નારીવાદી વિચારધારાનું બાઇબલ - અ રૂમ ઓફ વન્સ ઓન
એડલીન વર્જિનિયા વુલ્ફ ૨૦મી સદીના ખ્યાતનામ અને પ્રતિભાશાળી અંગ્રેજી સર્જક ગણાય છે. તેમનો જન્મ ૨૫મી જાન્યુઆરી ૧૮૮૨ ના રોજ લંડનમાં સાઉથ કેનિસ્ગ્ટન માં એક સમૃદ્ધ ઘરમાં થયો હતો. માતાનું નામ જુલિયા અને પિતાનું નામ લેસ્લી સ્ટીફન હતું. વુલ્ફના કુટુંબના છોકરાઓએ કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. જયારે છોકરીઓ અંગ્રેજી ક્લાસિક્સ અને વિક્ટોરિયા સાહિત્ય ઘરમાં જ ભણતી હતી. ઘરમાં સતત રહેતી વિદ્વાનોની આવન-જાવને તેમને ભણવા અને લખવા તરફ પ્રેર્યા. ઉનાળાના દિવસોમાં રજાઓ ગાળવા તે કોર્નવાલ જતાં. ત્યાં તેમણે સૌપ્રથમ ગોડ્રેવી લાઇટહાઉસ જોયું ને તેની સ્મૃર્તિમાં તેમણે એક સુંદર રચના આપી “ ટુ ધ લાઇટહાઉસ” (૧૯૨૭). માત્ર ૧૩ વર્ષની કાચી વયે અકસ્માતમાં માતાને ગુમાવી અને ત્યાર પછી બે જ વર્ષમાં પિતા અને બહેનને ગુમાવનાર વર્જિનિયા સ્વજનોની આકરી ને અણધારી વિદાયથી ભાંગી પડે છે. તે દુખ અને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલાતાં જાય છે. આ માનસિક આઘાતમાંથી સ્વસ્થ થવા તેઓ લંડનની કિંગ્સ કોલેજમાં ઇતિહાસ અને ક્લાસિક્સ સાથે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરે છે. ત્યાં પ્રારંભિક મહિલા અધિકાર ચળવળના સુધારકોના સંપર્કમાં આવે છે.
પિતા દ્વારા પ્રોત્સાહન પામેલા વુલ્ફે ૧૯૦૦ માં વ્યવસાયિક રીતે લખવાનું શરૂ કર્યું. ૧૯૧૨ માં તેમણે લિયોનાર્ડ વુલ્ફ સાથે લગ્ન કર્યા. ઇ.સ. ૧૯૧૭ માં આ દંપતીએ હોગાર્થ પ્રેસની સ્થાપના કરી. વુલ્ફ શારિરીક અને માનસિક ખૂબ જ નબળાં હતાં. માનસિક અસ્વસ્થતાને કારણે તેમણે બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરેલો. ૧૯૪૧ માં ૫૯ વર્ષની વયે કોટના ખિસ્સામાં પથ્થર મૂકીને નદીમાં ઝંપલાવતા તેઓ મૃત્યુ પામે છે. વર્જિનિયા વુલ્ફ્નું સાહિત્યક્ષેત્રે નોધપાત્ર પ્રદાન નવલકથા અને નિબંધ ગણાય છે. ‘ધ વોયેજ આઉટ’ (૧૯૧૫) એ પ્રથમ નવકથા છે.
“અ રૂમ ઓફ વન્સ ઓન” (૧૯૨૯) વર્જિનિયા વુલ્ફ્ના બે વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ પુસ્તક નારીવાદી વિચારધારાનું બાઇબલ ગણાય છે. તેમાં સ્ત્રી-લેખન, સ્ત્રી-જીવન, સ્ત્રી-લેખન પરંપરા વગેરે વિશેની ગહન ચર્ચા છે. છેલ્લા સાત દાયકા દરમિયાન ચર્ચાવેલ દરેકે દરેક નારીવાદી વિચારના મૂળ આ પુસ્તકમા છે. આ વ્યાખ્યાનોમાં તેમણે “ફિકશન (કલ્પના) શૈલી” અપનાવી છે. તેમણે એક પરિસ્થિતી કલ્પી છે, જેમાં રૂમની સૂત્રધાર મેરી બેટને ‘વીમેન એન્ડ ફિકશન’ વિષય પર કોઈ સ્ત્રી સંસ્થામાં વ્યાખ્યાન આપવા જવાનું છે. આમ લેખિકા વર્જિનિયા વુલ્ફ મેરી બેટનના પાત્ર તળે વાત આલેખી રહ્યા છે. લેખિકાની આ ટેકનિક સરળતાથી સમજાઈ જાય છે. તેમણે અહી પોતાના વ્યક્તિગત અનુભવોનું આલેખન કર્યું છે. પરંતુ આ અનુભવો સર્જક મનની કલ્પનાના ‘પ્રિઝ્મ’ (ત્રિપાશ્વ કાચ) માં થઈને વાચક સુધી પહોચે છે. વર્જિનિયા વુલ્ફનું જીવન અને અનુભવો રંગમઢયા મેઘધનુષ્ય સમાન છે અને એ જ તેમના સર્જનાત્મક વિવેચનની મજા બની જાય છે. મુખ્ય સૂત્રધાર મેરી બેટનની બહેનપણી મેરી સેટન એ બીજું કોઈ નહીં પણ વુલ્ફના વાસ્તવિક જીવનની તેમની પિતરાઇ બહેન કેથેરાઈન સ્ટીફન છે. કેથેરાઈન ન્યુનહામ કોલેજની વાઇસ પ્રિન્સિપાલ હતી ત્યારે તેણે વુલ્ફને પોતાની કોલેજમાં સ્ત્રી લેખન પર વ્યાખ્યાન આપવા આમંત્રેલા. તો પોતાને આ વ્યાખ્યાનનો વારસો આપી ગયેલા મૃત ફોઈની પણ વાત કરે છે. આમ ઘણી બધી બાબતો એવી છે કે જેનો સીધો સબંધ લેખિકાના વ્યક્તિગત જીવન સાથે છે. પરંતુ આ બધી જ કાચી સામગ્રીને લેખિકાએ આ કૃતિમાં નવો જ ઓપ આપ્યો છે.
“અ રૂમ ઓફ વન્સ ઓન” એ વુલ્ફની કાલ્પનિક કૃતિઓ પૈકીની એક જાણીતી કૃતિ છે. આ નિબંધમાં તેમણે નારિવાદી સાહિત્યિક આલોચના કરી છે. છ પ્રકરણમાં વહેચાયેલ રૂમનું પ્રથમ પ્રકરણ પુસ્તકનાં હાર્દ સમા મુખ્ય મુદ્દાને સુસ્પષ્ટ રીતે મૂકી આપે છે. “સ્ત્રીએ લેખન કરવું હોય તો તેની પાસે પોતાનો અલાયદો ઓરડો અને પોતાની આગવી મૂડી હોવી જોઈએ.” તો વિક્ટોરિયા પુત્રના કવિઓની સામે આજના કવિઓ શા માટે આટલા ફિક્કા લાગે છે. તેની ચર્ચા કરતાં વુલ્ફ લખે છે. “કવિતા મનુષ્ય મનને સ્પર્શે છે તેનું મુખ્ય કારણ જ એ છે કે મનુષ્ય મનને તે એવી ચરમસીમાએ લઈ જાય છે કે જયાં વિસ્મૃતિ સિવાય કશું જ હોતું નથી. કલ્પના કોઈક ક્ષણે કોઈએ અનુભવેલ એક નાનકડી અનુભૂતિનો ઉત્સવ બની જતી હોય છે.
પોતે એક સ્ત્રી હોવાના કારણે દિવસ દરમિયાન અનુભવેલી અવહેલનાને સ્ત્રીજીવનની કડવી વાસ્તવિકતા દર્શાવતા મેરી બેટન કહે છે. “દરવાજા બહાર પુરાવું એ દુખદ છે તો એથી વધુ દુખદ દરવાજા અંદર પુરાવું છે.” આવા ખૂબ જ રસપ્રદ અને સાતત્યપૂર્ણ ઉદ્દગારો આ પ્રકરણમાં છે. સ્ત્રીસંસ્થામાં ભાષણ આપવા જતાં પૂર્વેના અનુભવોની વાત પણ મેરી બેટન થકી વર્ણવાઈ છે. સ્ત્રીસંસ્થામાં મેરી બેટન પુસ્તકના શીર્ષકથી જ પોતાના વક્તવ્યનો પ્રારંભ કરે છે.
“પોતાનો અલાયદો ઓરડો?” પ્રથમ ફકરામાં મેરી આ બધા વિષયોને શું લાગે વળગે? તેની વિગતે વાત કર્યા બાદ બે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. પોતાનો અલાયદો ઓરડો અને પોતાની મૂડી. અને ત્યાર બાદ ઉમેરે છે કે “એક કલાકના વક્તવ્ય બાદ એક વક્તા પાસેથી અપેક્ષિત નોટબૂકમાં ટપકાવી લેવાય અને સદાય માટે મગજમાં સંગ્રહી લેવાય તેવા સુસ્પષ્ટ તારણ હું ન પણ આપી શકું.”
પ્રથમ પ્રકરણમાં મેરી બેટને ઓક્સબ્રિજ યુનિવર્સિટી ખાતે ગાળેલ એક દિવસનું વર્ણન કર્યું છે. વિચારમગ્ન મેરી બેટન યુનિવર્સિટીની લોન પર આંટા મારે છે. તેને સ્ત્રીલેખન સંબંધી વિચાર મત્સ્યને પકડવું છે. પણ મત્સ્ય પકડાતું નથી. એ નાનકડો વિચાર તેને રહસ્યભરી સંપદા જેવો લાગે છે. તે લાઈબ્રેરીમાં જવાનું વિચારે છે પણ દરવાન તેને ‘સ્ત્રીઓએ પ્રવેશ માટે ભલામણ ચિઠ્ઠી લાવવી પડે’ એમ કહી રોકે છે અને ત્યારે પિતૃસત્તાક વ્યવસ્થાને શાપ આપી મેરી ફરીવાર ત્યાં ન જવાની પ્રતિજ્ઞા સાથે પગથિયાં ઉતરી જાય છે. સ્ત્રીની શા માટે અવગણના કરવામાં આવે છે? કારણ તેની પાસે ધન નથી. એ વિચારે તે ખળભળી ઊઠે છે. બપોરના ભોજનમાં તેમજ ડિનર પાર્ટીમાં પણ તેને ખાસ મજા આવતી નથી. મેરી પાર્ટીમાં હોય કે બાગમાં તેના અંતર્મનમાં બાહ્ય પરિસ્થિતીથી તદ્દન અજાણ એવો અન્ય સમાનાંતર વિચાર સતત ચાલ્યા જ કરે છે. જો મેરી સેટનની મા અને એની માની પણ મા કમાતી હોત તો તેઓ પોતાની દીકરીઓ માટે ધનનો વારસો મૂકતી ગઈ હોત તો આજે પરિસ્થિતી જુદી જ હોત. ત્યારે વુલ્ફ લખે છે. “હું વિચારી રહી કે ખિસ્સાની નિર્ધનતા સ્ત્રી માટે કેટલી જવાબદાર હોય છે.”
બીજું પ્રકરણ નવા દ્દશ્ય સાથે આરંભય છે. મેરી બેટન પોતાના ઘરે આવી પોતાના ઓરડામાં પોતાના લખવાના ટેબલ પર બેઠી છે. ટેબલ પર એક કાગળ પડ્યો છે. તેના પર લખ્યું છે. “વિમન એન્ડ ફિકશન” મેરીના વ્યાખ્યાનનો વિષય. આ વ્યાખ્યાન માટે તે બ્રિટિશ મ્યુઝિયમની લાઈબ્રેરીમાં જાય છે. ત્યાં પુરુષોએ લખેલા પુસ્તકો જુએ છે. ત્યારે તેને થાય છે.
“સ્ત્રીઓએ સદીઓ સુધી કેમ અરીસાનું કામ કર્યે રાખ્યું છે. એવો જાદુઇ અરીસો કે જેમાં પુરુષો પોતાના કદને હોય તેનાથી ક્યાંય વધુ મોટા કદનો જોતો આવ્યો છે. જાદુઇ અરીસો જે દિવસે બોલવા માંડે તે દિવસે વિરાટરૂપધારી પુરુષની છબી સંકોચવા માંડે. તેનું કદ ઘટવા માંડે.” આ વિધાન વર્જિનિયા વુલ્ફની માનસશાસ્ત્રીય પકડના પુરાવા સમું છે. તે પુરુષના છત્રની પરવા કર્યા વગર જીવતી સ્ત્રીની છબીને કંડારે છે. નારીવાદી અદાથી તે ગણગણે છે. “ઉઠાવી લો, સુરક્ષાનું પોકળ કવચ અને કરવા દો તેને મહેનત. તેને જીવનમાં કહેવાતી તકલીફોનો સામનો કરવા દો. બનવા દો તેને જે બનવું હોય તે” આવા વિચાર સાથે તે ઘરનું બારણું ખોલે છે.
ત્રીજા પ્રકરણમાં મેરી બેટનનું પાત્ર ગંભીર બન્યું છે. તે હવે ‘સ્ત્રી અને તેના લેખન’ વિષય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. મેરી બેટનનો અંચળો ઓઢીને બેઠેલા વુલ્ફ હવે વધુ સજાગ બને છે. સ્ત્રી એ લખવું હોય તો પોતાનો અલાયદો ઓરડો અને આગવી મૂડી જોઈએ - એ પાયાનો સિદ્ધાંત પ્રથમ પ્રકરણમાં મૂકનાર મેરી આ અંતિમ પ્રકરણમાં તેની સુપેરે ચર્ચા કરે છે. સ્ત્રીની નિર્ધનતા જ તેને પરાધીન કરે છે. તેને પોતાની આવક અને ઓરડો મેળવવા પડે. આ બંને મુખ્ય વાતો કર્યા બાદ મેરી પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થયેલા અન્યાય અને અત્યાચારની વાત કરતાં પોતાની ઇરછાઓને પૂરી કરવા બંડ પોકારી છેવટે આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરનાર શેક્સપિયરની કલ્પિત બહેન જ્યુડિથની પણ વાત કરે છે. અને ઇતિહાસના પાનાં ઊથલાવી તે પ્રશ્ન કરે છે. કયાં છે ‘ સ્ત્રી’ આ ઇતિહાસમાં? આ પ્રશ્ન પછી જ વુલ્ફ લગભગ નારીવાદી વિચારધારના બીજ વાવે છે.
આ નિબંધમાં કેટલાંક રસપ્રદ અને મહત્વપૂર્ણ વિધાનો મુકાયા છે.
“જ્યારે દર બીજો પુરુષ કાવ્ય કે ગીત લખી શક્યો ત્યારે કોઈ પણ સ્ત્રી કેમ મહાન સાહિત્યનું સર્જન ન કરી શકી?”
આ પ્રશ્નનો જવાબ આપતા મેરી બેટન લખે છે.
“સાહિત્ય કે કલ્પના પર આધારિત કોઈ પણ સર્જન આકાશમાંથી પથરાની જેમ જમીન પર પડતું નથી .... સાહિત્ય ચારે ખૂણેથી આછા - પાતળા તાંતણેથી જીવન સાથે કરોળિયાના જાળાની જેમ જોડાયેલ હોય છે. આ જાળાના પાતળા તાંતણા રોટી, કપડાં અને મકાન જેવી નક્કર વસ્તુઓ સાથે જોડાયેલ છે.”
શેક્સપિયરની બહેન જ્યુડિથની અભિલાષાને સદંતર નડતર થતાં સ્ત્રીદેહની વાત કરતાં મેરી લખે છે.
“સ્ત્રીના ખોળિયાં સાથે જન્મેલ કવિહૃદયના પરિતાપને કોણ સમજી શક્યું છે?”
અપરણિત સગર્ભા બનેલ જ્યુડિથે છેવટે આત્મહત્યાનો માર્ગ સ્વીકારે છે.
આ કૃતિના સ્ત્રીપાત્રોની વાત કરીએ તો આજીવિકા કમાવાના નિર્ધાર સાથે લેખનજગતમાં પ્રવેશતી પ્રથમ સ્ત્રી એફરાં બહેનના સંદર્ભમાં મેરી લખે છે. “જો મારે ઇતિહાસ લખવાનો હોય તો હું આ પરિવર્તનને ‘વોર ઓફ રોઝીઝ’ કરતાં વધુ મહત્વ આપું.”
મેરી શેર્લોર્ટ બ્રોન્ટીની નવલકથા “જેન એર” વિષે લખે છે તેમાં સ્ત્રીની ગુસ્સાની વાત કરે છે તો પિતૃસતાક પૂર્વગ્રહો વચ્ચે ટકી રહેવા માટે સ્ત્રીએ “ફાયર બ્રાન્ડ” બનવું પડે. તે માટે મેરી બેટન કહે છે. “જેને જે કહેવું હોય તે કહે, સાહિત્ય કોઇની બાપની મિલ્કત નથી....તું ભલે દરવાન હોય પણ તારો (પુરુષનો) બબડાટ સાંભળવાની હું સદંતર ના પાડુ છું. તું મને ઘાસ પર ચાલતી અટકાવી શકે, તારી લાઇબ્રેરી મારે માટે બંધ કરી દઈ શકે, પણ એવો કોઈ દરવાજો નથી એવી કોઈ સાંકળ નથી, એવું કોઈ તાળું નથી, જેનાથી તું મારા મગજને કેદ કરી શકે.”
ચોથા પ્રકરણમાં મેરી કાર્માઈકલ અને તેની કલ્પિત નવલકથા “લાઈફ્સ ઍડવેન્ચર” ની વાત આ પ્રકરણનું મુખ્ય કથાવસ્તુ છે. આ નવલકથામાં બે વ્યવસાયિક સ્ત્રીઓ છે. વાત છે તેમના અરસપરસના આકર્ષણ અને સજાતીય સબંધ વિશેની. છેલ્લું પ્રકરણ વાંચતી વખતે મેરી ગણગણે છે. “આ છોકરીને બીજા સો વર્ષ આપો અને પોતાનો અલાયદો ઓરડો આપો. વર્ષે પાંચસો પાઉન્ડ આપો અને જુઓ કે તે કેવું લખે છે. !”
આ નિબંધનું અંતિમ પ્રકરણ લંડન ખાતેના મેરીના એક આખા દિવસનું વર્ણન કરે છે. મેરી બેટન પોતાની ઓરડી માં જુએ છે ૨૬ ઓક્ટોબર ૧૯૨૮ ની લંડન શહેરની સવારે એક ટેક્સી આવી અને એક છોકરો ને એક છોકરી તેમાં બેસી જાય છે ને ટેક્સી ચાલી જાય છે. ત્યારે જ તેમને સ્ત્રીલેખનની, સ્ત્રીસર્જક મનની મન:સ્થિતિ સમજાઈ ગઈ. તે કહે છે. “શું મનુષ્યશરીરની જેમ મનુષ્યમગજને પણ બે સેક્સમાં વહેંચી શકાય? શું તે બંનેને પણ સંપૂર્ણ સંતોષ અને આનંદના ચરમબિંદુ પર પહોંચવા માટે એકાકાર થવાની જરૂર છે?” અને આ પ્રશ્નના જવાબ માટે મેરી કોલરીજના ‘એન્ડ્રોજીની’ ના સિધ્ધાંતને સ્મરે છે. તે કહે છે. “સર્જન માટે લેખકનું મેન-વુમનલી (સ્ત્રીગુણ યુક્ત પુરુષ) કે “વુમન-મેનલી” (પુરુષગુણ યુક્ત સ્ત્રી) હોવું અત્યંત આવશ્યક છે.......આવું મસ્તિષ્ક કોઈ પણ પ્રકારના અવરોધો ઊભા કર્યા વગર લાગણીનું પ્રસારણ કરી દે છે અને તે સ્વત: સર્જનશીલ હોય છે. તે વીજળીના ગોળાની જેમ પ્રકાશિત અને પરિપૂર્ણ હોય છે.”
આવી ઊંડી મથામણ સાથે તે ‘વુમન એન્ડ ફિક્શન’ પર લખવાનું શરૂ કરે છે.આ વ્યાખ્યાનમાં તેમણે બે સંભવિત વિવેચનની વાત કરી છે. (૧) વક્તવ્યમાં સ્ત્રી-પુરુષના લેખનની ક્યાય સરખામણી કરવામાં આવી નથી. (૨) તેમણે ભૌતિક વસ્તુઓને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. તે આગળ લખે છે કે ;
“વળી પુરુષની સરખામણીમાં સ્ત્રી પાસે પૈસો કેટલો હતો? ઓરડા કેટલા હતા?”
“હું માનું છુ કે એક સેક્સને અન્ય સેક્સ વિરુદ્ધ મૂકવી......કે ચઢતી-ઊતરતી માનવી...... તે ખાનગી સમાજવ્યવસ્થા નું પરિણામ છે.”
આ વિધાનો જ સૌ વિવેચકોને બોમ્બવિસ્ફોટ જેવા લાગ્યા છે. નારીવાદનો પાયો નાખનાર વર્જિનિયા વુલ્ફ આવાં સત્ય અને કઠોર વિધાનોને કારણે જ ચર્ચાસ્પદ રહ્યા છે. વુલ્ફે પોતાના આ નિબંધમાં સ્ત્રીને વ્યક્તિ કે લેખિકા બનવું હોય તો તેને માટે ચાર પૂર્વશરત મૂકી છે.
= સ્ત્રી પાસે પોતાનો અલાયદો ઓરડો હોવો જોઈએ. ( અ રૂમ ઓફ વન્સ ઓન)
= તેને પોતાની સ્વતંત્ર આવક હોવી જોઈએ. ( એન ઇન્કમ ઓફ વન્સ ઓન)
= ગૃહલક્ષ્મીની હત્યા કરવાની માનસિક તૈયારી હોવી જોઈએ.
=પોતાના નારીદેહના અનુભવોને કાગળ પર ઉતારવાની હિમ્મત હોવી જોઈએ.
આ ચારેય પૂર્વશરતોની વાત કરીને વુલ્ફે સ્ત્રીજીવનના સમગ્ર સમયપટની સમસ્યાઓને આવરી લીધી છે. નારીવાદી વિચારધારાના પાયાના દરેકેદરેક વિચારનાં બીજ આ પુસ્તકમાં છે,તે સત્ય અવગણી શકાય એમ નથી.