અવળવાણીમાં પ્રયોજન અને પ્રતીકાત્મકતા
કોઈપણ સમાજનો ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો એના અસલ-મૂળ સ્વરૂપે જે તે પ્રદેશની કંઠસ્થ પરંપરામાં જ જળવાયેલો હોય છે . એજ એની નોળવેલ હૉય છે. તેમ કોઈપણ રાષ્ટ્રની રાષ્ટ્રીયતાનું સાચું રૂપ એમાં સ્ંગ્રહાયેલુ હૉય છે એવું વિદ્વજનોના અભ્યાસનું તારણ છે. એટલે જ આજે મૌખિક પરંપરા વિષયક અધ્યયનો તરફ વિદ્વજનો અભિમુખ થતા જાય છે.
આવી મૌખિક પરંપરાથી રચાયેલું કેટલુય વાઙ્ગમય ગુજરાતી ભાષામાં પણ પડેલું છે, અને હશે. આજથી 200 વર્ષ પહેલાંના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો અને સ્ંપાદકોએ એમાંથી ઘણું મેળવી પણ આપ્યું છે. આવા અનેક પ્રકારના સ્વરૂપ અને વૈવિધ્યથી ભરપૂર સાહિત્યમાં સંતો તરફથી મૌખિક પરંપરાએ પ્રાપ્ત થયેલું સાહિત્ય પણ અઢળક છે.
ભારતીય સંતો પાસેથી ભજન, કીર્તન, થાળ, આરતી જેવા અનેક સ્વરૂપની રીતે પદ કાવ્યો પણ મળ્યાં છે. તેમ કેટલાકનું તો સ્વરૂપ જ નિશ્ચિત ન કરી શકાય એવા અર્થાત એકથી વધુ સ્વરૂપ અને વિષયને સ્પર્શતું સ્વરૂપ પણ મળે છે. તેમાનું એક એટલે અવળવાણી.
ભારતીય વાઙ્ગમયમાં અવળવાણી પ્રકારનાં શૈલી સ્વરૂપ છેક પ્રાચીનકાળથી અનેકવિધ રીતે ખેડાતાં આવ્યાં છે, જેમાં કૂટકાવ્ય, સમસ્યા, પ્રહેલિકા, ઉખાણાં, હરિયાળી વગેરે ગણાવી શકાય. તેના વિવિધ ભાષામાં જુદા જુદા નામ હોઇ શકે. શ્રી રાવજી રોકડ કહે છે તેમ “અવળવાણી શૈલીની પરંપરા ઋગ્વેદથી જન્મી, ઉપનિષદોનું સરક્ષણ પામી, પાલિ- પ્રાકૃત –અપભ્રંશ વગેરે ભાષાઓનાં મુખ્ય મથકોનું તીર્થાટન કરતી કરતી, યુગના સામાજિક, ઇતિહાસ, અને આધ્યાત્મિક સત્યને પોતાનામાં સમાવીને ગોરખનાથના સમયમાં ‘ઉલ્ટીચર્યા’ રૂપે પરીવર્તન પામી, સાધનાશ્રયી, પ્રતીકજીવી, વિરોધ ગર્ભિત એવી આ ગૂઢવાણી ભારતીય લોક સંતો દ્વારા આખાયે ભારતમાં પોતાની મહેક પાથરે છે.” [1]
આ પ્રકારની વાણી રચવા પાછળના કર્તાના પ્રયોજન અને કર્તાની પ્રતિભાજન્ય વિદગ્ધતાને ધ્યાનમાં રાખી અવળવાણી રચનાઓને પ્રયોજન અને સ્વરૂપ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે.
અવળવાણી રચનાઓના ભાવબોધમાં પ્રત્યવાય કોઈ તત્વ હોય તો તે છે તેમાં પ્રયોજેલ અસંબધ્ધ પ્રતિકાત્મકતા. કારણકે અવળવાણીનું રચના કૌશલ પ્રતીકધર્મી છે. તેની શરીર રચના જ પ્રતીકાત્મક છે. એટલે કે તેનું સમગ્ર કલેવર જ પ્રતીક પર નિર્ભર છે. વળી આ પ્રતીક યોજના અસંબધ્ધ હોવાથી ભાવક માટે દુર્બોધ બની રહે છે. પરિણામે ભાવક જ્યાં સુધી પ્રયોક્તાએ પ્રયોજેલ પ્રતીક અને તેમાં આરોપીત અર્થને આત્મસાત નથી કરતો ત્યાં સુધી રચનાના ગૂઢાર્થને પામી શકતો નથી. તો વળી તેમાં વપરાયેલ શબ્દ શબ્દકોષમાં આપેલા અર્થ મુજબની અર્થછાયાને ઉલ્લંઘી ગુરુએ આપેલી સાન પ્રમાણેની અર્થછાયા ધરાવે છે.
ભાવાભિવ્યક્તિ એ જીવનની સ્વાભાવિક પ્રવૃતિ છે. ભાષાએ ભાવાભિવ્યક્તિનું માધ્યમ છે અને શબ્દો તેનું ઉપાદાન છે. સર્જક માત્ર પોતાની ભાવાભિવ્યક્તિ માટે ભાષાની અભિધા વગેરે શક્તિઓનો સાધન તરીકે ઉપયોગ કરી પોતાની અનુભૂતિઓને વ્યક્ત કરે છે. પરંતુ ક્યારેક ભાવોની ગહનતાને વ્યક્ત કરવામાં ભાષાની મર્યાદાઓ નડે છે. ગહન કે જટિલ ભાવોની ઉત્કટ અભિવ્યક્તિ માટે ભાષા અશક્ત બની જાય છે ત્યારે સર્જક ભાષાની વિશિષ્ટ એવી પ્રતીકાત્મક શૈલીથી કામ પાર પાડે છે. તેમાં ય સંત સર્જકોની મુશ્કેલી થોડી વધુ હોય છે. કારણ સંત એ પ્રથમ સાધક અને પછી સર્જક હૉય છે. તેનું સાધ્ય કવિતા નથી પણ સાધનાજન્ય અનુભૂતિ છે. પોતાની એ સાધનાજન્ય અનુભૂતિને સર્વવ્યાપક બનાવવા તેણે વ્યવહારની વાણીથી ઉફરાં થવું પડે છે. ‘નૈવ વાચા ન મનસા પ્રાપ્તુ શક્યો ન ચક્ષુસ:’ એવા ભાવોની અભિવ્યક્તિ સંકેતાત્મક ભાષાના સહારે વ્યક્ત કરે છે. તો વળી પોતાની અનુભૂતિની સિધ્ધી કે રહસ્ય મૂલ્યવાન હોઇ તેની પવિત્રતા, મૂલ્યતા કે ગુપ્તતા જાળવવા માટે તે યોગ્ય પાત્રને જ સમજાય તે માટે સંકેતાત્મક વાણી અનિવાર્ય બને છે.
આમ સંત કવિ પોતાના ગહન અને સૂક્ષ્મ ભાવોને અભિવ્યક્ત કરવા ભાષાના વ્યાવહારિક માળખાને પરહારિ ભાષાને યૌગિક પરિભાષામાં કોડ કરી પ્રતીકોના સહારે, પ્રતીકોને પણ તેના મૂળ અર્થથી વિચ્છેદી ભાવાભિવ્યક્તિ સાધે છે. એટલે કે ગૂઢાર્થભરી પારિભાષિક શબ્દાવલી દ્વારા વિશિષ્ટ એવી અવળવાણીનો સહારો લે છે.
અવળવાણીને અર્થની દ્રષ્ટિએ પણ આપણે ત્યાં આ જ અર્થમાં સમજાવાઈ છે. જેમકે ‘ભગવદ ગોમંડળ’માં અવળવાણીના પાંચ અર્થ દર્શાવ્યા છે. તેમાં એક છે “ વાચ્યાર્થથી ઉલટા અર્થવાળી વાણી : ગૂઢવાણી” [2] તો સંત સાહિત્ય શબ્દકોષમાં જેઠાલાલ ત્રિવેદી ‘અવળવાણી’ નો શબ્દાર્થ સમજાવતાં લખે છે. ‘અવળવાણી’ (સ્ત્રી ) જ્ઞાનની અને ઈશ્વરની વાતો ગૂઢ અને રહસ્યમય છે. એ સાદી વાણીમાં વર્ણવી શકાતી નથી. ત્યાં વાણી પાછી પડે છે. આથી સંત કવિઓ આવા અનુભવ – રહસ્યોને પ્રગટ કરવા માટે વિલક્ષણ –પ્રતીકાત્મક વાણીનો પ્રયોગ કરે છે. એમ કરતાં વિરોધાભાષી ભાષા પ્રયોજવી પડે છે. એ વાણીમાં વાચ્યાર્થથી અવળો- ઊલટો, રહસ્યમય અર્થ અભિપ્રેત હૉય છે. જે મંથન કરનારને જ પ્રાપ્ત થાય છે. [3]
અવળવાણીના સંદર્ભો અને અર્થોને સાંકળતી શ્રી રાવજી રોકડે આપેલી વ્યાખ્યા ઘણું બધુ સ્પષ્ટ કરે છે. “અવળવાણીએ સંતવાણીની એક વિશિષ્ટ શૈલી છે કે જેમાં સંત કવિ પોતાના સાધનાકીય રહસ્યને ગોપિત રાખવા, અસંબધ્ધ ઉપમાનો દ્વારા વાણીથી પર એવી સ્વસંવેધ અસીમ અલૌકીક અને અનિવર્ચનીય અનૂભૂતિને સાંકેતિક રીતે વ્યક્ત કરે છે. અભિધાગત સ્તરે તેનો અર્થ અસંગત, અતાર્કિક અને અસ્વીકાર્ય લાગે પરંતુ તેનો પ્રતીકાર્થ સ્પષ્ટ થતાં વિવક્ષિત ગૂઢાર્થને ખોલી આપે છે.” [4]
આમતો ઉપરની વિગતોમાં (અવળવાણીના અર્થ અને વ્યાખ્યામાં) તેની રચનાનો હેતુ કે પ્રયોજન પણ ઉઘડયાં છે. છતાં આ પ્રકારની અવળવાણીની રચનાના કેટલાંક પ્રયોજન પણ સ્પષ્ટ રીતે ગણાવી શકાય તેમ છે. તેમાં સૌપ્રથમ આવે છે અભિવ્યક્તિગત સમસ્યાનું સમાધાન – સામાન્ય વ્યવહારની ભાષા ગહન અને જટિલ ભાવોની અભિવ્યક્તિ માટે અસમર્થ બને ત્યારે એ ભાવોનું પ્રત્યાયન કરાવવા આવી ભાષા અને શૈલીનો આધાર લેવાય છે. એ માટે ખાસ કરીને સંતો પોતાની અલૌકિક અને અતિસૂક્ષ્મ અનુભૂતિને અવગત કરાવવા વિવિધ સાધનાધારાઓની પરંપરિત ગૂઢાર્થભરી પારિભાષિક શબ્દાવલી અને પ્રતીકધર્મી અવળવાણીનો આધાર લે છે. અને તેમ અવળવાણી દ્વારા અભિવ્યક્તિગત સમસ્યાનું સમાધાન શોધે છે. આ શૈલીનું બીજું મહત્વનુ પ્રયોજન છે - રહસ્યને ગુપ્ત રાખવાની પરંપરા . વિદ્યાની પવિત્રતા અને અધિકાર ભેદવાદ કે ગુરુવાદને સાચવવા સાધનાત્મક એવી સંકેતાત્મક વાણી પ્રયોજવાની પરંપરા જૂની પૂરાણી છે. તેનું કારણ રહસ્ય ઉદઘાટિત કે પ્રકટ વિદ્યા પ્રભાવહીન કે નિસ્તેજ બની જવાની સંભાવના છે. વળી તે ગુપ્ત –વિદ્યા પાત્રતા ન ધરાવતા વ્યક્તિના હાથમાં આવે તો તેનો દૂરુપયોગથવાની સંભાવના અર્થાત તેના અનર્થો સર્જાવાની સંભાવના રહે છે. આવા કારણોસર જ ગૂઢ –ગુપ્ત વિદ્યા લોક સંતો દ્વારા અવળવાણી સ્વરૂપે સ્વીકૃતિ પામી અને આગળ વધી.
માનવ મન સાદી સીધી કે સરળ વાત પ્રત્યે સ્વાભાવિક રીતે તરત જ અભિમુખ થતું નથી. પરંતુ જો એજ વાત અભિવ્યક્તિગત કે રચનાગત રીતે વિચિત્ર રીતે કહેવાય તો તે નોંધપાત્ર બને છે. શ્રોતાઓ કે શિષ્યોમાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસ પ્રગટાવવા સર્જક કૂતૂહલ કે અદભૂત પ્રધાન રચનાકૌશલ કે વક્ર શૈલીના કીમિયાનો ઉપયોગ કરી પોતાના વિચાર ભાવ તરફ ધ્યાન આકર્ષિત કરે છે. અવળવાણીનો સર્જક પોતાને પ્રાપ્ત મર્મને અસંબધ્ધ કથનો અને વિરોધ મૂલક પ્રતીકો દ્વારા અભિવ્યક્તિ કરે છે અને એ દવારા પરાશક્તિ પ્રત્યે શ્રધ્ધા કે વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે. આમ પરાશક્તિ પ્રત્યે વિષવાસ પ્રગટાવવોએ પણ એક પ્રયોજન છે.
અવળવાણીના સર્જક સંતો છે. એ પહેલાં સાધક છે અને પછી સર્જક. એ રીતે સાધના થકી પોતાની અલૌકિક અનુભૂતિને ભાવક સુધી પહોંચાડવા તેનામાં સમસંવેદન જગાડવા ભાષાની રૂઢિગત પરંપરાના ચીલાને ચાતરી વિશિષ્ટ શૈલી પ્રયોજે છે ત્યારે તેનું પ્રયોજન સમસંવેદન જગાડવાનું ગણાવી શકાય.
વિશેષ વાંચન વડે ઘણું બધુ જ્ઞાન મેળવી શકાય પણ કેટલૂક જ્ઞાનતો આત્મસૂઝ કે આત્મચેતના વડે જ પ્રાપ્ત થઈ શકે જેમ કે બ્રહ્મજ્ઞાન- તત્વજ્ઞાન. જેને પરાવિદ્યા કહેવાય છે. વાચિક જ્ઞાન વડે વાચક ભ્રમિત થઈ શકે અથવા મૂળ મર્મથી અજાણ રહી શકે. તેમ પોતાના એ જ્ઞાનનું અભિમાન પણ આવી શકે. જેના કારણે એ લક્ષ સુધી પહોંચી ન શકે. આમ પણ આપણે ત્યાં ‘પોથી પંડિત’ એવા રૂઢિપ્રયોગથી અનુભવજન્ય જ્ઞાનને મહત્વ અપાયું છે. ત્યારે વાચિકજ્ઞાન-અપરાવિદ્યા કરતાં પરાવિદ્યાના જ્ઞાનને ચડિયાતું બતાવવા અને પાંડિત્યના ગર્વને હણવા માટે પણ અવળવાણીનો ઉપયોગ થયો છે.
સાધનાના પંથે આગળા વધેલ સાધકની બ્રહમાનુભૂતિ અલૌકિક જ હૉય છે. તે વ્યવહાર જગતના સત્યથી જુદી હોય છે. એટલે અવળવાણીના પ્રયોક્તા પોતાની સાધનાકીય ક્ષમતાને પ્રસ્થાપિત કરવા અને પરમ તત્વની પ્રાપ્તિનું પ્રમાણ આપવા લોક રૂઢિનું ઉલ્લંઘન કરી રચના કરે છે.
કેટલાક સંતોએ પરંપરાને સ્થાપવા માટે પોતાના ગુરુ કે પૂરોગામીઓની શૈલી અને રૂઢિનું અનુકરણ કર્યું હોય તેવું પણ અવળવાણીના સર્જનમાં જોવા મળે છે. જ્યાં આવું બન્યું છે ત્યાં ક્યારેક વિશિષ્ટતા કે વિદગ્ધતા ઓછીને લોલમાં લોલ વધુ જોવા મળે છે.
લોક સંતો દ્વારા પ્રયુક્ત, વિરોધમૂલક – પ્રતીકધર્મી અવળવાણી પદ રચનાઓએ ભારતીય આધ્યાત્મ સંસ્કારોને ઘડવામાં વિશેષ યોગદાન આપ્યું છે. આ રચનાઓના માધ્યમ વડે જ સંતોએ ધ્યાન –યોગ, પિંડ શોધનની ક્રિયાઓ, સાંપ્રદાયિક અને સાધનાજન્ય અનુભવોને સાકાર રૂપ આપ્યું છે. તેમ જ નૂતન પ્રયોગ-પ્રતીક વડે પોતાની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિનો પરિચય કરાવ્યો છે.
અવળવાણીમાં અનેક પ્રકારના વિષય અને નિરૂપણ શૈલી વડે પ્રતીકાત્મકતા પ્રગટે છે. તે મુજબ તેને વિષય પ્રમાણે ( સાધના વિષયક, માયાવિષયક, ગુરુ મહિમા વિષયક, ઉપદેશ વિષયક, શિષ્યની કસોટી વિષયક, વૈરાગ્ય વિષયક, સિદ્ધિ વિષયક) અને શૈલી પ્રમાણે ( વિરોધ મૂલક, વિધિવિધાન મૂલકવિપર્યાસ, સ્વભાવ મૂલક વિપર્યાસ, સાદ્શ્યમૂલક, ગૂઢાર્થ મૂલક, પ્રયોજન મૂલક, સાધનાકીય અભિવ્યક્તિ મૂલક, આશ્ચર્ય મૂલક ) વર્ગીકૃત કરી શકાય.
આપણે અહી શ્રી રાવજી રોકડે તેમના ગ્રંથ ‘ભારતના મહાન સંતોની અવળવાણી સ્વરૂપ અને સાહિત્ય‘માં નિરૂપિત ધીરા ભગતની જાણીતી રચનાની પ્રતીકાત્મકતાને પીછાણીએ .
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાફીઓથી ખ્યાત બનેલા ધીરા ભગત આત્મસૂઝ અને સાધનાજન્ય અનુભૂતિથી છલોછલ હતા. એમની પાસેથી આપણને સંખ્યા અને સત્વની દ્રષ્ટિએ સર્વોત્તમ અવળવાણીઓ પ્રાપ્ત થઈ છે. તેમ તેમાંથી આપણને નવ્ય પ્રતીકો પણ સાંપડ્યા છે. તેમના સર્જનમાં પરંપરાગત પ્રતીકોને નવ્ય અર્થો વડે પણ પ્રયોજાયેલા અનુભવાય છે. તેમની આ રચના ભાગ્યે જ કોઈ સહૃદય ભાવકથી અજાણી હશે ?
“અલખ લ્હે લાગી રે"
‘અલખ લ્હે લાગી રે, જાગીને જોયું ઘટમાં ;
ભ્રમણા સર્વે ભાગી રે, સુહાગી મળ્યા ઊલટમાં.
અંબાડીએ ગજરાજને ગળિયો, ઘોડાને ગળી ગયું જીન,
વસ્ત્ર ઉપરતો વાડ સુકાણી, સમુંદરને ગળી ગયું ફીણ.
સસલે સિંહને ઘેરયો રે, શાર્દૂલને રાખ્યો પેટમાં,
આંબાની ડાળે નારિયેળ વળગ્યાં, કદળીએ કેરીની લૂમ.
નાગરવેલે તો દ્રાક્ષ બીજોરાં, શોભા બની છે ખૂબ,
ગગન દોહયો ઘટમાં રે, તેનાં દૂધ પીધાં સટમાં.
પાવક વરસે પથ્થર ભીંજે, થઈ ગયું ચોદિશ પાણી,
એ પાણીમાં દેવી દેવતા ડૂબ્યાં, રાજા રંક ને રાણી.
બ્રહ્મા વિષ્ણુ શિવ ડૂબ્યા રે, જોગી ડૂબ્યા ઝપટમાં,
જનક દેશના વાસી વિરલા, ગોરખ દત કબીર.
એ જ દેશના વાસી શુકજી, દાદુ ધીરો સધીર,
જીવનમુક્તિ નિત્ય માણે રે, એના મન રૂપી મઠમાં.’
ભાવાર્થ :
આત્મજ્ઞાની ધીરો કહે છે – જાગૃત થઈને અંત: કરણમાં જોયું તો ‘અલખ લ્હે લાગી ‘ એટલે કે પરમાત્માને પામવાની લગની લાગી. પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઊપજી અને મારી તમામ પ્રકારની ભ્રાંતિઓ ભાંગી ગઈ. ભ્રાંતિઓ દૂર થતાં જે સત્ય સમજાયું તે કે માયારૂપી અંબાડીએ જ બ્રહમરૂપ ગજરાજને ગ્રહી લીધો છે. અને એવી જ રીતે આત્મરૂપ ઘોડાને મનરૂપી જીન ગળીને બેઠું છે. અજ્ઞાનરૂપી વસ્ત્ર (બાહય આડંબર ) ઉપર બ્રહ્મ વિચારરૂપ વાડ સૂકાણી હોય એવું મને દેખાય છે. બ્રહ્મ રૂપી સમુદ્રને પ્રપંચ રૂપી ફીણ ગળી ગયું હોય એમ મને પ્રતીત થાય છે. માણસ રૂપી સસલાએ આત્મરૂપ સિંહને ઘેર્યો છે અને જીવાત્મા રૂપ વાઘને બગલ કે પડખામાં રાખ્યો છે.
યોગ- સાધના પૂર્વે માણસના શરીર અંતર્ગત સદવૃતિઓ ઉપર અસદવૃતિઓનો કેવો પ્રભાવ વાર્તાતો હૉય છે તેનો સમ્યક ચિતાર આપ્યા બાદ, ધીરો ભગત આ જ વૃતિઓમાં સિદ્ધાવસ્થા બાદ કેવું આશ્ચર્યજનક પરિવર્તન આવે છે, તેનો ચિતાર આપતાં કહે છે – ‘આંબાની ડાળે નારિયેળ વળગ્યાં, કદળીએ કેરીની લૂમ.’ એટલે કે સંસાર રૂપી આંબાની ડાળે શુભ –શુકનવંતા નાળિયેર રૂપ વિવેકના ફળ લાગ્યા છે અને દૈવી સંપતિરૂપ કેળાના વૃક્ષમાં આમ્રફળ લાગ્યા છે. સુષમ્ણા રૂપ નાગરવેલને પણ કલ્યાણકારી ફળ લાગ્યા છે. આ બધુ એવી રીતે શોભી રહ્યું છે કે એની શોભાનો કોઈ પાર નથી.
આવી ગહન એટલે બ્રહમાનુભૂતિને અભિવ્યક્ત કરતાં ધીરો ભગત કહે છે- ગગન દોહયો ઘટમાં રે, તેનાં દૂધ પીધાં સટમાં.’ એના અમૃતમય દૂધનું પાન કરતાં હવે સારાયે પીંડમાં બ્રહ્મરૂપી જ્ઞાનાગ્નિની વર્ષા થઈ રહી છે અને વાસનાઓથી દ્રઢ પથ્થરરૂપી દેહ ભીંજાઇ રહ્યો છે. અર્થાત જ્ઞાનગ્નિમાં વાસનાઓ બળીને ભસ્મ થઈ ગઈ છે. પરિણામે સર્વત્ર આનંદરૂપ જળ છવાઈ ગયું છે. અવળવાણી અંતર્ગત પાણીનો એક અર્થ મૂળમાયા તરીકે પણ કરાયો છે. આ મૂળમાયા પોતેજ બ્રહ્મરૂપ કે દિવ્યાનંદરૂપ છે. સર્વોત્તમ એવા આ આનંદરૂપ દિવ્યાલોકમાં દેવો, રાજા-રંક અને રાણી બધા જ ડૂબી ગયાં. એટલું જ નહી યોગીઓ પણ ઝડપથી આ દિવ્ય જલલોકમાં ડૂબી આનંદ માણવા લાગ્યા. એટલે આનંદરૂપ બની ગયા.
જે દિવ્ય લોકના વાસી દેવતાઓ બન્યા છે એ જ લોકના વાસી ગોરખ, કબીર, શુકદેવ, દાદૂ અને ધીરો છે. આવા આનંદલોક કે સ્વ-રૂપમાં વસનારા આ સંતો નિત્ય જીવનમુક્તિનો આનંદ માણે છે.
આપણે સૌ એ બાબતથી સુવિદિત છીએ કે માનવ જીવનની સ્વાભાવિક પ્રવૃતિ એવી ભાવભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ ભાષા છે. છતાં ભાવોની સંકુલતા કે ઊંડાણ ભાષાની અભિવ્યક્તિ ક્ષમતાને પાંગળી પૂરવાર કરી શકે છે. આવા સમયે સર્જક પોતાના ભાવોના પ્રત્યાયન માટે પ્રતીકોનો આશરો લે છે. આપણે એ પણ સમજીએ છીએ કે પ્રતીકો એ સાંકેતિક અભિવ્યંજનાગત શૈલીનું પ્રધાન અંગ છે અને તેનું કામ અમૂર્ત, અગોચર અને અગ્રાહ્યને મૂર્ત, ગોચર અને ગ્રાહ્ય બનાવવાનું છે. બાહ્ય જગત અને આંતરિક જગતના ભેદને ઉકેલવા કે આલેખવા પરિચિત વિશ્વના પ્રતીકોનો આધાર તારણહાર બને છે. મનુષ્યના સંકૂલ એવા ભાવો કે લાગણીઓને પ્રતીકાત્મક શૈલી દ્વારા જેટલી સરળ, સહજ રીતે અભિવ્યક્ત કરી શકાય છે તેટલી સરળ –સહજ અન્ય કોઈ રીતે પ્રગટ કરી શકાતા નથી.
પ્રતીકનું ક્ષેત્ર માત્ર ભાષાકીય અભિવ્યક્તિ પૂરતું સીમિત નથી પરંતુ વિશ્વવ્યાપી છે. જગતના તમામ ક્ષેત્રો – કલા, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સમાજ, રાજનીતિ, દર્શન વગેરેમાં પ્રતીકોનો વિનિયોગ જોવા મળે છે. વાસ્તુ- શિલ્પકલા, દેવાલયો, મૂર્તિઓ, ધર્મગ્રંથ, ધાર્મિક અનુષ્ઠાન, મંત્ર-તંત્ર, યજ્ઞ-યાગ, પૂજા-પાઠ, સ્વપ્ન, શુકન- અપશુકન વગેરે સંબંધી ચિહ્નો પણ પોતાની સાંકેતિકતાને કારણે પ્રતીકો જ છે. વ્યક્તિથી માંડી સમષ્ટિ સુધી વ્યાપ્ત એવા પ્રતીકોની ઉદાત પરંપરા છેક વૈદિક કાળથી અવિરતપણે વહેતી આવી છે. તે પરંપરામાંથી જ સંતોએ અવળવાણીમાં પ્રતીકો પ્રયોજયા હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ પ્રતીક યોજના અસંબદ્ધ હોવાથી ભાવક માટે દુર્બોધ બની રહે છે. એટલે કે તેનો બોધ કે આરોપિત અર્થ ભાવકને આત્મસાત થવો મુશ્કેલ છે. અવળવાણીમાં પ્રયોજેલ શબ્દ શબ્દકોષમાં આપેલ અર્થ મુજબની અર્થછાયા પ્રગટાવતો નથી પણ ગુરુએ આપેલી સાન પ્રમાણે અર્થછાયા પ્રગટાવે છે. એટલે કે અવળવાણીમાં પ્રયોજેલ શબ્દ ગુરુમુખી હૉય છે. તેના અર્થ પરંપરા સાથે જોડાયેલ હૉય છે. આવા પ્રતીકાત્મક અર્થ પ્રગટાવતા શબ્દોની મોટી સૂચિ અને સંદર્ભો શ્રી રવજી રોકડના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.
સંદર્ભ :