પદ્ય સાહિત્યમાંથી પ્રાપ્ત જુનાગઢ રેલવેનો ઇતિહાસ
ભારતના લોકોમાં ઇતિહાસ લખવાની કે જાળવવાની કોઈ સૂઝ નથી- એવી ભૂલ ભરેલી માન્યતાનો જવાબ સાહિત્યકારોએ અનેક ઐતિહાસિક પ્રસંગોએ ગીતો કે કવિતો રચીને જે તે ઘટનાને ચિરંજીવ રાખીને આપ્યો છે. જુનાગઢના બાબી રાજવંશના સમય દરમિયાન રાજ્યાભિષેક, સગાઈ, શાદી, સુન્નતશાદી, ચાંદપ્રાપ્તિ, મરણ પ્રસંગે, સિલ્વર જયુબિલી, આરઝી હકૂમત વગેરે જેવા અનેક પ્રસંગોએ પ્રજા દ્વારા નવાબોને સન્માન પત્રો અર્પણ કરાતા. અહી નવાબ દ્વારા પ્રજા કલ્યાણકારી રેલવેની સુવિધા આપવામાં આવતા હર્ષ પ્રગટ કરવા અને આનંદ તથા આભારની લાગણી વ્યક્ત કરવા કેટલાક સાહિત્યકારોએ ગીતોની રચના કરી હતી. આ ગીતોમા જુનાગઢ રેલવે અને બાબી રાજવંશનો ઇતિહાસ સચવાયેલો પડ્યો છે. જે કેટલાક નમૂના રૂપ ગીતો અહી રજૂ કરી ને ઇતિહાસ ના પ્રાથમિક કક્ષાના સાધન તરીકે પદ્ય સાહિત્ય નું મહત્વ સમજાવવાનું સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
જૂનાગઢ માં રેલવેનું આગમન :
સાતમાં નવાબ બહાદુરખાન ત્રીજા ( ઇ.સ. ૧૮૮૨-૧૮૯૨ ) ના સમયમાં જૂનાગઢમાં રેલવે નાખવાનું ખાતમુહૂર્ત મુંબઈના ગવર્નર લોર્ડ રે ના હસ્તે તારીખ ૧૪-૧૨-૧૮૮૬ ના રોજ સવારે સાડા સાત વાગ્યે કરવામાં આવ્યું હતું. ગવર્નર લોર્ડ રે ની યાદગીરી ચિરંજીવ રાખવા માટે જૂનાગઢ રેલવે સ્ટેશન સામેના દરવાજાનું નામ ‘લોર્ડ રે ગેઇટ' પાડવામાં આવ્યુ હતું. આ દરવાજો ૧૮૦૬૨૬ કોરીના ખર્ચે તૈયાર થયો હતો. [1]
આ પછી આ રેલવે માર્ગ તૈયાર થઇ જતાં તા. ૩૦-૧૨-૧૮૮૭ નારોજ જેતલસરથી ઉપડેલી પ્રથમ ટ્રેન ચોકીના રેલવે સ્ટેશને આવી. ત્યારબાદ તા. ૧૯-૧-૧૮૮૮ ને ગુરૂવારના રોજ સૌપ્રથમ વખત જૂનાગઢમાં રેલવેએ પ્રવેશ કર્યો. [2] એ સમયે જૂનાગઢમાં ‘રે ગેઇટ’ પાસે વિશાળ સમિયાણામાં બપોરે ત્રણ વાગ્યે દરબાર ભરવામાં આવ્યો. આ પ્રસંગની ખુશાલીમાં કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ વુડહાઉસની યાદગીરી જાળવવા રેલવે સ્ટેશન પાસે ‘વુડ હાઉસ પરુ’ વસાવવાનું અને રેલવે સ્ટેશન બાંધવાનું ખાતમુહૂર્ત ખુદ તેમના જ હસ્તે કરવામાં આવ્યું અને આ દરબારમાં નવાબ બહાદુરખાનજી ત્રીજાએ પ્રજાજનોને રેલવેની સુવિધા બાબતે વાકેફ કર્યા હતા.
આ રેલવે બી. જી. જે. પી. ( ભાવનગર, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર ) ના નામે ઓળખાતી હતી. જૂનાગઢ રાજ્યમાં નંખાયેલી રેલવે જૂનાગઢ રાજ્યએ પોતાના ખર્ચે નાંખી હતી. ત્યારબાદ જૂનાગઢે તા. ૩૧-૧૦-૧૯૩૭ થી બી. જી. જે. પી. રેલવેથી અલગ થઇ પોતાની ‘જૂનાગઢ રેલવે’ શરૂ કરી હતી [3] અને ઇ.સ. ૧૯૪૦ સુધીમાં જૂનાગઢ રાજ્યએ રેલવે પાછળ રૂ. ૧,૭૭,૫૫,૨૦૩ નો ખર્ચ કર્યો હતો.
જૂનાગઢ રેલવેના વધામણા અને સાહિત્યકારોએ રચેલા ગીતઃ
જેતલસરથી વેરાવળ સુધીની રેલવે શરૂ થઇ જતા આ પ્રસંગે રેલવેને અને નવાબને વધાવવા માટે પ્રજાજનોએ હિંદી, ગુજરાતી, ફારસી, સંસ્કૃત, અંગ્રેજી અને ઉર્દૂમાં માનપત્રો અને કવિતાઓ રજૂ કરી હતી. આ પ્રસંગને દબદબાભર્યો ઉજવી તેની ખુશાલીમાં ભવ્ય સવારી કાઢવામાં આવી હતી અને લોકોના આશ્ચર્યનો કોઇ પાર રહ્યો ન હતો. આ પછી જૂનાગઢ થી વેરાવળ તા. ૩-૫-૧૮૮૮ ના રોજ જૂનાગઢ થી બપોરે સાડા ત્રણ વાગ્યે ઉપડી વેરાવળ સાડા છ વાગ્યે પ્રથમ રેલવે પહોંચી હતી.
પ્રથમવાર વેરાવળ જતી રેલવેમાં નવાબ બહાદુરખાનજી, કુમાર એદલખાનજી, વજીર બહાઉદ્દીનભાઇ, દીવાન હરિદાસ વિહારીદાસ, હજુર આસિસ્ટંટ ઝાલા પુરૂષોત્તમરાય, ખાનગી કારભારી અમરજી આણંદજી અને મુખ્ય અધિકારીઓ તેમાં બેસીને વેરાવળ ગયા હતા. વેરાવળ રેલવે પહોંચતા સુધીમાં વચ્ચે કેશોદ, માળિયા, ભંડુરી, ચોરવાડ, સુત્રાપાડા, પ્રભાસપાટણ, વગેરે ગામના લોકોએ નવાબને માનપત્રો અને રેલવેના આગમનને વધાવતા કવિતો રજૂ કર્યા હતા. જેમાંથી અમુક નમૂનારૂપ કવિતો આ પ્રમાણે હતા.
જય જય જય જય સુલોક, મુખે બોલો ભાઇ,
બાબી બહાદૂરખાનના યશ, રહ્યા છે છવાઈ. જય જય.
આજનો ઉત્સાહ જુવો, ઢોલને શરણાઇ,
વાગે વિધવિધ પ્રકાર, લાગે સુખદાઇ, જય જય
લોકોના તો થોક સર્વે, ગયા છે ભરાઇ,
હર્ષ અતિ આ વર્ષ થયો, આવીરેલ બાઇ. જય જય
વેરાવળથી વાટ ચાલી, જેતલસર જોડાઇ,
તાર સાથ તાણતામાં, વાર થઇ ન કાંઇ, જયજય
આ અલભ્ય લાભ આજ, પ્રાપ્ત થયો ભાઇ,
તે તમામ કામમાં છે, વજીરની વડાઇ, જય જય
વજીર સાહેબ દીવાનસાહેબ, ભેગા મળી ભાઇ,
પ્રજા અર્થે કાર્યો કીધા, સાચવી સચાઇ, જય જય
વિદ્યા તણા દાન દેવા, કરી છે નવાઇ,
મોબત મદ્રેસા ઉઘાડી, ધન્ય વજીર ભાઇ, જય જય
દર્દીઓને દવા દેવા, ભરીછે દવાઇ
ઠામ ઠામ દવાશાળા, કરિ ખરી કમાઇ, જયજય
સદાવ્રત સાધુ સારૂ, રહ્યા છે પથરાઈ
જળાશયો જરૂર જુવો, ગયા છે ઉભરાઇ, જય જય
વિનતિ હરિદાસ કરે, ધ્રોડો સહુ ધાઈ
બાબી બહાદુરખાનને સૌ, પુષ્પ લ્યોવધાઇ, જય જય
આ કવિત ભંડુરીના વહીવટદાર હરિદાસ ગીગાભાઇએ રચ્યું હતું. આ કવિતામાં નવાબ બહાદુરખાનના શાસનમાં પ્રજાને મળેલ રેલવે, શિક્ષણ, દવાખાના, સદાવ્રતો, જળાશયો વગેરે જેવી અનેક સુવિધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથેસાથે વજીર બહાઉદ્દીનભાઇ અને દીવાન હરિદાસની પ્રમાણિકતા અને લોકહિતના કાર્યાના ગુણગાન ગાયા છે.
ધન્ય ધન્ય દિવસ આજનો ધન્ય, માસ ચૈતર ને ચહુ,
ધન્ય બાબી બહાદુરખાન માન, ગુણવાન વજીરને કહુ
ધન્ય કિર્તી દેશોદેશ પ્રસરી, નોક સાહિબથી લહુ,
અગ્નિરથે આબાદીસત્વર, થાઓ આશિષ એ દઉં.
ગુણવંતી ગાડી દીપતી, ગંભીરતાથી ચળકતી,
ભૂમિ ઉપર ભણકાર કરતી, ખળળ બોલે ખળકતી,
સુસવાટથી સુસવાટ નાસે, ચીસ પાડે ચમકતી,
ઘોંઘાટથી ઘમઘંટ દોડે, લટક ચાલે લટકતી.
હય, પોઠિ, હસ્તી, ઊંટ, રાસભ, ઠામ તે વપરાય છે,
અગ્નિરથે અસ્વારી કરતા, કોટિ રથ લજવાય છે.
મન માનતી થઇ ધારણા, પ્રવાસીથી વેદાય છે.
સાનંદ આનંદ મોજસુખ, અગ્નિરથે લેવાય છે.
બાબી થયો આ અજબ રથ તમ વડે બાદુરખાનજી,
વજીર બહાઉદ્દીનભાઇ મંત્રી, હરિદાસ વિહારીશ્રી,
વળિ રાય પુરૂષોત્તમ સહિત આ, રાજ મંડળ નામજી,
સૌરાષ્ટ્રમાં રથ અગ્નિ આણ્યો, થયાં સુંદર ધામજી.
આ ગીત ચોરવાડની શાળાના મહેતાજી જયશંકર મીઠાએ રચ્યું હતું [4] અને પ્રજાજનોમાં એક અનોખા પ્રકારનો આનંદ, ઉત્સાહ અને ઉમંગ ખરાદિલથી તેમાં વહેતો જોવા મળતો હતો.
કલંક બીનેકા ચંદા દેખો, બાબી બહાદુરખાં રાજદુલારે
જન નેન ઇંદીવર કમલ ખુદમે હે, અંધકાર નસ્યો જાકે ઉજીયારે
સબ જન જાકે આગે દીસતહે, માનો ચલકત સુંદર તારે
પ્રેમ સમુદ્રઆઇ ચઢ્યો જામે, ઉઠત તરંગમારત હીછાલે
એ કટક દેખત મિત્ર મંડળી, જાકે નેના માનો હેરી ચકોરી
બાવદીનભાઇ જાકી ભલાઇ, ગાઇ ગુનીજન જે હુશીઆરે.
હરિદાસ દીવાન બડા મતિમાન, રૈયત રાજા શુભકૃત્ય વિચારી.
જીયો જીયો બહાદુરખાં બહાદુર, ઐસે સભેરી આશીષ ઉચારો.
ઉપરોક્ત કવિત પ્રભાસ - પાટણ નિવાસી ભટ્ટજી કલ્યાણજીએ રચ્યું હતું. તેમાં તેમણે નવાબ બહાદુરખાનના રૂપ - ગુણનું વર્ણન કર્યું છે. તથા બહાઉદ્દીનભાઇ અને દીવાન હરિદાસની બુદ્ધિમત્તા અને ચતુરાઇના વખાણ કર્યા છે.
નવાબના પાયતખ્ત શહેર જૂનાગઢથી આ પ્રદેશો દૂરના અંતરે આવેલ હોવાથી અહિની પ્રજાને નવાબના દર્શનનો લાભ મળતો નહિ. પરંતુ તેઓ આ નવી શરૂ થયેલ પ્રથમ રેલવેમાં બેસી અહિં પધાર્યા તેથી લોકો દરેક સ્ટેશનોએ તેમને પુષ્પોથી વધાવે છે અને હર્ષ અનુભવે છે.
વેરાવળના કાઝી મહેમુદમીયાં કમાલુદ્દીન ઉર્દૂ ભાષામાં અને વેરાવળના ખેડુત વર્ગ તરફથી ગુલામરસુલ મ્હેઝુરે ફારસી ભાષામાં કવિતાઓ રજૂ કરી હતી.
તા. ૬-૫-૧૮૮૮ ના રોજ નવાબ સાહેબ અને વજીર તરફથી વેરાવળ અને પાટણની શાળાઓમાં બાળકોને મિઠાઇ અને ઇનામો વહેંચવામાં આવ્યા હતા.
ત્યારબાદ નવાબ બહાદુરખાન બે દિવસ શાહપુરમાં રોકાણ કરે છે. અને તા. ૧૦-૫-૧૮૮૮ ના રોજ સાંજના સાત વાગ્યે ટ્રેનમાં જૂનાગઢ સ્ટેશને પહોંચે છે જ્યાં તેમના સ્વાગત માટે સ્ટેશન પર બેન્ડ અને ગાર્ડ હાજર રખાયા હતા. આ રીતે જૂનાગઢથી વેરાવળની ટ્રેનની પ્રથમ સફર પૂર્ણ થઈ.
રેલવેની સુવિધા આપવા બદલ નવાબના સન્માનોઃ
તા. ૧૯-૧-૧૮૮૮ ને ગુરૂવારના દિવસે કાઠિયાવાડના પોલિટીકલ એજંટ ચાર્લ્સ વુડહાઉસની યાદગીરી જાળવવા રેલવે સ્ટેશન પાસે ‘વૂડ હાઉસ પુર’ ના ખાતમુહૂર્ત સમયે ભરાયેલ દરબારમાં ખાતમુહૂર્ત થયા પછી જૂનાગઢની પ્રજાને રેલવેની સુવિધા આપવા બદલ આભાર વ્યકત કરતુ માનપત્ર નવાબ બહાદુરખાનને અર્પણ કરવામાં આવ્યું. [5] સમસ્ત પ્રજા તરફથી આ માનપત્ર ત્ર્યમબકરાય ત્રીકમરાય મજુમદારે વાંચ્યુ હતુ.
આ માનપત્રમાં નવાબની પરોપકારી વૃત્તિ, પ્રજા તરફની પ્રીતિ તથા પ્રજાના હિત માટે લાખો રૂપિયા ખર્ચીને રેલવેની સુવિધા આપ્યાનું તથા રેલવેથી વેપાર, પ્રવાસ, વગેરે લાભો પ્રજાને મળવાના છે તે બદલ આભાર વ્યકત કર્યો હતો અને છેલ્લે આ મુસ્લિમ રાજ્યમાં હિંદુ પ્રજા ખૂબ સુખી છે એવું જણાવી પોતાની સ્વામીભક્તિનો પરિચય પ્રજાએ આપ્યો હતો.
ત્યારબાદ શહેરના સાદાત મૌલવીએ આપેલ માનપત્ર ( દુવાપત્ર ) મુનશી ખેરાત અલીખાન બંગસે ફારસીમાં વાંચી સંભળાવ્યું હતું . ગોસ્વામી મહારાજશ્રી તરફથી ખુદાવિંદ સરકારશ્રીને ઉપરણો, પ્રસાદ, બીડાં અને સંસ્કૃતમાં આશીર્વાદ પત્ર અર્પણ કરવામાં આવ્યું જે શાસ્ત્રી હરિદત્તે વાંચી સંભળાવ્યું.
ત્યારબાદ સ્વામીનારાયણ મંદિર તરફથી પ્રસાદ, ઉપરણા અને સંસ્કૃતમાં આશીર્વાદ પત્ર નવાબને અર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના જૈન શ્રાવકોના ગોરજી લાધાભાઇ તરફથી સંસ્કૃતમાં આશીર્વાદ પત્ર આપવામાં આવ્યું જેમાં તેમણે નવાબ અને બહાઉદ્દીન ભાઇએ રેલવે તથા ગિરનારની સડક સુધરાવીને જૈન લોકો તથા બીજા લોકોની યાત્રા માટે સુગમતા કરી આપ્યાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જૂનાગઢના નાગર બ્રાહ્મણોએ સંસ્કૃતમાં અને રેલવેના દેશી નોકરોએ અંગ્રેજીમાં માનપત્ર આપ્યું હતું.
છેલ્લે રામાનુજ સંપ્રદાયના આચાર્ય શ્રી કમલનયનજીનું સંસ્કૃત આશીર્વચન શિષ્યો દ્વારા સંભળાવવામાં આવ્યુ હતું.
આ માનપત્રો અને આશીર્વચનો વંચાઇ રહ્યા બાદ નવાબ સાહેબ વતી શાહજાદા એદલખાનજીએ ઉત્તર આપ્યો. જેમાં તેમણે જણાવ્યું કે, “ પ્રજાના સુખમાં જ તેમનું સુખ અને તમારી આબાદી અને ઉદ્યોગ એજ મારી દોલત છે.” રેલવેની સુવિધાથી વેપાર, વ્યવહાર, ઉદ્યોગોમાં વૃદ્ધિ થશે એવો વિશ્વાસ વ્યકત કર્યો અને રાજ્યમાં હિંદુ - મુસ્લિમ પ્રજા વચ્ચેના સુલેહ ભર્યા સબંધોથી પોતાને ગર્વ થયાનું જણાવે છે.
ઉપસંહાર :
દુનિયામાં જે રેલવે શરૂ થઇ અને જે પ્રમાણમાં ફેલાઇ તેના પ્રમાણમાં ટૂંક સમયમાં જ ભારતમાં અને સૌરાષ્ટ્રમાં રેલવે પહોંચી ગઇ હતી. અને બે - ચાર મહત્ત્વના રજવાડાઓએ રેલવેનો વિકાસ પણ સારો એવો કર્યો અને સૌરાષ્ટ્રમાં રેલવેની જાળ ફેલાવી દીધી. પરંતુ દુઃખની વાત એ છે કે, રાજાશાહીના કાળમાં જે રેલવેની સુવિધાઓ ઉભી થઇ હતી એમાંથી ઘણી બધી રેલવે લાઇનો આઝાદી બાદ બંધ પડી ગઇ અને રેલવેના પાટા પણ ઉખાડી લેવામાં આવ્યા અને માત્ર ઇતિહાસની ગવાહી આપતા ભેંકાર રેલવે સ્ટેશનો ઉભા છે. દા. ત. બગસરા, જસદણ, દેરડી, માણાવદર, સરાડિયા વગેરે ... જૂનાગઢના બાબી રાજયમાં જુદા જુદા પ્રસંગોએ ગીતો રચાયા હતા, આવા ગીતો રચનારને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હતા. હાલ તો ગુજરાતમાં મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રથમ વાર જુનાગઢના પ્રજાજનો એ ટ્રેન જોયા બાદ કેવી લાગણી અનુભવી એ અંગેનો ચિતાર આ ગીતો માથી સ્પષ્ટ મેળવી શકાય છે.
પાદનોંધ :