Included in the UGC-CARE list (Group B Sr. No 172)

અધ્યયનનિષ્ઠ વિદ્યાવ્યાસંગીનો 'સ્વાધ્યાય'

તૈતરીય ઉપનિષદના દીક્ષાંત મંત્ર 'સ્વાધ્યાય પ્રવ્ચનાભ્યમ ન પ્રમાદિતવ્યં 'ને આજીવન અનુસરનાર બિપિન આશર અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિમાં ક્યારેય પ્રમાદ ન સેવનાર અધ્યાપક છે. સાતત્યપૂર્ણ રીતે વાચન-લેખનનાં કૌશલ્યને સંમાર્જિત કરતાં રહીને તેમણે સાડા ત્રણ દાયકાની સુદીર્ઘ અધ્યાપન કારકિર્દીમાં લગભગ એટલી જ સંખ્યામાં–પાંત્રીસેક જેટલાં પુસ્તકો પ્રગટ કરીને પોતાના વિદ્યા-વ્યાસંગનો પરિચય આપ્યો છે. ખંત અને ધૈર્યથી તેમણે ગુજરાતી ભાષા-સાહિત્યનાં અધ્યાપનની સમાંતરે પોતાની અભ્યાસશીલ વૃત્તિનો પડઘો સમયાન્તરે વિવેચન, સંપાદન અને સર્જનાત્મક પુસ્તકોનાં લેખન-પ્રકાશનથી પાડ્યો છે. તેમના પુસ્તકોમાંથી પસાર થતાં તેમની કેળવાયેલી સંસ્કારરુચિ તેમજ વિદ્યાનિષ્ઠ નિસબતના દર્શન થાય છે. કથા-સાહિત્યનું વિશેષ અનુશીલન-પરિશીલન કરતી તેમની વિવેચનપ્રવૃત્તિ આ સ્વરૂપો પ્રત્યેનો તેમનો વિશેષ લગાવ સૂચવી આપે છે. ખાસ કરીને આધુનિક ગુજરાતી વાર્તા-નવલકથા સાહિત્ય પ્રત્યેનું તેમનું સમભાવી વલણ ગુજરાતી વિવેચનની લાક્ષણિક પરિપાટી દર્શાવી આપે છે. બિપિન આશરના વિવેચનને સમગ્રતયા મૂલવવાનો અહીં આશય નથી. પરંતુ 'સ્વાધ્યાય' નામે વિવેચનગ્રંથને આધારે વિવેચક-અભ્યાસી પ્રો.બિપિન આશરની કેટલીક ખાસિયતો પ્રત્યે ઈંગિત કરવાનો અને 'સ્વાધ્યાય' ગ્રંથનું મૂલ્ય પ્રથાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ અહીં રાખ્યો છે.

'સ્વાધ્યાય' – બિપિન આશરનો ગદ્ય વિષયક વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. વર્ષ ૨૦૦૮માં પ્રકાશિત થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની પુસ્તક પ્રકાશન અનુદાન યોજના અંતર્ગત તેનું પ્રકાશન થયું છે. સંચયમાં કુલ તેર (૧૩) અભ્યાસલેખો સમાવિષ્ટ છે. બધાં જ લેખોમાંથી પસાર થતાં એક બાબત તરત જ ધ્યાનમાં આવે છે કે અહીં 'ગદ્ય'ને કેન્દ્રમાં રાખીને કૃતિ વિશેના સ્વાધ્યાય-અભ્યાસને રજૂ કર્યા છે. અહીં મુખ્યત્વે નિબંધ, ટૂંકીવાર્તા અને નવલકથા-સ્વરૂપોને લક્ષ્યમાં રાખીને બિપિન આશર ગદ્યની–સર્જનાત્મક ગદ્યની વિશેષતા અને ખાસ તો સર્જનકર્મને ચીંધી આપવાનો સાર્થક પ્રયાસ કરે છે. આ અભ્યાસલેખો વિવિધ નિમિત્તે વક્તવ્યના ઈજનથી તૈયાર કર્યા પછી લેખકે તેને સંમાર્જિત કરીને પુસ્તકમાં સ્થાન આપ્યું છે.

ધારીની કોલેજમાં ગુજરાતીનો અધ્યાપક સંઘ પ્રેરિત 'અધ્યાપક સજ્જતા શિબિર'માં રજૂ કરેલ અભ્યાસ લેખ " આધુનિક યુગનું ગદ્ય : ઈશ્વરની સૃષ્ટિ જેવું વૈવિધ્યસભર અને રમણીય' માં બિપિન આશર ગુજરાતી ભાષાનાં ચાર સમર્થ આધુનિક વાર્તાકારો સુરેશ જોશી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય અને કિશોર જાદવની કેટલીક વાર્તાઓના પ્રત્યક્ષ પ્રમાણો આપીને તેમની 'ગદ્યલીલા' ને ઉજાગર કરી આપે છે. આ વર્તાકારોના ગદ્યને તપાસવા-મૂલવવાના મહત્ત્વનાં માપદંડો પણ રચી આપે છે. ચારેય વાર્તાકારોના ગદ્યની કેવી આગવી વિશેષતા છે તે પણ સાફ રીતે દર્શાવી આપે છે. લેખના આરંભે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યા પછી તર્કબદ્ધ અને પ્રમાણભૂત રીતે ગદ્યમીમાંસા કરીને અંતમાં તારતમ્ય ઉપર આવતું તેમનું વિધાન નોંધવા જેવું છે:
"પ્રત્યેક વાર્તાકારોનું ગદ્ય તેમના વ્યક્તિત્વની છાપ ઉપસાવે તેવું આગવું અને અલાયદું છે. એક યુગના સર્જકથી તો બીજા યુગના સર્જકનું ગદ્ય જુદું પડે તે સ્વાભાવિક છે; પરંતુ એક જ યુગના બે સર્જકો કે એક જ સર્જકની બે કૃતિઓનાં ગદ્યમાં પણ ભિન્નતા જોવા મળે છે. ગદ્યની સૃષ્ટિ, ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ જેટલી જ વૈવિધ્યસભર અને રમણીય છે." (પરું. ૩૦, 'સ્વાધ્યાય')

વલ્લભ વિદ્યાનગરમાં યોજાયેલ 'અધ્યાપક સજ્જતા શિબિર'માં બિપિન આશર ગુજરાતી ભાષાના સશક્ત કથાસર્જક ચંદ્રકાન્ત બક્ષીના ગદ્યની વિશેષતાઓ પ્રમાણે છે. "બક્ષીનું ગદ્ય : ગુજરાતી ભાષામાં વિલક્ષણ ગદ્યોન્મેષ " નામે અભ્યાસલેખમાં દૃષ્ટાંતો સાથે ઓળખાવી આપે છે. બક્ષીના ગદ્યની વિશેષતા સૂચવતા બિપિન આશર લેખના આરંભે જ લખે છે :
"કોઈપણ પુરોગામી કે સમકાલીન સર્જકોનો પ્રભાવન ઝીલતું બક્ષીનું ગદ્ય જુદેરા જ માર્ગનું પ્રવાસી બન્યું છે. વિષયવસ્તુ અને વક્તવ્ય અનુસાર પ્રયોજેલી શૈલી, વક્તવ્યને સંતર્પક એવાં અરૂઢ અને હિન્દી, ઉર્દુ, અંગ્રેજી ભાષાના બેસુમાર શબ્દોવાળી વર્ણસંકર ભાષા; સ્થળ-વ્યક્તિ આદિના વર્ણનોમાં અનુભવાતી વાસ્તવલક્ષિતા, અનેરી વાકછટાઓ, વેધક-શિષ્ટ સમાજને આઘાત આપે તેવાં વિધાનો, ભારતીય સમાજના વિભિન્ન ક્ષેત્રોની ક્ષતિઓ પ્રતિ તીવ્ર કટાક્ષ શ્લેષત્વ, ઇન્દ્રિયસ્પર્શતાના ગુણવાળા અરૂઢ વર્ણનો,છૂટે હાથે ઉપયોગાયેલાં વિશેષણો-ક્રિયા વિશેષણો, ઉપમા-ઉત્પ્રક્ષાદિ અલંકારોમાં નાવીન્યસભર-વેધક ઉપમાનોનું આલેખન, જીવનના બહોળા અનુભવના નિચોડ સમી તાજગીભરી ચિંતન કંડિકાઓ, ક્યાંક હળવાશ તો ક્યાંક ગંભીરતાસભર શૈલી, અભિવ્યક્તિની વિભિન્ન અને આસ્વાદ્ય છટાઓ, વિવિધ પ્રકારનાં વર્ણનોમાં આવતો ઐતિહાસિક સંદર્ભ, પરંપરિત ગુજરાતી ભાષારચનાને તોડીફોડીને નવેસરથી જોડી તૈયાર કરેલી ભાષારચના- વગેરે બક્ષીના ગદ્યને નોખો-અનોખો રંગ આપે છે." (પૃ. ૩૧-૩૨, 'સ્વાધ્યાય')

બક્ષીના ગદ્યની તમામ નાની-મોટી લાક્ષણિકતાઓ ચીંધી આપીને આરંભે જ પૂર્વપક્ષ પ્રસ્થાપિત કરનાર બિપિન આશર પછી વિવિધ ઉદાહરણો આપીને કથા સર્જક ચંદ્રકાન્ત બક્ષીના ગદ્યની તપાસ કરે છે-મૂલવણી કરે છે.

પ્રથિતયશ કવિ 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના ગદ્યની લાક્ષણિકતાઓ ચીંધી આપતો લેખ "કલાપી'નું ગદ્ય : ગુજરાતી ગદ્યની રમ્ય કેડી" આ સંચયનો એક ધ્યાનપાત્ર લેખ છે. રાજકોટ મુકામે યોજાયેલ ગદ્ય વિષયક પરિસંવાદમાં રજૂ કરેલ લેખ અહીં છે. 'કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન'-પ્રવાસવૃત્તાંતને કેન્દ્રમાં રાખીને કલાપીના ગદ્યવિશેષોને અહીં ખોલી આપવાનો પ્રભાવક પ્રયાસ છે. ગ્રંથ અને ગ્રંથકારની ખાસિયતો સ્પષ્ટ કરતાં બિપિન આશર લખે છે:
"વિષયવસ્તુ અને વક્તવ્ય અનુસાર પ્રયોજાયેલી શૈલી,વક્તવ્યને સંતર્પક એવા અલંકારો, ભાવને ઘૂંટવા માટે એક જ વિશેષણનાં કરેલાં પુનરાવર્તનો, એક જ વર્ણ્ય વિષયને વિભિન્ન સ્વરૂપે મૂર્ત કરવા માટે પ્રયોજાયેલ વિવિધ ક્રિયાપદો, વક્તવ્યને સચોટ બનાવતાં એકમેકની પડખે ગોઠવાયેલાં ટૂંકા ટૂંકા વાક્યો,પ્રકૃતિનાં વર્ણનોમાં અનુભવાતી અનેરી લય છટાઓ, વિશિષ્ટ મુદ્રા પ્રાપ્ત કરતાં વિવક્ષિત ભાવ અને ભાષા, અભિવ્યક્તિની શિસ્ત જાળવતા શિષ્ટ શબ્દોના પ્રયોગો, કાવ્યાત્મકતા- આ સર્વે કલાપીના ગદ્યના રમણીય અને આસ્વાદ્ય અંશો છે." (પૃ. ૪૧, 'સ્વાધ્યાય')

અહીં પણ આલોચક બિપિન આશર ગદ્યતપાસનાં અભિગમ સાથે જ ગુજરાતી ભાષાના એક મહત્ત્વપૂર્ણ પ્રવાસગ્રંથની રમણીય ગદ્યલીલાને વ્યંજિત કરી આપી પોતાની સૂક્ષ્મ વિવેચનદૃષ્ટિનો પરિચય આપે છે.

ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત 'સરસ્વતીચંદ્ર ભાગ -૧', સુરેશ જોશીકૃત 'વર્તુળ'વાર્તા અને કલાપીકૃત 'કાશ્મીરનો પ્રવાસ'માંથી દીર્ઘવાકયને નમૂના તરીકે પસંદ કરી વિવેચક બિપિન આશર ભાષાવિજ્ઞાનનાં 'વાકયતંત્ર'ની આધારધરી રચીને અસરકારક વિસ્તારકવાક્યમાં પ્રગટ બનતી સર્જકતાને ઓળખાવે છે. આચાર્ય કુન્તક કથિત વક્રોક્તિના વાક્યવિન્યાસ અને વર્ણવિન્યાસ ભેદની જ જાણે સદૃષ્ટાંત ચર્ચા કરતાં હોય તેમ ગોવર્ધનરામ ત્રિપાઠી, સુરેશ જોશી અને કલાપીના ગદ્યની વિલક્ષણતાને ઉજાગર કરતો આ અભ્યાસલેખ બિપિન આશરની અભ્યાસ નિસબતનો પરિચય આપે છે સાથોસાથ નવાં અભ્યાસીઓ માટે દિશાદર્શક પણ બને છે.

'સ્વાધ્યાય' વિવેચનસંગ્રહમાં 'ગદ્ય' તપાસ જેમ કેન્દ્રમાં છે તેવી જ રીતે નિબંધ-ખાસ કરીને સર્જનાત્મક નિબંધના ગદ્યને વિવિધ પરિમાણો સમેત ઉકેલવાનો અભિગમ પણ નોંધપાત્ર છે. આઠમા-નવમા દાયકામાં પોતાના નિબંધસર્જનથી સહ્રદયી ભાવકોના પ્રીતિપાત્ર ઠરેલાં પ્રવીણ દરજીના 'બહુસ્યામ', 'પરિપ્રશ્ન' અને 'દેવોનું કાવ્ય'ની કૃતિસમીક્ષા સમદૃષ્ટિએ થઈ છે. પ્રવીણ દરજીના નિબંધલોકને ઉજાગર કરતી આ સમીક્ષાઓમાં સર્જનાત્મક ગદ્યની તરાહોને પ્રમાણોસહિત સ્વસ્થ અને સમતોલ સમીક્ષકની રીતભાતથી ઉપસાવી આપ્યાં છે. ભગવતીકુમાર શર્માના નિબંધસંગ્રહ 'પરવાળાની લિપિ' કે સુમન શાહના નિબંધોનો 'વસ્તુસંસાર' –બિપિન આશર માર્મિક રીતે ઓળખાવી આપે છે. અલબત્ત અહીં પણ કૃતિ સમીક્ષા કરતી વેળાનો એમનો મુખ્ય અભિગમ તો ગદ્ય ઉન્મેષોને જ તારવી આપવાનો રહ્યો છે. સમીક્ષકે આ નિબંધોની અને નિબંધકારની વિશેષતાઓને ગદ્યના પરિપ્રેક્ષ્યમાં જ ચર્ચી છે. સતીશ ડણાક જેવાં અલ્પખ્યાત સર્જકના નિબંધોને 'વનપર્વ' સંદર્ભે બિપિન આશર 'જીવનમૂલ્યોની માવજત કરતાં' નિબંધો તરીકે ઓળખાવે છે. વળી, વાર્તાકાર તરીકે જાણીતાં વિજય શાસ્ત્રીના નિબંધસંચય 'અમેરિકા : અલપઝલપ'ને "પ્રવાસનું વાસ્તવિક અને અનુભવજન્ય આલેખન" કહીને ઓળખાવે છે. આ બંને કૃતિઓની સમીક્ષા કરતી વખતે સમીક્ષકનો સ્વાધ્યાયી સ્વભાવ અને પ્રમાણિક પરિશ્રમ ધ્યાન ખેંચે છે.

કવિ ઉશનસ રચિત ઊર્મિસંવેદ્ય સ્મૃતિકથા 'સદ્દમાતાનો ખાંચો' વિશેની બિપિન આશરની આલોચના પણ પ્રભાવશાળી બની છે. "ભાવાત્મક અને સર્જનાત્મક ગદ્ય : સદ્દમાતાનો ખાંચો" શીર્ષકથી કૃતિના વિશેષો અને કથયિતવ્યને ખોલતાં જઈને સર્જનાત્મક ગદ્યની લીલાને પ્રમાણો સહિત ચર્ચવાનો સમીક્ષકનો સમભાવ અને સમદૃષ્ટિપૂર્ણ અભિગમ આ લેખને સમૃદ્ધ બનાવે છે. તળબોલીના શબ્દો, રૂઢિપ્રયોગો, અલંકારો તેમજ ભાવસ્થિતિઓ અને પરિસ્થિતિઓનું ભાવસભર વર્ણનથી શોભતું ગદ્ય 'ઉશનસ'ની સર્જકતાનો પરિચાયક બને છે તેવું સમીક્ષકનું નિરીક્ષણ મહત્ત્વનું બને છે. 'માય ડિયર જયુ'ની વાર્તા વિશેનો -"તળપદી ભાષાનાં જોમ અને જીવંતતાનું આસ્વાદ્ય દૃષ્ટાંત : 'ઓતીમા અરરર!"નો આસ્વાદ પણ સંતર્પક બન્યો છે. વાર્તારસની અનુભૂતિ કરાવવામાં તળબોલીનો સર્જનાત્મક વિનિયોગ કેવી સફળ-સબળ અભિવ્યક્તિ બની રહે તેની ચર્ચા અહીં ઉદાહરણો આપીને સમીક્ષકે કરી છે. ઉક્તિવૈચિત્ર્યને કારણે વાર્તામાં સાદ્યંત જળવાતું આશ્ચર્ય અને અંતે સિદ્ધ થતી ચમત્કૃતિને સમીક્ષક પોતાના આગવા અભિગમથી ખોલી આપે છે.

ગુજરાતી વિવેચનમાં કૃતિસમીક્ષાની જે પરિપાટી વિકસી છે તેમાં 'સ્વાધ્યાય' એક નોંધપાત્ર સંચય બન્યો છે. ગદ્યને જ કેન્દ્રમાં રાખીને કૃતિની વિલક્ષણતાઓ તારવી આપવાની નિસબત બિપિન આશરની અભ્યાસનિષ્ઠાનો પરિચય કરાવી આપે છે. સર્જનાત્મક ગદ્યને ઉકેલવાની નવીન રીતભાતો અને શાસ્ત્રીય આધારોની ફૂલગૂંથણી આ વિવેચનગ્રંથને પ્રમાણભૂત બનાવે છે. નવાં અભ્યાસીઓને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બને તેવો આ 'સ્વાધ્યાય'ગ્રંથ બિપિન આશરના વિદ્યાવ્યાસંગનું એક મૂલ્યવાન ફળ છે તેમ કહેવું ઉચિત ગણાશે.

ડો.વિપુલ પુરોહિત, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર. મોબા.૯૪૨૮૧૨૪૧૪૧ વોટ્સેપ : ૯૧૦૬૫૦૬૦૯૪ Mail: v13purohit@gmail.com