Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સંજુ વાળાના ઝીણાં જીવનદર્શનની એક સાહજિક કવિતા : 'મજા'
મજા

છેક શિખરની મજા...
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...

ક્યાંથી પગલું પહેલું ભરવું, ગરવા હે શ્રી ગણેશ?
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેશ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...

અણજોયાંને જોયું કરવું, અણઘડ ધડવા ઘાટ
ચાલ ન જાણી તો યે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક, જેવા જેનાં ગજાં...

ચડવું ને ઊતરવું દીધું, અણથક દીધી એષ
બેઉં હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરરિયાળપણાં જ્યાં ના છત્તર, ના છજાં...
ગુજરાતી કવિતાના રાજમાર્ગમાં સંજુ વાળાની કવિતા એક માર્ગદર્શક સીમાસ્તંભ(Milestone) બનીને રહેશે એવું કોઈએ વિધાન કરવું હોય, તો કવિ સંજુ વાળાની કવિતાએ તે બરાબર પુરવાર કર્યું છે. આમ તો કોઈ સાચા સર્જક કે સાચાં કવિ કશું પુરવાર કરવા કે સાબિત કરવા કશું સર્જન કરતાં નથી હોતાં. એમને તો બસ આપણને કશુંક 'કહેવું, સંભળાવવું, બતાવવું કે ચીંધવું' હોય છે. સાચો કવિ આપણને જે 'કવિતા દ્વારા કહે છે, આપણને જે સંભળાવે છે, આપણને જે બતાવે કે ચીંધે છે' તે પામવાનું ગજું જો આપણને જડી જાય તો એ સાચા કવિની આર્ષવાણી પામીને આપણે આપણો જીવનમાર્ગ ઊજાળી શકીએ એટલું સામર્થ્ય કવિની વાણીમાં રહેલું હોય છે.

સંજુ વાળાની કવિતા ગુજરાતી ભાષાની મુખ્યધારાની નોંધપાત્ર કવિતામાં સ્થાન પામનારી એવી કવિતા છે જેમાં વાણીની સરળતાની સાથે સાથે આપણાં જીવનના અનેક ભાવોના ગહનતમ ઘૂંટાયેલા રસમિશ્રણો રહેલાં છે. જીવનનો સાચો મર્મ, જીવનનો સાચો ધર્મ કે જીવનનું સાચું કર્મ સમજવું હોય ત્યારે સંજુ વાળાની કવિતામાં આ ભાવના કેટલાંક સહજ નિર્દેશો પડેલાં છે. આ કવિની કવિતામાં જીવનનો આદર્શ અને જીવનનું મૂળગામી દર્શન પડેલું છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સંજુ વાળાની કવિતામાં આ જીવનાદર્શ કે જીવનદર્શન ગૂંચ ભરેલાં કે ભારઝલ્લાં નથી. નીતરાં પાણીનો ગુણ જેમ પ્રહ્લાદ પારેખની કવિતામાં છે તેમ સંજુ વાળાની કવિતા સહજજીવનના મર્મના નિતારસમી છે. અહીં આપણે જે કવિતાનો આસ્વાદ કરવો છે તેમાં પણ આપણાં જીવનની સહજ ફિલસૂફી કવિએ પોતાની નિજમુદ્રામાં આપણને કહી બતલાવી છે, કહો કે ગાઈ બતલાવી છે.

પ્રસ્તુત ગીતકવિતાનું શીર્ષક 'મજા' છે. આ 'મજા' શબ્દ આપણી બોલચાલની વાણીમાં ખૂબ વપરાતો એવો શબદ છે અને તે માનવઆત્માની અંતિમ પરિણતિ 'આનંદ' શબ્દનો પર્યાય છે તે આપણે સહુ જાણીએ છીએ. આપણને ઘણી વખત પ્રશ્ન થયાં છે અને થતાં પણ રહે છે કે માનવજીવનની અંતિમ ફલશ્રુતિ કે પરિણતિ કઈ? જવાબ આપણને આવડે છે. આપણે કહીશું કે માનવજીવનની અંતિમ ફલશ્રુતિ કે પરિણામ આનંદની પ્રાપ્તિ છે. પણ એ આનંદ કે એ મજા લેતાં આપણને આવડતું નથી. આ મજામાં હોવું, મજામાં રહેવું એ આપણને આવડતું નથી ત્યારે કવિ જીવનની મજા કે આનંદમાં કાયમ કઈ રીતે રહી શકાય તેનું ગીત ગાય છે. ગીતનો આ ઉપાડ જ જુઓ, જેટલો સહજ છે એટલો જ વળી ગહન પણ છે.
'છેક શિખરની મજા...
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...'
માણસ જિંદગીભર 'કશુંક પામવા'ની મથામણમાં જીવ્યા કરતી પ્રજાતિનું નામ છે. તેને હંમેશા એ જ પામવું છે જે છેવટનું અને અંતિમ હોય. કવિ આ કવિતામાં એ છેવટનું પરિણામ પામવાની ચાવી આપણને સહુને આપે છે. આ કવિ કહે છે કે જેણે શિખરની મજા માણવી હોય તેણે શિખર પર ફરકતી ધજા જેવું રૂપ ધારણ કરતાં શીખી લેવું જોઈએ. શિખરની, ટોચની એક અલગ મજા તો છે જ પણ એ મજા ત્યારે જ પામી કે માણી શકાય છે જ્યારે તમે ટોચ પર ઊભાં રહીને લવચિક કે સ્થિતિસ્થાપક થઈ શકવા સમર્થ રહી શકો. બદલાતાં પવન સાથે સતત પરિવર્તન પામતી એવી ફરફરતી ધજા જ શિખર પર કાયમ ટકી શકવા સમર્થ હોય છે. મોટે ભાગે માણસ જ્યારે જીવનની સફળતાઓના શિખર પર પહોંચે ત્યારે સાથે સાથે તેનામાં એક અહમ્ આવી જાય છે. અને એ જ શિખર પર, ટોચ પર પહોંચી જવાનું અભિમાન કે અકડાઈ તેને છેક ખીણમાં ધકેલી દે છે. અહીં મુખડામાં રહેલો કાવ્યારંભનો 'છેક' શબ્ધ આપણી જીવનમંઝિલની અંતિમ હદને ચીંધે છે. જેને છેક છેવટ સુધી પહોંચવું હોય તેણે ધજા થવું કે ધજા જેવા બનવું અનિવાર્ય છે. વળી કોઈ ફિલસૂફે કહ્યું પણ છે કે તમે જ્યારે કોઈ પર્વતના ઊંચા શિખર પર પહોંચો ત્યારે ત્યાંથી તરત તમારે નીચે ઊતરી જવું જોઈએ. નહિ તો વાવાઝોડારૂપી પવન તમને એ શિખરટોચથી નીચે ફેંકી દેશે. સફળતાને પામવી, શિખર પર પહોંચવું સહેલું છે પણ એ શિખર પર, એ ઊંચાઈ પર કાયમ ટકી રહેવું એટલું સહેલું નથી હોતું. શિખર પર ટકી રહેવા માટે પોલાદી અકડાઈ નહીં પણ ધજાના જેવો પરિવર્તિત ફરકાટ જ કામ લાગશે, એટલે જ કવિ કહે છે કે ઊંચાઈની મજા લેવી હોય તો ધજા જેવા હલકાં, ધજા જેવાં પવન પ્રમાણે દિશા ધારણ કરતાં દિશાદર્શક બની જાઓ. આપણે જાણીએ છીએ કે ફરકતી ધજા આપણેને પવન કઈ દિશાનો વહે છે તે વિશે પણ ઇંગિત કરે છે. મંદિરની ધજા જેમ મંદિરની ઓળખ છે તેમ આપણે પણ આપણાં જીવનમંદિરની ધજા જેવા બનવું અને એમ જીવનનો આનંદ પ્રાપ્ત કરવો એ શીખ કવિની છે. શિખરની મજા માણવા શિખરની ધજા થવું આવશ્યક છે. 'મજા'ની સાથે 'ધજા'નો પ્રાસ કવિતાની બાનીને સરળ તો રાખે જ છે પણ કાવ્યાર્થને પણ ગૂઢ બનાવે છે તે આ કવિતાના ઉપાડની ખાસિયત છે.

શિખરની મજા મેળવવવા, અંતિમ પરિણામનો આનંદ લેવા માટે ધજા થવાનું મન તો મનાવ્યું પણ એ શિખર સુધી પહોંચવા માટે કયા પગલાં ભરવા? કયા રસ્તે જવું એ પણ સાધકને, ભાવકને કે જીવનપ્રવાસીને આરંભે મૂંઝવે એવો પ્રશ્ન થશે. એટલે કવિ એ પ્રવાસી બનીને જ ભાવકની મૂંઝવણને વાચા આપતાં લખે છે :
'ક્યાંથી પગલું પહેલું ભરવું, ગરવા હે શ્રી ગણેશ?',
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેશ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા.'
આપણે શુભ કામના આરંભે ગણેશ સ્થાપન કરીને તેની સ્તુતિ કરીએ છીએ તેમ અહીં પણ ગણેશની મંજૂરી લઈને તેને સ્મરીને મુસાફરીનો આરંભ કરવાની મૂંજરી ભાવક મેળવે છે. અંતિમ સુધી જવું તો છે પણ હવે એવાં મારગની અપેક્ષા છે જ્યાં કોઈ ઠેશ કે ઠોકર ન લાગી શકે. આપણાં જીવનભરના રસ્તાઓ એવા રહ્યાં છે કે જ્યાં ડગલે ને પગલે આપણે ઠેશ-ઠોકર ખાઈને ઊંધે કાન પડ્યાં છીએ, પરંતુ હવે એક એવાં મારગની અપેક્ષા છે જ્યાં સંસારી ઠેશ ના લાગે. આ 'ઠેશ' શબ્દના પણ કરવા બેસીએ તો અનેક ગૂઢ કાવ્યાર્થ આપણને જડી શકે તેમ છે. ઠેશ એટલે એવી અડચણો જે આપણને આપણાં પોતીકાં આનંદ સુધી પહોંચવામાં આપણને કોઈકને કોઈક રીતે વ્યવધાનરૂપ હતાં. કવિએ પ્રયોજેલો 'એ મારગ દેખાડો' શબ્દપ્રયોગ ખૂબ મહત્વનો છે. મુખડામાં જેમ 'છેક'નું મહત્વ હતું તેમ આ પ્રથમ અંતરામાં 'એ'-ના પ્રયોગનું છે. 'એ મારગ દેખાડો' એમ કોઈ કહે છે ત્યારે એક વાત તો ચોખ્ખી છે છે મારગે જનારને પોતાએ કયા મારગે ચાલવું છે તેની જાણ તો છે જ છે. આનંદધામ તરફના પ્રયાણનું પહેલું પગલું ક્યાંથી ભરવું, કઈ ચિત્તસ્થિતિએ કે કઈ હ્રદયસ્થિતિએથી ભરવું તે પણ ખૂબ અગત્યનું હોય છે. આકાશમાં ઊડતાં વિમાનની ઊડ એના રન-વે પરથી લીધેલાં ટેક-ઓફ પર જ સંભવે છે. તેમ આરંભ એવાં સ્થાનેથી કરવું જ્યાંથી શિખર લગ પહોંચી શકાય આ ભાવ અંતરાની પહેલી બે પંક્તિમાં છે. ત્રીજી પંકિતમાં શિખરનો પ્રવાસી કહે છે. પગલું પહેલું ભરવું એ સ્થળ ન જડે કે મારગ ન જડે તો પણ વાંધો નથી. આ બધું શક્ય ન હોય તો સ્થિતપ્રજ્ઞ જેવી અંદર અંદર રણઝણવાની, અંતરની આનંદઘન રહેવાની સ્થિતિની રજા આપો. 'ધજા' પછી 'મજા' અને હવે આ 'રજા'માં રહેલો કવિસંવેદનનો, કાવ્યભાવનો આ ઊર્ધ્વગામી વિકાસ પણ તપાસવા જેવો છે. 'અંદર અંદર' એ દ્વિરુક્તિ શ્રદ્ધાભાવની ઘનતા સંભળાવે છે અને પછી તરત આવે છે 'રણઝણવાની મજા' જેવો શબ્દપ્રયોગ. જે જીવનના સાચાં રણકારને આપણી પાસે લયાન્વિત કરે છે. કવિની શ્રદ્ધા આગળ વધે છે અને હવે આવે છે કે એવો જાતવિશ્વાસ જે વિશ્વાસે કવિ કહે છે,
'અણજોયાને જોયું કરવું, અણઘડ ઘડવા ઘાટ
ચાલ ન જાણી તો યે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક, જેવા જેનાં ગજાં...'
કોઈ પણ મુસાફરીમાં જ્યારે શ્રદ્ધા ભળે છે ત્યારે પ્રવાસીની આંખમાં એક સમદષ્ટિ પણ કેળવાતી આવે છે. સંજુ વાળા કવિતાના માધ્યમે કરીને આપણી ભાષામાં કશુંક 'ભાળી ગયેલાં' કવિ છે. 'અંદર અંદર રણઝણવા'નો જ્યારે કોઈને કીમિયો જડી જાય પછી તો તેનામાં એક આગવી નજરનો અસબાબી ખજાનો છલકતો રહે છે. એટલે તો અણજોયાને પણ જોઈ શકે, ન દેખાતાં સત્યને પણ પામી શકાય તેવા સત્પરૂપને સાધક કે ભાવક પામવા લાગે છે. દુનિયા જે સત્યને જોઈ શકવા સમર્થ નથી તેને કવિની આંખ પારખી લે છે. કવિ લક્ષ્યાર્થે કદાચ એમ જ તો કહે છે કે જે દેખાય છે તે તો એકપરિમાણીય જીવન છે. પણ એ એકપરિમાણીય જીવનને બીજે છેડે કંઈકેટલાય અણઘડ ઘાટના સૌન્દર્ય ભરેલાં છે. અને તેનો આનંદ મેળવવા માટે શિખરની ધજા થવું જ મુનાસીબ છે. સાધનાપથ હોય કે જીવનપથ, આપણે એની રીત જાણતા હોઈ કે ન જાણતા હોઈએ પણ હવે જીવનનની આપણી આ ચોપાટ જગજાહેર છે ત્યારે મારગ એક જ છે અને તે છે – 'છેક શિખરની મજા...હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા...' આપ મૂઆ વિના સ્વર્ગે જવાતું નથી તેમ જાતે ધજા થયા વિના શિખર ક્યારેય પહોંચાતું નથી.

'કપાળ જાણી કરવા તિલ્લક, જેવા જેનાં ગજાં' – એમ કહીને તો કવિ આપણી ગજાસંપતનો અને આપણી ઝીલણશક્તિનો જાણે કે મર્મ ખોલી આપે છે. અહીં ગંગાસતી યાદ આવે, 'કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, ને સમજીને રહીએ ચૂપ'. બધાંને શિખર લગ પહોંચવું છે પણ સત્ય તો એ પણ છે કે શિખરનું શિખરપણું બધાનાં ગજાસંપતની વાત નથી. એ તો કપાળ જેના તિલક કરવાને યોગ્ય હોય તેને જ કંકુ-ચોખા ચોડવા એ શરત કવિએ અહીં મૂકી રાખી છે. જીવનના સાચાં આનંદ પ્રાપ્ત કરવાની પાત્રતા એનામાં જ છે જે અંદર અંદર રણઝણવું જાણે છે. જીવનની દડમજલમાં જે અણથક એષણાઓના પર્વતશિખર પણ ચડી-ઊતરી જાણે છે તે જ અંતે 'શિખરના શેષ'ને પામવા સમર્થ બને છે.

જીવનશિખરે ચડવું-ઊતરવું, અણથક એષણાઓમાં જેને સ્થિતપ્રજ્ઞની મજા માણવી છે તેને માટે જીવનની કોઈ જ અંતરિયાળ માયા(છત્તર-છજાં)ની જરૂર રહેતી નથી. જે ધજા થઈને ફરફરી શકવાની તૈયારી દાખવે છે તે જ શિખરની મજા માણવાનો અધિકારી છે.

અંતમાં એટલું જ કે, મને આ કવિ ગમે છે કેમકે આ કવિ કવિતામાં ઝીણું જીવન ભાળી ગયા છે. 'મજા' કવિતા સંજુ વાળાના ઝીણા જીવનદર્શનની એક સાહજિક કવિતા છે.

સંદર્ભ
  1. 'રાગાધીનમ્'-કવિ સંજુવાળા, પ્રથમ આવૃતિ-2007, પ્રકાશક- રંગદ્વાર પ્રકાશન,અમદાવાદ, મૂલ્ય-80 રૂપિયા, પૃષ્ઠ-111.
ડૉ. દિક્પાલસિંહ જાડેજા, આસિસ્ટન્ટ પ્રૉફેસર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, E-mail : dikpal.28@gmail.com Mobile : +91 7567013999.