ભારતીયસાહિત્ય હોય કે વિશ્વસાહિત્ય હોય, માનવમૂલ્યો કે માનવીય ચેતનાનું વિશેષ પ્રતિબિંબ કથનાત્મક સાહિત્યમાં વિશેષ જોવા મળ્યું છે. પછી તે નાટક હોય, ટૂંકીવાર્તા હોય કે પછી નવલકથા. આ પ્રકારની વિશેષ પોંખાયેલી કૃતિઓ જેવી કે, ‘આઉટસાઈડર’, ‘ધ વેસ્ટલેન્ડ’, ‘વેઇટિંગ ફોર ગોદો’, ‘થ્રી સિસ્ટર્સ’, કે પછી ‘વોર્ડ નંબર 6’ ચોક્કસ દર્શાવી શકાય. વળી વિશ્વપ્રસિદ્ધ વાર્તાઓમાં પણ આમ માનવીય સ્વભાવ, તેના રાગ દ્વેષ, તેના સપના,સંઘર્ષો આબેહૂબ નિરુપણ પામેલા જોઈ શકાય છે. ગોગોલ, મોપાસા અને ચેખોવ વાર્તાકાર તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
રશિયન વાર્તાકાર ચેખોવ જે સમયે વાર્તાનું સર્જન કરે છે, ત્યારે ત્યાં માનવમૂલ્યોમાં સમાજ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવેલું છે. જીવનમાં કયા ક્રમમાં બધાને આદિ, મધ્ય અને અંત હોય છે? તો વાર્તામાં શા માટે આગ્રહ ? આ રીતે તે ટૂંકીવાર્તાના ચોક્કસ નિયત માળખાને વશ વર્ત્યા વગર કોઈ સુવ્યવસ્થિત ગૂંથણ વગર પોતે વાર્તાની રચના કરે છે. આવી જ એક વાર્તા એટલે ‘કાચંડો’.
એન્ટન ચેખોવ એક ખેતમજૂરના પૌત્ર અને નાના એવા વેપારીના પુત્રનો જન્મ ૧૮૬૦માં થયો અને ૪૪ વર્ષની નાની વયમાં ૧૯૦૪માં અવસાન થયું. એન્ટન ચેખોવ મુખ્યત્વે વાર્તાકાર અને નાટ્યકાર તરીકે જાણીતા બન્યા છે. સંપાદક અનુવાદક જયંતપાઠક અને રમણ પાઠકે ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કરીને ‘ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ’ શીર્ષકથી ચેખોવની દસ વાર્તાઓનું સંપાદન કર્યું, જેમાં તે ‘ઇસ્ટરની રાતે’, ‘મીઠડી’, ‘કૂતરાવાળી સ્ત્રી’, ‘વાન્કા’, ‘ગાનારી’, કાચંડો’, ‘અફસોસ’, ‘સુખ’, ‘કારકુનનું મૃત્યુ’ અને ‘છ નંબરનો વોર્ડ’ જેવી વાર્તાઓ છે. જેમાંની ‘કાચંડો’ (ક્રેમેલિયોન) વાર્તાને તપાસવાનો મારો ઉપક્રમ છે.
વાર્તા આરંભે પોલીસ ઇન્સ્પેક્ટર ઓકુમેલોફ અને કોન્સ્ટેબલ એલ્દિરિન બન્ને બજારમાં નીકળ્યા છે. ત્યાં અચાનક ખ્રાયુકિન સોની નામના કારીગરને આંગળીએ એક કૂતરો કરડે છે. તે કુતરા ને પકડે છે અને ત્યાં લોકોનું ટોળું વળી જાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર ઓકુમેલોફ અને સાથી કોન્સ્ટેબલ ટોળા પાસે જાય છે. લોહી નિતરતી આંગળી ઉંચી કરીને ખ્રાયુકિન ટોળાને બતાવી રહ્યો હોય છે અને ટોળાવચ્ચે એક અણીદાર નાકવાળો અને પીઠ પર એક પીળા ધાબાવાળો સફેદ બોરઝોઈ કૂતરો પણ બેઠેલો છે.
“શી છે આ બધી ધાંધલ?” ઓકુમેલોફ પૂછે છે. ખ્રાયુકિન આંગળી બતાવીને આખી વાત જણાવે છે અને કૂતરાના માલિક પાસેથી વળતર અપાવવા પોલીસ ઇન્સ્પેકટરને વિનંતી કરે છે. ત્યારે ઓકુમેલોફ કહે છે, “ઠીક...ઠીક... એ કોનો કૂતરો છે? હું આ વાતને પડતી નથી મુકવાનો. કુતરા રખડતા કેમ મુકાય છે, એ હું લોકોને બતાવી આપીશ. કાયદા કાનુન પાડવા નહીં માગતા જાહેરબાનોને બોધપાઠ આપવાનો વખત હવે પાકી ગયો છે! એને એવી તો સજા થશે, બદમાશ નહીં તો! કૂતરા અને એવા જાનવર રઝળતા મુકવાથી શું થાય છે. તે હું તેને દેખાડી આપીશ. હું એને ખબર પાડી દઈશ! એલ્દિરિન!”(પૃ. ૭૪) ઓકુમેલોફના આ સંવાદથી આપણને એવું લાગે કે ખરેખર આ એક કર્મનિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર છે. જે ખરેખર પ્રજાની સેવા કરશે. પણ..... ત્યાં જ ટોળામાંથી કોઈનો અવાજ આવે છે અને એવું કહે છે કે એ કૂતરો જનરલ ઝિગાલોફનો લાગે છે. આ સંભાળતા જ પોલીસ ઇન્સ્પેક્ટરનો રંગ કેવો બદલાય છે તે જુઓ,
“એક વાત મને નથી સમજાતી... તને કૂતરો કરડ્યો કેવી રીતે? એ તારી આંગળી સુધી પહોંચ્યો જ કેવી રીતે? આટલો નાનો કૂતરો અને તું આવો પડછંદ માણસ! તે જ નખ વડે તારી આંગળીમાં ચીરો પાડ્યો હશે અને પછી વળતર મેળવવા આવું તરકટ કરતો હોઈશ! હું ઓળખું છું, તમને લોકોને, બદમાશો!”(પૃ. ૭૫)
વળી પાછું ઓકુમેલોફનો સાથી પોલીસ કોન્સ્ટેબલ ખાતરીપૂર્વક કહે છે કે, “ના, આ કૂતરો જનરલનો નથી”, “જનરલ પાસે એવો કોઈ કૂતરો જ નથી. તેમના તો બધા જ કૂતરા શિકારી છે.” વળી આ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર ફરી રંગ બદલતો જણાય છે,
“જનરલના કૂતરાતો ઊંચી જાતના કીમતી કૂતરા છે અને આ! આની સામે તો જો! ગંદો ખોડવાળો કૂતરો! આવો કૂતરો કોઈ રાખે છે શા માટે? ગાન્ડો થઈ ગયો કે શું? જો આવો કૂતરો મોસ્કોમાં યા પીટસબર્ગમાં જઈ ચઢે તો ખબર છે, તેની શી વલે થાય? કાયદાને કોઈ ના ગણે. એક મિનિટમાં જ એને પૂરો કરે, ખ્રાયુકિન! તને એ કરડી ગયો છે, માટે ખબરદાર! જો આ વાત અહીં પડતી મૂકી છે તો. એ લોકોને ખબર પાડી જ દેવી પડશે, હવે તો વખત પાકી ગયો છે...”(પૃ. ૭૫)
ચેખોવે અહીં માણસની રંગ બદલવાની નસને કસથી પકડી છે. ટોળામાંથી વળી પાછો એક અવાજ આવે છે કે એ કૂતરો જનરલનો જ છે. આ સાંભળી પી.આઈ. સાહેબ ફરી રંગ બદલે છે જુઓ,
“આને જનરલને ત્યાં લઈ જા અને તેમના માણસોને કહેજે, કે એને મેં શોધી કાઢીને મોકલી આપ્યો છે. અને એને આમ શેરીમાં છૂટો ના મૂકે. એવું પણ કહેજે. કૂતરો મોંઘો ઈ લાગે છે અને જો, ધારે તો જંગલી એના નાકમાં સિગારેટ ચાંપી દે, તો તો થોડા જ વખતમાં એ નક્કામો થઈ જાય, કૂતરો નાજૂક પ્રાણી છે.. અને એઈ, તું તારો હાથ હવે નીચા કરબેવકૂફ! લોકોને તારી બેવકૂફીના પ્રદર્શન જેવી આ આંગળી બતાવવાનું હવે બંધ કર! તારો જ વાંક...”(પૃ. ૭૫)
પોલીસ ઇન્સ્પેક્ટર સોની ખ્રાયુકિનનો વાંક કાઢી એને જ ખરીખોટી સંભળાવે છે. આવી બધી ચર્ચાની વચ્ચે સામેથી જનરલનો બબરચી પ્રોખેર આવે છે. અને તેને જ આ કુતરો તમારો છે એમ પૂછે છે, પણ પ્રોખેર આ કુતરાની વાત નકારે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ઓકુમેલોફ ફરી રંગ બદલતાં કહે છે,
“આ કૂતરો રખડું છે. અહીં નક્કામાં ઉભા રહેવાથી શો ફાયદો? તને કહ્યું ને કે આ કૂતરો રખડું છે, એટલે કે એ રખડું જ છે. એને મારીનાખ અને વાત ઊંચી મુક.” (પૃ. ૭૬)
ત્યાં વળી પાછો જનરલનો બબરચી પ્રોખેર બોલે છે કે એ પુત્રો જનરલનો નથી પણ તેમના ભાઈનો છે જે થોડા વખત પહેલા આવ્યા છે. આ વાતની જાણ થતાં પી.આઇ. સાહેબ વળી પાછો રંગ બદલે છે,
“એમના ભાઈને મળવાની મારી ઇચ્છા હતી. અને એ આવ્યા, એની મને ખબર નહીં..! તો એ એમનો કૂતરો છે, કેવું સરસ! એને લઈ જાઓ... કેવું સુંદર ગલુડિયુ છે, નહીં? વાહ દોસ્ત, તે પેલાની આંગળીએ બચકું ભર્યું, કેમ?, હા.. હા... હા...! બસ દોસ્ત, હવે ગભરા નહીં હો! ઘૂરકે કે છે કે? લુચ્ચા, ગુસ્સે થયો છે કેમ? કેવું મજાનું ગલુડિયું!” (પૃ. ૭૬)
ત્યાર બાદ જનરલનો બબરચી પ્રોખેર કૂતરાને લઈને તે ચાલ્યો જાય છે. લોકો ખ્રાયુકિનની ઠેકડી ઉડાવે છે. “અને હું તને છોડવાનો નથી. સમજયો ને?” આવી ધમકી આપી ઓકુમેલોફ ત્યાંથી બજારમાં ચાલ્યો જાય છે. અને વાર્તા પુરી થાય છે.
આમ સમગ્ર રીતે આ વાર્તામાંથી પસાર થતાં ચેખોવના સમયમાં ઝારશાહી અમલના નોકરોની જે જીહજુરીયા મનોદશા હતી એના ખુલ્લા સચોટ પાત્રો આ વાર્તામાં આપણને જોવા મળે છે. સામાન્ય નાગરિકો આગળ કાયદો ને વ્યવસ્થાને નામે દમદારી બતાવવી પરંતુ, મોટા અમલદારોના નામ માત્રથી રાંક બની જતા અને ક્ષણે ક્ષણે પોતાના રંગ બદલતા પોલીસ ઇન્સ્પેક્ટર ઓકુમેલોફ ઝારશાહી અમલના નોકરોનું નું પ્રતિનિધિ પાત્ર બની રહે છે. વાર્તામાં ક્ષણે ક્ષણ સમય સંજોગો પ્રમાણે પોતાના રંગ બદલતો પોલીસ ઇન્સ્પેક્ટર ઓકુમેલોફ ‘કાચંડો’ જ પાસે છે. ઝારશાહી જમાનાના નોકરોની જીહજુરિયા મનોવૃત્તિને ખુલ્લી પાડવાનું કામ ‘કાચંડો’ વાર્તા કરે છે. આ વાર્તામાં કોઈ ભયાનક પરિસ્થિતિના હૃદયદ્રાવક વર્ણનો નથી અને છતાં એની વેધકતા કોઈપણ રીતે ઓછી થતી નથી.
(ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ, અનુ.સંપા.-જયંત પાઠક, રમણ પાઠક, પ્ર-શબ્દલોક પ્રકાશક,અમદાવાદ. પ્ર.આ.- ૧૯૮૯, છઠ્ઠું પુનર્મુદ્રણ-૨૦૧૯, મૂલ્ય- ૧૫૦/-)