ ગઈ. ‘હજી બે કલાક પહેલાં તો રેલવે સ્ટેશનની પાછળના ખંડેરમાં બલવીરનો હાથ પકડી, એના ખોળામાં માથું રાખી, એ સૂતી હતી.’ (પૃ. ૧૦) ભાગી જવાનો બંનેએ આખે આખો પ્લાન તૈયાર રાખેલો; પરંતુ, ‘ઓ મા રે ! બલવીર કો કાટ ડાલા...’ની બિંદિયાની ચીસ અને તેનું તમ્મર ખાઈને પડી જવું. આંખ ખૂલી ત્યારે કહેવામાં આવે – ‘અબ બચ્ચી કો બોલો ચૂપ રહે. સવાલ જો હો, જવાબ એક, પતા નહીં, સાલી, ન જાત, ન પાત, નીચે લોગ... ઠીક હી હુઆ અબ ઐસી ગલતી નહીં હોગી કિસીસે...’ (પૃ. ૧૧) એમ ડરાવી-ધમકાવીને બધાએ તેને તૈયાર કરી દીધેલી.

બીજા અધ્યાયમાં બિંદિયા તેણે બલવીરને લખેલા કાગળ, અક્ષરો અને તેની સાથેના પ્રેમભર્યા ચિત્રોમાં સરી પડે. ત્યાં પોલીસ ચોકીમાં બહાર દેખાતા વૃક્ષની પાછળ બલવીરની બહેન જે બિંદિયાને કાયમ ભાભી જ માનતી તેના પડછાયા જેવું લાગ્યું. ત્યાં જ મહિલા પોલીસે સાચું બોલવા કહ્યું અને પછી બિંદિયાએ પગને ભોંયે ભાર દઈને વળગાડી, ડોક ટટ્ટાર કરી કહી દીધું, ‘બલવીર મુઝે પસંદ થા. હમ હર રોજ મિલતે થે. ઘર મેં સબ મના કરતે થે. મારને કી ધમકી ભી દેતે થે. વીસ ડિસેમ્બર રાત કો ઘર કે સબ – ચાચુ, ભૈયા – ઔર કંઈ આદમી લોગ દોડે થે, સબ ને મિલકર બલવીર કો માર ડાલા...’ (પૃ. ૧૪) – બારણે ટોળે વળેલાં બધા વિખરાઈ ગયા. બહાર દીવાલના ઓથે ઊભેલા વડીલે કપાળે હાથ પછાડી એટલું જ કહ્યું કે, ‘સાલી ઓરત જાત ! ભરોસા હી નહીં...’ અહીં વાર્તાનો અંત થાય. આ વાર્તામાં જાત-પાતની સમસ્યાની સાથે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ અને છતાં આખરે બળવો પોકારતી એટલે કે આ પુરુષ આધિપત્યની પરંપરાને પડકારતી બિંદિયા ‘નગર-ઢિંઢોરા’ વાર્તામાં બખૂબી ચિત્રાય છે. હિન્દી-ગુજરાતી મિશ્રિત ભાષાની છતાં ક્યાંય ન સમજાય એવું નહીં અને સુંદર અભિવ્યક્તિ વાર્તાને કલાત્મકતા અર્પે છે. સંવેદનાઓ અને મનોવૈજ્ઞાનિક તથ્યો અને વાસ્તવિક જગતના સત્યોનું ભેળસેળ કરીને બનેલી આ વાર્તા પણ સામાજિક સંસ્થાને પડકારે છે. ‘તિલસ્માતી’ વાર્તામાં સર્જનાત્મકતાના પાયાના મૂલ્યો અને મનોરંજનની અંકાતી કિંમતના મૂળમાં રહેલા માનવીઓની વ્યાપારવૃત્તિ વચ્ચેનો સંઘર્ષ છે. ‘ઑઝ ધ માઈટી ઍન્ડ પાવરફુલ’ મૂવી જોવાનું દાજી સપનું કહો કે ઘેલછા. ઘણી રાહ જોયા બાદ ‘આજે તો માત્ર ‘ઑઝ ધ માઇટી ઍન્ડ પાવરફુલ’, અને તે પણ ખલેલ વગર, કારણ કે મંડળી આખી ઘરની બહાર, અને મોડી સાંજે કે રાતે આવવાની’ (પૃ. ૧૫) ટીવીના નાનકડા પડદા પર ચાલતા સંસારને ઝાંખી પડતી આંખોમાં દાજી સમાવતા જાય. જાદુગરની ઇન્દ્રજાળમાં દાજી બરાબર ગૂંથાય, સુખસાગરમાં હિલોળા લે અને આ માયાજાળમાં રમમાણ દાજી ગેસ્ટરૂમની અભરાઈ પરથી ઉતરવાનું મનોમન નક્કી કરી લે છે.

બીજો અધ્યાય વાર્તાનો શરૂ થાય પણ દાજીના મનોજગતમાં તેનો નશો યથાવત. ગેસ્ટરૂમની અભિરાઈ ખાસી-પહોળી, કોઈ ફરિયાદ કે ચિંતા નહીં પણ એ પરવશ જીવનમાં ક્યાંય અજબ, અસાધારણ અને આઉટ ઓફ ધિસ વર્લ્ડ કંઈ જ નહીં. એટલે મુવી જોયા પછી ‘ફિયર માય પાવર’નો મંત્ર હાથ લાગતા જ તિલસ્માતી, જાદુઈ દુનિયા પ્રગટ. દાજી બગીચે પહોંચ્યા અને આ ત્રણ શબ્દોની અલૌકિક સૃષ્ટિમાં રહી ઘરે આવ્યા પછી એમણે ઓઝનો વાંદરો દીઠો અને દાજીને આભાસ, કલ્પના વચ્ચેની આ ટકોરબંધ હકીકત જોતા ઊંઘ ન આવી અને માયાવી સૃષ્ટિ ચારે તરફ ફરતી રહી.

વાર્તાએ સ્થળ બદલ્યું અને આ અધ્યાયમાં દાજીને તેમના મિત્ર મોહનને મળવાનો રઘવાટ. મોહનભાઈ પોતાના પ્રવાસનું વર્ણન કરે પછી દાજીને આટલા દિવસના હાલચાલ પૂછે ત્યાં તો દાજી શબ્દચિત્રો ઉપસાવતા જાય કે ‘અડસઠની રેલનો ગાંડો વરસાદી દિવસ યાદ છે ?... જળની સરસર, સળવળ ચાદર એવી તો ઘટ્ટ કે સઘળું એકાકાર, પાણીનું જ બળેલું... (પૃ. ૧૯) મોહનભાઈ ઝાડ પરથી ટીપાં પડતા હોય તેમ માથે હાથ ફેરવે અને તેમનો ભોંય પર અડે તો સમજાય કે વરસાદ તો પડ્યો જ નથી. દાજીની અંદર વહેતી ઊર્જા અંગે બધા અચરજમાં પડે. હવે દાજીના જીવનનો નવો અધ્યાય શરૂ થાય. દરરોજ નવા આખ્યાન મંડાય, તેમને સાંભળવા આવનારની ભીડ વધતી જાય, ‘દાજીના ખેલ તો એ અદાકાર અને એના જેવા કેટલાયને આંટી દે એવા ગજબનાક અને હેરતઅંગેજ.’ (પૃ. ૨૦) દાજી અભરાઈ પરથી કાયમ માટે ઉતરી જાય, અને ‘દાજી ઠેઠ ભીતરથી ભીંજાતા રહે, જેટલું ભીંજાય એટલી કૂંપળ તાજી, નાજૂક, લાલશભરી’ બને. – વાર્તા છેલ્લા અધ્યાયમાં કુટુંબમેળો જામ્યો હોય ત્યાં દાજી ગેરહાજર; પરંતુ, બધા વાત કરે દાજીના નૅરેટિવ પાવરની અને આ બધી દાજી વિશેની ચર્ચાને અંતે ઘરનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ કહે ‘પ્રોપર માર્કેટિંગ થાય તો ?... દાજીના આ સુપર પાવરનું જ તો ! ... ઍન્ડ વી ચાર્જ, આફ્ટર ઑલ દાજી શ્રમ લે છે, અને આયે એક જાતનું એન્ટરટેઈનમૅન્ટ નહીં ?’ – ત્યાં આ વેધક સંવાદ સાથે વાર્તા પૂરી થાય. જે દાજીને અભરાઈએ ચઢાવ્યા તેમની આનંદ મેળવવાની આ સૃષ્ટિને પણ આધુનિક જગતના લોકો (નવી પેઢી) આવકનું સાધન માને છે. સર્જનાત્મકતાની કિંમત મૂકી દે છે.

આનંદની કલ્પનામાં હુસેનસાહેબે આલેખેલી જમનાનો પુનઃજન્મ ‘ગોમતી’ સ્વરૂપે થાય અને તેની દુર્દશાનો આલેખ એ વાર્તા ‘ગોમતી શાસ્ત્ર’. ઈન્દોર માટે દંતકથા સમી ઓજસ્વી સૌંદર્ય અને અલૌકિક રૂપથી તરબતર કન્યા એટલે જમના. મકબૂલ તેની વાત આરંભે કે તે કન્યા પર લાલખાં દરજીની મલિન નજર પડે અને લલખાં સ્વભાવ પ્રમાણે તેને મેળવી પોતાના ઘરમાં ગોઠવી દેય. ત્યારપછી મકબૂલ જમનાને સાત વર્ષ પછી જુએ તો સોડમાં બે બાળકો અને ત્રીજું પેટમાં. ‘મઘમઘતા ફૂલની બેરહમ હત્યા’ જોયા બાદ મકબૂલ આક્રોશ વ્યકત કરી અહીં અટકે. એ સંદર્ભે જગતભર સ્ત્રીઓનો તિરસ્કાર કરતા, ગંધાતા-બેફામ ઉચ્ચારેલા ઠલવાતા શબ્દો જે રૂપવતી જમનાએ સાંભળેલા તેવી જ ગંદકી આનંદીએ પોતાના ઘરમાં ઠલવાતી પણ જોઈ છે. પણ બળવો ન થવાનું આશ્ચર્ય તેને રહેતું. બીજા અધ્યાયમાં સ્થળ તો હુસેનસાહેબની આત્મકથાવાળું જ ‘ગુલેરશાહબાબાની દરગાહ એક કાંઠે અને બીજે કાંઠે શિવાલય.’ સાતેક વર્ષની આનંદી, મા જોડે આવેલી ત્યારે એક નદીકાંઠે પરી ભાળેલી. પરીનું નામ ગોમતી, તે આનંદીને મોડું જાણવા મળેલું ગોમતી મા-બાપની પાંચમા નંબરની દીકરી. વાસનાભર્યો ત્રિલોક તેનું મૂલ ચૂકવી લઈ આવ્યો. આ પછી આનંદી ભણવામાં ગળાડૂબ થઈને પાછી ઈન્દોર આવી એટલે પહેલી યાદ આવી પરી. ગોમતીને શોધવી શરૂ કરી મળીએ ખરી; પણ, ‘અડખેપડખે બે છોકરા, ત્રીજું પેટમાં, કષ્ટાતી ચાલ.’ – નિંદાની કવિતા આનંદીએ લખી કાઢી. આશ્ચર્ય પૂરું.

ત્રિલોકી ગાળો બોલતો, ‘આમેય આ તરફ પુરુષોની ગાળો કુખ્યાત. સ્ત્રીઓ પણ ક્યારેક બોલી પડે પણ એનો ખુદનો દેહ ગાળોમાં ખરડાય એનો થોડો સંકોચ નડે.’(પૃ. ૨૫) સ્ત્રીઓ આને કુદરતી પ્રક્રિયા માને. આનંદીની નાની બહેન આ ગાળો વિશે કહે કે, ‘જનમ આપનારી મૂળ જગત પવિત્ર ગણાય. ગામની નદી જે પહાડમાંથી નીકળે ત્યાં મેળો ભરાય, ભજનકીર્તન થાય, લોકો માનતા માને અને માથાં ટેકવે. નદીના મૂળનો આવો મહિમા તો માણસજાત કેમ અમુક શબ્દો ગાળમાં ખાસ વાપરે જ વાપરે ?’ (પૃ. ૨૫) આનંદી કંઈ બોલતી નથી; પરંતુ, આ બધામાં ગોમતીનો ચહેરો દેખાતો. ફરી ઈન્દોર આવતા તે ગોમતીને શોધી કાઢવાનો નિર્ણય કરે છે. બેહદ ગંદકી, રઘવાટભેર દોડતા પગ, ગલીમાંથી ફૂટતી ગલી વચ્ચે શોધતા સફેદ ફૂલવાળી ઝાડ નીચે ખાટલી ઢાળેલી આધેડ દેખાતી મા, ચારેબાજુ તુલસીવન, માની અડખેપડખે બે છોકરા લગભગ વય તો નાની નહીં પણ વિકાસ અટકી ગયેલો હોય એવા અસ્થિર માથા અને અરેરટી છૂટી જાય એવા છોકરાઓના મોંમાં કોળિયા મૂકતી હતી. અપાર ધીરજ અને વણખૂટ વહાલથી મા મોં સાફ કરતી અને વહાલ ઠાલવતી. આ ઓરડીની પાછળ એક આદમી ગંદકી ઠાલવતા શબ્દો બોલતો હોય; પણ, આ માનો જીવ સંતાનોમાં ઓળઘોળ. આનંદી ગોમતીની આંખોનો ઉજાસ પાથરી લે છે ઠાકરદ્વારના ફાટફાટ કોલાહલમાં આનંદને જે મળે છે તેમાં અનેક લાલખાંઓ અને ત્રિલોકીની હયાતીનો સમૂળગો છેદ ઊડી જાય છે. માની મમતા અને સ્નેહની સામે કે આગળ આખી સૃષ્ટિની ગંદકી નિર્મૂળ બની એક એવી સૃષ્ટિનું નિર્માણ થાય છે. જેમાંથી નીકળતા તેજની રેખાઓમાં દરેક રોગને મટાડવાની શક્તિ અને જગતના પાપને ધોવાની તાકાત ઈશ્વર તરફથી મળેલી છે.

‘ઍબૅન્ડન્ડ’ વાર્તામાં રદબાતલ કરાયેલા, ખાંજરે નંખાયેલા, ભૂલી જવાયેલા કે છોડી(તરછોડી) દેવાયેલા એક સમૂહની મૂંઝવણ અને મનોમંથનને વાચા મળી છે. નધણિયાતી અંગ્રેજી વાચનની આદત ઓછી હોય તેવી આધેડ વયની સ્ત્રીઓ. ‘ઘણાં તો કુટુંબકબીલા વચ્ચેય એકલાં જેવાં, કોઈને ઓળખવા જેટલું ભાન બચ્યું હોય તો ને? એ ખુદ ઍબૅન્ડન્ડ નહીં, એમણે જ ઍબૅન્ડન કરી હોય આખેઆખી દુનિયા.’ – આ ચર્ચા સાથે સારા નિવૃત્તિધામમાં જવાની યોજના વિચારાઈ રહી છે. ત્રણેય પોતાના સંતાનો અને ઘડપણની જિંદગી વિશે પ્રસંગો, એક બીજો કહે અને ત્રણેય પાંચેક જેટલા સિનિયર સિટીઝન હોમ જોઈ, હવે એમાંથી એક નક્કી કરવાનો નિર્ધાર કરે. તેમને પાંચેય હોમ બેસણા ટાઈપ લાગે છે, તો ત્યાં પણ હાસ્યમંજરી, ખિલખિલાટ વગેરે જેવા કાર્યક્રમમાં કરી હવા પલટી નાખવાની પાકી તૈયારી છે. નિવૃત્તિધામમાં જવા માટે ત્રણેયને પોતાના પરિવારજનો જણાવવાની જરૂર લાગતી નથી. નિવૃત્તિધામમાં જવાની ઘરની, મેન્ટેનન્સની વગેરે ઝંઝટ ન હોવાથી અઠવાડિયા પછી ફાઈનલ કરવાનું વિચારે છે. આગળ વાંચવાનું ઠરાવે ત્યાં સાંજ ઢળતા બારણાં વાસી, બત્તી કરી વિકલ્પો શોધવાની મથામણ કરી અંતે, ‘એકાએક વિકલ્પો વધી પડ્યાં. નક્કી કરવું મુશ્કેલ ખુરશી પર માથા ઢાળી, આંખો બંધ કરી, ત્રણેય સ્ત્રીએ મૂંગીમંતર બની ગઈ. એમની બિડાયેલી આંખોમાં રેલવે ટ્રેકની બાજુ પરની ઍબૅન્ડન્ડ કૅબિન ગોઠવાતી જતી હતી, એની એકેએક વિગત સમેત.’(પૃ. ૩૩) નિવૃત્તિવયના લોકોના પોતાના અસ્તિત્વ માટેના સંઘર્ષને અહીં આ વાર્તામાં કલાત્મકતાથી રજૂ કરાયો છે. ક્યાંક સ્ત્રીઓના નામ નહીં, ઠેકાણા નહીં; પણ, છતાં ભાવક ઘડપણમાં ઍબૅન્ડન્ડ બની રહેલા વ્યક્તિઓને, અહીંના સંદર્ભમાં સ્ત્રીઓની મનોભૂમિકાને સહેલાઈથી પામી શકે. આ સંઘર્ષ કે મથામણ ફક્ત આ સ્ત્રીઓની ન રહે, તેથી જ તો લેખિકાએ પાત્રોના નામ નહીં આપ્યા હોય – આ તો સાર્વજનિક કરુણ સત્ય બની રહે છે.

‘રાખાલબાબુનું મોત’ – વાર્તાની શરૂઆત ‘રાખાલબાબુ અડધાસોફા પર અને અડધા ભોંયે પથરાયેલી આસમાની જાજમ પર. ચહેરો ઢળી પડેલો, આંખો અધખૂલી અને હોઠ પર ફીણ.’(પૃ. ૩૪)થી થાય. રાતે નવના ટકોરે રાખાલબાબુએ ચૂંટણીટાણે વ્યૂહરચના અંગે મિટિંગ રાખેલી. રાખાલબાબુ સમય જાળવવામાં ચુસ્ત. તેથી તેમને અચેતન જોવા લગભગ અશક્ય. બાદલ આ દૃશ્ય જોઈ સુજિતને બૂમો પાડે છે. સુજિત રાખાલબાબુનો સૌથી નજીકનો અને વિશ્વાસપાત્ર માણસ એટલે તેની પર શંકા ન જાય; પણ, તે છે ક્યાં ? હવે આ આંચકો પછી રાખાલબાબુના ઘરની ભીડ આછી થતી ગઈ; પરંતુ, સુજિત ઘણીવાર યાદ કરી રડી પડતો. એ દિવસે મિટિંગ પહેલા રાખાલબાબુએ જ એને કુરિયર મોકલાવવા અને લાંબી યાદી આપી મોકલેલો. કુરિયર તો શ્રીપ્રસાદ શર્માને નાગદામાં કરેલું તે કુરિયરની રસીદ પરથી જાણ્યું. હવે રાજકીય ગતિવિધિમાં આ નામ કયાંય કોઈએ સાંભળ્યું નહોતું. રાજકીય કારણોને લીધે આ વ્યક્તિ અને કુરિયરની તપાસ ચાલી, બાકી કોઈને બીજો રસ નહોતો.

પછીના અધ્યાયમાં કાગળની વિગતો ખૂલે છે. એ દિવસે રાખાલબાબુ નિયમ પ્રમાણે જોગસપાર્કથી ઘરે આવી રહ્યા હતા. રસ્તામાં પાર્ટીના પ્રભાવક સૂત્રોવાળા ઘણા પોસ્ટર જોઈ ખુશ થયા. ત્યાં બાપુનગરની મેઈન લાઈનમાં ભંગાણ થવાથી રસ્તા પર પાણી હતું. ઝૂંપડપટ્ટીના નાગાપૂંગા છોકરાઓ મસ્તીએ ચઢેલા. રાખાલબાબુ આ ખેલ જોવા ઊભા રહ્યાં. ઘણી ફાલતું વસ્તુઓ પાણીમાં તરાવ્યા બાદ હોડીઓ બનાવવા એક છોકરો પાર્ટીના પોસ્ટરો ફાડી હોડીઓ બનાવે છે. છોકરાઓ રસ્તા હતા ત્યાં પાર્ટીના કાર્યકરો આ પોસ્ટરોની હાલત જોઈ ઝનૂની બની છોકરાઓને મારવા દોડે છે. બીજા ભાગી ગયા પણ જગિયો ઝડપાય ગયો અને માર પડવાથી મરી ગયો. શ્રીપ્રસાદ શર્માને પત્રમાં આ વર્ણન કર્યું હતું અને પછી સુજિત પાસેથી જગિયાના મૃત્યુના સમાચાર સાંભળી રાખાલબાબુએ આનંદમાં ઊછળતા છોકરાને જગિયો માની લીધો. હવે તેમની આંખો સામેથી જગિયો ખસતો નહોતો. ચૂંટણીના ભાષણમાં પ્રત્યેક આંખના આંસું લૂછવાવાળું વાક્ય જે કાયમ બોલતા તેે ગૂંજતું. તે બપોરે જમ્યા નહીં. તબિયત લથડી. ટીવીમાં આ જગિયો પાર્ટીના કાર્યકરોના મારથી નહીં પણ છોકરાઓના માંહોમાંહેના ઝગડાથી મર્યો એમ દર્શાવાયું. બીજી ચેનલોમાં શિક્ષણસંસ્થામાં ભાષણ આપતા મુખ્ય પ્રધાનની હકારાત્મક જીવનશૈલીના અનુરોધ સાંભળ્યો અને સુજિતને બોલાવી પોણા આઠે બહાર કુરિયર કરવા અને લીસ્ટ આપી મોકલી દીધો. રાખાલબાબુએ આ ઘટના સંદર્ભે પાર્ટી ન છોડી પણ દુનિયા છોડી છતાં આત્મહત્યાનું કારણ અતિશય ગુપ્ત હશે એમ દરેકે માન્યું. વાર્તા છેલ્લા અધ્યાયમાં રાખાલબાબુના મોત સંદર્ભના બધા દસ્તાવેજો સચવાયા, તેમનો આ છેલ્લો પત્ર પણ. આ પત્રમાં બીજા પાનાનો ઘણો મોટોભાગ કોરો છોડી નીચે પેન્સિલથી ઝાંખું ઝાંખું લખ્યું હતું, ‘લહૂ કે છીંટે સબ કે કપડે પર... કૉન્શિયન્સ ઈઝ નોટ ડેડ યટ...રાખાલ વુડ લાઈક ટૂ ડાય ઍઝ અ મૅન વિથ હિઝ હાર્ટ ઈન્ટેક્ટ... લેટ મી પુટ અ ફુલસ્ટોપ ટુ ધિસ ડર્ટી...’ (પૃ. ૪૦) આ સાંભળી ઈલેક્શનના સમયે આવા નૅગેટિવ પોઈન્ટ ન ઉપાડાય, તેથી આ વાક્યો કૅન્સલ કરો અને ભૂલી જાવ આ વિશે. સર્વસંમંતિથી છેવટે કાળી માર્કર પેનની ઘટ્ટ રેખાએ પેન્સિલ વડે લખાયેલા પેલા ઝાંખા શબ્દોને બરાબર ઢાંકી દીધા, કોઈથી ઉકેલી ન શકાય એ રીતે’ (પૃ. ૪૦) રાજકારણમાં સર્વસંમતિથી ઘણું બધું ફેરવાઈ જાય, ભૂંસાઈ જાય અને અદૃશ્ય થઈ જાય. રાખાલબાબુનો સંઘર્ષ આજે વર્તમાન યુગનો સંઘર્ષ બન્યો છે ‘કે આમા ફુલસ્ટોપ ક્યારે મૂકાશે ?’ – જે રાજકારણમાં માણસના જીવનની કિંમત શૂન્યમાં અને નિજી સ્વાર્થની પરાકાષ્ઠા.

‘ગુમશુદા’ વાર્તામાં સત્યને સ્વીકારવાની તાકાત કોઈને સહજ લાગે; પણ, તે સહજ મળતી નથી તે સાબિત કરે છે. સુરેશ એક દિવસ પત્ની સાથે ઝગડો થવાથી ચડેલું મોં લઈ ઑફિસ આવે છે. સુરેશ વાર્તા કથકની ઑફિસમાં તેમની સાથે છે. બપોર પછી છપાયેલું કાટલું કહેવાતા મનહર ઊર્ફે મનિયાને ત્યાં રાતે પાર્ટી છે. ત્યાં સૉફેસ્ટિકેટેડ કૉલગર્લ પણ બોલવામાં આવી છે. સુરેશ ઊર્ફે સુરિયો આમ તો સીધી લીટીનો માનવી પણ કૉલગર્લે ભાવ આપ્યો તે પત્ની પિયર ગઈ હોવાથી ઘરે લઈ આવ્યો. ત્યાં ઇધરઉધરની વાતો કર્યા પછી અડધાપોણા કલાકે ડોરબેલ વાગતા, જોયું તો પત્ની. સુરિયો કૉલગર્લને બાલ્કનીમાં ધકેલી બારણું વાસી દે છે. પત્નીના સૂઈ જવાની રાહ જોતો સુરિયો પેલી છોકરીને ઘરની બહાર મોકલવાના પેતરા કરે ત્યાં તો બહાર મોટો ધબાકો થયો. સાતમાં માળેથી નીચે અંધારામાં કોઈક પડ્યું. પણ ક્યાંથી આ છોકરી પડી તે કોઈ કળી ન શક્યું અને વૉચમેને પણ સુરેશની સાથે આવેલી એ છોકરીને દીઠી નહોતી. તેથી કંઈ કહ્યું નહીં. પેલીનું પર્સ બધું ભંગારની વચ્ચે સંતાડેલું એટલે વાંધો ન આવ્યો. સુરેશ પોલીસને જઈ બધું સાચું કહેવાની વાત કહેતો ત્યારે આ ઘટના ભૂલી જવા કથક કહે છે. થોડા વખત પછી એ છોકરીના ફોટો ‘ગુમશુદા’ તરીકે ઘણી જગ્યાએ જોયેલો. આ જાહેરાત પછી પણ સુરેશના વાર્તાકથક પર ઘણીવાર ફોન પર આ ઘટના અને તેના સ્વજનોને હકીકત કહેવાની વાત કરે; પરંતુ, આ ખતરનાક કન્ફેશનથી પોતાની જિંદગી, પત્ની અને મિત્રો પર થતી અસરના ડરે ચૂપ રહેલો. અંતે કથકનો પ્રશ્ન ખૂબ સૂચક રીતે મૂકાયો છે. ‘સાલું સાચું બોલવામાં આટલી બધી મુસીબત હોય, એમ ? આવડી અમથી વાતમાં પણ...’ (પૃ. ૪૬) વાર્તાકાર પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રનો ઉપયોગ કરીને વાચકને પોતાની સાથે જોડીને સમાજમાં રહેલા અને દરરોજ આપણે સૌને જે વિવિધ પ્રકારના પ્રશ્નોનો સામનો કરતા હોઈએ છીએ અથવા એમ કહીએ કે સત્યનો સ્વીકાર કરવાની આપણી ક્ષમતા પર પ્રહાર કરતા અહીં દેખાય છે. આખી વાર્તા ગૂંથણીમાં વાચકને સતેજ રાખવાની અને તેમની ઉત્સુકતાને વધારવાની શૈલીનો સહજ ઉપયોગ પ્રશસ્થ બન્યો છે.

‘અપૂજ’ વાર્તામાં આધુનિકતાની હરોળમાં બહુ આગળ ઊભેલા પરિવારો પોતાની સંસ્કૃતિના મૂળમાં રહેલા સત્વને ન પામી શકવાની મૂંઝવણ, મથામણ અને અંતે આ અણસમજની કમનસીબી અભિવ્યક્તિ પામી છે. શ્રેયાએ દાદાના અવાજ, ગીતો અને અભિવ્યક્તિ વિશે ઘણું સાંભળ્યું હતું. ‘કહેવાતું કે દાદા મડાં પર પાણી છાંટે અને મડાં સળવળી બેઠાં થઈ જાય. પાણી એટલે શબ્દામૃત, કારણ દાદા શબદના પરખંદા. કહો કે મહાજાદુગર. લોકકથાઓ જિહ્‌વાગ્રે અને લોકગીતો કંઠમાં રમે. વાતેવાતે કહેવતોના ખજાના ઠલવાય, અને તળપદા બોલના પટારા ઝળાહળા કથાનો પહેલો બોલ નીકળે કે સાંભળનારાં રમમાણ. રાતની સવાર થાય તોયે સમયનું ભાન ન રહે એવાં કામણ.’ (પૃ. ૪૭) – આવા શ્રેયાના દાદા. જેમના ગીત રેકોર્ડ પણ થયેલા, આઝાદીની લડત વખતના લખેલાં ગીત ત્યારે ઊર્જાની મેદની ગાતી, જેના આખું ગુજરાત જ નહીં, આખો દેશ તથા પેઢીઓ પણ યાદ કરે; પરંતુ, રાધિકા અને ઉદય ટેક્સાસ આવી ગયેલા અને એમની દીકરી શ્રેયા મૂળે ત્યાંની સંસ્કૃતિથી સંપૂર્ણ રંગાયેલી. એટલે તો, ‘ટેક્સાસના એ સુંદર ઘરમાં માતૃભાષાનો ગોખલો ખાલી અને અપૂજ, તેથી અંધારો.’ (પૃ. ૪૮) ત્યાં ન માટીની સોડમનો તલસાટ કે ચોખ્ખા ઘીના લાડુ માટે ઉમંગ; પણ, દાદાના સંઘર્ષ એક માણસ આટલી નાની જિંદગીમાં આટલું બધું કેવી રીતે લખી શકે ! તેનો શ્રેયાને કાયમી વિસ્મય. શ્રેયા આઠ વરસની હતી ત્યારે મીઠા અવાજમાં અને વિદેશી ઉચ્ચારમાં ‘જાનની જનમબૂમિ’ એમ ગાયેલું, ત્યારે ત્યાં બધાએ તાળીઓની વધાવેલું પણ. દાદાના નામે ટપાલ-ટિકિટ બહાર પડવાની છે. અઢી વરસે સપરિવાર ઇન્ડિયા જતા ઉદયનો ઉલ્લાસ દેખાય છે. રાધિકા આ કાર્યક્રમમાં શ્રેયાને પૅન્ટ-જીન્સ પહેરવાની મનાઈ કરે છે કંઈક સરખું ટ્રેડિશનલ પહેરવાની સૂચના આપે છે. ગર્વભેર બધા બેઠા છે. ટિકિટ વિધિવત્‌ ખુલ્લી મુકાય છે. દાદાના પુસ્તકો હિન્દી-અંગ્રેજીમાં અનુવાદિત થયેલા તેમાં બે નવાં હતાં તેનું લોકાર્પણ પણ થયું. અનુવાદકે શ્રેયાને મંચ પર બોલાવી, પરિવાર અને દાદાની કલમના ચાહકોએ વધાવી લીધી આ ઘટનાને.

આ નિમિત્તે ટેક્સાસમાં પણ ગુજરાતી લિટરરી સર્કલે વિશેષ પ્રસંગનું આયોજન કર્યું. તેમાં શ્રેયા દાદાના પુસ્તક વિશે બોલે એવું ઠર્યું. તે ગ્રાન્ડપાની અંગ્રેજીમાં અનુવાદિત બુક વાંચવા જાય. દાદાની પુસ્તક પારકી ભાષામાં વાંચે તે આજના યુગ માટે, નવી પેઢી માટે આ જબરો કટાક્ષ લેખિકા અહીં કરે છે. ત્યાં એક કહેવત પણ ‘મોરના ઈંડાં તે વળી મોરનાં, કાંઈ કે’વાપણું નંઈ એ બાબત !’ – આ કટાક્ષનો સંદર્ભ આજે એકવીસમી સદીની દોડમાં દોડતા બધા ભારતીય પરિવારો માટે પુનઃવિચારણનો પ્રશ્નો બની રહે. શ્રેયા વાંચવાની શરૂઆત કરે પણ આ સામગ્રી તેને અજાણી વર્તાય છે. ‘ક્યાંક ઘરડા પતિના બોખા મોંની પીડા સમજવા પોતાના દાંત પડાવતી પત્ની, ક્યાંક શંકા કરતા પતિને શાપ દેતી, અને શાપને પરિણામે એના સડી ગયેલા દેહનું જતન કરતી એ જ પત્ની, ભાઈને મારનારો અતિથિ થઈ આંગણે આવે તો એને આવકાર આપતો પરિવાર, કે સાવ અજાણ્યા માટે જીવ આપી દેતા અભણ અને બધી રીતભાતે નગણ્ય ગણાયેલા માણસો...’ (પૃ. ૫૨) બધું સમજવું ટેક્સાસમાં રહી, અંગ્રેજી રીતભાત વ્યવહારમાં ઉછરીને અને સંસ્કૃતિથી વિચ્છેદ થયા બાદ - ઘણું કપરું હતું. શ્રેયાને આ લોકોની જિંદગી પરગ્રહવાસીઓ જેવી ભાસે છે. ઉદય, દીકરીને ‘દાદાની વાર્તાઓની ચોપડી વાચવાની શરૂ કર્યા પછી અડધેથી મૂકી ન શકાય તેવી ચાલે છે’ ત્યારે ઉદયમાં શ્રેયાને દાદાની છબી વર્તાય છે, તે હેબતાઈ જાય છે અને તે આ પુસ્તકમાં લખેલી વાર્તાઓની સાથે પોતાની અંદર પડેલા-જોયેલા જગત સાથે સંકલન ન થઈ શકવાની જે મૂંઝવણ અનુભવે છે તેને આ દુનિયા તેની કલ્પનાની દુનિયાથી પાર અનુભવાય છે. તેથી જ તો દાદાની વાર્તાઓ તે પામી શકતી નથી. આ આખી વાર્તા ભારતીય સંસ્કૃતિના ઉખડી રહેલા મૂળ પરત્વેની વેદના અને આવનારા સમયમાં આંધળી દોટમાં ધીમે ધીમે મરી રહેલા સાંસ્કૃતિક મૂલ્યો તરફની વાર્તાકારનો દિર્શાનિર્દેશ સૂચવે છે.

બાળપાત્રની મનોભૂમિકાને ખૂબ જ ઝીણવટથી વ્યક્ત કરતી વાર્તા ‘ખોકાનું સપનું’ કલાગૂંથણી સંદર્ભે વિશિષ્ટ વાર્તા છે. વાર્તાની શરૂઆત ખોકાના સપનાથી થાય. સપનામાં બધાને ડરના માર્યા ભાગતા જુએ, એક છોકરાને અટકાવી પૂછે તો જાણવા મળે રાક્ષસો, પાછળ પડ્યાં છે. અહીં વાર્તામાં છોકરાઓને ઓળખવાના વર્ણનો રમૂજ ઉજાવે તેવા અને કાવ્યાત્મક છે. ખોકા બારીના સળિયામાં માથું ખોસી રાક્ષસને ભાળવાના પ્રયત્ન કરે; અને બરાબર ત્યારે જ સવાર થઈ સપનું તૂટ્યું. વાર્તાના બીજા પંદર દિવસ પહેલા શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતો સાંકેત લોહીના ખાબોચિયામાં ટૉયલેટના બારણા પાસે મૃત મળેલો. આ જોઈ છોકરાંઓ બેબાકળાં, ગભરાયેલાં હતાં. બધાને ઘરે મોકલી દીધેલાં. શાળા દસ દિવસ બંધ પણ રહી. વાર્તાના પછીના ખંડમાં ખોકાને હવે રમવાનું ગમતું નથી. ખોકા જાણે સાવ બદલાય ગયો ન હોય. શાળામાં તેનું ‘પુઅર પર્ફોમન્સ’ – શાળામાં ટૉયલેટ જતો નથી. પિતા કહે છે ‘બનાવ્યો છેવટે પોચકીદાસ !’ વચ્ચે છાપામાં આવેલા રેઈપના સમાચાર અને છોકરાઓને શાળામાં ન ભણાવીએ તો શું કરીએ ? પિતા કહે છે કે, ‘ખોકાએ આ સમાજમાં જ જીવવાનું છે. હી ઈઝ અ પાર્ટ ઑફ ધિસ સોસાયટી, ગંદી તો ગંદી !’ (પૃ. ૫૬) ખોકા સાકેત અને તેની સાથે બનેલી ઘટના અને ખોકાએ જોયેલા દૃશ્યો ભૂલી શકતો નથી. તેના પછીના વાર્તાખંડમાં ખોકાને સાકેત સાથેની પહેલી મુલાકાત યાદ આવે છે અને પછી ફરી ખોકાનો ડર. સ્કૂલના ટૉયલેટ બ્લૉક પાસે ચાર વૉચમેન બેસાડ્યાં, છતાં ખોકાની બીકનો ઇલાજ નથી. ત્યારપછીના વાર્તાખંડમાં પપ્પા ખોકાને ઈમ્પૉસિબલ કહે છે; પણ, આ સમજતા ખોકાને તો માત્ર એટલું જ જાણવું છે કે ‘સાકેતને શા માટે મારી નાખ્યો !’ અંતિમ વાર્તાખંડમાં ખોકાના સપનામાં લોહીથી લથબથ સાંકેત આવ્યો. બિંદિયાનું કોઈએ ગળું કાપેલું અને ગટરમાં નાંખેલું, સુલેમાનને કોઈ ઉપાડી ગયું અને મારી નાંખ્યો. જો આમ ગમે ત્યારે મરી જ જવાનું હોય તો, ‘ભણવાની માથાકૂટ શા માટે ?... હવે રાક્ષસને જોવા ખોકાને બારીના સળિયા વચ્ચે માથું નથી ખોસવું પડતું, આંખોયે તાણવી નથી પડતી. એ પોતે જ નાસતાં ટોળાંઓની વચ્ચોવચ છે, પાતળા પગે પૂરપાટ દોડતો, હાંફતો.’ (પૃ. ૫૮) જો આજ ભણતર પછીનો અંજાણ હોય કે સમાજમાં ભણ્યા પછી કશું જ બદલાવવાનું ન હોય તો આ ભણતર શું કામનું ?- આવા પ્રશ્નાર્થ સાથે, ઘણા ગૂઢાર્થ સાથે અંત પામે; પણ, ઘણા સવાલો જવાબ શોધવા કે પછી સામાજિક સમસ્યા માટે મૂકવા જાય.

‘કમ્પાસ – બૉક્સમાં પડેલી પાંખો’ વાર્તા બળાત્કાર સાથે જોડાયેલી સામાજિક સમસ્યામાં પીસાતા વર્ગની જીવન હકીકતોને સમજવા અને અનુભવવાની કેડી કંડારે છે. એક સિત્તેર-બોત્તેરની વય ધરાવતી સ્ત્રી દરરોજના નિયમ પ્રમાણે બગીચામાં આવી, પુસ્તક વાંચે, કરેણનાં ફૂલો જુએ, આસપાસ ફરતું લોક અને ઊછળતાં છોકરાંઓ જુએ. અંધારું થતા ચોથા વર્ગના કર્મચારીઓની વસાહત તરફ જાય. તે નેવું વરસની વૉકરની મદદથી ચાલતી મા સાથે રહે. છેલ્લાં પચીસ વરસથી આ નિત્યક્રમ ગંતવ્યવસ્થાને પહોંચવું અશક્ય હોય તે સિવાય ચાલ્યા કરે. પચીસેક વર્ષ પહેલાં બેલા આ કરેણના ઝાડ પાસેથી ગાયબ થયેલી, બંધ પડેલા કારખાના પાછળથી બેહોશ મળેલી. પછી પાંચ દિવસ બેલા જીવી હતી; પરંતુ, જીવી ત્યાં સુધી એક જ રટણ કરેલું, ‘મા, મારે જીવવું છે’... – ક્યાંય કોઈ ગુનેગાર પકડાયો નહીં અને ત્રાડો પાડનાર સમૂહો હેઠા બેસી ગયાં. બેલાની દયનીય સ્થિતિ વાર્તાકાર વર્ણવતા લખે છે, ‘બેલાને ન હોતો યાદ અત્યાચાર, ન કોઈનો ચહેરો. પેઢું, જાંઘ કે છાતીના લોહી નીગળતા ઘા પણ જાણે સાવ ભૂલી ગઈ હતી. એને તો માત્ર જીવવું હતું. ફરિયાદ વગર, આક્રોશ વગર. દુનિયા જીવવા જેવી નથી એના ઉલ્લેખ વગર.’(પૃ. ૬૦) સમયના ખંડમાં થોડાં પગલાં પાછળ પાડતા બેલાના કમ્પાસબૉક્સમાં એક કવરમાં જાળવીને મૂકી રાખેલી, તેણે પોતે બનાવેલી પાંખો મળી. શાળામાં આ પરીની પાંખોને મૅડમે હરખાઈને આખા ક્લાસમાં દેખાડેલી. ઘણા જાત-જાતની રીતે દિલાસા આપતા. ‘સમાજ ગંદવાડથી ભરાઈ ગયો છે... જીવે છે ને બધાં મોજથી ! માણસ હોય ત્યાં ગંદકી હોવાની. બટ નૅચરલ !’(પૃ. ૬૧) આવું કંઈ કેટલુંય સાંભળવા મળ્યું સ્ત્રીને. સ્ત્રીને તો એક જ વાત નથી સમજાતી કે બેલાને આ ઉકરડામાં શા માટે જીવવું હતું ? સ્ત્રીએ બેલાને કદી પરીની વાર્તા કહી નહોતી તો આ પરીના પંખ આવ્યાં ક્યાંથી ? સ્ત્રી રોજની જેમ આજે પણ બાંકડેથી ઊઠીને ઘરે આવી. તેને યાદ આવ્યું કે માનો હાથ પોતાને માથે રાખીને કહેલું કે, ‘બેલાને ન્યાય મળે એ માટે છેલ્લા શ્વાસ સુધી મથીશ, ચેનથી શ્વાસ નહીં લઉં’ – આજે સિત્તેર વર્ષે પણ સ્ત્રીને ચેન નથી. ભીતરની માટી સુકાઈ ગઈ હતી. નેવું વર્ષની મા તેને સાત્વના આપવાની કોશીશ કરે છે સ્ત્રીને ‘મારે જીવવું છે’ બેલાના શબ્દો કાનમાં ધગધગતાં ટીંપાની જેમ અસહાય થઈ પડે છે અને પછી, ‘માના સાડલામાં ચહેરો દાબીને સ્ત્રી હવે બેલા બની ગઈ છે, રોમરોમ અને અણુએઅણુ બેલા. મા મારે નથી જીવવું... મારે નથી જ જીવવું !’ (પૃ. ૬૪) વાર્તાના અંતિમ ખંડમાં આ વાર્તામાં જાળવી રાખવા જેવું કંઈક લાગે છે તો તે પરિપૂર્ણ અને અક્ષત એવી પાંખો, જે સાવ સ્વતંત્રપણે આકાશમાં શૅલારા મારી શકે છે. જીવન મેળવવું અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેળવેલ જીવનને મુક્તપણે માણવું, જિજીવિષાનો ત્યાગ ન કરવો તથા શરીર નાશવંત છે જ્યારે મન પરીની પાંખોની જેમ અક્ષત છે. સમાજની ગંદકી કોઈ એક વ્યક્તિના અથાગ પ્રયત્ન ન દૂર કરી શકે; પરંતુ, કોઈ એકની જીવવાની જિજીવિષા આ ગંદકીમાં પણ કમળનું ફૂલ બની ઉત્તમ માર્ગ ચીંધી તો શકે છે. મરવું એ પ્રશ્નોનું નિરાકરણ નથી; પરંતુ, જીવન એ સમસ્યાઓનો હલ શોધી શકે છે. ખૂબ જ ચીવટથી અને પૂરી સભાનતાથી સમાજની કપરામાં કપરી સમસ્યાઓના શબ્દોના માધ્યમ દ્વારા સાહિત્યિકતા દાખવીને રજૂ કરવાની વાર્તાકારની હથોરી કાબિલેતારીફ બને છે.

‘પંદર જુલાઈ, બે હજાર સત્તર’ વાર્તા ૧૫-૭-૧૭ના રોજથી શરૂ થાય છે. પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તા શરૂ થાય. ઘરે પાછા ફરતા નાયિકાને જેનિફર અને સમશેર ઘર સુધી મૂકી જાય છે. ઘર પાપા હતા તે સમયે જેવું હતું તેવું જ આજે પણ છે. નાયિકાના પાપા લોકો માટે અથડામણ વહોરી લેતા, રિયલ ફાઈટર હતા. તા. ૧૬-૬-૧૭ના રોજ નાયિકા ઈન્ટરવ્યૂ આપવા રતલામ ગયેલી અને બલ્લુચાચાનો ફોન આવેલો. થરથરતા અવાજ સાથે બલ્લુચાચાએ તેને જલદી ઘરે આવવા કહેલું. ઘરે આવતા જ ભીડ, ભયંકર કચડભચડ અને કોલાહલ વચ્ચે પિતાના મૃત્યુના સમાચાર મળે છે. ઇંજેક્શન આપેલું તેથી ઘેનમાં સરી પડી, ભાનમાં આવી ઊઠી ત્યારે કટકે કટકે, ધીમે-ધીમે થોડું અહીંથી, થોડું ત્યાંથી સમજાયું. હવે તા. ૨૦-૬-૧૭ના રોજ નાયિકાને રાઈટર બનવું હતું તેથી જેનિફર અને લારા નિયમિત ડાયરી લખવાનો આગ્રહ રાખે છે. પત્રકાર બનવું હોય તો કેટલું બધું લખવું પડે. પણ એક વાક્ય પણ તે ન લખી શકી. ભયાનક વર્તમાનમાંથી નીકળવા ઘણા પ્રયત્નો કર્યા પણ ‘પાપાના છેલ્લા શ્વાસના વિચારોની કનડગતનું દબાણ અસહાય.’ સમશેર પાંચેક દિવસનો પ્રવાસ ગોઠવવા ધારે છે. હિમાલય કે દરિયો એમ વિચારતા નાયિકા માતા-પિતા સાથેના ભૂતકાળની સ્મૃતિઓ વાગોળે છે. પરમ દિવસે બીજા ઈન્ટરવ્યૂ માટે જવાનું છે, સમશેર-જેનિફર સાથે. નાયિકા વિચારે છે કે, ‘ભયાનક ઘટનાઓ બીજા કેટલાયના જીવનમાં બની હશે, અને બનવાની. જે થઈ ગયું છે એમાં મારાથી કોઈ ફેરફાર થવાનો નથી. જો ક્યારેક ફેરફાર થાય તો એ માત્ર સિસ્ટમ સામે લડવાથી. જે કરવાનું છે તે એ. બાકી ફરિયાદો કરવાથી શું મળે ? બાપડી-બિચારી જેવું લેબલ અને મોટું સરકારી વળતર... એક જીવનની રક્ષા કરવામાં તંત્ર નિષ્ફળ ગયું તેનું ચૂકવણું.’ (પૃ. ૬૮, ૬૯) ૨૫-૬-૧૭ના રોજ ‘મૉનિંગ સ્ટર’ નક્કી થયું કે પહેલી જુલાઈથી આ ઑફિસમાં. મિત્રો સાથે સેલિબ્રેટ કરવા જેવા પ્રસંગ હોવાથી જેનિફરને એક વડીલને ત્યાં લેવા જાય છે. જેનિફર ત્યાં બધાને નાયિકાની ઓળખ ‘ધ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ઑફ મૉર્નિંગ સ્ટાર’ તરીકે આપે છે. તેઓ ત્યાં મોબ લિન્ચિંગ પર ચર્ચા કરી રહ્યા હતા. નાયિકાને ત્યાં બેસવાની કે આ સાંભળવાની ઈચ્છા નહોતી; પરંતુ, ત્યાં થતી વાતો સાંભળતી નાયિકાનો કાબૂ ન રહ્યો બોલવા પર અને બોલી ઊઠી, ‘માય ફાધર વૉઝ કિલ્ડ બાય અ વાયોલેન્ટ મોબ ! ને આજ સુધી ખબર નથી પડી કે ટોળાએ એમને કેમ મારી નાખ્યા. હી વૉઝ સચ અ કાઈન્ડ સોલ...’ સહુ આવક થઈ ગયા અને કકળતી નાયિકાને જેનિફર બાથમાં લે છે. અને છેલ્લે વાર્તાના શીર્ષકવાળી તારીખે દિવસો પછી ડાયરી હાથમાં લીધી. બપોરે એકધારું ચાર કલાક કામ કર્યું. મોબ લિન્ચિંગના વીડિયો ક્લિપિંગ્ઝ. થોડા ફોટા, સાક્ષીઓની રેકોર્ડેડ જુબાની, અહેવાલો અને સમાચારોથી ટેબલ ભર્યું છે. આ ઍસાઈનમેન્ટ નાયિકાએ જાતે ‘મૉર્નિંગ સ્ટાર’માં માંગીને લીધેલું. કારણ કે, ‘પાપાની હત્યા ટોળાંના ઝનૂન્‌ વચ્ચે બચાવની નિરર્થકતા પામી જઈને મરવા તૈયાર થયેલો એક અસહાય અને એકલો. ભડ આદમી.’ (પૃ. ૭૧) પિતાનો ચહેરો આંખ સામે છે એટલે આ કામ પાર પાડવું છે તેમ ધારી લે છે અને અંતિમ ખંડમાં નાયિકા ડાયરીમાં નોંધ કરતી હતી ત્યાં પાના પર એક ટીંપું પડ્યું, લાલ. આંગળી પર લેતા લોહી જેવું લાગ્યું; પરંતુ, ઘરનો જૂનો, તોતિંગ મોભો અડીખમ ઊભો છે. આપણા સમાજમાં જૂની પરંપરા અને સિસ્ટમના નામ પરર જે લોહીયાળ ક્રાંતિ થઈ રહી છે તેનું અસરકારક ચિત્રણ આ વાર્તામાં થયું છે. વાર્તામાં ઘટનાના ટુકડાને કારણે જલદી હાર્દને પામી ન શકાય પણ પામ્યા બાદ ‘મોટી હોનારત બાદ મૃતદેહોના ઢગલા વચ્ચે ફરતાં જે અનુભવાય એવી દશા’ ખરેખર આપણી પણ થાય.

સાંપ્રત સમયના રાજકારણ અને સામાજિક કૌભાંડોના સામ્રાજ્યના કથાવસ્તુને સમાવતી વાર્તા એટલે ‘ધુમ્મસિયા સવારનો સૂરજ’. ‘આતશ મિઝાજ’ની આલીશાન કચેરીને તાળા વાગી ગયા. બે અઢી હજાર લાશો ખડકાઈ તેની પાછળની હકીકત જાણવામાં અને જનસમૂહ સામે લાવવાની છેલ્લા તબક્કાની તૈયારી કરી મૂક્યા બાદ સઘળું અંધકારમાં ગરકાવ થઈ ગયું. ‘સત્તા સામે ન શાણપણ ચાલે, ન સત્ય’. સત્ય બહાર લાવવા માટે તેણે બચ્ચા, પરિવાર અને પત્ની પણ ખોઈ; પણ, ‘આતશ મિઝાજ’ અંધકારમાં સપડાયું. હવે ફ્રી ટાઈમ પસાર કરવાનો. તેના મતે તો ‘નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ’ – બધા સત્ય સાથે સમાધાન કરી લેવાની સલાહ આપે કે પછી માફી માંગીને આ મેટર પૂરી કરવાની સલાહ આપે. ‘સત્યનું તો થશે જે થવાનું હશે તે’. દાઢી વધી ગઈ છે; ખાવાપીવાનાં ઠેકાણાં નથી. આમજનતાને કહેવાનું તો ઘણું મન થાય છે કે, ‘ડરો નહીં. આ તમને જે ડરાવે છે એ ઘાસનાં પૂતળાં છે. સત્યના તણખા માત્રથી બળી જાય એવાં, પોલેપોલાં. એટલે જ તમને બોલવા નથી દેતા એ લોકો. ભય તો એમણે અનુભવવાનો જે જૂઠા છે, મોં સંતાડે છે એ લોકો, તમે શા માટે ? એક પથ્થર તો તબિયત સે ઉછાલો, યારો !’ (પૃ. ૭૫) પરંતુ આવું સાંભળવા કોઈ તૈયાર નથી. અપ્રગટ સત્યનો ભાર અને મરતા પહેલાં જે કહેવું તેની બેચેની વધતી જાય છે. સવાર થાય ધુમ્મસ સાથે પણ સૂરજ નીકળ્યો નહોતો. ‘સૂરજ લાપતા, તોયે હતી તો સવાર.’ ધુમ્મસમાં ચાલવાનું ગમ્યું પણ પગ જમીનને અડતા નહોતા. રસ્તામાં ચાલતા વૃદ્ધોની ટોળી મળી. સાવ બાળક જેવી તેમની સામે સત્યનો ધસમસતો નિર્ભિક પ્રવાહ અનવરોધે વહેતો થયો; પરંતુ, આ ધુમ્મસમાં આ બધા તાળીઓ પાડવા જેવી નિર્દોષ પ્રવૃત્તિમાં રોકાવા અને તેમજના સેવકો આ જોઈ સિગારેટ પીવામાં પડ્યાં. અહીં અંતે ‘સૂર્યની ગેરહાજરી અને ધુમ્મસ છતાં...’ એટલે ભવિષ્ય ઢૂંઢળું હોવા છતાં ઉમ્મીદ છોડાય નહીં. સૂરજ એ નવજીવન, જીવંતતાનું પ્રતીક છે અહીં પણ તેની ગેરહાજરીમાં પણ પ્રયત્નપૂર્વક આશા તો જગાવી શકાય. તેવી હકારાત્મકતા અને વૃદ્ધોના કાળક્રમનો ઉલ્લેખ કરી સેકન્ડ ચાઈલ્ડહુડ કહી નવી સવાર ભલે ધુમ્મસવાળી હોય પણ જાગૃતતા લાવી શકાય તેવી ઉમ્મીદ જીવતી છે.

આ વાર્તા સંગ્રહની છેલ્લી વાર્તા ‘કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ’ વિશે’ એ લાંબી ટૂંકીવાર્તા કહી શકાય તેવી વાર્તા છે. આ વાર્તાની અંદર બીજી વાર્તા છે. લેખિકાને કિરાત ભારથીના અવસાન બાદ એક વર્ષે પ્રગટ થયેલા તેમના પુસ્તક ‘પ્રશ્નાર્થ’ વિશે બોલવાનું છે. લેખિકા કહે છે કે, ‘વર્તમાનકાળ બરછટ છે, અને સાથે અતિશય નીંભર. પ્રજા વહેંચાયેલી કાં ખુશામતઓર, કાં ડરપોક, કાં નિર્માલ્ય, બધી રીતેભાતે. થોડી સજીવ અને ટટ્ટાર મળે ખરી, તોય એ બહુ ઓછી અને ઝીણી નજરે જોવાનું બને ત્યારે જ દેખાય.’ (પૃ. ૪૯) આવી ઝીલી નજર રાખી પચીસ વર્ષથી ચૂપચાપ સમયના પટમાં, એકાંતમાં લેખનતપ આદરે છે, ક્યાંય તેમને કોઈ ઓળખતું નથી. પુસ્તકના લેખક કિરાતજી વિશે લેખિકા પરિચય આપતા કહે છે કે,... ‘હવામાં સાહિત્ય-સાહિત્ય થઈ જાય છે, કિરાતજી ક્યાંયે નથી મળતા. કોઈને જરાક જેટલી ગંધ સુદ્ધાં નથી કે દેશકાળને પામવા મથતો એક શક્તિશાળી શબ્દપ્રેમ કયા ખૂણે એની સાધનામાં નિમગ્ન છે. ન સભા સેમિનાર, ન વક્તવ્ય કે મુલાકાત, ન બીજરૂપ સંભાષણ કે વિશેષ અતિથિપદ જાણે એ જ નહીં ! અને પુસ્તક છપાઈને બહાર પડવાની તૈયારી છે ત્યાં તો એમની અણધારી ને અચાનક વિદાય !’ (પૃ. ૮૦) આ સાથે નાયિકા કથાની માંડણી કરે. કથાકેન્દ્રમાં ત્રણ પાત્રો ‘જાગુરીબાઈ. એંસીએ પહોંચેલી, કાળ અને વેદનાના મરણતોલ પ્રહારોએ જેને છોતરામાં પલટી નાંખી છે એવી, થાકીહારીને પળેપળ મોતની અરજ કરતી આદિમાતા.’ (પૃ. ૮૧) બીજું પાત્ર આંદમાનની સેલ્યુલર જેલનો કેદી પછીથી જેલની ફરજમાં લાગેલો ‘માયારામ’ અને ત્રીજું પાત્ર બધી રીતે પહોંચેલો અને ડરામણી મહત્વકાંક્ષાઓથી ગ્રસાયેલો યુવાનપેઢીનું પ્રતિનિધિત્વ કરતો રોશનલાલ. આ ત્રણ પાત્રો નવલકથામાં અલગ અલગ સમયખંડમાં આવે તેમાં વિશે નાયિકા વિસ્તારથી પણ અભિપ્રાય સાથે જણાવતી જાય. ‘દેશની દુર્દશાનું ચિત્રણ કરી અટકી જવાની કિરાતજીની નેમ નથી. એમની તીવ્ર સંવેદનાઓ દુનિયા આખીમાં પ્રવર્તમાન અંધાધૂંધી અને હિંસાની તરસને પેલા વ્યાપમાં આવરે છે. યુદ્ધે ગ્રસેલી માનવજાતનો સલામતી અને સુરક્ષા માટેનો તરફડાટ અને ધર્મની વરવી ભૂમિકાએ સાફ જુએ છે. પૃથ્વી પોતાના અંત તરફ ધસી રહી હોય એ અંતિમ અધ્યાયને તબક્કે એનો ખદબદતો ઉકળાટ અહીં તાદૃશ થયો છે.’ (પૃ. ૮૭) આ કિરાતજીનો જ વૈચારિક સંઘર્ષ નથી; પરંતુ, કિરાતજીના પાત્ર દ્વારા વર્તમાન જગતને જોવાની સમજવાની અને આવનારી પેઢીને અરીસાનું વર્તમાનનું પ્રયક્ષ દર્શન કરાવવાની નેમ અછાની રહેતી નથી. આ ત્રણેય પાત્રો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની છબીના મહોર છે. જેના દ્વારા વાર્તાકાર આપણી આસપાસ રહેલા લોકો અને તેમની ભૂમિકાની સાથે સામાજિક, રાજકીય સમસ્યાઓના સંદર્ભે પણ ટકોર કરે છે. આ ત્રણેય પાત્રોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ સમસ્યાના મૂળમાં જવા, અભ્યાસ કરવામાં સહાયક થઈ શકે એમ છે. સાહિત્યનું કામ ફક્ત કલાની સેવા કરવાનું કે મનોરંજન પૂરું પાડવાનું ન હોઈ શકે, તેનું કાર્ય સમાજની દશા પર ધ્યાન કેન્દ્રિત કરી દિશા બતાવવાનું પણ છે. ખૂબ જ સૂચક રીતે કિરાત ભારથીનું પાત્ર, પ્રશ્નાર્થ નવલકથા અને તેના ત્રણ કાળખંડ અને વર્તમાન સાથેની નિસ્બત દર્શાવતા પાત્રોની ભૂમિકા અહીં વાર્તાકારના મનોરથ પાર પાડવા માટે નોંધપાત્ર બન્યાં છે. આ સાથે નાયિકા ક્યાંય પણ પ્રશ્નાર્થ નવલકથાની સાહિત્યિક તપાસમાં પણ ઊણી ઉતરતી નથી.

છેલ્લે, આ વાર્તાસંગ્રહની બધી જ વાર્તાઓના સારાંશ આપતા હોય તેમ વાર્તાકાર હિમાંશી શેલત ‘કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ વિશે’માં લખે છે કે, ‘જેટલી ઊંચી ઈમારતો એટલો જ ઊંચો ભંગાર-ખડકલો. તૂટલાફૂટલા અને બચ્ચાકૂચ્યા જીવો માત્ર મુઠ્ઠીભર, આ કાટમાળના મહાગંજની વચ્ચોવચ, આંધળાભીંત, બેબાકળા... પરથમીના અસુખનો પ્રલય... પીડાનો અણસાર આવે એટલે જીવતાં હોવાની ખાતરી, છતાં શ્વાસ એટલા મંદ છે જાણે ગયા બરોબર...’ (પૃ. ૯૭) અને છેલ્લે સૂર્યોદયની દિશા ન જાણતા સૌ સંભાવનાઓ જીવતા દેખાય છે. ખોટી દિશાઓ તરફ વળતા-ઊભેલાને જાગુરીબાઈ દિશા બતાવી ઢળી પડે છે.

તારણો

૨૧મી સદીમાં મુક્તિ-સ્વતંત્રતા તો મળી છે; પરંતુ, તેના સમીકરણો બદલાયાં છે. આ બદલાયેલા સામાજિક અને રાજકીય ફેરફારોને હિમાંશી શેલતની વાર્તાઓ યોગ્ય રીતે ઝીલતી અનુભવાય છે. સ્ત્રીના અસ્તિત્વની, બાળમાનસના ડરની, મૂળ સાથે વિચ્છેદ થયા પછી ન જોડાઈ શકવાની મથામણ હોય કે સાચું કહી ન શકવાની વ્યથા હોય આ બધી વાર્તાઓના કથાવસ્તુ અને તેના પાત્રો આપણી આસપાસ છે એટલે જ તો આખા વાર્તાસંગ્રહનું શીર્ષક બધી વાર્તા માટે સૂચક અને બંધબેસતું છે કે ‘ધારો કે આ વાર્તા નથી –.’ આ વાર્તાઓ જ નથી સામાજિક વાસ્તવિકતા પણ છે. સાહિત્ય લખાતું હોય તે કળા ફક્ત પ્રશંસા કે મનોરંજન માટે જ નથી હોતું; તે સમાજને ચોક્કસ રીતે પતનની દિશા તરફની ગતિમાંથી વાળવાનો અથવા તો વાસ્તવિકતા સાથે રૂબરૂ કરાવવાનો સંશોધનાત્મક પ્રયત્ન પણ હોઈ શકે. લખવું એ ફક્ત હાથ અને કલમનું જોડાણ નથી, લખવું એ આસપાસના જગતને જોવા-મૂલવવાની વૈચારિક દૃષ્ટિનું પ્રતિબિંબ પણ છે. તેના વિરોધો હોય તો તેમાં નવા પ્રવાહ તરફનો દિશાનિર્દેશ પણ હોય. સામાજિક ઘડતરની સાહિત્યિક શૈલીમાં લખાયેલી વાર્તા સાથે વાર્તાના સ્વરૂપે હકીકતોની કરુણમાં પલટાતી કડવી ગોળીઓ પણ હોય. રોગના મૂળ સુધી પહોંચવાની, આંગળી ચીંધવાની તથા અસંખ્ય કરુણતા, નિરાશા, હતાશા અને એકલતા – દુઃખ વચ્ચે ‘મા, મારે જીવવું છે’ની આશાનું કિરણ સમુ તેજ પણ હોય. વાર્તાકાર અહીં ફક્ત સમસ્યા જ દર્શાવતા નથી હકારાત્મક અને પથદર્શક ઉકેલો પણ ગૂઢ રીતે સાહિત્યિક શબ્દોના આવરણ સાથે મૂકી આપે છે. આપણી નવી પેઢી આપણા મૂળ સાથેના વિચ્છેદને જોતી નથી, સમજતી નથી કે સ્વીકારતી નથી, ત્યારે સાહિત્ય જ આ જોડાણનું માધ્યમ બની શકે છે. મૂળમાં તો ઘણું કથ્ય- ઘણું અણદેખ્યું જોડાયેલું હોય પણ તેની ઉપર સમય, પરિસ્થિતિ, ચમકતી-ધમક્તી જીવનશૈલીના વિવિધ આવરણોના થર જામ્યાં છે તેને દૂર કરવા શબ્દની શક્તિ અને આંખોમાં રહેલું તેજ કાફી છે.

રચનારીતિની દૃષ્ટિએ થોડી વિચ્છિન્ન, સળંગ એક સીધી રેખામાં ન ચાલતી વાર્તાઓ ખંડોમાં વિભાજીત હોવા છતાં એક જ કૂળની લાગે છે; ફક્ત, સમય- સંદર્ભ અને પાત્રોની ઉંમર અને સભાનતાનો ફર્ક પડતો જણાય છે. ટૂંકા ટૂંકા ક્રિયાપદ વગરના વાક્યો હિમાંશી શેલતના વાર્તામર્મને પામવા ધાર્યું કામ કરી ગયા છે. વાર્તાકારની આ શૈલીને કારણે વાર્તા ટુકડામાં વહેંચાયેલી હોવા છતાં તેનું પોત, તેનો ઉદેશ અને તેનો દૃષ્ટિ અકબંધ જળવાયેલી ભાસે છે. શબ્દોના ગઠબંધન સાથે વાક્યોના તણખા જોઈએ તો,
  1. એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ ગલીઓની જબ્બર ગૂંચ (પૃ.૧)
  2. તાજા તાજા અવાજ અને તીણી તીણી કિલકારીઓ (પૃ.૧)
  3. ... સાચવી સાચવીને મોકલેલા કાગળ, હવે કરચલિયાળા ડંૂચા, નોધારા અને વેરવિખેર (પૃ.૧૨)
  4. પોતપોતાના અલાયદા ટાપુ પર સ્થિર. એકના ઉલ્લાસ બીજાને અડતો નહોતો, ને બીજાની તાણથી ત્રીજો બેખબર (પૃ.૧૭)
  5. આનંદી મૂંગીમંતર. કોયડો વણઊકલ્યો. (પૃ.૨૫)
  6. એમની બિડાયેલી આંખોમાં રેલવેટ્રેકની બાજુ પરની ઍબૅન્ડન્ડ કૅબિન ગોઠવાતી જતી હતી, એની એકેએક વિગત સમેત. (પૃ.૩૩)
  7. ... ઝળાંઝળાં રહેવા ટેવાયેલા ડ્રાઁઈગરૂમમાં ચસોચસ અંધારું. અન્ય ઓરડાઓયે કાળાં ચોસલાં. (પૃ.૩૪)
  8. એની વાઇફે કીધું હશે એલફેલ... એકદમ જલા કર રાખ કર દૂંગાવાળો મૂડ... બાજી બિલકુલ બગડેલી. (પૃ.૪૧)
  9. જે આંગળીઓ આટઆટલાં યાદગાર કાવ્યો અને રોમાંચક કથાઓ રચી શકતી તે વળી ઘારીઘૂઘરાના નકશીકામમાં પણ માહેર. (પૃ.૪૮)
  10. ટોળાં હતાં પચરંગી. થોડાં જાડાં હતાં, તો થોડાં પાતળાં, થોડાં બટકાં તો થોડાં તાડ ! (પૃ.૫૩)
  11. આટલા સાદા શબ્દો કાનમાં ધગધગતાં ટીપાં પેઠે સરતાં સરતાં અંદર જાય છે, જ્યાં અડે ત્યાં ફરફોલા ઊઠે છે. દિવસ અને દિવસની પ્રત્યેક ક્ષણ હવે અસહ્ય. (પૃ.૬૪)
  12. લખવાનું સંગીતના રિયાઝ જેવું. ગળું કેળવવું પડે એમ શબ્દોને ભજવા પડે. વર્ક હાર્ડ એન્ડ પેશન્ટલી. (પૃ.૬૭)
  13. દબાયેલા સૂરે આવેલા આવા પ્રશ્નની પાછળ પાછળ મોટા મોટા વિસ્ફોટો, અને ચહેરા પર તિલસ્મી દુનિયાનાં અઢળક આશ્ચર્યોની વણઊકલી લિપિ. (પૃ.૭૩)
  14. વિશાળ ફલક પર કેન્દ્રસ્થ આકૃતિઓ સાથે નાના આકારો અને ઝીણાં ટપકાં પણ સહેતુક રચાયાં હોય છે. (પૃ.૮૬)
આમ, ધારદાર ટૂંકો છતાં અર્થસભર વાક્યો. થોડા જ શબ્દો દ્વારા ધારી અસર ઉપજાવે અથવા તો આખી પરિસ્થિતિનો તાગ આપી દે તેવી ભાષાશૈલીના ચમકારા આખા વાર્તાસંગ્રહમાં જોવા મળે છે. સાંપ્રત યુગ અને વાર્તાને અનુરૂપ પાત્રો કયારેય હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ અભિવ્યક્તિ કરતા જણાય છે. આ અન્ય ભાષાઓ સાથેની ભેળસેળ પણ વાર્તાને રૂબરૂ કરવામાં વિશેષ ફાળો આપતી અનુભવાય છે. વાર્તાઓમાં સાંપ્રત સમયની ૨૧મી સદીનું ફલક હોવાથી સ્થળના બંધન લેખિકાએ રાખ્યા નથી. વિશ્વને વાર્તાનું વાતાવરણ માની ગુજરાતી ભાષામાં આખા વિશ્વના ખૂણાઓને લઈ આવવાનો લેખિકાએ પ્રયાસ કર્યો છે. વાર્તાના પોત એ રીતે લેખિકાએ ઘડ્‌યા છે કે એક બેઠકે એક વાર્તા વાંચી જાવ એ ઉત્સાહ તમને જકડી રાખે; પરંતુ, આ વાર્તાના હાર્દને સમજવા બીજીવાર વાંચવી પડે. અને વાચક આ સમસ્યાઓ – વૈશ્વિક પરિસ્થિતિ – સામાજિક પરિસ્થિતિ વચ્ચે રહેવા છતાં પોતાના મસ્તિક પર પરિસ્થિતિનો ભાર અનુભવે. વાચકને ઉકેલ તરફ વિચારવા મજબૂર કરે. એવી સૂઝબૂઝથી કેળવાયેલી-લખાયેલી વાર્તાઓમાં કયાંય કથાવસ્તુ જરૂરતથી વધારે લંબાતું ન લાગે. વસ્તુસંકલના અને દૃશ્યો બદલાતા ઓછા પ્રયત્ને અનુસંધાન જળવાતું રહે. એટલે તો દરેક વાર્તાઓ સળંગ લખાયેલી નથી. વાર્તાઓના ફ્રેમ પ્રમાણે ખંડોમાં વિભાજીત કરી કથાવસ્તુને બચાવવાની કોશીશ લેખિકાની હોઈ શકે. આજ પ્રયુક્તિ દ્વારા ભૂતકાળ અને વર્તમાનકાળમાં સહેલાઈથી સફર ખેડી શકાય.

ઉપસંહાર

માનવીને જિંદગી મળે છે તેથી જીવવી તો જોઈએ. ગંદકી તો આસપાસનો પરિસ્થિતિ અને માનવે ઊભી કરેલી સૃષ્ટિમાં વ્યાપી છે. આ ગંદકીથી પરે પણ જિંદગીનું મહાત્મ્ય છે તેનું આલેખ અને જીવનમાં હકારાત્મકતા સાથે જીવવાની ઉમ્મીદ અને પ્રેરણા પણ આ સમસ્યાજનિત વાર્તાઓ ચોક્કસપણે પૂરી પાડે છે.
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી, આસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. મો. 9408637409 ઇ. મેલ : hetall.k.gandhi@gmail.com