ખોબામાં દરિયો’ લઘુકથા માટે બહુ માર્મિક શીર્ષક છે. કથાસાહિત્યમાં ટૂંકીવાર્તાનાં ગોત્રનું જ આ સાહિત્યસ્વરૂપ કહી શકાય. બન્નેમાં કથા-વાર્તા તો છે જ. ‘વાર્તા’ અને ‘કથા’ આમતો પર્યાયવાચી શબ્દો જ છે. પણ ટૂંકીવાર્તાની ‘વાર્તા’ અને લઘુકથાની ‘કથા’ની વિભાવના તદ્દન ભિન્ન બાબત છે. બંને સાહિત્યસ્વરૂપો પોતાનાં અલાયદા લક્ષણો ધરાવે છે. સાહિત્યસ્વરૂપલેખે ‘ટૂંકું’માં વાર્તાને એક હદ સુધી ‘ઝાઝી લપછપ વિના’ વિસ્તરવાનો પૂરેપૂરો અવકાશ છે. લધુકથામાં એવું નથી. લઘુકથામાં ‘લઘુ’નો અભિધા બરાબર સચવાય એ રીતે ચાલવાનું છે. કથાનો વિસ્તાર લઘુકથાને જોખમાવે છે, ખંડિત પણ કરી શકે છે. એટલે એ અર્થમાં લઘુકથાના સર્જકે ‘ખોબમાં દરિયો’ ભરવા જેવું કપરું કામ કરવાનું હોય છે.
રેખાબા સરવૈયાનો ‘ખોબામાં દરિયો’ બીજો લઘુકથા સંગ્રહ. આ અગાઉ ‘રેત પર અક્ષર’ નામે પ્રથમ લઘુકથા સંગ્રહ આપ્યો ત્યારે જ એક અચ્છા લઘુકથાકાર તરીકે પ્રસ્થાપિત થઈ શકે એવી માતબર લઘુકથાઓ આપી ચૂક્યાં છે. લઘુકથા સર્જનાનાં જે પડકારો છે એ રેખાબા બરાબર સમજી શક્યાં છે. ‘ખોબમાં દરિયો’માંની લઘુકથાઓમાંથી પસાર થતાં આ બાબત તરત જ ધ્યાન પર આવે છે.
લઘુકથાનું સર્જન સર્જક માટે કસોટી રૂપ એટલા માટે છે કે એને નાના ફલકમાં વિસ્તારિત થવાનું છે. એવું તો નહીં કહી શકાય કે કોઈ ચોક્કસ શબ્દોની-પાનાંની મર્યાદામાં જ રહેવાનું છે. પણ જે ભાવપરિસ્થિતિમાં લઘુકથા બંધાય છે એમાં કથા, પાત્ર, વર્ણન, અને ભાષાના સંયમ સાથે ભાવ ઉદ્દઘાટિત કરવાનો હોય છે. ગાગરમાં સાગર ભરવાનો છે. કોઈ ક્ષુદ્ર ભાવપરિસ્થિતિમાંથી લઘુકથાની ઇબારત ઘડવાની છે. આ તો ઊર્મિ વિસ્ફોટની કળા છે. આઈસબર્ગ જેવું સાહિત્યસ્વરૂપ છે. ઉપર ઓછું અંદર વધારે.
અપવાદ રૂપે કેટલીક લઘુકથાઓને બાદ કરતાં રેખાબાની લઘુકથાઓ આ અર્થમાં ગણે અંશે સફળ રહી છે. જુદાં જુદાં સિચ્યુએશન-ભાવપરિસ્થિતિને આલેખતી આમ તો ૬૭ લઘુકથાઓ ‘ખોબમાં...’ સમાવાઈ છે. ખાસ કરીને નારી સંવેદનાને વ્યકત કરતી લઘુકથાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. આજની નારી સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સ્વાયત્ત તો થઈ છે, પણ એ સ્વાયત્તતાની બેક સાઈડમાં છુપાયેલી વ્યથા-વેદનાને આ લઘુકથાઓ બહુ જ માર્મિક રીતે પ્રત્યક્ષ કરે છે. ભાવકની સામે. સમાજની સામે પણ. એટલું જ નહીં, સ્ત્રીની આંતરિક-શારીરિક-દૈહિક વેદનાને પણ એટલી જ સિફતથી ઉદ્દઘાટિત કરે છે. સાથે સાથે પ્રણય, પ્રકૃતિ, બેઈમાની, વૃદ્ધાવસ્થાની-વૃદ્ધાશ્રમની, કૌટુંબિક, સામાજિક, રાજકીય, અને ખાસ, બાળમાનસને વ્યકત કરતી લઘુકથાઓ પણ વિષય વૈવિધ્યની સાથે નોંધપાત્ર બની છે. આપણે એમાંથી માણીશું- જાણીશું કેટલીક નારી સંવેદના-વેદનાને ઉજાગર કરતી લઘુકથાઓ.
એક સળગતી વાસ્તવિકતા નાબાલિક બાળકીઓ પર થતાં બળાત્કારની છે. જે વ્યક્ત પણ નથી કરી શકતી ને સહન પણ નથી કરી શકતી. ‘અવ્યક્ત’માં આ વાત જુહી દ્વારા વ્યક્ત થાય છે. ‘ઘણા બધા દિવસોથી જુહી ઢળતી સંજના કોઈ કરમાતા ફૂલ’ જેવી થઈ હતી. કોઈ કરતાં કોઈમાં એનું ધ્યાન નથી લાગતું. મૌનનું ઘૂમ્મ્સ છવાઈ ગયું છે. મા ચિંતિત છે એ સ્વાભાવિક છે, પણ ચિંતાનું કોઈ કારણ જાણી શકાતું નથી. એક દિવસ ટી.વીમાં ચાલતાં એક દૃશ્ય, ‘એક ની:સહાય-ભયભીત બાળકી ઉપર ઝળૂંબી રહેલો...એક પુરુષ...!!! એના શરીર હેઠળ દબાતી-ભીંસાતી-પીંખાતી બાળકીની ચીસો....’ પર જુહીની નજર પડતાં જુહી જે રીતે ચીસ પડી ઊઠે છે એમાં જુહીની જ પીડા નહીં પણ જુહીની જેમ કોઈ હેવાનના હવસનો શિકાર બનતી ઘણીબધી નાબાલિક બાળકીઓની ચીસ સંભળાય છે. ચોટદાર અંત, ભાષાની બરાબર માવજત અને સિચ્યુએશનની પકડ ઉત્તમ લઘુકથા બનાવે છે.
માથાના વાળમાં પડેલી ‘ગૂંચ’ અને સ્ત્રીનાં જીવનમાં પડેલી ‘ગૂંચ’નું તાદત્મ્ય સાધતી ‘ગૂંચ’ સ્ત્રીના આંતરિક સંવેદનને વ્યક્ત કરે છે. દેવયાનીનાં લગ્ન દીપંકર સાથે થયાં હતાં. પરતું કોઈ કારણોસર બન્ને વચ્ચે ગૂંચ પડી છે. સર્જકે કારણ મભમ રાખ્યું છે. પણ મા દીકરીના સંવાદોમાં દેવયાનીનું દૂ:ખ ભારોભાર વર્તાય છે. દેવયાનીના ગૂંચવાયેલા વાળમાં તેલ ઘસતાં ઘસતાં મા વાતા છેડે છે કે ‘દીપંકર કોઇની ચડામણીમાં આવીને આવું કરે એ હું કેમેય કરીને માની નથી શકતી, બેટા ! તું એક વાર મને જાતે જઈને એની સાથે આ બાબતે વાત કરવા દે...’ પણ દેવયાની ના પાડે છે. ને કહે છે કે ‘આપણે તો ઘણી બધી કાળજી રાખીએ, ધીરજ ધરીએ, પણ તેમ છતાં જિંદગીમાં કેટલીક ગૂંચ પડી જ જતી હોય છે...’ પતિના એવા કોઈ વર્તનથી-ભાવથી દુ:ખી દેવયાની હવે કોઈ પણ પ્રકારનો સમજોતા કરવાની ના પડે છે. કાળજી રાખવાની અને ધીરજ ધરવાની વાત શું સ્ત્રીઓને જ લાગુ પડે છે? પુરુષ પક્ષે નહીં? શું દરેક વખતે સ્ત્રીએ જ નમતું જોખવાનું ? અહી દેવયાનીની મક્કમતામાં સ્ત્રીના જીવનની આ વણખૂલી વાસ્તવિક્તા આલેખાઇ છે. આવી જ લઘુકથા ‘કેસરી સાળુની ગાંઠ’ છે. છૂટાછેટા માટે તૈયારી કરી રહેલો હિમાંશુ જ્યારે હેત્વીને કહે છે કે, ‘આપણે છૂટાં પાડીએ એ પહેલાં તું માંગ કે મારી પાસેથી તારે શું જોઈએ છે? કાળિયાવરમાં જે કઈ લાવી છે એ પાછું મળશે જ પણ તારા ભવિષ્યને ધ્યાને લઈને તું તારી માગણી કરી શકે છે....’ ત્યારે હેત્વીની વેદના છે કે, ‘કાળિયાવરની ચીજો પછી મળી જશે પરંતુ એની સાથેની મારી આશાઓ, મારાં સપનાઓ, મારી મંજિલનું સરનામું, ઇ પાછું મળી શકશે...?’ હેત્વીનો આ પ્રશ્ન સમાજની એક નરી વાસ્તવિકતાને છે. છૂટાછેડા આપતો પુરુષ સ્ત્રીને ભૌતિકતા પૂરી પાડવા કાયદાથી બંધાયેલો છે, પણ સ્ત્રીની આશાઓ, આરમાનો, ઇચ્છાઓનું શું?
સ્ત્રી પતિનું બધુ જ સહન કરી શકે પણ એના અનૈતિક સંબંધોને? પરતું, ક્યારેક એવી પરિસ્થિતિ સામે આવી જાય કે ના તો સહી શકાય કે ના તો કહી શકાય? ‘હકીકત’ આવી જ એક હકીકતને સામે લાવતી લઘુકથા છે. કેટલીક વાતો સાચી હીવા છતાં સાબિત નથી કરી શકાતી. આવું ઉષ્માનું થયું છે. ઉષ્માના પતિના અનૈતિક સંબંધો ઉષ્માની બેન સુષ્મા સાથે છે. એ વાતની જાણ ઉષ્માને થઈ છે, પણ એ કશું કરી શકતી નથી. સહન જ કરવું રહ્યું. એટલે જ એ લઘુકથાના અંતે કહે છે કે ‘સાડલા પર ચોંટેલા કસ્તરની જેમ પોતે પણ પોતાના મન પર સજ્જડતાથી ચોંટી ગયેલી હકીકતને ખંખેરી શકે...’ પણ એવું નથી કરી શકતી. ચોટદાર લઘુકથા છે. સિચ્યુએશન ફેરે આવી જ અનૈતિક સંબંધોને વ્યક્ત કરતી લઘુકથા ‘નિશાની’માં રૂખી રૂખડના નામની બધી જ વસ્તુઓની હોડી કરી નાખી. ‘હવે, કઈ જ બચ્યું નહોતું જે રૂખડે આલ્યું હોય...’ પણ ત્યાં તો ‘ઘોડિયામાં સૂતેલો નાનકો રડી ઊઠયો...’ સ્ત્રી બધું મિટાવી શકે, આ નિશાનીને કેવી રીતે મિટાવી શકે? જુઓ હેત્વી વ્યક્ત નથી કરી શકતી ને રૂખી ચાહે છે છતાં નાનકાની નિશાની કેવી રીતે મિટાવી શકે? એટેલ આખરે તો વેઠવાનું સહન કરવાનું સ્ત્રીએ જ ને!
જયદેવી અને જયાદિત્યે રાતોરાત શહેર છોડી દૂરનાં એક શહેરમાં મિત્રોની સાક્ષીએ કોર્ટમેરેજ કરી લીધાં છે. વાત પ્રેમ લગ્નની છે. ઘરનાં બધાંથી ઉફરાં જઈને જયદેવી જયાદિત્યને વળી છે. પણ થોડાક જ સમયમાં બદલાયેલા જયાદિત્યના વર્તનથી દુ:ખી થતી જયદેવી ‘આધાર’ વગરની બની જતી હોય એવું અનુભવે છે ત્યારે ભાવક આપો આપ પામી જાય છે કે ભાગીને કરેલાં બધાં જ લગ્નોમાં ‘પ્રેમ’ જ હોય છે એવું નથી હોતું. ક્યાંક લાગણીવેડા કે એક જાતનો આવેશ જ હોય છે. પરંતુ એ વાત સમજાય ત્યાં સુધીમાં ઘણું મોટું થઈ ગયું હોય છે. જયદેવી- જયાદિત્ય નિમિત્તે સર્જક ઘરનાં આપ્તજનોથી ઉફરાં જઈને લગ્ન કરતાં આજ કાલનાં કહેવતાં પ્રેમી યુગલોની સામે લાલ આંખ કરી છે. એમાંય સહન તો છેવટે છોકરીએ જ કરવાનું આવે છે. બરાબર ભાવસંવેદન પકડીને ચોટદાર લઘુકથા આપે છે.
કેટલાંક પુરુષ પ્રધાન રૂઢિચુસ્ત કુટુંબોમાં પીલાતી નારી વેદનાને ‘રાજબાનો ઝરૂખો’માં હૂબહૂ પ્રગટ કરી છે. યુરોપમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને ઘેર આવેલો જુવાન દીકરો એની માને, પોતાની બીમારી દરમિયાન સેવા કરનાર વિદેશી સ્ત્રી મિત્ર ‘ટેરેસા’ વિશે વાત કરે છે. એની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે એની મા રાજુ ઉર્ફે રાજેશ્વરીદેવી એના અતીતમાં ધકેલાય છે. ‘પરણીને સાસરે આવેલી ‘રાજુ’ અહીના અસ્સલ દરબારી દમામ અને કડપ દાબભરેલા વાતાવરણ અને વ્યક્તિઓ વચ્ચે આવી ત્યારથી રાજુ મટીને ‘રાજેશ્વરીદેવી’ બનીને રહી ગઈ છે.... દરબારી ઠકુરાણીને હુકમ હતો... ગાવું-વગાડવું-ચીતરવું એ મહારાણીની શાનની ખિલાફ ગણાશે...!’ દીકરાને સમજાવે છે કે ‘ટેરેસાને આ હવેલીનો ઝરૂખો ફાવશે કે કેમ? પરતું દીકરાનો જવાબ સાંભળીને એ અવાક રહી જાય છે. ‘કમઓન મમ્મા.... તું એકદમ બાલિશ વાત કરે છે. ઝરૂખો નહીં ફાવે તો ફાવડાવશે....’ રાજબાએ અનુભવ્યું કે.... આ ઝરૂખામાં ઊભો છે એ અદ્દલ પુરુષ છે, અસલ પુરુષ ઠાકુર ઋષિરાજસિંહ રુદ્રદત્તસિંહ રાજપૂત...’ લેખિકા અહી એક ચોક્કસ પ્રકારની પુરુષ મેંટાલિટીને હૂબહૂ આલેખવામાં સફર રહયાં છે. પરુષ પ્રધાન કુટુંબોમાં નારી એક ઝરૂખાની શોભા જ બનીને રહી જાય છે. વાત બહું જ માર્મિક અને ઊંડાણથી કહેવાઈ છે. ભાષાની સજ્જતા, ધારદાર સંવાદો, ચોટદાર અંત અને સિચુએશનની અચ્છી પકડ લઘુકથાને સંવેદના સભર બનાવવા પૂરેપુરી સક્ષમ બને છે. આવી જ સ્ત્રી સ્વાતંત્ર્યની વેદનાને આલેખતી ‘કદર’ પણ નોંધપાત્ર લઘુકથા છે.
મેં આગળ પણ નોંધ્યું છે કે આજના યુગમાં સ્ત્રીએ સ્વયત્તતા પ્રાપ્ત કરી છે, પણ શું ખરા અર્થમાં સ્ત્રી સ્વતંત્ર થઈ છે ખરી? ‘અધિકાર’માં આ વાત જોવા જેવી છે. જુઓ, વિશ્વા ઇન્કમટેક્ષ ઑફિસર છે. સાથે સાથે કુટુંબ-વત્સલા નારી! વિક્રાંત અને વિશ્વા એક જ ઓફિસમાં કામ કરે છે, બંને એ પ્રેમ લગ્ન કરેલાં છે. નારીસ્વાતંત્ર્ય બાબતે બેઉની સમગ્ર વર્તુળમાં જાણીતી હતી. પરંતુ શું એ બહારની જ વાત હતી? ‘નાણાકીય વર્ષનાં અંતિમ દિવસે નિર્વિઘ્ને ઑફિસ અવર્સ પૂર્ણ કરીને, એકદમ ટેન્શન ફ્રી થઈને ઘરે આવેલા પતિ(વિક્રાંત)ને એક ગાઢ-લાંબી ઊંઘ આવે એ રીતે રિલેક્સ થવું હતું.’ પરતું ‘પત્ની(વિશ્વા)ના મનમાં સખીના કૅન્સરની વ્યથા ને માસિક ધર્મમાં અનકમ્ફર્ટ ફીલ કરતું શરીર...? વિક્રાંત સમજી શકતો નથી. ત્યારે વિશ્વાની વેદના સમજવા જેવી છે. જુઓ વિશ્વા શું કહે છે, ‘પોતાના અલગ બેંક એકાઉન્ટ માટે લડતી સ્ત્રી પોતાની આર્થિક મૂડી ઉપર એકાધિકાર મેળવી શકે છે, પરતું-ગમે તેટલી સધ્ધર, ઉચ્ચ આસને બેઠેલી નારીનો પોતાના જ દેહ ઉપર કઈ અધિકાર ખરો?’ સુજ્ઞ ભાવકો સમજી શકે છે કે પ્રશ્ન એકલી વિશ્વાનો નથી...!!!
એવું પણ નથી કે સ્ત્રીની વેદના હંમેશા પુરુષ સાથે જ જોડાયેલી છે. કાયરેક નારી જ નારીની વેદનાને અવગણે છે. ‘દુર્ગાપૂજા’માં આ વાત બરાબર મુખર થાય છે. દુર્ગેશ્વરીના ઘરમાં દુર્ગાપૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બધાં જ પૂજાની તૈયારીમાં જોડાયેલાં છે. ઘરમાં રોજ આવતી નોકરાણીની જગ્યાએ આજે એની બદલીમાં એનાં ઘરડાં સાસુ આવ્યાં છે. કારણ કે એની વહુ બે પગે છે. પરંતુ એ જોઈને દુર્ગેશ્વરી અણગમો વ્યક્ત કરે છે. ઊલટાનું નોકરાણી પાંચ મહિનાનો જમા પડેલો પગાર સમટો લેવાની વાત કરે છે તો ‘બસ...ગઈને જાત ઉપર...સા...! ઘરનો પ્રસંગ બગાડવાનું આ નાટક રે’વા દે....છાનીમાની પેલાં કામ પૂરું કર પછી બીજી વાત...’ આશોપાલવનું તોરણ બનાવતી ‘નોકરાણીની ઓગળીમાં સોય ખ...ચ...કરીને ઘૂસી ગઈ અને નિકર્યું લાલ-ચટક લોહી- જાણે દુર્ગાપૂજાનું કંકુ!!’ લધુકથાનું શીર્ષક, નાયિકાનું નામ, ભાષા-બોલીનો પ્રયોગ ને ચોટદાર અંત લઘુકથાને ધારદાર બનાવે છે.
ખરેખર સ્ત્રીનું સાચું ઘર કયું? એનું પિયર કે એનું સાસરું? બન્ને વચ્ચે અટવાતી સ્ત્રીની વેદનાને કોણ સમજી શકશે? સાવ ક્ષુલ્લક ભાવપરિસ્થિતિમાંથી આકાર લેતી ‘મારું ઘર’ આવી સંવેદના સભર લઘુકથા બની છે. જુઓ : સાસુ મા કહે છે કે ‘જુઓ ! વહુ... આવાં મોંમાથા વગરનાં ચીતકડાં પૈસા ખર્ચીને ઘરમાં ઘાલો એ જરાય ઠીક નથી.(વૈદેહીને મોર્ડન આર્ટનાં ચિત્રો ખૂબ ગમે છે.) તમારા ઘરમાં તમે જેમ કરતાં હોય એમ, આપણ હવે તમે કુંવારાં નથી એ યાદ રાખજો. અને બીજું કે મનફાવતું અહી ન થાય. આ તમારું ઘર નથી, શું સમજ્યાં?’ તો સામે છેડે માના સંવાદો છે, ‘વૈદેહી, જો બેટા અમારી ફરજ હતી તને કૉલેજ લગી શિક્ષણ આપવાની. હવે તારે સંગીત કે નૃત્ય જે શીખવું હોય એ બધું તારે ઘેર એટલે કે સાસરે જઈને શીખજે. આ ઘરે હવે આનાથી વધું કઈ જ નહી...’ બે પક્ષોની સહોપસ્થિતિમાં અટવાતી સ્ત્રીનું સાચું ઘર કયું? સ્ત્રીનું ખરું અસ્તિત્વ આખરે બે ઘરની વચ્ચે જ જોલાં ખાતું પૂરું થઈ જાય છે? આવી જ એક લઘુકથા છે ‘કિચૂડાટ’. પોતનું સમગ્ર જીવન પતિ પાછળ ન્યોછાવળ કરનાર પત્ની માટે પતિને જો એક મિનિટનો પણ ટાઈમ નહોય ત્યારે પત્ની બધું હોવા છતાં એકલતાની પીડામાં પીડાય છે. જીવવા માટે પૈસો જ નહીં, હુંફ અને લાગણી પણ એટલાં જ જરૂરી છે. કિચૂડાટમાં આ સંવેદના હૂબહૂ આલેખાઈ છે.
લઘુકથા જનક મોહનલાલ પટેલ નોંધે છે કે લઘુકથામાં સર્જકે નહીં, લઘુકથાએ જ બોલવાનું હોય છે. સાસરિયાના ત્રાસથી આપધાત કરતી સ્ત્રીની વેદના ‘સૌ સારાં વાનાં થશે...’માં આલેખાઈ છે. પણ લઘુકથામાં વધુ પડતું લંબાણ લઘુકથાને કથળાવે છે. ખપ પુરતાં જ પાત્રો, ખપ પૂરતું જ વર્ણન અને ભાષાની કરકસર જ સારી લઘુકથા આપી શકે છે. આવું જ માતૃત્વની ઝંખના કરતી ‘નિર્ણય’ લઘુકથામાં થયું છે. સુરેખા અને ડૉ.સુબોધ લગ્નના છ વર્ષ પછી પણ નિ:સંતાન છે. ખુદ સુરેખા ડૉ.સુબોધને આગ્રહ કરે છે કે ડૉ.સુબોધ તેની નર્સ સત્યાને તેના જીવનમાં લાવે અને સંતાન સુખ પૂરું કરે. પણ સત્યા આ વાત સ્વીકારી શકતી નથી. સુરેખાની વેદના તો સમજી શકાય છે પણ સત્યાની વાત કળી શકાતી નથી. લઘુકથાનો અંત સર્જકને જ પૂછવો રહ્યો.
ફરી પાછી એ જ વાત કે નારી સ્વાયત્ત થઈ છે. પણ શું સ્વતંત્ર થઈ છે? ‘મહિલા સશક્તિકરણ’ની પ્રમુખ પાર્વતી જ કાર્યક્રમમાં હાજર નથી. એના વિશેની ચર્ચા થાય છે ત્યારે કાળીકાકીનાં સંવાદો સાંભળવા જેવા છે. ‘ગઈ રાતે પારવતીભાભીની રાઇડું હાંભરી’તી એ બાપડી ઉપર હબોહબ લાકડિયું ફટકારી ઈના ધણીએ. અને એની હાહુ તો મા... કાનના કીડા ખરી પડે એવડી એવડી ભૂંડા બોલી ગાળ્યું દે’તીતી..... ઈવડી ઇ બિચારી...કેવા પૂરતી પરમુખ પણ સોકરા ન થાય ઈમાં ઇનો હું વાંક કાળીકાકી.....’ સ્ત્રી ચાહે પ્રમુખ બને કઈ પણ બને. પણ સમાજમાં ઘર કરી ગયેલી એક માન્યતા કે છોકરાં નાં થાય એટલે વાંક સ્ત્રીનો જ હોય? શું પુરુષમાં ખામી ના હોઈ શકે? માણસ ચંદ્ર સુધી જરૂર પહોંચ્યો છે, પણ આવું જોઈએ ત્યારે એમ થાય કે એ હજુ ઘરની બહાર નથી નિકાર્યો. આ વાત પાર્વતીનાં સાસુ નિમિત્તે ઘણી બધી રૂઢ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. સર્જક અહિયાં ઇંગિત કરે છે કે સ્ત્રીનો કહેવા પૂરતો જ વિકાસ થયો છે. એ ભલે ‘મહિલા સશક્તિકરણ’ની પ્રમુખ બની જાય પણ આવી અંગત પીડાઓમાંથી ક્યારે મુક્ત થશે?
આમ, રેખાબા બહું બારીકાઈથી નારી વેદના સંવેદનાને આટલા નાના ફલકમાં વિસ્તારિત શક્યાં છે એ જ એમની ખરા લધુકથાકાર તરીકેની ઉપલબ્ધિ છે. કથા, વાર્તા કે નવલકથામાં નારી વેદના સંવેદનાને વિગતે આલેખવાનો પૂરો અવકાશ રહેલો છે. એમાં અથતી ઇતિ કથા વિગતે માંડી શકાય. કહી શકાય. લઘુકથામાં એવું નથી. લઘુકથામાં તો ચપટિકમાં પકડી લેવાનું છે. આ ચપટિકમાં પકડવાની રીત રેખાબા બરાબર માર્મિક રીતે જાણી શક્યાં છે. આમ પણ, એક સ્ત્રી જ સ્ત્રીની સાચી વેદનાને જાણી શકે એ વાત આ લઘુકથાઓ પરથી જાણી શકાય છે.
પણ, ક્યારેક ક્યારેક લઘુકથાઓમાં આવતું ચિંતન કઠે છે. કેટલીક લઘુકથાઓ ચિંતનનો ભાર ખમી શકતી નથી એટલે ‘લઘુતા’ જળવાતી નથી. ‘મૂળિયાં’, ‘પાત્રતા’, ‘ગુનેગાર’ ‘ઇજ્જતદાર’ ઇ. લઘુકથાઓમાં આ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે એક ‘સંજીવની’માં આવતું ચિંતન જુઓ. ‘આમ પણ દુર્ગમ લાગતી કોઈ પણ યાત્રા કર્યા પછી કોઈ પણ વ્યક્તિ બદલાયા વગર રહી જાય તો એ યાત્રિકમાં કઇંક ખામી છે એમ માનવું...’ લધુકથા સારી જ છે પણ...? લઘુકથામાં સર્જકે નહીં ખુદ લઘુકથાએ જ બોલવાનું હોય છે. ભાવકની સમજ પર ભરોસો રાખીને અધ્યાહાર છોડેલી વાતમાંથી જ ભાવક વાત પકડી લેતો હોય છે. લઘુકથાનો સર્જક વિસ્તારથી કહેવા બેસે તો લઘુકથા લઘુકથા મટીને ટૂંકી વાર્તામાં સરી જતાં સ્હેજ પણ વાર લાગતી નથી. પણ આ બધું ઘઉંમાં જવની જેમ ભરી ગયું છે.
છેલ્લે એટલું જ કે, લઘુકથાકાર મોહનલાલ પટેલ દ્વારા કુમાર સામયિકથી પ્રકાશિત થયેલું આ સાહિત્ય સ્વરૂપ આજે સાડા પાંચ દસકાની સફર પછી ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ અનુઆધુનિક યુગમાં પોતાના આગવા લક્ષણો સાથે અન્ય સાહિત્યસવરૂપોની જેમ પ્રસ્થાપિત થઈ ચૂકી છે એમ કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ જેવુ નહીં લાગે. રેખાબા જેવાં સારાં લઘુકથાકારો આ વાતની સાહેદી પૂરે છે.
સંદર્ભ
- ‘ખોબમાં દરિયો’ રેખાબા સરવૈયા, પ્રથમ આવૃત્તિ ૨૦૧૬, ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ- ૩૮૦૦૦૧