દર્શન પૂર્વે
તરલ થઈ વહેતી શ્રદ્ધા
એકાએક ઘન બની જાય છે,
દર્શન કરતાં પહેલાં જ મન પાવન થઈ જાય છે,
હશે શું આ શિલ્પીઓના હાથમાં જાદુ જેવું,
કે માત્ર પથ્થરથી જ ઊભું અહીં
ગોકુળ ને વૃંદાવન થઈ જાય છે,
શિલ્પથી ખચિત
આ નિતાંત સૌંદર્યો પીતાં નથી ધરાતું હૈયું,
સૌંદર્યની તરસનું
કેમ અહીં દ્વિગુણન થઈ જાય છે?
આવી હતી શ્રદ્ધાથી ઈશ સાથે અનુબંધન હેતુ,
ત્યાં આ કલાનું કેમ મહિમામંડન થઈ જાય છે,
શું ભક્તિથી પણ વધુ પ્રબળ છે આ કલા
તે ઈશથી પહેલાં
તેનું વર્ણન થઈ જાય છે...