ભોળાભાઈ પટેલ પાસેથી સોળ જેટલાં વિવેચન પુસ્તકો મળે છે. ‘અધુના’(૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’(૧૯૭૩), ‘પૂર્વાપર’(૧૯૭૬), ‘કાલપુરુષ’(૧૯૭૯), ‘અજ્ઞેય : એક અધ્યયન’(૧૯૮૩) ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’(૧૯૮૭), ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’(૧૯૯૬), ‘મળીમાતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭), ‘ભારતીય ઉપન્યાસ અને ગ્રામકેન્દ્રી ઉપન્યાસ’(૨૦૦૧), ‘આવ ગિરા ગુજરાતી’(૨૦૦૧), ‘કવિકથા’(૨૦૦૨), ‘વાગ્વિશેષ’(૨૦૦૮), ‘ઉમાશંકરજોશી (ભારતીય સાહિત્ય કે નિર્માતા) (૨૦૧૦), ‘અક્ષરશ : ઉમાશંકર (સંકલન : વિરેન્દ્રનારાયણ સિંહ) (૨૦૧૩,મરણોતર), ‘ભારતીય નવલકથા પરંપરા અને ગ્રામકેન્દ્રી નવલકથા’(સંકલન : વીરેન્દ્રનારાયણ સિંહ –૨૦૧૫, મરણોતર), ‘રવીન્દ્રનાથ ટાગોર’ (સંકલન : તોરલ પટેલ,૨૦૧૫-મરણોતર) જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.
ભોળાભાઈ પટેલ ઉતમ પ્રવાસી- નિબંધકાર હતાં એવાજ ઉતમ કોટિના વિવેચક હતાં. એનુ એ કારણકે નિબંધકાર ભોળાભાઈ અને વિવેચક ભોળાભાઈ એક જ ગોત્ર ધરાવે છે. સાહિત્ય સર્જન અને વિવેચનની પ્રવૃત્તિ લગભગ એક સાથે ચાલતી હોય છે. કૃતિનિષ્ઠ વિવેચન ભોળાભાઈ પટેલે વધું કર્યું છે. કાવ્યનાં આસ્વાદો વધું તેમની પાસેથી મળે છે. વિદેશી અને ભારતીય એમ અનેક નવલકથાઓનાં વિવેચન વડે તે બીજી ભાષાના સાહિત્યથી આપણને પરિચિત કરાવતા રહ્યાં છે. તુલનાત્મક સાહિત્યમાં તેનું વિદ્વતા પણું પ્રગટ થયા વિના રહેતું નથી. રાષ્ટ્રીય કક્ષાનાં પરિસંવાદોમાં તેમણે ઉમળકા સાથે વક્તવ્યો કર્યા હતાં. સાહિત્ય સર્જની સમસ્યાઓ પ્રશ્નો વિશે છણાવટો એમણે કરી હતી. આવી રીતે ભોળાભાઈ પટેલ મોટે ભાગે સર્જકની મનોભૂમિકાએથી વિવેચન કર્યું છે. તેમણે ભાવક સાથે પોતાનો અને કૃતિનો ભાવસેતુ તેવી દૃષ્ટિકોણથી વિવેચન કર્યું છે. તેમનાં ઉપરોક્ત સોળ જેટલાં વિવેચન પુસ્તકો જ સમદૃષ્ટિ સભર વિવેચન તેમણે કર્યું છે તેનો પુરાવો છે.
ભોળાભાઈ પટેલનું પહેલું વિવેચન પુસ્તક ‘અધુના’ છે. જેમાં પંદરેક જેટલા વિવેચન લેખો સમાવિસ્ટ છે. આ લેખો ‘સંસ્કૃતિ’, ‘ગ્રંથ’, ’ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પરબ’, ‘સંજ્ઞા’, આદિ સામયિકોમાં પ્રગટ થયેલાં છે. (નિવેદનમાંથી) આ લેખો પૈકી મોટાભાગના લેખો સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્ય સ્વરૂપ વિષયક જોવા મળે છે. આ સમીક્ષાત્મક લેખમાં માત્ર ‘અધુના’ વિવેચન પુસ્તકમાં ભોળાભાઈ પટેલે કરેલ વિવેચન લેખોનો અભ્યાસ કરવાનો અહીં યત્ન છે.
‘કાન્તનાં ઊર્મિકાવ્યો’ નામનાં લેખમાં કાંત્ની સમગ્ર કવિતાને આત્મલક્ષી કવિતા કહી કવિતાનાં વિષયોની વાત કરી છે. કાન્તનાં અનુગામી કવિઓની પહેલી અસર અને તે - કાન્તની કવિતા જેવી કવિતા લખતા થયાં તે વિવેચનકારે નોધ્યું છે. કાન્તે યોજેલા ઝૂલણાં છંદ સાથે અલંકારોની સૃષ્ટીનાં લીધે તેમનું કાવ્યજગત ઉતમ બન્યું છે તે તેમનું નિરિક્ષણ પણ મત્વનું છે. ‘મહાપ્રસ્થાન : ગુજરાતી કવિતામાં ત્રીજો સૂર’ માં ‘મહાપ્રસ્થાન’ની કૃતિઓનો પદ્યનાટકનાં પ્રયોગો લેખે ઠીક ઠીક વિસ્તારથી વિવેચનવિચાર કર્યો છે. ટી. એસ એલિટનાં સંદર્ભમાં આ ગ્રંથની સાત કૃતિઓની આલોચના કરી છે. તેમાં પ્રાચીનાં’ની કૃતિઓ કરતાં ‘મહાપ્રસ્થાન’ની કૃતિઓ વિશેષ સિદ્ધિ દાખવે છે. એવું દેખાડવાનો તેમણે મહા પ્રયત્ન કર્યો છે.
‘tabteaux parisien અને પ્રવાદ્ધીપ’ આ લેખમાં પ્રસિંદ્ધ ફ્રેંચ કવિ બૉદલેરનાં પેરિસ નગરી વિષેની અને નીરંજન ભગતનાં મુંબઈ વિષેનાં કાવ્યોનો તુલનાત્મક દ્રુષ્ટિએ પરિચય આપ્યો છે. નિરંજનભગતની કાવ્યપ્રવૃતિના એક વિશષ્ટ અંશને સ્પષ્ટ કરવાને પ્રયાસ કર્યો છે.
‘નીરંજન ભગતની કવિતાં’ નામનાં લેખમાં ત્રીશી પછીની ગુજરાતી કવિતાના સંદર્ભેમાં નીરંજનની કાવ્યપ્રવૃતિનો આરંભ અને વિકાસ તેમના કાવ્યવિષયોનો ઉઘાડ, તેમની ઉતરકાલીન કાવ્યરચનાઓમાં આધુનિક ભાવબોધ અને અધતન ગુજરાતી કવિતામાં તેમનું વિશિષ્ટ પ્રદાન એમ અનેક દિશાએથી તેમણે સમીક્ષા રજૂ કરી છે. નગર જીવનની વિરૂપતા અને તેનાં દુરિતોનું બૉદલેર અને નીરંજનમાં કેવું કાવ્યાત્મક આલેખન થયું છે તેનો નિર્દેશ કરે છે. ‘મર્ઢેકરની સૌન્દર્ય મીમાંસા’ નામનાં અભ્યાસ લેખમાં મરાઠી સાહિત્યમાં બાળ સીતારામ મર્ઢેકર ૧૯-૦૯ -૧૯૫૬નું સ્થાન અનેક રીતે મહત્વનું છે તેમના ત્રણ કાવ્યસંગ્રહો તેમજ મરાઠી કવિતાનાં વહેણ બદલવામાં નિમિત બન્યા અને ‘રા ત્રિચા દિવસ’ નામની તેમની નવલકથા નવલકથાના પ્રયોગ રૂપે આવી અને ‘સૌન્દર્ય આણિ સાહિત્ય’ નામે અંગ્રેજી ગ્રંથ અને ‘આર્ટ્સ એન્ડ મેન’ નામે અંગ્રેજી ગ્રંથ મરાઠીમાં સૌન્દર્ય શાસ્ત્રીય વિવેચનના નવપ્રસ્થાન રૂપ બની રહ્યાં. આ બધાજ નિરીક્ષણો મહત્વના બની રહ્યાં છે. ‘પચવટી છાયા’ ( હિન્દી ), ‘વનલતા સેન’ (બંગાળી) અને ‘ચિલિકા’માં અવગાહન’ (ઓડિયા) નિમિતે અનુક્રમે મૈથિલીશરણ ગુપ્ત, જીવનાનંદદાસ અને રાધાનાથ રાયના રોમાંચક કાવ્યસૃષ્ટિનો આસ્વાદવાનો વિવેચનકારનો ઉતમ ઉપક્રમ છે.
‘ગુજરાતી નવલકથા : વિવેચન’ એ અભ્યાસ લેખમાં વિવેચકે ૧૯૪૫ થી ૬૫ ના ગાળાની આપણી નવલકથા મીંમાંસાને તપાસી છે. સાહિત્ય સ્વરૂપ વિચારણાની આપણાં પીઢ વિદ્ધવાનોની નવલકથા વિષયક રૂઢ વિભાવનાં સામે સુરેશ જોષીનીએ સ્વરૂપ વિષેની નવી વિચારણા સ્પષ્ટ કરી આપી છે. ‘ખરા બપોરનો વાર્તા વૈભવ’, ‘મડિયાની નવલકથાઓ’, જેવાં લેખોમાં તેમની અભ્યાસનિષ્ઠ વિવેચનનાં નોધપાત્ર ઉદાહરણ જેવાં છે. ‘ગુજરાતી ટૂંકીવાર્તા અદ્યતન પ્રવાહો’, અને ‘આજની વાર્તા કવિતાનાં વલણો’, આ બન્ને લખાણોમાં મુખ્ય કરીને કવિતા અને વાર્તાના ક્ષેત્રમાં જે રીતે નવાં વિચાર વલણો પ્રગટ થયાં તેની ટૂંકમાં પરિચય સભર ભુમિકા મળે છે. એમાં આધુનિક કથાસાહિત્યમાં નિરૂપાતી માનવપ્રતિમાં આ સમયનાં સર્જકની સભાનતા પ્રતીક આયોજન વગેરે બાબતોનો વિચાર કર્યો છે. આ નિરીક્ષણો ખુબજ મહત્વના લાગે છે.
કવિ યજ્ઞેશ દવેએ લીધેલ ભોળાભાઈ પટેલની મુલાકાત માં તેમને પૂછવામાં આવેલા પ્રશ્ર્નના પ્રત્યુતરમાં તેઓ વિવેચન તરીકે કેવી રીતે પ્રસ્થાપિત થયાં તે ભોળાભાઈના શબ્દોમાં જોઇએ. તે કહે છે કે -
“મને પોતાને કદીય ખ્યાલ ન હતો કે હું વિવેચક બનું. મુખ્ય વસ્તુ એ છે કે હું સારો ભાવક છું, સારો ભાવક છું. સારા વાચક તરીકેનો પ્રતિભાવ હું આ રીતે પ્રગટ કરીશ એ આશ્રર્ય હતું. એક વખત હું બોદલેરની કવિતા વાંચતો હતો, ત્યારે એકા એક ખ્યાલ આવ્યો કે આવાં પ્રકારની નાગર જીવનની કવિતા આપણે ત્યાં નિરંજન ભગતે કરેલી છે. આ વસ્તુ મને આ બંને કવિઓના તુલનાત્મક અભ્યાસ કરવા સુધી દોરી ગઈ. મેં એક લેખરૂપે અભ્યાસ રજૂ કર્યો. તેમાં ફ્રેંચ કવિતાની આખી ટ્રેડિશમને આવરી લીધી. એ લેખ ઉમાશંકર ભાઈને ‘સંસ્કૃતિમાં’ છાપવા માટે બતાવ્યો . ત્યારે તેઓ આશ્રર્યથી મારી સામે જોઈ પણ રહ્યાં પણ એ લેખ ‘સંસ્કૃતિમાં’ પ્રગટ કર્યો અને એક રાતમાં હું એક વિવેચક તરીકે જાણીતો થયો.” (અંતરંગ – બહિરંગ પૃષ્ઠ=૧૮ )
આટલી ચર્ચા પછી ફલિતાર્થ થાય છે કે ભોળાભાઈ વિકસિત સંવેદનશીલતા અને પરિષ્કૃત રસ-રુચિના વિવેચક છે. તેમનો રચાત્મક બોધ તેમના વિવેચનની શક્તિ છે 'અધુના' વિવેચન સંગ્રહમાં 'સમદૃષ્ટિ સભર વિવેચન'વડે ભોળાભાઈ પટેલ ઉમદા વિવેચક તરીકે જાણીતા બન્યા. એટલુ આ સમિક્ષાત્મક લેખના અંતે કહેવું ઉચિત છે.
સંદર્ભ
- ‘અધુના’ – ભોળાભાઈ પટેલ, (પ્રથમ આવૃતિ) જુલાઈ ૧૯૭૩ (પ્રકાશક ) શિવજી આશર વોરા એન્ડ કંપની ગાંધી ચેમ્બર્સ અમદાવાદ-૧
- ‘ભોળાભાઈ પટેલ : સર્જક અને વિવેચક’, સંપાદન : રધુવીર ચૌધરી અને વીરેન્દ્ર નારાયણ સિંહ (પ્રથમ આવૃતિ) ૧૯૯૫ (પ્રકાશક) રંગદ્વાર પ્રકાશન.
- ‘અંતરંગ – બહિરંગ ભોળાભાઈ પટેલ સાથે મુલાકાત’ મુ. લે. યજ્ઞેશ દવે (પ્રથમ આવૃતિ) ૭ ઓગષ્ટ=૨૦૧૩ (પ્રકાશક) ડિવાઇન પબ્લિકેશન્સ.