લઘુકથા
મમ્મી-પપ્પા
બપોરે જમી પરવારીને નેહા સીરીયલ જોઈ રહી હતી અને અચાનક જ નેહાનો મોબાઈલ ફોન રણકે છે. ફોન એના પતિદેવ આશિષનો હતો.
સામે છેડેથી આશિષ બોલી રહ્યો હતો, “હેલ્લો નેહા, આજે મમ્મી અને પપ્પા આવી રહ્યા છે અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતરી ગયા છે. તું એમના માટે જમવાનું તૈયાર રાખજે.” આટલું કહીને આશિષ ફોન મૂકી દે છે.
આ બાજુ નેહાનો તો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે. જેમફાવે તેમ તે આશિષના મમ્મી-પપ્પા વિશે બડબડવા લાગે છે, “સમય જોઈને તો આવવું પડે ને, કાંઈ ભાન તો પડતી નથી અને આવવાનું જ હતું તો અગાઉ ફોન તો કરવો જોઈતો હતો ને ? મારે હવે ડબલ હજામત કરવાની ? – આટલું બબડીને નેહા તો લમણે હાથ મૂકીને સોફા પર બેસી પડે છે.
પાંચેક મિનિટ બાદ નેહા ફટાફટ રસોડામાં જઈને રસોઈ-કામ હાથ પર લે છે. રસોઈ કરતાં કરતાં પણ નેહાનુ બબડવાનું તો ચાલુ જ હતું.
“...... .. .. આજ તો એવી રસોઈ બનાવવી છે કે બીજી વાર માંગે જ નહીં. ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી બધી બાળી નાંખી. આજ તો આ જ રોટલી મારી સાસુને ખવડાવવી છે. બીજી વાર રોટ બટાકાના શાકમાં પણ મરચું વધારે પડી ગયું.(પાડવામાં આવ્યું) ખબર નહીં નેહા પોતાના સાસુ સસરા સાથે કયા જન્મનું વેર વાળી રહી હતી ?
ફ્રિજમાં પડેલા વાસી ગુલાબજાંબુ આપવાનું પણ નેહાએ નક્કી કરી રાખ્યું હતું. ભલે ગમે તેવી ગરમીમાં આવે તો પણ એ.સી.ચાલુ તો નહીં જ કરવા દઉં. કહી દઇશ કે બગડી ગયું છે. રિમૉન્ટ જ સંતાડી દઇશ. સાસુ-સસરાને ભગાડવાના બધા જ રસ્તાઓ નેહાએ વિચારી રાખ્યા હતા.
અને ડોરબેલ વાગે છે. નેહાને તો દરવાજો ખોલવો જ નહોતો. એટલે બે-ત્રણ ડોરબેલ વાગી પછી ઉઘાડયો.
.
.
.
અંતે નેહાએ દરવાજો ઉઘાડયો. દરવાજો ઉઘડતા જ નેહા તો આશ્ચર્યચકિત જ થઈ ગઈ. એની આંખો પહોળી ને પહોળી જ રહી ગઈ.
.
.
.
કારણ કે ....
.
આશિષ એના મમ્મી-પપ્પા સાથે નહીં પણ નેહાના મમ્મી-પપ્પા સાથે ઊભો હતો.